(ગતાંકથી આગળ)

કશું અસંભવ નથી

લગભગ પચાસ વર્ષ પહેલાં એક ભારતીયે જાપાનથી પાછા ફરીને અંગ્રેજી માસિક પત્રિકામાં એક લેખ લખ્યો. એનું શીર્ષક હતું : ‘જાપાન કેવી રીતે એક મહાન રાષ્ટ્ર બન્યું?’ અહીં હું એમના અનેક અનુભવોમાંથી એકાદ બે પ્રત્યે આપનું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરીશ. એક ઘટના બતાવે છે કે અર્ધી શતાબ્દિ પહેલાં કેવી રીતે એક સમાજે સામાજિક અનુશાસન, શાંતિ અને પરસ્પરના સહયોગને કાર્યરૂપમાં ફેરવી નાખ્યાં.

તેઓ લખે છે : ‘એક જાપાની ગામમાં હું બે દિવસ રહ્યો ત્યાં એક ગરમ પાણીનું ઝરણું છે. અહીં લગભગ પાંચસો જાપાની પર્યટકો ૧૫૦ બાળકો સાથે આવ્યાં હતાં. જોયા વિના કોઈને એવો વિશ્વાસ પણ ન આવે કે અહીં એટલા બધા લોકો છે. બધા એટલા બધા શાંત અને પોતપોતાનામાં મગ્ન હતા, કારણ કે તેઓ શાંતિપૂર્વક કાર્ય કરવા ટેવાયેલા હતા. અહીં એક સભાગૃહમાં ૧૦૦૦ શ્રોતાઓ પણ શાંત અને મૌન બેસીને એક સાથે મળે છે.’

લેખકે પોતાના અનુભવના આધારે એ સિદ્ધ કર્યું કે, વ્યવહારમાં સન્માન, કાર્યમાં ઉત્સાહ તેમજ એકાગ્રતા, નિષ્ઠા, જીવનમાં સરળતા જેવા ગુણ કેવળ એક વ્યક્તિગત જ નથી, એ સમૂહના ગુણો પણ હોઈ શકે છે. એમણે જાપાનીઓની કૃતજ્ઞતાના ભાવનાં અનેક ઉદાહરણો આપ્યાં છે :

‘ગામમાં પહેલીવાર એક પ્રકારના સકરિયાની ખેતીનો પ્રારંભ કરનારા જાપાની નાગરિકોના સન્માનમાં લોકોએ એક સ્મૃતિ સ્તંભ બનાવ્યો. પછી એક ઉત્તમ વૃક્ષ વાવનારા, સહકારી સમિતિની સ્થાપનામાં લોકોની મદદ કરનારા, રશિયા તથા ચીનની સાથે યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકો અને કુશ્તીમાં વિજય મેળવનારા એક યુવકના સન્માનમાં આ પ્રકારનાં અનેક સ્મૃતિ ચિન્હો ઊભા કરવામાં આવ્યાં છે. એ બધાં ઘણા સાદા હોય છે, પરંતુ સમાજકલ્યાણમાં યોગદાન દેનાર પ્રત્યે ઋણભાવનાં એ સંગીન પ્રતીક છે. આવા આદર્શ યુવાલોકોને શ્રેષ્ઠતાનું સન્માન કરવા, સહાય કરનાર પ્રત્યે ઋણીની લાગણી દર્શાવવા અને ઋણીજનોનું આદર કરવા પ્રેરિત કરે છે.’

કેટલાંક વર્ષ પહેલાં કર્ણાટકમાં કર્ણાટક સહકારી પ્રકાશન, બેંગ્લોર દ્વારા પ્રકાશિત એક પુસ્તક બહાર પડ્યું હતું- ‘એક્સ્‌પો-૭૦’ એમાં એક યુવાનોની ટુકડીના સભ્યોની યાત્રાના અનુભવો પર આધારિત ૨૦ નિબંધ છે. પ્રત્યેક નિબંધમાં જીવનની ઉપલબ્ધિઓ અને કાર્યકલાપોનું મર્મસ્પર્શી વર્ણન છે. આપણા દેશના દરેક યુવક તથા યુવતીએ એ પુસ્તક વાંચવું જોઈએ. એક વિશેષ ઘટનાનું વર્ણન આ પ્રમાણે છે : ‘ટોકિયો વિશ્વવિદ્યાલયના પુસ્તકાલયમાં ૩૭ લાખ પુસ્તકો છે. અનેક વર્ષોથી આ જ સુધીના એક પણ પુસ્તક અહીંથી ખોવાયું નથી કે ચોરાયું નથી. જ્યારે અમે ગ્રંથપાલને પૂછ્યું કે કોઈ પુસ્તકને નુકસાન થાય તો દંડ વગેરે છે ખરો ત્યારે તેમણે કહ્યું : ‘ખ્યાલ નથી’- એમ કહીને એ નિયમાવલી જોવા ગયો. આ પુસ્તકાલયમાં ક્યારેય આવી પરિસ્થિતિ જ ઊભી થઈ ન હતી એટલે એ વિશેનો નિયમ યાદ પણ કેમ રહે?’

કર્તવ્યપરાયણ સમાજ પોતાની યુવાપેઢીમાં આચારવ્યવહારના કેટલા બધા ઉચ્ચ માપદંડ નિર્ધારિત કરે છે? બાળપણથી જ ઉચિત પ્રશિક્ષણ આપીને બાળકોને ઉત્તમ નાગરિકોમાં ફેરવી શકાય છે. મારો એક મિત્ર હમણાં જ અમેરિકાનો પ્રવાસ કરીને પાછો આવ્યો. એમણે કહ્યું : ‘ડિઝનીલેન્ડ અમેરિકાનું એક અદ્‌ભુત સ્થળ છે, અહીં દરરોજ ૪૦ થી ૫૦ હજાર દર્શકો આવે છે. રજાના દિવસોમાં ૧ લાખ લોકો આવે છે. અહીંની વ્યવસ્થા એટલી સુંદર મજાની છે કે ક્યાંય જરાય ભીડ કે ધક્કામૂકી થતાં નથી. દર્શકો હરોળ બે કિલોમીટર જેટલી લાંબી હતી છતાં અમને લાગ્યું કે અમારો વારો ઝડપથી આવી ગયો છે.’ 

સારી ટેવ પાડો

સારી ટેવ પાડવામાં અને એને આપણા પોતાના શારીરિક તથા માનસિક સંરચનામાં સામેલ કરવા માટે સર્વપ્રથમ તો એક દૃઢ સંકલ્પ સાથે તેનો આરંભ કરવો જોઈએ. અસ્થિર અને ઢચુપચુ ભાવ અનુશાસનનો નિતાંત અભાવ છે એવી મન:સ્થિતિનું દ્યોતક છે. અસંયમી મનની શક્તિઓ અને અનેક દિશાઓમાં વિખરાઈને નાશ પામે છે. અસ્થિર મનની વ્યક્તિ કોઈપણ પ્રકારની ઉત્તમ ઉપલબ્ધિ કરી શકતી નથી. નાનાં મોટાં બધાં કાર્ય એકાગ્રતા તેમજ સુવ્યસ્થિત રૂપે કરવાથી મનુષ્યમાં નિપુણતા અને સહજભાવે બધું કરવાની ક્ષમતા આવે છે.

એક કુશળ સાઈકલ ચલાવવા તરફ નજર કરો. સાઈકલ ચલાવતાં ચલાવતાં તે મિત્રો સાથે વાતચીતો કરી શકે છે અને પોતાની આજુબાજુનાં મનોહર દૃશ્યોનો આનંદ પણ માણી શકે છે. આ બધું કશાય ભય, મૂંઝવણ કે ચિંતા વિના કરે છે, બીજાં વાહનો તથા પગે ચાલનારાઓને બચાવીને આગળ નીકળી જાય છે. રોકાવું હોય ત્યારે બ્રેક તો એની મેળે જ લાગી જાય છે. ટેવ પાડવાને લીધે તેને સાઈકલ ચલાવવા માટે એટલી બધી શક્તિ વાપરવાની જરૂર રહેતી નથી. એનો અભ્યાસ ન હોય તો એ શક્તિ વધારે વપરાય છે. જો કોઈ ટેવ વ્યક્તિની દિનચર્યામાં દૃઢમૂળ બની ગઈ હોય તો તેની સાથે જ સહજભાવે એક બીજી ભાવાત્મક ટેવ પાડી શકાય છે. જેમ કે સ્નાન કરતી વખતે ગણિતનું કોઈ સૂત્ર, કોઈ કાવ્યખંડ કે શ્લોક વગેરે યાદ કરી શકાય છે. એક બાજુએ સ્નાન ચાલુ છે અને સાથેને સાથે જ્ઞાન કે બીજી કોઈ ક્ષમતા પણ કેળવાઈ જાય છે.

કોઈ આવી ઉપયોગી ક્ષમતા કેળવવા માટે સતત અભ્યાસ શરૂ કરવાના પ્રત્યેક અવસર કે તકનો ઉપયોગ કરી લેવા માટે આપણે સદૈવ જાગ્રત રહેવું જોઈએ. આપણે સાવધાનીપૂર્વક સ્થળ અને સમયની એવી પરિસ્થિતિઓ સર્જવી પડશે કે જે પ્રભાવકરૂપે આપણને બેદરકારી કે અનિશિંચંતપણાની ગર્તામાં પડવામાંથી રોકી શકે. સંક્ષેપમાં તમારે તમારા પોતાના વ્યક્તિગત ગુણોના વિકાસ માટે સંકલ્પ કે નિશ્ચયની રક્ષા કરવાની પ્રત્યેક પળનો કે તકનો ઉપયોગ કરવો પડે. તો જ તમે સંકલ્પને તોડનારાં પ્રલોભનોથી બચી શકો.

તમે જે અભ્યાસનો આરંભ કર્યો છે તે અભ્યાસ જ્યાં સુધી એક ટેવના રૂપે તમારા મન અને મસ્તિષ્કનો એક હિસ્સો ન બની જાય ત્યાં સુધી તમારે એને એક દિવસ માટે પણ છોડી દેવો ન જોઈએ. જો એક દિવસ માટે પણ એ અભ્યાસને છોડી દેશો તો બીજે દિવસે એને ટાળવા માટે તમારું મન કોઈ કોઈ નવું બહાનું શોધી લેવાનું છે.

શ્રીપ્રકાશ પાદુકોણે બેડમિન્ટનના એક પ્રસિદ્ધ ખેલાડી છે. રમતમાં ઉત્કૃષ્ટતા લાવવા માટે એમના નિરંતર અભ્યાસ તેમજ એમની અત્યંત મહત્ત્વની સિદ્ધિઓની વાતથી પ્રેરિત થઈને અનેક યુવાનોએ નિયમિત અભ્યાસ કરવાનો સંકલ્પ કર્યો અને નગરના ભિન્ન ભિન્ન ભાગોમાં બેડમિન્ટન ક્લબની રચના પણ કરી.

એ બધા ઘણા ઉત્સાહ સાથે દરરોજ એ ક્લબમાં આવવા લાગ્યા, પરંતુ સાતઆઠ દિવસ પછી એ બધા કોઈને કોઈ બહાને એક એક કરીને એ ક્લબમાં ગેરહાજર રહેવા લાગ્યા. એક મહિનામાં તો એ યુવકોના ઉત્સાહ સાથે આ ક્લબ પણ બંધ થઈ ગઈ. પ્રકાશ પાદુકોણે ૧૭ વર્ષ અભ્યાસ કર્યો, પરંતુ એમના પેલા દંભી અનુયાયીઓ ૧૭ દિવસ સુધી લગાતાર અભ્યાસ ન કર્યો.

આપણને સફળતાના લક્ષ્ય સુધી લઈ જવા માટે કેવળ ઇચ્છા કે ક્ષણભરનો ઉત્સાહ પૂરતો નથી. નિયમિત અભ્યાસના કષ્ટમાંથી બચવા માટે મન કોઈ ને કોઈ બહાનું શોધી જ લેવાનું. સુદીર્ઘકાળ સુધીની લગની અને ધીરજપૂર્વક કરેલો અભ્યાસ જ આપણી ઇચ્છાને, નિયમોને અનુકૂળ રૂપે ઢાળી શકે છે.

(ક્રમશ:)

Total Views: 101

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.