ઈ.સ.૧૮૮૫ના જૂનમાં શ્રીરામકૃષ્ણદેવને ગળામાં દર્દની શરૂઆત થઈ. સાધારણ ઉપરચારથી આ રોગ કાબુમાં આવ્યો નહીં આથી નરેન્દ્રનાથ અને અન્ય શિષ્યોએ વિચાર્યું કે કલકત્તામાં નિષ્ણાંત ડૉક્ટરોની સારવાર થશે તો આ દર્દ જરૂર મટી જશે. આમ વિચારીને શ્રીરામકૃષ્ણદેવને દર્દની સારવાર માટે કલકત્તા લઈ જવાનું નક્કી કર્યું. શરૂઆતમાં આઠ દિવસ તેમના ગૃહસ્થ ભક્ત બલરામ બોઝને ત્યાં રહ્યા અને પછી શ્યામપુકુરમાં એક નાનકડું મકાન ભાડે રાખવામાં આવ્યું. જ્યારે રામકૃષ્ણ દક્ષિણેશ્વર છોડીને કલકત્તા ગયા ત્યારે તો શ્રીમા શારદાદેવી દક્ષિણેશ્વરમાં એકલા જ રહ્યાં હતાં અને ત્યારે માને ભારે ચિંતા થવા લાગી હતી કેમ કે શ્રીરામકૃષ્ણદેવે ત્રણ ચાર વર્ષ પહેલાં પોતાના લીલા સંવરણની વાત કરતા તેમને જણાવ્યું હતું કે ‘જ્યારે હું વિચાર્યા વગર બધાના જ હાથનું રાંધેલુ જમીશ. કલકત્તામાં રાતો ગાળીશ અને મારા ખોરાકનો અગ્ર ભાગ બીજાને ખવડાવીને ખાઈશ ત્યારે જાણજો કે આ શરીર છૂટવાને બહુ વાર નથી’ અને આ નિશાનીઓ હવે મળવા લાગી. શ્રીરામકૃષ્ણ હવે કલકત્તામાં જ રહેવા લાગ્યા અને ત્યાં ભાત સિવાયનો બીજાઓએ રાંધેલો ખોરાક પણ લેવા લાગ્યા. એકવાર પોતાને માટે રાંધેલા ખોરાકમાંથી જ્યારે તેમણે ભાત અને સુપ નરેન્દ્રને આપ્યા ત્યારે મા એ વિરોધ કર્યો કે ‘ના ના આ તો તમારા માટે છે. નરેન્દ્રને હું બીજું આપીશ.’ પણ તેઓ માન્યા નહીં. ઉલટાનું એમ કહ્યું કે ‘નરેન્દ્રને ખવડાવવામાં કોઈદોષ નથી.’ છતાં માને થયું કે શ્રીરામકૃષ્ણદેવે કહેલી બધી નિશાનીઓ હવે મળી રહી છે. તો શું સાચે જ ઠાકુર પોતાની માયા સંકેલી લેશે! અને આ વિચારે તેઓ ચિંતિત બની જતાં હતાં.

એમાં યોગીનમાની વાતે તો માને ભારે દુઃખ જ પહોંચાડ્યું. તેમણે માને કહ્યું ‘ગુલાબ માએ મને જણાવ્યું કે, તને ખબર છે ઠાકુર શા માટે કલકત્તા ચાલ્યા ગયા છે? તેઓ તો મા ઉપર ગુસ્સે થઈને કલકત્તા ચાલ્યા ગયા છે. ‘તો મા ખરેખર એવું કાંઈ બન્યું હતું કે ઠાકુર એકાએક દક્ષિણેશ્વર છોડી ચાલ્યા ગયા?’ યોગીનમાએ તો સહજ ભાવે શારદામણિ માને પૂછી નાખ્યું. પણ આ વાત સાંભળીને માનું હૃદય ચિરાઈ ગયું. એવું તો કશું જ બન્યું ન હતું ઠાકુર એમનાથી નારાજ થાય. છતાં આ વિચાર તેમના મનમાં ઘૂસી ગયો અને થયું કે શું ખરેખર આવું બન્યું હશે? તો જતા પહેલા તેમણે જણાવ્યું કેમ નહીં? શું ખરેખર મારો કોઈ દોષ હશે? ગુલાબે આમ કેમ કહ્યું? શું એમણે ગુલાબને કાંઈ વાત કરી હશે?” આ વિચારથી તેઓ વ્યથિત બની ગયા અને તેમને ચેન ન પડ્યું એટલે તેઓ ઘોડાગાડી ભાડે કરીને સીધા શ્યામપુકુર આવી પહોંચ્યા. એમને એકાએક આવેલા જોઈને રામકૃષ્ણદેવને ભારે આશ્ચર્ય પણ થયું. પરંતુ રડતાં રડતાં મા એ રામકૃષ્ણદેવને પૂછ્યું કે ‘ઠાકુર ખરેખર તમે મારા ઉપર નારાજ થઈને અહીં આવતા રહ્યા છો? મારો કોઈ અપરાધ થયો હોય તો મને જણાવો મને ક્ષમા કરો.’ ત્યારે રામકૃષ્ણદેવે કહ્યું ‘કેમ રે બાબત શી છે? આવુ તમને કહ્યું કોણે?’

‘ગુલાબે કહ્યું’ ‘અરે રે ગુલાબે તમને રડાવ્યા શું તે જાણતી નથી કે તમે કોણ છો? ક્યાં છે ગુલાબ? એને એકવાર મારી પાસે આવવા દો તમારા વિષે આવું એનાથી કહેવાય જ કેમ?’

પછી શ્રીરામકૃષ્ણદેવે શારદામણિ માને સમજાવતા કહ્યું, “તમારાથી નારાજ થવાની વાત તો ક્યારેય આવતી જ નથી પણ આ યુવાન ભક્તોની એવી ઈચ્છા છે કે અહીં કલકત્તામાં રહીને ગળાના દર્દની સારવાર સારી રીતે થઈ શકશે. એટલે તેઓ બધા જ મને અહીં લાવ્યા છે. માટે તમે જરાપણ ચિંતા કરશો નહીં અને કશું પણ મનમાં લાવશો નહીં.” આ પછી શ્રી મા શાંત થયા અને દક્ષિણેશ્વર પાછા ફર્યા. પછી જ્યારે ગુલાબમા શ્યામપુકુર ગયા હતા ત્યારે શ્રીરામકૃષ્ણદેવે તેમને આ બાબતમાં ઠપકો આપ્યો હતો. એટલે પછી ગુલાબમાએ દક્ષિણેશ્વર જઈને રડતાં રડતાં માને પોતાના આ અપરાધ માટે માફી આપવા કહેલું અને મા એ કંઈ જવાબ ન આપતા હસતાં હસતાં ‘ઓ મારી ગુલાબ’ એમ કહીને એની પીઠ ઉપર પોતાનો હાથ થપથપાવી એની ગ્લાનિ અને ક્ષણમાં જ દૂર કરી દીધી હતી!

યુવાન ભક્તો દ્વારા શ્યામપુકુરમાં શ્રીરામકૃષ્ણની સેવા સુશ્રુષાની વ્યવસ્થા તો સારી રીતે ગોઠવાઈ ગઈ પરંતુ શ્રીરામકૃષ્ણદેવ માટે પથ્ય ભોજન બનાવવા માટે કોઈ હતું નહીં. ગળામાં દર્દ હોવાથી એમના માટે ખાસ સૂપ, કાંજી વગેરે બનાવવા પડતાં આથી આ ભક્ત શિષ્યોને થયું કે જો શ્રી મા અહીં આવીને રહે તો ઠાકુરને ઉત્તમ પથ્ય મળી શકે. પણ અહીં તો માને રહેવા માટે કોઈ સગવડ જ ક્યાં હતી? એક જ ઓરડો હતો. બધા યુવાન શિષ્યો વચ્ચે માને એકલાં જ રહેવાનું હતું. મા પોતે કેવાં તો શરમાળ હતાં. દક્ષિણેશ્વરમાં આટલો વખત રહ્યાં હતાં, છતાં કોઈએ તેમને જોયાં પણ ન હતાં! તેઓ હંમેશા પરદા પાછળ રહીને જ કામ કરતાં રહ્યાં હતાં અને હવે બધાની વચ્ચે, આવી અગવડભરી સ્થિતિમાં એમને રહેવા માટે કેવી રીતે કહેવું? એ અંગે શિષ્યો ભારે મૂંઝવણ અનુભવી રહ્યા હતા. એટલે આખરે શિષ્યોએ શ્રીરામકૃષ્ણદેવને વાત કરી બધી હકીકત જણાવી ત્યારે શ્રીરામકૃષ્ણદેવે કહ્યું ‘પણ એમને અહીં ફાવશે? છતાંયે એમને પૂછી તો જુઓ. બધી જ પરિસ્થિતિ જાણ્યા પછી પણ જો તેઓ આવવા ઈચ્છે તો ભલે આવે.’ બધાના મનમાં એવી દ્વિધા હતી કે આવા સંકોચશીલ અને શરમાળ પ્રકૃતિના મા આવી સ્થિતિમાં અહીં આવવાનું સ્વીકારશે કે કેમ? પરંતુ પાછળથી જેમ અભેદાનંદજી મહારાજે ગાયું ‘શ્રીરામકૃષ્ણ ગત પ્રાણા, જેમણે પોતાનું સમગ્ર જીવન પોતાના પ્રાણ સુદ્ધાં શ્રીરામકૃષ્ણદેવને સમર્પિત કરી દીધા હતા એ શારદાદેવીએ જ્યારે જાણ્યું કે શ્રીરામકૃષ્ણદેવને ભોજનની અગવડ પડી રહી છે ત્યારે કોઈનાય કહ્યા વગર જ તેઓ શ્યામપુકુર આવી પહોંચ્યા અને શ્રીઠાકુરની સેવાનો ભાર અહીં પણ એમણે નેપથ્યમાં રહીને ઉઠાવી લીધો.

આ મકાનમાં બે ઓરડા અને નાની નાની ઓરડીઓ જ હતી. તેમાં એક મોટો ઓરડો બેઠકરૂમ તરીકે વપરાતો હતો અને બીજો મોટો ઓરડો શ્રીરામકૃષ્ણદેવનો હતો અને તેની ઉત્તર-પશ્ચિમ બાજુએ બે નાની નાની ઓરડીઓ જ હતી. તેમાં એકમાં રાત્રે યુવાન શિષ્યો રહેતા હતા અને બીજીમાં રાત્રે શ્રીમા સૂવા જતાં હતાં. આ તો રાતની વાત થઈ પણ દિવસના ભાગમાં તો મા દાદરાની પાસે આવેલી ચાર ચોરસવાર જેટલી વરંડાની જગ્યા હતી, એ જગ્યામાં જ રહેતા અને ત્યાં જ રહીને શ્રીઠાકુરનું પથ્ય બનાવતા. અહીં પણ તેમણે દક્ષિણેશ્વરની જેમ જ પોતાની દિનચર્યા એવી રીતે ગોઠવી લીધી કે કોઈને ભાગ્યે જ ખબર પડે કે અહીં કોઈ સ્ત્રી રહે છે! અહીં તો બધાને નહાવા માટે એક જ બાથરૂમ હતી. આથી મા બધાના ઉઠ્યા પહેલા પરોઢિયે ત્રણ વાગ્યે ઉઠીને શૌચ સ્નાન કરી લેતા હતા અને એ પછી તેઓ અગાશીની છત ઉપર ચાલ્યા જતા. ત્યાં આખો દિવસ ગાળતા ત્યાંજ રસોઈ બનાવતા અને રસોઈ તૈયાર થઈ જાય પછી વયોવૃદ્ધ ગોપાલદા કે લાટુ દ્વારા ખબર મોકલાવતા એટલે શ્રીરામકૃષ્ણદેવના ઓરડામાંથી બધા ભક્તો ચાલ્યા જતા અને શ્રીમા શ્રીઠાકુરની થાળી લઈને નીચે આવતાં અને ક્યારેક તો સેવકો મારફત જ ખાવાનું મોકલાવી દેતાં અને આખો દિવસ વરંડાથી નીચે ઊતરતા નહીં. ફક્ત રાત્રે અગિયાર વાગ્યે બધા સૂઈ જાય પછી નીચે આવીને પોતાની ઓરડીમાં સૂઈ જતાં અને રાત્રે બે-ત્રણ વાગ્યે તો ઉઠી જતા. આમ દક્ષિણેશ્વરમાં નોબતખાનાની ઓરડી કરતાં પણ શ્યામપુકુરમાં એમનું જીવન ઘણું કઠોર હતું છતાં તેઓ સદાય પ્રસન્નચિત રહેતા કેમકે શ્રીરામકૃષ્ણદેવની સેવામાં તેમને પોતાના કષ્ટો કે દુઃખો જણાયા જ નહોતા. શ્રીઠાકુરની સેવા માટે એમણે પોતાની સગવડ કે અગવડનો કોઈ જ વિચાર કર્યો ન હતો. તેમણે દિવસ કે રાત જોયા વગર શ્રીઠાકુરનું સ્વાસ્થ્ય જલદી સારું થાય એ માટે લગભગ અઢી મહિના સુધી શ્યામપુકુરમાં દિવસે ખુલ્લી છતવાળા વરંડામાં અને રાત્રે નાનકડી ઓરડીમાં રહ્યા. રાત દિવસ એમણે શ્રીરામકૃષ્ણદેવની કાળજીભરી સંભાળ રાખી છતાં પણ શ્રીરામકૃષ્ણદેવની માંદગીમાં કોઈ સુધારો જણાયો નહીં.

આથી ડૉક્ટરે એમને ખુલ્લી જગ્યામાં કોઈ શાંત સ્થળે રહેવા જવા માટે ભલામણ કરી અને પરિણામે શિષ્યોએ શ્રીરામકૃષ્ણદેવ માટે કાશીપુરના બગીચામાં આવેલો બંગલો ભાડે રાખ્યો. આ બંગલો ઘણો મોટો હતો. આથી શ્રીમાને અહીં રહેવા માટેની ઘણી મોકળાશ મળી. છતાં પણ હજુ તેઓ નેપથ્યમાં જ રહીને સેવા સુશ્રૂષાનું સઘળું કાર્ય સંભાળી રહ્યા હતા. પણ આ બંગલો મોટો હોવાથી હવે શ્રીરામકૃષ્ણના યુવક ભક્તોની સંખ્યા પણ વધવા લાગી અને એ બધા યુવક ભક્તોની વ્યવસ્થાનું કાર્ય પણ પરદા પાછળ રહીને શ્રી મા જ કરી રહ્યા હતા જાણે શ્રીરામકૃષ્ણની દૈહિક હાજરીમાં જ રામકૃષ્ણસંઘનું ગઠન કેન્દ્ર સ્થાને રહેલી માતૃશક્તિ અદૃશ્ય રીતે કરી રહી ન હોય! ભલે શ્રીરામકૃષ્ણદેવ રુગ્ણશૈય્યામાં પડેલા હતા પણ છતાંયે જાણે તેઓ પોતાના ભાવિ કાર્ય માટે શ્રીમાને તૈયાર કરી રહ્યા હતા. આમ ભવિષ્યમાં ઉભા થનારા વિરાટ રામકૃષ્ણ સંઘનાં બીજ શ્રીરામકૃષ્ણદેવે જાણે શ્રીમા શારદાદેવીને નેપથ્યમાં રાખીને એમના દ્વારા જ વાવી દીધાં!

અહીં કાશીપુરમાં ૨હેવાની ઘણી સુવિધા હતી. આથી શ્રીઠાકુરની ભત્રીજી લક્ષ્મીદીદી અને અન્ય ભક્ત સ્ત્રીઓ પણ શ્રીમા પાસે અવાર નવાર રોકાઈ જતાં પરંતુ મોટે ભાગે તો શ્રીમા શ્રીરામકૃષ્ણ અને તેના યુવાન શિષ્યોની વચ્ચે એકલા જ રહેતાં હતાં. તેઓ બપોરના અને સાંજના સમયે શ્રીરામકૃષ્ણની ભોજનની થાળી લઈને જતાં અને તેમને જમાડીને પાછા પોતાના ઓરડામાં આવી જતાં. કાશીપુરનો બગીચો ઘણો જ વિશાળ અને સુંદર હતો. પણ કોઈએ શ્રીમાને એ બગીચામાં ફરતા જોયાં ન હતા અરે બપોર અને સાંજના સમયે જ તેઓ શ્રીરામકૃષ્ણના ઓરડામાં એમને જમાડતાં જોવા મળતાં એ સિવાય એમના દર્શન પણ દુર્લભ હતા કેવું આકરું તપ અને કેવી તો કઠોર તપશ્ચર્યા!

કાશીપુરના બગીચામાં ઉપલે માળે જવા માટેની એક લાકડાની સીડી હતી. એના પગથિયા એવા તો ઊંચા ઊંચા હતા કે તંદુરસ્ત માણસોને ય એ સીડી ચડવામાં ભારે તકલીફ પડતી શ્રીમાને પગે તો વા નું દર્દ હતું અને તેમને હાથમાં શ્રીઠાકુરના ભોજનની થાળી લઈને નીચે ઉતરવું પડતું એટલે તેઓ ખૂબ જાળવી જાળવીને ચડતા ઉતરતા. પણ એમાં એક દિવસ અઢીશેર દૂધ ભરેલું તપેલું લઈને સીડીના પગથિયા ચડી રહ્યા હતા ત્યાં ચક્કર આવતા સીડી પર જ પડી ગયા. દૂધનું વાસણ ઉંધુ વળી ગયું અને એમની પગની પેનીનું હાડકું ખસી ગયું અને તેઓ ત્યાં જ બેભાન થઈ ગયા. એ તો ત્યાં બાબુરામ હાજર હતા એમણે ઊંચકીને શ્રીમાને એમના રૂમમાં સૂવડાવી દીધા. પણ એમના પગમાં ભારે સોજો આવી ગયો. હવે તેઓ બિલકુલ ચાલી શકતા નહોતા. જ્યારે શ્રીરામકૃષ્ણદેવને ખબર પડી ત્યારે તેઓ બાળકની જેમ ચિંતિત બની ગયા. જેમ પોતાની માતા બિમાર પડે અને બાળક બેબાકળું બની જાય એમ શ્રીરામકૃષ્ણદેવ પણ વિહ્વળ બની ગયા કારણ કે તેઓ નાના બાળકની જેમ જ સંપૂર્ણપણે શ્રીમા ઉપર જ નિર્ભર હતા. પોતાના ખાવાપીવાની દિન- ચર્યાની દરેક બાબતમાં તેઓ સાવ નિશ્ચિંત હતા. આથી જ્યારે એમણે જાણ્યું કે શ્રીમા બિલકુલ ચાલી શકે તેમ નથી ત્યારે ભારે ચિંતા કરવા લાગ્યા, પણ આ ચિંતા તેમણે યુવાન શિષ્યો આગળ વધુ રમૂજભરી રીતે રજૂ કરી કે આવા દુઃખમાં પણ બધા હસી પડ્યા. તે વખતે મા નાકમાં ગોળ નથ પહેરતાં હતાં એટલે શ્રીરામકૃષ્ણદેવે પોતાના હાથનો અભિનય કરી નથ બનાવી બાબુરામને કહ્યું ‘તું એમને ટોપલામાં બેસાડીને અહીં લઈ આવ’ આવી સ્થિતિમાં પણ મા એ ઠાકુરનું પથ્ય તો બનાવ્યું પણ બે ત્રણ દિવસ સુધી તેઓ ઉપર આવી શક્યા નહોતા. પણ પછી જલદીથી સાજા થઈ ગયા ત્યારે જ શ્રીરામકૃષ્ણદેવને નિરાંત થઈ.

ભક્ત શિષ્યોની અવિરત સેવા સુશ્રૂષા અને શ્રી મા ની કાળજીભરી સંભાળ હોવા છતાં પણ શ્રીરામકૃષ્ણનું ગળાનું દર્દ ઘટવાને બદલે વધતું હતું. આથી શ્રીમા ચિંતિત હતા. એમાં શ્રીમાને ખબર મળ્યા કે શ્રીરામકૃષ્ણદેવને મળવા માટે કેટલાક ભક્તો ફળ, મિઠાઈ વગેરે લઈને દક્ષિણેશ્વર ગયા હતા પણ ત્યાં શ્રીરામકૃષ્ણદેવ ન હોવાથી તેમણે શ્રીરામકૃષ્ણદેવની છબીને આ બધું ધરાવીને પ્રસાદ લીધો. આ ખબર મળતા મા ને થયું કે ભારે અપશુકન થયા છેકે મા કાલીને ભોગ ન ધરાવતાં શ્રીઠાકુરની છબીને ભોગ ધરાવ્યો! કેમ કે એકાદ વરસ પહેલા શ્રીરામકૃષ્ણે મા ને કહ્યું હતું ‘જ્યારે તમે જુઓ કે ઘણાં લોકો આને (પોતાની છાતી ઉપર હાથ રાખીને) દેવ તરીકે માની પૂજા કરે ત્યારે જાણજો કે આનો અંતરધ્યાન થવાનો સમય આવી ગયો. છે.’ આ વાતનું સ્મરણ થતાં શ્રીમાના મનમાં થવા લાગ્યું કે ‘શું ખરેખર શ્રીઠાકુર પોતાની જાતને સંકેલી રહ્યા છે?’ આ વિચારે તેમને ખૂબ જ વ્યગ્ર બનાવી દીધાં. ત્યારે શ્રીરામકૃષ્ણદેવે એમને કહ્યું ‘અરે! તમે લોકો ખોટી ચિંતા કરો છો હવે પછી તો ઘરે ઘરે મારી પૂજા થશે. હું સોગંદ ખાઈને કહું હોં!’ શ્રીરામકૃષ્ણદેવના આ વચને તો શ્રીમાને ફરીથી પ્રતીતિ કરાવી દીધી કે સાચે જ જાણે ઠાકુર પોતાની લીલા સંકેલી રહ્યા છે. એટલે એમના તરફથી તો કોઈ સાંત્વના કે આશ્વાસન મળે તેવું હતું નહીં અને એમનું મન આવનારી પરિસ્થિતિને સ્વીકારવા માટે બિલકુલ તૈયાર નહોતું. આથી તેમણે મૃત્યુંજય ભગવાન મહાદેવનું શરણ લીધું. તેમણે ભગવાન તારકેશ્વરની પૂજા કરવાની અને નિર્જળ ઉપવાસ કરવાની માનતા કરી અને ભગવાન પાસે શ્રીરામકૃષ્ણદેવના દીર્ઘ આયુષ્યની માંગણી કરવા ત્યાં જવાનું મનોમન નક્કી કર્યું. આ વિષે એમણે શ્રીરામકૃષ્ણને પૂછ્યું, ‘હું તારકેશ્વર જાઉં?’

‘તમારે ત્યાં જવું છે? તો ભલે જઈ આવો.’ શ્રીરામકૃષ્ણે તેમને રોક્યા નહીં આથી તેઓ તારકેશ્વર ગયાં. ભગવાન તારકનાથની પૂજા કરી બે દિવસના નિર્જળા ઉપવાસ કર્યા. ભગવાનને તીવ્ર ભાવે પ્રાર્થના કરી. જપ કર્યા પરંતુ ભગવાનની કૃપાનો કોઈ જ અણસાર સુદ્ધાં એમને મળ્યો નહીં. બીજી રાત્રે ભગવાનને તીવ્ર ભાવે પ્રાર્થના કરવા લાગ્યા અને પ્રાર્થના કરતાં કરતાં જ એમની આંખ મળી ગઈ. એ નિદ્રાવસ્થામાં તેમણે એક અવાજ સાંભળ્યો. જાણે એક ઉપર એક રાખેલા માટલાઓને કોઈ લાકડીઓથી ભાગી રહ્યું હોય એવો એ અવાજ હતો, અવાજ સાંભળીને તેઓ જાગી ગયા અને એમના અંતરમાં ઝબકારો થયો, આ સંસારમાં કોણ કોનો પતિ અને કોણ કોની પત્ની! કોને માટે હું પ્રાણ ત્યાગ કરવા આવી છું?’ જાણે ભગવાન તારકનાથે એમના મન પર રહેલો માયાનો પરદો હટાવી દીધો અને તેમના મનને પ્રબળ વૈરાગ્યથી ભરી દીધું. પછી તેઓ પથારીમાંથી ઉભા થઈ ગયા અને પાસેના કુંડમાંથી ખોબો ભરીને જળ લીધું અને બે દિવસ સુકાઈ ગયેલા ગળાને એનાથી ભીજવ્યું અને ભગવાન આશુતોષ પાસેથી શ્રીરામકૃષ્ણદેવના આયુષ્યને બદલે જ્ઞાન અને વૈરાગ્યની દૃષ્ટિ લઈ તેઓ પાછા ફર્યા ત્યારે શ્રીરામકૃષ્ણે એમને હસતાં હસતાં પૂછ્યું, ‘કેમ કાંઈ વળ્યું? કશું જ નહીંને?’ ત્યારે શ્રીમાએ જાણ્યું કે શ્રીરામકૃષ્ણદેવ પોતે જ હવે જાણે ઐહિક લીલા સંકેલી રહ્યા છે એટલે કંઈ વળવાનું નથી!

(ક્રમશઃ)

Total Views: 81

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.