(ઓક્ટો. ’૦૪ થી આગળ)

આપણા આદર્શ મૂળત: આધ્યાત્મિક છે. અને એ બધા આદર્શો વિભિન્ન સામાજિક પરિસ્થિતિઓ પ્રમાણે સમયે સમયે આપણી સામાજિક સંરચનાનું નિર્ધારણ કરતા રહે છે. મનુષ્ય આધ્યાત્મિક પ્રગતિ કરવા માટે જન્મ્યો છે અને આ મુખ્ય આવશ્યકતાની પૂર્તિ માટે સમાજને દરેક પ્રકારનું સમાયોજન કરવું પડે. આ જ આપણી જીવનયોજનાનો મૂળભૂત ભાવ છે. બાહ્ય તથા આંતરિક પ્રકૃતિનાં બંધનોથી પૂર્ણ મુક્તિ જ પુરુષો તથા નારીઓ બંને માટે લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે અને જન્મે જન્મે ઉપયુક્ત દિશામાં પ્રયાસો દ્વારા એમની પ્રાપ્તિ કરવાની હોય છે. વ્યક્તિએ પ્રતિદિન એ જોવું પડશે કે શું તે પોતાના મન પરના પૂર્ણ નિયંત્રણના માર્ગે આગળ વધી રહ્યો છે કે કેમ? તેણે વાસનાઓ તથા પૂર્વગ્રહો, રાગ તથા દ્વેષથી બહાર આવવું પડશે અને દિવ્યતાની અભિવ્યક્તિ માટે મનને યથેષ્ટ સ્વચ્છ તથા પવિત્ર બનાવી લેવું પડશે. આ જ એ દિશા છે. જે તરફ આપણા કદમ આગળ વધવા જોઈએ.

એ પણ યાદ રાખવું જોઈએ કે જીવન અસ્તિત્વની અસંખ્ય વિવિધતાઓ પર આધારિત હોવાને લીધે પ્રગતિના આવા આદર્શમાં સાર્વભૌમિક મહત્ત્વ રહેલું છે. એ સામાન્યતયા સમગ્ર માનવતાને લાગુ પડે છે. પૃથ્વીના કોઈ પણ ભાગમાં એક માત્ર આ જ આદર્શ વ્યક્તિ અને સાથે ને સાથે સમાજ માટે અધિકતમ શાંતિ અથવા સુકલ્યાણ સુનિશ્ચિત કરી શકે છે. સંપૂર્ણ માનવપ્રજાના કલ્યાણ માટે ભારતના પ્રાચીન ઋષિઓ દ્વારા પસંદ કરાયેલા આ આદર્શનું સંરક્ષણ કરવું આવશ્યક છે. આજનું પશ્ચિમનું જગત આ આદર્શને પ્રશંસતું નથી કેવળ એ જ કારણે એનો પરિત્યાગ કરી શકાય નથી. આપણે કેવળ એને સંરક્ષિત કરવાનો છે તેમજ જીવનના સમગ્ર ક્રિયાકલાપોની સાથે એને સંબંદ્ધ પણ કરવો પડશે. આ ઉપરાંત સાર્વભૌમિક શાંતિ તેમજ કલ્યાણ અર્થે માનવીય પ્રગતિને ગતિપ્રદાન કરવા માટે પણ બધા દેશોમાં એના પ્રચાર-પ્રસારનું કાર્ય ઉપાડી લેવું પડશે.

આપણે ત્યાં આધ્યાત્મિક પ્રગતિને જ જીવનની પ્રાથમિક આવશ્યકતા માની લેવામાં આવી છે. એટલે જ આપણા બધા પર નિ:સ્વાર્થતાના માર્ગ પર ચાલવાની જવાબદારી આવી જાય છે. વ્યક્તિ જેટલા પ્રમાણમાં પોતાની છીનવી લેવાની કે પડાવી લેવાની વૃત્તિ કે નિરંકુશતાની પ્રવૃત્તિવાળા મન પર વિજય પ્રાપ્ત કરી લે છે તેટલા પ્રમાણમાં તે દિવ્યતાની સમીપ પહોંચે છે. એટલે અન્યના કલ્યાણ માટે સેવાભાવથી પોતાના સ્વાર્થના બલિદાનને હિંદુજીવનયોજનાની આધારશિલા બનાવવામાં આવી છે. ત્યાગ અને સેવા યુગો યુગોથી હિન્દુસ્તાનના વ્યક્તિગત તેમજ સાર્વજનિક જીવનનો આદર્શ રહ્યો છે. આ આદર્શે પ્રત્યેક વ્યક્તિના વિભિન્ન સામાજિક સંબંધોમાં એના દૃષ્ટિકોણનું નિર્ધારણ પણ કર્યું છે. આ જ વ્યક્તિઓની આધ્યાત્મિક પ્રગતિની વિભિન્ન અવસ્થાઓ, સમાજમાં સ્થાન તથા અન્ય વ્યક્તિઓ સાથેના સંબંધો પ્રમાણે તેમને માટે નિર્ધારિત ભિન્ન ભિન્ન પ્રકારનાં ધાર્મિક કર્તવ્યોનો મૂળ સૂર છે. પતિપત્ની અને માતાપુત્રની વચ્ચેના સંબંધ પરસ્પર આધારિત કર્તવ્યો પર નિર્ભર રહે છે. આ કર્તવ્યનિષ્ઠા અને એને પરિણામે આવનાર આત્મત્યાગનો ભાવ જ એક શુદ્ધ તથા શાંતિપૂર્ણ જીવનનું નિર્માણ કરે છે. એટલે હિંદુ ભારત દ્વારા માનવ જીવનનો મુખ્ય ઉદ્દેશ્ય ગણાતી આધ્યાત્મિક પ્રગતિ માટે તેને એક અનિવાર્ય આવશ્યકતા માનવામાં આવે છે.

માનવસમાજમાં શાંતિ, સામંજસ્ય, સહકારિતા, સદ્‌ભાવ તથા સમન્વય સ્થાપવા માટે બધામાં પોતપોતાની ક્ષમતા પ્રમાણે આવી કર્તવ્યનિષ્ઠાની આશા કરી શકાય છે. આનાથી ઊલટું છે અધિકારબોધ જે પ્રાય: અહંકાર અસીમિત બની જવાથી જન્મે છે. આવા અહંકારથી પ્રેરિત બનીને એક વ્યક્તિ કે સમૂહ બધી સર્વોત્તમ વસ્તુઓ પર પોતાના માટે જ એકાધિકાર જમાવવાનો પ્રયાસ કરે છે. અને એને માટે તે અસીમ સ્વાધીનતાની માગ કરે છે! એના પરિણામે સ્વાભાવિક રૂપે ઝઘડા તથા સંઘર્ષ ઉદ્‌ભવે છે. નાદુરસ્ત સ્પર્ધા, અણબનાવ તથા કલહ દૈનંદિન બાબતો બની જાય છે. તેના પરિણામે દિવ્ય સંભાવનાથી યુક્ત માનવસમાજ જંગલી જીવનના એક બિભત્સ દૃશ્યમાં પરિવર્તિત થઈ જાય છે. વૈયક્તિક કે સાંપ્રદાયિક, રાષ્ટ્રિય કે જાતીય આધાર પર સંઘટિત અહંકાર કે સ્વાર્થ આપણને એવી જ ગર્હિત અવસ્થામાં પહોંચાડી દે છે. એ વાત સાચી છે કે બધા સમુચિત અધિકારો પ્રત્યે ચેતના તથા તેને સ્થાપિત કરવા સંઘર્ષને નિંદનીય કહી શકાય નહિ. આવો સંઘર્ષ પૂર્ણત: ઉચિત પ્રયાસ છે. સાચું કહીએ તો સમૂહો તથા વ્યક્તિઓ દ્વારા સ્વાધીનતા માટેનો વર્તમાન દાવો એક વર્ગ દ્વારા બીજા વર્ગ પર શતાબ્દિઓ સુધી થયેલ અત્યાચારો તથા શોષણની સ્વાભાવિક પ્રતિક્રિયાના રૂપે વ્યક્ત થયો છે. અને આમાં કાંઈ ખોટું નથી. આ રીતે અત્યાચારને દૂર કરવા પડશે. કોઈ પણ વ્યક્તિ કે સમૂહને શારીરિક, બૌદ્ધિક તથા આધ્યાત્મિક દૃષ્ટિએ વિકસિત થવા માટે અધિકારોથી વંચિત કરવા ન જોઈએ. આવા વિકાસના માર્ગમાં નિહિત સ્વાર્થવાળા વર્ગો દ્વારા રચાયેલી બધી સીમાઓને તોડવી પડશે. અહીં સુધી તો એ સારું છે.

છતાં પણ આ અધિકારનો દાવો કરતી વખતે ક્યાંય આપણે સ્થૂળ સ્વાર્થપરતાની જાળમાં ફસાઈ તો નથી જતા ને એ માટે આપણે સાવધાન રહેવું પડશે. કોઈ પણ પરિસ્થિતિમાં પ્રગતિશીલ સ્વાર્થપરતા દ્વારા આધ્યાત્મિક પ્રગતિના મુખ્ય ઉદ્દેશ્યને ઝાંખો બની જતો અટકાવવો પડે. આપણે એ યાદ રાખવું પડશે કે કોઈ વ્યક્તિ કે સમૂહ દ્વારા મહત્તા, વિશેષાધિકાર, સત્તા અને સમૃદ્ધિ માટે દેકારો કરવો એ હંમેશાં ન્યાયોચિત નથી હોતું. સંભવ છે કે આ બધું હાથમાં લેવા તથા પોતાની ધાક જમાવવાની પ્રવૃત્તિથી પ્રેરિત પણ હોય. એટલે આપણે એમાં તથા વાસ્તવિક અન્યાયથી મુક્તિની ન્યાયી માગણીની વચ્ચે એક સીમારેખા ખેંચી લેવી પડશે. એ ઉપરાંત આપણે એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે અધિકારો પરનું અત્યધિક દબાણ કે જોર ક્યાંક આપણા કર્તવ્યબોધને ધૂળિયો ન બનાવી દે. એ તો જીવનના આધ્યાત્મિક ઉદ્દેશ્યને જ નિરસ્ત કરી દેશે. વસ્તુત: ન્યાયોચિત ઉદ્દેશ્ય માટે યુદ્ધ કરતાં ઘૃણા, ઈર્ષ્યા, અહંકાર તથા સ્વાર્થ પરાયણતાથી મુક્ત રહેવું ઘણું કઠિન છે. સાથે ને સાથે પૂર્ણત: સંતુલિત મસ્તિષ્કવાળા વ્યક્તિ જ એને કરવા માટે સક્ષમ છે. ઓછામાં ઓછું દરેક સમાજના નેતાવર્ગમાં તો મનનો આવો આધ્યાત્મિક દૃષ્ટિકોણ હોવો જ જોઈએ. નહિ તો એવું બની શકે કે આપણે એક દુષિત વર્તુળમાં અટવાતા રહીશું. આવી સાવધાની વિના એટલે સુધી કે ન્યાયોચિત ઉદ્દેશ્ય માટે કરેલો સંઘર્ષ પણ આપણને અંતે એવી પશુતાના સ્તર સુધી પહોંચાડી દે કે જ્યાંથી પુનરુદ્ધાર સંભવ જ ન હોય, એવું પણ બની શકે. 

દુર્ભાગ્યવશ આજના પશ્ચિમદેશવાસીઓનાં મનમાં માનવજીવનમાં આધ્યાત્મિક ઉદ્દેશ્ય એક મુખ્ય સ્થાને નથી. ધન અને સત્તાના અદમ્ય આકર્ષણ પર વિજય મેળવવો એમને માટે અસંભવ બની ગયું છે. મૌલિક સમૃદ્ધિ વ્યક્તિઓ તથા રાષ્ટ્રો દ્વારા આકાંક્ષિત લક્ષ્ય બની ગયું છે. એના ઉદ્દેશ્યની સિદ્ધિ માટે તે ખરાબમાં ખરાબ સાધનોનું પણ સ્વાગત કરે છે. આ નિશ્ચિત રૂપે ખોટી દિશામાં ઉપાડેલું કદમ છે. એવું લાગે છે કે પાશ્ચાત્ય રાષ્ટ્ર આ સમયે પોતાના પ્રાચીન તથા મધ્યકાલીન આધ્યાત્મિક મૂળિયાંથી પૂર્ણત: કપાઈને ભૌતિક સમૃદ્ધિને જ સર્વાધિક મહત્ત્વ આપે છે. સાથે ને સાથે એ તુચ્છ ઉદ્દેશ્યની સિદ્ધિ માટે વ્યાવહારિકતા તથા કુટનીતિના નામે પાશવિક શક્તિ તથા દરેક પ્રકારનાં છળકપટનો આશ્રય લઈ રહ્યા છે.

જો આપણે પોતાના આધ્યાત્મિક વારસાને ભૂલીને એમના કદમો સાથે તાલ મિલાવીશું તો આપણે સદાને માટે નાશ પામીશું. આવું કરવું આપણા માટે યોગ્ય નથી. આપણા પોતાના અસ્તિત્વ માટે આપણે ત્યાગ અને સેવાની ધજા ફરકાવ્યે રાખીને, આપણામાંથી પ્રત્યેકને પોતપોતાની ક્ષમતા તથા વિકાસની અવસ્થા પ્રમાણે આધ્યાત્મિક પરિપૂર્ણતાના લક્ષ્ય તરફ આગળ વધવું પડશે. સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધી, શ્રી અરવિંદ, વગેરે કોઈ મધ્યકાલીન ધૂની કે ઝનૂની ન હતા. તેઓ અસામાન્ય સ્તરની આ આધુનિક બૌદ્ધિકતાથી સંપન્ન હતા તદુપરાંત એમના માધ્યમથી આપણને પૂર્ણતાના ભારતીય આદર્શની એક ઝલક મળી જાય છે. આપણે આ આદર્શને પકડી રાખીને એ મહાપુરુષોના પદચિહ્‌નોનું અનુસરણ કરવું પડશે. આપણે ક્યારેય એ ન ભૂલીએ કે માનવીય સ્તર પર કેવળ આધ્યાત્મિક દૃષ્ટિએ સબળ લોકો જ જીવિત રહી શકે છે.

આ જ આધ્યાત્મિક આદર્શ છે જેનું ભારતીય નારીઓ યુગો યુગોથી અનુસરણ કરતી આવી છે. પવિત્રતા, સરળતા, પતિવ્રત તેમજ દયા જ એવા ગુણ છે જેમને તેઓ સુદીર્ઘકાળથી કોઈ પણ ભૌતિક વસ્તુ કરતાં વધારે મહત્ત્વ આપતી રહે છે. ઈશ્વરમાં શ્રદ્ધા, આત્મત્યાગ અને સેવા એ જ નારીઓના ચરિત્રની વિશેષતા રહ્યાં છે. પાતિવ્રત જ એમના જીવનનો પથપ્રદર્શક મૂળ મંત્ર રહ્યો છે. જીવન પ્રત્યેના આધ્યાત્મિક દૃષ્ટિકોણની આ જ સ્વાભાવિક શરતો છે. અને એ ભારતીય સંસ્કૃતિના પ્રાણસ્વરૂપ છે. ત્યાં સુધી કે ભારત વર્ષની ખેડૂત મહિલાઓ પણ આધ્યાત્મિક દૃષ્ટિએ સારા પ્રમાણમાં ઉન્નત છે. ભલે એ સાક્ષર હોય કે નિરક્ષર પણ એક દૃષ્ટિએ તેઓ વધારે સુશિક્ષિત છે. તેમની પાસે ઊંચે ઉડનારા અનેક બુદ્ધિજીવીઓ માટે અગમ્ય એવી આધ્યાત્મિક શક્તિ છે. આધ્યાત્મિક અંતર્દૃષ્ટિયુક્ત એક પાશ્ચાત્ય મહિલાએ એકવાર ભારતીય નારીઓ વિશે ઘણી સટિક ટિપ્પણી કરતાં કહ્યું હતું કે આધુનિક દૃષ્ટિએ અશિક્ષિત હોવા છતાં પણ શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ જેવા સંતાનોને જન્મ આપી શકી. જ્યારે પશ્ચિમની ભણેલીગણેલી માતાઓ બહુ બહુ તો કેવળ મહાન રાષ્ટ્રનિર્માતા કે સેનાનાયકને જ જન્મ આપી શકી છે. ખરેખર આ એક મહત્ત્વપૂર્ણ વાત છે કે પશ્ચિમની કોઈ નારીને એક અવતાર કે પયગંબરના માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું નથી. અસ્તુ. આપણી સરળ સ્વભાવવાળી ગ્રામ્યમહિલાને પ્રાય: સહજભાવે ઉત્તરાધિકારમાં પ્રાપ્ત થયેલ આધ્યાત્મિક પ્રવૃત્તિને ઓછી આંકવી ન જોઈએ અને ન તો એને બુદ્ધુ ગણવી-સમજવી જોઈએ.

આટલું સમજ્યા કે આ મહિલાઓ આધુનિક જ્ઞાનના અનેક ઉપયોગી તત્ત્વોથી અપરિચિત છે અને એવો પણ સંભવ છે કે તેઓ પોતાની શ્રદ્ધા તથા વ્યવહારમાં થોડી અપરિષ્કૃત પણ હોય. સુયોગ્ય કેળવણી દ્વારા આ પરિસ્થિતિને નિશ્ચિત રૂપે સુધારી લેવી જોઈએ. પરંતુ એવું કંઈ ન લાવવું જોઈએ કે જે એમની આધ્યાત્મિક વિરાસતને બગાડી નાખે. આપણે એ ન ભૂલવું જોઈએ કે કેળવણી વિના પણ તેઓ સાચા માર્ગ પર છે. એનાથી ઊલટું દુર્ભાગ્યવશ આપણા વર્તમાન યુગની અનેક શિક્ષિત નારીઓ સાચા માર્ગ પરના પોતાના અંકુશને ગુમાવીને કેવળ વિદેશી આચારો તથા પ્રચારોનું અનુકરણ કરતાં પોતાના જીવનને કેવળ મૌલિક ભૌતિક ઉદ્દેશ્યના સાધનમાં લગાડી રહી છે. આ પરવર્તી શ્રેણીની મહિલાઓ એ નથી જાણતી કે તેઓ પોતાની બહુમૂલ્ય ધાતુઓને કચરાના ભાવે અને પોતાના ઉચ્ચ આધ્યાત્મિક આદર્શોને એક મૂઠી ધૂળના બદલામાં વેંચી રહી છે. આપણા સદ્‌ભાગ્યે શિક્ષિત નારીઓમાંથી કેટલીક ભૌતિક સભ્યતાના આ આક્રમણને ખમીખાળી શકી છે અને પોતાના સાંસ્કૃતિક આદર્શો પ્રત્યે નિષ્ઠાવાન પણ બની રહી છે. એ બધી નારીઓ શાંત, સંતુષ્ટ, વિનયશીલ, વિચારશીલ, દયાવાન અને ધર્માનુરાગી છે. તેઓ આધુનિક શિક્ષણ તથા સંસ્કૃતિના નામે પ્રચલીત પૃથ્વીના દરેક વિષયનું અધપચ્યું ઉપરછલ્લું જ્ઞાન રાખનાર અને એ પલ્લવગ્રાહી, સ્વાર્થી, પ્રભાવક, ચંચળ, બોલકણી તથા વઢકણી સ્ત્રીઓથી ભિન્ન છે.

બધી વસ્તુઓ એમના સાચા સ્વરૂપમાં જોનાર અને વિભિન્ન ભાવ તથા આદર્શોના તુલના તથા મૂલ્યાંકનની ક્ષમતા ધરાવતા સ્વામી વિવેકાનંદે એકવાર કહ્યું હતું: ‘આ સીતા અને સાવિત્રીની જન્મભૂમિ પુણ્યક્ષેત્ર ભારતમાં અત્યાર સુધી નારીઓમાં જેવાં ચારિત્ર્ય, સેવાભાવ, સ્નેહ, દયા, તુષ્ટિ તથા ભક્તિ વગેરે જોવા મળે છે એવું આ ધરતી પર અન્યત્ર ક્યાંય નથી. પાશ્ચાત્ય દેશોમાં સ્ત્રીઓને જોવાથી થોડો સમય તો તેઓ સ્ત્રીઓ છે એ સમજાતું નથી. દેખાવમાં તે બરાબર પુરુષ જેવી લાગે છે. તેઓ ટ્રામ ગાડી ચલાવે છે, ઓફિસોમાં જાય છે. શાળાઓમાં જાય છે અને અધ્યાપકનું કાર્ય કરે છે! એકમાત્ર ભારતમાં જ સ્ત્રીઓમાં લજ્જા, વિનય, વગેરે જોઈને આપણી આંખો ઠરે છે.’

આમ હોવા છતાં પણ સ્વામીજીની આ વિવેચના એક શતાબ્દિ જૂની છે. આપણે કલ્પના કરી શકીએ છીએ કે આજે પુરુષોની સાથે સમાનતાને નામે આધુનિક નારીઓ જે કંઈ કરી રહી છે એ જોઈને સ્વામીજી કોણ જાણે કેવી પ્રતિક્રિયા વ્યક્ત કરત! આમ છતાં પણ સમાનતાનો આ ભાવ નિંદનીય નથી અને આપણા માટે એ કોઈ નવી વાત પણ નથી. આ સમાનતા આપણી સંસ્કૃતિમાં ઊંડે સુધી પોતાનાં મૂળિયાં જમાવીને બેઠી છે. આપણને એ અટલ વિશ્વાસ છે કે આત્મા લિંગભેદથી પર છે. આવું નરનારીઓને વિશે પણ કહી શકાય. ભેદ તો કેવળ શરીરથી થાય છે અને એ એક એનું બાહ્ય રૂપ માત્ર છે. પરમાત્મા જ જીવાત્માના રૂપે પ્રગટ થાય છે અને સ્થૂળ તથા સૂક્ષ્મ રૂપને વ્યક્ત કરે છે. એને આપણે સંક્ષેપમાં પ્રકૃતિ કહીએ છીએ. પ્રકૃતિ એ જ પરમાત્મા રૂપી ચિરતત્ત્વ પર પ્રતિક્ષણ ઊભરનારી અનંત નવાં નવાં રૂપોની સમષ્ટિ છે. બહુત્વમાં એકત્વની આ વેદાંતનું શિક્ષણ એ જ પ્રકૃતિમાં નિહિત સૌંદર્ય તથા સમન્વયનું રહસ્ય છે. એ (પરમાત્મા) બધામાં છે. બધું પવિત્ર છે. દરેક વસ્તુના રૂપે તથા ક્રિયામાં એમનું પોતાનું વૈશિષ્ટ્ય છે એ વૈશિષ્ટ્ય સૌંદર્યમાં વૃદ્ધિ કરે છે અને સમષ્ટિ સાથે સામંજસ્ય બનાવી રાખવામાં પોતાનું યોગદાન પણ આપે છે. આખી યોજનામાં દરેક વસ્તુનું પોતાનું સુનિશ્ચિત મહત્ત્વ છે.

સમસ્ત સામાજિક ઉદ્યમોનું લક્ષ્ય – શાંતિ પ્રાપ્ત કરવાની આશા કરતાં પહેલાં – આપણે આ મુખ્ય તત્ત્વને જાણીને પ્રકૃતિમાં રહેલ બધી વસ્તુઓને આ દૃષ્ટિએ જોવી પડશે. વિવિધ વસ્તુઓની બેહુદી એકરૂપતા નહિ પરંતુ એમનામાં રહેલ સામંજસ્ય જ પ્રકૃતિના પરમ સૌંદર્યની રચના કરે છે એટલે રૂપ અને ક્રિયામાં સમાનતા એ આપણું લક્ષ્ય ન હોવું જોઈએ. એનું કારણ એ છે કે તે આપણને નિર્જીવ એકતા તરફ લઈ જશે અને વિવિધતાનો પરિત્યાગ કરીને પ્રકૃતિના ઉદ્દેશ્યને વિફળ બનાવી દેશે. છતાં પણ રૂપ અને ક્રિયાઓમાં આ વિવિધતા હોવા છતાં પણ પોતાની અંતર્નિહિત દિવ્યતાના આધારે વ્યક્તિઓ તથા સમૂહોમાં સન્માન તથા વિશેષાધિકારની બાબતમાં પૂર્ણ સમાનતા હોવી જોઈએ. જે સહજ રૂપે કોઈ બીજાનું છે તેને પડાવી લેવાનો પ્રયત્ન કરવો ન જોઈએ અને નાનામાં નાની વસ્તુની પવિત્રતાને ભૂલીને પોતાની ઉત્કૃષ્ટતા બતાવવાનો પ્રયાસ પણ ન કરવો જોઈએ. સામંજસ્ય તથા કલ્યાણ આ જ દ્વિવિધ રહસ્ય છે અને આ બધામાં નિહિત મૂળભૂત દિવ્યતાના એકત્વ રૂપી મહાન સત્ય પર આધારિત છે.

ઉપનિષદોમાં સૌથી વધુ પ્રાચીન ઈશાવાસ્યનો પહેલો શ્લોક આ જ ઘોષણા કરે છે: ‘આ જગતમાં જે કંઈ પણ પરિવર્તનશીલ છે, તેને ઈશ્વરથી વ્યાપ્ત સમજવું જોઈએ; એટલે ત્યાગના ભાવે આ બધાનો ઉપભોગ કરો અને બીજાની વસ્તુઓનો લોભ ન કરો.’ આ શ્લોકમાં સામાજિક સંતુલનનું રહસ્ય વ્યક્ત થયું છે. પ્રકૃતિની બધી વસ્તુઓ ઈશ્વર દ્વારા વ્યાપ્ત હોવાને લીધે એમનામાં ઉદ્દંડતા, ઘૃણા, ઈર્ષ્યા, લોભ તથા શોષણને માટે કોઈ સ્થાન નથી. આ મૂળભૂત એકત્વ પ્રત્યેનું અજ્ઞાન જ આ બધાં દુ:ષણો ઊભાં કરે છે અને ભેદ તથા દુ:ખનું સર્જન કરે છે. આપણે આ બાબતમાં સાવધાન રહેવું પડશે.

પુરુષે નારીઓની ભીતર દિવ્યતાની અભિવ્યક્તિને જોઈ જાણીને તેમના પ્રત્યે સન્માનનો ભાવ રાખવો પડશે. એણે એવું કંઈ ન કરવું જોઈએ કે જે એમના સ્વાભાવિક વિકાસમાં બાધક બને. પુરુષે નારીઓને કોઈ પણ દૃષ્ટિએ ન્યૂન તથા દયાપાત્ર ન સમજવી જોઈએ. એમનામાં પણ પોતાની એક શક્તિ છે, પોતાના સ્વયંની કાર્યક્ષમતા છે અને પ્રકૃતિની યોજનામાં એનું પોતાનું એક સ્થાન છે. સાથે ને સાથે નારીઓએ પણ પોતાની તરફથી સાવધાન રહેવું પડશે કે તેઓ પોતાના સહજવિકાસ પથની બહારની ચીજોને હાથ ન અડાડે; કારણ કે એનાથી સંતુલન બગડશે અને સમાજના સામંજસ્યમાં અડચણ ઊભી થશે. આ સમસ્યા પ્રત્યે આપણા પૂર્વજોનો આ જ દૃષ્ટિકોણ હતો. આપણા પ્રાચીન વૈદિક સમાજમાં પત્નીને ગૃહસ્થની સહધર્મિણી કહેતા અને ધાર્મિક જીવનમાં પત્નીની સમાન ભાગીદારી રહેતી. અત્યારે પણ તેને ગૃહસ્વામિનીનું સન્માનભર્યું સ્થાન આપવામાં આવે છે. માતૃત્વ એનો આદર્શ છે. સંતાનોને જન્મ દેવો, એનું પાલનપોષણ કરવું, બધાને સ્નેહ તથા સેવા આપવા, બધાની સુખસુવિધા જોવી, ઘર સંસારના બધા કાર્યોની દેખભાળ રાખવી, પોતાના પરિવાર તથા પાડોશનાં લડાઈ-ઝઘડામાં મધ્યસ્થતા રાખીને શાંતિ અને સદ્‌ભાવ બનાવી રાખવો, આ બધાં એના પવિત્ર કાર્યો છે. આને કારણે સમાજમાં માને સન્માનભર્યું સ્થાન મળ્યું છે. નારી એક ભોગપ્રવણ પતિ માટે રમકડું જ નથી તે એનાથી પણ કંઈક વધુ ઘણું ઘણું છે. એનામાં અસીમ સહનશીલતા તથા ક્ષમાવાળો માતૃસ્નેહ છે. એના માધ્યમથી દિવ્યપ્રેમની અભિવ્યક્તિ થાય છે. તેમનાં ધૈર્ય, આત્મત્યાગ, પોતાના સંતાનોના કલ્યાણ માટેની આંતરિક ઉત્કંઠા અતુલ છે. વસ્તુત: તેની જ પાસે માનવીય કરુણાનો સાર છે. પ્રત્યેક નારીમાં આ ગુણોનો વિકાસ કરવા અને માને રૂપે ધરતીની એક સજીવ દેવદૂત બનવાની સંભાવના રહેલી છે.

યુગો યુગોથી ભારતીય નારીઓની સામે માતૃત્વનો આ આદર્શ ખડો છે. સર્વકાળથી એમનો આદર્શ કેવળ પુરુષો સાથેની સમાનતાનો જ નહિ પરંતુ સવિશેષ સન્માન તથા ગૌરવનો રહ્યો છે. પુરુષોએ પોતાની પત્ની સિવાયની બાકીની બધી સ્ત્રીઓને જગદંબાના રૂપે જોવાનો આદેશ છે. સ્ત્રીઓને પોતાની આ અવસ્થા પ્રત્યે સચેત બનાવીને એ પ્રકારે પ્રશિક્ષિત કરવામાં આવતી હતી કે તેઓ પોતાનાં યૌવન અને શારીરિક સૌંદર્યને પોતાના અસ્તિત્વનો એક નગણ્ય હિસ્સો ગણતી થાય. પોતાના આચરણ દ્વારા પોતાના પતિ સિવાય બાકી બધા પ્રત્યે માતૃત્વભાવને વિકસિત તથા અભિવ્યક્ત કરવો એ એના વિકાસનું એક વિશેષ ક્ષેત્ર હતું. એટલે મહિલાઓનાં યૌવન તથા શારીરિક આકર્ષણની તુલનામાં ઉપરોક્ત વિકાસને સંભવ બનાવનાર આયુ તથા અનુભવને આપણા સમાજમાં કેટલાય અધિક પ્રમાણમાં સન્માનિત કરવામાં આવતા. આનાથી બરાબર ઊલટું પશ્ચિમની મહિલાઓ યૌવન તથા શારીરિક સૌંદર્યને જ પોતાની પાસેની કોઈ પણ વસ્તુ કરતા અધિક મહત્ત્વ આપે છે. પરંતુ ભારતીય નારીઓ પાસે એ અપેક્ષા રાખવામાં આવે છે કે સમાજમાં પોતાના ગૌરવપૂર્ણ સ્થાનને સુનિશ્ચિત કરવા માટે આત્મત્યાગ તથા સેવાભાવ દ્વારા પોતાના ચારિત્ર્યનાં સૌંદર્ય તથા ઉદાત્તતામાં વૃદ્ધિ કરતી રહે.

આજે પણ સીતા અને સાવિત્રી, ગાર્ગી અને મૈત્રેયી, ખનાબાઈ અને લીલાવતી, સંગમિત્રા અને મીરાં આવાં જ ચમત્કારિક નામ છે. જો કે પ્રાચીન તથા મધ્યકાલીન ભારતે વિભિન્ન ક્ષેત્રોમાં અસામાન્ય ઉપલબ્ધિ કરનારી આદર્શ મહિલાઓને એક વિરાસતના રૂપે રાખી મૂકી છે. આજે પણ ભારતીય જનતા એને અપાર શ્રદ્ધાની દૃષ્ટિએ જુએ છે. આપણા ચિરકાલીન સાંસ્કૃતિક આદર્શોનું પ્રતિનિધિત્વ કરનારી નારીઓ આજે પણ આપણી રાષ્ટ્રિય ચેતના પર ભારતીય નારીત્વના આદર્શ પ્રતિમાનોના રૂપે સજીવ રહ્યો છે. નિ:સંદેહ તે એ દિશા તરફ ઈશારો કરે છે જે દિશામાં આજની ભારતીય નારીઓને પોતાની જાતીય વિશિષ્ટતાને બનાવી રાખવા માટે આગળ ધપવું પડશે.

ચોક્કસપણે આપણા રાષ્ટ્રિય માનસમાંથી નારીની દિવ્યતાનો ભાવ આજ સુધી લુપ્ત થઈ શક્યો નથી. પરંતુ આપણા દુર્ભાગ્યે જેટલો પ્રભાવ એનો અતીતમાં હતો એટલો પ્રભાવ આજે નથી રહ્યો. પ્રાચીન નારીત્વના ઉચ્ચાદર્શ અમારા દિવસોમાં ઠીક ઠીક ઝાંખો પડી ગયો હતો. આજની ભારતીય નારીઓ જે વેદી પર એનો યુગોથી અધિકાર રહ્યો છે એ વેદી પર ઊભી રહી શકી નથી. આ દુરવસ્થા માટે એકીસાથે કેટલીયે પરિસ્થિતિઓ જવાબદાર છે.

(ક્રમશ:)

Total Views: 65

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.