(ગતાંકથી આગળ)

અસામાન્ય પ્રતિભાવાળી કેટલીક ગણીગાંઠી બાલિકાઓ માટે ઉચ્ચતર શિક્ષણની વ્યવસ્થા થવી જોઈએ. એનાથી જ્યારે ઇચ્છા થાય ત્યારે મહિલાચિકિત્સા હોસ્પિટલની અધિક્ષિકાઓ કન્યાશાળામાં શિક્ષિકાઓ, મહિલા કોલેજમાં પ્રાધ્યાપકોના રૂપે એ બાલિકાઓ યોગ્યતા મેળવી શકે. શિક્ષણના ક્ષેત્રમાં સમર્પિત સામાજિક સેવાસંગઠનો દ્વારા પ્રયોગોના માધ્યમથી ઉચ્ચતર કેળવણીનો એક એવો પાઠ્યક્રમ વિકસિત કરી શકાય તો એક મહાન ઉપલબ્ધિ ગણાશે.

આ વાત સ્પષ્ટ છે કે જ્યાં સુધી વર્તમાન શિક્ષણ પ્રણાલિમાં આમૂલ સુધારણા ન થાય ત્યાં સુધી આપણે પોતાની બાલિકાઓને માટે કેળવણીના ન્યૂનતમ થી ઉચ્ચતમ વિશિષ્ટ અભ્યાસક્રમ સાથે એમને માટે અલગ સંસ્થાઓ રચવી પડશે એટલે સહશિક્ષણનો પ્રશ્ન ઊભો થતો નથી. આમ છતાં પણ હાલમાં જ આ આપણી પ્રણાલિનું એક અંગ બની ગયું છે એ તથ્યને ધ્યાનમાં રાખીને આ વિશે બે શબ્દો કહેવા અહીં અપ્રાસંગિક નહીં ગણાય. રશિયા જેવા એક દેશમાં સહશિક્ષણનો પરિત્યાગ કરી દેવામાં આવ્યો છે અને અહીં મહિલાઓ કદાચ બીજા કોઈ દેશ કરતાં વધારે સ્વતંત્ર છે, શું આપણે એ બાબત પર ધ્યાન ન દેવું જોઈએ? આ ઉપરાંત સાર્જન્ટ રિપોર્ટ જુનિયર પ્રાથમિક સ્તર પછી આગળ અર્થાત્‌ બાલિકાઓની અગિયાર વર્ષની ઉંમર બાદ સહશિક્ષણની સલાહ આપતો નથી. આ એક નક્કર સમાધાન લાગે છે. મહિલા શિક્ષકોને અધિન નર્સરી તથા પ્રાથમિક શાળાઓમાં સહશિક્ષણ ચાલું રાખી શકાય છે. આ રિપોર્ટ આગળ એવું કહે છે કે જુનિયર બેઝિક એટલે કે પ્રાથમિક કક્ષાની બાલિકાઓને શક્ય હોય ત્યાં સુધી મહિલા શિક્ષકોને અધિન રાખવી જોઈએ. સ્વામી વિવેકાનંદ એમને પૂર્ણ રીતે નારી શિક્ષકોને અધિન રહે તેમ ઇચ્છતા હતા. આ વિશે સ્વામીજીએ કહ્યું હતું : ‘શિક્ષિત વિધવા કે બ્રહ્મચારિણીઓને જ (બાલિકાઓની શાળામાં) પૂર્ણ કાર્યભાર સોંપવો જોઈએ. આ દેશની સ્ત્રીકેળવણી સંસ્થાઓમાં પુરુષોનો સંસર્ગ જરાય સારો નથી.’

આ રીતે પ્રકલ્પિત તથા પ્રસારિત કેળવણી નિશ્ચિતરૂપે આપણી સ્ત્રીઓને આવશ્યક ઉત્કર્ષ સાધી આપશે અને એ રીતે આપણા સમાજમાં એક સ્વસ્થ તથા સુસંતુલિત પરિસ્થિતિનું નિર્માણ કરશે.

યોગ્ય પ્રકારની કેળવણીથી તેઓ પોતાની પુરાણી સમસ્યાઓને પોતાની મેળે જ ઉકેલી લેશે. આ સમસ્યાઓ ઘણાં લાબાં સમયથી તેના ઉકેલ અને સમાધાનની રાહ જોઈ રહી છે. એટલે આપણી નારીઓની વચ્ચે એક એવી કેળવણીની શરૂઆત તથા તેનો પ્રસાર કરવામાં હવે એક દિવસની પણ વાર લગાડવી જોઈએ નહિ. આ કાર્ય ઘણું વિરાટ છે એને હાથમાં લેતાં પહેલાં આવશ્યક શૈક્ષણિક યોગ્યતા તથા દૃઢ ચારિત્ર્યવાળી અનેક સ્ત્રીઓને તૈયાર કરવી પડશે. એટલે શિક્ષકોના પ્રશિક્ષણ માટે સંસ્થાઓ તૈયાર કરવા પ્રત્યે આપણે તત્કાળ ધ્યાન દેવું પડશે. આ ઉપરાંત આ સંસ્થાઓ વિભિન્ન ઉંમરની છાત્રાઓ માટે ભિન્ન ભિન્ન પાઠ્યક્રમોનું વિવરણ શોધી કાઢવા માટે પ્રાયોગિક કેન્દ્રનું કાર્ય પણ કરશે. જો આ દેશની ભિન્ન ભિન્ન સમાજસેવી સંસ્થાઓ સાચી ભાવના સાથે આ કાર્યમાં લાગી જાય તો દેશના વિવિધ વિભાગોમાં શિક્ષકોના પ્રશિક્ષણ માટે અનેક સંસ્થાઓ ખૂલી જશે અને એના દ્વારા ભારતીય નારીની પ્રતિભા તેમજ તેની આવશ્યકતા પ્રમાણે એક આદર્શ શિક્ષણપ્રણાલીની શરૂઆત કરવાની દિશામાં સારું એવું પ્રાથમિક કાર્ય કરી શકાશે.

જ્યાં સુધી આ વ્યવસ્થા શરૂ ન કરી શકાય ત્યાં સુધી હાલની સંસ્થાઓમાં બાલિકાઓની આ વર્તમાન પ્રગતિની દોડને જરાય રોકી કે સમુચિત રીતે ઘટાડી નહીં શકાય. પરિસ્થિતિઓના દબાણને એમને પુરુષોના બૌદ્ધિક સ્તરને પ્રાપ્ત કરવા માટે હાલની શૈક્ષણિક સંસ્થાઓના દ્વારને ધક્કા મારી મારીને એ બારણાં ખોલવા માટે સૌ કોઈને લાચાર બનાવી દીધા છે. સમાજના બંને ઘટકોની વચ્ચે બૌદ્ધિક સમાનતાની આવશ્યકતાથી ઊભું થયેલું આ એક પૂર્ણત: સ્વાભાવિક આંદોલન છે અને એને એક આદેશ દ્વારા રોકી ન શકાય. આમ હોવા છતાં પણ સાચી વાત એ છે કે હાલની સંસ્થાઓ એમને એમના પોતાના સાંસ્કૃતિક આદર્શોથી ઊલટે માર્ગે દોરી જશે. તેઓ પોતાની આ દુર્ગમ અવસ્થાથી ત્યારે જ બહાર આવશે કે જ્યારે એમની આવશ્યકતા પ્રમાણે એક આદર્શ શિક્ષણ વ્યવસ્થાનો આરંભ થાય. અત: એવા શિક્ષણના શુભારંભમાં પ્રત્યેક રીતે શીઘ્ર્રતા લાવવી પડશે અને જ્યાં સુધી એવું નહીં થાય, ત્યાં સુધી ઉપયોગી પૂરક પ્રશિક્ષણ દ્વારા પ્રવર્તમાન શિક્ષણ પ્રણાલીના દોષોને ઘટાડવા પડશે. 

તાત્કાલિક દૃષ્ટિકોણ

અત્યાર સુધી આપણે વર્તમાન શિક્ષણ પ્રણાલીના દોષ તેમજ સુધારણા પર ચર્ચા કરી. આપણા અનેક દેશભક્ત ચિંતકોએ આ પ્રણાલીમાં પહેલેથી જ યથાશીઘ્ર સુધારણાની આવશ્યકતા અનુભવી છે અને કેટલીક ઉપયોગી સંસ્થાઓ આ દિશામાં કેટલુંક કાર્ય શરૂ કરી દીધું છે. વસ્તુત: કાર્યની વિરાટતાને જોતાં વ્યક્તિઓ તથા સંસ્થાઓ દ્વારા એમના પોતાના બોધજ્ઞાન તથા સંસાધનો પ્રમાણે એવા છૂટક પ્રયત્નો પૂરતા નથી. આમ તો આપણે સ્વીકાર કરવો પડશે કે આવા પ્રત્યેક પ્રયાસ આપણા રાષ્ટ્રીય પુનરુત્થાનનું એક આશાપૂર્ણ ચિહ્‌ન છે.

જ્યાં સુધી સરકાર દ્વારા આપણી જનતાની પ્રતિભા તથા તેની આવશ્યકતા પ્રમાણે સમગ્ર દેશમાં એક સ્વસ્થ પ્રણાલી શરૂ ન થઈ જાય ત્યાં સુધી સ્વેચ્છાએ સેવા કરતાં સંગઠનો એને ચાલુ રાખે અને એનો વિસ્તાર કરવાનો પ્રયાસ પણ કરે. વર્તમાન શિક્ષણપ્રણાલીની ગુણવત્તા વધારવામાં તે કેટલું યોગદાન આપી શકશે એ વિશે પ્રત્યેક સંગઠને ગંભીરતાપૂર્વક વિચારવું પડશે. આ વાત સ્પષ્ટ છે કે એમની પાસે ઉપલબ્ધ સંસાધનોથી એ સંસ્થાઓમાંથી અધિકાંશ સંસ્થાઓ માટે સાચા પ્રકારની કેળવણીને વિસ્તારવા સ્વાધિન વિશ્વ વિદ્યાલયોની સ્થાપના તથા તેનું સંચાલન એ કઠિન કાર્ય હશે.

આમ છતાં પણ પ્રવર્તમાન સમયે એમાંથી પ્રત્યેક પ્રણાલીના ઢાંચામાં જ ભિન્ન ભિન્ન પ્રકારની શિક્ષણ સંસ્થાઓનું પોષણ કરીને પોતાની ક્ષમતા તથા સંસાધનોને લાભદાયીરૂપે ઉપયોગમાં લઈ શકાય છે. એનાથી સ્વસ્થતર પરિણામો આપીને દેશના શિક્ષણ-અધિકારીઓ માટે એક નૈતિક પ્રેરણાદાનનું કાર્ય કરી શકાય છે ને સાથેને સાથે અન્ય સામાજિક સેવા સંગઠનો માટે નમૂના રૂપે ઉપયોગી પણ થઈ શકે છે. વળી આ સંસ્થાઓ ઓછામાં ઓછા કેટલાક એવા લોકો આપશે કે જે માધ્યમિક શાળાઓમાં શિક્ષણને આડંબરવિહોણા કાર્ય કે ખેતી તથા ગૃહઉદ્યોગ ચલાવવા માટે ગામડે ગામડે જઈને ત્યાં રહેવાનું ખોટું કે ખરાબ નહીં ગણે. સામાન્યજનમાં શિક્ષણના પ્રસાર કાર્યમાં આવા લોકો પાસેથી ઘણી મોટી સહાયની અપેક્ષા રાખી શકાય છે. સ્થાનિક વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓની મદદથી તેઓ એમના ફુરસદના સમયમાં રાત્રિશાળા, વ્યાયામશાળા, પુસ્તકાલય પ્રવૃત્તિ, સ્લાઈડ શો સાથે વ્યાખ્યાન, સંગ્રહાલય તેમજ નમૂના કે આદર્શ ખેતરની સ્થાપના તેમજ પ્રદર્શનો કે સ્વસ્થ સ્પર્ધાનું આયોજન પણ કરી શકશે. આવો એક પણ માણસ પોતાની પાડોશમાં આવેલ અનેક પ્રાથમિક શાળાના શિક્ષકોને જ માર્ગદર્શન, નિયંત્રણ તથા પ્રેરણા આપી શકે છે. જનશિક્ષણ માટે આવા શિક્ષકની પોતાની પ્રવૃત્તિઓ આસપાસનાં ગામડાંમાં અને અન્ય લોકો માટે પણ એવી જ રીતનાં કાર્ય કરવા માટે ઉદાહરણ બનશે તેમજ પ્રેરણાનું કાર્ય કરી શકે છે.

આ રીતે આપણે જોઈએ છીએ કે કોઈ રાષ્ટ્રીય સંગઠન દ્વારા જો સુયોગ્ય રીતે આવી શૈક્ષણિક સંસ્થાઓ ચલાવવામાં આવે તો આ ત્રણ ઉપયોગી ઉદ્દેશ્યોની પૂર્તિ કરી શકશે : પ્રથમ- આવી સંસ્થાઓ વર્તમાન રૂઢિબદ્ધ સંસ્થાઓના ક્રિયાકલાપો પર નૈતિક પ્રભાવ પાડશે. બીજું- આવી સંસ્થાઓ દેશના અન્ય સામાજિક સેવા સંગઠનો માટે અનુકરણ તથા સુધારણા માટેનું મોડલ કે આદર્શ કાર્ય કરશે. ત્રીજું- આવી સંસ્થાઓ ઓછામાં ઓછું એવા લોકો આપશે કે જે આમ જનતા માટે મોડેલ રૂપે શૈક્ષણિક કાર્યનો પ્રારંભ કરીને એને ચાલુ રાખશે. આ ઉપરાંત આવી સંસ્થાઓ થોડા ઘણાં એવા લોકો આપશે કે જે પોતાનાં જીવનને પૂર્ણ રીતે સામાન્યજનની ઉન્નતિના પુનિત કાર્યમાં લગાડવાના આદર્શવાદથી અનુપ્રાણિત બની જાય એવો પણ સંભવ છે.

(ક્રમશ:)

Total Views: 64

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.