(ગતાંકથી ચાલું)

પીપલોવે કહ્યું હતું : ‘તીવ્ર ઇચ્છા અને ધીર ગતિ’ એના આ શબ્દોનો આપણે એક બીજો અર્થ પણ કરી શકીએ છીએ. કોઈપણ ક્ષેત્ર કે વિષયમાં ઉચ્ચ કુશળતા અને સફળતા મેળવવા માટે આપણામાં તીવ્ર રુચિ અને કાર્યમાં નિરંતર ધીમે ધીમે આગળ વધવાનું ધૈર્ય હોવું જોઈએ. ધૈર્ય જ પ્રેમદ્વારનો ઉંબરો છે.

જો કે આપણી ભીતર અનંત ક્ષમતા છે છતાં પણ તૈયારી વિના આપણે દોડની સ્પર્ધામાં ભાગ લઈ શક્તા નથી. આપણે આપણી પોતાની વર્તમાન અવસ્થામાંથી બહાર આવવું જ પડશે. આપણે પોતાના બળ અને ક્ષમતાને માપવાં પડશે અને એ જાણવું પડશે કે આપણે એમને કેટલી હદ સુધી અને કેવી રીતે વધારી શકીએ છીએ. પોતાના બળને માપ્યા વિના જો આપણે બીજાની નકલ કરીને નીકળી પડીએ તો આપણે લંગડાઈને પડી જવું પડશે. આવી રીતે પડનારા ક્યારેક મેદાનને દોષ દે છે. આવા લોકો પોતાના દોષને ઉજળા બતાવીને પોતાનાથી આગળ નીકળી જનારા પ્રત્યે દ્વેષભાવ રાખશે તો તેમણે હજુ વધુ દુ:ખકષ્ટ સહેવાં પડશે. આવું બધું ધૈર્યના અભાવે થાય છે. આગળ વધવા ઇચ્છતા માનવમાં ધૈર્યના ગુણ જરૂરી છે.

સંત સ્વામી વાદીરાજે કોઈના વ્યક્તિત્વના પૂર્ણ વિકાસમાં ધૈર્યને અત્યંત મહત્ત્વનું ગણ્યું હતું. એમણે ધૈર્યને તપ સમાન માન્યું છે. અહીં આપેલા આ ગદ્યમાં એમણે પોતાનો ધૈર્યનો સંદેશ આપ્યો છે :

‘જ્યાં સુધી છોડમાં ફળ નથી આવતા ત્યાં સુધી ધૈર્યપૂર્વક રાહ જુઓ.’ અત્યારે ભોજનનો સંગ્રહ કરો, એને પછીથી તમારે ભોજનમાં લેવાનું છે. મુશ્કેલીઓમાં હારો નહિ. ધૈર્ય રાખો અને દુર્જનનાં વાક્યો સહન કરો. શીતળ જળના છંટકાવથી ઉફાણે ચડેલું દૂધ શાંત થઈ જાય છે એવી રીતે તમે શાંત થઈ જાઓ.’

સંભવ છે કે વાવેલા છોડને તમે યોગ્ય ખાતર પણ આપ્યું હશે, વચ્ચે-વચ્ચે પાણી પણ પાયું હશે, તેની ચારે બાજુ વાડ પણ કરી હશે, પરંતુ છોડમાંથી મોટું વૃક્ષ બનીને ફળ આપવાની ગતિને તમે તીવ્ર ન બનાવી શકો. જો એ વૃક્ષ ઝડપથી ફળ આપનારું હોય તો પણ તમારે એ પૂર્ણપણે વિકસે ત્યાં સુધી રાહ જોવી પડશે. એ વૃક્ષ પૂર્ણ બન્યા પછી જ ફળ આપશે. કોઈપણ ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ ઉપલબ્ધિ કેવળ સાચા પ્રયાસથી જ સંભવ બને છે. આ પ્રકૃતિનો નિયમ છે. કપટથી મહાન કાર્ય થતાં નથી. આપણે હંમેશાં યાદ રાખવું જોઈએ કે સફળતા કેવળ સત્‌ કર્મથી જ મળે છે. કર્મફળની ચિંતા કર્યા વિના ધૈર્યપૂર્વક સત્‌ કર્મો કરતાં રહેવું જોઈએ. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણનો સંદેશ છે : ‘જે કલ્યાણભાવે સત્‌ કર્મો કરતો રહે છે તેની ક્યારેય દુર્ગતિ થતી નથી! આ શબ્દો પરનો વિશ્વાસ આપણને મુશ્કેલીઓ અને કઠિનતામાં નિરાશ થયાં વિના સત્યના માર્ગ પર ચાલવા પ્રેરશે. અંગ્રેજીમાં કહેવત છે : Shortcut may cut you short. – કોઈ ટૂંકો ઉપાય અપનાવવાથી નિષ્ફળતા મળવાની વધારે સંભાવના છે.’ તાત્પર્ય એ છે કે જો તમે સફળતાનો સુગમ માર્ગ શોધશો તો એ તમારી સાચી ઉન્નતિમાં બાધક બનશે.

જીવનમાં આપણે બધાએ કોઈને કોઈ સમસ્યા ઉકેલવી પડે છે. સંકટના સમયે કેટલાક લોકો પૂરેપૂરા નિરાશ-હતાશ થઈ જાય છે. તેઓ બીજા પર દોષારોપણ કરીને દિલાસો મેળવે છે. કેટલાક લોકો તો સમસ્યાનું સમાધાન ન થતાં આપઘાત પણ કરી લે છે. માનવજીવનમાં સુખ કે દુ:ખ સદૈવ રહેતાં નથી. આપણને ભલે ગમતાં ન હોય પરંતુ જીવનમાં દુ:ખ તો આવવાનાં જ છે. જીવનમાં સમસ્યાઓ આવે ત્યારે આપણે નિરાશ થયા વિના એમના પડકારને ઝીલીને એ સમસ્યાનું કારણ જાણીને ધૈર્યપૂર્વક એના પર વિજય મેળવવો પડશે.

પરમ સત્યવાદી, મહાન તથા પરોપકારી લોકો પણ આલોચના અને બદનામીથી બચી શક્તા નથી, તો પછી સામાન્ય લોકોની તો વાત જ શું કરવી? બધા ખોટા આરોપો કે આલોચનાઓને સહન કરવાની જરૂર નથી. જ્યાં પ્રતિરોધ કરવો ઉચિત હોય, પ્રતિભાવ કે પ્રતિક્રિયા સ્વાભાવિક હોય ત્યાં એમને વ્યક્ત કરવાં એ કર્તવ્ય છે. પરંતુ આપણે દરેક નાની વાતો પર ક્રોધે ભરાઈને કે તેનું નિરાકરણ કરવાનો પ્રયાસ કરવો એ નરી મૂર્ખતા છે. આ અપમાનના આધારને સત્ય જ સમાપ્ત કરી શકે. બીજી દૃષ્ટિએ જોઈએ તો આલોચક આપણું ભલું જ કરે છે, કારણ કે આપણા દોષ કે આપણી ભૂલો બતાવીને નિંદકો આપણા માટે એક શિક્ષકનું કાર્ય કરે છે. આપણને ધૈર્ય દ્વારા એનો બોધ થાય છે. ધૈર્ય દ્વારા જ આપણે પોતાની ક્ષમતાને ઓળખીએ છીએ, પોતાના વિચારોનું મૂલ્યાંકન કરીને પોતાના ગુણો દ્વારા શ્રદ્ધાનો ઉપયોગ શીખીએ છીએ અને જ્ઞાન પણ મેળવીએ છીએ. આ રીતે ધૈર્યમાં બધા આધ્યાત્મિક ગુણોનું સામંજસ્ય રચાય છે. ધૈર્યનો વિકાસ કરવા માટે આપણે સતર્ક અને વિનમ્ર્ર રહેવું જોઈએ. ક્રોધમાં આપણે કટુવચન કે અપશબ્દો બોલી નાખીએ. પછીથી આપણે નિરર્થક પસ્તાવું ન પડે એટલે આપણે ધૈર્યની વૃદ્ધિ અને તેનો વિકાસ કરવો જોઈએ.

જાગો! ઊઠો!

દરેક વ્યક્તિના અંત:સ્થલમાં દિવ્યતા રહેલી છે. મનુષ્ય કેવળ ભૌતિક તત્ત્વોથી બનતો નથી. એ દેહમાં વસનાર એક જીવાત્મા છે. પ્રત્યેક મનુષ્યમાં દિવ્યતાની ચિનગારી છે. પોતાના દિવ્ય સ્વરૂપની શ્રદ્ધા દ્વારા આપણામાં અદમ્ય આત્મવિશ્વાસ જન્મે છે. એ આત્મવિશ્વાસ આપણને નિરાશાના કાદવમાં ફસાવા દેતો નથી, એ તો આપણામાં સદૈવ ઉજ્જવળ ભવિષ્યની આશા જગાડતો રહે છે. કોઈપણ જટિલ પરિસ્થિતિની પાછળ કોઈ એવું વિધાન છે જે આપણી સમજની બહાર છે, આવી માન્યતા આ શ્રદ્ધાવિશ્વાસનો આધાર છે. હર પળે આ વિધાન આપણને બતાવે છે કે આપણી સુધારણા કે વિકાસનું સૂત્ર આપણી ભીતર જ છે. રોબર્ટ બ્રાઊનિંગનો ‘મારી સાથે વૃદ્ધ બનો, સર્વોત્તમ તો હજી આવવાનું છે!’ આ આશા ભર્યા શબ્દોમાં એવી તાકાત છે કે ફરતાં ચક્રોમાં જે નીચે છે તે ચોક્કસ ઉપર આવવાનો જ છે. રાત પછી સૂર્યોદય અવશ્ય થશે. આપણાં પ્રશિક્ષણ તથા વિકાસના ચરણમાં દુ:ખ કષ્ટ અને પીડા અનિવાર્ય છે, પરંતુ તે સ્થાયી નથી. જીવનનું આંશિક વિશ્લેષણ કરવાથી નહિ પરંતુ સમગ્ર જીવનનું અવલોકન કરવાથી આપણને સત્યની અનુભૂતિ થાય છે. એ ઉપરાંત સર્વસમય સર્વવ્યાપી દિવ્યશક્તિ આપણને દુ:ખ કષ્ટ આપતી નથી તે તો આપણને આપણા પોતાના આધ્યાત્મિક વિકાસના પથ પર લઈ જવા માટે છે. બધું આપણી યોજના પ્રમાણે થાય એવી આશા આપણે રાખવી ન જોઈએ. સંકટના સમયે આપણે ઉદ્યમશીલ રહેવું જોઈએ અને આપણે પોતાની જાતને દિવ્યશક્તિ સમક્ષ સમર્પિત કરી દેવી જોઈએ. ત્યારે જ સફળતા નિશ્ચિત બને છે.

પ્રકૃતિ ક્યારેક ક્યારેક વીરોના માર્ગમાં પણ મોટાં મોટાં વિઘ્નો ઊભાં કરી દે છે, પરંતુ જ્યારે આપણે ધૈર્ય, આત્મવિશ્વાસ, અથાક પ્રયાસ તેમજ દૃઢ મનોબળ સાથે એ બધાંનો સામનો કરીએ છીએ ત્યારે આપણે વિજયના શિખર સર કરીએ છીએ. લિયોનાર્ડો દ વિન્ચિના આ શબ્દો પૂર્ણરૂપે સાચા છે : ‘હે ઈશ્વર! તમે અમારા પ્રયત્નોના બદલામાં જ અમને કંઈક આપો છો.’

પ્રત્યેક અણુમાં અનંત શક્તિ છે

જો કોઈ પદાર્થની કોઈ એક ગ્રામ માત્રાને ઊર્જામાં રૂપાંતરિત કરવામાં આવે તો તેનાથી કેટલી ઊર્જા પ્રગટશે એ તમે જાણો છો? ૨.૨૬ કરોડ વોલ્ટ ઊર્જા પ્રગટ થશે. ૨૦મી શતાબ્દીના મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈનસ્ટાઈને પદાર્થ તેમજ તેમાં રહેલ શક્તિના ગુણાંકનું સૂત્ર શોધી કાઢ્યું છે, એ છે E = mc2. અને ‘m’ એટલે પદાર્થનો ભાર, ‘C’ એટલે પ્રકાશની ગતિ અને ‘E’ એટલે તેમાં રહેલી ઊર્જાની માત્રા. પદાર્થમાં અકલ્પનીય શક્તિ રહેલી છે. વસ્તુઓને પ્રત્યક્ષ જોઈને એમાં રહેલી વિરાટ ઊર્જાનું આપણે અનુમાન ન કરી શકીએ.

આઈનસ્ટાઈનનું સૂત્ર પદાર્થના સાચા સ્વરૂપનું નિશ્ચિત જ્ઞાન આપણને આપે છે. સાથે ને સાથે ભૌતિક જગતની એક્તા પર પ્રકાશ ફેંકે છે. વૈજ્ઞાનિકોએ પદાર્થને ઊર્જા અને ઊર્જાને પદાર્થમાં રૂપાંતરિત કરવાની પ્રવિધિ શોધી કાઢી છે. આ સૂત્ર પદાર્થ તથા ઊર્જાને અવિનાશી બતાવે છે. એમાં સંદેહ નથી કે આ આધુનિક યુગનાં મૂળભૂત આવિષ્કારોમાં એક છે.

ખરેખર વૈજ્ઞાનિકોએ આપણા ઇન્દ્રિય ગ્રાહ્ય ભૌતિક જગતનાં અસંખ્ય રહસ્યોને ખુલ્લાં કરી દીધાં છે. જે વિલક્ષણ યંત્રે આ શોધો કરી તેને ‘માનવમન’ કહે છે. શું વૈજ્ઞાનિકો એ આમ આ ‘મનનું’ રહસ્ય પણ જાણી લીધું છે ખરું? શું વૈજ્ઞાનિકો એના ગહન ઊંડાણ સુધી જઈ શક્યા છે ખરા? અસંખ્ય વસ્તુઓ વિશે મનુષ્યના અસીમિત જ્ઞાનનો સ્ત્રોત ક્યો છે? આ બધું જ્ઞાન તેને અનુમાન, વિચાર, નિરીક્ષણ, પ્રયોગ પરીક્ષણ તેમજ વિશ્લેષણ અને ચર્ચા દ્વારા પ્રાપ્ત થયું છે. બીજા શબ્દોમાં કહીએ તો આ જ્ઞાન ‘મન’ રૂપી યંત્રમાંથી સાંપડ્યું છે. શું આ માનવીય મનની વિશાળ અને અનંત શક્તિને સાબિત નથી કરતું?

બિંદુમાં જ સિંધુ સમાયેલો છે

બ્રહ્માંડની વિશાળતા સમક્ષ માનવ જાણે કે ધૂળના એક કણ જેવો છે. જો આપણે અંતરીક્ષમાં છવાયેલા ગ્રહનક્ષત્ર મંડળ તરફ નજર કરીએ તો એવું લાગે છે કે સમગ્ર માનવજાતિ સાગરના એક બિંદુ જેટલી જ છે. પરંતુ વિજ્ઞાને બતાવ્યું છે કે આ બિંદુમાં પણ એક અનંત મહાસાગર રહેલો છે. માનવશરીરની સંરચના એનાં વિભિન્ન અંગોનું સંચાલન તથા તેની પ્રત્યેક કોશિકાની જટિલ ક્રિયાઓના સૂક્ષ્મ વિવરણથી આપણે સ્તબ્ધ બની જઈએ છીએ. આ કેટલા મોટા આશ્ચર્યની વાત છે કે આપણા રક્તના દરેક બિંદુમાં પચાસ લાખ લોહકણ, દસ હજાર શ્વેતકણ અને પાંચ લાખ ચપરા કણ રહેલાં છે. જેમ વિરાટ બ્રહ્માંડ વિસ્મયજનક છે તેવી જ રીતે શરીરની અંદરની સૂક્ષ્મકોશિકાઓનું વિશ્વ પણ અદ્‌ભુત તથા રહસ્યમય છે. અને શું આપણે એમ ન કહી શકીએ કે આ આશ્ચર્યને સમજનાર ‘માનવમન’ તો એનાથી પણ વધારે વિલક્ષણ છે.

ડોક્ટર એલેક્સિસ કૈરલ કહે છે કે માનવમન ગણિતના અમૂર્ત ચિંતનના આધારે કરેલી કલ્પના દ્વારા અતિ સૂક્ષ્મ ઈલેકટ્રોન્સ તથા સુદૂર અંતહિનમાં આવેલ તારાને એકી સાથે સમજી શકાય છે. પ્રસિદ્ધ ગણિતજ્ઞ તથા દાર્શનિક પાસ્કલે કહ્યું છે કે આકાશમાં વિશ્વ મને ઘેરીને એક બિંદુ બનાવી દે છે. પરંતુ ચિંતનથી હું આ વિશ્વને સમજી જાણી લઉં છું. આ બધી વાતો મનની વિલક્ષણ શક્તિની દ્યોતક છે.

એક વાત નિશ્ચિત છે કે જીવન તથા અસ્તિત્વના અર્થ નિર્ધારિત કરવા અને માનવજીવનના લક્ષ તથા મહત્ત્વને સમજવા માટે ગ્રહો તેમજ તારા મંડળમાંના રહસ્યને જાણવું એ પૂરતું નથી, એને માટે માનવમનનાં ઊંડાણોમાં નિહિત તત્ત્વના સ્વરૂપ તથા તેના સ્વભાવનું સૂક્ષ્મજ્ઞાન પ્રાપ્ત કરવું પડશે અને એની ક્રિયાઓનાં વિધાનોને સમજવા પડશે.

(ક્રમશ:)

Total Views: 70

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.