(ગતાંકથી આગળ)

આપણા દેશની શિક્ષિત મહિલાઓમાં કેટલીક એવી પણ છે કે જે એમ માને છે કે એક વ્યક્તિ માટેનું ભોજન બીજા માટે વિષ જેવું બની જાય છે; પાશ્ચાત્ય નારીઓ માટે જે કંઈ સારું છે એ બધું ભારતીય નારીઓ માટે પણ સારું જ છે એવું નથી. પાશ્ચાત્ય મહિલાઓના પ્રગતિશીલ વિચાર તથા એમની સિદ્ધિઓ એમના પોતાના ભૂતકાળ સાથે એવા ભાવો અને આદર્શો સાથે સંલગ્ન છે જે શતાબ્દિઓની પરંપરાથી એમનાં પોતાનાં જ બની ગયાં છે. જીવન પ્રત્યે એમના દૃષ્ટિકોણની પાછળ એક ઐતિહાસિક પૃષ્ઠભૂમિ છે અને નિશ્ચિત રૂપે તેનું સાર્વભૌમિક મૂલ્ય આંકી ન શકાય. ભારતીય જીવનપદ્ધતિ પણ અનેક શતાબ્દિઓના પ્રયોગ તેમજ નિરીક્ષણનું ફળ કે પરિણામ છે અને એવો પણ સંભવ છે કે તેનું પેલી પાશ્ચાત્ય પરિસ્થિતિ સાથે સમાયોજન ન થઈ શકે. એવુંય બની શકે કે ભારતીય નારીત્વના આદર્શ એમની પાશ્ચાત્ય નારીઓના આદર્શથી મૂળભૂત રીતે ભિન્ન પણ હોય. જો એવું હોય તો પશ્ચિમમાં જે કંઈ સામાજિક સંબંધોમાં એક પ્રગતિશીલ ઉપલબ્ધિ ગણવામાં આવે છે તે અહીંના જીવન પ્રત્યેના ભિન્ન દૃષ્ટિકોણ રાખનારી ભારતીય નારીઓ માટે અહિતકર બને એવો પણ સંભવ છે.

પરંપરાથી બદ્ધ રૂઢિચુસ્ત વર્ગના જેવી આ શ્રેણીની શિક્ષિત ભારતીય નારીઓના તર્કને એમ સહજ રીતે ઉડાડી શકાય તેમ નથી. આપણે જરા વિચારીને ગંભીરતાપૂર્વક ચિંતન કરવું પડશે. પશ્ચિમના આંધળા અનુકરણને નિશ્ચિત રૂપે આપણા દેશમાં સામાજિક પ્રગતિ ગણી ન શકાય. દરેક આધુનિક બાબતની નકલ કરીને પ્રગતિની દિશામાં ભરેલું સાચું ડગલું બને એ વાત આવશ્યક પણ નથી. પશ્ચિમના લોકો જે કોઈ વસ્તુને સારી ગણીને ચાલે છે તેને આપણા સમાજમાં સ્વીકાર કરતાં પહેલાં ભારતીય આદર્શોની કસોટી પર કસી લેવી જોઈએ. આ માન્યતામાં મૂળત: કંઈ ખોટું કે અયુક્તિક નથી.

એકવાર સ્વામી વિવેકાનંદે વ્યંગપૂર્વક કહ્યું હતું: ‘જો ગઈ કાલે જન્મેલું બાળક કાલે જ મરી જવાનું હોય અને તે મારી પાસે આવીને મને મારી પોતાની બધી યોજનાઓને બદલી નાખવાનું કહે; અને જો હું એ બાળકની સલાહ પ્રમાણે ચાલીને એના વિચારો પ્રમાણે હું મારા બધા પરિવેશને બદલી નાખું તો એ બીજા કોઈની નહિ પણ મારી જ મૂર્ખતા ગણાશે. વિભિન્ન દેશોમાંથી આપણી પાસે પહોંચનારી મોટા ભાગની સલાહ આવી જ છે. એ બધા જ્ઞાનદંભીઓને આમ કહી દો : ‘જ્યારે તમે પોતે એક સ્થિર સમાજ બનાવી લેશો ત્યારે જ હું તમારી વાત માનીશ. તમે એક વિચારને બે દિવસ માટે પણ પકડીને રહી શકતા નથી, ઝઘડતા રહો છો અને નિષ્ફળતાને વરો છો; વસંતકાળે પેદા થનારા કીડાની જેમ જન્મો છો અને એ કીડાની જેમ પાંચ મિનિટમાં મરી જાઓ છો; પાણીના પરપોટાની જેમ ઉદ્‌ભવો છો અને એમની જેમ જ સમાપ્ત થઈ જાઓ છો. પહેલાં અમારી જેમ એક સ્થિર સમાજનું નિર્માણ કરો; જેમની શક્તિ સદીઓ સુધી ક્ષીણ ન થાય એવાં નિયમ અને સંસ્થાઓ પહેલાં રચો. ત્યારે જ તમારી સાથે આ વિષય પર વાત કરવાનો સમય આવશે, અત્યારે તો મિત્ર! તમે તો માત્ર એક અંજાઈ જતા બાળક માત્ર છો.’

સૌથી ખરાબ વાત તો એ છે કે સશક્ત, સમૃદ્ધ પશ્ચિમને જોઈને ક્યારેક ક્યારેક આપણે પોતે પણ અંજાઈ જઈએ છીએ. હીનતાથી પ્રેરાઈને આપણે ઉતાવળમાં એમના સામાજિક માળખાના ગુણોને કંઈક વધારે પડતું મહત્ત્વ કે મૂલ્ય આપી દેવા મંડીએ છીએ. આપણે એ ભૂલી જઈએ છીએ કે પોતાના ક્ષેત્રમાં એમણે જે પ્રગતિ કરી છે, એનો પોતાના ભાવિ અનુભવોની દૃષ્ટિએ એ પોતે જ ત્યાગ કરી દે એવી શક્યતા છે. વળી, પાશ્ચાત્ય સભ્યતાના આંખને આંજી દે તેવા તેજમાં આપણો સમાજ આધ્યાત્મિક આદર્શોની નક્કર ભૂમિ પર ઊભો છે અને જેની શોધના હજારો વર્ષની ધૈર્યપૂર્વકની ખોજ પછી થઈ શકી છે એ સત્યને આપણે જોયું ન જોયું કરીએ છીએ. આપણે પાશ્ચાત્ય લોકોની ધૂન પર શા માટે નાચીએ? આધુનિક રાષ્ટ્રોની પ્રયોગાત્મક ધૂન પ્રમાણે આપણે શા માટે ઉન્નત કે અવનત બનીએ? ઊલટાનું શું આપણે પોતે જ પોતાના ભાવ અને આદર્શની આવશ્યકતાને નજર સમક્ષ રાખીને એને અનુરૂપ પોતાનો માર્ગ નિર્ધારિત કરી ન લેવો જોઈએ?

(ક્રમશ:)

Total Views: 84

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.