વિનાશના દૂત

સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘તમને અત્યારે જે કેળવણી મળે છે તેમાં થોડાંઘણાં સારાં તત્ત્વો તો છે પણ એમાં નઠારી બાબતો એટલી વધુ પ્રમાણમાં છે કે તે બધી એ કેળવણીના સારા અંશને પણ દબાવી દે છે. સૌથી પહેલી વાત તો એ છે કે આ કેળવણીને મનુષ્ય બનાવનારી કેળવણી કહી ન શકાય. આ કેળવણી તો માત્ર અને પૂર્ણત: અભાવાત્મક છે. અભાવાત્મક કેળવણી કે અભાવના પાયાના આધારિત કેળવણી મૃત્યુ કરતાં પણ વધુ ભયંકર છે. કોમલમતિવાળું બાળક શાળામાં દાખલ તો થાય છે, એની સાથે એમને સૌથી પહેલી વાત એ શીખવવામાં આવે છે કે તમારા પિતા મૂર્ખ છે; બીજી વાત તમારા દાદા, પરદાદા પાગલ છે એમ શીખવવામાં આવે છે; ત્રીજી વાત તમારા જેટલા શિક્ષકો કે આચાર્યો છે એ બધા પાખંડી છે એવું શીખવાય છે. અને ચોથી વાત એ શીખવાય છે કે તમારા જેટલા પવિત્ર ધર્મગ્રંથો છે એ બધામાં ખોટી અને કપોલ કલ્પિત વાતો ભરપૂર ભરી છે. આ પ્રકારની અભાવાત્મક વાતો શીખતાં શીખતાં બાળક સોળ વર્ષની ઉંમરે પહોંચી જાય છે ત્યાં સુધીમાં તે પોતે અભાવાત્મક બાબતોનું ઘર બની જાય છે. પછી એમાં પ્રાણ પણ નથી હોતો અને એનો મેરુદંડ પણ નથી હોતો.’

આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિની મહાન બૌદ્ધિક ક્ષમતાનાં ઘણાં પ્રમાણો પ્રાપ્ય છે. પ્રાચીન ભારતની ઉપલબ્ધિઓને જોઈને સમગ્ર વિશ્વ આશ્ચર્યચકિત બની ગયું હતું. આ ભાવથી અનુપ્રાણિત બનીને આપણા દુરંદેશી મહાન દેશભક્તોએ દેશને વિદેશીઓના શોષણમાંથી મુક્ત કરાવવા પોતાના જીવનને પણ દાવમાં લગાડી દીધું અને એ માટે સંઘર્ષ પણ કર્યો. પરંતુ આજના શાળા-મહાશાળાઓમાંથી બહાર પડતા કરોડો નવયુવકોમાં રાષ્ટ્રની ગરિમા તથા મહિમા વિશે જરાય ગૌરવ કે જ્ઞાન કેમ નથી જોવા મળતું?

પ્રચારના કોઈ સુનિયોજિત પ્રયાસ વિના પ્રાચીન ભારતનાં યોગવેદાંત, નૃત્યસંગીત, સ્થાપત્યકલા, દર્શન, સંતનાં ચરિત્ર તથા ધર્મગુરુઓના ઉપદેશોએ પોતાની અંતર્નિહિત શક્તિથી વિદેશી બુદ્ધિજીવીઓને આકર્ષ્યા છે. પરંતુ આપણા દેશના શિક્ષિત યુવાનો એ બધાં પ્રત્યે કેમ આકર્ષાતા કેમ નહિ હોય? શું આપણે પોતાના યુવકો પાસેથી પોતાની સંસ્કૃતિના ઉપર્યુક્ત પાસાંના પ્રાથમિક જ્ઞાન, થોડીઘણી રુચિ તેમજ એ માટેનું ગૌરવ અને જ્ઞાનની અપેક્ષા ન કરીએ? શું આ અપેક્ષાનો કોઈ આધાર છે ખરો? આપણા આધુનિક ક્રાંતિકારી તથા વિચારક આપણી સમગ્ર પ્રાચીન ઉપલબ્ધિઓ તેમજ દેશના પરંપરાગત મૂલ્યોને કેવળ ‘શોષણ’ તેમજ ‘અંધવિશ્વાસ’ જ કહે છે; આવું કેમ બને છે? રાષ્ટ્રવાદના ભાવથી અનુપ્રાણિત થઈને આપણા મહાન નેતાઓએ ઠીક ઠીક પ્રમાણમાં દુ:ખકષ્ટ વેઠ્યાં અને બલિદાન આપ્યાં છે; ત્યાર પછી જ આપણે સ્વાધીનતા મેળવી છે. પરંતુ આજે આપણે પોતાની ચારે તરફ રાષ્ટ્રવાદ તથા દેશભક્તિના મૂળ પર જ પ્રહાર કરતી પ્રવૃત્તિઓ જ શા માટે જોઈએ છીએ? ભાષાવિવાદ, સાંપ્રદાયિક ઇર્ષ્યા, સ્વાર્થપરાયણતા, બુદ્ધિજીવીઓની આંધળા અનુકરણવાળી પ્રવૃત્તિઓ, વ્યાપક ભ્રષ્ટાચાર અને નૈતિક પતન, અયોગ્ય રાજનેતા, લોભી ઉત્પાદકો, કાળાબજારિયાઓ, સ્વાર્થી તથા ભ્રષ્ટ અધિકારીઓ, આળસુ કાર્યકરો કે મજૂરો, શિસ્ત અને ભાવનાઓ વિનાના વિદ્યાર્થીઓ દ્વારા શું આપણો દેશ બરબાદ થઈ રહ્યો છે? શું આપણે એમ ને એમ જ દેશ માટે સંઘર્ષ કર્યો હતો? રાજનૈતિક ઘૃણાના બીજ વાવીને શું રાષ્ટ્રિય પ્રગતિનું ફળ મેળવી શકાય ખરું? રાજનૈતિક ભ્રષ્ટાચારનાં ઉદાહરણો ઉત્તરોત્તર વધતા રહે છે. વળી અપરાધીઓને દંડ કે સજા મળતાં નથી. ગરીબોનાં દુ:ખકષ્ટ વધતાં રહે છે, પરંતુ એ બધાંની દૂર થવાની આશાનું કોઈ કિરણ નજરે પડતું નથી. આપણા નેતાઓ વારંવાર એવો દાવો પણ કરે છે કે તેઓ ગરીબો અને પછાતોના ક્ષેમકલ્યાણ માટે નિરંતર કઠોર પરિશ્રમ કરે છે. ચારે બાજુએ અંધકાર અને અંધકાર છે, ઉચ્ચસ્થાને વિરાજેલા તેમજ શાસનની ધુરા સંભાળનારા લોકો ‘સર્વત્ર પ્રકાશ અને પ્રકાશ છે’ એવી વાત કરે છે. શું આ પરિસ્થિતિ સંતોષજનક છે ખરી? શું આપણા આ પતનને રોકીને દેશને બચાવી શકે એવી કોઈ શક્તિ નથી? દેશના બધા રાજનૈતિક પક્ષો તથા ભિન્ન ભિન્ન ધર્મોના અનુયાયીઓને એકસૂત્રમાં પરોવીને, એક સામાન્ય લક્ષ્ય પ્રત્યે પ્રેરીને દેશના યોગક્ષેમના કાર્યમાં નિયોજિત કરી શકાય એવો કોઈ ઉચ્ચ આદર્શ શું આપણી પાસે નથી? આપણા દેશવાસીઓની આત્મધારણા કે આત્મશ્રદ્ધા કેટકેટલા અભાવાત્મક ભાવવિચારોથી પરિપૂર્ણ છે અને એને જ પરિણામે એક મહાન રાષ્ટ્રિય આપત્તિ રાહ જોઈને ઊભી છે.

પુનર્જીવનની આવશ્યકતા

કેટલાંક સમય પહેલાં આપણા દેશના એક પ્રતિભાશાળી વક્તા નાની પાલખીવાલાએ જાપાનના એક મંત્રીને આવો પ્રશ્ન પૂછ્યો: ‘આપના દેશવાસીઓની બુદ્ધિની તુલનામાં અમે ભારતવાસીઓ કંઈ કમ નથી, પરંતુ આપ લોકોએ વિશ્વનાં પરમ ઉન્નત રાષ્ટ્રોની વચ્ચે પોતાનું એક મહત્ત્વનું સ્થાન બનાવી લીધું છે. એની સામે અમે લોકો હજુયે ઊંડા કળણમાં ફસાતા જઈએ છીએ, એનું કારણ શું?’ જાપાનના મંત્રીએ જવાબ આપ્યો, એમાં ઘણી મહત્ત્વની વાત હતી. એમણે કહ્યું: ‘મિત્ર, જાપાનમાં અમે દસ લાખ નાગરિકો છીએ, જ્યારે આપના દેશમાં આપ સૌ ૬૦ કરોડ વ્યક્તિ છો!’

શું આપણી કેળવણી આપણી પ્રજા તેમજ નવયુવાનોને સફળતાપૂર્વક દેશના નાગરિક બનાવી શકે એવી એમાં કોઈ સંભાવના છે ખરી? કે પછી પોતાના ક્ષુલ્લક સ્વાર્થથી બહાર ન આવી શકનારા વ્યક્તિઓને જ પેદા કરતી રહેશે? જાપાનના મંત્રીએ આપણને લોકોને ‘વ્યક્તિ’ કહ્યા છે. શું એ ‘વ્યક્તિ’ શબ્દ સાથે ‘સ્વાર્થી’ એવું વિશેષણ લગાડવાનું ભૂલી ગયા હશે?

એક વિદેશી પર્યટકે ‘ગરીબોનો સમૃદ્ધ દેશ’ એ રૂપે ભારતનું વર્ણન કર્યું હતું. આ કેવો ભયંકર દૈવદુર્વિપાક છે! આવી પરિસ્થિતિનું કારણ શું હોઈ શકે? 

હમણાંના દશકાઓમાં ઈઝરાયલ પોતાનાં દેશભક્તિ, પરિશ્રમ-ઉદ્યમ તથા સાહસનો એક અભૂતપૂર્વ ભાવ દેખાડીને વિશ્વમાં એક મહાન રાષ્ટ્રના રૂપે વિકસી ગયું છે. એક હજાર વર્ષ પહેલાં ઈઝરાયલના એ લોકો પોતાની માતૃભૂમિને ગુમાવી બેસીને સમગ્ર વિશ્વમાં વિખરાયેલા પડ્યા હતા. પરંતુ આજે તેઓ પોતાના એ નાનકડા દેશમાં સ્થાયી થયા છે. એ દેશ શત્રુતાપૂર્ણ ભાવનાવાળા પાડોશી દેશોની વચ્ચે હોવા છતાં પણ ઉન્નતિ કરી રહેલ છે. જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં અદ્‌ભુત વિકાસ કરીને એ પ્રજાએ રણને સ્વર્ગના નંદનવનમાં બદલી નાખ્યું છે. આપણે જે માનવજાતિના છીએ, ઈઝરાયલ અને જાપાનના લોકો પણ એ જ માનવજાતિના છે. તો પછી આપણી અને એમની વચ્ચેના ભેદનું કયું કારણ હોઈ શકે? 

ઉપર્યુક્ત બંને દેશોનું એક લક્ષ્ય છે અને તેનો એક ઉદ્દેશ્ય છે. તે લોકો ‘પોતાનો દેશ તથા પોતાની પ્રજાના સ્વાભિમાનનો ભાવ’ સ્થાપિત કરવા ઇચ્છે છે કે જેને પરિણામે સ્વાભિમાન કે આત્મગૌરવનો ભાવ ઉદ્‌ભવે છે. ભારતવાસીઓ પોતાનું લક્ષ્ય ભૂલી ગયા અને આપણે પોતાની જાતની જ ઓળખાણ વિશે અસ્પષ્ટ રહ્યા છીએ. સંસ્કૃતિના મૂળભૂત સિદ્ધાંતો પર જ રાષ્ટ્રિયભાવ આધારિત હોય છે. આ સિદ્ધાંતોથી વ્યક્તિના કલ્યાણ તથા રાષ્ટ્રની ઉન્નતિ વિશે સાચી સંવેદના ઉદ્‌ભવે છે. જો આ સત્ય લોકોના મનના ઊંડાણ સુધી પ્રવેશી જાય અને પ્રજામાં એ વિશે સારા પ્રમાણમાં શ્રદ્ધાવિશ્વાસ દૃઢ થઈ જાય તો વ્યક્તિ તેમજ રાષ્ટ્ર એ બંનેના સાચા ઉત્થાનની આશા કરી શકાય.

વિદેશી ઉપનિવેશ કરનારી સરકારે પોતાના કાર્યાલયો માટે કારકુનોની ફોજ તૈયાર કરવા જે કેળવણીપ્રથા ચલાવી એ જ કેળવણીને આજે કોઈ પણ જાતની રોકટોક વિનાની ગતિથી ચલાવાય છે. મેકોલેએ શરૂ કરેલી શિક્ષણ પ્રણાલી આપણા ભારતીયોના મનમાં પોતાની સંસ્કૃતિ તેમજ પરંપરા પ્રત્યે ઘૃણા તથા પશ્ચિમની જીવનધારા પ્રત્યે સન્માન તેમજ પ્રશંસાનો ભાવ સ્થાપિત કરવામાં સફળ થઈ છે. જો કે અત્યારે આ કેળવણીપદ્ધતિ સાથે વિજ્ઞાન અને ટેકનોલોજીનું પણ સંયોજન થઈ ગયું છે. પરંતુ શું આ કેળવણીમાં એક સંપૂર્ણ એવં સુસંકલિત વ્યક્તિત્વનું નિર્માણ કરવાની પદ્ધતિ છે ખરી? શું આવા શિક્ષિત મનુષ્ય રાષ્ટ્રની એક ઉત્પાદકતાના એકમ બની રહ્યા છે ખરા? શું કેળવણી મેળવનાર સ્વાવલંબી બને છે ખરા? એનાથી વિપરિત શું તેઓ પરોપજીવી તો નથી બની રહ્યા ને? આપણી કેળવણીમાં વાંચવું-લખવું, સરવાળા-બાદબાકી આવે છે. વળી થોડી ઘણી કાર્યકુશળતામાં પણ તાલીમ મળે છે ખરી. આમ છતાં પણ જે આપણને એક સંગઠિત રાષ્ટ્રના રૂપે રહેવા સક્ષમ બનાવે એવી સંસ્કૃતિના આવશ્યક ગુણપ્રદાનના કાર્યમાં એ કેમ નાકામયાબ રહી છે? જો શિક્ષણ સ્વતંત્રતા, ભાવાત્મક ક્રિયાશીલતા, જનકલ્યાણ, પરિશ્રમની લગની અને થોડીઘણી માત્રામાં પણ નૈતિકતાનો ભાવ આપી શકતી નથી; તો શું એ શિક્ષણ આપણી પ્રજામાં દુર્બળતા લાવીને એમને સાવ નકામા બનાવી નથી દેતી? 

‘તમે લોકો માત્ર ગુલામ બનવા જ યોગ્ય છો’ આ ભાવ કે જેને અંગ્રેજોએ આપણી ભીતર વાવી દીધો છે તે અત્યારે પણ ભારતવાસીઓની આત્મશ્રદ્ધાનું એક અંગ બની ગયો છે એવું નથી શું? આ ભાવ ભલે ગમે તેટલો દૃઢ હોય તો પણ એને દૂર કરી શકાય તેમ છે. આપણા નાગરિકો બીજી કોઈ પણ જાતિ કે સંપ્રદાયના ભલેને હોય પણ એમની આત્મશ્રદ્ધાને સુદૃઢ અને સુવ્યવસ્થિત કરવાનો એક જ સહજ અને સરળ ઉપાય છે અને તે છે શ્રદ્ધા અને વિશ્વાસનો ભાવ.

શ્રદ્ધા-વિશ્વાસ એ જ શક્તિનો સ્રોત

દૃઢ શ્રદ્ધા-વિશ્વાસ કેવળ શારીરિક રોગોના ઉપચાર શોધવામાં જ ઉપયોગી થાય એવું છે? જીવનમાં વ્યક્તિની પ્રગતિમાં શ્રદ્ધા-વિશ્વાસનું કેવું અને કેટલું પ્રદાન અને મહત્ત્વ હોઈ શકે એ આપણે જાણવું પડશે. શ્રદ્ધા-વિશ્વાસ પોતાનો પ્રભાવ કેવી રીતે ઉત્પન્ન કરે છે? આ શ્રદ્ધા-વિશ્વાસ જીવનમાં કેવી રીતે પ્રકાશ અને માત્ર પ્રકાશ લાવે છે? એની સંભાવનાઓ કઈ કઈ અને કેવી કેવી છે? એનું રહસ્ય શું છે?

શું આ શ્રદ્ધા અને વિશ્વાસનું સ્થાન કેવળ ધર્મ માટે જ છે? કહેવાતા બુદ્ધિજીવીઓમાં ધર્મસંબંધિત કોઈ પણ વસ્તુ માટે એક પ્રકારની ભીતિનો ભાવ વિકસિત થઈ ગયો છે અને તેઓ ધાર્મિક શ્રદ્ધાને અંધવિશ્વાસ જ માને છે. પરંતુ આપણા મોટા ભાગના બુદ્ધિજીવીઓ જાણતા નથી કે પશ્ચિમના જગતમાં ધર્માચાર્યો તથા વૈજ્ઞાનિકોની વચ્ચે થયેલા સંઘર્ષના આંધળા અનુકરણમાં જ આ ભીતિનું મૂળ રહેલું છે. એને પરિણામે અનેક આધુનિક વિચારકો માટે દરેક પ્રકારના ધાર્મિક વિશ્વાસ કે શ્રદ્ધાને અંધવિશ્વાસ ગણી લેવાની એક ફેશન થઈ ગઈ છે.

ધર્મને નામે નિરર્થક કાર્યો ન થતાં રહ્યાં હોય એવું નથી. એ વાત સાચી છે કે અંધવિશ્વાસ માનવ પ્રગતિના માર્ગમાં બાધક બને છે. પણ પોતાના મતને જ પરમસત્ય સમજીને કટ્ટરતાપૂર્વક ચર્ચા કરવી એ અંધવિશ્વાસથી યે ઘણી વધુ ભયાનક છે. શું શ્રદ્ધા કે વિશ્વાસના આલોચકો વાસ્તવિક રીતે સાચી શ્રદ્ધાના તાત્પર્ય કે મહત્ત્વને સમજવાનો પ્રયાસ કરે છે ખરા? કોઈ પણ બાબતને સમજવાનો વાસ્તવિક પ્રયાસ કર્યા વિના એની નિંદા કરવી એ શું અનાવશ્યક કઠોરતા નથી? શું શ્રદ્ધાના આલોચકોએ ક્યારેય એની ઉપયોગીતા તથા લાભોને સમજવા માટે વ્યક્તિગત રૂપે પોતાની બુદ્ધિ લગાડીને તેનું નિરીક્ષણ-પરીક્ષણ કરવાનો પ્રયાસ કર્યો છે ખરો? શ્રદ્ધા કે વિશ્વાસ આપ્યા વિના તેઓ પોતાના અનુયાયીઓમાં કેવી શક્તિ ભરી શકવાના? શ્રદ્ધા કે વિશ્વાસ જ જીવનની મૂળભૂત આવશ્યકતા છે. વૈજ્ઞાનિકો પણ બ્રહ્માંડનું અધ્યયન – કેટલાંક એવાં તત્ત્વો પર એ આધારિત છે કે જેમનું વિશ્લેષણ કરીને તેમને નિયમોમાં ફેરવી શકાય છે – આ મૂળભૂત વિશ્વાસ સાથે શરૂ કરે છે. દૃઢ શ્રદ્ધાની આધારશિલા વિના શું આપણે પોતાની ઇચ્છાઓ અને ઉદ્દેશ્યોને જાણી-ઓળખીને એમની પૂર્તિ માટે પ્રયાસ કરી શકીએ ખરા? અંધવિશ્વાસની નિંદા કરવી તો ઠીક છે પરંતુ સાચી શ્રદ્ધા કોને કહેવાય અને એ અંધશ્રદ્ધાથી કેવી રીતે અલગ પડે છે એ વાત લોકોને બતાવવી વધારે આવશ્યક છે. કેવળ ‘અંધારું છે, અંધારું છે’ એમ બરાડા પાડવા કરતાં દીવડો પ્રગટાવવો એ વધારે સારું કાર્ય નથી? અંધકાર સાથે તિરસ્કાર કે ઘૃણા એ પણ ઇચ્છવા યોગ્ય નથી. પણ એની સાથે રોશની પ્રત્યે પ્રેમ આવશ્યક છે. અસત્યને નકારવું સારું છે પણ સત્યનું દર્શન કરાવવું એ પણ એટલું જ જરૂરી છે. જે લોકો અંધકારને ધિક્કારે છે, એમના વિશે તેઓ નિરંતર અંધકારનું ચિંતન કરતાં કરતાં એમાં જ પોતે ડૂબી ન જાય એવી આશંકા રહે છે. અજાણતામાં જ તેઓ અંધકારના દૂતમાં ફેરવાઈ જાય છે. એટલે પ્રકાશ તરફ જ ધ્યાન આપવું એ વધારે સારું રહેશે.

શ્રદ્ધા કે વિશ્વાસ એ આત્માનો એક ગુણ છે, મનની એક મહાન શક્તિ છે. એનો દરેક વ્યક્તિ દ્વારા દરેક સમયે લાભકારી રીતે ઉપયોગ કરી શકાય છે. આપણા જીવન, સ્વાસ્થ્ય, વ્યવસાય તેમજ મન પર નિશ્ચિત રૂપે વિશ્વાસનો કે શ્રદ્ધાનો ભાવાત્મક પ્રભાવ પડે છે. વિશ્વાસ એક એવી ચાવી છે કે જેના દ્વારા આપણે આ બ્રહ્માંડના રહસ્યમય ખજાનાને ખોલી શકીએ છીએ. વિશ્વાસનો પથ આ જગતમાં અભિવ્યક્ત થનારી બધી શક્તિઓ તથા મહિમાના ભંડાર રૂપ પરમેશ્વર સુધી લઈ જનાર એક માર્ગ છે. પ્રચંડ શક્તિની પ્રાપ્તિ માટેનું પણ એક સાધન છે. વિશ્વાસ જ એવી દૃઢતા આપે છે કે જેના બળ પર હતાશા તથા વિધ્વંશની વચ્ચે પણ દરેક વ્યક્તિ આશાપૂર્વક ટકી શકે છે. ગીતા કહે છે : ‘સાચી શ્રદ્ધાવાળો વ્યક્તિ જ્ઞાનપ્રાપ્તિ કરે છે.’ હવે આપણે વિશ્વાસના સ્વરૂપનું દર્શન કરાવનારી કેટલીક સાચી ઘટનાઓ પર ચર્ચા કરીશું.

* સ્વામી વિવેકાનંદે કહ્યું છે: ‘ન્યૂયોર્કમાં હું આયર્લેન્ડવાસી ઉપનિષેશવાસીઓને આવતાં જોયા કરતો. તેઓ પદદલિત, ક્રાંતિહીન, નિરાશ્રિત, અતિદરિદ્ર અને મહામૂર્ખ દેખાતા. એમની સાથે એક લાકડી અને એના એક છેડે ફાટેલાં કપડાંની એક નાની એવી પોટલી લટકતી રહેતી. એમની ચાલમાં ભય હતો અને એમની આંખોમાં શંકા જોવા મળતી. છ મહિના પછી એમનું આ રૂપ સાવ બદલી જતું. હવે તેઓ ટટ્ટાર ચાલતા, એમનો વેશ પણ બદલી જતો, એમની હાલચાલ અને મનનચિંતનમાં પહેલાં જે ભય દેખાતો એ ભય જોવા ન મળતો. આવું કેમ થયું? આપણા વેદાંતમાં કહ્યું છે કે એક આયર્લેન્ડ નિવાસી પોતાના દેશમાં ચોતરફ ઘૃણા અને તિરસ્કારથી ઘેરાયેલો હતો. સમગ્ર પ્રકૃતિ એક સ્વરે તેને કહી રહી હતી : ‘બચ્ચા, તારા માટે કોઈ આશા નથી, તું ગુલામ જ બનીને જન્મ્યો છે અને સદાને માટે ગુલામ જ બની રહેશે.’ જન્મથી જ આવું સાંભળી સાંભળીને આ નાના બાળકને એના પર શ્રદ્ધા-વિશ્વાસ ઉદ્‌ભવ્યો. ‘તે અત્યંત નીચ અને ક્ષુદ્ર છે’ એ વાતથી બાળકે પોતાની જાતને સંમોહિત કરી દીધી. એનાથી એનો બ્રહ્મભાવ સંકુચિત થઈ ગયો. પરંતુ જ્યારે એણે અમેરિકામાં પગ મૂક્યો અને ‘અરે ભાઈ, તું પણ એ જ માનવ છે, જેવા અમે છીએ એવો જ. માનવીઓએ જ બધાં કાર્યો કર્યાં છે; તારી અને મારી જેમ માનવી જ સર્વકંઈ કરી શકે છે. ધીરજ ધર.’ આવો ધ્વનિ એમની ચો-તરફ ઊઠવા લાગ્યો. એ બીચારાએ પોતાનું માથું ઊંચું કર્યું અને એને લાગ્યું કે વાત તો સાચી જ છે. બસ, એની સાથે જ અંદર સૂતેલો બ્રહ્મ જાગી ઊઠ્યો અને એનું સમગ્ર અસ્તિત્વ, એની પ્રકૃતિ જાણે કે ઉચ્ચારી રહી હતી : ‘ઊઠો, જાગો અને જ્યાં સુધી ધ્યેયપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી કાર્ય કરતા રહો, અટકો નહિ.’ પહેલાં તો એ બીચારો અપમાનિત માનવ હતો પણ જેવી એના મનમાં આત્મશ્રદ્ધા જાગી કે તે એક બીજો જ માનવ બની ગયો.

* અમેરિકામાં જે વિશ્વધર્મ પરિષદ યોજાઈ હતી તેમાં અનેક જાતિ અને સંપ્રદાયના લોકોની સાથે એક આફ્રિકાવાસી યુવાન પણ આવ્યો હતો. તે નિગ્રો જાતિનો હતો. તેણે ઘણું સુંદરમજાનું વક્તવ્ય આપ્યું હતું. એ યુવકને જોઈને મને (સ્વામી વિવેકાનંદને) ઘણું આશ્ચર્ય થયું. વચ્ચે વચ્ચે હું એની સાથે વાતો કરવા લાગ્યો પણ એના વિશે મને જાણકારી ન મળી. થોડા દિવસો પછી ઈંગ્લેન્ડમાં મારી સાથે કેટલાક અમેરિકનોની મુલાકાત થઈ. એ લોકોએ મને પેલાં હબસી યુવાનનો પરિચય આવી રીતે આપ્યો હતો: ‘એ યુવાન મધ્ય આફ્રિકાના કોઈ હબસીઓના સરદારનો પુત્ર હતો. કોઈ પણ કારણે ત્યાંના બીજા હબસી નેતાની સાથે એના પિતાનો ઝઘડો થયો અને તેણે એ યુવકનાં માત-પિતાને મારી નાખ્યાં, એટલું જ નહિ, એ બંનેનું માંસ રાંધીને ખાઈ પણ ગયા. પેલા સરદારે આ યુવકને પણ મારીને ખાઈ જવાનો હુકમ કરી દીધો હતો. પરંતુ ઘણી મુશ્કેલીઓ વેઠીને તે ત્યાંથી નાસી છૂટ્યો. સેંકડો ગાઉનો રસ્તો પસાર કરીને સમુદ્રકિનારે પહોંચ્યો. ત્યાંથી તે યુવાન એક અમેરિકન જહાજમાં બેસીને અહીં આવ્યો હતો. એ જ હબસી યુવાને આટલું બધું સુંદર વક્તવ્ય આપ્યું હતું! આ પછી પણ શું હું તમારા આનુવંષિકતાના સિદ્ધાંત પર શ્રદ્ધા-વિશ્વાસ રાખી શકું ખરો? આ હબસી એવા એક પરિવારમાંથી આવ્યો હતો કે જે અનેક પેઢીઓથી નિરક્ષર હતો. પરંતુ આ નવા વાતાવરણમાં આવીને તેને આત્મશ્રદ્ધા સાંપડી અને એ પોતાના આ અભિયાન માટે આવશ્યક પણ હતી. ‘અધ્યયનમાં મને જરૂર સફળતા મળશે’ એવી પોતાની આત્મશ્રદ્ધાના પરિણામે જ તે પ્રગતિ કરતો રહ્યો. એની પ્રતિભા ખીલી ઊઠી. દરેક વ્યક્તિમાં અસીમ અને અગાધ ઊર્જાનો ભંડાર છે. આત્મશ્રદ્ધા-વિશ્વાસ એને પ્રગટ કરે છે.

Total Views: 58

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.