રહસ્ય

તો પછી એમની આ વિસ્મયકારી સફળતાનું રહસ્ય શું છે? ઓસલરે કહ્યું છે કે તેઓ સદૈવ વર્તમાનમાં જ રહેતા હતા. એનો અર્થ શું છે? તેઓ ભવિષ્યના સુખદ સ્વપ્નોમાં સમય વેડફી દેતા ન હતા. ભૂતકાળની પળોને વારંવાર વાગોળીને વ્યર્થ પસ્તાવામાં પણ એમણે સમય ગુમાવ્યો ન હતો. અત્યંત કૌશલ તથા પૂર્ણતા સાથે વર્તમાનનાં કાર્યો પૂરાં કરવામાં એમણે પોતાનું મન લગાવી દીધું. એનાથી એમને અનન્ય કીર્તિ તથા વિજય મળ્યાં.

ઓસલરના આ શબ્દો ધ્યાનમાં લેવા જેવા છે: ‘આપણા ભવિષ્યનું નિર્માણ આજે થઈ રહ્યું છે. ગઈકાલની ઘટનાઓ પર પસ્તાવો કરવાથી કોઈ લાભ નથી અને ભવિષ્યની ઘટનાઓની પણ વધુ ચિંતા ન કરો. ભૂત અને ભવિષ્યનાં દ્વાર બંધ કરી દો. પોતાનાં કાર્ય વર્તમાનમાં કરો; સાહસ અને વિશ્વાસ સાથે કાર્યક્ષેત્રમાં ઊતરો. આ જ ક્ષણે કાર્ય કરો.’

‘આજનું કામ બરાબર પૂરું કરવા સિવાયની બાકીની બીજી બધી મહત્ત્વાકાંક્ષા ત્યજી દો. સફળતાના માર્ગ પર ચાલનારા વર્તમાનમાં વિજય મેળવે છે; તેઓ કાલ વિશે વિચારતા નથી. ભૂતકાળમાં પણ ન રહો અને ભવિષ્યમાં પણ નહિ. પૂર્ણ શક્તિ આજના કાર્યમાં લગાવી દો તથા એ રીતે તમારી પોતાની બધી મહત્ત્વાકાંક્ષાઓ પૂર્ણ કરી લો.’

‘આ શતાબ્દિમાં ઓસલરે જે કંઈ કહ્યું છે એ વાતને હજારો વર્ષ પહેલાં ભારતના ઋષિઓએ જાણી લીધી હતી. ઋષિઓના એ સંદેશને આપણે ભૂલી ગયા. જ્ઞાનની એ વાણીને ભૂલીને આપણે આપણા જીવનમાં અનેક અવરોધ અને નિષ્ફળતાઓ મેળવતાં રહ્યાં છીએ. એમનું અનુસરણ ન કરવાથી જીવનમાં બીજાં દુ:ખકષ્ટ પણ આવે છે. એ વાણી આ છે : ‘બુદ્ધિમાન લોકો ભૂતકાળની ઘટનાઓ પર પસ્તાતા કે વિચાર કરતા નથી, તેઓ ભવિષ્યની ચિંતા કરતા નથી, કેવળ વર્તમાન જગતમાં પૂર્ણતયા કર્મ કરે છે.’

સંત કવિ હરિદાસે કહ્યું છે: ‘આજનો દિન સર્વોત્તમ છે, કાલનો દિવસ કઠિન હશે – આજની ઘડી રળિયામણી, કાલ કોણે દીઠી છે!’ અંગ્રેજ વિદ્વાન રસ્કિને પોતાના કાર્યપટલ પર ‘આજ’ લખી રાખ્યું હતું. એમનું કહેવું આમ છે : ‘આજની ચિંતા કરી લો, એ જ કાલને સંભાળી લેશે.’ ઉમ્મર ખયામે કહ્યું છે: ‘અતીત મૃત છે, આવનારા કાલનો જન્મ થયો નથી, આજનો દિન સુખદ હોવા છતાં પણ તું શા માટે રડે છે?’ આ ભિન્ન ભિન્ન વચનોનો મર્મ એક જ છે – ‘વર્તમાનનાં કર્તવ્યો પૂર્ણ કરવામાં જ પોતાની જાતને લગાડી દેવી આવશ્યક છે.’

જો અમે વર્તમાનમાં રહીએ તો કાલ એની યાદ સુખદ રહેશે, તે મનને સંતુષ્ટ કરશે તથા ભવિષ્યમાં સારાં કાર્ય કરવાની પ્રેરણા પણ આપશે. ભવિષ્ય તો આપણાથી દૂર છે, વર્તમાન જ આપણી પાસે છે, એને આપણે દરેક રીતે અને પ્રકારે ફળીભૂત કરવો જોઈએ.

આ બાબત પર કોઈ વિચારશીલ મનમાં આવા પ્રશ્ન પણ ઊભા થાય – તો શું આપણે ભવિષ્ય પ્રત્યે જરાય ધ્યાન ન આપવું જોઈએ? જીવન યાત્રામાં અત્યાર સુધીની ઘટનાઓનું સિંહાવલોકન શું સાવ નિરર્થક છે? પોતાના ભવિષ્યનિર્માણ માટે શું આપણે પહેલેથી જ તૈયારીઓ આરંભી દેવી ન જોઈએ? વગેરે વગેરે.

વૈજ્ઞાનિકો દ્વારા વેદાંત દર્શનનું સમર્થન

ડો. કાપ્રા – સંપૂર્ણ બ્રહ્માંડની મૂળભૂત એકતા જ પ્રાચ્ય ધર્મગુરુઓની અનુભૂતિઓનું પ્રધાન તત્ત્વ છે. આધુનિક ભૌતિક વૈજ્ઞાનિકોએ પણ આ સત્યનો આવિષ્કાર કર્યો છે. આ એકતા અણુના સ્તર પર જ અભિવ્યક્ત થઈ જાય છે. ક્વોન્ટમ સિદ્ધાંત સૃષ્ટિને ભૌતિક વસ્તુઓના સમૂહના રૂપે નહિ પરંતુ એક જ સંયુક્ત અખંડ વસ્તુના વિભિન્ન ભાગોની વચ્ચે જટિલ સંબંધોના રૂપે જોવા માટે આપણને બાધ્ય કરે છે.

લિંકન બર્નેટ – બ્રહ્માંડ પોતાના વિરાટ રૂપથી અલગ મૂળભૂત ભૌતિક તત્ત્વોની એક એવી પૃષ્ઠભૂમિના રૂપે વ્યક્ત થાય છે કે જેમાં દરેકે દરેક તારો, પ્રત્યેક અણુ, એકેએક ઘૂમતો ધૂમકેતુ, ધીમે ધીમે ચાલતી આકાશગંગા તેમજ ઊડતા પ્રત્યેક ઈલેક્ટ્રોલ પોતાની પાછળ નિહિત દેશકાળ રૂપી અખંડમાં એક તરંગના રૂપે પ્રતિભાત થાય છે.

આ રીતે જગત વિશે માનવના બધા દૃષ્ટિકોણ તેમજ સત્યવિષયક તેની કલ્પનાઓ અંતે તો એકાકાર થઈ જાય છે અને સૃષ્ટિનાં ઊંડાણોમાં નિહિત અખંડતાનું એને પ્રત્યક્ષ જ્ઞાન થવા લાગે છે.

વી. રેડનિક – અસંખ્ય તારાઓ અને સૂક્ષ્મ પરમાણુ એક બીજા સાથે જોડાયેલા તો છે જ. પણ સાથે ને સાથે તેઓ એક બીજાથી અભિન્ન અંગોના રૂપે પણ સ્થિત રહે છે. 

ડો. કાપ્રા – જો કે ગતિ અને પરિવર્તન વસ્તુઓના મૂળભૂત ગુણ છે. એટલે ગતિ દેનારી શક્તિઓ વસ્તુઓની બહારનો નહિ, પરંતુ પદાર્થનો જ એક આંતરિક ગુણ છે. આ પ્રકારે પ્રાચ્ય દૃષ્ટિકોણથી ઈશ્વરને ઉપરથી જગતને ચલાવનારા એક બાહ્ય શાસક નહિ, પરંતુ ભીતરથી સર્વ કંઈ નિયંત્રિત કરનાર તત્ત્વના રૂપે નિરૂપિત કરવામાં આવ્યું છે. 

જ્યારે આપણે આવી રીતે વસ્તુઓની ગહનતામાં ઊતરીએ છીએ ત્યારે એની પાછળ રહેલ મૂળભૂત એકતાનો વધારેમાં વધારે આભાસ મેળવીએ છીએ. આધુનિક વિજ્ઞાન તથા પ્રાચ્ય દર્શનો દ્વારા આવિષ્કૃત સિદ્ધાંતોની તુલના કરવાના નિષ્કર્ષ રૂપે બધા પદાર્થો તથા શક્તિઓની એકતા પ્રમાણિત થાય છે. જ્યારે આપણે અણુવિજ્ઞાનના વિવિધ પહેલુઓનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણને વારંવાર આવું જ અંતર્જ્ઞાન મળે છે. બધા પદાર્થોના મૂળભૂત ઘટક તથા એમાંથી ઉત્પન્ન થનારી ક્રિયાઓ એકબીજા સાથે સંબંધિત, પરસ્પર જોડાયેલી અને એક બીજા પર આધારિત હોય છે. આપણે આ ઘટકોને અલગ અલગ કરીને એમનું અધ્યયન કરી શકતા નથી. આપણે એ બધાંને એક જ અખંડના અંશ રૂપ માનવા પડે.

ક્રમ વિકાસની પદ્ધતિ

પ્રસિદ્ધ જીવ વૈજ્ઞાનિક જે.એસ. હાર્ડેને જોયું હતું કે એક જ શક્તિ જગતમાં વિભિન્ન વિભિન્ન રૂપે વ્યક્ત થાય છે. એમણે પોતાના ‘The Science and Philosophy – વિજ્ઞાન અને દર્શન’ નામના ગ્રંથમાં આમ કહ્યું છે: ‘સ્વાભાવિક વસ્તુ વિશેની આપણી સંકીર્ણ દૃષ્ટિ જ આપણી ભીતર અને આપણી ચોતરફ – સર્વત્ર રહેલા ઈશ્વરની ઉપસ્થિતિનું જ્ઞાન મેળવવામાં બાધક નીવડે છે. ઈશ્વર સિવાય બીજું કંઈ સત્ય નથી અને ગતિ અને કાળના સંબંધો તેના નિયમની અભિવ્યક્તિ માત્ર છે. પ્રકૃતિ ઈશ્વરની અભિવ્યક્તિ છે. ક્રમવિકાસ જૈવકીય તથા ભૌતિક પ્રક્રિયા નથી, પરંતુ તે કાળના નિયમ અને ઈશ્વરની અભિવ્યક્તિ સાથે સંબંધિત છે.’ એક બીજી બાજુએ ચાર્ડીને ‘The Phenomenon of Man – માનવ રૂપી ઘટના’ નામના ગ્રંથમાં કહ્યું છે કે આ ક્રમ વિકાસની પ્રક્રિયા જાણે કે કોઈ વિરાટ જીવ દ્વારા ચલાવવામાં આવે છે અને ડો. જે.બી. એસ. હાલ્ડેન પોતાના ‘Unity and Diversity of Life – જીવનની એકતા અને વિવિધતા’ નામના પુસ્તકમાં કહે છે: ‘આ સદીમાં થયેલ ભૌતિક વિજ્ઞાનની બે શોધોમાં મહત્ત્વપૂર્ણ દાર્શનિક તાત્પર્ય રહેલું છે. એમાંનો એક છે આઈન્સ્ટાઈનનો આ મત – ‘કાળ તથા સ્થાન, એક જ પ્રકારના સંબંધના ભિન્ન ભિન્ન પાસાં છે.’ અને બીજો છે ‘પરમાણુઓની વચ્ચે રહેલો પરસ્પરનો ભેદ સ્થાયી નથી.’ આ સિદ્ધાંત આપણને મારામાં અને તમારામાં તેમજ મારામાં અને આ મચ્છરની વચ્ચેનો દેખાતો ભેદ પણ સ્થાયી નથી, એવી શ્રદ્ધા આપવામાં સહાયક બને છે. મનમાં આ વિચારને રાખીને પ્રોફેસર રેન્ચ ને મુનેસ્ટરના જૈવ સંગ્રહાલયની દિવાલ પર ઉપનિષદની ‘તત્‌ ત્વમ્‌ અસિ’ એ ઉક્તિ કોતરાવેલી હતી. આ વિશે આઈન્સ્ટાઈનનો મત આવો છે : ‘મારો ધર્મ એક અસીમ પરમાત્માની સવિનય પ્રશંસાના રૂપે રહેલો છે. એ સ્વયંને બધાં નાના મોટાં વિવરણોના રૂપે પ્રગટ કરે છે, જેમને આપણે પોતાના નબળાં મનબુદ્ધિ દ્વારા જોઈ શકીએ છીએ. બુદ્ધિ કે જ્ઞાનની સીમાથી પર બ્રહ્માંડમાં વ્યક્ત થઈ રહેલ એક પરમ યુક્તિમય શક્તિમાં ગહનભાવ પૂર્ણ આસ્થા કે શ્રદ્ધા જ મારી ઈશ્વર વિષયક ધારણા છે. 

ઈ.સ. ૧૯૬૯માં ‘અવ્યક્તિગત મનોવિજ્ઞાન – Transpersonal Philosophy’ના શીતકાલીન અંકમાં એક વિશેષ લેખ છપાયો હતો. આ લેખના વિભિન્ન ભાગોમાં ભૌતિક શાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, અંતરિક્ષ વિજ્ઞાન વગેરે ક્ષેત્રોના વિખ્યાત વૈજ્ઞાનિકો તથા ગૂઢરહસ્યને જાણનારા દાર્શનિકોનાં ઉદ્ધરણો એમના નામનો ઉલ્લેખ કર્યા વિના અપાયાં હતાં. માત્ર લેખના અંતે આપેલી ટિપ્પણીમાં જ એ ઉદ્ધરણોનાં મૂળ સ્રોત તથા એમના લેખકોનાં નામ હતાં. આ ટિપ્પણીઓ જોયા વિના વૈજ્ઞાનિકો તથા દાર્શનિકોની ઉક્તિઓ વચ્ચે ભેદ પાડવો કઠિન કાર્ય હતું. બીજા શબ્દોમાં કહીએ તો વૈજ્ઞાનિકો તથા તત્ત્વવેત્તાઓનાં કથનોની વચ્ચે એક વિલક્ષણ સમાનતા હતી. આ વિષયમાં રુચિ ધરાવનારા લોકોએ ડો. કાપ્રા દ્વારા લખેલ Tao of Physics વાંચવું જોઈએ.

સ્વામી વિવેકાનંદે શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું ત્યાર પછી તેઓ ત્યાંથી કુંભકોણમ્‌ પાછા આવ્યા. આઈન્સ્ટાઈનના સાપેક્ષતાના સિદ્ધાંતને પ્રકાશિત થયા પહેલાંના આઠ વર્ષ પૂર્વે એમના થયેલા સ્વાગતનો પ્રત્યુત્તર આપતાં એમણે આ પ્રમાણે કહ્યું હતું:

‘સમગ્ર સંસારનું આધ્યાત્મિક એકત્વ રૂપી આ મહાન સનાતન તત્ત્વ સંભવત: ઉચ્ચ વર્ણની જાતિઓ કરતાં નાની અને નીચલી ગણાતી જાતિઓ માટે; શિક્ષિતો કરતાં મૂક જનતા માટે; તેમજ બળવાન કરતાં દુર્બળો માટે વધુ આવશ્યક છે. મદ્રાસ વિશ્વ વિદ્યાલયના શિક્ષિત સદ્‌ગૃહસ્થો, આપને એ વિસ્તારપૂર્વક સમજાવવું નહિ પડે કે યુરોપની વર્તમાન વૈજ્ઞાનિક સંશોધન પ્રણાલી કેવી રીતે ભૌતિક દૃષ્ટિથી સમગ્ર જગતનું એકત્વ સિદ્ધ કરી રહી છે! ભૌતિક દૃષ્ટિએ પણ અમે-તમે, સૂર્ય, ચંદ્ર અને તારાઓ એ બધાં અનંત જડ સમુદ્રની નાની નાની લહેરો જેવાં છે. આ બાજુએ સેંકડો સદીઓ પહેલાં ભારતીય મનોવિજ્ઞાને જડ-વિજ્ઞાનની જેમ જ શરીર અને મન બંને સમષ્ટિ રૂપે જડ સમુદ્રની ક્ષુદ્ર તરંગ જેવાં છે, એ પ્રમાણિત કરી દીધું છે; એનાથી એક પગલું આગળ વધીને વેદાંતે ‘જગતના આ એકત્વ ભાવની પાછળ જે આત્મા છે તે પણ એક જ છે’ એ બતાવી દીધું છે. સમસ્ત બ્રહ્માંડમાં કેવળ એક આત્મા જ વિદ્યમાન છે, સર્વ કંઈ એની જ સત્તા છે. વિશ્વ-બ્રહ્માંડના મૂળમાં વાસ્તવમાં ઐક્ય છે. આ મહાન સત્યને સાંભળીને મોટા ભાગના લોકો ડરી જાય છે. બીજા દેશોની તો વાત દૂર રહી પણ આ દેશમાંયે આ સિદ્ધાંતને માનનારાઓ કરતાં એના વિરોધીઓની સંખ્યા વધારે છે. છતાં પણ તમને લોકોને મારે આટલું જ કહેવાનું છે કે જો કોઈ એવું તત્ત્વ હોય કે જેને સમગ્ર જગત આપણી પાસે સ્વીકારવા તૈયાર હોય અને જેને ભારતની મૂક જનતા પોતાની ઉન્નતિ માટે ઇચ્છતી કે વાંછતી હોય તો એ જ જીવનદાયી તત્ત્વ છે. કારણ કે અદ્વૈતવાદને વ્યવહારુ અને ઉપયોગી રીતે કાર્ય રૂપમાં પરિણત કર્યા વિના કોઈ પણ વ્યક્તિ આપણી માતૃભૂમિનું પુનરુત્થાન કરી ન શકે.’

પ્રત્યેક વસ્તુના ઊંડાણમાં જવાથી આપણને આ એકત્વની ઝલક મળી રહે છે. જો આપણે ઊંચ-નીચ, ધનવાન-નિર્ધન, દેવ-માનવ, નર-પશુ, વગેરેના વિભિન્ન સમૂહોની ગહનતામાં પ્રવેશી શકીએ તો આપણને એમની ભીતર એકત્વનું જ્ઞાન થાય છે. આ બધાં એક જ તત્ત્વની ભિન્ન ભિન્ન અભિવ્યક્તિઓ છે.

પરમાણુઓની લીલા

પરમાણુના સ્તરે દરેક વૈજ્ઞાનિક પણ આ એકતાનો અનુભવ કરે છે. જો કે વિભિન્ન પદાર્થ ભિન્ન ભિન્ન પ્રકારનાં ગુણોવાળા અણુઓથી બનેલ છે, છતાં પણ વિશ્લેષણ કરવાથી આપણને જોવા મળે છે કે બધા પદાર્થ મૂળભૂત પરમાણુ રૂપી ઈંટોથી બનેલ છે.

જો આપણે કલ્પના કરી શકીએ કે એક પેન્સિલની અણી જેવા નાના એવા બિંદુમાં ૧૦ લાખ પરમાણુ સમાઈ શકે છે અને ત્યાર પછી પણ થોડી જગ્યા ખાલી રહી જાય છે; તો આપણે પરમાણુની સૂક્ષ્મતાને સમજી શકીએ છીએ. દ્રાક્ષના બીજની જેમ પરમાણુની ભીતર એક નાભિક કે ન્યુક્લિયસ હોય છે. વળી પરમાણુમાં પ્રોટોન તથા ન્યૂટ્રોન નામના એનાથીયે વધુ સૂક્ષ્મ એકમો હોય છે. આ એકમો પ્રતિ સેકંડ ચાલીસ હજાર માઈલની તીવ્ર ગતિએ પરમાણુની ભીતર જ ઘૂમતા રહે છે. ઇલેક્ટ્રોન નામના એનાથીયે સૂક્ષ્મ કણ નાભિકની ચારે બાજુએ ઘૂમતા રહે છે. જ્યારે એક પંખો ઝડપથી ફરે છે ત્યારે આપણને એમના પાંખિયાં અલગ અલગ દેખાતા નથી; પરંતુ આખો પંખો જ ફરતો દેખાય છે. એવી રીતે જો કે નાભિક તેમજ ઘૂમતા રહેતા ઇલેક્ટ્રોનોની વચ્ચે ખાલી જગ્યા હોય છે, પરંતુ ઇલેક્ટ્રોન પ્રતિ સેકંડ ૬૦૦ માઈલની તીવ્ર ગતિએ ઘૂમતા રહે છે, પરમ ઊર્જાના પ્રતિરૂપ અને પદાર્થના મૂળભૂત તત્ત્વ રૂપ પરમાણુઓમાં નિરંતર ગતિ બની રહે છે. આ પદાર્થ ભોજન, ઈંધણ, વસ્ત્ર તથા બીજી અસંખ્ય વસ્તુઓના રૂપે આપણા ઉપયોગમાં આવે છે. આપણા શરીરના તાણાવાણાંના રૂપે તેના વિભિન્ન અવયવોના નિર્માણનાં સાધન બની જાય છે, માનવજાતિનું રૂપ લે છે. તેમજ સૂક્ષ્મ અણુ-આકારના જિન બનીને આનુવંષિકતાની નિરંતરતાને જાળવી રાખે છે. ટાઈપના કાગળ પર મુદ્રણકાર્યથી પુસ્તકો બને છે. અર્થપૂર્ણ વાક્ય બનાવવા માટે ટાઈપના અક્ષરોને એક વિશેષ ક્રમમાં ગોઠવવા જોઈએ. આ ટાઈપના સંયોજનમાં એક ક્રમ અને વ્યવસ્થા હોય છે. જ્યારે આપણે એમના દ્વારા છપાયેલા અક્ષરોને વાંચીએ છીએ ત્યારે એમનો અર્થ સમજી લઈએ છીએ. આપણને એ બાબતનો જરાય સંદેહ થતો નથી કે ટાઈપના વિશિષ્ટ ક્રમ લેખકની ઇચ્છાનુસાર ગોઠવવામાં આવે છે. આ અત્યંત જટિલ, વિવિધતાપૂર્ણ તથા રહસ્યમય જગત પણ ક્રમહીન, અનિયમિત તથા અવ્યવસ્થિત નથી. આઈન્સ્ટાઈનનું સૂત્ર એ બતાવે છે કે આ જગત ગણિતના સૂત્રની જેમ નિયમોથી બંધાયેલું છે. આપણને સૂક્ષ્મ તથા વિરાટ બ્રહ્માંડમાં જોવા મળતી આવી પૂર્ણ વ્યવસ્થિત પ્રણાલીની પાછળ રહેલ તેના નિયંતા ઈશ્વરના હાથની આપણે શોધ કરવી પડશે. આઈન્સ્ટાઈનના શબ્દોમાં કહીએ તો : ‘ઈશ્વર સૂક્ષ્મ છે, પણ પક્ષપાતી નથી; ઈશ્વર બ્રહ્માંડમાં પાસા ખેલતો નથી.’ આ જગતની આપાત અવ્યવસ્થાની પાછળ આપણને એક ક્રમ કે પ્રણાલી જોવા મળે છે. આ બાબતમાં પણ આપણને ઈશ્વરની સૃષ્ટિનું સૂક્ષ્મ પણ સ્પષ્ટદર્શન થાય છે. વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા વસ્તુઓના સાચા સ્વરૂપની શોધ કરવામાં સક્ષમ વ્યક્તિનું મન નિશ્ચિત રૂપે આધ્યાત્મિક આદર્શો તેમજ ભાવો સાથે જોડાયેલું હશે. પરમ સત્યની શોધ કરવાની ઇચ્છા તથા ક્ષમતા રાખનારા વૈજ્ઞાનિક ચોક્કસપણે એક ધાર્મિક વ્યક્તિ હોવાની. આઈન્સ્ટાઈનના શબ્દોમાં કહીએ તો: ‘ધર્મરહિત વિજ્ઞાન લંગડું છે, વિજ્ઞાન વિનાનો ધર્મ અંધ છે.’

બ્રહ્માંડની પૃષ્ઠભૂમિમાં પરમેશ્વર

પરમાત્મ રૂપી દિવ્ય તત્ત્વ સર્વવ્યાપી છે અને સર્વદા બધી વસ્તુઓના સ્વામી છે. ભગવદ્‌ ગીતા પ્રમાણે સર્વશક્તિમાન પરમાત્મા બધા પ્રાણીઓમાં રહેલ છે. પોતે નિત્ય તેમજ નિર્લિપ્ત રહીને પોતાની માયાની શક્તિથી બધાને યંત્રની જેમ પરિચાલિત કરતા રહે છે. જે લોકોએ અણુ તથા પરમાણુની ભીતરની ગતિનું અવલોકન કર્યું છે એમને ઉપર્યુક્ત કથનની સત્યતાનું જ્ઞાન થવાનું જ. ઉપનિષદોમાં વર્ણવેલ પરમાત્માનાં લક્ષણોમાં બધા ધર્મોની ઈશ્વર વિષયક મૂળભૂત વાતો આવી ગઈ છે. ઈશ્વરની સગુણ તથા નિર્ગુણ એવી બંને અવસ્થાનો વિચાર એમાં રહેલ છે. એ ઠીક ઠીક પ્રમાણમાં બ્રહ્માંડ નિયંત્રણ સત્તાના વિશે વૈજ્ઞાનિકોની દૃષ્ટિ સાથે મેળ ખાય છે. પરંતુ વસ્તુત: એ આ વૈજ્ઞાનિક દૃષ્ટિઓને પણ અતિક્રમી ગયા છે. શ્વેતાશ્વરોપનિષદ ૬.૧૧ના આ શ્લોકમાં આ જ મર્મ આપણે જોઈ શકીએ છીએ :

એકો દેવ: સર્વભૂતેષુ ગૂઢ: સર્વવ્યાપી સર્વ ભૂતાન્તરાત્મા ।
કર્માધ્યક્ષ: સર્વભૂતાધિવાસ: સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ ॥

સમગ્ર પ્રાણીઓમાં રહેલ એક દેવ છે. તે સર્વવ્યાપક સમગ્ર પ્રાણીઓના અંતરાત્મા, કર્મોના અધિષ્ઠાતા, બધા પ્રાણીઓમાં વસેલા, બધાના સાક્ષી, બધાને ચૈતન્ય પ્રદાન કરનાર, શુદ્ધ અને નિર્ગુણ છે. 

ઉપનિષદોએ આત્માના સાચા અને મૂળ સ્વરૂપની શોધથી આરંભ કરીને વારંવાર પરમાત્માની સર્વવ્યાપકતા તથા એકતાના તત્ત્વ પર ભાર મૂક્યો છે.

શ્રીરામકૃષ્ણ આમ કહેતા: ‘ઈશ્વર બધામાં છે, પરંતુ બધા લોકો ઈશ્વરમાં રહેતા નથી.’ પરમાત્મા બધામાં હાજરાહજૂર છે, પરંતુ એ પરમસૂક્ષ્મ હોવાને કારણે મનુષ્યની સામાન્ય દૃષ્ટિથી પર છે. માનવની સત્યવિષયક ધારણા તેની સાધારણ સામાન્ય સમજ સુધી સીમિત હોય છે; જેમાં એમનો જન્મ તથા પાલનપોષણ થાય છે તેવી પોતાની પારિવારિક તથા પારિવેષિક પરિસ્થિતિઓથી તે ધારણા સીમિત અને બદ્ધ હોય છે. ઘેંટાની વચ્ચે ઉછરેલું વાઘનું બચ્ચું પોતાની જાતને ઘેંટું જ સમજતું રહ્યું. ધોબીના ઘરે મોટો થયેલ રાજકુમાર પોતાને ધોબી માનતો રહ્યો. ‘હું માંસ, રક્ત, સ્નાયુઓ, નાડીઓથી બનેલો છું અને એક વિશેષ જાતિ, વર્ગ તથા ધર્મમાં જન્મ્યો છું’ આ બાબતમાં આવી ધારણા સાથે જ માનવજીવનનાં બધાં સાધારણ કર્મો સંપન્ન થાય છે. સત્યને જાણવાની સાચી ઇચ્છા કે લગની વિના મનુષ્ય પોતાના અંતરની ગહનતામાં જઈને કે ઊતરીને પોતાના સાચા સ્વરૂપનું જ્ઞાન કરી શકતો નથી. યુક્તિઓ દ્વારા આ વાત વારંવાર સમજાવવામાં આવે તો તે એના પર શ્રદ્ધા-વિશ્વાસ કરતો નથી. પરંતુ આજની નવીનતમ વૈજ્ઞાનિક શોધોના પ્રકાશમાં વસ્તુઓની વાસ્તવિકતાને સમજવી અસંભવ નથી. એને માટે એક જ શરત છે અને તે છે – સત્યને જાણવાની સાચી ઇચ્છા કે લગની.

‘આ બધું પરમતત્ત્વ છે’; ‘આ બધું બ્રહ્મ જ છે’; ‘આ બ્રહ્મ અદ્વૈત છે’; ‘આ આત્મા જ બ્રહ્મ છે’; ‘હું જ પરબ્રહ્મ છું’; ‘એ બ્રહ્મ તું જ છે’; ‘એ પરબ્રહ્મ શુદ્ધ ચૈતન્યમય છે’ – પરમસત્યના સ્વરૂપ વિશે ઉપનિષદોની આ ઉક્તિઓ મહાન ઋષિઓના દૃષ્ટિકોણને રજૂ કરે છે. ધાર્મિક લોકો કે ભક્તો આને આ રીતે સમજવાના અને વ્યક્ત કરવાના – ‘ઈશ્વર આપણી ભીતર સર્વદા રહે છે; એનાથી આપણે પોતાનાં અસ્તિત્વ, ઊર્જા તથા શક્તિ પ્રાપ્ત કરીએ છીએ. આપણે એમાં જ રહીએ છીએ, ચાલતાં-ફરતાં અંતે એમાં જ પાછા ફરીએ છીએ. સમગ્ર સૃષ્ટિની પાછળ એ જ રહેલ છે. એ અતુલનીય છે, તે સર્વવ્યાપી અદ્વૈતતત્ત્વ શાશ્વત છે.’ પરંતુ આ તત્ત્વ ત્યારે જ પરિવર્તન લાવી શકે કે જ્યારે આપણે એને બરાબર સમજી લઈએ. આ તત્ત્વને સમજવા માટે સર્વ પ્રથમ આપણે બૌદ્ધિક કક્ષાએ એમાં વિશ્વાસ રાખવો પડે. આપણું મન પૂર્ણ રીતે ઈશ્વરમાં વિશ્વાસ કરતું બને, ત્યારે આપણા જીવનમાં સાચા જ્ઞાનનો અરુણોદય થાય.

આ સર્વવ્યાપી તથા સર્વશક્તિમાન ઈશ્વર આપણી વ્યક્તિ-સંબંધી ધારણા પ્રમાણે વ્યક્તિ નથી. પરંતુ જ્યારે આપણે પ્રેમભક્તિ સાથે એમના પ્રત્યે આગળ વધીએ છીએ ત્યારે તે વ્યક્તિનું રૂપ ધારણ કરી શકે છે. તે પોતાના ભક્તો દ્વારા ઇચ્છિત એવું કોઈ પણ રૂપ ધારણ કરી શકે છે. ઈશ્વરની ભલે ગમે તે રૂપે ધારણા કરવામાં આવે પણ એમના ચિંતનમાત્રથી જ મનુષ્યની ભીતર તથા બહારનું સર્વકંઈ શુદ્ધ પવિત્ર થાય છે.

પરમાત્માનું ગૌરવ

અક્કા મહાદેવી કહે છે:

ભોજનની પાછળ દોડતા રહ્યા દિવસે,
વાસનાની પાછળ ભાગતા રહ્યા રાતે;
તરસ્યો ધોબી મર્યો જળમાં!
ભગવાન વિરાજે છે હૃદયમાં,
પણ ન આવ્યા એ દર્શને!

બાહ્ય જગતની પૃષ્ઠભૂમિના રૂપે રહેલ તત્ત્વ જ વ્યક્તિના આંતરજગતની પૃષ્ઠભૂમિ સિદ્ધ થઈ છે. બીજા શબ્દોમાં કહીએ તો વસ્તુનિષ્ઠ તત્ત્વ પરમાત્મા અને વ્યક્તિનિષ્ઠ આત્મા એક જ છે. આ સત્યની પુષ્ટિ કરતાં પોતાના ‘તાઓ ઓફ ફિઝિક્સ’માં ડો. કાપ્રા કહે છે: ‘ઋષિઓની વિપરિત એક ભૌતિક વિજ્ઞાની વસ્તુઓના સ્વરૂપની શોધ જડજગતના અધ્યયનથી શરૂ કરે છે. પદાર્થના ગહનતર સ્તરોએ પહોંચીને તેણે બધી વસ્તુઓ તથા ઘટનાઓની મૂળભૂત એકતાને સમજી લીધી છે. એનાથી પણ આગળ તેણે એ પણ જાણી લીધું છે કે તે પોતે તથા તેની ચેતના એ જ એકતાનું એક અવિભાજ્ય અંગ છે. આ રીતે ઋષિ તથા ભૌતિક વિજ્ઞાની, એક અંતર્જગતથી અને બીજો બાહ્યજગતથી આરંભીને, એક જ નિષ્કર્ષ પર આવે છે. એમના દૃષ્ટિકોણોનું સામ્ય ભારતના ‘બ્રહ્મરૂપી બાહ્ય પરમતત્ત્વ તથા આત્મારૂપી આંતરિક તત્ત્વ એક અને અભિન્ન છે’ એવા એ પ્રાચીન જ્ઞાનનું સમર્થન કરે છે. 

જેમ વૈજ્ઞાનિક માને છે કે પરમાણુની સંરચના જાણી લેવાથી આપણે સમગ્ર ભૌતિક જગતનું રહસ્ય સમજી શકીએ છીએ, એવી જ રીતે આત્મદૃષ્ટા કહે છે કે પોતાના આત્માને જાણી લેવાથી આપણે બધું જાણી જઈએ છીએ.

વ્યક્તિ જીવનમાં ભલે ગમે તે ક્ષેત્રમાં કેમ ન હોય, આ જ્ઞાન એના જીવનને ઉન્નત બનાવી શકે છે. ચાલો આપણે આ કેવી રીતે બની શકે એ જોઈએ.

(ક્રમશ:)

Total Views: 56

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.