(ગતાંકથી આગળ)

શતાબ્દીઓ સુધી જંગલી લોકોના હાથે સંરક્ષણની આવશ્યકતાએ નારીઓને દુર્બળ, અસહાય અને પરાધીન બનાવી દીધી છે. સ્વામી વિવેકાનંદે બરાબર કહ્યું છે : ‘એમને સર્વદા અસહાયતા, બીજા પર પૂર્ણ નિર્ભરતાની ટેવ પાડી દીધી છે અને એટલે જ થોડું ઘણું પણ અનિષ્ટ કે સંકટ ઊભું થાય કે તેઓ રોવા-પીટવામાં જ સક્ષમ રહે છે.’ એ આવી દુરાશાપૂર્ણ અવસ્થામાં કેવી રીતે આવી ગયાં? પુરુષોની સાથે નારીઓની સમાનતાનો ભાવ આપણી રાષ્ટ્રીય ચેતનામાં નથી, એ કારણે આવું નથી બન્યું; પુરુષોના અત્યાચારના પરિણામે એમને સદૈવ એક નિમ્નત્તમ સ્થાન મળ્યું છે એટલા માટે પણ આવું નથી બન્યું. આવો નિષ્કર્ષ આપણા આધ્યાત્મિક આદર્શ સાથે તેમજ પ્રાચીન-મધ્યકાલીન ભારતની આદર્શ નારીઓનાં અસાધારણ ઉદાહરણ સાથે મેળ ખાતો નથી. એટલે આટલી વાત સ્પષ્ટ છે કે ઉતાવળમાં આવા નિર્ણય પર પહોંચવું એ અયોગ્ય છે. આપણી નારીઓની વર્તમાન અવસ્થાનું કારણ બીજે શોધવું પડશે. સ્વામી વિવેકાનંદ આ વિષય તરફ ઈશારો કરીને કહે છે. ‘આપણે યુરોપીય આલોચનાના અચાનક આવેલા પૂર અને તેને લીધે પોતાનામાં ઉત્પન્ન થયેલી ભાવનાઓને વશ થઈને પોતાના દેશની નારીઓની અસમાનતાના વિચારને સ્વીકાર કરવામાં આવી વધુ ઉતાવળ કરવાની જરૂર નથી. પરિસ્થિતિઓએ આપણે માટે અનેક શતાબ્દીઓથી નારીના સંરક્ષણની આવશ્યકતાને અનિવાર્ય બનાવી દીધી છે. આપણી આ પ્રથાનું કારણ આ તથ્યમાં છે; નહીં કે નારીહીનતામાં.’

હવે તો આ જંગલી અત્યાચારોનો યુગ વીતી ચૂક્યો છું. ભારતીય નારીઓને આવી અસહાય દશામાં પહોંચાડનાર એ સામાજિક પરિસ્થિતિઓ પણ આજે ભૂતકાળ બની ગઈ છે. અત: આ જ એક સુયોગ્ય અવસર છે કે જ્યારે એમણે અયોગ્ય પરાધીન દશામાંથી બહાર નીકળી જવું જોઈએ. પુરાણા દિવસોની જેમ પુરુષો સાથે મૂળભૂત સમાનતાના સન્માનભર્યા સ્થાન પર પુન:સ્થાપિત થવામાં સહાયક બનવાનો પ્રયાસ કરવામાં આવે. આપણે એ પણ યાદ રાખવું પડશે કે એમનામાં પ્રાચીન કાળની ક્ષત્રિય વીરાંગનાઓ કે મધ્યકાળની નિર્ભીક રાજપૂત બાળાઓની જેમ પોતાના આચરણમાં સાહસિક, દૃઢ નિશ્ચયવાળી, સ્વાવલંબી અને વીર બનવાની સંભાવના એમની ભીતર રહેલી છે. આ બધું એમના લોહીમાં છે જ. નિર્બળતાનું અત્યારનું વાતાવરણ તો એક સામાયિક પરિવર્તન છે; એમનામાં રહેલી ક્ષમતામાં આપણે પરમ વિશ્વાસ રાખીને તેને જ ફરીથી અભિવ્યક્ત કરવાની દિશામાં ઘણી સાવચેતી સાથે આગળ વધવું જોઈએ. આવું કરતી વખતે એ વાતને આપણે ક્યારેય ભૂલવી ન જોઈએ કે, પ્રાચીનકાળની જેમ જ આજે પણ વિશ્વાસ, પોતાનામાં વિશ્વાસ, ઈશ્વર તથા ધર્મમાં શ્રદ્ધા અને સાથેને સાથે પોતાની પવિત્રતાના પરમ આદર્શ પ્રત્યેની અટલ શ્રદ્ધામાં જ એમની શક્તિનો ખજાનો રહેલો છે. કેળવણીકારોએ એ વાત પર ધ્યાન દેવું વધારે સારું રહેશે કે આ પ્રકારના સુદૃઢ પાયા પર ભારતીય નારીનું નિર્માણ કરવું પડશે. એને માટે જો સુયોગ્ય વ્યવસ્થા થાય તો આપણે નિશ્ચિતરૂપે કહી શકીએ કે ભારતીય નારી ફરીથી પોતાના ચારિત્ર્યમાં આધ્યાત્મિક સંતુલન ખોયા વિના વીરત્વનો ગુણ કેળવી લેશે અને ઘણી ઝડપથી પોતાની વર્તમાન અવદશામાંથી બહાર આવશે.

સુદીર્ઘ કાળથી આપણે પસાર થઈ રહ્યા છીએ એવું આધ્યાત્મિક અવનતિનું કાળચક્ર ભારતીય નારીની વર્તમાન અવાંછનીય દશામાં પોતાનો ફાળો આપનાર એક મુખ્ય સ્રોત છે. આને અને એની સાથે વિદેશમાંથી આવેલા ચમકદમકવાળી ભૌતિક સભ્યતા સાથેના આપણા નજીકના સંપર્ક સંબંધે આપણી પોતાની પ્રાચીન પ્રજ્ઞામાંથી આપણો વિશ્વાસ હચમચાવી દીધો છે અને આપણા સાંસ્કૃતિક આદર્શો પરની પકડને પણ ઘણી ઢીલી કરી મૂકી છે. ભારતીય નારીત્વ સાથે જોડાયેલ આધ્યાત્મિક ભાવ તથા આદર્શ આપણી ધૂંધળી દૃષ્ટિથી લગભગ અદૃષ્ટ રહે છે. પરંતુ ખુશીની વાત તો એ છે કે આ કાળચક્ર એ ગઈકાલનું ચક્ર હતું આપણી જનતાની સાંસ્કૃતિક આત્મચેતના ફરીથી જાગે છે. આધ્યાત્મિકતાની એક ઊગતી તરંગ હવે આગળ વધી રહી છે. એમાં હજારો વર્ષ સુધી આ જાતિને ચલાવનાર આધ્યાત્મિક ભાવ તથા આદર્શોનાં મૂલ્યો તેમજ મહત્ત્વ વિષે બધાં વર્તમાન સંદેહ, આશંકા, ભૂલભરેલી માન્યતા અને મૂંઝવણોને દૂર કરવાની સંભાવના રહેલી છે. આપણી આત્મચેતનાના અવશ્યંભાવી જાગરણની સાથે ને સાથે એવી આશા રાખી શકાય કે પ્રાચીન ભારતીય નારીત્વનો ઉદાત્ત આદર્શ પણ પોતાનાં વિશુદ્ધ મહિમામાં ફરીથી આલોકિત થશે.

આપણી નારીઓ એમાંય વિશેષ કરીને ઉચ્ચત્તર વર્ગની નારીઓના બૌદ્ધિક વિકાસનો નિમ્નસ્તર પણ નિશ્ચિતરૂપે એમની અવદશાનું એક બીજું ચોક્કસ કારણ છે. આપણા સમાજનાં બંને અંગોની કેળવણી માટે પૂર્ણત: અસમાન સુવિધાઓ મળવી એ જ નારીઓના અને પુરુષોના બૌદ્ધિક સ્તરના ભેદનું સ્પષ્ટ કારણ છે. આપણા મધ્યમ વર્ગની પ્રજામાં નિરક્ષર પત્નીવાળા શિક્ષિત પુરુષો સારા પ્રમાણમાં જોવા મળે છે. એટલે સ્વાભાવિક જ છે કે એવા પુરુષોના મનમાં મોટે ભાગે પોતાની અશિક્ષિત પત્નીઓની તુલનામાં એક ઉત્કૃષ્ટતાની ગ્રંથિ વિકસે છે. આવી પરિસ્થિતિમાં સ્ત્રીઓની દશા વિચારવા જેવી થઈ જાય છે. એમના બૌદ્ધિક રૂપથી ઉન્નત જીવનસાથી એમના પર પ્રભુત્વ જમાવીને એમને સ્થાયીરૂપે એક નિમ્નતર અવસ્થામાં રાખે છે. નારી કેળવણીની દિશામાં વર્તમાન કદમ સ્પષ્ટ રૂપે આ દોષને સુધારવા માટેનો છે. પરિવારનાં બંને ઘટકોના બૌદ્ધિક જીવનમાં સમાનતા લાવીને એમની પરિસ્થિતિમાં બરાબરી ઊભી કરવી એ એનો ઉદ્દેશ છે. આ ઉદ્દેશ નિશ્ચિતરૂપે સુયોગ્ય છે. અસમાન બૌદ્ધિક વિકાસની આ અસ્વાભાવિક અવસ્થા હવે ચાલુ રહેવા દઈ ન શકાય.

પરંતુ આ લક્ષ્યની પ્રાપ્તિ માટે આપણે અપનાવેલી પદ્ધતિ શું ઉપયોગી છે ખરી? આપણાં પરિવેશ તથા સાંસ્કૃતિક આદર્શોથી સંપૂર્ણપણે અસંબદ્ધ કેળવણીની વર્તમાન અભાવાત્મક પ્રણાલીથી શું આપણે આપણું ઇચ્છેલું પરિણામ લાવવાની આશા રાખી શકીએ ખરા? નારીઓ જ અત્યાર સુધી આપણા આધ્યાત્મિક જીવનની પરંપરાને દૃઢતાપૂર્વક પકડી રાખીને એનું સંરક્ષણ કરી રહી છે. જો એમને પણ પુરુષોની જેમ વર્તમાન સંકર પ્રકારની કેળવણી દ્વારા નિશ્ચિતરૂપે અરાષ્ટ્રીય પ્રભાવનો ભોગ બનાવાય તો આપણી પ્રજાને એનાથી લાભ થવાને બદલે વધુ નુકસાન નહીં થાય? આ એક અત્યંત મહત્ત્વનો પ્રશ્ન છે. આ પ્રશ્ન આપણા જીવનમાં ઘણું મહત્ત્વ ધરાવે છે. એટલે એને સહજતાથી ટાળી ન શકાય. આપણી નારીકેળવણીની પ્રણાલીની વિવેકપૂર્ણ પસંદગી પર જ પોતાની વિશિષ્ટતાની સાથે આ જાતિના અસ્તિત્વ પર નિર્ભર રાખે છે. ખુલ્લી છૂટ આપવાથી વિદેશી સંસ્કૃતિ આપણા સમાજને બરબાદ કરી શકે છે. એનાથી આપણે સાવધાન રહેવું પડશે. ઓછામાં ઓછું કોઈ અવિવેકભરી શિક્ષણપદ્ધતિના પરિણામે થનાર સાંસ્કૃતિક અસ્તવ્યસ્તતાથી આપણી નારીઓને બચાવી લેવી જોઈએ. એને માટે આપણી પાસે ઉપર્યુક્ત સંરક્ષણ વ્યવસ્થા હોવી જોઈએ.

એમાં કોઈ સંદેહ નથી કે આપણા રાષ્ટ્રીય જીવનના સ્વસ્થ પુનરુત્થાન માટે આજની શિક્ષણ વ્યવસ્થામાં આમૂલ સુધારણાની આવશ્યકતા છે. જ્યાં સુધી આવી સુધારણા ન થાય; આ દેશની કેળવણી તેના પ્રાચીન સાંસ્કૃતિક આદર્શો સાથે સુસંબદ્ધ ન બની જાય; ત્યાં સુધી ઓછામાં ઓછું આપણા દેશની નારીઓને તો એના વિનાશકારી પ્રભાવોના ક્ષેત્રથી દૂર દૂર રાખવી એ જ શ્રેયસ્કર રહેશે. આમ હોવા છતાં પણ એમના બુદ્ધિ સ્તરને ઉચ્ચતર બનાવવામાં હવે આપણે એક ક્ષણનો પણ વિલંબ કરવો યોગ્ય નહીં ગણાય. સાંસ્કૃતિક આદર્શોમાં એમની નિષ્ઠાને જરાય ડગવા દીધા વિના આ કાર્યને આપણે કેવી રીતે પૂર્ણ કરવું એ આપણી સામે રહેલી મુખ્ય અને મહત્ત્વપૂર્ણ સમસ્યા છે. આપણે તત્કાળ નારીઓ માટે એક અલગ શિક્ષણપ્રણાલિનું નિર્માણ કરીએ જે રાષ્ટ્રીય પરંપરા પ્રમાણે એમની બૌદ્ધિક ઉન્નતિ સુનિશ્ચિત કરી શકે એ આપણા માટે આવશ્યક છે. આ દેશની બધી સામાજિક સંસ્થાઓ સમક્ષ આ એક મોટું મહત્ત્વનું અને જરૂરી કાર્ય છે. જો સાચા હૃદય સાથે એની જવાબદારી ઉઠાવી લે તો વિભિન્ન પ્રયોગોના માધ્યમથી થોડા જ સમયમાં નારી શિક્ષણની એક રાષ્ટ્રીય પ્રણાલી ઊભી થવાની સંભાવના છે.

લક્ષ્ય સ્પષ્ટ છે માતૃત્વના એમના રાષ્ટ્રીય આદર્શને વિવેકપૂર્વક રૂપાયિત કરવા આધુનિક જ્ઞાન થોડું યોગદાન આપી શકે છે તેનાથી એમને ઉચિત રૂપે કટિબદ્ધ કરવા એ આપણી નારી કેળવણીનો ઉદ્દેશ્ય હોવો જોઈએ. પારિવારિક સુખમાં યોગદાન આપવું એ દરેક ભારતીય નારીના જીવનનું મુખ્ય કાર્ય બનવું જોઈએ. એ ઉપરાંત નારી સુલભ સ્વભાવને ઉપર્યુક્ત એવી સામાજિક સેવાના કાર્યો એમની પોતાની પસંદ કરેલી ગતિવિધિઓમાંની એક હોવી જોઈએ. આ નારીઓમાંથી કેટલાકને પોતાના જીવનપોષણનું કાર્ય પણ કરવું પડતું હોય છે. બાળશિક્ષણ શાળા, પ્રાથમિક શાળા, કન્યાશાળા તથા કોલેજોમાં શિક્ષણ; હોસ્પિટલો તથા માતૃત્વ કેન્દ્રોમાં નર્સિંગ તેમજ ઘરમાં કે કુટિર ઉદ્યોગોના માધ્યમથી હસ્તશિલ્પની વસ્તુઓના ઉત્પાદન દ્વારા ભરણપોષણનું કાર્ય થઈ શકે છે. એમણે પુરુષોના કાર્યક્ષેત્ર પર તરાપ મારીને પોતાના આચરણમાં પુરુષત્વ લાવવાની જરૂર નથી. એવું કરવું એ ભારતીય આદર્શથી વિપથગામી બનશે. સમાજમાં સમતુલન તથા સામંજસ્ય જાળવી રાખવા એમણે પોતાનાં નારીસુલભ આકર્ષણ તથા લજ્જા શિલતા; પોતાના વિશિષ્ટ કાર્ય તથા સન્માન સુરક્ષિત રાખવાં પડશે. આ કારણે એમની શિક્ષણપ્રણાલીને આવી ઉપર્યુક્ત રીતે વિકસાવવી પડશે. એ પ્રણાલીથી એમનામાં પ્રથમ તો પોતાનાં પવિત્રતા, સરળતા, આત્મત્યાગ, માતૃસુલભ કોમળતા તથા સ્નેહ, અસીમ ધૈર્ય તેમજ સંતોષ જેવા આપણા રાષ્ટ્રીય આદર્શો પ્રત્યે પ્રશંસાનો ભાવ, આદર અને એને પરિણામે નિષ્ઠાના ભાવને બેસાડે એ જોવું જોઈએ. બીજું : એનાથી એમની બૌદ્ધિક ક્ષમતાઓનો વિકાસ થાય જેથી એમને પોતાના સાંસ્કૃતિક ભાવ તેમજ આદર્શોના વાસ્તવિક મહત્ત્વ પર એક યુક્તિસંગત પકડ આવે અને તેઓ પોતાના ગૃહસ્થ તથા સામાજિક જીવન સાથે જોડાયેલ ભિન્ન ભિન્ન સમસ્યાઓનો સામાનો બુદ્ધિમત્તાપૂર્વક કરી શકે. અને ત્રીજું : જ્યારે ત્યારે પણ એમને માટે જીવનોપાર્જન અનિવાર્ય બની જાય ત્યારે આ કેળવણી એમને પોતાના કાર્યક્ષેત્રમાંથી બહાર નીકળ્યા વિના પોતાની જ પદ્ધતિએ એ ઉપાર્જન માટે સક્ષમ બનાવે.

કેવી કેળવણી ભારતીય નારીની આવશ્યકતાઓ માટે ઉપર્યુક્ત બનશે એ વિશે સ્વામીજીના મનમાં કેટલાક સુનિશ્ચિત વિચાર હતા એક વાર એમણે કહ્યું, ‘આપણી નારીઓનો ધર્મ, શિલ્પ, વિજ્ઞાન, ગૃહકાર્ય, ભોજન બનાવવું, સીવણકામ, સ્વાસ્થ્ય વગેરે વિષયોની અગત્યની બાબતો શિખવવી યોગ્ય ગણાશે. નાટક અને નવલકથા તો એમની પાસે પહોંચવા ન જોઈએ. કેવળ પૂજાપદ્ધતિ શિખડાવવાથી જ કામ બનશે નહીં. બધા વિષયોમાં એમની આંખો ઉઘાડવી એ યોગ્ય છે વિદ્યાર્થિનીઓની સામે આદર્શ નારીચરિત્ર સદૈવ રાખીને નિસ્વાર્થતાના વ્રતમાં એમનામાં અનુરાગ ઊભો કરવો પડશે. સીતા, સાવિત્રી, દમયંતી, લીલાવતી, ખના, મીરાંબાઈ વગેરેનાં જીવનચરિત્ર કુમારિકાઓને સમજાવીને એમને પોતાનું જીવન એવું જ બનાવવાનો ઉપદેશ આપવો પડશે.’ બીજા એક પ્રસંગે એમણે કહ્યું હતું, ‘ઈતિહાસ, પુરાણ, ગૃહકાર્ય, શિલ્પ, ગૃહસ્થના બધા નિયમો વગેરે આધુનિક વિજ્ઞાનની સહાયતાથી શિખવવા પડશે તેમજ આદર્શ ચારિત્ર્ય ઘડતર કરવા ઉપયોગી આચરણની કેળવણી પણ આપવી પડશે. કુમારિકાઓને ધર્મપરાયણ અને નીતિપરાયણ બનાવવી પડશે. જેનાથી તેઓ ભવિષ્યમાં સારી ગૃહિણીઓ બને એવું કરવું પડશે.’ આ રીતે એમ માની શકાય કે ભારતીય નારીઓની આવશ્યકતા પ્રમાણે સ્વીકૃત આઠ વર્ષોની પ્રાથમિક કેળવણીનો અભ્યાસક્રમ આપણી મોટા ભાગની કુમારિકાઓ માટે યથેષ્ટ બનશે. એમાંથી વધુ સારી યોગ્યતા અને સુયોગ મેળવનાર કેટલીક વિદ્યાર્થિનીઓ જો ઇચ્છે તો આજની હાઈસ્કૂલ કક્ષાના સમકક્ષ અભ્યાસક્રમ પૂર્ણ કરીને શિક્ષિકા કે નર્સના રૂપે પ્રશિક્ષિત બની શકે છે. પ્રાથમિક સ્તરની ઉપરની બધી બાલિકાઓને રેખાંકન, ચિત્રણ, મૂર્તિકળા, સંગીત તથા આવી અન્ય લલિતકલાઓ અને તેની સાથે કલાત્મક કારીગીરીથી વસ્તુઓના ઉત્પાદનની તાલીમ પણ મળવી જોઈએ. આ બધાંની સાથે ગૃહવિજ્ઞાન પર વિશેષ ભાર દેવો એ ભારતની બાલિકાઓના હાઈસ્કૂલના અંત સુધીના શિક્ષણનું એક વિશિષ્ટ અંગ બનવું જોઈએ. એ વાત ઉત્સાહજનક છે કે સાર્જટ કમિશનના રિપોર્ટમાં હાઈસ્કૂલની બધી બાલિકાઓ માટે ગૃહવિજ્ઞાનને એક ફરજિયાત વિષયના રૂપે દાખલ કરવાની ભલામણ કરવામાં આવી છે. આપણે પહેલાં ચર્ચા કરી ગયા છીએ કે શિક્ષણનું માધ્યમ હંમેશાં પોતાની માતૃભાષા હોવું જોઈએ. હાઈસ્કૂલ છોડતા પહેલાં એમને પોતાની પ્રાચીન ભાષા અને સાથેને સાથે બીજી એક મહત્ત્વની ભારતીય ભાષા સાથે સારો એવો પરિચય પણ થવો જોઈએ. સાહિત્ય, ઈતિહાસ, ભૂગોળ, પ્રાથમિક વિજ્ઞાન અને એની સાથે પ્રાથમિક ગણિતશાસ્ત્ર એમના પાઠયક્રમમાં હોવાં જોઈએ. એને લીધે એના બૌદ્ધિક ક્ષિતિજનો વિકાસ થઈ શકે અને આધુનિક જ્ઞાનનાં મૂળભૂત તત્ત્વોથી સંપન્ન પણ બની શકે છે. સાહિત્ય પર પુસ્તકોની પસંદગી તથા પાઠયપુસ્તકોનું નિર્માણ કરતી વખતે આ દિશામાં ગંભીર પ્રયાસ કરવો જોઈએ કે આ બધી બાલિકાઓ પોતાના સાંસ્કૃતિક આદર્શો પ્રત્યે પરમ શ્રદ્ધા રાખવા પ્રેરાય. બહેનોના શિક્ષણનો કાર્યક્રમ બનાવતી વખતે એનાં પુસ્તકોમાં શારીરિક ઉન્નતિ, ચરિત્રનિર્માણ તથા ‘મૂળભૂત વાતો’ એ વિષયમાં આગળ આપણે જે પણ કહી ગયા છીએ તે બાબતો પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. સંભવ હોય ત્યાં સુધી ઉપર્યુક્ત સંશોધનોની સાથે નારીશિક્ષણના કાર્યક્રમમાં આ ભલામણોને જોડી શકાય ખરી. નારીશિક્ષણની યોજના બનાવતી વખતે વિદેશી ભાવ અને આદર્શની સાથે સમજૂતી કેળવવી એ ઘાતક સિદ્ધ થશે એ વાત આપણે યાદ રાખવી પડશે.

મોટાભાગની બાલિકાઓ માટે આઠ વર્ષના એમાંથી કેટલીક માટે માધ્યમિક કક્ષા સુધીના અભ્યાસક્રમની પ્રારંભિક કેળવણી માટે આ કેટલાંક મૂળભૂત તત્ત્વો છે. આ દેશમાં ભિન્ન ભિન્ન સામાજિક સેવાસંગઠનોને એ વાસ્તવિક પ્રયોગ દ્વારા નિશ્ચિત રૂપે, ભિન્ન ભિન્ન સ્થળો તથા સમૂહોની આવશ્યકતા પ્રમાણે વિવિધ પ્રકારે એનાં વિસ્તૃત વિવરણ બનાવવાનો અવસર મળશે.

(ક્રમશ:)

Total Views: 69

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.