(ગતાંકથી આગળ)

આ પુસ્તકમાં જે મહત્ત્વના વિષયોની ચર્ચા આપણે કરી એનો સારાંશ આ છે: પરમલક્ષ્ય શું છે? આ ઈશ્વરની અનુભૂતિ અને પોતાની વાસ્તવિક પ્રકૃતિની અનુભૂતિ કરવી એ પરમલક્ષ્ય. હવે પ્રશ્ન ઊભો થાય કે આ પરમલક્ષ્ય તરફ કોણ આગળ વધે છે? જે માનવ અંતરાત્માનો પોકાર સાંભળે છે તે પરમલક્ષ્ય તરફ આગળ વધે છે. બીજું જે માનવ અંતરતત્ત્વની અનુભૂતિ કરે છે તે પરમલક્ષ્ય તરફ આગળ વધે છે. જ્યાં સુધી આપણને આ અંતર્દ્વન્દ્વનો અનુભવ ન થાય ત્યાં સુધી પરમલક્ષ્ય તરફ આગળ વધવાની અનુભૂતિ સંભવ નથી. એટલે કે એક પ્રકારની ખેંચતાણ કે આપણી પરસ્પર વિરોધી પ્રવૃત્તિઓ એટલે કે ઉચ્ચ જીવન જીવવા માટે પ્રેરિત કરનારી પ્રવૃત્તિઓ અને પતન તરફ દોરી જનારી પ્રવૃત્તિઓ વચ્ચે સંઘર્ષ ન થાય ત્યાં સુધી અંતર્દ્વન્દ્વનો અનુભવ થતો નથી.

આ સંસારમાં ભિન્ન ભિન્ન પ્રકારના લોકો રહે છે. એમાંથી કેટલાંક લોકો એવા છે કે જે જીવનના કેવળ ભૌતિકવાદી માર્ગમાં જ શ્રદ્ધા-વિશ્વાસ રાખે છે. આવા લોકો પરમલક્ષ્ય પ્રત્યે ધ્યાન દેતા નથી એટલે એમના મનમાં કોઈ પણ પ્રકારનો દ્વન્દ્વ કે સંઘર્ષ થતો નથી. આવા લોકો જ્યાં સુધી પોતાના ભીતર અંતર્દ્વન્દ્વની અનુભૂતિ કરવાનું શરૂ ન કરે ત્યાં સુધી કોઈ આશા નથી. આત્મા તો એ પરમતત્ત્વને સમજવા ઇચ્છે છે પરંતુ આપણી શારીરિક રચના જ એવા પ્રકારની થઈ છે કે આપણી ઇન્દ્રિયો જે વસ્તુઓના કે પદાર્થોના સંપર્કમાં આવે છે એમના આકર્ષણ માત્રથી જ આપણું અધ:પતન થાય છે. ‘મન તો ઇચ્છુક છે પણ તન બાધક છે’ – આવું ખરેખર સાચું કહેવામાં આવ્યું છે.

માનવ જન્મ દુર્લભ છે. જો આપણને આ સુઅવસર પ્રાપ્ત થયો છે તો સર્વપ્રથમ તો આપણી ભીતર મુક્તિની વાસ્તવિક ઇચ્છા થવી જોઈએ અને ત્યાર બાદ ઈશ્વરની અનુભૂતિનો માર્ગ બતાવનારા કોઈ સુયોગ્ય ગુરુ સાથે મુલાકાત કરવાનું સૌભાગ્ય મળવું જોઈએ. આ બધું મળી જાય ત્યાર પછી એનો સુયોગ્ય લાભ મેળવવાની ઉત્સુકતા આપણામાં નથી હોતી. એનું કારણ એ છે કે આપણે મુશ્કેલીઓનો સામનો કરવા ઇચ્છતા નથી. એનો અર્થ એ થયો કે આત્માભિવ્યક્તિની કીમત ચુકવવા કોઈ વિરલ વ્યક્તિ જ તૈયાર થાય છે. ઈશ્વરીય અનુભૂતિ માટે આપણે પોતાના સંપૂર્ણ મનને ઈશ્વરમાં સમર્પિત કરી દેવું પડે છે. મનને ભિન્ન ભિન્ન ખંડોમાં વિભાજિત ન કરી શકાય. આપણા મનના કેટલાંક ભાગને આપણે સાંસારિક ઉપભોગ માટે લગાડીએ અને બાકી રહેલા ભાગને ઈશ્વર પ્રત્યે લગાડીએ એવું ન બની શકે. ઈશ્વર તો એકલા જ માનવ હૃદયમાં રાજ્ય કરવા ઇચ્છે છે. એ રીતે જોઈએ તો તેઓ અત્યંત ઇર્ષ્યાળુ ભગવાન છે. તેથી જો આપણે એની અનુભૂતિ કરવા ઇચ્છીએ તો આપણે આપણા મનને પૂરેપૂરું પરમ સત્તાને સમર્પિત કરી દેવું જોઈએ. આપણે ભલે સાધના કરી રહ્યા હોઈએ, આપણા ગુરુ દ્વારા આપણને જે કંઈ કરવાનું કહેવામાં આવ્યું હોય તે પ્રમાણે ક્રિયાકર્મો કરતાં રહીએ, પણ જ્યાં સુધી આધ્યાત્મિક જીવનને લાગે વળગે છે ત્યાં સુધી આપણે એવા જીવન પ્રત્યે ખરેખર ગંભીર નથી. આપણે પૂરેપૂરું મન લગાડ્યા વિના સવાર-સાંજ થોડા સમય માટે એક યંત્રની જેમ જપ કરીએ છીએ. આપણને બધા પ્રકારના વાંછિત અને અવાંછિત કાર્યો કરવા માટે સમય મળી રહે છે, પરંતુ ઈશ્વર માટે આપણને સમય મળતો નથી. સવારે સાંજે થોડી મિનિટો માટે ઈશ્વરનું સ્મરણ કરવું એને જ આધ્યાત્મિક જીવન ન કહી શકાય. ઈશ્વરનું સાંનિધ્ય પ્રાપ્ત કરવા માટે નિરંતર અભ્યાસ કર્યા વિના અને આપણા અસ્તિત્વની પળે પળે ઈશ્વરની ઉપસ્થિતિનો અનુભવ કર્યા વિના આધ્યાત્મિક વિકાસ સંભવ નથી. ભગિની નિવેદિતાને સંબોધીને લખેલા એક પત્રમાં સ્વામી વિવેકાનંદ કહે છે: ‘મારો આદર્શ અલબત્ત થોડાક જ શબ્દોમાં કહી શકાય તેવો છે અને તે છે – મનુષ્યજાતિને તેના દિવ્ય સ્વરૂપનો ઉપદેશ આપવો અને જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં તેને પ્રગટ કરવાનો ઉપાય બતાવવો.’

સવાર-સાંજ ઈશ્વર કે ઈષ્ટ દેવતાનું ધ્યાન કરીએ અને બાકીના સમયમાં આપણે એને ભૂલી જઈએ એ બાબત આપણા દિવ્યત્વના દાવા માટે પર્યાપ્ત છે ખરી? ના, જરાય નહિ. એનું કારણ એ છે કે આપણે બધા દિવ્ય છીએ એટલે આપણે પોતાના જીવનની પ્રત્યેક પળે એ દિવ્યત્વનાં દર્શન કરવાનો અભ્યાસ કરવો જોઈએ. આધ્યાત્મિક પ્રસંગોએ આપણે અનેક પ્રવચન સાંભળીએ છીએ અને આવા વિષયો પર પ્રેરણાદાયી પુસ્તકોનું અધ્યયન કરીએ છીએ. આનાથી આપણને થોડુંઘણું જ્ઞાન મળી રહે છે પણ થોડા જ સમયમાં આપણે પોતાના ધ્યેયથી દૂર ચાલ્યા જઈએ છીએ. આપણે જે કંઈ મેળવ્યું હોય છે તેને ફરીથી ગુમાવી બેસીએ છીએ. આને સમજાવવા માટે આ ઉદાહરણ સુયોગ્ય બની રહેશે. તળાવના જળ ઉપર લીલ ઉત્પન્ન થાય છે. સ્વચ્છ અને શીતળ જળ પીવા માટે આપણે તળાવે જઈએ છીએ પરંતુ પાણીની ઉપરની સપાટી આ લીલથી ઢંકાયેલી જોઈએ છીએ. એટલે આપણે પાણી પીવા ઇચ્છતા હોઈએ તો આ લીલને પહેલાં દૂર કરવી પડે. આમ કરીએ ત્યાર પછી જ આપણને થોડું જળ મળે છે અને પી લઈએ છીએ. પેલી લીલની પ્રવૃત્તિ જ એવી છે કે એ વળી પાછી સપાટી પર આવીને પાણીને ઢાંકી દે છે. આ રીતે જ્યારે આધ્યાત્મિક પ્રવચનો સાંભળીએ છીએ કે ધાર્મિક ગ્રંથનો અભ્યાસ કરીએ છીએ ત્યારે થોડા સમય સુધી આપણને ઉચ્ચસ્તર પર પહોંચેલા જોઈએ છીએ, પરંતુ આપણી ચોતરફના આકર્ષણો અને પ્રલોભનોથી આપણે એટલા બધા ઘેરાયેલા હોઈએ છીએ કે વળી પાછા આપણે જે કંઈ સાંભળ્યું, વાંચ્યું એને ભૂલી જઈએ છીએ.

મૂળભૂત વિઘ્નોમાંથી એક વિઘ્ન મોહ કે પ્રમાદ અર્થાત્‌ અસાવધતા છે. એનો અર્થ એ થયો કે પોતાની વાસ્તવિક પ્રકૃતિ સાથે સતત એક રૂપતાના સંબંધમાં ઉપેક્ષા સેવવી. સત્યના આધ્યાત્મિક જિજ્ઞાસુ માટે આ પ્રમાદ મૃત્યુ સમાન છે. ક્યારેક ક્યારેક આપણું મન પ્રબળ દુરાગ્રહોથી ઘેરાઈ જાય છે. સંભવ છે કે આપણો જન્મ અશુભ સંસ્કારો સાથે થયો હોય. આપણે ધ્યાન માટે બેસીએ છીએ, અનેક અશુભ ઇચ્છાઓ મનને ગ્રસી જાય છે. આપણને લાગે છે કે આ જીવન વ્યર્થ જવાનું છે અને આપણને ક્યાંય આશા દેખાતી નથી. આ પ્રકારના વિચારો કરવા કરતાં આપણે ભાવાત્મક વિચારો અપનાવવા જોઈએ. ધ્યાન કરતી વખતે જો કોઈ વ્યક્તિ અશુભ વિચારોથી ઘેરાઈ જાય તો એટલું ચોક્કસ જાણવું કે એણે ભૂતકાળમાં ખરાબ કાર્યો કર્યાં હશે. આ કારણે ધ્યાન કરતી વખતે અશુભ વિચારો ચેતનાના સ્તર સુધી પહોંચી જાય છે. મનુષ્ય પોતે જ પોતાના ભાગ્યનો નિર્માતા છે. કોઈ પણ માણસ આજે જેવો છે તેવો ભલે રહ્યો, ગમે તેટલી દુષ્પ્રવૃત્તિઓથી ઘેરાયેલો પણ ભલે રહે, પરંતુ આટલી વાત ચોક્કસ છે કે તે પોતે વર્તમાનનો સદુપયોગ કરીને ભવિષ્યને બહુ સારી રીતે ઢાળી શકે છે. એટલે આપણે આપણા ભૂતકાળ પર જ ચિંતનવિચાર કરવાં ન જોઈએ.

ક્યારેક ક્યારેક એવું પણ થાય છે કે એક કલાકથી વધારે કે ઓછા સમય સુધી ધ્યાન કે જપ કર્યા બાદ આપણે જ્યારે પોતાના સાંસારિક સક્રિય જીવનમાં પાછા લાગી જઈએ છીએ ત્યારે વળી પાછા પેલા સાંસારિક ક્રિયા કલાપોમાં વ્યસ્ત બની જઈએ છીએ. જ્યાં સુધી આપણે આપણા દૈનિક જીવનનું આધ્યાત્મિકીકરણ ન કરી નાખીએ ત્યાં સુધી કોઈ પણ રીતે અને કોઈ પણ પ્રકારની આધ્યાત્મિક પ્રગતિ સંભવ નથી. ભગવાનને આપણે પૂજા ઘરમાંથી પોતાના દૈનિક ક્રિયાકર્મો સુધી લાવવા જોઈએ. કેવળ આટલી વાત માટે જ આગ્રહ રાખવામાં આવે છે કે ધ્યાન અને જપ કરતા સમયે આપણે પોતાના મનને પોતાના પ્રિય ઇષ્ટદેવનાં ચરણકમળોમાં જ કેન્દ્રિત રાખવું જોઈએ તેમજ પોતાની આ પ્રવૃત્તિને પોતાના દૈનંદિન બધાં કાર્યોમાં જાળવી રાખવી જોઈએ, નહિ તો આપણે અસંખ્ય આધ્યાત્મિક સંકટોનો સામનો કરવો પડશે. આપણે જ્યારે મંદિરમાં હોઈએ છીએ ત્યારે આપણી મન:સ્થિતિ એક પ્રકારની હોય છે અને જ્યારે મંદિરમાંથી બહાર આવીએ છીએ ત્યારે આપણી મન:સ્થિતિ બીજા પ્રકારની હોય છે. આ રીતે આપણે બેવડીચાલમાં ફસાઈ જઈએ છીએ. આપણે દરેક પ્રકારની બેવડી ચાલથી બચવું જોઈએ. 

બેવડી ચાલના આ વિચારને વધારે સ્પષ્ટ કરવો જરૂરી છે. આપણે પોતાના ઈષ્ટદેવનું ધ્યાન કરીએ છીએ, એ સમયે આપણે પોતાની ચિત્તવૃત્તિઓને અંત:કેન્દ્રિત કરી લઈએ છીએ અને થોડા સમય માટે પોતાની જાતને ઉન્નત થતી અનુભવીએ છીએ. આપણે અસ્તિત્વના એક ઉચ્ચ સ્તર પર હોઈએ છીએ. એનાથી આપણને થોડી માનસિક શાંતિ અને થોડો આનંદ મળે છે. ક્યારેક ક્યારેક આપણે બાહ્ય જગતનાં પ્રલોભનો સામે ઝૂકી પડીએ છીએ. આત્માના સ્તર પર આપણે હવે ઉચ્ચસ્થિતિમાં છીએ પરંતુ થોડા સમય પછી મન વળી પાછું દેહ-મનના સંયુક્ત સ્તર પર આવી જાય છે. આપણે જે પવિત્ર સંકલ્પ કર્યા હતા એ બધા ભૂલાઈ જાય છે. ઈંદ્રિયોની જાળમાં પોતાની જાતને ફસાવા દેવાની આ પ્રવૃત્તિને ‘બેવડી ચાલ’ કહેવાય છે. સિદ્ધાંત અને દર્શનોની કેવળ ચર્ચા દ્વારા આ બેવડીચાલમાંથી બચી શકાતું નથી. આદર્શોની સાથે કોઈ પણ પ્રકારના કૃત્રિમ સંપર્કથી પણ કોઈ ફાયદો થતો નથી. આપણે પોતાના અંતરતમ સત્ય સાથે ચિરસ્થાયી અને ગહન સંપર્ક બનાવી રાખવો જોઈએ. પ્રાય: ધ્યાનને સમયે આપણા પોતાના મનની અર્ધચેતન અવસ્થામાંથી વાસનાઓ ઊભરી આવે છે; અને આપણે અનુભવીએ છીએ કે આપણી પ્રગતિમાં એ બાધક બની રહે છે. શું એનો કોઈ ઉપચાર છે ખરો? હા, એનો એક પ્રામાણિક ઉપચાર છે, અને તે છે જપસાધના. ભગવાનના નામનો (મંત્રનો) જપ કરવાથી આપણે બધી દુષ્પ્રવૃત્તિઓ પર વિજય મેળવી શકીએ છીએ. સૌથી મહત્ત્વપૂર્ણ વાત છે, જીવનનું પવિત્રીકરણ. ઈશ્વરના નામના નિરંતર જપથી ઉત્પન્ન થતા આધ્યાત્મિક તરંગો દ્વારા આપણા બધા કુસંસ્કાર કે દુષ્પ્રવૃત્તિઓ સમૂળી નાશ પામે છે. આ પ્રકારના નિરંતર અભ્યાસ દ્વારા આપણે પોતાની પ્રવૃત્તિઓ પર વિજય મેળવી શકીએ છીએ.

આપણે ભલે શાકાહારી હોઈએ પરંતુ આપણું મન જો અપવિત્ર વિચારોથી વિકૃત હોય તો કેવળ શાકાહારી વૃત્તિથી આપણને કોઈ લાભ ન મળી શકે. ઈંદ્રિયોના માધ્યમથી જે કંઈ આપણે ગ્રહણ કરીએ તે શુદ્ધ હોવું જોઈએ. જ્યારે આપણને એવો અનુભવ થાય કે આપણી ભીતર કોઈ પ્રકારની વધારાની ઊર્જાનું આધિક્ય થઈ ગયું છે તો આપણે ક્યારેક ક્યારેક વ્રત, જાગરણ અને વિશેષ પ્રાર્થના કરવી જોઈએ. સાથે ને સાથે વાણી પર સંયમ રાખવો જોઈએ અને વધારે પ્રમાણમાં ભોજન પણ ન કરવું જોઈએ. મનુષ્ય જેટલા પ્રમાણમાં પોતાના સ્વાદને વશ થાય છે તેટલા જ પ્રમાણમાં તે આધ્યાત્મિક આનંદથી વંચિત રહે છે. જો આપણે મર્યાદાથી વધારે ભોજન લેતા જઈએ તો આપણને આધ્યાત્મિક રૂપે હાનિ જ થવાની. એટલે આપણે સંયમપૂર્વક ભોજન લેવું જોઈએ.

આપણી પોતાની ભીતર એક સંઘર્ષની જબરી ખેંચતાણ અર્થાત્‌ અદૃશ્ય યુદ્ધનો આપણે સામનો કરવો પડે છે. પણ આ સંઘર્ષથી આપણે વિમુખ ન બની જઈએ, એ જોવું જોઈએ. આ સંઘર્ષથી જો આપણે વિમુખ બની જઈએ તો આપણા માટે ક્યાંયથી પણ આશાનું કિરણ નહિ દેખાય. આપણું પતન થઈ શકે છે, પરંતુ આપણે આપણા સિદ્ધ પુરુષોના આ ઉદાહરણને સદૈવ યાદ રાખવું જોઈએ – ‘આપણે પડી શકીએ છીએ ખરા પણ ફરીથી ઊઠવા માટે.’ પડીને પણ જો આપણે એમ વિચારવા લાગીએ કે હવે આપણા માટે કોઈ આશા નથી રહી ત્યારે સંભવત: આપણો વિનાશ થઈ શકે છે. જો આપણે સંઘર્ષ રત રહીએ તો એનો અર્થ એ થાય કે આપણે ઈશ્વર તરફ આગળ ધપવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. સંઘર્ષનો એકવાર ત્યાગ કરી દેવાથી શું થાય છે? આપણે ઈશ્વર અને એમની કૃપાથી વિમુખ થઈ જઈએ છીએ. આપણે આધ્યાત્મિક જીવન પથ પરથી ચલિત થઈ જઈએ છીએ અને દૈહિક જીવનમાં લિપ્ત થઈ જઈએ છીએ. પોતાની જાતને આ સ્થિતિમાંથી બચાવવા માટે આપણે સંઘર્ષરત રહેવાનું છે અને આપણે નિરંતર પ્રાર્થના પણ કરવી જોઈએ.

આપણામાંથી મોટા ભાગના લોકો બહિર્મુખી છે. કોઈ પણ બહિર્મુખી વ્યક્તિ પરમલક્ષ્ય સુધી પહોંચી શકતી નથી. બાહ્ય જગતમાં મનની અસંયમિત રૂપે વિચરણ કરવાની પ્રવૃત્તિને આપણે ખતમ કરી દેવાનો પ્રયાસ કરવો જોઈએ. મનને પોતાની ભીતરના આયામથી એને બહાર જવાની તેમજ સામાન્ય બાહ્ય પ્રકૃતિની સંકીર્ણતામાં વિચરણ કરવાની છૂટ દેવા કરતાં આપણે પોતાની ભીતર રહેવાનું શીખવું જોઈએ. આપણે પોતાના મનને બાહ્ય જગતથી દૂર કરીને તેને પોતાના પ્રિય ઈષ્ટદેવનાં ચરણારવિંદમાં લગાવી દેવું જોઈએ.

એનો નિષ્કર્ષ એ છે કે આ તથ્યનો ફરી ફરી ઉલ્લેખ કરવો ઉપયોગી થશે. અને એ તથ્ય છે, માનવજીવનનું ધ્યેય ચિરસ્થાયી શાંતિ અને આનંદ પ્રાપ્ત કરવાનું છે. જો આપણે આપણા મૂળસ્રોત એટલે કે આત્મા સુધી પહોંચી શકીએ તો શાંતિ અને આનંદ મેળવી શકીએ છીએ. સ્વામીજીએ એક વાર આમ કહ્યું હતું: ‘તમે સંસારનાં સુખોની કામના શા માટે કરો છો? પરમેશ્વરની કામના કરો કે જે આનંદનું મૂળ સ્રોત છે.’ વળી સ્વામીજીએ ફરીથી આમ કહ્યું છે: ‘અસ્તિત્વની આનંદમયી સ્થિતિ કેવળ આત્માના સ્તર પર છે.’ જો આપણે વાસ્તવિક રીતે આનંદમય જીવન જીવવાની ઇચ્છા રાખતા હોઈએ તો આપણે બાહ્ય જગતનાં બારણાં બંધ કરીને અંતર્જગતમાં પદાર્પણ કરવું પડશે. એને માટે નિરંતર ચિંતન અને મનન કરવું પડશે – ‘હે મન! તું પોતાનાં શરીરમન સંયુક્ત દૈહિક જીવનનાં પ્રલોભનોને પોતાની મુર્ખતાને વશ થઈને આટલું બધું મહત્ત્વ કેમ આપે છે?’ શું તમે કેવળ હાડ-માંસનો પીંડ છો? પોતાના દેહ સાથે આસક્તિ થવાથી તમે તમારો મૂલ્યવાન સમય નકામો વેડફી નાખો છો. બધું ક્ષણભંગૂર છે. આ દેહ નિષ્પ્રાણ થવાનો છે અને એને શ્મશાન ઘાટે લઈ જવામાં આવશે, બાળી દેવાશે અને એની રાખ થઈ જશે. મુર્ખતાને લીધે આ દેહ સાથે આસક્તિ શા માટે કરવી જોઈએ? આ જીવનમાં તમે જો અત્યંત સચેત-જાગ્રત રહો તો આનંદના મૂળસ્રોતને પ્રાપ્ત કરી શકો. તમે હાડ-માંસના પીંડ માત્ર નથી, તમે તો શુદ્ધ ચૈતન્ય છો. તમે ચૈતન્યની મૂર્તિ છો. આ એક તથ્ય છે કે તમે નિત્યમુક્ત છો, સચ્ચિદાનંદ સ્વરૂપ છો, એમ હોવા છતાં પણ તમે પોતાની આધ્યાત્મિક પ્રકૃતિ કે સ્વરૂપ પર કેન્દ્રિત રહેવાને બદલે કહેવાતાં સાંસારિક સુખોનું મુર્ખતાપૂર્વક ચિંતન કરતા રહો છો અને પોતાના માનવ જીવનને વ્યર્થ વેડફી નાખો છો. તમે પોતાની ભીતર શાશ્વત સત્ય અર્થાત્‌ આત્માની અવહેલના કરીને અનાત્મા સાથે મૂર્ખતાને લીધે શા માટે સંબંધ બાંધો છો?

કોઈ પણ ધર્મગ્રંથમાં એમ નથી કહેવામાં આવ્યું કે માનવજીવનનો ઉદ્દેશ્ય લગ્ન કરવાં અને સંતાન પ્રાપ્તિ કરવાનો છે. માનવ જીવનો ઉદ્દેશ્ય સંન્યાસ ધારણ કરવાનો છે, એવું પણ કોઈ ધર્મગ્રંથમાં કહેવામાં નથી આવ્યું. પરંતુ ઈશ્વરની અનુભૂતિ જ માનવજીવનનું લક્ષ્ય છે એટલે કે ‘સ્વર્ગમાં તમારા પિતા જેટલા પૂર્ણ છે, તમે પણ એટલા જ પૂર્ણ બનો’ એવું વારંવાર કહેવામાં આવ્યું છે. પોતાની સ્વયંની અનુભૂતિ કરો અને મુક્ત બનો.

અંતે અમારા રામકૃષ્ણ સંઘના છઠ્ઠા પરમાધ્યક્ષ સ્વામી વિરજાનંદજી મહારાજના મહત્ત્વના પુસ્તક ‘પરમાર્થ પ્રસંગ’માંથી અહીં કેટલાક શબ્દો ઉદ્ધૃત કરીને આપણે આ વિષયની સમાપ્તિ કરીશું. સ્વામી વિરજાનંદજી કહે છે: ‘ભાઈઓ, આપણે આપણી માતાના ગર્ભમાંથી નગ્નાવસ્થામાં અને એકલા આવ્યા હતા.’ ચાલો આપણે આ બાબત પર વિચાર કરીએ. આપણે સૌ નિર્વસ્ત્ર અને એકલા આવ્યા છીએ તેમજ આ સંસારમાંથી એક દિવસ વસ્ત્રવિહોણા અને એકલા ચાલ્યા જવાના છીએ. આ ધરાધામમાંથી જ્યારે વિદાય લઈશું ત્યારે પણ આપણે એકલા જ ચાલવું પડશે, કોઈ તમારી સાથે નહિ આવે. આપણો જ્યારે જન્મ થાય છે ત્યારે આપણા પરિવારજનો અત્યંત પ્રસન્ન થાય છે અને જ્યારે આપણું દેહાવસાન થાય છે ત્યારે એ લોકો અત્યંત દુ:ખી બની જાય છે. તુલસીદાસનું ઉદાહરણ આપતાં સ્વામી વિરજાનંદજી કહે છે: ‘આપણો વ્યવહાર એવા પ્રકારનો હોવો જોઈએ કે જ્યારે આપણું મૃત્યુ થાય ત્યારે આપણા મુખમંડળ પર અપાર્થિવ આનંદ પ્રગટતો હોવો જોઈએ. બીજાને રોવા દો, પરંતુ આપણે તો હસતાં હસતાં આ સંસારમાંથી વિદાય લઈએ.’ આવું કોણ કરી શકે છે? જેમને આ દેહ ‘ચૈતન્યની પ્રતિમૂર્તિ’ છે તે માત્ર દેહ નથી, એવી અનુભૂતિ થઈ હોય તેઓ જ આવું કરી શકે છે. આ શરીર નશ્વર છે અને તે નિષ્પ્રાણ બની જશે. પરંતુ આપણી ભીતર અનંત, અનશ્વર, અજન્મ અને અમર ઈશ્વર છે; આ પરમ સત્યનો જે કોઈ સાક્ષાત્કાર કરી લે છે તે આ જીવનમાં મુક્ત બની જાય છે. જો આપણે પરમલક્ષ્ય પ્રાપ્ત કરવા ઇચ્છતા હોઈએ તો સ્વામી વિરજાનંદજી એ કહ્યું છે તેમ જે કંઈ બધું અનિત્ય છે, તેની સાથેની આસક્તિ ત્યજી દેવી જોઈએ અને આપણે પોતાના દિવ્ય સ્વરૂપ સાથે તાદાત્મ્ય સ્થાપિત કરવાના પ્રયાસો કરવા જોઈએ. જો આપણને સદ્‌ગુરુની સહાયતા મળી રહે તો પોતાના લક્ષ્ય સુધી પહોંચવાનું સહજ બની શકશે.

ચાલો, આપણે ભગવાન શ્રીરામકૃષ્ણ, શ્રી શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદ – આ ત્રિદેવને પ્રાર્થના કરીએ કે આપણે આધ્યાત્મિક જીવનને ગંભીરભાવે સ્વીકારીને આ જીવનમાં જ પરમલક્ષ્યને પ્રાપ્ત કરી શકીએ.

Total Views: 80

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.