(ગતાંકથી આગળ)

૬ઠ્ઠી તારીખે સવારે સી વર્લ્ડ પણ જોવા ગયા હતા. આ સી વર્લ્ડ નવું બનાવવામાં આવ્યું છે. એક જૂની તૂટેલી સ્ટીમરમાં એકવેરિયમ બનાવ્યું છે. જાતજાતની માછલીઓના અલગ અલગ વિભાગ ગોઠવેલા છે. મોટી મોટી માછલીઓ હતી. અસંખ્ય પ્રકારની માછલીઓ જોવા મળી. સ્ટીમરમાં નીચે જઈએ ત્યારે જાણે સમુદ્રની અંદર જઈ રહ્યાં હોઈએ તેવું લાગે. સમુદ્રની અંદરની વિશાળ દુનિયા જોવા મળી. ડોલ્ફીન માછલીનો શો પણ જોયો.

સાતમી તારીખે સવારે ઘરડાંઘર જોવા ગયાં. એ ક્રિશ્ચિયન ફાધર ચલાવે છે. રામકૃષ્ણ આશ્રમ તેને મદદ કરે છે. આશ્રમ તરફથી આ વૃદ્ધજનોને કીચનકીટ આંગણવાડી માટે આપવાની હતી. એમાં પોતાના આંગણામાં શાકભાજી ઉગાડવા માટે બિયારણ, ખાતર, ઓજારો વગેરે હતાં. જેથી વૃદ્ધો શાકભાજી ઉગાડી, થોડા પૈસા પણ કમાઈ શકે અને તેમને પ્રવૃત્તિ પણ રહે. લગભગ ૧૦૦ જેટલી કીટ મારા હસ્તે આપવામાં આવી. ત્યાંના ટી.વી.એ આ બધું પ્રસારણ માટે કેમેરામાં લીધું ઉપરાંત મારો ઈન્ટરવ્યુ પણ લીધો. જેમાં દક્ષિણ આફ્રિકા આવવાનો હેતુ, સ્વામી વિવેકાનંદનો સંદેશ વગેરે પ્રશ્નો પૂછ્યા. ત્યાંની નેશનલ ચેનલ પર બ્રોડકાસ્ટ કરવાના હતા.

આઠમી તારીખે ‘ટૉટલ પર્સનાલીટી ડેવલપમેન્ટ’વિષય ઉપર શિબિર કેન્દ્રમાં યોજવામાં આવી હતી. લગભગ મેનેજરો, શિક્ષકો વગેરે હતા. આ કાર્યક્રમ ચાર કલાક ચાલ્યો.

નવમી તારીખે હવે ડરબનની બહારની યાત્રા શરૂ થઈ. પહેલાં અમે પીટરમેરીસબર્ગ ગયા. જ્યાં ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ થયો. ભારતને સફળતા અપાવનાર સત્યાગ્રહ જેવું અમોઘ શસ્ત્ર ગાંધીજીને પીટરમેરીસબર્ગના રેલ્વે સ્ટેશન પર સાંપડ્યું હતું. એ રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી. આ રેલ્વે સ્ટેશન પર ફર્સ્ટ કલાસની ટિકિટ લઈને ફર્સ્ટ કલાસના ડબ્બામાં બેઠેલા મોહનદાસ ગાંધીને ટિકિટ ચેકરે ઊતરી જવા કહ્યું ને થર્ડ કલાસના ડબ્બામાં બેસી જવા કહ્યું. તેઓ ઊતર્યા નહીં એટલે એમને પકડીને ફેંકી દેવામાં આવ્યા, એ ક્ષણે મોહનદાસ ગાંધીના હૃદયમાં સત્યાગ્રહનું અમોઘ શસ્ત્ર જાગ્રત થયું. તેમણે ત્યાં જ રંગભેદની નીતિ સામે જેહાદ જગાવી. એ સ્ટેશન જોયું ત્યાં આજે ગાંધીજીની સુંદર પ્રતિમા મૂકવામાં આવેલી છે. જે સ્થળે એમને ફેંકી દેવામાં આવ્યા હતા, એ સ્થળે એક તકતી મૂકવામાં આવી છે, અને તેમાં પીટરમેરીસબર્ગના લોકોએ માફી માંગી છેકે એમના શહેરના સ્ટેશન પર ગાંધીજીને આવી હેરાનગતિ થઈ અને ઘણું સહેવું પડ્યું. એ પછી પણ રંગભેદની નીતિ તો ચાલુ જ હતી. કાળા લોકો અને ભારતીયોએ ખૂબ સહન કર્યું. પણ નેલ્સન મંડેલાએ ગાંધીજીના માર્ગે સત્યાગ્રહનો આશ્રય લઈ લડત ચાલુ રાખી. ૩૫ વર્ષ જેલમાં રહ્યા. પણ અંતે ૧૯૯૪માં સ્વતંત્રતા મેળવી. સ્વતંત્રતા મેળવ્યા પછી એમણે પોતાની ઉદાર અને ઉદાત્ત નીતિની ઘોષણા કરતાં જણાવ્યું કે ‘જે બ્રિટિશરો અહીં પ્રેમથી અને શાંતિથી રહેવા ઇચ્છે છે, તેઓ અહીં ખુશીથી રહીને પોતાની સેવા આપી શકે છે. તેમણે અમારા ઉપર જે અત્યાચારો કર્યા છે, તેવા કોઈ અત્યાચારો અમે કરવા માંગતા નથી. કારણ કે અમે સત્ય અને અહિંસામાં માનીએ છીએ.’ આનું સુંદર પરિણામ એ આવ્યું કે સારા સારા બ્રિટિશરો દક્ષિણ આફ્રિકામાં રહી ગયા અને તેમની સેવાનો લાભ દક્ષિણ આફ્રિકાના વિકાસ માટે લઈ શકાયો. પરંતુ તેમણે કેવા કેવા અત્યાચારો કર્યા હતા, તેનું બયાન ટી.વી. ઉપર આપવું પડતું હતું. આથી સમગ્ર પ્રજાને અત્યાચારોનો ચિતાર મળ્યો. આજે ત્યાં કોઈ જ ભેદભાવ નથી. ગોરાઓના વિસ્તારમાં પણ ભારતીયો પોતાની મિલ્કત ખરીદી શકે છે અને રહી શકે છે. એ બધું ગાંધીજી અને પછી નેલ્સન મંડેલાની અહિંસક લડતને આભારી છે.

ત્યાં પીટરમેરીસબર્ગમાં પણ આશ્રમ છે. ત્યાં સાંજના મા શારદાદેવી ઉપર સત્સંગ થયો. સત્સંગ પછી પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ પણ ખૂબ સફળ રહ્યો.

બીજે દિવસે ૧૦મી તારીખે સમુદ્રથી ૫૦૦૦ ફૂટ ઊંચે આવેલા ડ્રેકન્સબર્ગમાં ગયાં. ત્યાં પર્વતોની લીલીછમ હારમાળા અને ગાઢ જંગલો છે. પ્રકૃતિનું અતિ મનોહર વાતાવરણ છે. ત્યાં આશ્રમનું મકાન અને જમીન છે. ત્યાંના સુંદર પ્રકૃતિ દૃશ્યો જોવા માટે મને ખાસ લઈ ગયા હતા. મારી સાથે બીજી ત્રણ વ્યક્તિઓ હતી.

ત્યાં એક કિલોમીટરના વિસ્તારમાં માંડ એકાદ બે મકાનો મળે. એટલો નિર્જન વિસ્તાર. જાણે પર્વતો પર આવેલા વૃક્ષો પરમશાંતિના દૂત બની ઊભા છે, એવી સઘન શાંતિ ત્યાં પથરાયેલી હતી. પણ સાથે સાથે ભયંકર ઠંડી પણ હતી. ગાત્રો થીજાવી દે એવી ઠંડી દક્ષિણ આફ્રિકામાં હશે, તેની તો મેં કલ્પના જ નહોતી કરી. અહીંથી બધાંએ મને કહ્યું હતું કે યુરોપ જેવી ઠંડી ત્યાં નથી. એટલે હું કંઈ પણ ગરમ વસ્ત્ર લઈને ગયો ન હતો! હવે એ શીતાગારમાં અમારે એક રાત્રિ ગાળવાની હતી. મારા ભલા યજમાને મારા માટે ઘણો ખર્ચ કરી આઈસપ્રૂફ કોટ લીધો! રાત્રે ત્યાં ફાયર પ્લેસમાં લાકડાં સળગાવી અગ્નિદેવની હૂંફમાં અમે ચારે ય બેઠાં અને તેમની ઇચ્છા યુરોપની યાત્રાના સંસ્મરણો સાંભળવાની હતી, એટલે એ સુંદર સ્થળે મેં જાણે ફરી યુરોપની માનસિક યાત્રા કરી!!

તા. ૧૧મીએ અમે લેડી સ્મિથ શહેરમાં ગયાં ત્યાં પણ આશ્રમની એક શાખા છે. ત્યાં ર॥ થી પાંચ વાગ્યા સુધી – ‘મેનેજમેન્ટ ઓફ એવરી ડે લાઈફ’ ઉપર વ્યાખ્યાન – પ્રશ્નોત્તરી કાર્યક્રમ હતો લગભગ ૨૫૦ માણસો તેમાં આવ્યાં હતાં. ત્યાં અમે રાત રોકાયાં.

૧૨મી એ સવારે ગ્લેન્કો ગયાં. ત્યાં ‘લેડીઝ એમ્પાવરમેન્ટ ઍેન્ડ ડેવલપમેન્ટ’ ઉપર મારે વ્યાખ્યાન આપવાનું હતું. લગભગ ૪૦૦ જેટલાં ભાઈ-બહેનો હતાં. રવિવાર હોવાથી ઘણાં લોકો આવ્યાં હતાં. તે રાત્રે અમે પાછાં ડરબન પહોંચી ગયાં.

૧૩મી સોમવારે સવારે ડરબનથી સીધી મોરેશિયસની ફ્લાઈટ હતી. સવારનાં પોણાં નવ વાગે નીકળવાનું હતું. કેટલા બધા ભક્તો વહેલી સવારના વિદાય આપવા માટે આવી ગયા હતા. ઘણાં તો છેક એરપોર્ટ સુધી મૂક્વા માટે આવ્યા હતા. ‘ફરી જલ્દી પાછા આવજો’ એમ કહીને ખૂબ ભાવભરી વિદાય આપી. બધા ભક્તોનો પ્રેમભાવ જોઈને ગળગળા થઈ જવાયું.

દર સોમવારે મોરેશિયસની સીધી ફ્લાઈટ મળે છે. આ વખતે ફ્લાઈટ બદલવી ન પડી. ૧૩મીએ સાંજે ૪ વાગે મોરેશિયસ પહોંચી ગયો. આશ્રમે સાંજે છ વાગે પહોંચ્યો. તુરત જ આરતી શરૂ થઈ હતી એટલે આરતી કરી. ભક્તો આવ્યા હતા, એમને મળવાનું થયું. મોરેશિયસમાં અસંખ્ય જોવાલાયક સ્થળો છે. પરંતુ મારી પાસે ફક્ત ત્રણ જ દિવસ હતા. ૧૪, ૧૫ અને ૧૬ તારીખ. આથી ત્રણ દિવસમાં જે મુખ્ય મુખ્ય સ્થળો હતાં તે જોવાનું ગોઠવ્યું.

મોરેશિયસની કુલ વસ્તીમાં ૫૨ ટકા લોકો હિંદુ છે. ત્યાં પુષ્કળ હિંદુ મંદિરો આવેલાં છે. ત્યાં હિંદુઓનું રાજકારણમાં પણ ઘણું પ્રભુત્વ છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી હિંદુ હતા. અત્યારે યુરોપિયન છે. ત્યાં બધા હિંદુ તહેવારો ધામધૂમથી ઉજવાય છે. દરેક હિંદુઘરમાં હનુમાનજીની ધજા અને હનુમાનજીનું નાનકડું મંદિર તો હોય જ. હિંદુઘરની એ ઓળખ છે. ત્યાં એવું લાગે કે જાણે આપણે આપણા દેશમાં જ છીએ. ત્યાંનું સુપ્રસિદ્ધ ગંગાતળાવ છે. અને તેની પાસે શિવનું જૂનું મંદિર છે. આ તળાવનો મહિમા ભારે છે. પર્વતની ટોચ ઉપર આવેલું છે. આ તળાવની પાસે શિવજીનું નવું ભવ્ય મંદિર બાંધવામાં આવ્યું છે. આ મંદિરનું નામ છે મોરેસ્યશ્વેશ્વર મહાદેવ. આ મંદિરમાં આવેલી લિંગ ૧૩મી જ્યોર્તિંલીંગ છે, એમ તેઓ માને છે. આ મંદિરમાં લિંગની સ્થાપના થઈ, ત્યારે તળાવમાં ગંગાજળ નાંખવામાં આવ્યું. તળાવ છલકાયું ને શિવજીના લિંગ સુધી આવી, ચરણસ્પર્શ કરી પાછું ફર્યું! તેઓ માને છે કે ગંગાજી પ્રગટ્યાં અને શિવજીના ચરણો પખાળી ગયાં. વળી ત્યારે ભયંકર વીજળી થઈ. મંદિરનું છાપરું તોડીને વીજળી અંદર આવી ને શિવલિંગમાં ઊતરી આખું શિવલિંગ જ્યોર્તિમય બની ગયું. ઝળાંહળાં થઈ ગયું તે સમયે મંદિરમાં બધી બત્તીઓ બંધ હતી. તે આપોઆપ પ્રગટી ઊઠી. જ્યારે હવન કર્યો ત્યારે હવનના અગ્નિમાં દુર્ગાદેવીના સહુને દર્શન થયાં, અને નાળિયેરમાં ગણેશજીના દર્શન થયાં. આમ શિવનું એ મંદિર જાગ્રત અને જીવંત મંદિર છે, એમ ત્યાંના લોકો માને છે. શિવરાત્રીના દિવસે ત્યાં આખી રાત પૂજા ચાલે છે. મુખ્યપ્રધાન પોતે પૂજા કરવા આવે છે. લોકો ચાર-પાંચ કિલોમીટર ચાલીને પૂજા કરવા આવે છે. જો લોકોને રસ્તામાં કંઈ તકલીફ થાય તો સરકારનું આવી બને. આથી શિવરાત્રી અગાઉ સરકાર રસ્તા તૈયાર કરાવી, બધી સગવડો ઊભી કરી દે છે. સરકાર તરફથી પણ મંદિરમાં ભોગ ધરાય છે. ગયે વરસે એટલી બધી ભીડ થઈ કે લોકો મંદિર સુધી પહોંચી શક્યા નહીં. એમાં ત્યાંનો ગોરો મુખ્યપ્રધાન પણ હતો, જે મંદિરમાં પહોંચી શક્યો નહીં. આથી એણે બીજે દિવસે હિંદુઓ માટે ખાસ રજા જાહેર કરી હતી!

મોરેસ્યશ્વેશ્વર મહાદેવના મંદિરની આજુબાજુ પણ ઘણાં મંદિરો આવેલાં છે, તે બધાં મંદિરો જોયાં. ત્યારે મનમાં થયું કે બહાર- વિદેશમાં રહેલાં હિંદુઓએ પોતાની સંસ્કૃતિ જાળવી રાખવા ખરેખર કેટકેટલા પ્રયત્નો કર્યા છે! તેમને હિંદુ હોવાનું કેટલું બધું ગૌરવ છે!

૧૪મીએ બપોરે આશ્રમની ૩૯ એકરની જમીન પર શેરડી, શાકભાજીનું વાવેતર થાય છે, તે ખેતરો જોવા ગયા. મોરેશિયસની જમીન ઘણી જ ફળદ્રુપ છે. વરસાદ પુષ્કળ થાય. એટલે શેરડીનું વાવેતર ત્યાં ખૂબ જ થાય છે. ત્યાંની રાષ્ટ્રીય આવકમાં ખાંડ ઉદ્યોગ અને ટૂરીઝમ આ બેનો ફાળો મહત્વનો છે. આશ્રમ પણ શેરડી અને શાકભાજી ઉગાડે છે અને તેની આવકમાંથી આશ્રમનો ખર્ચ નીકળે છે. ૧૪મી તારીખે સાંજે ત્યાંનું સુપ્રસિદ્ધ સાયબર ટાવર જોયું.

૧૫મીએ ત્યાંના ટી.વી. વાળાઓએ અર્ધાકલાકનો ઈન્ટરવ્યુ લીધો. પ્રશ્નોત્તરી હતી. તેનું પ્રસારણ પણ સમગ્ર મોરેશિયસમાં કરવાના હતા. ૧૫મીએ સાંજે કોરલ જોવા ગયા. તેમાં સ્ટીમરમાં નીચે કાચ ગોઠવેલા હોય. કાચ નીચેથી જાત જાતના કોરલ દેખાતા હતા. કોઈ કોબી જેવા, કોઈ માણસના મગજ જેવા જાતજાતના કોરલ ત્યાં હજારો વર્ષોથી જીવે છે.

૧૫મીએ સાંજે શ્રીમા શારદાદેવી ઉપર હિંદીમાં વ્યાખ્યાન હતું અને તે પછી ભક્તોને મળવાનું થયું.

૧૬મી તારીખે સવારે ત્યાંની રાજધાની પોર્ટલુઈમાં ક્રેટર એટલે કે જ્વાળામુખીએ કરેલા વિશાળ ખાડાને જોવા ગયા. તે જ દિવસે સાંજે ૩॥ વાગે આશ્રમમાંથી એરપોર્ટ પર જવા નીકળ્યા. સ્વામી કૃષ્ણાનંદજી મહારાજ પોતે મને વિદાય દેવા એરપોર્ટ સુધી આવ્યા, મોરિશયસ આશ્રમના અનેક ભક્તોએ મોટા પ્રમાણમાં ‘પ્રણામી’ના રૂપિયા આપ્યા હતા, ત્યાં આશ્રમ માટે મેં પૂ. મહારાજની આનાકાની છતાં તેમના ગજવામાં સેરવીને રાહતનો શ્વાસ લીધો. સાંજે ૭॥ વાગ્યાની મુંબઈની ફ્લાઈટ હતી. પ્લેનમાં મેં બારી પાસેની સીટ ખાસ લીધી હતી. જેથી કાચમાંથી બહારના દૃશ્યો જોઈ શકાય એ દૃશ્યો જોવાનો હું આનંદ માણી રહ્યો હતો. પરંતુ મારી બાજુના બેઠેલા ભાઈના પત્નીને કંઈ અસુવિધા થતાં, તેમને બારી આગળ બેસવું હતું. મને વિનંતી કરી મેં બારીમાંના દૃશ્યો જોવાનો આનંદને જતો કરી એ બેનને સીટ આપી દીધી અને પછી હું પ્લેઈનની વચમાં જે ચાર સીટોની હારમાળા હોય ત્યાં સીટો ખાલી હતી, ત્યાં બેસી ગયો. પ્લેનમાં ખાવાનું જરાપણ સારું ન હોવાથી હવાઈ મુસાફરીમાં ખાલી એકાદ બે ફળ જ ખાવાનું મેં રાખ્યું છે. અહીં તો ખાવાનું સારું નહોતું પણ ફળો ય નહોતાં. આથી પાણી પીને હું બેઠો, ત્યાં થોડીવારમાં ‘ઈસ્કોન’નો એક સાધુ આવીને ત્યાં બેઠો અને પછી તેણે શ્રીકૃષ્ણ ભગવાનનો મહાપ્રસાદ કાઢ્યો અને મને ખવડાવ્યો! ત્યારે મને થયું કે કરેલા ત્યાગનું ફળ ભગવાને આટલું જલ્દી આપી દીધું! પછી તો એ ચાર સીટમાંની ત્રણ સીટ ખાલી હતી, જેથી તેના હેન્ડલ ઊંચા કરીને લાંબી સીટ થઈ જતાં હું આરામથી ઊંઘી ગયો અને મુંબઈ આવી ગયું! સવારે ૨॥ વાગે મુંબઈ પહોંચ્યા. એરપોર્ટ પર જ સમય ગાળ્યો. સવારે છ વાગે ખારના શ્રીરામકૃષ્ણ મિશન આશ્રમમાં સ્વામી વાગીશાનંદજીએ ખૂબ આગ્રહ કરી રોકી રાખ્યો. ત્યાંનો ગણેશ ઉત્સવ માણીને ૧૯મીએ બપોરના પ્લેનમાં પોરબંદર સહીસલામત પાછો આવી ગયો! શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદ હવે સમગ્ર વિશ્વના ખૂણે ખૂણે પહોંચી ગયા છે. અજાણ્યા વિદેશીઓના હૃદયમાં પહોંચી ગયા છે અને તેમનું મનુષ્યના હૃદયમાં શુષુપ્તપણે રહેલી દિવ્યતાને જાગ્રત કરવાનું કાર્ય પ્રચંડ રીતે થઈ રહ્યું છે, તેની નક્કર અનુભૂતિ મને આ યાત્રાએ કરાવી.

Total Views: 60

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.