(ગતાંકથી આગળ)

તમારી ટેવો જ તમારું વ્યક્તિત્વ છે

જીવનના બધાં ક્ષેત્રોમાં વિચારો, ભાવનાઓ તથા કર્મની રચના સાથે જોડાયેલી ટેવોની ઘણી મહત્ત્વની ભૂમિકા છે. તેનાથી જ આપણું વ્યક્તિત્વ બને છે કે બગડે છે. જો આપણે લાંબાકાળ સુધી સતત ભલું કે બૂરું કંઈ પણ કરતા રહીએ તો એનો પ્રભાવ આપણા મન અને સ્નાયુઓ પર એટલો પ્રબળ હોય છે કે તે આપણો સ્વભાવ બની જાય છે અને તે ક્રિયા ઇચ્છીએ નહિ તો પણ થવા લાગે છે. એક સેવાનિવૃત્ત સૈનિક ખરીદી કરી ગાંઠડી માથા ઉપર રાખીને ઘરે લઈ જતો હતો. બે હાથે ગાઠડી પકડી હતી. એક તોફાની છોકરાએ એને આવી રીતે કેટલીયેવાર આવતાં-જતાં જોયો હતો. એ દિવસે સૈનિક અન્યમનસ્ક ભાવે એક ખાડા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પેલા છોકરાએ જોરથી રાડ પાડી: ‘સાવધાન!’ સાંભળતાં જ સૈનિકે ગાંઠડી પરથી હાથ નીચે લઈને સલામની મુદ્રામાં ઊભો રહ્યો. એના માથા પરની ગાંઠડી ખાડામાં પડી ગઈ અને બધી ચીજવસ્તુઓ વેરવિખેર. પેલા છોકરાની શયતાની સમજે એ પહેલાં જ આ બધું થઈ ગયું. લાંબા સમયના સૈન્યાભ્યાસને લીધે ‘સાવધાન’ એવો એક શબ્દ સાંભળતાં જ તેના મને તત્કાળ સહજ યંત્રવત્‌ વ્યવહાર કર્યો.

ઘણા લોકો ટેવોની આ મોટી સંયમશક્તિ વિશે બહુ જાણતા નથી. જ્યારે આપણે કોઈ જટિલ કે સંકટપૂર્ણ પરિસ્થિતિમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણી આવી કુટેવો જ આપણા સામે અવરોધ ઉત્પન્ન કરે છે. આપણે પ્રતિદિન અજાણતાં જ પોતાનાં સ્થાન તથા પરિવેશ સાથે અનુકૂલન કરવાનો અભ્યાસ કરીએ છીએ. નાસ્તા પછી સિગરેટ પીવાની ટેવવાળાને ધ્યાનથી જુઓ. એ સમયે જો એની પાસે સિગરેટ ન રહે તો એ ખરીદવા માટે બે કિલોમિટર સુધી પગે ચાલીને જશે. આમ તો ટેવ એટલે કેવળ બૂરી આદતો એવું નથી. બધા પ્રકારની ટેવો પોતાની પ્રચંડ શક્તિ દ્વારા વ્યક્તિને નિયંત્રિત કરે છે અને તેના વ્યક્તિત્વને ઘડે છે. આપણાં ઉપલબ્ધિઓ, વિચારો, દ્વન્દ્વ, રુચિઓ કે સંપત્તિ, પ્રેમ કે ઘૃણા, ક્રોધ કે ચિંતા, રહસ્ય કે દગાખોરી, ગર્વ કે સ્વાભિમાન, પ્રવૃત્તિઓ કે કટુક્તિવ્યંગ આ બધી એવી આદતો છે કે જેમણે આપણને જાણ્યે-અજાણ્યે પોતાના પરિવેશમાં એકત્ર કરી દીધા છે. એક જૂની દૃઢમૂલ ટેવથી મુક્ત થવાની કઠિનતા વિશે અંગ્રેજીમાં એક સૂત્ર છે. એના પહેલા અક્ષર ‘h’ ને હટાવાથી a bit (થોડું) રહે છે. એમાંથી a ને હટાવવાથી bit (અંશ) બાકી રહે છે. b ને દૂર કરો એટલે it (તે) બાકી રહે છે. હવે તમારી સમજમાં આવ્યું હશે કે ટેવનો પ્રભાવ કેટલો પ્રબળ હોય છે.

ટેવ અને ચારિત્ર્ય ઘડતર

આપણું પ્રત્યેક કાર્ય સરોવરમાંના તરંગ જેવું છે. આ તરંગો થોડા સમય સુધી રહીને લુપ્ત થઈ જાય છે. પરંતુ આપણાં વિચાર, ભાવના તથા કર્મ થોડા સમય પછી લુપ્ત થતાં લાગતાં હોવા છતાં પણ મનના અતલ ઊંડાણમાં પોતાની સ્થાયી છાપ છોડી જાય છે. એને સંસ્કૃતમાં ‘સંસ્કાર’ કહે છે. આવા સેંકડો સંસ્કારોથી આપણાં આચરણ તથા ચારિત્ર્યનું નિર્માણ થાય છે. અંગ્રેજીમાં કહેવત છે – ‘Habit is the second nature of man’ – ‘ટેવ એ મનુષ્યનો બીજો સ્વભાવ છે’. ઊંડાણપૂર્વક વિચારવાથી આપણને જાણવા મળશે કે તેઓ જ મનુષ્યના સ્વભાવનો આધાર છે. જોન સ્ટુઅર્ટ મિલે એક વ્યાખ્યા આપી છે: ‘માત્ર ઘડાયેલી ઇચ્છા જ આચરણ કે ચારિત્ર્ય છે.’ કર્મને પ્રેરિત કરનારા વિચારોની સમષ્ટિને જ ઇચ્છા કહે છે. જો એ કોઈમાં એક નિશ્ચિત સુસંબદ્ધ અને રચનાત્મક ક્રમે વ્યક્ત થાય તો આપણે કહીએ છીએ કે એનું ચારિત્ર્ય દૃઢ છે. કોઈને ય બેકાર એમ કહીને તેનો તિરસ્કાર ન કરો, કારણ કે તે એક ચારિત્ર્યનું પ્રતિનિધિત્વ કરે છે. બીજા શબ્દમાં કહીએ તો તે પોતાની ટેવોની એક સમષ્ટિ છે. નવી ઉપયોગી ટેવોની સહાયથી જૂની ટેવો પર વિજય મેળવી શકાય છે. વારંવારની ટેવોથી આચરણ બને છે. સુધારાની ઇચ્છાથી વારંવાર કરાયેલ સારાં કર્મ દ્વારા જ આપણે આપણા આચરણમાં સુધારો લાવી શકીએ છીએ. 

પરિવેશનો પ્રભાવ

ઉચિત માર્ગદર્શનનો અભાવ અને સાથે સુધારણાની તીવ્ર ઇચ્છાથી ઉત્પન્ન પ્રયત્ન ન થતાં જીવન નિરર્થક બની જાય છે. કેવી રીતે એક વ્યક્તિ પથ્થરદિલ અપરાધી બની જાય છે એના વિવરણમાં મનોવિજ્ઞાનના એક વિશેષજ્ઞે કહ્યું છે: ‘હત્યાના દૃશ્યને પહેલીવાર જોનાર વ્યક્તિને ઘણો આઘાત લાગે છે અને એને અપરાધથી પૂર્ણતયા વિરક્તિ આવી જાય છે. પરંતુ આવો જ અપરાધ એને જો વારંવાર જોવા મળે તો તેનાથી અભ્યસ્ત – ટેવાઈ જાય છે અને પછી એને આઘાત લાગતો નથી. જે વ્યક્તિ લાંબા સમય સુધી હત્યારાઓની વચ્ચે રહે છે તે ધીમે ધીમે એમનાથી એટલો બધો પ્રભાવિત થઈ જાય છે કે તેને અપરાધ કરવામાં કોઈ રંજ થતો નથી.’

કેટલાક કેદી લાંબો સમય જેલમાં ગાળ્યા પછી બહાર આવે છે. મુક્ત થયા પછી એમાંના કેટલાક જેલરને ફરીથી જેલમાં રાખવાની વિનંતી કરે છે. પોતાના ટેવ જેવા બનેલા પરિવેશની બહાર આવીને તેઓ પોતાને અસહાય માને છે.’ ગંદકીમાં રહેનારા લોકો સ્વચ્છતાના બધા નિયમો ભૂલીને ગંદકીથી ટેવાઈ જાય છે. આ પરિવેશનો પ્રભાવ છે. શું આવા દલદલમાંથી નીકળવું સંભવ છે ખરું?

તમે કદાચ યુવાન અંગ્રેજી વેપારી ડંકનની વાર્તાથી પરિચિત હશો. એણે એક નરભક્ષી જનજાતિના લોકોનાં રીતિરિવાજ, પરંપરા તથા પરિવેશને લીધે કુટેવોની ખાઈમાંથી બહાર કાઢવાના ઉદ્દેશ્ય સાથે અનન્ય બલિદાન, પ્રયાસ તથા નિષ્ઠા સાથે સતત ઝઝૂમ્યો હતો. એમના આ મહાન પરાક્રમવાળા પુરુષાર્થવાળી કથા કોઈ પણ પ્રગતિ તથા વિકાસના માર્ગે ચાલવા ઇચ્છુક જાતિને પ્રેરણાદાયી બનશે.

ઈ.સ. ૧૮૫૭માં એક બ્રિટિશ વેપારી જહાજ કેનેડાના ઉત્તર પશ્ચિમે અલાસ્કા પાસે પ્રશાંત મહાસાગરના એક દ્વીપ પાસે આવ્યું. તટના દૃશ્યને જોઈને એક યુવા વેપારીના રુવાડાં ઊભાં થઈ ગયાં. અહીં ૨૦થી પણ વધારે મનુષ્યોના કપાયેલા અંગો અહીંતહીં પડ્યાં હતાં. ડંકનનાં આતંક અને ગભરામણને જોઈને જહાજના અધિકારીએ કહ્યું: ‘આ સિમશિન ઇન્ડિયન છે. આ લોકો હંમેશાં અંદર અંદર લડતા રહે છે અને એકબીજાની હત્યા કરે છે, તેઓ નરભક્ષી પણ છે. હત્યા કરવી એ એમને મન રમત છે, મદિરાપાનથી પણ ટેવાયેલા છે. રુંવાટીવાળું ચામડું તેઓ ઘણી મહેનતથી લાવે છે અને દારૂના બદલામાં સસ્તામાં વહેંચી નાખે છે. દારૂ માટે પોતાનાં બાળકોને પણ વેચતાં તેઓ અચકાતા નથી.’ એક પિતા ધન માટે પોતાની વિલાપ કરતી પુત્રીને સૈનિકોના હાથમાં સોંપી દેવા વિવશ કરે છે એ જોઈને ડંકન આતંકિત થઈ ગયો. એને ઘણું દુ:ખ થયું. એના મનમાં આવા વિચાર આવવા લાગ્યા: એમને માર્ગદર્શનની આવશ્યકતા છે, એમને એક સુધારકની જરૂર છે. એના માનવપ્રેમે એને આવો સંકલ્પ લેવા માટે બાધ્ય કર્યો. એણે દૃઢસંકલ્પ સાથે સમાજસેવાના ક્ષેત્રમાં ઝંપલાવ્યું. આ ક્ષેત્રમાં કોઈ ધોળી ચામડીવાળા માનવે ક્યારેય પ્રયાસ કર્યો ન હતો. પોતાની જાતને ભયંકર સંકટમાં નાખીને તે આવા જંગલી લોકોની પાસે રહેવા લાગ્યો. તેમની ભાષા શીખી અને શુદ્ધપ્રેમ અને સચ્ચાઈથી એમના દિલને જીતવાનો પ્રયાસ કર્યો. ઝૂંપડીએ ઝૂંપડીએ જઈને લોકોની સાથે સંબંધ બાંધ્યો. સ્વચ્છતા અને સ્વાસ્થ્યના નિયમો બતાવ્યા. યુવકોને એકઠા કરીને, તાલીમ આપીને તેણે એમને સાચા સ્વયંસેવકોનું એક દળ બનાવ્યું. ગિરિજાઘર બનાવ્યાં, લોકોને ધર્મોપદેશ આપ્યો, લોકોની દૃઢમૂળ કુટેવોને નિર્મૂળ કરવા અનેક વર્ષો સુધી ધૈર્ય અને વિલક્ષણ સંકલ્પશક્તિ સાથે તેણે સંઘર્ષ કર્યો. 

આવો લાંબો સંઘર્ષ સહજ નથી. ‘મહાન કાર્યમાં સદા વિઘ્નો આવે છે’ ડંકનના આ સેવાકાર્યમાં પણ આ કથન સાચું નીવડ્યું. જેમની સેવા કરવા ઇચ્છતો હતો એ લોકોએ અને એમના નેતાઓએ એમનો વિરોધ કર્યો, લોકોનું શોષણ કરનારા વેપારીઓએ પણ વિરોધ કર્યો. ધર્મગુરુઓ વિરુદ્ધમાં ગયા. પરંતુ એણે એકલા જ અપૂર્વ પરાક્રમ, ઉત્સાહ, આત્મવિશ્વાસ સાથેના અવિરામ સંઘર્ષથી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો અને સફળતા મેળવી.

એમનો સંઘર્ષ ૬૦ વર્ષ પછી ફળીભૂત થયો. પોતાની ભયાનક બર્બરતાને લીધે કુખ્યાત સિમશિન જાતિના લોકો આજે ઘણા શાંતિપ્રિય, સુશીલ, સભ્ય બન્યા છે; તેઓ બર્બરતાપૂર્ણ કાર્ય કરતા નથી અને શરાબનો સ્પર્શ પણ નથી કરતા. ડંકને પોતાના પ્રયોગ અને શોધના પછી ઘોષણા કરી કે સારી ટેવો દ્વારા જૂની ખરાબ આદતો પર વિજય મેળવી શકાય છે. ૧૯૧૮માં ૮૬ વર્ષની ઉંમરે તેઓ મૃત્યુ પામ્યા. પરંતુ તે સદાને માટે સિમશિન જાતિના પ્રિયપાત્ર બની ચૂક્યા.

(ક્રમશ:)

Total Views: 84

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.