(ઓક્ટોબર ’૦૫ થી આગળ)

છાયા અને પ્રકાશ

કહેવાય છે કે બે વર્ષની ઉંમરમાં જ બાળકને ‘હું’, ‘તમે’, અને ‘તે’ નું જ્ઞાન થઈ જાય છે. આ ‘હું’ બોધને લીધે કેવી રીતે વ્યક્તિત્વ બને છે એ વિશે આપણે થોડો વિચાર કરીશું. સાધારણ રીતે આપણે વ્યક્તિત્વ કે ચારિત્ર્યઘડતરનાં તત્વોને સમજતા નથી, પરંતુ એને મહાત્મા તથા યોગીઓ સ્પષ્ટરૂપે જાણે છે. શ્રીરામકૃષ્ણ કહેતા કે જેમ કોઈ કાચના કબાટમાં રાખેલી વસ્તુઓને જુએ છે તેવી જ રીતે તેઓ કોઈપણ વ્યક્તિની ભીતરનું સર્વ કંઈ જોઈ શકતા હતા. તેઓ ઇચ્છામાત્રથી કોઈપણ વ્યક્તિના માત્ર વર્તમાનને જ નહીં પરંતુ તેના પાછલા જન્મોનાં વિચાર, કર્મ તથા ઇચ્છાઓને પણ જાણી લેતા; પણ કોઈને દુ:ખકષ્ટ ન થાય એટલે તેઓ કોઈને કંઈ કહેતા નહીં. કોઈપણ મનુષ્યના વ્યક્તિત્વને સમજવા માટે આપણે એ વ્યક્તિની આંખોની ગતિ તથા પાંપણના પલકારા; હોઠ તથા મુખના હાવભાવ; માથાનું હલનચલન, અંગોની ગતિ; હલનચલન, ઊઠવુંબેસવું, રંગ વગેરે શારીરિક લક્ષણોની સહાય લઈએ છીએ. આ બધી વસ્તુઓ આપણા વ્યક્તિત્વના આકલનમાં મદદ કરે છે. પરંતુ સાચું વ્યક્તિત્વ શું? આપણા ભૌતિક દૃષ્ટિકોણથી પર તથા આપણી પકડની બહાર નથી? બાહ્ય લક્ષણોની જેમ જ જો આપણે વ્યક્તિત્વનાં સૂક્ષ્મ ઘટકોને પણ જાણી લઈએ તો એક અન્ય બીજા જ જગતમાં હોઈએ ખરા. આપણે તો કેવળ ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય અર્થાત્‌ રૂપોના વિશ્વમાં રહીએ છીએ.

આપણાં વિચાર, ભાવ, આવેગ, સ્મૃતિઓ, કામનાઓ, અભિરુચિઓ, કલ્પનાઓ, દીવાસ્વપ્નો વગેરે અમૂર્ત ચીજો છે એ બધાંને નેત્રો દ્વારા જોઈ શકાતી નથી. એટલે આપણાં રહસ્ય, યોજનાઓ, ઇચ્છાઓ, તર્ક, વિશ્વાસ તેમજ શંકાઓ, ભૂખતરસ, ભાવ અને વાસનાઓ, રુચિઓ અને અરુચિઓ સામાન્ય દૃષ્ટિએ અગોચર રહે છે. વ્યક્તિત્વના આ અદૃશ્ય ઘટકો આપણાં ‘અહમ્‌’-ભાવને આવૃત્ત કરીને રહે છે. ડો. એલેક્સિસ કેરલે બરાબર કહ્યું છે : ‘મનુષ્યમાં માપી શકાય તેવી વસ્તુઓ કરતાં ન માપી શકાય તેવી વસ્તુઓ ઘણી અધિક મહત્ત્વપૂર્ણ છે.’

પોતાના વિશેની ધારણા

મેક્સવેલ માલ્ટ્‌સ એક સુપ્રસિદ્ધ પ્લાસ્ટિક-શલ્યચિકિત્સક હતા. આ મહાન ચિકિત્સકે અનેક જંગલી માનવીઓને કામદેવ જેવું સુંદર રૂપ આપ્યું હતું. એમણે અનેક કરચલીઓવાળા ચહેરાને, વિકૃત નાકને, ગરદનને, ફાંદને અને દુબળા બાહુઓને પોતાની શસ્ત્રક્રિયાથી અદ્‌ભુત રૂપ આપ્યું હતું. ડોક્ટર માલ્ટ્‌સે બતાવ્યું હતું કે શારીરિક વિકૃતિઓ દૂર થઈ જતા એમના રોગીઓનો આત્મવિશ્વાસ અને ઉત્સાહ ભરપૂર વધી જતો. બે વિભાગમાં કપાયેલા હોઠવાળા એક છોકરામાં હીનતાનો ભાવ આવી ગયો હતો. બધા એની મશ્કરી કરતા અને એને લીધે એ શરમાતો રહેતો, અને બધાથી દૂર રહીને એકલો અટૂલો રહેતો. શસ્ત્રક્રિયાના થોડા દિવસ બાદ એણે આરસામાં પોતાનું મોઢું જોયું અને એ જોતાંવેંત જ એને પોતાના રૂપ અને વ્યક્તિત્વ પર આત્મવિશ્વાસ આવી ગયો. તે બધાંની સાથે હળવામળવા લાગ્યો; અભ્યાસ, રમતગમત અને બીજાં કાર્યોમાં રુચિ લેતો એક નવી જ વ્યક્તિ બની ગઈ. આવી શલ્યચિકિત્સા પછી કેટલાંય લોકોમાં આવું રૂપાંતર થતું જોવા મળ્યું. પરંતુ કેટલાંક લોકો એવા પણ હતા કે જેના પર સફળતાપૂર્વક પ્લાસ્ટિક શલ્યક્રિયા કર્યા પછી અને એમના ચહેરામાં ઘણો સુધારો થવા છતાં પણ પોતાના વ્યક્તિત્વ તથા ચારિત્ર્યમાં આશાને અનુરૂપ પરિવર્તન જોવા ન મળ્યું. એમના પર શંકા છવાઈ ગઈ અને એમના મનમાં પરાજયનો ભાવ એમને એમ રહ્યો. એ બધાં દુ:ખ અને નિરાશામાં ઘેરાઈ ગયાં હતાં. આ બધાંને માટે કેવળ રૂપનું જ પરિવર્તન પૂરતું ન હતું, પરંતુ એમના પોતાના ‘અહં’ તથા પોતાની મનોવૃત્તિમાં પરિવર્તનની જરૂર રહે છે.

ડોક્ટર માલ્ટ્‌સે જોયું કે પોતાના વ્યક્તિત્વ વિશે એવા લોકોની દૃઢમૂળ બની ગયેલી ધારણાઓને બદલવી આવશ્યક છે; તો જ એમનામાં આત્મવિશ્વાસ જાગે. આવું પરિવર્તન આવ્યા પછી તેઓ સાવ બદલી ગયા. એનાથી ડોક્ટર માલ્ટ્‌સને ‘આત્મધારણા’નો એક નવો સિદ્ધાંત મળ્યો. આત્મધારણાને બદલવાથી વ્યક્તિત્વ સમગ્રપણે બદલી જાય છે. પ્રયોગો અને નિરીક્ષણો દ્વારા તેમણે કેટલાક નિષ્કર્ષો તારવ્યા અને એને આધારે એક પુસ્તક પણ લખ્યું. એનાથી ઘણાને ફાયદો થયો છે. જેને અયોગ્ય-ઠોઠ વિદ્યાર્થી ગણતા હતા તે પ્રથમ કક્ષા સાથે સફળ થયા; માત્ર ભાગ્યને આધારે બેસી રહેનારા લોકો ઉત્સાહી અને પરિશ્રમી બન્યા; કાર્યકુશળતા અને સફળતાપ્રાપ્તિમાં પાછળ રહી ગયેલા લોકોને ઉચ્ચપદ મળ્યાં અને એકાંકી રહેનારા લોકોનો આત્મવિશ્વાસ, સાહસ વધતાં બીજા બધા સાથે હળીમળીને રહેવા લાગ્યા.

આ એક એવી શોધ હતી કે જે બધાના જીવન માટે અને એમાંય વિશેષત: પાછળ રહી જતા લોકો માટે ઘણી ઉપયોગી બની. જાણ્યે-અણજાણ્યે આપણે બધા પોતાના સ્વરૂપની એક કલ્પના કરીએ છીએ; એને ‘આત્મધારણા’ પણ કહે છે. મોટે ભાગે એ આપણા જાગ્રતજ્ઞાનથી દૂર રહે છે. કોઈ જૂથની સભ્યતા કે પોતાની વિશેષતાઓથી આપણે પોતાની જાતની ઓળખાણ રચીએ છીએ. આ બધું આપણે સમજી જાણીને નથી કરતા, પરંતુ એનો આભાસ મનનાં ઊંડાણોમાં રહેવાનો જન્મથી જ આપણા જ્ઞાન તથા વિશ્વાસ શ્રદ્ધાને સ્વીકારતાં સ્વીકારતાં આપણામાં આવી ચેતનાનો વિકાસ થતો રહે છે. જગતને સમજતાં પહેલાં જ આપણામાં કેટલીક ધારણાઓ બંધાઈ જાય છે. આપણાં અનુભવ, પ્રાપ્તિઓ, અસફળતાઓ અને આપણાં પ્રત્યે બીજા લોકોની થતી પ્રતિક્રિયાઓ બાળપણથી જ આપણામાં બધાં વિશ્વાસ-શ્રદ્ધાનું નિર્માણ કરવા માંડે છે. આ બધાં વિશ્વાસ અને શ્રદ્ધા આપણી આત્મધારણાનું નિર્માણ કરે છે. આ આત્મધારણા આપણી ચેતનાનો એક ભાગ ન પણ હોઈ શકે. મનોવૈજ્ઞાનિકોના મત પ્રમાણે આપણે બધા આ આત્મધારણા પ્રમાણે અને તેને અનુકૂળ રહીને આચરણ કરીએ છીએ. પોતાની ‘Psychocybernetics’ – ‘મન: સંચાર પ્રણાલી’ નામના પુસ્તકમાં ડો. માલ્ટ્‌સ કહે છે : ‘તમારાં બધાં કર્મ, ભાવ, આચરણ અને તમારી પોતાની ક્ષમતાઓ સુધ્ધાં આ આત્મધારણા પ્રમાણે જ થતાં રહે છે. અર્થાત્‌ તમે તમારા પોતાને વિશે જેવું વિચારો છો એને અનુરૂપ આચરણ કરો છો. સાથે ને સાથે સજાગ પ્રયાસ કે ઇચ્છાશક્તિ દ્વારા પણ તમે આ આત્મધારણાથી વિપરીત કંઈ કરી શકતા નથી.’

આ સિદ્ધાંત કેટલો સાચો છે? વ્યક્તિત્વ નિર્માણમાં આત્મધારણાની કંઈ ભૂમિકા છે? આ બાબતને સમજવા માટે હવે આપણે થોડાં ઉદાહરણો લઈએ છીએ : 

રાજકુમારનું ધોબીમાં રૂપાંતરણ

એક રાજાને જ્યોતિષીઓએ બતાવ્યું કે એમનો પુત્ર અશુભ ઘડીમાં જન્મ્યો છે. એટલે એને લીધે એનો વંશ નિર્મૂળ થઈ જશે. આ સાંભળીને રાજાએ બાળકને જંગલમાં છોડી દીધો. જંગલમાં એક ધોબી દંપતીએ આવા સુંદર બાળકને જોયો. તેઓ નિ:સંતાન હતા એટલે બાળકને ભગવાનની કૃપા માનીને ઘરે લઈ આવ્યા. પોતાના પુત્ર માફક લાલનપાલન કરવા લાગ્યા. આ બાળક પણ ગધેડાને ચારો નાખવો કે ચરાવવા જવું, કપડાં ધોવા જવું, જેવાં કાર્યોમાં પોતાના ધોબી માત-પિતાને મદદ કરવા લાગ્યો. એક દિવસ ત્યાંથી પસાર થતા એક સંતની નજર એ બાળક પર પડી, સંતે એ સૂતા બાળકનાં રાક્ષસી લક્ષણ જોયાં. પૂછતાં બાળકે બતાવ્યું કે તે ધોબીનો દીકરો છે. સંતે એ બાળકને પોતાની ભાવિ યોજના વિશે પૂછ્યું, એટલે બાળકે કહ્યું : ‘હું ઘણાંય ગધેડાં પાળીશ અને મારો પોતાનો કપડાં ધોવાનો ધંધો આગળ વધારીશ.’ એકાંતમાં ધોબી પિતાને પૂછતા તેણે પેલા સંતને કહ્યું કે એ છોકરો તો એને જંગલમાં એક ઠેકાણે પડેલો મળ્યો હતો; એના જન્મ વિશે પોતે કાંઈ જાણતો ન હતો. સંતે જઈને એ દેશના રાજાને સૂચના આપી કે પેલી અશુભ પળ વીતી ગઈ છે અને હવે તેઓ પોતાના બાળકને પાછો મહેલમાં લાવશે તો કાંઈ દુ:ખસંકટ નહીં આવે. આ રીતે રાજાને એમણે બાળકને મહેલમાં પાછા લાવવાની સલાહ આપી.

હવે અહીં પોતાની જાતને ધોબી માનનાર બાળકને કહેવામાં આવ્યું કે તે રાજકુમાર છે, તો એ સાંભળીને એ શું કહેશે? અરે, મને રાજકુમાર કહીને મારી મશ્કરી નથી કરતાં ને, શું એમ એ કહેવાનો? અને જો એ લોકોએ એમને મહેલમાં લઈ જવાની વાત કરે તો ‘હેં ભાઈ, ત્યાં રાજમહેલમાં મને આ કપડાં ધોવાનું પૂરેપૂરું કામ મળી રહેશે ને?’ આવો પ્રશ્ન પૂછશે? ઘણાં લાંબા સમયથી પોતાની જાતને ધોબી ગણનારા બાળકને માત્ર તે રાજકુમાર છે એમ કહી દેવાથી એને રાજકુમાર બનાવી શકાય ખરો? એનાં કાનમાં ઘોર અવાજે ‘તું રાજપુત્ર છો.’ એમ કહી દેવાથી જ એ બાળકની પોતાની આત્મધારણા બદલી જાય ખરી?

મહાભારતમાં કર્ણના ઉદાહરણથી આ વાત વધુ સ્પષ્ટ થઈ જાય છે. ઘેટાંની વચ્ચે ઊછરેલું વાઘનું બચ્ચું ‘તું વાઘનું બચ્ચું છો, ઘેટાંનું નહીં’ એમ કોઈ બીજા વાઘના કહેવાથી એની પોતાની આત્મધારણા બદલી જાય ખરી?

ઉન્નતિનો માર્ગ

ઉપર્યુક્ત આત્મધારણાને નિશ્ચિંતરૂપે બદલી શકાય છે. બાળકના મનમાં ઊંડે ઊંડે સુધી મૂળિયાં નાખીને બેઠેલા આ મિથ્યાભાવોને ધીમે ધીમે શાંતિથી મિથ્યા અને અયુક્તિ સંગત સાબિત કરવા જોઈએ. અત્યાર સુધીનાં અનુભવો અને પ્રમાણોને આધારે સ્વીકારેલાં સત્યોને એનાથી તદ્દન ઊલ્ટા તાત્પર્યવાળાં નવાં પ્રમાણો અને અનુભવોને આધારે એ સ્વીકારેલાં સત્યો ખોટા છે એમ સિદ્ધ કરવું જોઈએ.

અનેક વિદ્યાર્થીઓમાં આવી મિથ્યા આત્મધારણા જોવા મળે છે. તેઓ આ બાબતે તરત જ સમજી જનારા વિદ્યાર્થીઓ સાથે પોતાની સરખામણી કરીને પોતાની જાતને અક્ષમ અને અયોગ્ય માનવા લાગે છે. શરૂઆતમાં થયેલી નાની-મોટી ભૂલોને કારણે શિક્ષકોના ઠપકા અને તિરસ્કારભરી વાણી સાંભળીને આવા વિદ્યાર્થીઓ પોતાનો આત્મવિશ્વાસ ખોઈ બેસે છે. ‘આનામાં બુદ્ધિ નામેઠામે નથી, આ કાંઈ ભણીગણી ન શકે.’ આવી વડીલોની ઉક્તિઓ પણ એમના મનમાં દૃઢમૂળ બની જાય છે. બુદ્ધિશાળી જયેષ્ઠપુત્રની સામે નાના પુત્રને પિતા ‘બુદ્ધુ’ કહે તો એના મનમાં એક ઘણો મોટો આઘાત થાય છે. આને લીધે યુવાનોમાં પોતાની બુદ્ધિ તેમજ અભ્યાસ માટેની ક્ષમતા વિશે નકારાત્મક ભાવ ઉત્પન્ન થાય છે. એકવાર પોતાની આત્મધારણાની સાથે આવો અભાવાત્મક ભાવ જોડાઈ જાય પછી એવા વિદ્યાર્થીઓ ગમે તેટલા પ્રયત્ન કરે તો પણ તેમને સફળતા મેળવવામાં કામયાબી મળતી નથી. યુવકોએ તો સ્વાભાવિક રીતે આશાવાદી રહેવું જોઈએ. એમને માટે આવો પરાજય કષ્ટદાયી નીવડે છે. બહારથી કોઈ એમને આત્મવિશ્વાસ આપી ન શકે. પુરસ્કારનું પ્રલોભન કે પ્રોત્સાહનના બે શબ્દો પણ એમને પ્રેરી ન શકે. ‘આ ભણવુંગણવું મને ગમતું નથી, હું ભણીગણી ન શકું.’ આ કથનનો નિહિતાર્થ એ છે કે હું બીજીવાર અસફળ થઈને મારી પોતાની ઠેકડી ઉડાવવા માગતો નથી. પણ જો આપણે આવા વિદ્યાર્થીઓને આત્મધારણાને બદલવામાં એમને સહાય કરીએ તો એવા વિદ્યાર્થીઓ સફળ પણ થઈ શકે છે. એટલે આપણે એના આત્મગૌરવને હાનિ પહોંચાડ્યા વિના પૂરેપૂરી ધીરજ અને પ્રેમ સાથે એમને માર્ગદર્શન આપવું પડશે. આવા લોકોનું પુનર્નિમાણનો પૂરેપૂરો પ્રયાસ મૂળથી જ થવો જોઈએ. શરૂઆતમાં એમને સીધાસાદા પ્રશ્નો આપીને એનો ઉકેલ લાવવામાં મદદ કરવી જોઈએ. એમની નાની એવી સફળતા પર એમની પ્રશંસા થવી જોઈએ અને એ રીતે એને પ્રેરવા જોઈએ. આવી રીતે વારંવાર સફળ થવાથી એમના મનમાં દીર્ઘકાળથી દૃઢમૂળ બનેલ પરાજય અને હતાશાનો ભાવ ક્રમશ: દૂર થશે; એમની આત્મધારણામાં પરિવર્તન આવશે અને એમનો આત્મવિશ્વાસ ફરી પાછો આવી જશે. જાણે કે તેઓ એક નવા જ માનવ બની જશે.

આત્મધારણા અનુભવોથી જ બંધાય છે અને દૃઢીભૂત થાય છે. બીજું, વધુ અને વધુ ભાવાત્મક અનુભવો દ્વારા એને બદલી પણ શકાય છે. સંક્ષેપમાં કહીએ તો જીવનના ભિન્ન ભિન્ન ઉદ્દેશ આત્મધારણા દ્વારા જ નિર્ધારિત થાય છે. આપણી ઇચ્છાઓ, ભાવનાઓ તથા આપણું આચરણ પૂર્ણત: આ આત્મધારણા પર જ આધારિત હોય છે.

‘હું’નાં વિવિધ રૂપરંગ

કેવી રીતે પોતાના વિશેની ધારણા પ્રમાણે લોકોનાં વ્યવહાર અને પ્રવૃત્તિઓમાં પરિવર્તન આવી જાય છે, તે આપણને જોવા મળે છે. આ વાતને ‘ઓળખાણને દિશા દેવી’ એમ કહી શકાય આત્મધારણા પ્રમાણે દરેક આવી ‘ઓળખાણ’ વ્યક્તિમાં વિભિન્ન પ્રતિક્રિયાઓ લાવે છે. આ વાતને આપણે આ ઉદાહરણથી સમજીએ- જે વ્યક્તિ પોતાને સ્વસ્થ ગણે છે, તે પોતાને સ્વસ્થ સમજીને સંતુષ્ટ રહેતો નથી. એ વિશે તે પોતે ગર્વ અનુભવે છે, ખુલ્લેખુલ્લી રીતે આત્મપ્રશંસા કે છૂપી રીતે બીજા પ્રત્યે તુચ્છતાનો ભાવ રાખે છે. તે પોતાની જાતને સ્વસ્થ માનવા માટે અનેક અસંબંધ કારણ પણ બતાવે છે. તે રોગીઓ પ્રત્યે ધિક્કાર અને તિરસ્કાર દાખવે છે અને એ બધા રોગીઓ સામે આત્મસંતોષ સાથે આમ કહે છે : ‘મેં મારા જીવનમાં ક્યારેય દવા નામે ખાધી નથી, ક્યારેય કોઈ દાક્તર પાસે પણ ગયો નથી.’ અને વળી આવી તંદુરસ્ત વ્યક્તિ કઠિન પરિશ્રમથી ટેવાયેલી છે અને જીવનમાં થોડીક સફળતા પણ મેળવી છે; એટલે એ બીજા લોકોને કામચોર કે આળસુ સમજીને એમને આવી સલાહ દે છે. ‘જો તમે મહેનત કરશો તો નિરોગી બનશો.’ જે લોકો પોતાની જાતને ઘણા સુશિક્ષિત, કે સુંદર કે ધનવાન ગણે છે એવા લોકોનો પણ બીજા પ્રત્યે આવો જ ધિક્કારનો ભાવ રહે છે. વ્યક્તિત્વ નિર્માણ વખતે બીજાની નકલ કરવાથી આવો મનોભાવ આવે છે. સંક્ષેપમાં આત્મધારણા પ્રમાણે જ વિચાર ઘડાય છે, વ્યવહાર બદલાય છે અને એમને યુક્તિસંગત સાબિત પ્રતિક્રિયાઓ પણ ઉદ્‌ભવે છે. સાથેને સાથે પોતાના સ્વરૂપ વિશે આપણી આંતરિક ધારણાઓના ફળસ્વરૂપે આપણું શરીર પ્રતિક્ષણ ઘડાતું જાય છે અને આપણા વિચારો પ્રમાણે તેમાં કેટલીક અત્યંત મહત્ત્વની રાસાયણિક અને વિદ્યુતચુંબકીય પદ્ધતિઓમાં પરિવર્તન થાય છે.

ધારો કે કોઈ એક બાળક કે યુવક જ્યાં મૂર્તિપૂજાને અંધવિશ્વાસ ગણીને નિરર્થક ગણનારા કુટુંબના વાતાવરણમાં ઊછર્યો છે; અથવા – કોઈ એવા કુટુંબમાં ઊછર્યો છે કે જેમાં પોતાના ધર્મમત અને એની ઉપાસના પદ્ધતિને શ્રેષ્ઠ ગણે છે, તેમજ બીજા ધર્મપથો તથા ઉપાસના પદ્ધતિઓ નિમ્નકક્ષાની કે ભ્રામક છે એવી કેળવણી એને મળે છે. આવો બાળક કે યુવક ક્યારેય બીજા ધર્મપથોમાં થતી મૂર્તિપૂજા પ્રત્યે શ્રદ્ધા-ભક્તિ ધરાવી નહીં શકે. જો કોઈ માણસ તેને મૂર્તિપૂજાનું મહત્ત્વ, ઉપાસનામાં પ્રતીકોનું તાત્પર્ય, જ્ઞાનપ્રાપ્તિના પથમાં એમની ઉપયોગીતા; સર્વવ્યાપી, સર્વશક્તિમાન તથા સર્વજ્ઞ ઈશ્વરનું પોતાના ભક્તો માટે પ્રગટીકરણ થવું કે એમના સાક્ષાત્કારની સંભાવનાને સમજાવવાનો પ્રયત્ન કરે તો એની દૃઢ આત્મધારણા તેને પ્રામાણિકતાપૂર્વક સ્વીકારવા નહીં દે. એવી વ્યક્તિના પોતાના અહંકારપૂર્ણ અને કટ્ટરતાપૂર્ણ વિચાર તેની પાસે વિધ્વંસક કાર્ય કરાવતાં રહેશે. જે વાતાવરણમાં એનો ઉછેર થયો છે અને દીર્ઘકાળ સુધી એને જે માર્ગદર્શન, પ્રશિક્ષણ, પ્રલોભન તથા પ્રોત્સાહન મળ્યા છે, એને લીધે પોતાની સીમાઓનું ઉલ્લંઘન કરવું એને માટે સંભવ બને ખરું? શું આવી વ્યક્તિ દયાને પાત્ર નથી? આવી વ્યક્તિ તિરસ્કારને પાત્ર છે? આવી વ્યક્તિની આત્મધારણાને ધીમે ધીમે પરંતુ પૂર્ણતયા બદલવી સંભવ છે ખરી?

ઉન્નતિના સોપાન

આપણી વચ્ચે એવા અનેક લોકો છે કે જેઓ પોતાને ક્રાંતિકારી કહે છે અને પોતાનાં ભાષણોમાં જાતિભેદને દૂર કરવાની વાત કરતા હોય છે. આ બધાએ આ સમસ્યાની જટિલતાને ઓળખી-જાણી નથી અને એનો ઉકેલ શોધવા માટેનાં સાધનો વિશે પણ વિચાર કર્યો નથી. એમણે આ ક્ષેત્રના નિષ્ણાતોની સલાહ પણ નથી લીધી અને આ સમસ્યાનો નિકાલ કરનારા સાચા હૃદયના માણસોના પ્રયાસો વિષે પણ કાંઈ જાણ્યું નથી. તેઓ સૌની સામે પોતાની જાતિ કે જ્ઞાતિ બતાવતા નથી, પણ વાતચીત કરતાં કરતાં અજાણતામાં એ બધું વ્યક્ત કરી દે છે. શું આવા લોકો ખરેખર જાતિ કે જ્ઞાતિના ભેદભાવમાં ન માનવાને કારણે તેને સમાપ્ત કરવાનું આહ્‌વાન આપે છે? શું આવા બધા લોકોએ પોતાના અહંકારની ઉદ્દંડતામાંથી બહાર નીકળીને કોઈ પૂર્વગ્રહ વિના સમસ્યાઓનું ગહન અને સર્વવ્યાપી અધ્યયન કરીને એ ભેદભાવને દૂર કરવા માટે માર્ગદર્શન આપવાની પોતાની યોગ્યતા પ્રાપ્ત કરી છે ખરી? જો એમ ન હોય તો આવા લોકો કેવળ ઘૃણા અને છિદ્રાન્વેષણ વૃત્તિના બીજ જ વાવવાના છે.

કેવળ કઠોર શબ્દોમાં અંધકારને ભાંડવાથી કોઈ ફાયદો થવાનો નથી. અંધકારને દૂર કરવા માટે પ્રકાશ લાવવો પડે. આ પ્રકાશ કોણ લાવશે? જે માણસ પોતે અંધકારમાં જ ભટકે છે એ બીજાને પ્રકાશનો પથ બતાવી શકે ખરા?

(ક્રમશ:)

Total Views: 74

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.