શ્રીઠાકુરનું લીલાસંવરણ

‘ઠાકુર, મારે વૃંદાવન જવું છે, ત્યાં તપશ્ચર્યા કરીશ. હું વૃંદાવનચંદ્રને પામું એવા આશીર્વાદ આપો.’ કાશીપુરમાં શ્રીરામકૃષ્ણદેવ ઋગ્ણ શૈયામાં હતા ત્યારે તેમના સ્ત્રીભક્ત યોગિનમાએ તેમને પ્રણામ કરીને રજા માગી.

‘વૃંદાવન જવું છે. બહુ સારું, ત્યાં તમને બધું જ મળશે.’ આ સાંભળીને યોગિનમા રાજી થઈ ગયાં. ત્યાં તો ઠાકુરની નજર જમવાની થાળી હાથમાં લઈને ઊભેલાં શ્રીમા શારદાદેવી પર પડી કે તરત જ શ્રીમા તરફ હાથ બતાવીને તેમણે યોગિનમાને કહ્યું: ‘પણ તમે આમને પૂછ્યું? તેઓ શું કહે છે?’ આ સાંભળીને શ્રીમાએ કહ્યું: ‘હું બીજું શું કહું? જે કહેવાનું હતું તે તો તમે કહી જ દીધું છે.’ પણ શ્રીરામકૃષ્ણદેવે આ વાત સાંભળી જ નહિ અને તેમણે કહ્યું: ‘અરે દીકરી, એમને તું રાજી કરીને જજે. તને બધું મળશે.’ ઠાકુરે યોગિનમાને એક જ વાક્યમાં શ્રીમાની અગાધ શક્તિની જાણ કરાવી દીધી કે તું જો એમને પ્રસન્ન કરીશ તો તને અહીં જ બધું મળી જશે. જાણે કે ગર્ભિત રીતે એમ કહી દીધું કે તારે ક્યાંય જવાની જરૂર નથી. ફક્ત શ્રીમાના સાંનિધ્યમાં રહીને એને પ્રસન્ન કર. પરંતુ તે સમયે તો યોગિન માના મનમાં વૃંદાવન જઈને તપ કરવાનો વિચાર પ્રબળ હતો. એટલે તેઓ શ્રીરામકૃષ્ણદેવની માર્મિક વાત સમજી શક્યા નહિ, પણ પછી જ્યારે શ્રીમા એમને વૃંદાવનમાં મળ્યાં ત્યારે તેમને શ્રીમાની બાબતમાં શ્રીરામકૃષ્ણદેવે જે કહ્યું હતું, તેની દૃઢ પ્રતીતિ થઈ અને મનમાં થયું પણ ખરું કે ત્યારે જો તેઓ શ્રીમા પાસે રહી ગયાં હોત તો શ્રીમાની પ્રસન્નતાથી ને શ્રીઠાકુરના આશીર્વાદથી એમને વૃંદાવનમાં જે મળવાનું હતું તે ત્યાં જ મળી ગયું હોત અને ઠાકુરના નિત્ય દર્શનનો લાભ પણ મળ્યો હોત! પરંતુ શ્રીમાએ તો ઠાકુરના કહેવા પ્રમાણે રાખમાં ઢંકાયેલી બિલાડીની જેમ પોતાનું અસલ સ્વરૂપ સદૈવ ઢાંકેલું જ રાખ્યું હતું! એટલે જ તેમની નજીકમાં નજીક રહેનારાં ગોલાપમા કે યોગિનમા પણ શરૂઆતમાં શ્રીમાને ઓળખી શક્યા નહોતાં. સમયે સમયે શ્રીરામકૃષ્ણદેવ આ અપ્રગટ રૂપને પોતાના ભાવિકાર્ય માટે શિષ્યો, ગૃહસ્થો સમક્ષ પ્રગટ કરી રહ્યા હતા અને એટલે જ કોઈ કોઈ ભક્તશિષ્યો શ્રીમાના મહિમાને જાણવા લાગ્યા હતા! શ્રીરામકૃષ્ણદેવ પણ પોતાની ઐહિક લીલાની સમાપ્તિ પહેલાં જાણે શ્રીમાને પોતાના અવતારકાર્ય માટે તૈયાર કરી રહ્યા હતા.

શ્રીરામકૃષ્ણદેવનું દર્દ વધતું જતું હતું. શ્રીરામકૃષ્ણદેવે પોતાની ઐહિક લીલાની સમાપ્તિ અંગેના જે સંકેતો આપ્યા હતા એ સંકેતો પણ હવે શ્રીમાને મળવા લાગ્યા હતા. આથી તેઓ ચિંતાતુર હતાં. તેમાં શ્રીરામકૃષ્ણદેવે શ્રીમાને પોતાનાં સ્વપ્નની વાત કરતાં કહ્યું: ‘જુઓ મેં સ્વપ્નમાં જોયું કે એક હાથી દવા લેવા ગયો છે. દવા લેવા માટે તે માટી ખોદી રહ્યો હતો. એવામાં ગોપાલે ઊઠાડ્યો ને સ્વપ્ન તૂટી ગયું!’ આ સ્વપ્નનો સ્પષ્ટ સંકેત એ હતો કે શ્રીઠાકુરના ગળાના દર્દની દવા મળતી નથી. અને તેથી આ રોગ દૂર થવાનો નથી. પછી શ્રીમા મા કાલીને સતત પ્રાર્થના કરતાં રહેતાં: ‘મા તું એમનું દર્દ દૂર કરી દે.’ પણ એક દિવસ મા કાલીએ સ્વપ્નમાં દર્શન દીધાં શ્રીમાએ જોયું કે મા કાલીની ડોક વાંકી થઈ ગઈ છે! શ્રીમાએ એમને પૂછ્યું: ‘મા, તમારી ડોક કેમ વાંકી થઈ ગઈ છે? એટલે મા કાલીએ કહ્યું : ‘જો એના (શ્રીરામકૃષ્ણના) ઘાને લીધે મારા ગળામાં ઘા થયો છે એટલે ડોક વાંકી છે.’ પછી મા કાલી અંતર્ધ્યાન થઈ ગયાં, આ સ્વપ્ને પણ શ્રીમાને સંકેત આપ્યો કે ઠાકુરનું દર્દ મા કાલી પોતે સહી રહ્યાં છે. તેઓ પોતે આ વેદના ભોગવે છે. પણ તેમને સારાં કરતાં નથી. એનો અર્થ એ છે કે હવે શ્રીરામકૃષ્ણદેવ પોતે જ પોતાની ભૌતિકલીલા સમાપ્ત કરવા ઇચ્છે છે! નહિ તો સાક્ષાત્‌ જગદંબા પોતે જ એમને સાજા ન કરી દે! એ ગાળામાં બે ત્રણ પ્રસંગો એવા બન્યા અને  શ્રીમાને અંતરમાં દૃઢ પ્રતીતિ થઈ ગઈ કે શ્રીરામકૃષ્ણદેવ પોતે જ હવે આ દેહમાં રહેવા ઇચ્છતા નથી.

પંડિત શશધર તર્કચૂડામણિ શ્રીરામકૃષ્ણદેવના ભક્ત હતા. તેઓ તેમને મળવા માટે ખાસ આવ્યા હતા. તેમણે શ્રીરામકૃષ્ણને કહ્યું, ‘ઠાકુર શાસ્ત્રોમાં તો લખ્યું છે કે આપના જેવા મહાત્માઓ તો કેવળ સંકલ્પ માત્રથી જ શારીરિક વ્યાધિને દૂર કરી શકે છે. ‘રોગ દૂર થવો જ જોઈએ’ એવો દૃઢ સંકલ્પ કરીને જો આપ રોગગ્રસ્ત ભાગ ઉપર મનને કેન્દ્રિત કરો તો રોગ તુરત જ દૂર થઈ જશે. તો આપ શા માટે પ્રયત્ન કરતા નથી?’ આ સાંભળીને શ્રીરામકૃષ્ણ તત્ક્ષણ બોલી ઊઠ્યા: ‘તમે પંડિત થઈને આવી વાત કરો છો? જે મનને મેં હંમેશાં ઈશ્વરને સોંપી દીધું છે. એને પાછું માંસ રુધિરના સડેલા માળખા ઉપર કેન્દ્રિત કરવાનું કેવી રીતે બની શકે? પંડિત શ્રીરામકૃષ્ણની અતિ ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ જોઈને દિઙમૂઢ બની ગયા. પણ જ્યારે શ્રીમાએ આ વાત જાણી ત્યારે તેમને થયું કે સદાય બ્રહ્મભાવમાં રહેલા એમના મનને હવે નીચેની ભૂમિકામાં ક્યારેય ઉતારી નહિ શકાય. તો પછી આ દેહ કેવી રીતે ટકશે? આ વાતથી શ્રીમાનું આંતરમન હવે સ્પષ્ટપણે જાણી ગયું હતું કે ઠાકુર પોતે જ લીલાસંવરણ કરી રહ્યા છે. પણ હજુ તેમનું ભૌતિક મન આટ-આટલા સંકેતો શ્રીરામકૃષ્ણ તરફથી મળવા છતાં આ સ્વીકારવા તૈયાર નહોતું. શ્રીમાની જેમ જ નરેન્દ્ર, રાખાલ અને અન્ય અંતરંગ શિષ્યોને પણ ઠાકુરના લીલાસંવરણની ઘટનાનો વિચાર માત્ર અસહ્ય જણાતો હતો. આથી નરેન્દ્રે પણ પંડિત શશધર ગયા પછી ઠાકુરને કહ્યું: ‘ઠાકુર, અમારે ખાતર પણ તમારે આ રોગને મટાડવો જ જોઈએ. તમારું મન ભલે ઈશ્વરભાવમાં જ ડૂબેલું રહ્યું પણ અમારે માટે તમે એને રોગ ઉપર કેન્દ્રિત કરીને રોગને દૂર કરો.’

ત્યારે શ્રીરામકૃષ્ણે એમને કહ્યું: ‘અરે બેટા, એ મટી જાય એવું તો હું ય ઇચ્છું છું, પણ એ મટે છે ક્યાં? બધું ય જગદંબાની ઇચ્છા ઉપર જ અવલંબે છે. આ સાંભળીને  નરેન્દ્રે તરત કહ્યું: ‘તો પછી આપ જગદંબાને કહોને, તેઓ તો આપની પ્રાર્થના જરૂર સાંભળે છે.’ શ્રીઠાકુર બોલ્યા: ‘લે, તેં તો સહેલાઈથી કહી દીધું કે જગદંબાને કહોને, પણ હું જગદંબાને એવી વાત ક્યારેય કરી શકું નહિ.’ નરેન્દ્રે કહ્યું: ‘ના, તમારે માટે નહિ, અમારે માટે તમારે કહેવી પડશે.’ નરેન્દ્રની આજીજીભરી વિનંતીથી શ્રીરામકૃષ્ણદેવ પીગળ્યા અને કહ્યું: ‘ભલે.’ થોડા કલાકો પસાર થઈ ગયા પછી નરેન્દ્રે શ્રીરામકૃષ્ણને પૂછ્યું, ‘ઠાકુર, આપે જગદંબાને વાત કરી ને? તેમણે શું કહ્યું?’ શ્રીઠાકુરે કહ્યું: ‘જો મેં મારું ગળું દેખાડીને માને કહ્યું, મા આ દરદ થવાથી હું કંઈ ખાઈ શકતો નથી. તો હું થોડું ખાઈ શકું તેવું કરી દે.’ આતુરભાવે નરેન્દ્રે પૂછ્યું, ‘પછી જગદંબાએ શું કહ્યું?’ શ્રીઠાકુરે કહ્યું: ‘માએ મને કહ્યું: જો આટલા બધા મુખે શું તું જ ખાઈ રહ્યો નથી? આથી હું એટલો બધો ભોંઠો પડી ગયો કે આગળ કશું જ બોલી શક્યો નહિ.’ આ સાંભળીને નરેન્દ્ર પણ સ્તબ્ધ બની ગયા અને ગુરુદેવની અદ્વૈતની આવી ઉચ્ચ અવસ્થા જોઈને તેઓ પણ કશું બોલી શક્યા નહિ.

એવું જ રાખાલની બાબતમાં પણ થયું તેમના માનસપુત્ર રાખાલે પણ એક દિવસ ગદ્‌ગદ્‌ કંઠે વિનંતી કરતાં કહ્યું, ‘ઠાકુર કૃપા કરીને જગદંબાને આપનું આયુષ્ય લંબાવવાનું કહો.’ ત્યારે તેમણે કહ્યું હતું: ‘એ તો એમની ઇચ્છાની વાત છે.’ નરેન્દ્રે તક ઝડપી લેતાં કહ્યું, ‘આપની ઇચ્છા એ જ એની ઇચ્છા છે. આપ એમને જરૂર કહો.’ શ્રીઠાકુરે કહ્યું: ‘પણ હું જોઉં છું કે મારી ઇચ્છા એની ઇચ્છામાં ભળી ગઈ છે.’ આમ પોતાના સમગ્ર અસ્તિત્વને જગદંબામાં સંપૂર્ણપણે વિલીન કરી દેનાર શ્રીરામકૃષ્ણદેવ પોતે હવે પોતાના દેહને ટકાવવા કોઈ પ્રયત્ન કરશે નહિ, એની દૃઢ પ્રતીતિ શ્રીમાને આવા અનેક પ્રસંગો દ્વારા થઈ. શ્રીરામકૃષ્ણદેવ રોગમુક્ત બને તે માટે શ્રીમાએ વ્રત-તપ-જપ ઉપવાસ વગેરે કર્યાં હતાં, પણ પછી તેમને સમજાયું કે શ્રીરામકૃષ્ણનું મન હવે સતત બ્રહ્મભાવમાં રહેતું હોવાથી એમનું શરીર લાંબો સમય ટકશે નહિ.

આ વાતની પ્રતીતિ પણ શ્રીરામકૃષ્ણદેવે પોતે જ શ્રીમાને કરાવી આપી. એક દિવસ એમણે પોતાના શિષ્ય શશીને કહ્યું, ‘શશી તું એમને બોલાવી લાવને, તેઓ બુદ્ધિમાન છે. મારી અવસ્થાને તેઓ પૂરેપૂરી સમજી જશે.’ શ્રીમા જ્યારે રામકૃષ્ણદેવના ઓરડામાં આવ્યા ત્યારે તેમણે શ્રીમાને કહ્યું: ‘જુઓ, મારા મનમાં હંમેશાં બ્રહ્મભાવ સ્ફૂર્યા કરે છે.’ આ સાંભળીને શ્રીમા તો સમજી ગયાં કે ઠાકુર શું કહેવા માગે છે. સતત બ્રહ્મભાવમાં રહેવું એટલે થોડા સમયમાં શરીરનું છૂટી જવું, કેમ કે બ્રહ્મમાં સતત લીન રહેતું મન પછી નીચે આવી શકતું નથી એ શ્રીમા જાણતાં હતાં. અને એટલે જ પોતાના લીલાસંવરણના બે ત્રણ દિવસ અગાઉ જ ઠાકુરે શ્રીમાને પરોક્ષ રીતે પોતાના દેહત્યાગની જાણે આ રીતે જાણ કરી દીધી! શ્રીમાને તેઓ આવનાર ભાવિ ઘટનાઓ વિશે તૈયાર કરી રહ્યા હતા!

તિરોધાનના ત્રણ દિવસ અગાઉ શ્રીરામકૃષ્ણે નરેન્દ્રનાથને બોલાવ્યા હતા. પથારીમાં પોતાની પાસે જ બેસાડ્યા અને તેમના તરફ સ્થિર દૃષ્ટિ કરી બેસી રહ્યા. નરેન્દ્રને સમજાયું નહિ કે ઠાકુર આમ કેમ કરી રહ્યા છે. પણ થોડીવારમાં તો તેમનું બાહ્યભાન લુપ્ત થઈ ગયું અને તેઓ સમાધિમાં ચાલ્યા ગયા. લગભગ પોણી કલાકે જ્યારે તેમણે આંખ ખોલી જોયું તો શ્રીરામકૃષ્ણદેવની આંખોમાંથી આંસુ ચાલ્યા જતાં હતાં. તેમને આશ્ચર્ય થયું! નરેન્દ્રને જાગેલો જોઈને તેઓ બોલી ઊઠ્યા, ‘અરે નરેન, આજે મેં તને મારું સર્વસ્વ આપી દીધું અને હું સાવ અકિંચન ફકીર જેવો બની ગયો. આજે મેં તને જે આપ્યું છે તેનાથી તું જગતમાં જગદંબાનાં મહાન કાર્યો કરી શકીશ. અને પછી તું જ્યાંથી આવ્યો છે ત્યાં પાછો જઈશ.’ આ સાંભળીને નરેન્દ્રને શ્રીરામકૃષ્ણની દૃષ્ટિથી તેની અંદર કોઈ વિદ્યુતનો પ્રવાહ પસાર થતો હોય તેવી જે સતત થતી અનુભૂતિનું રહસ્ય સમજાયું. જ્યારે શ્રીમા શારદાદેવીએ આ જાણ્યું ત્યારે એમને વધુ પ્રતીતિ થઈ કે હવે ઠાકુર આ દેહમાં રહેશે નહિ, કેમ કે એમણે આમ પોતાની સઘળી શક્તિઓ હવે નરેન્દ્રમાં સંક્રમિત કરી દીધી છે! આમ એક પછી એક ઘટનાઓ અને પ્રસંગો દ્વારા શ્રીરામકૃષ્ણદેવે શ્રીમા અને તેમના અંતરંગ ભક્તોને એમના લીલાસંવરણનો સમય અતિ નિકટ છે, એના સંકેતો પણ આપી દીધા હતા! પણ ઠાકુરની લીલાસમાપ્તિની દુ:ખદ ઘટના ગમે તે ક્ષણે હવે આવી પડશે તે જાણવા છતાં ન તો નરેન્દ્ર એ સ્વીકારવા તૈયાર હતા કે ન ખુદ મા સ્વયં.

૧૫મી ઓગસ્ટ ૧૮૮૬નો એ દિવસ આવી પહોંચ્યો. શ્રીમાનું અંતર હવે આવનારી દુ:ખદ ઘટનાના આભાસથી વારંવાર થડકી ઊઠતું. તે દિવસે શ્રીમાના હાથે રાંધેલી ખીચડી બળી ગઈ. સેવકોને તેમણે ઉપર ઉપરથી ખીચડી ખવડાવી. પોતે બળેલા થોડા કોળિયા ખાઈ પાણી પી લીધું. તેમના આંતરમનને હવે દુ:ખદ ઘટનાના પૂર્વ સંકેતો મળવા લાગ્યા. એમાં તેમના હાથમાંથી પાણીનું ભરેલું માટલું છટક્યું ને તૂટી ગયું. એ રીતે પણ શ્રીમાને જાણે પૂર્વસંકેત મળી ગયો કે શરીર એ પણ માટીનું એક પાત્ર જ છે ને! એ પણ ગમે ત્યારે ફૂટી જશે! આ વિચારથી માનું મન ખિન્ન થઈ ગયું! તે બપોરે જ શ્રીરામકૃષ્ણદેવે એમને પોતાના ઓરડામાં બોલાવ્યાં. શ્રીમા ઠાકુરનાં ભત્રીજી લક્ષ્મીને લઈને શ્રીરામકૃષ્ણ પાસે ગયાં, જઈને જોયું તો શ્રીરામકૃષ્ણ ઓશીકાને અઢેલીને પથારીમાં બેઠા હતા. દેહ તો હાડપિંજર જેવો દુર્બળ બની ગયો હતો. પણ મુખ ઉપર અલૌકિક તેજ ચમકતું હતું. મુખથી બહુ બોલાતું ન હતું, છતાં જ્યારે શ્રીમા એમની પાસે આવ્યાં ત્યારે એમને બેસાડીને તેમણે કહ્યું, ‘તમે આવ્યાં? જુઓ, હું જાણે ક્યાંક જાઉં છું.. પાણી ની અંદર થઈને… ઘણે દૂર’ ઊંડી ગુફામાંથી આવતો હોય એવા ધીમા સ્વરે, શ્રીમાને આંચકો આપી દીધો! તેમને લાગ્યું કે જાણે શ્રીઠાકુર સાચે ઘણે દૂર પહોંચી ગયા છે! એટલે દૂર કે જ્યાં માનવમન ક્યારેય પહોંચી શકતું નથી! જ્યાં પંચમહાભૂત ઓગળી જાય છે અને રહે છે કેવળ એ જ પરમ તત્ત્વ, એ જ બ્રહ્મ! હજુ બે ત્રણ દિવસ પહેલાં જ શ્રીઠાકુરે બ્રહ્મભાવની સ્ફૂરણાની વાત કરી હતી, અને આજે તો તેઓ જાણે એ બ્રહ્મલોકમાં જ પહોંચી ગયા હોય એવું જણાતાં શ્રીમાનું સમગ્ર અસ્તિત્વ ધ્રુજી ઊઠ્યું, શું હવે ઠાકુર ચાલ્યા જશે?’ આ વિચારે તેમને હચમચાવી દીધા અને તેઓ રડી પડ્યા! શ્રીમાની આંખમાં આંસું જોઈને શ્રીરામકૃષ્ણ બોલી ઊઠ્યા, ‘તમે શા માટે ચિંતા કરો છો? તમે જેમ રહો છો તેમ જ રહેશો. આ બધા (નરેન્દ્ર વગેરે) મારા માટે જે કરે છે તે તમારા માટે પણ કરશે. લક્ષ્મીને સંભાળજો અને સાથે રાખજો.’ આ હતા શ્રીરામકૃષ્ણના શ્રીમાને કહેલા અંતિમ શબ્દો! જર્જરિત થઈ ગયેલું દુર્બળ શરીર, શરીરમાં થતી અપાર પીડા અને પૃથ્વી ઉપરથી વિદાય લેવાની ઘડીઓ અને છતાં કેટલી બધી સ્વસ્થતા! શ્રીમાને ભવિષ્યમાં પણ કોઈ તકલીફ ન પડે, એ માટે શબ્દોનું ઉચ્ચારણ કષ્ટસાધ્ય હોવા છતાં, પણ તેમણે સ્વમુખે ‘તમે જેમ રહો છો તેમ જ રહેશો’ આમ કહીને શ્રીમાને પણ નિશિ્ંચત બનાવી દીધાં અને શ્રીમાની જવાબદારી નરેન્દ્ર વગેરે ભક્તોને સોંપીને ભાવિમાં રચાનાર શ્રીમા અને એમના સંતાનો વચ્ચેના પ્રેમસેતુનું જાણે શિલારોપણ કરી દીધું!

પરંતુ શ્રીઠાકુર વિહોણું પોતાનું જીવન કેવી રીતે વ્યતીત થશે એની તો શ્રીમા કલ્પના પણ કરી શકતાં ન હતાં! અને છતાં એ કપરી વાસ્તવિકતાની ક્ષણો વધુ ને વધુ નજીક આવી રહી હતી! તે સાંજે શ્રીરામકૃષ્ણને ગળામાં અસહ્ય પીડા થવા લાગી હતી. ડોક્ટરોએ હવે આશા છોડી દીધી હતી અને થોડીવારમાં તો શ્રીરામકૃષ્ણદેવ એકાએક ઊંડી સમાધિમાં ચાલ્યા ગયા ત્યારે તો મુખ પર વેદનાનું એક ચિહ્‌ન પણ નહોતું જણાતું. યુવાન શિષ્યો પોતાના પ્રાણપ્રિય ગુરુદેવને નિહાળતા બેઠા હતા. તે વખતે સહુને થયું કે આ કોઈ સામાન્ય સમાધિ જણાતી નથી. નહિતર આટલી ભયાનક વેદનાથી તરફડતું શરીર એકાએક સ્વસ્થ બની જાય, તમામ પીડાથી મુક્ત બની જાય અને ચહેરા ઉપર અપૂર્વ સ્મિત વિકસવા લાગે, એવું શી રીતે શક્ય બને! આ સમાધિ મહાસમાધિ તો નથી ને? એમ માનીને એમની સતત સેવામાં રહેનાર એમના પ્રિય શિષ્ય શશી તો રડવા લાગ્યા. શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્તો ગિરીશ અને રામને પણ બોલાવી લીધા! આ અવસ્થામાં મધ્યરાત્રિ થઈ ગઈ! પછી શ્રીરામકૃષ્ણ બાહ્ય ચેતનામાં પાછા ફર્યા. તેમણે કહ્યું, ‘મને ભૂખ લાગી છે.’ તેમણે થોડી રાબ પીધી. શિષ્યોને આશ્ચર્ય થયું કે એમને રાબ પીવામાં કોઈ જ તકલીફ નહોતી થતી! સાવ સરળ રીતે તેઓ રાબ પી ગયા અને કહ્યું, ‘હવે મને ઘણું સારું લાગે છે.’ નરેન્દ્રે એમને સુઈ જવા કહ્યું, તો પણ તેઓ ધીમા અવાજે નરેન્દ્રની સાથે વાતો કરતા રહ્યા. પછી કાલી, કાલી, કાલી, એમ ત્રણ વખત બોલીને પથારીમાં સૂતા. ગુરુદેવને સુવડાવીને નરેન્દ્ર પોતે પણ નીચેના ઓરડામાં આરામ કરવા ગયા. અને થોડીવારમાં જ શ્રીરામકૃષ્ણના દેહમાંથી એક કંપન પસાર થઈ ગયું. એમના રોમેરોમ ખડાં થઈ ગયાં. આંખો નાકનાં ટેરવા પર સ્થિર થઈ ગઈ. મુખ ઉપર અલૌકિક સ્મિત ફરકી રહ્યું. તે વખતે રાત્રે એક વાગીને બે મિનિટ થઈ હતી!

પૃથ્વી ઉપર મનુષ્યોને માટે ભગવાન મેળવવાનો સહેલામાં સહેલો માર્ગ કંડારવા આવેલા એ અવતાર પુરુષની એ મહાસમાધિ હતી. જેમાં બ્રહ્મમાંથી આવેલો એ તેજપૂંજ પાછો બ્રહ્મમાં લીન થઈ ગયો હતો! હવે તેઓ ફરી જાગવાના ન હતા. શ્રીમાએ જ્યારે આ જાણ્યું ત્યારે આંસુભરી આંખે એટલું જ કહ્યું, ‘ઓ મારી મા કાલી, તું મને છોડીને ક્યાં જતી રહી?’ કેમ કે શ્રીરામકૃષ્ણ ભલે દુન્યવી રીતે શ્રીમાના પતિ હતા. પણ શ્રીમાને માટે તો એ સ્વયં મા કાલી જ હતાં! અને હવે એ મા કાલીનું પ્રત્યક્ષ સાંનિધ્ય ક્યારેય નહિ સાંપડે એથી માનું હૃદય કલ્પાંત કરી રહ્યું.

(ક્રમશ:)

Total Views: 103

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.