(ગતાંકથી આગળ)

અથાક પરિશ્રમનું જીવંત ઉદાહરણ

જ્યારે ગાંધીજીએ ઈમાનદારીપૂર્વક પોતાની વ્યક્તિગત દુર્બળતાઓને જીતવાનો પ્રયાસ કર્યો ત્યારે એમણે પોતાના દેશવાસીઓને પણ આ દિશામાં પ્રેરણા પૂરી પાડી. એમણે પોતાના ત્યાગ, તપસ્યાપૂર્ણ જીવનની નૈતિક અને આધ્યાત્મિક શક્તિ દ્વારા લોકોના મનમાં સ્વાતંત્ર્ય સંગ્રામ માટે આધ્યાત્મિક શક્તિ ભરી દીધી. પોતાની વૃદ્ધાવસ્થામાં પણ તેઓ રાષ્ટ્ર કલ્યાણના પોતાના વિચારોને સાર્થક બનાવવા તથા લોકોને શ્રમનું સન્માન થાય એવી કેળવણીના કાર્યમાં લાગી રહ્યા. તેઓ દુ:ખીઓ પ્રત્યે કોરી સહાનુભૂતિ ન બતાવતા પરંતુ તેઓ હંમેશાં ગરીબ અને દલિતોનાં દુ:ખ કષ્ટ દૂર કરવાના કાર્યમાં મંડ્યા રહેતાં. આ રીતે તેઓ માનવસેવા, નિસ્વાર્થતા તથા નૈતિકતાનું મૂર્તિમંત પ્રતીક બની ગયા. એમણે શક્તિશાળી બ્રિટિશ સામ્રાજ્યનો સામનો કર્યો, સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કર્યું અને મહાત્મા બની ગયા. એમનો જન્મ સાધારણ કુટુંબમાં થયો હતો. એમણે પણ સામાન્ય લોકોની જેમ ભૂલો કરી હતી. પરંતુ તેઓ અસાધારણ બની ગયા. એમના ગુણો અનુકરણીય નથી? શું આપણા દેશવાસીઓ એમને ક્યારેય ભૂલી શકે ખરા? શું એમનું જીવન દૃઢસંકલ્પ, આદર્શવાદ તેમજ અપૂર્વ ધૈર્ય સાથેના સતત કર્મનું જીવંત ઉદાહરણ ન હતું? પોતાની સામાન્ય સ્થિતિમાંથી ઉન્નતિ કરતાં કરતાં એક મહાન સામાજિક નાયક બનનારા અમેરિકન નિગ્રો નેતા બુકર ટી. વોશિંગ્ટનનું જીવન પણ આવું જ મહત્ત્વપૂર્ણ હતું.

પદદલિતોના સાહસિક નાયક

બુકર ટી. વોશિંગ્ટન ગુલામી, નિર્ધનતા તેમજ ગંદકીના વાતાવરણમાં જન્મ્યા હતા. અમેરિકાના ગોરા લોકો કાળા હબસીઓની ઠેકડી કરતા અને એમને હીનતા અને ઘૃણાની નજરે જોતા. આવા નિરાશાજનક વાતાવરણમાં તેઓ મોટા થયા. એમને શિક્ષણની કોઈ આશા ન હતી. પરંતુ ગોરા લોકોનાં બાળકોને પાઠશાળાએ જતા જોઈને એમના મનમાં ભણવાની તીવ્ર ઇચ્છા જાગી. શરૂઆતમાં એમને કોઈ શિક્ષકનો સહારો ન મળ્યો. પોતાની માતાએ આપેલ પુસ્તકમાંથી તેઓ પોતે જ વર્ણમાળા શિખ્યા. થોડાક જ મહિનામાં તેઓએ પુસ્તકથી પૂરા પરિચિત થઈ ગયા. તીવ્ર ઇચ્છાએ એમને કીર્તિના ઉચ્ચ શિખર સુધી પહોંચાડી દીધા. એમની બહુમુખી જ્ઞાનની વાત વાસ્તવિક રીતે ઉત્સાહ અને પ્રેરણા જગાડે છે. તે વાર્તા એક એવા મહાપુરુષની કથા છે જેમણે ગરીબી તથા રંગભેદને લીધે ઘણાં દુ:ખકષ્ટ વેઠ્યાં; જેમણે અસાધારણ ધૈર્ય તથા સહિષ્ણુતા સાથે કેટલાય દુ:ખ કષ્ટ સહન કર્યાં અને કઠોર અને કમ્મર તોડ પરિશ્રમના બળે જીવનમાં ઉન્નતિ સાધી. એમની આ મહાનતા પ્રાપ્તિના ઉદાહરણમાંથી ઘણાં પ્રગતિશીલ લોકો તથા રાષ્ટ્ર પોતાના ઉત્થાન માટે પ્રેરણા મેળવી શકે છે. કોઈ દુર્લભ સન્માન મળે ત્યારે તેઓ પોતાનું સંતુલન ગુમાવી ન દેતા. તેઓ નિ:સ્વાર્થ સેવાની ટોચે પહોંચ્યા અને પોતાના હબસી ભાઈઓની મુક્તિ માટે દિવસરાત કાર્યરત રહ્યા. આ મહાન નેતાનાં વિચાર તથા કાર્ય સમગ્ર વિશ્વ માટે આદર્શ છે. સમાજકલ્યાણ વિશે વિચારના દરેક વ્યક્તિ બધા માનવીય ગુણોના ભંડાર એવા વોશિંગ્ટનના જીવનનું અધ્યયન કરીને રોમાંચ અનુભવશો. જેના દ્વારા લગની, ધૈર્ય, સ્વાવલંબન તથા આધ્યાત્મિક શક્તિ દ્વારા માનવ અત્યંત પ્રબળ શક્તિશાળી મુશ્કેલીઓનો સામનો કરી શકે છે, એવાં અનેક ઉદાહરણ એમનું જીવન વ્યક્ત કરે છે. તેઓ કહે છે, ‘હું આટલું શીખ્યો છું કે, જીવનમાં સફળતા પ્રાપ્તિ પદવીથી નહીં પરંતુ જેને પાર કરીને એક વ્યક્તિ સફળ થઈ હોય એવી મુશ્કેલીઓથી માપી શકાય છે. બીજાના માટે અધિક પ્રયાસ કરનારા લોકો જ સૌથી વધુ સુખી છે. જે લોકો બીજાને જરાય મદદ નથી કરતા તેઓ સર્વાધિક દુ:ખી છે.’

વોશિંગ્ટને પોતાનાં દુ:ખકષ્ટની વાત ભૂલીને તેમજ પોતાની આમદનીની ચિંતા કોરાણે મૂકીને પોતાની જાતિના લોકોને શિક્ષિત બનાવવા દિવસરાત પ્રયત્ન કર્યાં હતા. એમણે શાળાઓ ખોલી, બાળકોને ભણાવ્યાં. તેઓ ટયુશન પણ કરતા. તેમણે તુસેની નામની જગ્યાએ એક વિદ્યાલય બનાવ્યું. એમના અથાક પરિશ્રમ અને ઉત્સાહને લીધે થોડાંક જ વર્ષોમાં એ શાળા સુપ્રસિદ્ધ બની ગઈ. અહીં દૂર દૂરથી બાળકો આવતાં. કેવળ વીસ વર્ષોમાં જ આ શાળાની પાસે ૨૩૦૦ એકર ભૂમિ આવી ગઈ. ૭૦૦ એકરમાં ખેતી થતી. વિદ્યાર્થીઓ ખેતરમાં કામ કરતા. ભવનોનું નિર્માણ પણ એમણે પોતે કર્યું હતું. સામાન્ય શિક્ષણ ઉપરાંત વિદ્યાર્થીઓને કૃષિ અને ઉદ્યોગની તાલીમ પણ અપાતી. અહીં ધાર્મિક શિક્ષણની પણ વ્યવસ્થા હતી. આ દલિત નેતાએ પોતાની શાળાના ઉદાહરણ દ્વારા એ બતાવી આપ્યું છે કે શિક્ષણનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને નોકરીની શોધ માટે કચેરીઓના પગથિયાં ઘસનારા ભિખારી બનાવવાનો નથી. એમણે એ વિદ્યાર્થીઓને ઉદ્યમ, સ્વાધીનતા, ઉત્સાહ તેમજ પરિશ્રમની આધારશીલા પર પોતાનું જીવન ઘડતર કરવાની પ્રેરણા આપી. એમણે કહ્યું હતું, ‘જે આપણા દૈનંદિન જીવન સાથે કોઈને કોઈ રૂપે જોડાયેલ ન હોય તેને કેળવણી ન કહેવાય. કેળવણી એવી કોઈ વસ્તુ નથી કે જે આપણને શારીરિક શ્રમમાંથી બચાવે; તે શારીરિક શ્રમને સન્માન આપે છે. અપ્રત્યક્ષરૂપે કેળવણી એક એવું સાધન છે કે જે સામાન્ય લોકોનું ઉત્થાન કરીને એમને સ્વાભિમાન અને સન્માન અપાવે છે. મેં એવો નિયમ બનાવી લીધો છે કે હું ક્યારેય પોતાના કાર્યને પોતાના ઉપર પ્રભુત્વ જમાવવા નહીં દઉં. હું હંમેશાં મારા કાર્યથી આગળ રહું છું અને એને નિયંત્રણમાં રાખીને પોતાને અધીન રાખું છું. કાર્યનાં બધાં અંગો પર પૂર્ણ પ્રભુત્વના જ્ઞાનથી એક પ્રકારનો દૈહિક, માનસિક તથા આધ્યાત્મિક આનંદ મળે છે. એ આનંદ ઘણો સંતોષજનક અને પ્રેરણાદાયી છે. મારા અનુભવ બતાવે છે કે જે કોઈ આ યોજના પ્રમાણે ચાલવાનું શીખી લે તો તેને કાર્ય દ્વારા એક શારીરિક તાજગી તથા માનસિક ઊર્જા મળશે કે જે એ માનવને સ્વસ્થ તથા સબળ બનાવી રાખવામાં મદદરૂપ થશે. મારી દૃઢ શ્રદ્ધા છે કે માનવ પોતાના કાર્યને ચાહવા લાગે એટલો કોઈ માનવ ઉન્નત થઈ જાય ત્યારે એને અત્યંત મૂલ્યવાન ઊર્જા પ્રાપ્ત થાય છે.

‘મારો એ દૃઢ વિશ્વાસ છે કે કોઈપણ મનુષ્ય દરરોજ સર્વશ્રેષ્ઠ કાર્ય કરવાનો સંકલ્પ કરે અર્થાત્‌ દરરોજ શુદ્ધ, નિસ્વાર્થભાવે આજીવિકા માટે કર્મ કરવાનો પ્રયત્ન કરે તો એનું જીવન નિરંતર કલ્પનાતીત ઉત્સાહથી ભરાઈ જશે. મેં ખ્યાતિની ક્યારેય લાલસા નથી કરી, મેં ખ્યાતિને સદૈવ ભલાઈનું સાધન માન્યું છે. મિત્રોને હું સામાન્ય રીતે કહું છું કે જો મારી ખ્યાતિ ભલાઈ કરવાનું સાધન બને તો તેનાથી મને સંતોષ થશે. હું એને ધનની જેમ જ સત્‌કાર્યમાં લગાવવા માગું છું. દાસતાની જાળમાં ફસાઈને દુર્ભાગ્યથી પીડિત કોઈપણ રાષ્ટ્ર કે સમુદાય માટે મારા હૃદયમાં દુ:ખ, પીડા થાય છે. મારી જાતિને ગુલામ બનાવનારા ગોરા લોકોની મેં જરાય ઘૃણા કરી નથી. રંગભેદના ભાવથી ગ્રસ્ત એવા એ દુર્ભાગી માનવો પર મને દયા આવે છે.

‘અનેક સ્થળે લોકોને મળીને મેં જોયું તો બીજાના હિતાર્થે સૌથી વધુ કર્મ કરવાવાળા જ સૌથી વધુ સુખી હોય છે અને સૌથી ઓછું કર્મ કરવાવાળા સૌથી દુ:ખી હોય છે. હું એ શીખ્યો છું કે નિર્બળને કરેલી સહાય મદદ કરનારને સબળ બનાવે છે અને એ દીન લોકોને સતાવનારા દુર્બળ બને છે. જો પ્રત્યેક વ્યક્તિ પોતાના જીવનના એકેએક દિવસ અત્યંત ઉપયોગી રૂપે પસાર કરવાનો નિર્ણય કરે તો એટલે કે તે એવાં કાર્ય કરવાનો પ્રયાસ કરે કે જેનાથી તેની પવિત્રતા, નિ:સ્વાર્થતા અને ઉપયોગીતામાં વધુને વધુ વૃદ્ધિ થતી રહે તો એનું જીવન સદૈવ ઉત્સાહ અને પ્રેરણાથી પરિપૂર્ણ રહેશે. એ કાળો હોય કે ગોરો મને એ વ્યક્તિ ઉપર દયા આવે છે કે જેણે બીજા લોકોના જીવનને ઉપયોગી તથા સુખી બનાવવાથી નિષ્પન્ન થતા સંતોષ અને આનંદનો અનુભવ નથી કર્યો.’

આ હતા અંતરદૃષ્ટિથી પરિપૂર્ણ તથા પ્રેરણાના આલોકથી જાજ્વલ્યમાન શબ્દો. આ શબ્દો પ્રત્યક્ષ અનુભવથી પ્રાપ્ત થયા હતા. 

પાવલોવનો અંતિમ સંદેશ

પ્રસિદ્ધ રશિયન મનોવૈજ્ઞાનિક પાવલોવ જ્યારે મૃત્યુશૈયા પર હતા ત્યારે એના પ્રિય વિદ્યાર્થીઓએ એમને પોતાના જીવનમાં ઉપયોગી થાય તેવી સફળતાના રહસ્ય વિશે પૂછ્યું. તેના ઉત્તરમાં વિદ્યાર્થીઓને તેમણે કહ્યું, ‘તીવ્ર ઇચ્છા અને ધીર ગતિ’ તીવ્ર ઇચ્છાનો અર્થ છે હૃદયની સાચી લગની અને ધીર ગતિ એટલે ક્રમશ: પ્રગતિના પંથે આગળ વધતાં વધતાં ધીરજ ધારણ કરીને કોઈપણ ક્ષેત્રમાં વિજય મેળવવા માટે મનમાં તીવ્ર ઇચ્છા જ નહીં પરંતુ વિધિવત અને ક્રમશ: ધીમે ધીમે આગળ વધવાનું ધૈર્ય પણ હોવું જરૂરી છે. ગમે તેમ કરીને ઉતાવળમાં લક્ષ્ય સુધી પહોંચવાનો પ્રયાસ એ તીવ્ર ઇચ્છા નથી. એનો અર્થ છે અસફળતા કે સંશયથી જરાય ડગ્યા વિના લક્ષ્ય પ્રાપ્તિ કરવાનો દૃઢ સંકલ્પ, અસફળ થવાનો ભય દૂર કરવા માટે આપણે જેમાં સફળતા નિશ્ચિત હોય એવા કાર્યોથી પ્રારંભ કરવો જોઈએ અને એ કાર્યોને પૂર્ણનિષ્ઠાથી કરવાં જોઈએ. એનાથી કાર્યરુચિ વધે છે અને એકાગ્રતા, ઉત્સાહ તેમજ આનંદ મળે છે. આવો સાતત્યપૂર્ણ અભ્યાસ પહેલવાનો, સંગીતજ્ઞો અને સરકસના કલાકારોની સફળતાનું રહસ્ય છે.

(ક્રમશ:)

Total Views: 86

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.