ભાગ્ય ધીરની સાથે રહે છે

થોડા દિવસો પહેલાં એક પ્રસિદ્ધ ખેલપત્રિકા દ્વારા આયોજિત સ્પર્ધામાં એક યુવાન છાત્રને દસ હજાર રૂપિયાનું ઈનામ મળ્યું. બધાને એના ભાગ્યની નવાઈ લાગી બધાએ એને ધન્યવાદ પાઠવ્યા. એ અમારી શાળાનો એક ભૂતપૂર્વ વિદ્યાર્થી હતો. તેણે મને બતાવ્યું કે એને આ ઈનામ મળવાની જરાય આશા ન હતી. મિત્રોએ કહ્યું: ‘આ કેટલા સદ્‌ભાગ્યની વાત છે!’ એણે એ કથનનો સ્વીકાર કરતા હોય એમ માથું હલાવ્યું પણ આ સ્પર્ધા લોટરી દ્વારા કોઈ નિર્ણય લેવાની ન હતી. જ્યારે મિત્રો ચાલ્યા ગયા ત્યારે એને એકલો જોઈને મેં પૂછ્યું: ‘આ ખેલપત્રિકા તું ક્યારથી વાંચે છે?’ તેણે પ્રત્યુત્તર આપતાં કહ્યું: ‘જ્યારે હું છઠ્ઠા ધોરણમાં હતો ત્યારથી વાંચું છું.’ અત્યારે તે ઈન્ટર (હાલનું એફ.વાય.) પાસ થઈ ગયો છે. પાછલા છ વર્ષ દરમિયાન તેણે આ પત્રિકાનો દરેક અંક વાંચ્યો. બાળપણથી જ રમતગમતની સ્પર્ધાઓ તથા એને સંબંધિત સમાચાર વાંચવામાં અને જાણવામાં એને ઘણી રુચિ હતી. જેમ બીજાં બાળકો મીઠાઈ લેવા દોડે છે તેમ આ વિદ્યાર્થી પત્રિકા માટે આતુર રહેતો. એને કેટલીયેવાર વાંચી નાખતો. એ છ-સાત વર્ષ દરમિયાન એણે કેટલી બધી જાણકારી મેળવી લીધી હશે એનો વિચાર કરો. સ્પર્ધામાં હજારો લોકોએ ભાગ લીધો હતો પરંતુ પોતાના વિશદ જ્ઞાનને કારણે તેને ઈનામ મળ્યું. તેને ઈનામ મેળવવાના હેતુથી ભાગ નહોતો લીધો પણ ઈનામે જ એક પરમયોગ્ય પાત્રને મેળવી લીધું.

ધૈર્યનું ફળ

ગ્રીસના સુખ્યાત વક્તા ડેમોસ્થેનિઝે એ બતાવી દીધું છે કે વક્તૃત્વશક્તિ એ રાજાની શક્તિથી પણ મહાન છે. એમનો જન્મ ઈ.સ. પૂર્વે ૩૮૪માં થયો હતો. જ્યોતિષીઓએ એમને એક સામાન્ય માનવ બતાવ્યો હતો. તે તોતડાતો હતો, દુર્બળ હતો અને લગભગ માંદો જ રહેતો. એના સહપાઠીઓ ક્યારેક એમની ઠેકડી કરતા તો ક્યારેક સહાનુભૂતિ બતાવતા. એમના માબાપ બાળપણથી જ અનાથ મૂકીને મૃત્યુ પામ્યાં. કાકાએ એમની સંપત્તિ પચાવી પાડી. ડેમોસ્થેનિઝે એના વિરોધમાં ન્યાયાલયમાં ફરિયાદ કરી પણ કોઈ સુનવણી જ ન થઈ. એમણે જોયું કે એક ગ્રીસના વક્તાએ શ્રોતાઓને મુગ્ધ કરી દીધા છે અને એ અત્યંત સન્માનનીય બની ગયા છે. પોતાનાં દુ:ખ અને હતાશાની વચ્ચે તેને પણ આવા મહત્ત્વપૂર્ણ માનવ બનવાની ઇચ્છા થઈ.

ડેમોસ્થેનિઝે એક પ્રભાવશાળી વક્તા બનવાનો દૃઢ સંકલ્પ કર્યો. પણ એમાં અનંત મુશ્કેલીઓ હતી, કઠણાઈ હતી. બોલવામાં ખચકાતા હોવાને લીધે તેનું ગળું બંધ થઈ જતું અને લાંબુ વાક્ય એકીસાથે બોલી ન શકતા. પોતાના અથક અભ્યાસથી એમણે આ મુશ્કેલીઓ પર વિજય મેળવ્યો. એક ચિકિત્સકની સલાહ મુજબ તેઓ પોતાની જીભ પર ગોળીઓ રાખીને શબ્દોના સાચા અને ઉચ્ચ સ્તરે ઉચ્ચારણ કરવાનો અભ્યાસ કરવા લાગ્યા. ઊંચા ટેકરા પર ચઢીને ઢાળ પરથી ઊતરતાં લાંબો શ્વાસ લઈને જરાય થંભ્યા વિના લાંબાં લાંબાં વાક્ય બોલવાનો પણ અભ્યાસ કરવા લાગ્યા. તેમણે પ્રતિદિન સમુદ્ર કિનારે ઊભા રહીને સમુદ્રના મોજાના અવાજથી પણ ઊંચા અવાજે ભાષણ આપવાનો અભ્યાસ ચાલુ રાખ્યો. તેઓ દરરોજ ૧૬ કલાક એકાંતમાં વિધિશાસ્ત્ર તથા ગ્રીસના પુરાણોનું ગહન અધ્યયન કરવા લાગ્યા. લોકોની સંગતિથી બચવા માટે એમણે પોતાનું અડધું માથું મુંડાવી લીધું અને ભોંયરામાં બેસવાનું શરૂ કર્યું. પ્રભાવક વક્તૃત્વની કળામાં નિપુણ થવા માટે તેઓ એક મોટા અરીસાની સામે ઊભા રહીને એકાકી અભ્યાસ કરવા લાગ્યા. ત્રણ વર્ષ પછી તેઓ જ્ઞાનનો ભંડાર લઈને બહાર આવ્યા. ગ્રીસના રાજા ફિલિપ્સે કહ્યું: ‘ભલે કોઈ સમગ્ર વિશ્વને જીતી લે પણ વક્તૃત્વમાં કે વ્યાખ્યાન કળામાં એ ડેમોસ્થેનિઝને હરાવી ન શકે.’ ડેમોસ્થેનિઝ એક શક્તિના સ્વામી બની ગયા. ડેમોસ્થેનિઝનાં ધૈર્ય અને લગની અનુપમ હતાં. એના પરિણામે પ્રાપ્ત થનારી સફળતા પણ અતુલ્ય હતી. 

વિદેશમાં અભ્યાસ કરતા હતા ત્યારે ડો. આંબેડકર અધ્યયનમાં રત રહેતા હતા. ‘જ્ઞાનાતુરાણાં ન સુખં ન નિદ્રા’ – ‘જ્ઞાનની ખોજમાં રહેનારને સુખ કે નિદ્રા નથી હોતાં.’ શિક્ષણ મેળવવા માટે તેઓ પોતાના ઘરથી હજારો માઈલ દૂર આવ્યા છે એનો એને ખ્યાલ હતો. એમણે વિચાર્યું કે સુખના પ્રલોભનમાં સમય નષ્ટ કરવો એટલે પોતાના કર્તવ્ય અને દેશની અવહેલના કરવા જેવું છે. એટલે તેઓ સીનેમા તેમજ શહેરની સડકો પર નિરર્થક ફરવામાં પોતાનો સમય વેડફતા નહિ. તેમને ભણવાની ઘણી પીપાસા હતી. પુસ્તકો જોતાં જ એમનો માનસિક શારીરિક થાક દૂર થઈ જતો. તે વિશેષ યોગ્યતા પ્રાપ્ત કરવા માટે લંડન ગયા હતા. તેઓ કલાકો સુધી પુસ્તકાલયમાં બેઠા રહેતા અને પુસ્તકાલય બંધ થાય ત્યાં સુધી અધ્યયનમાં લીન રહેતા. તેઓ ઘણા અલ્પાહારી હતા અને પોતાનો બધો સમય જ્ઞાનપ્રાપ્તિમાં લગાવી દેતા. એમની જ્ઞાનની ભૂખ ઘણી પ્રબળ હતી. 

ડો. જ્હોનસનનું કહેવું છે : ‘શક્તિના એકાએક કરેલા ઉપયોગથી નહિ પરંતુ સતત અને દીર્ઘકાલીન પ્રયાસથી મહાન કાર્ય સિદ્ધ થાય છે.’

કાર્લાઈલ કહે છે : ‘કાર્યને પૂર્ણ કરવાનો દૃઢ સંકલ્પ જ એક સબળ મનુષ્યની નિર્બળથી ભિન્ન એવી ઓળખાણ પાડી દે છે.’

લેટિન ભાષામાં એક કહેવત છે : ‘અવિરામ અભ્યાસ બધી મુશ્કેલીઓને દૂર કરી દે છે.’ યોગવાશિષ્ઠના મતાનુસાર આ સંસારમાં યોગ્ય તથા ઉત્સાહપૂર્ણ પ્રયાસથી મેળવી ન શકાય એવું કંઈ પણ નથી.

ભારતની શોધમાં નીકળેલા કોલંબસે પોતાના વહાણને અજ્ઞાત મહાસાગરમાં આગળને આગળ લઈ જતાં કેટલું મોટું સાહસ બતાવ્યું હશે! જ્યારે તે પોતાના નિર્ધારિત લક્ષ્યે પહોંચી ન શક્યો ત્યારે એમના સાથીઓએ નિરાશ બનીને એની વિરુદ્ધ બળવો પણ કર્યો અને તેને સાગરમાં ફેંકી દેવા માટે પણ તૈયાર થયા. મુશ્કેલીઓના આ વિશાળ મહાસાગર તથા પોતાના લોકોના વિરોધની વચ્ચે પણ એણે આશાનું કિરણ ન છોડ્યું. અનંત સાહસ તથા અપ્રતિમ આત્મવિશ્વાસ સાથે તે આગળ ધપતો જ ગયો અને અંતે વિજયશ્રીની પતાકા ફરકાવી દીધી. 

જ્યોર્જ સ્ટીવન્સનને પોતાના મશીનને સુયોગ્ય બનાવવામાં પંદર વર્ષ લાગ્યાં હતાં. જેમ્સ વોટને પોતાનું એન્જિન પૂર્ણ રૂપે તૈયાર કરવામાં ત્રીસ વર્ષ લાગ્યાં હતાં. રેડીયમની શોધમાં ક્યૂરી દંપતીને વર્ષો સુધી ડામરના મિશ્રણ પીગળાવતા રહેવું પડ્યું હતું. ધૈર્યપૂર્વકના અવિરામ પ્રયાસો જ સફળતા પ્રાપ્ત કરવાવાળાનું એકમાત્ર રહસ્ય છે.

વિદ્યુતબલ્બના શોધક થોમસ આલ્વા એડિસન ૯૦૦ વાર પોતાના પ્રયોગમાં અસફળતા મેળવ્યા પછી પણ ધૈર્યપૂર્વક કાર્યમાં લાગી જ રહ્યા. જ્યારે એમને પૂછવામાં આવ્યું: ‘આટલી અસફળતાઓ પછી પણ તમને નિરાશા ન થઈ? આ અસંખ્ય પ્રયોગોથી આપને કંટાળો કે થાક ન લાગ્યા?’ એના ઉત્તરમાં તેમણે કહ્યું: ‘ના, જરાય નહિ. હું સત્ય અને મિથ્યાને જાણવાનો પ્રયાસ કરતા થાક્યો કે કંટાળ્યો નથી. મને સંતોષ એ વાતનો છે કે અને સંતોષ એ વાતનો છે કે ૯૦૦ ભૂલ કર્યા પછી પણ મારી સત્યની શોધના સાર્થક થઈ.’

ન્યૂટને પોતાની વર્ષોની શોધનું પરિણામ લખીને એક ટેબલ પર રાખ્યું હતું. એમના કૂતરા ડાયમંડ સાથે ભટકાઈને એક સળગતી મીણબત્તી એ બધા કાગળ પર પડી અને શોધનું બધું લખાણ બળીને ખાક થઈ ગયું. ન્યૂટન ખૂબ દુ:ખી થઈ ગયા પણ એમણે હાર ન માની. એમણે ફરીથી બધા પ્રયોગો કરવાનો દૃઢ સંકલ્પ કર્યો અને પ્રબળ ઇચ્છાશક્તિ તથા દૃઢ મનોબળના આધારે એ કાર્યને પૂરું કરવામાં એમને સફળતા મળી.

ઉંમર તથા ઉપલબ્ધિ વચ્ચે કોઈ સંબંધ નથી. કેટલાક લોકોને નાની ઉંમરમાં જ સફળતા મળી જાય છે તો વળી કેટલાકને યુવાવસ્થા કે વૃદ્ધાવસ્થામાં સાફલ્યટાણું આવે છે. પીટ કેવળ ૨૪ વર્ષની ઉંમરે ઈંગ્લેંડના પ્રધાનમંત્રી બન્યા. ગ્લેડસ્ટોન ૮૩ વર્ષની ઉંમરે ત્યાંના પ્રધાનમંત્રી બન્યા. ગેટે ૧૦ વર્ષની ઉંમરે લખવાનું શરૂ કરે છે અને એમની સર્વોત્તમ રચના ‘ફોસ્ટ’ ૮૦ વર્ષની ઉંમરે પ્રકાશિત થઈ. કોલરિઝે પોતાની પ્રસિદ્ધ કવિતા ‘Ancient Mariner’-‘પ્રાચીન વાહનચાલક’ ૨૦ વર્ષની ઉંમરે લખી હતી. લીઓનાર્ડો ધ વિંચીએ ૯૯ વર્ષની ઉંમરે ન્ચજા Last Supper ‘અંતિમ ભોજન’ નામનું વિશ્વવિખ્યાત ચિત્ર દોર્યું હતું. કેલ્વિને ૧૮ વર્ષની ઉંમરે વૈજ્ઞાનિક શોધોનો પ્રારંભ કર્યો અને ૮૩ વર્ષની ઉંમરે હોકાયંત્રનો ઉત્તમ નમૂનો બનાવી શક્યા. સફળતા માટે શું પૂર્ણ શારીરિક સ્વાસ્થ્ય અનિવાર્ય છે? ના. મિલ્ટન અંધ હતા, નેપોલિયનને ચામડીનો રોગ હતો; જુલિયસ સીઝરને વાઈનું દર્દ હતું, બિથોવન અને બાયરન બહેરા હતા અને સુખ્યાત મહાન વક્તા ડેમોસ્થેનિઝ તોતડાતા હતા.

Total Views: 70

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.