(જૂન ૨૦૦૪ થી આગળ)

મનુષ્યે પોતાના દ્વારા જ સ્વયંને ઉપર ઉઠાવવો રહ્યો. એણે પોતાની જાતને નીચે પાડવાની નથી. આપણે જ આપણા મિત્ર છીએ અને આપણા શત્રુ પણ આપણે છીએ. જ્યારે આપણે પોતાની જાતને નિમ્ન ‘હું’ દ્વારા પ્રેરિત થવા દઈએ છીએ ત્યારે સ્વયંને નીચે પાડી દઈએ છીએ. એ વખતે આપણે આપણી જાતને પોતાના શત્રુઓ દ્વારા પરાજિત થવા દઈએ છીએ. પરંતુ જ્યારે આપણે ‘નિમ્ન સ્વયં’ની દુષ્પ્રેરણા પર વિજય મેળવવા માટે થોડા ઘણા આધ્યાત્મિક અનુશાસનનું પાલન કરવા કષ્ટ સહન કરીએ છીએ અને જેના દ્વારા આપણે પોતાના ‘ઉચ્ચ સ્વયં’ સુધી ઊર્ધ્વકક્ષાએ જઈ શકીએ ત્યારે આપણું મન આપણું મિત્ર હોય છે. કવિ સેમ્યુઅલ ડેનિયલે પણ સમાન વિચારધારા વ્યક્ત કરી છે. તેઓ કાવ્યમાં કેટલી સાચી વાત લખે છે : ‘કરતો નથી આરૂઢ જ્યાં સુધી ‘સ્વયં’ને ‘સ્વયં’ પર, રહે છે કેટલો ઉદાસી આ માનવ!’ એટલે આપણે આપણી જાતને વધુને વધુ ઊર્ધ્વસ્તરે લઈ જવી પડશે. જ્યાં સુધી આપણે આપણી પોતાની દિવ્ય સત્તા પર અધિકાર પ્રાપ્ત કરવાનું કષ્ટ ઉઠાવતા નથી ત્યાં સુધી માનવ કેટલો ઉદાસી રહે છે! જો માનવ સ્વયંને માત્ર ‘નિમ્નસ્વયં – પશુસ્વયં’ જૈવિક સ્વયં દ્વારા પ્રભાવિત થવા દે છે ત્યારે માણસ ઉદાસીન રહે છે. વાસ્તવમાં શ્રીરામકૃષ્ણ કહે છે તેમ : ‘જે મનુષ્ય પોતાની દિવ્ય સત્તા પ્રત્યે સચેત છે તે જ મનુષ્ય છે.’ ૧લી જાન્યુઆરી, ૧૮૮૬ના રોજ કોલકાતાની નજીક કાશીપુર ઉદ્યાનગૃહ (કલ્પતરુ દિને) આ સૂચક શબ્દોમાં શ્રીરામકૃષ્ણે પોતાના સર્વોચ્ચ આશીર્વાદ વ્યક્ત કર્યા હતા: ‘તમને બધાને એ આધ્યાત્મિક જ્યોતિ કે ચૈતન્ય પ્રાપ્ત થાઓ.’ એ દિવસે શ્રીરામકૃષ્ણે ભક્તો પર સવિશેષ દયાથી અમીવૃષ્ટિ કરી હતી. એ દિવ્યભાવમાં એમણે એ અવસરે ઉપસ્થિત ભક્તોનો સ્પર્શ પણ કર્યો. એને પરિણામે પ્રત્યેક ભક્તના અંતરનું અવિલંબ પરિવર્તન થઈ ગયું. સાથે ને સાથે એમને પોતપોતાના ઈષ્ટદેવનાં દર્શન પામવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થયું. શ્રીરામકૃષ્ણદેવની આશીર્વાદની ભાષા પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આપણે બધા કેવળ આધ્યાત્મિક રૂપે ચૈતન્ય હોઈશું તો આપણે શીઘ્રતાથી એમની દિવ્ય પ્રકૃતિ પ્રત્યે સચેત કે જાગ્રત બનીશું. એ દિવસે શ્રીરામકૃષ્ણે પોતાના આશીર્વાદથી સ્વર્ગમાંથી કોઈ દેવ કે દેવીને એમની સમક્ષ અવતરિત ન કર્યા પરંતુ એ બધાને કેવળ સત્‌-ચિત્ત-આનંદ – અંતરાત્મા પ્રત્યે જાગ્રત કર્યા. આ સચ્ચિદાનંદ સ્વરૂપ અંતરાત્મા બધામાં રહેલો છે. માનવ સમાજ માટે ભગવાન શ્રીરામકૃષ્ણદેવનું એક મહાન પ્રદાન આધ્યાત્મિક જાગરણ છે. જે લોકો આ જીવનમાં આધ્યાત્મિક અનુભૂતિ માટે પ્રયાસરત રહે છે, તેઓ પોતાની કાર્યપ્રણાલી એવં વિચારધારામાં પૂર્ણ પરિવર્તન લાવે તેમને માટે એ નિતાંત આવશ્યક છે. આપણે ઉચ્ચતમ સત્ય પ્રાપ્ત કરવા ઇચ્છીએ છીએ પરંતુ તેની કિંમત ચૂકવવા તૈયાર નથી. આપણે એની કિંમત ચૂકવવી પડશે જ. નિ:સંદેહ આ એક અત્યંત લાંબી અને કષ્ટપૂર્ણ પ્રક્રિયા છે. પરંતુ આમાં આપણે આપણી જાતને પરાજિત થવા દેવી જોઈએ નહિ.

એકવાર જો આપણને આપણા અંતરમનનો પોકાર સંભળાયો છે તો આપણે આ અમૂલ્ય માનવજીવન નિરર્થક ગુમાવી દેવું ન જોઈએ. અલબત્ત આપણા આધ્યાત્મિક જીવનની યાત્રામાં ઉતાર-ચડાવ તો આવવાના જ, પરંતુ આપણે એનાથી હતાશ કે નિરાશ થવું ન જોઈએ. આપણે આશાવાદી કે ભાવાત્મક દૃષ્ટિકોણ અપનાવવો જોઈએ અને સાહસપૂર્વક પ્રયાસ કરતા રહેવું જોઈએ. સાથે ને સાથે સાંસારિક બંધનોથી મુક્ત બનીને મોક્ષ પ્રાપ્ત કરવા માટે એની કંઈ ને કંઈ કિંમત ચૂકવવા આપણે તત્પર પણ રહેવું જોઈએ. જો અનેક પ્રકારની ઇચ્છાઓ આપણું પતન નોતરે છે, આપણાં મૂળપથથી પથભ્રષ્ટ કરે છે ત્યારે આપણે એ યાદ રાખવું જોઈએ કે આપણી ભીતર કંઈક છે, એક સ્થિર દિગ્દર્શકયંત્ર બુદ્ધિ એટલે કે અંતરાત્માનો પોકાર. જો આપણે આપણી બુદ્ધિનો આદેશ માનીએ તો આપણા માટે ઉપલબ્ધ છે એવા એ દિગ્દર્શક યંત્રની મદદથી આપણી એ બધી વિપત્તિઓ, મુશ્કેલીઓ અને આકર્ષણોમાંથી જે કોઈ આપણા માર્ગમાં આડે આવે એનાથી બચીને આપણે પરમ લક્ષ્ય સુધી પહોંચી શકીએ છીએ. એટલે શું કરવાનું છે? વારંવાર અભ્યાસ દ્વારા ધીમે ધીમે આપણે એ મહાન વ્યક્તિત્વની સંરચના કરવાની છે. આપણે એવી પ્રક્રિયાની શોધ કરવાની છે કે જેમના દ્વારા નિમ્ન ‘હું’ ને ઉચ્ચ ‘હું’ દ્વારા રોકી શકાય.

પરંતુ મોટા ભાગના લોકો વિવેકના માર્ગ માટે પૂરતા સક્ષમ નથી હોતા. એમણે ભક્તિમાર્ગ અપનાવવો જોઈએ. એ માર્ગનો તેઓ સરળતાથી અભ્યાસ કરી શકે છે. આ માર્ગમાં ઈષ્ટનિષ્ઠા એટલે કે પોતાના ઈષ્ટદેવતા પ્રત્યેનો ભક્તિભાવ સહાયક બની શકે છે. ઈષ્ટદેવનું લીલાચિંતન, અવતારની દિવ્યક્રીડાનું મનન અત્યંત સહાયક બને છે. પોતાના આધ્યાત્મિક અભ્યાસનો પ્રારંભ કરતાં પહેલાં મનુષ્ય પોતાની કલ્પનામાં કોઈ અવતાર સાથે સંબંધિત હોય એવાં સ્થાનોમાં વિચરણ કરે તે એને માટે સારું રહેશે. ઉદાહરણ રૂપે જે રામકૃષ્ણના ભક્ત છે એમણે પોતાનો મનોભાવ એવો બનાવવો જોઈએ કે તેઓ શ્રીરામકૃષ્ણ તથા શારદાદેવીનાં જન્મસ્થાન કામારપુકુર તેમજ જયરામવાટી અને એમના જીવન સાથે જોડાયેલાં અન્ય મહત્ત્વપૂર્ણ સ્થાનોની માનસિક રૂપે તીર્થયાત્રા કરી શકે. પછી તેઓ શ્રીરામકૃષ્ણનાં સાધનાસ્થળ દક્ષિણેશ્વર કાલીમંદિર અને કાશીપુર ઉદ્યાનગૃહ જઈ શકે છે. કાશીપુર ઉદ્યાનગૃહમાં એમણે પોતાના નશ્વરદેહનો ત્યાગ કર્યો હતો અને નિજ દિવ્ય સ્વરૂપને પ્રગટ કરીને ભક્તોને ભયમુક્તિ આપી હતી. તેઓ પોતાના મનને તેની ભટકતી પ્રકૃતિથી જાગ્રત કે સચેત કરે અને તે મનને પોતાના અંત:કરણના એ પવિત્ર સ્થાન પર કેન્દ્રિત કરે કે જ્યાં આપણા અભિષ્ટ દેવતાનું નિવાસસ્થાન છે. આ પ્રકારની પ્રકૃતિ કે સ્વભાવ ભક્તોને સક્ષમ બનાવે છે. વળી જો આપણે પોતાના પસંદગીના આદર્શો પ્રત્યે ગહન શ્રદ્ધા અને નિષ્ઠા રાખીએ અને પોતાના પ્રિય દેવતાને આપણા સ્થાયી સાથી બનાવી શકીએ તો પછી કોઈ બાબતનો ભય રહેતો નથી. કારણ કે એમ કહેવામાં આવ્યું છે કે જો તેઓ (ઈષ્ટદેવ) આપણી સાથે છે તો પછી આપણું કશુંય અનિષ્ટ થઈ જ ન શકે. પરંતુ જો તેઓ આપણી સાથે નથી તો બધાં જ અનિષ્ટો આપણા તરફ જ વળી જવાનાં. આ સત્ય છે કે તેઓ આપણી સાથે છે, આપણી ભીતર છે. પરંતુ દુ:ખની વાત તો એ છે કે આપણે એમાં નથી. ભક્ત સદૈવ પોતાના ઈષ્ટ સાથે જાણે કે તેઓ આપણી સાથે જ છે અને આપણી ભીતર જ છે એવી રીતે રહે એવી ભક્તની ઉચિત પ્રવૃત્તિ હોવી જોઈએ. 

જેની મનુષ્ય કલ્પનાના પ્રવાહ દ્વારા પ્રાપ્તિ કરી શકે છે તેની સહાયનો આપણે હમણાં સંદર્ભ આપ્યો. આ પ્રયોગની આલોચના આ રીતે કરી શકાય છે : શું આનો અર્થ એક પ્રકારનો સ્વપ્રસ્તાવ નથી? શું સ્વપ્રસ્તાવ આપણી સહાય કરી શકે? આના ઉત્તરમાં આપણે એમ કહી શકીએ કે સ્વસૂચન કે પ્રસ્તાવ લાભપ્રદ પણ છે અને હાનિપ્રદ પણ છે. જે સ્વસૂચન આપણને ઊર્ધ્વપથે લઈ જાય તેને આપણે આવકારવાં જોઈએ. આવાં સૂચન આપણને જીવનના ઉચ્ચતર આયામોને પ્રાપ્ત કરવામાં સહાયક નીવડે છે. આપણા (રામકૃષ્ણ સંઘના) એક વરિષ્ઠ સંન્યાસી કે જેમણે ફ્રાંસમાં વેદાંતના પ્રચાર માટે ઉત્તમ કાર્ય કર્યું હતું એવા સ્વામી સિદ્ધેશ્વરાનંદજીએ એકવાર એક લેખકને સંકેત કરતાં કહ્યું કે જેના દ્વારા આધ્યાત્મિક પ્રસ્ફૂટન થવામાં સહાયતા મળે છે એવાં સ્વપ્રસ્તાવ કે કલ્પનામાં કંઈક તત્ત્વજ્ઞાન પણ રહેલું છે. એટલે આ સ્વપ્રસ્તાવ કે જેના દ્વારા એક જિજ્ઞાસુને પોતાના આધ્યાત્મિક સ્વયં પ્રસ્ફૂટિત કરવામાં સહાય મળે છે, તેને આપણે અનુપયોગી કહી શકીએ નહિ. આનાથી ઊલટું એને એક મૂલ્યવાન સહાયના રૂપે સ્વીકારવું જોઈએ.

Total Views: 102

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.