(જૂનથી આગળ)

એક કામળો

ચાલો હવે આપણે બીજા વિષયની ચર્ચા કરીએ. મેં ઊખી મઠમાં એક દિવસ આદિત્યરામ બાબુની સંગાથે અત્યંત પ્રસન્નતાપૂર્વક પસાર કર્યો. પછીના દિવસે એમને બદ્રીનારાયણ જવા ઉપડવાનું હતું. વાતચીત દરમિયાન એમણે મને કહ્યું કે કેદારનાથના રસ્તામાં ચોપટાચટ્ટી પર એમની મુલાકાત એક અત્યંત વિદ્વાન મહારાષ્ટ્રિયન સંન્યાસી સાથે થઈ હતી. એમનું નામ હતું સ્વામી વિદ્યાનંદ સરસ્વતી. તેઓ એમની શુદ્ધ સંસ્કૃત ભાષાથી ખૂબ પ્રભાવિત થયા હતા. એટલે મેં એ સ્વામીજીને મળવા માટે ચોપટાચટ્ટી જવાનો નિર્ણય કર્યો. આદિત્યરામ બાબુએ અમારાથી વિદાય લીધી અને સૂર્યોદય પછી થોડા સમય બાદ તેઓ ઊખી મઠથી નીકળી પડ્યા. મારી પાસે ગરમ કપડાં ન હતાં એ જોઈને એમણે મને એક ધાબળો ખરીદવા બે રૂપિયા આપ્યા. હાથમાં બે રૂપિયા પકડી રાખીને હું વિચારતો હતો કે આટલા પૈસામાં કોણ મને એક કામળો દેશે! કપડાંના નામે મારી પાસે કેવળ એક ગાઉન જેવો પોશાક (કફની) મારા દેહ પર હતો અને મને જે ધાબળો શ્રીનગરમાં મળ્યો હતો એ તો હું પહેલેથી જ ગુપ્તકાશીમાં મળનાર પેલા સાધુને આપી ચૂક્યો હતો. બદ્રીકાશ્રમથી પાછા ફરતી વખતે આટલા વધુ ગરમ કપડાંની આવશ્યકતા રહેતી નહિ. કેદારનાથ અને બદ્રીનારાયણ જતી વખતે આવાં ગરમ કપડાંની જરૂર વધારે રહે છે. મારે પણ હમણાં કેદારનાથ અને બદ્રીનારાયણ પહોંચવાનું હતું એટલે એક ધાબળો એ મારી તાતી આવશ્યકતા હતી. મારા હાથમાં રહેલા બે રૂપિયા જેવી નગણ્ય ધનરાશિથી ઠંડીને હું દૂર રાખી શકીશ એવું મેં વિચાર્યું ય ન હતું. અહીંના લોકો જરૂરતમંદ હતા અને હું કોઈ પણ વ્યક્તિ પાસેથી વધુ ધન માગવાની બાબતમાં વિચાર પણ નહોતો કરી શકતો. એમના પોતાના બાળબચ્ચાં અને આશ્રિતોને પણ ગરમ કપડાંની આવશ્કતા હતી. એ ઉપરાંત આ બે રૂપિયામાં એક ધાબળો મેળવવો અસંભવ હતો.

એટલે મેં નિર્ણય કર્યો કે આ બે રૂપિયા હું મહંતને ભેટમાં આપી દઈશ અને એમની પાસેથી એક ધાબળો માગી લઈશ. હું મહંત પાસે ગયો. જ્યારે મેં ઓરડામાં પ્રવેશ કર્યો ત્યારે મને એવું લાગ્યું કે મહંત કોઈ ગહનચિંતનમાં મગ્ન હતા અને એમની આંખો અરધી મિંચેલી હતી. મેં બે રૂપિયાના સિક્કા થાળીમાં નાખ્યા. એ થાળી તો પહેલેથી જ ભરેલી હતી. જુઓ તો ખરા, એ ચાંદીનો ખણખણાટ કેવો પ્રબળ હતો! મહંતે એકદમ પોતાની આંખો પૂરેપૂરી ખોલી નાખી અને મારા તરફ એક સ્નેહભરી દૃષ્ટિ કરી. પહેલા દિવસે મેં એમના દર્શન ખાલી હાથે કર્યાં હતાં અને ત્યારે કેવળ ઉદાસીન દૃષ્ટિ જ પામ્યો હતો. અત્યારે મેં (એ દૃષ્ટિમાં) ઉલ્લેખનીય ભેદ જોયો. આજે મહંતે મને કેટલાક પ્રશ્નો પૂછ્યા. સંભવત: એ સમજી ગયો હતો કે મારી પાસે એક પૈસો પણ ન હતો. મેં મનમાં ને મનમાં વિચાર્યું: ‘આ બે સિક્કા તો મહંતના હાથમાં ચાલ્યા જ ગયા છે તો પછી હવે એક ધાબળો કેમ ન માગી લઉં?’ કેટલીક ક્ષણો પછી મહંતને આભાસ થયો કે એની સંપત્તિના અગાધ સમુદ્રમાં ચાંદીના બે સિક્કા કોઈ ઉદ્દેશ વિના નાખવામાં આવ્યા ન હતા. પછી એણે કોઈકને ભંડારમાંથી એક ધાબળો લાવવા માટે કહ્યું અને એમણે પોતે જ મને એ ધાબળો આપ્યો. આ અહીં સ્થાનિક બનેલો સારો ધાબળો હતો. એ જાડો અને સારી રીતે વણેલો હતો. મેં પોતાના ખંભે ધાબળો નાખ્યો અને હું બહાર ચાલ્યો ગયો. મહંતના નોકરો અને શહેરના બીજા લોકોના ચહેરા પર આશ્ચર્ય અને વિસ્મયનો ભાવ હતો. એમણે મને કહ્યું: ‘બાબાજી, આપ ખરેખર મહાન છો. આપે અમારા મહંતજી પાસેથી ત્રણ રૂપિયાની કિંમતનો ધાબળો મેળવી લીધો.’ બીજા કેટલાક બોલ્યા: ‘જો તમે એ બે રૂપિયા થાળીમાં ન નાખ્યા હોત તો આ મહંતજી પાસેથી ક્યારેય તમને ધાબળો મળત નહિ.’ મહંતની દાનશીલતા અને ઉદારતાની આનાથી મોટી સાબિતી કઈ હોઈ શકે!

ગુપ્તકાશીમાં પુનરાગમન

હું એ જ દિવસે અને એ જ રસ્તે ગુપ્તકાશીમાં પાછો ફર્યો. ઊખી મઠથી કેદારનાથ જવા માટે સડક છે પરંતુ જે કોઈ પહેલાં કેદારનાથ જાય છે અને પછી બદ્રીનારાયણનાં દર્શને આવે છે તેને ઊખી મઠ થઈને જ જવું પડે છે. કોઈ પણ રીતે મારે ઊખી મઠ તો પાછું આવવું જ હતું. જો હું ગુપ્તકાશી સિવાયના બીજા કોઈ રસ્તે જાત તો હું રસ્તામાં આવનારાં અનેક સ્થાનોનાં દર્શન ન કરી શકત. આ બધાં સ્થાનોનાં દર્શન હું કેદારનાથના રસ્તામાં કરવા માગતો હતો. એટલે હું ગુપ્તકાશી પાછો આવ્યો અને ઉદાર સંન્યાસીને એક વાર ફરીથી મળીને હું પ્રસન્ન થયો. પાછા ફર્યા પછી મને જોનાર એ પહેલી જ વ્યક્તિ હતી. જેવો મને એમણે જોયો કે તરત જ એ જ દિવસે મને એમની સાથે ભોજન લેવા આમંત્રણ આપ્યું અને જણાવ્યું કે હું રાત ગુપ્તકાશીમાં જ ગાળું.

ગૌરીકુંડ તરફ ઉદાસી સાધુની સંગાથે

આ સ્થાને મારી મુલાકાત ઘણા સમય પહેલાં કાશીપુરના સર્વમંગલા મંદિરમાં જે સંન્યાસીને હું મળ્યો હતો એની સાથે થશે એવું મેં વિચાર્યું પણ ન હતું. પંજાબમાં સંન્યાસી ઉદાસી સંપ્રદાય-સમુદાયના સભ્ય હોય છે અથવા નિર્મળ સંપ્રદાયના હોય છે. નિર્મય સમુદાય ખાલસા શિખોનો સમુહ છે. તેઓ પોતે પોતાની જાતને ગુરુ નાનક કે ગુરુ ગોવિંદસિંહના શિષ્ય માને છે. આ ગુરુઓને આચાર્ય કહેવામાં આવે છે. એ નાનકજી દ્વારા સ્થાપિત ઉદાસી સમુદાયના હતા. એ વખતે અમે બંને વર્ધમાનમાં લગભગ એક મહિના સુધી રોકાયા હતા. તેઓ એકાંતપ્રિય હતા અને સાધુઓ અને અન્ય વ્યક્તિઓની સંગતિથી દૂર રહેતા. હું એમની એકાંત પ્રિયતાથી પૂરેપૂરો માહિતગાર હતો. મને એવું લાગ્યું કે એ સંન્યાસીનું વ્યક્તિત્વ વિકસિત અને ઉન્નત હતું. એમનાં વાણી અને વ્યવહારથી પણ એવો જ સંકેત મળતો હતો. એમને ફરીથી મળીને મને અત્યંત પ્રસન્નતા થઈ. ગુપ્તકાશીમાં એક રાત વીતાવ્યા પછી અમે બંને પછીના દિવસે કેદારનાથ જવા નીકળી પડ્યા.

ગરમ કપડાંને ધ્યાનમાં લઈએ તો મારો સાથી પણ મારા જેવો જ અભાવવાળો હતો. એમણે એક સુતરાઉ પાઘડી અને લાંબો ઝભ્ભો પહેર્યાં હતાં. એમની પાસે કેટલાય કાણાવાળો ધાબળો હતો. એ સિવાય બીજો કોઈ સામાન એમની પાસે ન હતો. પૈસાની બાબતમાં અમારી બંનેની પરિસ્થિતિ એક સરખી હતી, બેમાંથી એકેયની પાસે પાઈપૈસો ન હતો. જેમ જેમ અમે ઉપર ચડ્યા તેમ તેમ ઠંડી વધતી ગઈ. મારી પાસે ગરમ કોટ હતો, જ્યારે એમની પાસે કેવળ ફાટેલો અને જંતુએ વાતરી ખાધેલો ધાબળો હતો. એટલે મેં ઊખી મઠમાંથી લીધેલો મારો નવો ધાબળો એના ફાટેલા ધાબળાને બદલે દીધો. હવે એમને વધુ કંઈ જોઈતું ન હતું. મારી બાબતમાં તીબેટ સુધીની યાત્રામાં મારાં પહેરવાનાં વસ્ત્રો અને પેલો અસંખ્ય કાણાવાળો ધાબળો જ મારી એક માત્ર સંપત્તિ હતી. જ્યારે અમે ગુપ્તકાશીથી નીકળ્યા ત્યારે અમે સાથે હતા પરંતુ રસ્તામાં કેટલીયેવાર અમારો સાથ છૂટી પણ જતો. હું પ્રાકૃતિક દૃશ્યોનો આનંદ માણવા માટે આગળ નીકળી ગયો અને પેલા ઉદાસી સંન્યાસી પાછળ રહી જતા હતા. વળી પાછા જ્યારે અમે રાતના કોઈ ચટ્ટીમાં આશરો કે વિરામ લેતા ત્યારે તેઓ મારી સાથે આવી જતા.

ફાટાચટ્ટી

ગુપ્તકાશીથી થોડાક માઈલ ઉપર ચડ્યા બાદ અમે ફાટાચટ્ટી પહોંચ્યા. આ અપેક્ષાકૃત મોટી ચટ્ટી છે. અહીં કેટલાક પાકાં ઘર પણ છે. અમે ફરીથી ફાટાચટ્ટીના મહારાજને મળ્યા. એમણે મને થોડું ભોજન આપ્યું અને મારા સાથીને થોડા ફળ આપ્યાં; કારણ કે તે રાંધેલું અનાજ ખાતા નહિ. અહીં મેં હિમાલયનું સર્વોત્તમ મધ ચાખ્યું. મધ પારદર્શી બની ગયું હતું. તે ગાયના દૂધમાંથી બનાવેલા ઘી જેવું દાણાદાર થઈ ગયું હતું. એની સુંગધ અવર્ણનીય છે. આમેય એ મધમાં હિમાલયનાં અસંખ્ય પુષ્પોનાં રજકણ એકત્રિત થયાં હતાં. બીજે ક્યાંય ચાખેલા મધ કરતાં હિમાલયનું મધ વધારે મીઠું હોય છે. પરંતુ ફાટાચટ્ટીના આ મધનો સ્વાદ સર્વોપરિ-સર્વોત્તમ હતો. એ સ્વાદ એવો શા માટે ન હોય! કેદારનાથની તળેટીથી માંડીને ગૌરીકુંડ સુધી ગુપ્તકાશી અને ત્રિયુગી નારાયણ સુધી સમગ્ર ભૂ પ્રદેશ સુગંધી પુષ્પોથી ભરેલો રહે છે. આ પુષ્પો આખું વર્ષ ખીલેલાં રહે છે. એવું લાગે છે કે જાણે વસંતઋતુ આ સ્થાનને ક્યારેય છોડતી નથી. અહીં લતાઓથી બનેલા લતામંડપ જોવા મળે છે અને મધૂર સુગંધથી પરિપૂર્ણ ભિન્ન ભિન્ન રંગબેરંગી ફળફૂલથી લચેલાં વૃક્ષો અને ઝાડીઓ પણ હોય છે. અહીં હિમાલયનું સર્વોત્તમ મધ મળે છે એમાં કોઈ આશ્ચર્યની વાત નથી.

(ક્રમશ:)

Total Views: 68

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.