(ગતાંકથી આગળ)

રહસ્યની ચાવી

મનુષ્યની દરેક મનોકામના પૂર્ણ કરનારી ચમત્કારી ગુપ્ત શક્તિને ક્યાં છુપાવીને રાખવી એ વિશે દેવોમાં ચર્ચા થતી હતી. એક દેવતાએ કહ્યું: એને સમુદ્રનાં ઊંડાણમાં રાખવી જોઈએ. બીજાએ કહ્યું: એ શક્તિને પર્વત શિખર પર છુપાવવી જોઈએ. ત્રીજાએ કહ્યું: વનની ગુફા એને માટે સારું સ્થાન રહેશે. એમાંથી એક મુખ્ય અને બુદ્ધિમાન દેવે આવી સલાહ આપી: ‘શા માટે આપણે એને માનવમનનાં ઊંડાણોમાં ન છુપાવવી? એનું કારણ એ છે કે માનવનું મન અહીંતહીં ભટકતું રહે છે. એને ક્યારેય કલ્પના નહિ આવે કે આવી વિલક્ષણ શક્તિ એની પોતાની ભીતર છુપાયેલી છે અને તેને બાહ્ય જગતમાં તે શોધતો રહેશે. એટલે બહુમૂલ્ય શક્તિને આપણે માનવના મનની નીચલી સપાટી પર છુપાવી દેવી જોઈએ.’ બધા દેવો આ પ્રસ્તાવ સાથે સહમત થયા. એટલે જ એમ કહેવાય છે કે માનવમનમાં અદ્‌ભુત શક્તિઓ રહેલી છે. આ કથાનો મર્મ એ છે કે માનવમન અસીમ ઊર્જાનો કોષ છે. મનુષ્ય જે કંઈ પણ ચાહે તે મેળવી શકે છે. એના માટે કંઈ પણ અસાધ્ય નથી. અરેરે! માનવને પોતાને જ વિશ્વાસ નથી આવતો કે એની ભીતર આટલી મોટી શક્તિ રહેલી છે. એણે પોતાના વિશે એક એવી હીનભાવના ઊભી કરી લીધી છે કે તે હીનભાવનાથી ક્યારેય મુક્ત ન થઈ શકે. જાણે કે તે પોતાની હથેળીઓથી આંખોને ઢાંકીને અંધકાર હોવાની ફરિયાદ કરતો રહે છે.

એની આ દશાનું કારણ શું છે? અજ્ઞાન. આઈન્સ્ટાઈનની શોધ થતાં પહેલાં પદાર્થના દરેક કણમાં વિરાટ શક્તિ રહેલી છે એ સત્ય એમાં છુપાયેલું જ કેમ રહ્યું? અજ્ઞાનને કારણે જ. હજારો વર્ષ સુધી લોકોની ધારણા એવી હતી કે આ પૃથ્વી સપાટ છે. એમ કેમ? અજ્ઞાનને લીધે જ લોકો જે કંઈ પ્રત્યક્ષ જોતા તેને જ સત્ય માની લેતા. પ્રાચીન ભારતના ઋષિઓ તથા વિશ્વના કેટલાક દાર્શનિકોએ પોતાની આધ્યાત્મિક અનુભૂતિઓ દ્વારા માનવના વાસ્તવિક સ્વરૂપનું સૂત્ર શોધી કાઢ્યું હતું. આ આખું પ્રકરણ પૂરું થતા સુધીમાં તમે બધા સમજી જશો કે આધુનિક અનુસંધાનોએ પ્રાચીન ઋષિઓ દ્વારા શોધાયેલ સૂત્રોને અત્યંત વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત કરી દીધા છે. આ સૂત્ર આપણા વ્યક્તિત્વના રહસ્યમય પાસાંને ઉજાગર કરે છે તેમજ જીવનના તાત્પર્ય અને ઉદ્દેશ્યને સમજવામાં સહાય રૂપ બને છે.

બાહ્ય જગત

પાછલાં ૩૦૦ વર્ષો દરમિયાન થયેલ આશ્ચર્યજનક વૈજ્ઞાનિક ઉન્નતિ પ્રકૃતિ અને બાહ્ય જગત સાથે સંબંધિત છે. માનવમનની સંરચના તથા એની સંભાવનાઓનું અધ્યયન ત્યાર પછી ઘણાં વર્ષો બાદ એટલે કે ૧૦૦ વર્ષ પહેલાં જ શરૂ થયું છે. આ વાત સત્ય છે કે સૂક્ષ્મદર્શક અને દૂરદર્શક યંત્રો દ્વારા વૈજ્ઞાનિકોએ બાહ્ય જગતનાં અનેક વિવરણ જાણી લીધા છે. પરંતુ અનેક વૈજ્ઞાનિક ભલે પછી એ મોડું મોડું હોય પણ તેઓ એવો અનુભવ કરે છે કે મનની નિરંતર બહિર્મુખી ગતિને કારણે તેના ભીતરી સ્વરૂપનાં અનેક પાસાંનું જ્ઞાન મેળવી શકાતું નથી અને એ જ્ઞાનને કેવળ ધ્યાનના અભ્યાસ દ્વારા જ જાણી શકાય.

વૈજ્ઞાનિકોએ અનેક પ્રાકૃતિક નિયમોની શોધ દ્વારા પ્રકૃતિનાં રહસ્યોને ખુલ્લાં કરીને આપણને સુખસુવિધાનાં અનેક સાધનો આપ્યાં છે. આપણે માનવું જ પડશે કે અન્વેષણાત્મક શક્તિ તથા બૌદ્ધિક ક્ષમતા ગતકાળના કોઈ પણ સમયગાળા કરતાં અપેક્ષાથી વધારે ગહનતા અને ઊંચાઈ સુધી પહોંચી છે. પરંતુ સચ્ચાઈ, ન્યાય, ભાઈચારો, પરસ્પરનો સદ્‌ભાવ, સહયોગ, શાંતિ તેમજ સહનશીલતાથી પરિપૂર્ણ એવા સુંદર જગતની રચના કરવી એ શું એના હાથમાં નથી? તે આવા જગતનું નિર્માણ કેમ ન કરી શકે? માનવનાં વર્તમાન દુ:ખકષ્ટને એક કવિએ આ શબ્દોમાં વ્યક્ત કર્યાં છે:

માનવ માનવથી ડરે છે,
સર્વત્ર ફેલાયું છે આશંકાનું સામ્રાજ્ય,
શાંતિના પડદા પાછળ ચાલે છે ક્રાંતિનું કાવતરુ!
દેશભક્તિના સ્વાંગમાં છુપાયેલી છે,
આપણે ક્યારેય ન સાંભળેલી નીચતા અને દાનવલીલા!
જીવનને કચડતાં ભારે ભારેખમ રાષ્ટ્ર અને પશ્ચિમની ક્ષિતિજે
ઊંચે ઊંચે ઊઠતી રક્તમયી જ્વાલાઓનું તો કહેવું શું!
ઉઘાડે છોગ ચાલે છે ગોળીઓનો વરસાદ,
સર્વત્ર છાયો છે યુદ્ધોન્માદનો ઉદ્વેગ!

વૈજ્ઞાનિકોએ પંચમહાભૂતોને વશમાં કરી લીધાં છે. તેઓ જળ-સ્થળ અને નભમાં અત્યંત તીવ્ર ગતિએ જઈ શકે છે. માનવજાતિમાં આતંક ફેલાવતા મહારોગોને ભગાડી શકે છે. પરંતુ આ વૈજ્ઞાનિકો ક્ષયમૃત્યુને અધીન, વર્તમાન યુગમાં અન્ય જીવ અને ફળફૂલ પણ રહે એવો લોકોની વચ્ચે ભ્રાતૃભાવ તેમજ એવો મૈત્રીભાવ શું ભરી શકે છે ખરા? શું તેઓ બધા પ્રેમના અમૃતથી ઘૃણાની આદિકાળની આગને ન બુઝાવી શકે? આ પ્રશ્નનો ઉત્તર આવો છે : પ્રગતિ બંને ક્ષેત્રે થવી જોઈએ અને એ પ્રકૃતિનાં બંને પાસાં સાથે જોડાયેલ છે. એક છે ભૌતિક પ્રકૃતિ કે બાહ્ય જગત; બીજું છે માનવનું આંતરિક સ્વરૂપ. એકને આપણા દૃશ્યમાન જગત સાથે સંબંધ છે અને બીજો માનવના અંતરાત્મા સાથે જોડાયેલો છે; એના દ્વારા તે બાહ્ય જગતને જુએ છે અને ઓળખે પણ છે.

જો મનુષ્ય પોતાની ચારે તરફના જગત કે પર્યાવરણથી મુક્ત થવા માટે પોતાની શક્તિ વધારી શકે, જો તે પોતાની સ્વાધીનતામાં વૃદ્ધિ કરી શકે, જો તે પ્રકૃતિ પર નિયંત્રણ કરી લે, તો વિકાસરૂપ એવા આ પરિવર્તનને આપણે પ્રગતિ કહી શકીએ. વૈજ્ઞાનિકોનાં અનેક સંશોધનો કે શોધોએ બાહ્ય પ્રકૃતિ પર નિયંત્રણ મેળવવામાં આપણને સહાયતા કરી છે. આપણે બાહ્ય વિકાસ તથા પ્રગતિના પથે ખૂબ આગળ વધી રહ્યા છીએ એ વાત નિ:સંદેહ છે, પરંતુ મનના ક્ષેત્રમાં પણ એને અનુરૂપ વિકાસ કે ઉન્નતિ થયાં છે ખરાં?

અંતરનાં ઊંડાણમાં

મન, બુદ્ધિ, અહં તથા આત્મા આ ચારેય મળીને વ્યક્તિનું આંતરિક પર્યાવરણ રચે છે. વસ્તુત: આ જ તત્ત્વો માનવના સમસ્ત ક્રિયાકલાપોનું મૂળ છે. મનુષ્યના આંતરિક પર્યાવરણની કેવી અવસ્થા છે? શું એના આંતરિક પરિવેશમાં પ્રદૂષણ ઘટી રહ્યું છે ખરું? બીજા શબ્દોમાં કહીએ તો શું આપણે આ આંતરિક પરિવેશ પર નિયંત્રણ કરી શકીએ છીએ ખરા? આ નિયંત્રણ પ્રાપ્ત કરવા શું કોઈ સિદ્ધાંત છે ખરા? અને જો હોય તો એ કયા સિદ્ધાંતો છે? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર રૂપી છ કુખ્યાત તરંગો માનવમનના કિનારે આઘાત કરીને તેમાં ઉદ્દંડતા, સ્વાર્થ, લોભ, અનાચાર ઊભાં કરે છે. આવી અવસ્થામાં બાહ્ય જગતમાં આપણે ટેકનિકલ રીતે ભલે ને ગમે તેટલા ઉન્નત કેમ ન હોઈએ પણ એમનામાંથી ઉત્પન્ન થયેલ હિંસા અને કષ્ટને ઘટાડવા એ સંભવ છે ખરાં? કોઈ વ્યક્તિ ભલે ને ગમે તેટલો ધનવાન હોય; ભલે એની પાસે સર્વોચ્ચ પ્રકારનાં બધાં સાધન – ઘર, ગાડી, નોકર, ફર્નીચર વગેરે તેમજ અન્ય સુવિધાઓ હોય, પરંતુ જો માનસિક રીતે તે સુખી ન હોય તો શું આ એના જીવનની મોટી વિડંબના ન કહેવાય? વળી, બાહ્ય જગતની આ બધી સુખસુવિધાઓ એને માટે નિરર્થક નથી? પ્રસિદ્ધ બેલ્જિયન લેખક તેમજ નોબલ પુરસ્કાર વિજેતા મોરિસ મેટરલિંકે પોતાના ગ્રંથ ‘The Great beyond’-‘પેલેપારની મહાનતા’ની ભૂમિકામાં એમણે આમ લખ્યું છે: ‘મહાનતમ ઇજનેર, ગણિતજ્ઞ, ચિકિત્સક તથા અંતરિક્ષ વૈજ્ઞાનિક એક શોષક કે ભાવહીન મૂર્ખ પણ હોઈ શકે. ક્યારેક ક્યારેક લોકો એ તરફ ધ્યાન આપતા નથી કે એને ભૂલી જાય છે.’ મેં ક્યાંક વાંચ્યું છે કે અતિજ્ઞાન, અતિનિપુણતા અને અતિશક્તિ જો પવિત્રતા રહિત હોય તો તે માનવને દાનવ બનાવી દે છે. કેવળ જ્ઞાનાર્જન કે નિપુણતાની પ્રાપ્તિ કરીને શું કોઈ માણસ સારો બની જાય ખરો? ઇતિહાસકારો બતાવે છે કે માનવના મનના પ્રદુષણના વિનાશકારી પ્રભાવથી માનવસમાજનું પતન થતું રહે છે. પ્રસિદ્ધ ઇતિહાસકાર આર્નોલ્ડ ટોયમ્બીના મત પ્રમાણે આ ધરતીની પાછલી પ્રાચીન ૨૧ સંસ્કૃતિઓમાંથી ૧૯નો વિનાશ બાહ્ય આક્રમણોથી નહિ પરંતુ માનવનાં નૈતિક મૂલ્યોના પતનથી થયો છે.

(ક્રમશ:)

Total Views: 69

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.