મધ્યરાત્રિના શાંત નિરવ સમયે વાતાવરણને ભેદતો ‘ઓ કરુણામયી, ખોલો કુટિરદ્વાર! ઓ મા, શિશુને બહાર મૂકીને તું સૂતી છે, અંત:પુરે? દયામયી, આ તારો કેવો વ્યવહાર!’ કરુણ સ્વર સર્વત્ર પ્રસરી રહ્યો. શબ્દે શબ્દે ટપકતી અંતરની વેદનાથી ઘરની અંદર રહેલાં સહુ આર્દ્ર બની ગયાં હતાં, છતાં ઘરનાં દ્વાર ખુલ્યાં નહીં. કેમકે એ તો હતો દારૂડિયો પદ્મવિનોદ. નશામાં શ્રીમા શારદાદેવીના ઘર આગળ આવીને મોટે અવાજે ગીત ગાઈ રહ્યો હતો! શ્રીમાના સંત્રી સમા સ્વામી શારદાનંદજીએ શ્રીમાને રાત્રે ઊંઘમાં ખલેલ ન પહોંચે એ માટે સહુને દ્વાર ન ખોલવાની કડક સૂચના આપી હતી. આથી બારણું તો ન ખૂલ્યું, પણ ઉપરના માળે ઝરુખાની બારી ફટાક કરતી ખુલી ગઈ અને પદ્મવિનોદે જોયું તો ઉપર સાક્ષાત્‌ મા ઊભાં હતાં! આનંદના અસીમ આવેગથી તે ધૂળમાં આળોટીને શ્રીમાને પ્રણામ કરીને ગીત ગાવા લાગ્યો : ‘તું મારી સાચી શ્યામા મા છો, એટલો તો તારા બાળકના પોકારે તું રહી ન શકી અને મને દર્શન દીધાં.’ પછી ઉમેર્યું : ‘મા ફક્ત હું જ તને જોઈશ, પણ મારો મિત્ર (સ્વામી શારદાનંદ) તને ન જુએ!’

શ્રીમાના દર્શનથી તેનું રાત્રિભ્રમણ સાર્થક થઈ ગયું. ફરી બીજી વખત તેણે આ જ રીતે મધરાતે શ્રીમાનાં દર્શન કર્યાં હતાં. ત્યારે સેવકોએ શ્રીમાને કહ્યું હતું, ‘મધરાતે આ રીતે ઊઠવાથી તમારી તબિયત બગડશે, એને તો ટેવ પડી ગઈ છે.’ ત્યારે શ્રીમાએ કહ્યું હતું, ‘એનો તીવ્ર પોકાર હું ઠેલી શકતી નથી.’ શ્રીમાની આવી કરુણાને લઈને જ એ દારૂડિયો પદ્મવિનોદ પોતાના અંતિમ સમયે હોસ્પિટલમાં પણ કથામૃત વાંચતો રહેતો અને શ્રીરામકૃષ્ણદેવનું નામ લેતાં લેતાં તેણે પોતાનો દેહ છોડ્યો.

માત્ર પદ્મવિનોદ જ નહીં પરંતુ એના જેવા અસંખ્ય મનુષ્યોએ શ્રીમાની કરુણામય દૃષ્ટિથી તેમના પવિત્ર પ્રેમસ્પર્શથી દિવ્યતા પ્રાપ્ત કરીને મનુષ્યજન્મ સાર્થક કર્યો.

શ્રીમા નહોતાં મનોવૈજ્ઞાનિક કે જીવનશાસ્ત્રી; તત્ત્વવેત્તા કે શિક્ષણવિદ્‌ નહોતાં; છતાં તેમનાં સમગ્ર જીવન કાર્યો, અરે! એમનો અનોખો વ્યવહાર જોતાં એવું જણાય છે કે શ્રીમા આ બધું જ હતાં, અને એનાથી પણ વધારે હતાં. જેમ માતા પોતાના બાળકને ઘડે, કેળવે, જીવન જીવતાં શીખવાડે એ રીતે જ શ્રીમાએ પોતાના સર્વ બાળકોને ઘડયાં છે, અને ઉચ્ચ જીવનના રાહ પર મૂકી દીધાં છે. તેઓ તેમને અંધકારમાંથી પ્રકાશમાં લઈ ગયા છે. કાદવમાંથી ઊંચકીને, તેમને સાફ કરીને તેમને સ્ફટિક જેવા નિર્મલ બનાવ્યા છે. સીધા ઉપદેશ દ્વારા નહીં, પણ પોતાના જીવન વ્યવહાર દ્વારા તેમણે પોતાના સંન્યાસી પુત્રોને, ભક્ત સાધકોને, ગૃહસ્થોને, અને સામાન્ય મનુષ્યોને પણ જીવન કેવી રીતે જીવવું એ શીખવાડ્યું છે. શ્રીમાના જીવનમાં અવગાહન કરતાં સંન્યાસીઓને દૃઢ વૈરાગ્ય, ત્યાગ અને કઠોર સાધનાનો માર્ગ મળે છે. ભક્તોને સાચી ભક્તિનો પથ મળે છે. ગૃહસ્થોને ગૃહસ્થધર્મની આચારસંહિતા મળે છે. સામાન્ય મનુષ્યોને સાચું જીવન જીવવાની કળા પ્રાપ્ત થાય છે. તો સ્ત્રીઓને તો આદર્શ પત્ની અને માતાનું જીવંત દૃષ્ટાંત મળે છે. આમ અલૌકિક અને અદ્‌ભુત છે શ્રીમાનું જીવનશિક્ષણ! પ્રત્યક્ષ ન હોવા છતાં પ્રત્યક્ષથી પણ વધારે  સચોટ અને અસરકારક! 

શ્રીમાના જીવનશિક્ષણની મહત્ત્વની બાબતો

પ્રેમ : ‘મા આ છોકરાઓ મારું કહ્યું માનતા નથી. તમે એને ઠપકો આપો.’ કોઆલપાડાના આશ્રમના અધ્યક્ષે આશ્રમના વિદ્યાર્થીઓની ફરિયાદ કરતાં શ્રીમાને કહ્યું. ત્યારે શ્રીમાએ એ છોકરાઓને ઠપકો આપવાને બદલે અધ્યક્ષને ઠપકો આપતાં કહ્યું, ‘તમે એમને પૌષ્ટિક ખોરાક નથી આપતા અને ઉપરથી અંકુશમાં રાખો છો, કડક વર્તન કરો છો, તો કેવી રીતે આશ્રમ ચાલે? આજ કાલ તો પોતાના છોકરાઓ ગમે ત્યારે જુદા થઈ જાય છે તો પછી આ તો તમારા વિદ્યાર્થીઓ છે!’ પછી શ્રીમાએ આ વિદ્યાર્થીઓના પૌષ્ટિકખોરાકની વ્યવસ્થા કરાવી અને અધ્યક્ષને કહ્યું: ‘જુઓ પ્રેમ જ આપણું બળ છે પ્રેમથી જ પ્રભુનો સંસાર ઘડાયો છે ને હું તો મા છું; મારી પાસે છોકરાઓની આવી ફરિયાદ શા માટે કરો છો?’ આ પછી અધ્યક્ષે શ્રીમાને ક્યારેય ફરિયાદ કરી નહીં.

શ્રીમાએ સર્વ ઉપર સમાનભાવે પ્રેમ વહાવ્યો છે. એ પ્રેમને નાતજાતના, ગરીબ-તવંગર, ઉચ્ચ-નીચ કે નાનામોટાના કોઈ ભેદ સ્પર્શ્યા નથી. એમના સંન્યાસી પુત્રો, ભક્તો, નિકટ સ્વજનો જેટલો જ શ્રીમાનો અહેતુક પ્રેમ ચણતર કરનારા મુસ્લિમો, મજૂર, કહાર કે અમજદ જેવાને પણ મળ્યો છે. આ કલ્યાણકારી પ્રેમે જ વિધવાના પ્રેમમાં પડેલા એક પતિત યુવકને સન્માર્ગે વાળી દીધો. શ્રીમા પાસે નિયમિત આવતા એ યુવાનને જોઈને ભક્તોએ કહ્યું: ‘એને આવતો બંધ કરો.’ ત્યારે શ્રીમાએ કહ્યું, ‘ભૂલ કરવી એ તો મનુષ્યનો સ્વભાવ છે, પણ પડેલાને કેમ બેઠો કરવો એ તો કોઈક જ જાણે છે!’ એ યુવાનને શ્રીમાના એ પાવક પ્રેમે બચાવી લીધો, એટલું જ નહીં પણ વિધવા સ્ત્રીને પણ સન્માર્ગે વાળી દીધી! એવું જ એક પતિતા સ્ત્રીની બાબતમાં પણ બન્યું હતું. ‘એ પતિતા જો અહીં આવશે તો અમે નહીં આવીએ.’ એમ બલરામ બોઝનાં પત્ની અને અન્ય સ્ત્રીઓએ શ્રીમાને કહ્યું ત્યારે શ્રીમાએ તેમને જણાવ્યું: ‘જો તમારે ન આવવું હોય તો તમારી ઇચ્છા, પણ એ સ્ત્રીને મારી વિશેષ જરૂર છે, એટલે હું એને આવતી નહીં રોકું.’ શ્રીમાના સંસર્ગથી આ પતિતા પણ સન્માર્ગે વળી ગઈ. ‘એ ખરાબ વૃદ્ધા મારી પાસે ન આવે’ એમ શ્રીઠાકુરે કહેતાં શ્રીમાએ સ્પષ્ટ કહી દીધું: ‘કોઈએ ભૂતકાળમાં ખરાબ કામ કર્યાં હોય તેથી તે જીવનભર ખરાબ જ હોય? એ તો મારી પાસે સત્સંગ માટે આવે છે.’ અને તે વૃદ્ધા આવતી જ રહી. શ્રીમાએ કહ્યું: ‘કાદવથી ખરડાયેલું બાળક હોય તો શું મા એને ફેંકી દે છે કે ઊંચકીને સાફ કરે છે?’ તેમની પાસે આવેલાં, જાતજાતના કાદવથી ખરડાયેલાં બાળકોને તેમણે પ્રેમપૂર્વક સાફસુથરા બનાવી શ્રીરામકૃષ્ણને ચરણે મૂક્યાં છે.

પરિવર્તનની જાદુઈ ચાવી, ડાકુ જેવા ક્રૂર હૃદયોને પીગળાવવાની શક્તિ, બંધ કમાડોને ખોલવાની ગુરુચાવી પ્રેમ જ છે. પ્રેમની આ શક્તિ એ શ્રીમાનું અમોઘ આયુધ બની ગયું. આ આયુધ દ્વારા શ્રીમાએ દુષ્ટો, દારૂડિયાઓ, લુંટારાઓ, વારાંગનાઓ, વિદેશીઓ, ક્રાન્તિકારીઓ, વગેરે જે કોઈ એમની સમીપ આવ્યાં, તે સર્વના બંધકમાડોને ખોલીને તેમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા વહેતી કરી. શ્રીમાનો આ પ્રેમ સીમિત નહોતો. એ સદા સર્વદા સર્વ પર સમાનભાવે વહેતો રહેતો. એ જ પ્રેમે નરેન્દ્રને છલાંગ મારીને સાગર પાર જવાનું બળ આપ્યું હતું, એ જ પ્રેમે ભગિની નિવેદિતાને એ યુગમાં નારીશિક્ષણ માટે શક્તિ આપી હતી. એ જ પ્રેમે શ્રીરામકૃષ્ણ સંઘનું ગઠન કરી શ્રીરામકૃષ્ણના સંન્યાસી પુત્રોની શક્તિને એકત્ર કરીને યુગપરિવર્તન માટેનાં મહાન કાર્યનો પાયો નખાવ્યો હતો. શ્રીમાએ પોતાના આચરણ દ્વારા પ્રેમ એ જ જીવનની મુખ્ય સંજીવની શક્તિ છે, એ જ જીવનનું ચાલક બળ છે; એ શીખાવ્યું છે.

ઉદારતા

‘અરે, વહુમા, મારા ગોપાલ (રામકૃષ્ણ) માટે તેં કંઈ ન રાખ્યું?’’ ગોપાલની માએ શ્રીમાને ઠપકાભરી રીતે કહ્યું. કેમકે ફળમીઠાઈ ભક્તોએ શ્રીરામકૃષ્ણને ધર્યાં હતાં, તે સઘળાં શ્રીમાએ બધાંને વહેંચી દીધાં. ગોપાલની માની આવી વાતથી શ્રીમાને મૂંઝવણ થવા લાગી કે હવે શ્રીરામકૃષ્ણ મીઠાઈ માગશે, તો શું થશે? પણ ત્યાં તો કોલકાતાથી આવેલી એક ભક્ત સ્ત્રીએ શ્રીમાના હાથમાં સંદેશ ભરેલી ટોપલી મૂકી. શ્રીમાને શ્રીરામકૃષ્ણદેવ નોબતખાનામાં જે કંઈ મોકલાવતા, તે બધું તે બાળકોને, ભક્તોને વહેંચી દેતા. એમનો આવો ઉદાર સ્વભાવ જોઈને શ્રીરામકૃષ્ણે પણ એક દિવસ તેમને કહ્યું હતું: ‘આટલો છૂટો હાથ રાખશો તો કેવી રીતે પહોંચી શકશો?’ આ સાંભળીને શ્રીમા બોલ્યા વગર નોબતખાનામાં ચાલ્યા ગયાં. એ જોઈને શ્રીરામકૃષ્ણને થયું કે મારે એમને આવી વાત નહોતી કરવી જોઈતી. તેઓ અસ્વસ્થ થઈ ગયા. પછી પોતાના ભત્રીજાને બોલાવીને કહ્યું: ‘જા રામલાલ, જઈને તારી કાકીને શાંત કરી આવ. એ ગુસ્સો કરશે તો આનું (પોતાનું શરીર બતાવીને) કર્યું કારવ્યું ધૂળમાં મળી જશે.’ શ્રીમાની ઉદારતાને શ્રીરામકૃષ્ણે પણ સ્વીકારી લીધી હતી. શ્રીરામકૃષ્ણદેવ કશાયનો સંગ્રહ ન કરી શકતા, પણ શ્રીમાને શ્રીરામકૃષ્ણના વિશાળ પરિવારનું સંચાલન કરવાનું હતું, છતાં તેમણે પોતાના માટે ક્યારેય કશું જ રાખ્યું ન હતું. સ્વભાવની આવી ઉદારતાથી જ તેઓ તેમનાં સંતાનોના હૃદયમાં ચિરસ્થાન પ્રાપ્ત કરી શક્યાં.

સ્વભાવની ઉદારતાની સાથે સંકળાયેલી છે, વિશાળ સહૃદયતા. શ્રીરામકૃષ્ણને પણ શ્રીમાની આ વિશાળ સહૃદયતાનો અનેકવાર પરિચય થયો હતો. કોઈ સ્ત્રી એમના ભોજનની થાળી લઈને ગઈ ત્યારે તેમણે એ થાળીને હાથ પણ ન અડાડ્યો અને શ્રીમાને કહ્યું: ‘તમે વચન આપો કે હવે તમે મારી ભોજનની થાળી કોઈને ય નહીં આપો.’ ત્યારે શ્રીમાએ હાથ જોડીને કહ્યું: ‘ઠાકુર, એ મારાથી નહીં બને. તમારું ભોજન હું જ લઈ આવીશ, પણ મા કહીને કોઈ મારી પાસેથી માગી લે, તો હું ના નહીં કહી શકું. તમે તો ફક્ત મારા પ્રભુ નથી, બધાંના છો.’ શ્રીમાની આ વિશાળ સહૃદયતાએ શ્રીરામકૃષ્ણને પ્રસન્ન કરી દીધા.

અરે, શ્રીરામકૃષ્ણને મધુરભાવે ચાહનારી એક પગલીનો ભાવ જોઈને શ્રીરામકૃષ્ણ ઉશ્કેરાઈને મોટે મોટેથી તેને કહેવા લાગ્યા હતા, ત્યારે શ્રીમાએ ગુલાબમાને કહ્યું, ‘આમ મોટે મોટેથી બોલવાની શી જરૂર છે? તેને મારી પાસે મોકલી દેવી જોઈએ ને?’ પછી અપમાનિત થયેલી એ પગલી સ્ત્રીને શ્રીમાએ પોતાની પાસે બોલાવીને પ્રેમથી સમજાવતાં કહ્યું; ‘‘દીકરી, તને જોઈને એ ચિઢાય છે, તો તું એમની પાસે ન જતી, મારી પાસે આવજે.’’ આ છે શ્રીમાની ઉદારતા. 

શ્રીમાની ભત્રીજીને જોઈતું હતું તેવું કાપડ વિદેશી હોવાથી બ્રહ્મચારીએ ન લીધું, ત્યારે શ્રીમાએ તેને કહેલા શબ્દો શ્રીમાની વ્યાપક ચેતનાને પ્રગટ કરી જાય છે. ‘બેટા, તેઓ પણ મારાં જ સંતાનો છે.’ આ શબ્દો દેશ, સ્થળ ને કાળના સીમાડા ભૂંસી નાખે છે, કેમકે સમગ્ર વિશ્વ એમનું પોતાનું જ હતું. પ્રત્યેક મનુષ્ય, પ્રાણી, પશુપક્ષી સર્વ કોઈ એમનાં જ સંતાનો હતાં. એટલે જ તેમણે કહ્યું હતું: ‘આ જગતમાં કોઈ જ પારકું નથી, બધા જ પોતાના છે, બધાંને પોતાનાં કરતાં શીખો.’ શ્રીમાના જીવનની જો આ એક જ વાતને અપનાવવામાં આવે તો જીવન શ્રીરામકૃષ્ણ કહેતા હતા તેમ ‘આનંદની કુટિયા’ બની જાય. સર્વધર્મની સાધના દ્વારા શ્રીરામકૃષ્ણે જે સત્યદર્શન આપ્યું તેને શ્રીમાએ પોતાના જીવનવ્યવહારમાં મૂર્તિમંત કર્યું. બધા ધર્મો સમાન છે, કોઈ પારકું નથી, ભક્તોને કોઈ જાત હોતી નથી. પ્રભુના શરણમાં આવનારા પવિત્ર બની જાય છે, આ બધું શ્રીમાએ પોતાના જીવન દ્વારા શીખવ્યું છે.

સમાયોજન

સામાનથી ખચોખચ ભરેલી, શીકાંવાળી, નીચા બારસાખવાળી, નોબતખાનાની નાની ઓરડીમાં શ્રીમાએ કેવી રીતે સમાયોજન કર્યું હશે! નહાવાની કે શૌચ જવાની કોઈ સગવડ નહીં, ત્યાં જ રસોડું, ત્યાં જ બેઠક ને ત્યાં જ સૂવાનું. તેમણે પરોઢિયે ચાર વાગે ઊઠીને પોતાની દિનચર્યા એવી રીતે ગોઠવી લીધી હતી કે દિવસના સમયે ક્યારેય બહાર નીકળવું ન પડે. કોઈપણ પરિસ્થિતિમાં સમાયોજન કરીને આનંદપૂર્વક રહેવું, ક્યારેય કોઈ જ ફરિયાદ ન કરવી, પ્રતિકૂળતામાં પણ અનુકૂળતાનું સર્જન કરી લેવું, એ શ્રીમાના જીવનમાંથી શીખવા મળે છે. શ્રીરામકૃષ્ણની માંદગી દરમિયાન શ્યામપુકુર અને કાશીપુરમાં પણ આવી જ ભારે અગવડતા વચ્ચે તેઓ રહ્યાં હતાં. શ્યામાપુકુરમાં તો આખો દિવસ છત ઉપર નાની ખુલ્લી ઓરડીમાં રહેવાનું હતું, રાત્રે અગિયાર વાગે સૂવા જતાં, સવારે ૩ાા વાગે ઊઠીને સ્નાન કરીને શ્રીરામકૃષ્ણના યુવાન ભક્તો જાગે તે પહેલાં જ ઉપર આવી જતાં. આવી અગવડ વચ્ચે પણ તેમણે શ્રીરામકૃષ્ણદેવનું પથ્ય તૈયાર કરી, તેમને જમાડવાનું કાર્ય આનંદપૂર્વક બજાવ્યું હતું. ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં પણ પોતાની જાતને ગોઠવી લેવાની અદ્‌ભુત શક્તિ શ્રીમામાં રહેલી હતી. શ્રીરામકૃષ્ણના લીલાસંવરણ પછી કામારપુકુરમાં ભારે આર્થિક તંગીમાં માંડ માંડ નિર્વાહ થઈ શકે તેવી પરિસ્થિતિમાં પણ તેઓ સ્વસ્થતાપૂર્વક રહી શક્યાં હતાં. આવી સ્થિતિ અંગે તેમણે પોતાના માતાને પણ વાત કરી ન હતી! પ્રત્યેક પરિસ્થિતિમાં આનંદથી રહેવું, કોઈ જાતની ક્યારેય માગણી કરવી નહીં એ શ્રીમાના જીવનમાં વણાયેલી વસ્તુ હતી.

શ્રીમાના જીવનમાં સમાયોજનની સાથે સાથે સહનશીલતા પણ જડાયેલી છે. ‘જે સહે છે, તે પામે છે.’ એ સૂત્ર શ્રીમાના સમગ્ર જીવનકાળ દરમિયાન ચરિતાર્થ થતું જોવા મળે છે. શ્રીરામકૃષ્ણની અને નોબતખાનાની એમની ઓરડી વચ્ચે થોડું અંતર હતું, છતાં ઘણી વખત મહિનાઓ સુધી તેમને શ્રીરામકૃષ્ણના દર્શન થતાં ન હતાં. પછી તેમણે ઘાસની ટટ્ટીના પડદામાં નાનું કાણું પાડ્યું અને પછી ઊભાં ઊભાં શ્રીરામકૃષ્ણ ભક્તો સાથે જે સંકીર્તન કરતાં તે સાંભળતા. સતત ઊભાં રહેવાને પરિણામે તેમના પગ ગંઠાઈ ગયા હતા! આવી સ્થિતિમાં પણ તેઓ સતત આનંદમાં જ રહેતાં હતાં તેમણે કહ્યું હતું કે ‘મારા હૃદયમાં આનંદનો પૂર્ણકળશ છલકાતો રહેતો!’ શ્રીરામકૃષ્ણના લીલાસંવરણ પછી કામારપુકુરમાં એકલતાની પીડા, ગ્રામ્યજનોનો કઠોર વ્યવહાર, ભારે આર્થિક વિટંબણાઓ – આ બધું તેમણે ચુપચાપ સહ્યું હતું! એ તો બલરામ બોઝના પત્ની અને નિરંજન મહારાજ કામારપુકુર ગયા અને નજરે જોયું ત્યારે ખ્યાલ આવ્યો કે શ્રીમા કેટકેટલું સહન કરી રહ્યાં છે! એ પછી પણ એમના પરિવારજનોની હરકતોને તેમણે ઓછી સહન કરી નથી પરંતુ જેઓ સહી લે છે,તેઓ જીવનના યુદ્ધમાં જીતે છે એ શ્રીમાના જીવનમાંથી શીખવા મળે છે.

ઘરગૃહસ્થીની સંભાળ

શ્રીમા આધ્યાત્મિક્તાની ટોચ ઉપર બિરાજતાં હતાં. તેઓ શ્રીરામકૃષ્ણની સમાન ભૂમિકા ઉપર રહેલાં હતાં. છતાં એમની કાર્યપદ્ધતિ નિરાળી હતી. એમનું જીવનશિક્ષણ અનોખું હતું. એમણે પોતાની આધ્યાત્મિક્તાને રોજિંદા જીવનના ફલક ઉપર ઊતારી હતી. બાહ્ય રીતે જોતાં તેઓ સામાન્ય ગ્રામ્ય નારી જેવું જીવન જીવતાં હતાં, પણ એ જીવન જીવતાં જીવતાં એમણે જે આધ્યાત્મિક કાર્યો કર્યા, એનો જોટો જડવો મુશ્કેલ છે. એક કુશળ ગૃહિણી જે રીતે પોતાના ઘરનું સંચાલન કરે, તે રીતે તેમણે ઘરસંચાલન પણ કર્યું છે.

ચોમાસું આવે તે પહેલાં ઘરનાં છાપરાં સમા કરાવવાં, છાણાં બળતણ સૂકવીને ભરી લેવાં, ડાંગર છડીને ભરી રાખવી, વગેરે તૈયારી અગાઉથી જ તેઓ કરી લેતાં હતાં કે જેથી ચોમાસામાં બિલકુલ અગવડ ન પડે. એ જ રીતે જગદ્ઘાત્રીની પૂજા માટે અગાઉથી જ પૂજાની સઘળી તૈયારી કરી લેતાં. અતિથિ અભ્યાગતોનું સ્વાગત કરવું, એમના માટે ભોજન બનાવવું. તેમને પ્રેમપૂર્વક જમાડવા, દરેકની સગવડ સાચવવી, આ બધાં કાર્યો શ્રીમાએ સામાન્ય ગૃહિણીની જેમ કર્યાં છે. પાર્સલમાં આવતા નકામા કાગળોનો ફરીથી ઉપયોગ કરવો. શેરડીના છોતાં સૂકવીને તેને બળતણ તરીકે ઉપયોગમાં લેવાં, શાકભાજી સમારીને તેના છાલ-છોતરાં ગાયને નાખવાં, ફાટેલાં વસ્ત્રોને સાંધવા, નકામા વસ્ત્રોમાંથી શીકાં, પંખા વગેરે બનાવવા જેવાં સામાન્યકાર્યો પોતે જાતે કરીને શ્રીમાએ શીખવ્યું છે કે આવાં રોજિંદા કાર્યો કરતાં કરતાં પણ ભગવદ્‌ભાવમાં સ્થિર રહી શકાય છે.

એક વખત કચરો કાઢીને સાવરણીનો ઘા કરીને ફેંકનાર ભક્તને તેમણે કહ્યું: ‘આ રીતે સાવરણીને ન ફેંકાય. તમે જો વસ્તુને માન આપશો, તો વસ્તુઓ તમને માન આપશે. આ ચીજવસ્તુઓ પણ પરિવારનો એક ભાગ છે. તુચ્છ કાર્ય પણ આદરપૂર્વક કરવું જોઈએ.’ દરેક વસ્તુમાં પણ ચેતના રહેલી છે, એનો સ્વીકાર કરવો જોઈએ, એ મહત્ત્વની બાબત શ્રીમા શીખવે છે. એ જ રીતે તુચ્છ પ્રાણી પ્રત્યે પણ આદરપૂર્વક વર્તવું જોઈએ. એ પણ શ્રીમા પાસેથી શીખવા મળે છે. એક ભક્ત સ્ત્રી બિલાડીને પગથી પંપાળતી હતી, તેનો પગ બિલાડીના મસ્તકને અડી ગયો, એ જોઈને શ્રીમાએ કહ્યું, ‘મસ્તક એ ગુરુનું સ્થાન છે, તારે તેને પગથી ન અડવું જોઈએ. તું એને પગે લાગ.’ પશુ – પક્ષીઓ પણ પરિવારના સભ્યો છે અને એમને એ રીતે રાખવાં જોઈએ. એ શ્રીમાએ પોતાના વ્યવહાર દ્વારા શીખવ્યું છે.

ગૃહસ્થના ઘરે આવેલું કોઈ ભૂખ્યું ન જવું જોઈએ જેવો સમય તે પ્રમાણે તેને ભોજન કે જલપાન મળવાં જોઈએ, એ ગૃહસ્થધર્મ શ્રીમાના જીવન વ્યવહારમાં સંપૂર્ણપણે પ્રગટ થાય છે. શ્રીમા તો પોતાના અનેક બાળકોને એમની રૂચિ પ્રમાણે ખાવા- પીવાનું અને વસ્તુઓ આપતાં! તેઓ સંતાનોની કેટલી બધી કાળજી રાખતાં હતાં!

શ્રીમાનો પરિવાર તો ઘણો વિશાળ હતો. શ્રીરામકૃષ્ણના અતિ વિદ્વાન અને બુદ્ધિમાન પુત્રોને શ્રીમાએ એકસૂત્રમાં બાંધી રાખ્યા હતા. તેઓ પોતે અત્યંત શરમાળ પ્રકૃતિના હતાં, ઘૂંઘટથી સદાય ઢંકાયેલા રહેતાં, પુરુષો સાથે સીધી વાત પણ નહોતાં કરતાં, એટલાં લજ્જાશીલ હતાં છતાં જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે સ્પષ્ટપણે પોતાનો અભિપ્રાય આપીને એમણે પરિસ્થિતિ થાળે પાડી દીધી હતી. પ્લેગના રાહત કાર્ય માટે બેલુડની જમીન વેંચવાની વાત જ્યારે નરેન્દ્રનાથે કરી ત્યારે તેમણે એ જમીનની ભવિષ્ય માટે કેટલી અગત્ય છે, એ સમજાવી એ જમીન વેંચવા દીધી નહીં, એ જ રીતે માયાવતીના અદ્વૈત આશ્રમમાં શ્રીરામકૃષ્ણની છબિ મૂકવાની વાત આવી, ત્યારે પણ તેમણે નરેન્દ્રનાથ અને તેમના ગુરુભાઈઓ વચ્ચેનો વિવાદ શમાવી દીધો કે ‘ઠાકુરે પોતે અદ્વૈતની સાધના કરી હતી, તો ભલેને એક સ્થળ અદ્વૈતનું રહે!’ આમ પોતાની આંતર સૂઝથી પરિસ્થિતિને સર્વના હિતમાં કેવી રીતે સુલઝાવવી, એ કળા શ્રીમા પાસેથી શીખવા મળે છે.

કુટુંબ વત્સલતા

‘જો તેઓ આટલા સંયમી ન હોત અને તેમણે મારાં મનને નીચે આકર્ષ્યું હોત તો કોણ જાણે મારું શું યે થયું હોત!’ શ્રીરામકૃષ્ણદેવે શ્રીમાના દૃઢ વૈરાગ્ય, ત્યાગ અને સંયમને બિરદાવતાં આ શબ્દો ઉચ્ચાર્યા હતાં. શ્રીમા ત્યાગ અને વૈરાગ્યની સાક્ષાત્‌ મૂર્તિ સમાં હતાં અને છતાં તેઓ કુટુંબથી ઘેરાયેલાં હતાં! એમનું સમગ્ર જીવન કુટુંબીજનો વચ્ચે જ પસાર થયું હતું.

આ કુટુંબીજનો પણ કેવાં! શ્રીરામકૃષ્ણની ઉપસ્થિતિમાં જ શ્રીમાનું ઘોર અપમાન કરનાર ભાણેજ હૃદયરામ, શ્રીરામકૃષ્ણના લીલાસંવરણ પછી દક્ષિણેશ્વરમાંથી શ્રીમાને મળતી સાત રૂપિયાની માસિક આવક બંધ કરાવી દેનાર શ્રીરામકૃષ્ણનો ભત્રીજો રામલાલ, શ્રીમાના સ્વાર્થી ભાઈઓ, ધૂની અને વિચિત્ર સ્વભાવની ભત્રીજીઓ, છૂતાછૂતની ગ્રંથથી પીડાતી ભત્રીજી નલિની, જિદ્દી સ્વભાવની રાધુ, સળગતું લાકડું લઈને શ્રીમાને મારવા આવેલી પગલી મામી સુરબાળા – આ બધાં પરિવારજનોની વચ્ચે રહીને શ્રીમાએ સમતા – સ્વસ્થતા અને શાંતિપૂર્વક શ્રીરામકૃષ્ણે સોંપેલું – કીડાની માફક સબડતા લોકોના ઉદ્ધારનું – જે કાર્ય કર્યું છે, તેનો પણ જોટો જડવો મુશ્કેલ છે. નિમ્ન પ્રકૃતિથી ઘેરાયેલા, મોહ ને માયામાં અટવાયેલા, આસક્તિમાં બંધાયેલા કુટુંબીજનોનો શ્રીમાએ ત્યાગ નથી કર્યો. એમનો સ્વીકાર કરીને, એમની વચ્ચે રહીને, પોતાના અંતરના પ્રેમથી તેમના જીવનમાં પણ ભગવદ્‌ભાવ ઊતરી આવે એવા પ્રયત્ન કર્યા છે. પોતાના પ્રત્યે રોષ દાખવનારા કુટુંબીજનો પ્રત્યે પણ શ્રીમાએ ક્યારેય કટુવચન ઉચ્ચાર્યાં નથી. કોઈના ય દોષ જોવા એ તો શ્રીમાના સ્વભાવમાં જ નહોતું. જીવનભર તેમણે સર્વના ગુણોનું જ દર્શન કરી, એ ગુણોને મોટા કરી વ્યક્તિનું સાચું દર્શન બધાંને કરાવ્યું છે. પોતાના અંતિમ સંદેશમાં કહ્યું : ‘મનની શાંતિ જોઈતી હોય તો કોઈના ય દોષ ન જોશો.’ શ્રીમા, દોષિત વ્યક્તિ હોય તો પણ તેના દોષ જોતાં નહીં, એટલે જ તો નોકરે ચોરી કરી હોય, અમજાદે ધાડ પાડી હોય, કે બ્રહ્મચારીએ નિયમભંગ કર્યો હોય. – આ બધામાં પણ શ્રીમાને એ બધાંની મજબૂરી દેખાતી, અને તેઓ ગુનો કરનારની પરિસ્થિતિનો વિચાર કરીને, એ પરિસ્થિતિને દૂર કરવાનો પ્રયત્ન કરતાં. શ્રીમા પાસે દરેકને અભય મળી જતું. આ રીતે જાત જાતની પ્રકૃતિ વાળી વ્યક્તિઓ પ્રત્યે કેવો વ્યવહાર કરવો કે જેથી એ હીનકૃત્ય આચનારાઓનું જીવન પણ ઊંચે આવે, એ શ્રીમાના જીવનવ્યવહાર દ્વારા શીખવા મળે છે.

શ્રીમાનું સમગ્ર જીવન પોતે જ શિક્ષણનો મહાન ગ્રંથ છે. તેમાંથી અધ્યાત્મ, જ્ઞાન, વૈરાગ્ય, ત્યાગના પાઠોની સાથે સાથે ઉમદા જીવન વ્યવહારના પાઠો પણ શીખવા મળે છે. શ્રીમાની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે એમના ચરણોમાં પ્રાર્થના કે તમારા જીવનશિક્ષણના મહાન ગ્રંથોના પાઠો શીખીને અમે અમારા જીવનને સાર્થક કરી શકીએ એવી અમારા પર કૃપા કરો.

Total Views: 90

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.