(ગતાંકથી આગળ)

સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘ભારતીય નારીઓએ સીતાનાં પદચિહ્‌નો પર વિકસિત બનીને પોતાની ઉન્નતિનો પ્રયાસ કરવો પડશે. આ જ એક માત્ર પથ છે… જેમ કે આપણે હરહંમેશ જોઈએ છીએ કે જો આપણે આપણી નારીઓને સીતાના આદર્શથી અલગ કરીને એમને આધુનિક ભાવોથી રંગવાનો પ્રયત્ન કરવામાં આવે તો તે તત્કાળ નિષ્ફળ થાય છે.’

ભારતીય સ્ત્રીઓ સમક્ષ અનેક સમસ્યાઓ છે, પરંતુ એમાંથી કોઈ એવી ગંભીર નથી કે જે ‘કેળવણીના જાદુઈ મંત્રથી’ ઉકેલી ન શકાય. એમણે ખરેખર તો પોતે જ પોતાની સમસ્યાઓનો ઉકેલ કરવો પડશે કે શોધવો પડશે. પુરુષ સ્ત્રીની દૃષ્ટિએ જોઈ શકતા નથી, એટલે એમણે સ્ત્રીઓની સમસ્યાઓનું સમાધાન શોધવામાં ઉતાવળ ન કરવી જોઈએ. કેવળ સ્ત્રીઓ જ પોતાની જરૂરતોને સમજી જાણી શકે છે અને એને લીધે એમનામાં જરૂરી સુધારણાનો આરંભ કરવાના કાર્યને પણ એમના પર જ છોડી દેવું જોઈએ. એમનામાં અત્યંત કઠિન અને દુષ્કર કાર્યને સંભાળી લેવાની કુશળતા વિકસિત કરવા માટે એમને જરૂરત છે માત્ર કેળવણીની; અને એ કેળવણી પણ ઉચિત હોવી જોઈએ.

પરંતુ સ્ત્રીઓ માટેની આવી ઉચિત કેળવણી કેવી રીતે ઊભી થઈ શકે? ભારતીય સ્ત્રીઓની આવશ્યકતાને પૂર્ણ કરનારી કેળવણીનો ઉદ્દેશ્ય તેમજ તેનું ક્ષેત્ર કેવાં હોવાં જોઈએ? અત્યારે આ વિષય પર તીવ્ર મતભેદ જોવા મળે છે. એક બાજુએ આપણી બુદ્ધિજીવી નારીઓમાંથી કેટલીક ચોક્કસ રૂપે વર્તમાન શિક્ષણપ્રણાલીનો પક્ષ લે છે; તો બીજી બાજુએ કેટલીક એવી પણ સ્ત્રીઓ છે કે જે શિક્ષણની સાથે અનિવાર્ય રૂપે આવનાર સાંસ્કૃતિક વિજયના વિચારથી આતંકિત બની જાય છે. આ વિવાદાસ્પદ મુદ્દા પર કોઈ પણ ન્યાયસંગત નિષ્કર્ષ પર પહોંચતાં પહેલાં આપણે આધુનિક વિચારધારા અને સાથે ને સાથે પ્રાચીન ભાવ અને આદર્શોને ધ્યાનમાં રાખીને આ બંને પ્રકારના દૃષ્ટિકોણનું સાવધાનીપૂર્વક પરીક્ષણ કરવું પડશે.

અસીમ સ્વાધીનતા માટે બધામાં જોવા મળતી વ્યાકુળતા એ આ યુગની વિશેષતા છે. સંગઠિત સમુદાયોની જ વાત નથી પરંતુ, દરેક વ્યક્તિ પણ પોતાની સ્વાધીનતાની પરિધિને વધારવામાં લાગી ગઈ છે. જે લોકો શતાબ્દિઓથી દલિત કે શોષિત બની રહ્યા હતા તેઓ પણ દરેક પ્રકારના અત્યાચારમાંથી પૂર્ણ મુક્તિ માટે પોતાનો જન્મસિદ્ધ અધિકાર છે એનો દાવો કરી રહ્યા છે. કોઈ પણ વ્યક્તિ પોતાની નિમ્નતર સ્થિતિથી સંતુષ્ટ રહેવા ઇચ્છતો નથી. જે લોકો સામાજિક, રાજનૈતિક કે આર્થિક એવા દરેક પ્રકારના ભેદભાવપૂર્ણ વ્યવસ્થામાં રહેલ દુ:ખકષ્ટ ભોગવી રહ્યા હતા એ બધાની સમક્ષ પૂર્ણ સ્વતંત્રતા એ જ લક્ષ્ય છે.

ગઈ શતાબ્દિના અંતે પશ્ચિમના ઉન્નત દેશોની સ્ત્રીઓએ અનુભવ્યું કે પુરુષોની સાથે પોતાના પરસ્પરના સંબંધોની બાબતમાં બધું બરાબર ચાલતું નથી. એમણે જોયું કે અત્યાર સુધી પુરુષ એમનું શોષણ કરતાં કરતાં એમને ઉતરતું સ્થાન આપતા રહ્યા છે. એટલે એમણે પીડિત પક્ષના રૂપે પોતાના સમૂહને સંગઠિત કર્યો અને પુરુષની સાથે પૂર્ણ સમાનતા મેળવવાના પ્રયત્નમાં લાગી ગયાં.

સંભવત: આ પ્રક્રિયા મહાન લેખક ઈબ્સનથી શરૂ થઈ. તેનું A Doll’s house (ઢીંગલીઘર) નામનું નાટક પુરુષોની અસીમ પ્રભુસત્તા સમક્ષ પાશ્ચાત્ય નારીઓની ચરમ અધીનતાની ગંભીરતાના વિષયમાં એમની આંખો ઉઘાડનારું બની ગયું. સમગ્ર મહાદ્વીપમાં ‘ઈબ્સન સમિતિઓ’ વ્યાપી ગઈ અને એમણે ઘણી મહિલાઓને પુરુષોના અત્યાચારની વિરુદ્ધ વિદ્રોહ કરવા માટે પણ પ્રેરી. બનાર્ડ શો પણ તરત જ આવ્યા અને એમણે પોતાની વ્યંગ્યાત્મક કલમ દ્વારા આ સામાજિક ક્રાંતિના આંદોલનને વધુ વેગ આપ્યો. એક વિશેષ ક્ષેત્રમાં પુરુષો સાથેની સમાનતાની સ્થાપના માટે નારીઓની ક્રાંતિકારી આકાંક્ષાના એક વિસ્ફોટના રૂપે આ સદીના પ્રારંભકાળમાં થયેલ ઈંગ્લેન્ડના ‘સફર ગેટ આંદોલન’નું ઉદાહરણ આપી શકાય તેમ છે.

આ મતવાદ સમગ્ર યુરોપ તથા અમેરિકામાં જંગલમાં ફેલાતી આગની જેમ ફેલાઈ ગયો અને પશ્ચિમની સ્ત્રીઓ માટે પુરુષોની સાથેના પૂર્ણ સમાનતાનો માર્ગ આલોકિત થવા લાગ્યો. પાશ્ચાત્ય મહિલાઓ પોતાના ઘરબારના ચૂલાઘંટીના પરંપરાગત ક્ષેત્રમાંથી બહાર આવીને જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં પુરુષોની સાથે સ્પર્ધા કરવા લાગી. પુરુષો માટે વિશેષ રૂપે આરક્ષિત હોય એવું કોઈ કાર્યક્ષેત્ર બાકી ન રહ્યું. સૈન્ય તથા પોલિસમાં પણ પુરુષોની સાથે મહિલાઓની પણ ભરતી થવા લાગી છે. એવું લાગે છે કે પ્રકૃત્તિ પ્રત્યે પણ એક વિદ્રોહ ઊભો થયો છે. કેટલાક તો માતૃત્વને પણ ખુલ્લે રૂપે મહિલાઓના આત્મગૌરવ માટે અપમાનસૂચક ગણે છે. જેને લીધે પુરુષોને મુક્તિ મળે છે, છૂટ મળે છે, એવી દુર્ઘટનાનું ફળ તેઓ જ શા માટે ભોગવે? શું એને લીધે પુરુષો સાથેની એમની સમાનતાને અડચણ નથી આવતી?

આમ તો પાશ્ચાત્ય જગતની મોટા ભાગની સ્ત્રીઓએ પુરુષોની સાથે સમાનતાની પોતાની દોડમાં સારો એવો પથ કાપી લીધો છે. છતાં પણ વિભિન્ન દેશોમાં એની પ્રગતિની બાબતમાં ભેદ છે. આ ભેદ કેવળ પરિમાણમાં છે, પ્રકારમાં નહિ. એવું જોવા મળ્યું છે કે હિટલર તથા મુસોલિનીને અધીન યુદ્ધપ્રેમી જર્મની તથા ઈટલીએ માતૃત્વ પર એક પુરસ્કાર પણ નિર્ધારિત કર્યો અને કેટલાક સમય સુધી સ્ત્રીઓને પરંપરાગત સીમામાં જ રહેવા માટે બાધ્ય કરી. પરંતુ સ્ત્રીઓની પુરુષો સાથેની સમાનતાની માગને જે અસ્થાયી ધક્કો લાગ્યો હતો તેને આ બંને દેશોના રાજનૈતિક ભાગ્યપરિવર્તનથી સંભવત: હવે એ પુરુષ સાથેની સમાનતાને પુન: બળ મળશે. કહેવાય છે કે રશિયા વ્યક્તિગત સ્વાધીનતા અને એમાંય વિશેષ કરીને યૌન સંબંધોની સ્વાધીનતાની પ્રાપ્તિમાં સારી એવી પ્રગતિ કરી ચૂક્યું છે. ત્યાં વિવાહને એક સામાજિક, ધાર્મિક સંસ્થાના સ્થાને કેવળ એક કાનૂની રચનાના રૂપે જોવામાં આવે છે. આ વાત એક દિવસ માટે પણ હોઈ શકે કે એક રાત માટે પણ, અને એમાં બંને પક્ષોને એક બીજાની વિરુદ્ધ કોઈ પણ પ્રકારનો ગંભીર આરોપ સાબિત કર્યા વિના સરળતાથી છૂટા પડવાની સુવિધા રહે છે. આવું હોવા છતાં પણ ધ્યાન આપવા જેવી વાત એ છે કે કોઈ પણ વ્યક્તિને એક વખતમાં કેવળ એક જ જીવનસંગિની મેળવવાની અનુમતિ દઈને એક પત્નીવાદના ઈસાઈ સિદ્ધાંતને પ્રામાણિકતાપૂર્વક સુરક્ષિત રાખવામાં આવ્યો છે. આમ જો બર્ટ્રાન્ડ રસેલનું ચાલે તો આ શરતને પણ પૂરેપૂરી દૂર કરી શકાય તેમ છે અને વિવાહને પ્રાચીન પુરાણા વ્રતોને સાથે રાખીને ચિંતિત હોવાની જગ્યાએ પુરુષો અને સ્ત્રીઓને પોતાની મરજી મુજબ રહેવા-જીવવા માટે મુક્ત કરી શકાય. નજીકના ભવિષ્યમાં રસેલને પાશ્ચાત્ય સમાજમાં આવી તદ્દન નવી વ્યવસ્થાને અપનાવનારા એવા અનુયાયીઓ પૂરતી સંખ્યામાં નહિ મળે, એવું કોણ કહી શકે? આમ તો આ એક ચરમ વામ માર્ગનું ચિત્ર છે. વસ્તુત: કેન્દ્ર તથા દક્ષિણ માર્ગ પણ છે જે જીવનનાં અન્ય ક્ષેત્રોની જેમ પોતાની માગોને અધિક સંતુલિત તથા સંયમિત રૂપે બતાવે છે. આ બધું હોવા છતાં – વામમાર્ગી, કેન્દ્રિય તથા દક્ષિણમાર્ગી આ બધાના માધ્યમથી આજના પશ્ચિમના જગતના એક સાર્વભૌમિક લક્ષણના રૂપે નારીની પુરુષોની સાથેની સમાનતાનો હક્કદાવો પણ વ્યક્ત થતો રહે છે.

પાશ્ચાત્ય નારીઓના દૃષ્ટિકોણમાં આવું ક્રાંતિકારી પરિવર્તન જોઈને શું ભારતની નારીઓ પાસે એના પ્રભાવથી દૂર કે અછૂત રહેવાની આશા રાખી શકાય ખરી? વિશેષ કરીને આજે સહજ-સંચારના યુગમાં જ્યારે પશ્ચિમની સાથે આપણો સંબંધ અત્યંત ઘનિષ્ઠ બની ગયો છે ત્યારે ભારતીય નારીઓ (પશ્ચિમની નારીઓના આદર્શથી) અલગ-થલગ રહીને પોતાના વિશેષ પ્રકારના ભાવ અને આદર્શોની સાથે એક પૃથક્‌ જીવન વિતાવી શકે એવું સંભવ છે ખરું? આ ઉપરાંત શું એમના વિચાર અને આદર્શ અણઘડ અને પ્રાચીનપુરાણા નથી? શું એમના સ્થાને પ્રગતિશીલ પશ્ચિમમાંથી આયાત કરેલા ભાવ અને આદર્શને સ્થાપિત કરી લેવા ન જોઈએ? આ જ આપણી પ્રબુદ્ધ નારીઓના વર્ગનો સાચો સંદેશ પોતાની પશ્ચિમની બહેનોના ઉદાહરણમાંથી પ્રેરણા લઈને ભારતીય નારીઓ પણ તથાકથિત પુરુષોના અત્યાચારની વિરુદ્ધ બળવો કરવાની ધજા ફરકાવે છે. પોતાની પશ્ચિમની બહેનોની ઉપલબ્ધિઓને બધા માટે અનુકરણીય ગણીને એમની પ્રશંસા કરીને તેઓ પ્રગતિશીલ પરિવર્તનનાં ગુણગાન ગાતાં ગાતાં આ જ સમયની તાત્કાલીક આવશ્યકતા છે એવું વિશ્વાસ ને દૃઢતાપૂર્વક કહેતી હોય એમ નથી લાગતું? જે કોઈ પણ એમની સાથે સહમત ન થાય તેને એક જુનવાણી જડબાં જેવા નિરુપયોગી પુરાણવાદી ગણવામાં આવે છે.

(ક્રમશ:)

Total Views: 83

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.