(ગતાંકથી આગળ)

આપણા આનંદની વાત એ છે કે ઈશ્વરની કૃપાથી રામકૃષ્ણ મિશન તથા દેશનાં અન્ય સામાજિક સેવા સંગઠનોના તત્ત્વાવધાનમાં ભિન્ન ભિન્ન પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓનો પહેલેથી જ વિકાસ થવા લાગ્યો છે. આ સમયે આપણે પ્રયાસ કરવો જોઈએ કે એમાંથી હરેક પોતાની શ્રેણી માટે એક આદર્શરૂપે વિકસે અને ઉપર કહેલા ઉદ્દેશ્યોની પૂર્તિ માટે દૃઢતાપૂર્વક આગળ વધતી રહે, એ આપણું સ્પષ્ટ અને સાચું કર્તવ્ય છે.

આવી સંસ્થાઓમાંની પ્રત્યેક પ્રશિક્ષણના પાઠ્યક્રમોત્તર પૂરક અભ્યાસક્રમ દ્વારા પ્રવર્તમાન વ્યવસ્થાની ઉણપોને પુરી કરવી એ જ પોતાનું પ્રારંભિક અને પ્રાથમિક લક્ષ્ય બનાવી લે. કોઈપણ પરિસ્થિતિમાં જૂની પુરાણી કે ઘસાયેલી શિક્ષણ પદ્ધતિ પર ચાલનારી એક પણ સંસ્થાને ચાલું રાખવામાં આપણી શક્તિને વેડફી ન નાખવી જોઈએ. જો આપણે કોઈ સંસ્થા પર આપણી પોતાની શક્તિનો ઉપયોગ કરીએ તો એને મૂળત: મનુષ્ય નિર્માણ કરવાવાળી સંસ્થા બનાવવામાં જરાય કચાશ ન રાખીએ.

અવકાશ સમયનું પ્રશિક્ષણ અને છાત્રાવાસ

ઉચ્ચતર તથા મધ્યમવર્ગના બાળકો અને યુવાનોની કેળવણીમાં સુધારણાના હેતુ સાથે આદર્શના રૂપે વિદ્યાલયોનું નિર્માણ કરતી વખતે આપણે એ યાદ રાખવું પડશે કે ઘણા સમયથી ચાલુ રહેલ વર્તમાન શિક્ષણ પ્રણાલીના સ્પષ્ટ દોષોને પૂરક ઉપાયો દ્વારા દૂર કરવા કે સુધારવા એ આપણું પહેલું કર્તવ્ય છે. આટલું સ્પષ્ટ છે કે શારીરિક, વ્યાવહારિક, સાંસ્કૃતિક અને થોડુંઘણું વ્યાવસાયિક શિક્ષણ માટે પણ ભિન્ન ભિન્ન સ્કૂલ કે કોલેજની એટલી આવશ્યકતા નથી. બાળક કે બાલિકાઓ માટે આપણી પોતાની સાંસ્કૃતિક પદ્ધતિએ ‘યંગમેન્સ ક્રિશ્ચિયન એશોશિયેશન’ની રીતે ફુરસદના સમયના પ્રશિક્ષણ અને તેની સાથે જ છાત્રાવાસ દ્વારા એક પ્રકારના ઘરેલું પ્રશિક્ષણથી અપાયેલ પુરક શિક્ષણ આ લક્ષ્ય પ્રાપ્તિ કરવામાં સારું એવું ઉપયોગી થશે.

૧ : અવકાશ સમયનું પ્રશિક્ષણ

આ પ્રકારની સંસ્થાની વિશેષતા એ હશે કે એમાં ન્યૂનતમ માત્રામાં મનુષ્ય તથા ધનની જરૂર પડશે. આમ હોવા છતાં પણ વર્તમાન પ્રણાલીની ખામીઓને દૂર કરવામાં આવી સંસ્થાઓ ઘણું મોટું યોગદાન આપી શકે છે. પોતાના જ ઘરમાં રહીને સ્થાનિક શાળા-કોલેજોમાં બૌદ્ધિક શિક્ષણ મેળવનારા બાળકો અને યુવકો પોતાના ફુરસદના સમયમાં કે રજા ગાળવા પોતાની નજીકના એક સ્થાન અને બની શકે તો શારીરિક અને સાંસ્કૃતિક પ્રશિક્ષણની જરૂરી વ્યવસ્થાવાળા આશ્રમમાં જાય. આવા આશ્રમમાં પોતાના વિદ્યાર્થીઓના શારીરિક કૌશલ્યના વિકાસ માટે એક વ્યાયામશાળાની સ્થાપના, વચ્ચે વચ્ચે રમતગમત અને વ્યાયામની વિવિધ સ્પર્ધાઓનું આયોજન તેમજ નિયમિત રૂપે અંગકસરતની વ્યવસ્થા કરવાની જરૂર છે. અહીં એક પુસ્તકાલય પણ હોવું જોઈએ, નિયમિત રૂપે વ્યાખ્યાનનું આયોજન થવું જોઈએ. આ પહેલાંના પ્રકરણમાં બતાવ્યા પ્રમાણે ઇચ્છાશક્તિ અને ભાવનાઓને કેળવવાની તાલીમ માટે શક્ય બને તેટલું બધું કરવું જોઈએ. વિશેષ કરીને જેમની ઉંમર દસ વર્ષથી વધુ હોય તેવી બહેનો માટે નજીકના કોઈ એક સ્થળે એક મહિલા આશ્રમ દ્વારા આવી સુવિધાઓ અપાવી જોઈએ.

આવી સંસ્થાઓ બોયઝ સ્કાઉટ અને ગર્લ્સ ગાઈડનું એક એકમ ઊભું કરીને એમના યુવા પ્રતિનિધિઓની મદદથી એના ફળપ્રદ લાભ પણ મેળવી શકાય છે. બાળકો અને તરુણોમાં સાથે મળીને કામ કરવાની ભાવના હોય છે. સ્કાઉટની પ્રણાલી દ્વારા એમને ઉપયોગી ધારાઓમાં વાળીને એમનાં શારીરિક કૌશલ્ય તથા ચારિત્ર્ય વિકાસમાં આ ભાવનાનો પુરો સદુપયોગ કરી શકાય. આવા એકમના સભ્યોને સમાજના સબળ, સશક્ત, ઉત્સાહી, ઉદ્યોગી, તત્પર, કુશળ અને સારા એવા અનુશાસનવાળા સેવક બનાવવામાં આ પ્રણાલી નિશ્ચિત રૂપે ઘણી ઉપયોગી નીવડશે. ગણવેશ, બીલ્લા, પ્રતિકચિહ્‌ન, સીસોટી, સંકેત, રમતગમત તથા પરિભ્રમણના રૂપે અજમાવેલ આકર્ષક શૈક્ષણિક સાધન આ પ્રશિક્ષણને અત્યંત રોચક બનાવી દે છે. આ સમગ્ર વ્યવસ્થાને એક અત્યંત રોચક ક્રિડામાં પરિવર્તિત કરી શકાય અને એ રીતે સ્વેચ્છિક ક્રિયા પર આધારિત આ પ્રશિક્ષણ નિશ્ચિત રૂપે સારું એવું પ્રભાવી સાબિત થશે. કેટલાક લોકો દ્વારા સ્કાઉટિંગના પ્રશિક્ષણ પર રાષ્ટ્રવિરોધી પ્રભાવનો આક્ષેપ કરવામાં આવે છે. રાષ્ટ્રિય રમતગમતની વ્યવસ્થા, ભારતીય સંસ્કૃતિ પર વ્યાખ્યાન, સામાજિક સેવા માટે પ્રશિક્ષણની વ્યવસ્થા અને સાથે ને સાથે આશ્રમમાં પોતાના ઉત્કૃષ્ટ માર્ગદર્શકોનું સાંનિધ્ય આ બાબતમાં ઘણું ઘણું કરી શકે છે. વસ્તુત: ‘સેવાદળ’ કે ‘વ્રતચારી’ જેવી રાષ્ટ્રિય પદ્ધતિએ ચાલનાર એક અખિલ ભારતીય સંગઠન એને માટેનો એક વધુ સારો વિકલ્પ સિદ્ધ થઈ શકે તેમ છે. બધાં રાષ્ટ્રિય સંગઠનોએ વિશેષ કરીને નગર, કસબા કે મોટા ગામની હાઈસ્કૂલોમાં તેઓ આવા કાર્ય માટે પોતાની માનવશક્તિ તથા ધન જેટલા પ્રમાણમાં આપી શકે એટલા પ્રમાણમાં આવાં શૈક્ષણિક કાર્ય હાથ ધરી શકાય. એમાં એક સ્કૂલ ચલાવવાથી ખર્ચ ઓછો આવશે અને નિશ્ચિત રૂપે એક સામાન્ય સ્કૂલ કરતાં તે વધારે ઉપયોગી સાબિત થશે.

આ બાબતમાં એ યાદ રાખવું પડશે કે પ્રત્યેક સંસ્થાની ક્ષમતા પ્રમાણે ફુરસદના સમયમાં પ્રશિક્ષણ કાર્યક્રમ એક બે વિષય સુધી મર્યાદિત રાખવું જોઈએ. જો કોઈ કેવળ એક વ્યાયામશાળા જ આપીને શારીરિક વિકાસને પ્રોત્સાહિત કરે તો તે સ્થાનિક લોકોની કંઈ ઓછી સેવા નથી કરતા. વળી કોઈ બીજા કેવળ શાસ્ત્રના અધ્યયન માટે જ સુવિધા ઊભી કરી આપે કે ફૂરસદના સમયે હસ્તશિલ્પની વ્યાવહારિક તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરે કે કરાવે તો તેઓ પણ નિશ્ચિત રૂપે પોતાના સભ્યોના એક સાંસ્કૃતિક કે આર્થિક ઉત્થાનમાં ઉપયોગી નીવડશે અને આ રીતે આવું કાર્ય એક ઉચ્ચકક્ષાનું શૈક્ષણિક મહત્ત્વ ધરાવે છે. વસ્તુત: આમાંથી પ્રત્યેક સંસ્થાએ વિવિધ લક્ષી અવકાશકાલીન પુરક પરિશિક્ષણના વધારે ને વધારે વિષયોનું શિક્ષણ અને તેની તાલીમ અપાવવાનો પ્રયાસ કરવો જોઈએ. જ્યાં અવકાશકાલીન પ્રશિક્ષણ કાર્યક્રમ માટે કોઈ સ્થાયી વ્યવસ્થા શક્ય ન હોય ત્યાં એક સંગઠન આસપાસનાં બાળકો અને યુવકો માટે કેટલીક સ્પર્ધાઓનું આયોજન તેમજ પુરસ્કાર વિતરણ કરીને તેમના શારીરિક, સાંસ્કૃતિક અને બને તેટલું આર્થિક પ્રશિક્ષણમાં માત્ર એક પ્રોત્સાહનનું કાર્ય કરીને પણ આ દિશામાં થોડું સારું કાર્ય કરી શકે છે.

એક સંસ્થાને ચલાવવાનો ખર્ચ જેટલો ઓછો થાય એટલા પ્રમાણમાં એના વિભિન્ન સામાજિક સંગઠનોની પ્રવૃત્તિઓ સમગ્ર દેશમાં ફેલાઈ જવાની સંભાવના છે. આને લીધે વર્તમાન શિક્ષણપ્રણાલી પર એક સ્વસ્થ અને ઉન્નતિકારક પ્રભાવને વિસ્તારવાની અને તેને વધુ ને વધુ વ્યાપક બનાવવાની સંભાવના ઉદ્‌ભવે છે. આ દૃષ્ટિકોણથી વિચાર થાય તો આવી રીતે સરળતાથી ચલાવી શકાય તેવી અવકાશકાલીન પ્રશિક્ષણ સંસ્થાઓની ઘણી મોટી ઉપયોગીતા સિદ્ધ થાય તેમ છે અને એના પર બને તેટલું વધારે ધ્યાન દેવું જરૂરી છે.

૨ : (ક) યુવકો માટે છાત્રાવાસ

કોલેજનાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ માટે અલગ અલગ ચલાવાતાં છાત્રાવાસો માટે આગળ વર્ણવેલ છાત્રાલય કરતાં થોડી વધારે શક્તિ અને સંસાધનોની આવશ્યકતા રહે છે. આમ હોવા છતાં પણ આવા છાત્રાવાસ વધુ ઉત્કૃષ્ટ પ્રકારનું પૂરક પ્રશિક્ષણ આપી શકે. શક્ય હોય ત્યાં સુધી સાધુઓ અને સાધ્વીઓની નિશ્રા અને માર્ગદર્શન હેઠળ બ્રહ્મચર્ય આશ્રમની પદ્ધતિએ પરિચાલિત આવી સંસ્થાઓમાં એક સ્વાભાવિક વાતાવરણ હોવું જોઈએ અને એ જ નિશ્ચિત રૂપે વિદ્યાર્થીઓના સ્વસ્થ વિકાસ માટેની પહેલી આવશ્યકતા છે. બૌદ્ધિક શિક્ષણનું કાર્ય વર્તમાન કોલેજો પર છોડીને એમાં સુસંબદ્ધ ગૃહપ્રશિક્ષણ દ્વારા પ્રચલિત પ્રણાલીમાં રહેલ બધા જ દોષોને દૂર કરીને એમાં સારો સુધારો લાવી શકાય. આ પ્રકારની સંસ્થા પ્રમાણમાં ઓછી ખર્ચાળ હશે. આવી સંસ્થાઓને સારી રીતે ચલાવવામાં આવે તો શાળા-કોલેજમાં મળતા શિક્ષણના દોષો દૂર કરવામાં ઉપયોગી થશે, આપણા વિદ્યાર્થી સમુદાયમાંથી વધુ સારા નાગરિક પણ આવી સંસ્થાઓ આપી શકશે.

આપણે જોવું જોઈએ કે ‘યંગ મેન્સ ક્રિશ્ચિયન એશોશિએશન’ તથા બીજી ખ્રિસ્તી મિશનરી સંસ્થાઓએ આ દેશના યુવા વર્ગમાં પોતાની સંસ્કૃતિના પ્રસાર માટે આવી સંસ્થાને એક પ્રભાવી માધ્યમ માન્યું છે. યુવક સમૂહ પોતાના કોલેજ જીવનમાં પોતાના ભાવિ જીવનને રૂપાયિત કરતા મોટા ભાગના નૈતિક વિચારો તથા પ્રભાવો મેળવે છે. આપણે જોયું તે પ્રમાણે યુવાનોના શારીરિક વિકાસમાં, હૃદયની વિશાળતા કે ઉદારતા કેળવવામાં, ઇચ્છાશક્તિ કેળવવામાં તેમજ જીવનના કઠિન સંઘર્ષની બાબતમાં સુસજ્જિત કરવા માટે અને પોતાના પરિવેશની સુધારણામાં એમને મળતું શિક્ષણ સહાયક નીવડે તેમ નથી. આ ઉપરાંત આ સમયગાળામાં કોલેજ તથા છાત્રાવાસના વાતાવરણ અને શહેરી જીવનની પરિસ્થિતિઓ એમને સ્વાર્થ અને વિષયલાલસા પર આધારિત આધુનિક ભૌતિક સભ્યતાનો અત્યંત ઘાતક પ્રભાવ એમના પર પડવાનો જ. પોતાના કોલેજ શિક્ષણમાં વિતાવેલાં છ-સાત વર્ષો દરમિયાન જો તેઓ ‘જીવનદાયી તથા ચારિત્ર્યનિર્માણકારી’ પ્રભાવમાં આવે અને એ પ્રમાણે પોતાના જીવનને ગોઠવી લે તો આ દેશના પુન: ઘડતરની સમસ્યાનો ઉકેલ નિશ્ચિત રૂપે સરળ બની જશે. દેશનું સમગ્ર ભાવિ નિશ્ચિત રૂપે યુવકો પર આધારિત છે. એટલે યુવકોને પોતાની માતૃભૂમિ પ્રત્યેના પોતાનાં કર્તવ્યો પૂરતા પ્રમાણમાં અને સારી રીતે પૂર્ણ કરવા સુસજ્જ બનાવવા એ જ આ સમયની આપણા દેશની સૌથી મોટી કરેલી સેવા ગણાશે. એને માટે ઘણી સાવધાની સાથે એમની દેખભાળ કરવી પડશે; એ દરમિયાન એમને મળેલ અભાવાત્મક શિક્ષણ દ્વારા જે સાંસ્કૃતિક વિષનું એમણે સેવન કરવું પડશે એ વિષનું એમણે નિશ્ચિત રૂપે એક સ્વસ્થ વાતાવરણના પ્રભાવ તેમજ સમતુલાવાળી પૂરક શૈક્ષણિક તાલીમ દ્વારા તેનું નિરાકરણ કરવું પડશે. આ હેતુપૂર્તિ માટે વિદ્યાર્થીભવન કે છાત્રાલય જેવી સંસ્થાઓ એક ઉત્તમ સાધન બની શકે.

૨ (ખ) : મહાશાળાના યુવછાત્રાલય અને બહારના યુવાનો માટે અવકાશકાલીન પ્રશિક્ષણ વ્યવસ્થા

આવા છાત્રાલય તથા બીજા યુવાનો માટે અવકાશકાલીન પ્રશિક્ષણનો સંયોગ વિશેષ કરીને જિલ્લા અને ઉપનગરોમાં એક અત્યંત ઉપયોગી શૈક્ષણિક માધ્યમ પુરવાર થઈ શકે. એક કોલજ કે એક સ્કૂલ ચલાવવા કરતાં આવી એક સર્વાંગીણ સંસ્થા ચલાવવામાં ઓછા માણસો, ધન અને શક્તિની આવશ્યકતા રહે છે. જ્યાં કોલેજ જનારા યુવકોની સંખ્યા વધારે છે ત્યાં આવી સંસ્થાની સફળતા તથા તેની ઉન્નતિની સંભાવના છે. વર્તમાન શિક્ષણ પ્રણાલી પર ઉન્નયનકારી પ્રભાવ પાડવા માટે આવી સંસ્થાઓમાં અનેક સંભાવનાઓ ભરપૂર ભરી પડી છે.

૨ (ગ) : શાળાના વિદ્યાર્થીઓનું છાત્રાલય

માત્ર અવકાશકાલીન પ્રશિક્ષણ કેન્દ્રની તુલનામાં ઉપર્યુક્ત પદ્ધતિએ ચાલતાં નાનાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓનાં છાત્રાલયો નિ:સંદેહ વધારે પ્રભાવી બનશે; એ બધાં યુવકોના છાત્રાલય જેટલાં ઉપયોગી અને પ્રભાવી ન બની શકે. મોટામાં નાના બાળકો કરતાં શારીરિક તેમજ માનસિક પ્રતિરોધ કરવાની ક્ષમતા ઘણી વધારે વિકસી હોય છે. એટલે બાહ્ય કોલેજના કૃત્રિમ વાતાવરણમાં રાખીને એમને સંઘર્ષ કરવાની અનુમતિ આપી શકાય. એમને તો માત્ર પ્રેરણા અને સુયોગ્ય માર્ગદર્શનની જરૂર છે. આ પ્રેરણા અને માર્ગદર્શન આગળ વર્ણવેલ ૨ (ક)ની પદ્ધતિએ ચાલતાં છાત્રાલયમાં મેળવી શકાય છે. આના પ્રમાણમાં બાળપણ તથા કૌમાર્ય અવસ્થામાં યુવાવસ્થા કરતાં વધારે દેખરેખ રાખવાની જરૂર રહે છે. જાણે કે કોમળ અને ઊગતાં છોડની જેમ એને વાડ કરીને રક્ષવા પડે છે, શારીરિક તથા માનસિક એ બંને પ્રકારના અવાંછિત વાતાવરણથી એમને બચાવવા પડે છે. આ ઉપરાંત આ એવી ઉંમર છે કે જ્યારે શરીરનો વિકાસ ઘણો ઝડપી બને છે; તેમને સમુચિત ભોજન, શુદ્ધ હવા તથા શારીરિક વ્યાયામના રૂપે વિશેષ સુવિધાઓની આવશ્યકતા પણ રહે છે. ઉદાહરણ તરીકે દુ:ષિત હવાવાળા, ભેળસેળિયાં ભોજન તથા ઓછા વિસ્તારવાળી વ્યાયામશાળા અને ભીડભર્યા કોલકાતા જેવા શહેરની શાળાઓમાં જનાર વિરાટ સંખ્યાના વિકાસ માટે કોઈ ઉપયોગી સ્થાન કે તક નથી. જો શાળાના બાલક-બાલિકાઓના કેવળ શારીરિક વિકાસની દૃષ્ટિએ જોઈએ તો એમને માટે અહીં આવેલ છાત્રાલય સ્પષ્ટત: વધારે ઉપયોગી નહિ બની શકે અને વળી, લાંબો લચ અને ભારેખમ પાઠ્યક્રમ, વિદ્યાર્થીઓની મનોવૈજ્ઞાનિક આવશ્યકતાઓ સાથે ઓછો સંબંધ ધરાવતી અધ્યયન પદ્ધતિઓ, આપણા મોટા ભાગની સામાન્ય શાળાના વિદ્યાર્થીઓએ સહન કરવી પડતી પીડાદાયી અનુશાસન પદ્ધતિ અને એની સાથે ઉન્મત્ત અને માઠી અસર પાડનારા સહપાઠીઓના સંક્રામક પ્રભાવને છાત્રાલયોના પૂરક પ્રશિક્ષણ દ્વારા બાળકોના મનમાંથી કાઢી શકાય તેમ નથી. પ્રવર્તમાન શાળાકીય શિક્ષણ વ્યવસ્થાનું ભારે માનસિક દબાણ વિદ્યાર્થીઓના બૌદ્ધિક તેમજ નૈતિક વિકાસને અવરોધે છે. અને જો આવા વિદ્યાર્થીઓને છાત્રાલય દ્વારા પ્રેરણા તેમજ માર્ગદર્શન અપાય તો પણ આ નાનાં બાળકોમાં એને ઝીલવા કે જીરવવાની શક્તિ રહેતી નથી. 

આ ઉપરાંત તરુણાવસ્થામાં બાલક બાલિકાઓ આવા છાત્રાલયવાસથી થોડોઘણો ફાયદો મેળવી શકે છે ખરા, એનું કારણ એ છે કે એ વખતે એમની પ્રતિરોધ ક્ષમતા નાનાં બાળકો કરતાં થોડી વધારે વિકસિત બને છે. એટલે આપણે ૧૧ વર્ષથી મોટા બાલક-બાલિકાઓ માટે છાત્રાલય ચલાવવાં જોઈએ. એને લીધે અવકાશકાલીન પ્રશિક્ષણ કરતાં થોડો વધુ પ્રભાવ પાડી શકીશું; પરંતુ આવી સંસ્થાઓ પાસે આપણે ઘણી મોટી આશા રાખી ન શકીએ. ઉપર્યુક્ત સંદર્ભમાં એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે આ પ્રકરણમાં વર્ણવેલ ભિન્ન ભિન્ન પ્રકારની સંસ્થાઓ પ્રવર્તમાન શિક્ષણ પ્રણાલીના દોષોમાં આવશ્યક સુધારો કરે એ રૂપે એનું મહત્ત્વ છે. આવી સંસ્થાઓ મુખ્યત: ઠીક ઠીક પ્રમાણમાં મનોચિકિત્સાની ઇસ્પિતાલ જેવી ઉપયોગી બનશે. અહીં આધુનિક શિક્ષણ વ્યવસ્થાનો શિકાર બનેલા યુવાનો પોતાની રાષ્ટ્રિય પદ્ધતિઓ સામાન્ય તથા સ્વાભાવિક વિકાસને સુનિશ્ચિત બનાવવા માટે જરૂરી માનસિક ચિકિત્સા તથા સારસંભાળ પામશે. આવી સંસ્થાઓનો કેન્દ્રિય ભાવ હોવો જોઈએ અને ઉચિત વ્યવસ્થા સાથે જો આવી સંસ્થાઓને ચલાવવામાં આવે તો ઓછામાં ઓછું જ્યાં સુધી પ્રવર્તમાન શિક્ષણપ્રણાલી ચાલુ રહે ત્યાં સુધી આવી સંસ્થાઓ મનુષ્યનિર્માણ તથા રાષ્ટ્રઘડતરના કાર્યમાં ઘણી ઘણી ઉપયોગી બનશે.

નિશ્ચિત રૂપે આપણે એ આશા રાખી શકીએ કે મનુષ્યત્વના સામાન્ય અને સ્વાભાવિક વિકાસ માટે જે કંઈ કરવું આવશ્યક છે તેને સમુચિત રીતે નિયોજિત એક રાષ્ટ્રિય વિશ્વવિદ્યાલયને અધીન રહીને કોઈ સ્કૂલ તથા કોલેજ આવું બધું આપવાનું કાર્ય કરશે તો છાત્રાલય અને અવકાશકાલીન પ્રશિક્ષણ દ્વારા કરવાના કાર્યો બહુ બાકી નહિ રહે. પરંતુ જ્યાં સુધી આ બધું પરિવર્તન ન પામે ત્યાં સુધી બાલક બાલિકાઓ માટે અલગ અલગ સંચાલન કરતાં આવાં અવકાશકાલીન પ્રશિક્ષણ કેન્દ્ર તથા એને ઉપયોગી નીવડે એવાં છાત્રાલયો દ્વારા ઘણી મોટી માત્રામાં સ્વસ્થ એવાં શૈક્ષણિક કાર્ય વિદ્યાર્થીજગતને લાભકારી નીવડે એ રીતે ચલાવી શકાય ખરા.

Total Views: 52

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.