પચીસમીએ સવારે ભોગીભાઈ લેસ્ટર લઈ જવા માટે કોવેન્ટ્રી આવ્યા. લેસ્ટરમાં ઘણાં મંદિરો છે. આપણને એમ લાગે કે જાણે ગુજરાતમાં આવી ગયા. લેસ્ટરને રાજકોટના ટ્‌વીન સીટી તરીકે પણ ગણવામાં આવે છે. હજારો ગુજરાતી પરિવારો અહીં વસે છે. બે મંદિરોમાં ગુજરાતીમાં પ્રવચનો ગોઠવવામાં આવ્યાં હતાં. સવારે સનાતન મંદિરમાં અને સાંજે હિન્દુ મંદિરમાં. બંને પ્રવચનો ગુજરાતીમાં હતાં અને વિષય હતો- “માનસિક શાંતિ કેવી રીતે મળે?” ત્યાં પણ પુસ્તકોનો સ્ટોલ રાખવામાં આવ્યો. બંને મંદિરોમાં કોમ્યુનિટી હોલ પણ સાથે જ છે, સમાજના પ્રસંગો- વિવાહ, સાંસ્કૃતિક કાર્યક્રમો પણ ત્યાં જ ગોઠવાય છે. અહીં વિદેશની ધરતી પર પણ આપણી ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા બદલ મેં મંદિરોના ટ્રસ્ટીઓને હાર્દિક અભિનંદન આપ્યા.

લેસ્ટરથી સાંજે ૬ વાગ્યે ૨વાના થઈ રામકૃષ્ણ મઠ અને મિશન, યુ. કે. ના કેન્દ્રમાં રાતે લગભગ ૯ વાગ્યે અમે પહોંચ્યા. આ આશ્રમ બકિંગહમશાયરના બોર્ન એન્ડ વિસ્તારમાં અવસ્થિત છે. ત્યાંના અધ્યક્ષ સ્વામી દયાત્માનંદજી મહારાજે અમને પ્રેમપૂર્વક આવકાર્યા. રામકૃષ્ણ વેદાંત સેન્ટર લંડનથી લગભગ ૪૫ કિ.મી. દૂર શાંત સ્થળે તપોવન જેવા વાતાવરણમાં આવેલું છે. આશ્રમનું મકાન ઘણું મોટું છે. ત્યાં ત્રણ સંન્યાસીઓ સહિત લગભગ ૮-૯ અંતેવાસીઓ રહે છે. આશ્રમનું પોતાનું ગેસ્ટ હાઉસ પણ છે. ચોવીસમીએ સવારે આખો આશ્રમ જોયો. વિશાળ જમીનમાં પથરાયેલો લીલીછમ હરિયાળીથી શોભતો આ આશ્રમ વેદકાલીન ઋષિના તપોવન જેવો જણાય છે. આશ્રમનો વિશાળ બગીચો છે. ત્યાં શાકભાજી ઉગે છે. આશ્રમને પોતાની બેકરી અને લોન્ડ્રી પણ છે. આ શાંત વાતાવરણમાં કેટલાય અંગ્રેજો પણ આત્માની શાંતિ મેળવવા માટે આવતા રહે છે. ત્યાં દરરોજ નિયમિત આરતી થાય છે. અઠવાડિયે એકવાર સત્સંગ પણ થાય છે. ૧૯૪૮માં એક નાના મકાનમાં આ આશ્રમની સ્થાપના થઈ એ પછી સ્વામી ઘનાનંદજી મહારાજ અને સ્વામી ભવ્યાનંદજી મહારાજના અથાક પ્રયત્નોથી આ આશ્રમની ઉત્તરોત્તર પ્રગતિ થઈ છે. આશ્રમ દ્વારા દ્વિમાસિક અંગ્રેજી પત્રિકા ‘વેદાંત’ ૫૧ વર્ષોથી પ્રકાશિત થાય છે. ૨૬ મી એ સાંજે ‘આધુનિક માનવ શાંતિની શોધમાં’ એ વિષય પર વ્યાખ્યાન એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ, યુ. કે. દ્વારા યોજવામાં આવ્યું હતું. હૉલ વિશાલ હતો, સુંદર હતો. (એરકંડિશન તો હોય જ) તે જ દિવસે લંડનમાં અન્ય કાર્યક્રમો અને ભોજન સમારંભો યોજાયા હતા તો ૫ણ ૨૫૦ – ૩૦૦ લોકો આવ્યા હતા. તેઓ લગભગ બે કલાક રસપૂર્વક કાર્યક્રમ માણતા રહ્યા અને રામકૃષ્ણ મઠ અને મિશનની ઉમદા પ્રવૃત્તિઓથી કદાચ પહેલીવાર વાકેફ થઈ આનંદિત થયા. અહીં પણ પુસ્તકોનો સ્ટોલ યોજવામાં આવ્યો હતો જેનો લાભ અનેક લોકોએ લીધો.

૨૭મી એ સવારે લંડનના જોવાલાયક સ્થળોની મુલાકાત લીધી. ઘણી કંપનીઓ લંડનમાં જોવાલાયક સ્થળો માટે વિશેષ ટુરીસ્ટ બસો ચલાવે છે. અમે ‘ધ બીગ બસ’ કંપનીની ૧૭ પાઉન્ડની ટિકિટ ખરીદી. આ ટિકિટ ખરીદવાથી આ કંપનીની લાલ, બ્લ્યુ અને લીલી એમ ત્રણ પ્રકારની બસોમાંથી કોઈ પણ બસમાં ચોવીસ કલાક સુધી યાત્રા કરી શકાય ત્રણેય ના રૂટ અલગ-અલગ છે. તેના સ્ટોપમાંથી કોઈપણ એક સ્ટોપમાં ગમે ત્યારે ઉતરી અન્ય બસમાં જઈ શકાય વળી થેમ્સ નદી પર લોંચમાં એકવાર યાત્રા પણ નિઃશુલ્ક કરી શકાય. એમ આ સુખદ જલયાત્રાનો  મલ્હાવો લીધો. વાટર લૂ, બીગ‌ બેન, લંડન બ્રીજ,‌‌ વેસ્ટ મિન્સ્ટર‌ બ્રીજ વગેરે જોયા. હાઈડ પાર્ક (Hyde Park)ની તો અનેકવાર પ્રદક્ષિણા કરી. સમયના અભાવે બકિંમહમ પેલેસ, બ્રિટીશ મ્યૂઝિયમ વગેરેની પ્રદશિણા કરીને જ સંતોષ લેવો પડ્યો. હાઈડ પાર્કમાં એક મજેદાર જગ્યા છે – સ્પીકર્સ કોર્નર ત્યાં ઊભા થઈ કોઈપણ વ્યક્તિ વ્યાખ્યાન આપી શકે! આ રીતે ૫-૬ કલાક ગાળી તરત જ શ્રી ભોગીભાઈના લંડનના નિવાસ સ્થાને પાછા ફર્યા. કારણ કે મારે તો સ્વામી વિવેકાનંદ લંડનમાં જ્યાં રહ્યા હતા અને ભગિની નિવેદિતા જ્યાં સ્વામીજીને સર્વપ્રથમ મળ્યાં હતાં એ સ્થળો જોવાં હતાં. આથી લંડનમાં રહેતા એક ભક્તને બોલાવ્યા અને તેમની મદદથી સ્વામી વિવેકાનંદ તેમની લંડનની મુલાકાત દરમિયાન રહેતા હતા તે બે મકાનો જોયાં. અલબત્ત બહારથી જ જોવા મળ્યાં. કારણ કે મકાનો બંધ હતાં અને તે પણ ધોધમાર વરસતા વરસાદમાં જોયાં! ઈંગ્લેન્ડનું હવામાન જ એવું છે કે અચાનક વરસાદ અને તોફાન શરુ થઈ જાય. સૂર્યનાં દર્શન તો દુર્લભ. જ્યારે સૂર્ય દેખાય અને ચોખ્ખો તડકો હોય ત્યારે તો ઈંગ્લેન્ડના લોકો ખુશ થઈને ફરવા નીકળી પડે. શરૂઆતમાં ત્રણ દિવસ તો ભગવાન સૂર્ય નારાયણે અમારા ઉપર કૃપા વરસાવી હતી. પણ ચોથા દિવસે સાંજથી તોફાન સાથે ધોધમાર વરસાદ શરુ થયો ત્યારે મને ઈંગ્લેન્ડના લોકો તડકા પાછળ કેમ પાગલ છે‌ એનો અહેસાસ થયો. તે સાંજે આઠ વાગ્યે ‘વિવેકાનંદ ક્લાસીસ’ના કાર્યકર્તાઓ અને આમંત્રિતોને મારે મળવાનું હતું. શ્રી દિલીપભાઈ લાખાણી લંડનમાં હિન્દુ-ધર્મ ઉપર ક્લાસ ચલાવે છે. તેમણે યુનિવર્સિટીમાં પણ આ અંગેનો અભ્યાસક્રમ દાખલ કરાવ્યો છે. તેઓ સ્વામી વિવેકાનંદના સંદેશના પ્રસાર અને પ્રચારનું મહત્ત્વનું કાર્ય કરી રહ્યા છે. તેમણે તેમના કાર્યકર્તાઓ માટે અને વિશેષ આમંત્રિતો માટે અંગ્રેજીમાં પર્સનલ ડેવલપમેન્ટ પર વ્યાખ્યાન ગોઠવ્યું હતું. અમે વરસતા વરસાદને કારણે દશેક મિનિટ બાકી હતી ત્યારે માંડ વ્યાખ્યાન સ્થળે પહોંચ્યા અને જોયું તો સભાખંડ ખાલી! એટલે મને થયું કે આટલા તોફાની વરસાદમાં કદાચ કોઈ નહીં આવે અને કાર્યક્રમ રદ થશે. પણ આશ્ચર્યની વાત. ઠીક સમયમાં લગભગ ૩૦-૪૦ લોકો આવી ગયા અને સભાખંડ ભરાઈ ગયો. ઠંડી હોય કે વરસાદ હોય પણ સમયપાલકત્તા એ ઈંગ્લેન્ડની પ્રજાનો આગવો ગુણ છે એ જાણવા મળ્યું. ત્યાં વાર્તાલાપ પછી પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ ઘણો જ રસપ્રદ રહ્યો.

૨૮ મી એ સવારે લંડનમાંથી પ્રકાશિત થતા ગુજરાતી સાપ્તાહિક ‘ગરવી ગુજરાત’માં મારું ઈન્ટરવ્યુ ગોઠવવામાં આવ્યો હતું. યુ. કે. આવવાનો મારો હેતુ, રામકૃષ્ણમિશન અને તેનું કાર્ય વગેરે વિષયો પર પ્રશ્નોના ઉત્તર આપ્યા. ત્યાંથી બપોરે અમારે શ્રાવિકા મહિલા મંડળમાં જવાનું હતું. આ મંડળ ની બહેનો દર બુધવારે મળે છે. એક્યુપ્રેશરની સારવાર દ્વારા અનેક દર્દીઓને સાજા કરે છે અને તેમાંથી જે કાંઈ આવક થાય છે તે બધી એકત્ર કરીને ભારતમાં કન્યા કેળવણી, આરોગ્ય વગેરેમાં સહાય કરવા માટે જુદી જુદી સંસ્થાઓને ૨કમ મોક્લાવે છે. આ મંડળ વેમ્બલીમાં આવેલું છે. અમારે બપોરે દોઢ વાગ્યે ત્યાં પહોંચી જવાનું હતું પણ રસ્તામાં ટ્રાફિક જામ થઈ જવાને કારણે ત્યાં પહોંચવામાં મોડું થઈ ગયું. છતાં પણ ૬૦ જેટલી બહેનો અમારી રાહ જોઈ રહી હતી. ત્યાં શ્રી મા શારદાદેવી વિષે વ્યાખ્યાન આપ્યું. વ્યાખ્યાન બાદ પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ હતો. બહેનોનો પ્રશ્ન હતો કે હિનતાની લાગણીમાંથી કેવી રીતે મુક્ત થવું? ઉત્તરમાં મેં જણાવ્યું કે શ્રી મા શારદાદેવીના જીવન ચરિત્રને વાંચવાથી આ હિનતાની લાગણી દૂર થઈ જશે. પરિવારની સેવા કરવી એ કંઈ નાનું કામ નથી. માત્ર ઘરકામ કરતાં કરતાં પણ સરળ જીવનને મહાન બનાવી શકાય છે તે માના જીવન દ્વારા જાણી શકાય છે.

ઈંગ્લેન્ડના સાત દિવસના વસવાટ દરમિયાન મેં જોયું કે ભૌતિક પરિપૂર્ણતામાં પશ્ચિમના આ દેશો પૂર્વના દેશો કરતા ક્યાંય આગળ છે. ત્યાંની સામાન્યમાં સામાન્ય ટ્રેન પણ આપણી શતાબ્દિ ટ્રેન કરતાંય ચઢિયાતી છે તો ત્યાંની સારી ટ્રેન કેવી હશે? ભૂગર્ભમાં પાણીના રેલાની જેમ સરી જતી ટ્રેનો, તેના ઓટોમેટીક ખૂલબંધ થતા દરવાજા, ટ્રેનમાં આરામથી બેસવાની સીટો, દરેક ડબ્બામાં ટ્રેન ક્યાંથી ક્યાં જઈ રહી છે હવે પછીનું સ્ટેશન ક્યું આવશે એનો ઈલેકટ્રીકલ ચાર્ટ, અજાણ્યો માણસ પણ નકશાના આધારે મુસાફરી કરી શકે તેવી વ્યવસ્થા, જમીનની નીચે ચાલતી હોવા છતાં ખબર પણ ન પડે કે સમુદ્રમાં કે જમીનના પેટાળમાં ટ્રેન ચાલી રહી છે. એ બધું અદ્ભુત છે. જેવી ટ્રેન એવી જ અદ્ભુત ડીલક્સ બસો. આઠ ટ્રેકવાળા વિશાળ પહોળા રસ્તા, દરેક રસ્તા ઉપર થોડે થોડે અંતરે ગોઠવેલા ટી.વી. કેમેરાઓ, મુસાફરોને માર્ગદર્શન આપવા માટે આવતાં સાઈનબોર્ડો; દર પાંચ કિલોમીટરે આવતાં સર્વિસ સ્ટેશનો; એમાં ખાવા પીવાની સગવડ હોય, ટોયલેટની સગવડ હોય, કાર માટે પેટ્રોલ જોતું હોય તો તેની સગવડ હોય, ચીજવસ્તુઓ પણ મળી શકે અને પાછા આ સર્વિસ સ્ટેશનો અત્યંત સ્વચ્છ અને સુઘડ, ગંદકીનું ક્યાંય નામનિશાન નહીં. આવી કેટકેટલી સુવિધાઓ ત્યાં છે. ત્યાંના મકાનો બધાં એકસરખાં સુંદર ને વ્યવસ્થિત! બહારથી તો બધાં જ મકાનો સરખાં લાગે. જો તમે મકાનનો નંબર ભૂલી જાવ તો તમારે જ્યાં જવું હોય ત્યાં પહોંચી ન શકો. ત્યાંની દુકાનો પણ વિશાળ અને ભવ્ય. સાત માળના દેવા ભવ્ય સ્ટોર! જેમાં પહેલે અને બીજે માળે તો કાર પાર્કિંગની વ્યવસ્થા હોય, ઉપરના માળે તમામ પ્રકારની વસ્તુઓ મળે. આ બધું જોઈને પહેલી દષ્ટિએ તો જરૂર એમ થાય કે કેવી જાહોજલાલી છે! કેવી વૈજ્ઞાનિક સિદ્ધિઓ આ દેશોએ હાંસલ કરી છે! આ લોકો કેવા સુખી છે! ત્યાંના રહેવાસીઓના મનના ઊંડાણમાં જઈને જુઓ તો ખ્યાલ આવે કે ઉપરથી દેખાતા સ્વર્ગીય આનંદો સાચા નથી. લોકોને પૂછીએ તો શરૂઆતમાં તો કહે કે બહુ જ સારું છે પણ પછી કહે કે મનમાં શાંતિ નથી. એકલતા કોરી ખાય છે. ત્યાં પડોશમાં કોણ રહે છે તેની ખબર હોતી નથી, માતાપિતા અલગ રહેતાં હોય છે. દીકરો અલગ રહેતો હોય છે. દીકરી પણ અલગ રહેતી હોય છે અને બધા વચ્ચે આપણે ત્યાં જે કુટુંબ ભાવના, પરસ્પર પ્રેમ અને જે ત્યાગ રહેલાં છે એવું ત્યાં જોવા મળતું નથી. ત્યાં બધું જ કામ જાતે કરવું પડે છે. નોકરો બહુ જ મોંઘા હોય છે. આથી સ્ત્રીઓની દશા તો વધારે દયાજનક હોય છે. તેમને કમાવા માટે બહાર અને ઘરમાં પણ કામ કરવું પડે છે . ત્યાં લગ્ન સંસ્થા ભાંગી રહી છે એટલાં લગ્નો તલાકમાં પરિણમે છે કે યુવાનો લગ્નના નામથી આતંકિત થાય છે કારણ કે લગ્ન કરતાં તલાકનો ખર્ચ વધુ હોય! કેટલાય યુવક-યુવતીઓ લગ્ન વગર જ સાથે રહે છે. સામાજિક જીવન વિચ્છિન્ન થતું જાય છે. વળી જીવનધોરણ પણ મોંઘવારીને કારણે ઊંચું ટકાવી રાખવું પણ મુશ્કેલ બનતું જાય છે. ત્યાં ચીજવસ્તુઓ ઘણી મોંધી છે. એક સર્વિસ સ્ટેશન પર એક કપ કોફીનો પીધો તો બે યુરો આપવા પડ્યા એટલે કે ભારતના ૧૧૦ રૂપિયા થયા. આમ ભૌતિક સમૃદ્ધિની વચ્ચે પણ અંતરમાં શાંતિ ત્યાં જોવા મળતી નથી. ત્યારે થયું કે ભારતમાં આપણે ખૂબ જ શાંતિમાં છીએ. ખૂબ જ આનંદમાં છીએ. ભારતમાં જે નિખાલસ માનવ સંબંધો છે, જે નિઃસ્વાર્થતા, ત્યાગ અને સમર્પણ ભાવના કુટુંબ જીવનમાં છે એવું ત્યાં ક્યાંય નથી. કદાચ એટલે જ દરેક જગ્યાએ વ્યાખ્યાનનો વિષય એક જ હતો- ‘દૈનિક જીવનમાં શાંતિ કેવી રીતે મળે?’

શ્રાવિકા સત્સંગ મંડળનો કાર્યક્રમ પૂરો કરી અમે તરત જ બોર્નએન્ડ સ્થિત વેદાંત સેન્ટરમાં જવા નીકળ્યા કારણ કે અમારે ત્યાંથી બર્કશાયરમાં અવસ્થિત મીડ્સ હાઉસ જોવા જવું હતું. જ્યાં સ્વામી વિવેકાનંદજી તેમના ગુરુભાઈ સ્વામી શારદાનંદજી સાથે મિસ મુલરના અતિથિરૂપે થોડા દિવસો રહ્યા હતા. લગભગ સાંજે ૬ વાગ્યે અમે તે સ્થળે પહોંચ્યા. લંડન આશ્રમના એક ભક્ત સાથે આવ્યા હતા. અહીં પણ અમે અંદર ન પ્રવેશી શક્યા. લંડનમાં બધા દરવાજા બંધ જ હોય. હીટર ચાલુ હોય માટે બારી બારણાં ખુલ્લાં ન રાખી શકાય. બધા પોતપોતાનામાં મસ્ત! ક્યારેક તો રેસીડેન્શ્યલ એરિયામાં એવો આભાસ થાય જાણે કર્ફયુ લાગી ગયો હોય! ખેર! આ મકાનની બારીઓ ખુલ્લી હતી માટે બહારથી એ ડ્રોઈંગ રૂમ જોઈ લીધો જ્યાં કદાચ સ્વામી વિવેકાનંદ રહ્યા હશે! ઘંટડી વગાડી પણ કોઈ ઉત્તર ન મળ્યો. વધારે વાર ઘંટડી વગાડવાથી એક મોટા કૂતરાએ જોરથી ભસવાનું શરૂ કર્યું એટલે અમે તરત જ અમારી કાર તરફ દોડયા. અચાનક એક કાર પૂર ઝડપથી આવતી હતી તેની હડફેટે આવતા હું બચી ગયો. આ મકાન કોર્નર પર હતું એટલે કાર મને દેખાઈ નહોતી. અહીં હાઈવે પર મોટરગાડીઓ ઘણી સ્પીડથી જાય છે, માટે રસ્તો પાર કરવામાં ખૂબ સાવધાન રહેવું પડે એ પાઠ હું શીખ્યો. ઈશ્વરની કૃપાથી જીવનરક્ષા થઈ. ત્યાંથી બોર્નએન્ડ આશ્રમ પાછા ફરતી વખતે એ ખેતર જોયું કે જ્યાં સ્વામી વિવેકાનંદજીએ મિસ મુલરના જીવનની રક્ષા કરી હતી. એ ઘટના જાણવી રસપ્રદ રહેશે. એક દિવસ સ્વામી વિવેકાનંદ મિસ મુલર અને એક અંગ્રેજ મિત્રની સાથે ખેતરોમાં ફરવા માટે ગયા. એ વેળા એક વિફરેલો સાંઢ સામેથી દોડતો આવતો નજરે પડયો. શું કરવું એની કોઈને સૂઝ પડી નહીં. પેલો અંગ્રેજ મિત્ર તો એકદમ દોડી જઈને ટેકરીની બીજી બાજુએ ઊતરી ગયો અને સલામત બન્યો. મિસ મૂલર બને એટલું દોડયા, પરંતુ આખરે જમીન ઉપર પડી ગયાં. પરંતુ સ્વામીજીએ મનમાં ગાંઠ વાળી લીધી. ‘આમ અંત આવતો હોય તો ભલે આવે.’ એમ ધારીને એ તો અદબ વાળીને મિસ મૂલર અને સાંઢની વચ્ચે ઊભા રહ્યા. એમનું મન એ વખતે હિસાબ કરતું હતું કે સાંઢ તેમને કેટલે દૂર ફેંકી દેશે? પરંતુ સાંઢ તો થોડાં ડગલાં દૂર રહીને અટકી ગયો અને પછી માથું ઊંચું કરીને ગુસ્સામાં ચાલ્યો ગયો. કેવી અદ્ભુત હિંમત અને સેવાભાવના સ્વામીજીમાં હતી તેનું સ્મરણ કરી એ ખેતર પર ઉભા ઉભા હું મનોમન તેમને વંદી રહ્યો. (ક્રમશઃ)

Total Views: 74

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.