‘હું તમને સ્પષ્ટપણે કહી દઉં કે ભારતના કાર્યમાં તમારું ભાવિ મહાન છે. એની હવે મને ખાતરી થઈ ગઈ છે. ભારતવાસીઓ માટે, ખાસ કરીને ભારતની સ્ત્રીઓ માટે કાર્ય કરવા માટે જે જરૂર હતી તે પુરુષની નહીં, પણ સ્ત્રીની : સાચી સિંહણની. ભારત હજુ મહાન સ્ત્રીઓ ઉત્પન્ન નહીં કરી શકે. તેણે બીજી પ્રજાઓમાંથી સ્ત્રી-કાર્યકરોને ઉછીની લેવી પડશે. તમારી કેળવણી, અંતરની સચ્ચાઈ, પવિત્રતા, અથાગ પ્રેમ, નિશ્ચય અને સહુથી વિશેષ તો તમારું સેકટ જાતિનું ખમીર જે જાતની સ્ત્રી કાર્યકરોની જરૂર છે, તેવાં જ તમને બનાવે છે.’

આ હતો, ભગિની નિવેદિતાએ (માર્ગારેટ નોબલ) જ્યારે ભારતમાં આવીને સ્વામી વિવેકાનંદને, કાર્યમાં સહાય કરવા ઇચ્છા વ્યક્ત કરી ત્યારે સ્વામીજીએ તેમને લખેલો પત્ર. સ્વામી વિવેકાનંદ ઇચ્છતા હતા કે ભારતનું પુનરુત્થાન કરવા માટે ભારતની સ્ત્રીઓને સાચું શિક્ષણ મળે, તે માટેના નક્કર ઉપાયો લેવાવા જોઈએ. એ શિક્ષણ કાર્ય માટે જ તેમણે ભગિની નિવેદિતાને ભારત આવવા સંમતિ આપી હતી.

નિવેદિતા સ્વામી વિવેકાનંદને મળ્યાં તે સમયે તેઓ ઈંગ્લેન્ડમાં પ્રયોગશીલ શિક્ષક તરીકે પ્રસિદ્ધિ પામી ચૂક્યાં હતાં. પોતાનો કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી એમણે શિક્ષણ ક્ષેત્રને પસંદ કર્યું હતું. તેમાં વિદ્યાર્થીઓના જીવન ઘડતરનું કાર્ય કરવાનું હોઈને તે શ્રેષ્ઠ કાર્ય છે, એમ તેઓ માનતાં હતાં. વળી આ કાર્યમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની સાથે સાથે શિક્ષકનો પોતાનો વિકાસ પણ અવિરત થતો રહે છે. આથી શિક્ષણકાર્યને તેમણે પોતાના જીવનકાર્ય તરીકે અપનાવી લીધું હતું.

નિવેદિતાએ ઈંગ્લેન્ડમાં કરેલા નૂતન કેળવણીના પ્રયોગો

એ સમયે સ્વિસ અધ્યાપક પેસ્ટાલોજીએ નૂતન કેળવણી અંગે કેટલાક સફળ પ્રયોગો કર્યા હતા. ત્યારબાદ તેમના શિષ્ય ફ્રોયબુલે પણ આ નૂતન કેળવણીનો સારી રીતે વિકાસ કર્યો હતો. નિવેદિતાને આ બાળકેન્દ્રી પદ્ધતિમાં રસ પડતાં તેમણે પણ આ દિશામાં નવા પ્રયોગો કર્યા અને તેમાં સફળતા મેળવી. આથી મિસિસ ડી. લાઉડ નામની અંગ્રેજ સ્ત્રીએ આ નૂતન કેળવણીની પદ્ધતિથી સ્કૂલ શરૂ કરવા નિવેદિતાને લંડન બોલાવ્યાં. લંડનમાં નિવેદિતાએ રસ્કિન સ્કૂલ નામની નૂતન કેળવણીની શાળા શરૂ કરી. આ બાળકેન્દ્રી પદ્ધતિમાં શિક્ષકે પાઠ ભણાવવાના નહોતાં, પણ શિક્ષકે વિદ્યાર્થીઓ માટે એવું વાતાવરણ શાળામાં ઊભું કરવાનું હતું કે તેમાં વિદ્યાર્થીઓ જાતે અધ્યયન કરે અને તેમાં જ્યાં જરૂર પડે ત્યાં શિક્ષકોની સહાય લે. આ જાતનાં શિક્ષણમાં વિદ્યાર્થીઓની બુદ્ધિ પ્રતિભા વિશેષ વિકાસ પામે છે, એટલું જ નહીં પણ તેમના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થાય, એમ તેઓ દૃઢપણે માનતાં હતાં. તેમની આ નૂતન પદ્ધતિમાં શિક્ષકે શો ભાગ ભજવવાનો છે, એ અંગે સ્પષ્ટતા કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘શિક્ષક માટે પહેલી જરૂરી વસ્તુ એ છે કે તેણે શિષ્યની ચેતનામાં પ્રવેશ કરવો અને તે ક્યાં છે, કઈ દિશા તરફ પ્રગતિ કરી રહ્યો છે, તે જાણવું, આના સિવાય કોઈપણ પાઠ શીખવી શકાય નહીં.’ શિક્ષક પાઠ ભણાવી દે અને બાળક તે યાદ રાખી લે અને પછી પરીક્ષામાં લખીને પાસ થઈને ઉપલા વર્ગમાં આવી જાય, આવી કેળવણીમાં નિવેદિતાને જરા પણ શ્રદ્ધા નહોતી. શિક્ષકે બાળકની આંતર ચેતનામાં પ્રવેશ કરીને, બાળકની અંદર શું શું રહેલું છે, તે જાણીને, શોધીને, તેને વિકસવા માટેનું ક્ષેત્ર પૂરું પાડી, બાળકનો સર્વાંગી વિકાસ કરવો, એ જ કેળવણીનું ધ્યેય છે એમ તેઓ માનતાં હતાં અને એ જ રીતે તેઓ લંડનની રસ્કિન સ્કૂલમાં બાળકોને શિક્ષણ આપી રહ્યાં હતાં. સ્વામી વિવેકાનંદે કેળવણીની પરિભાષા આપતાં જે કહ્યું હતું કે ‘જેના વડે ચારિત્ર્યનું ઘડતર થાય, મનની શક્તિમાં વૃદ્ધિ થાય, બુદ્ધિનો વિકાસ થાય અને જે સ્વાવલંબી બનાવે તેવી મનુષ્ય નિર્માણકારી કેળવણી જ સાચી કેળવણી છે.’ એ જ કેળવણીની દિશામાં, સ્વામી વિવેકાનંદને મળ્યાં પહેલાં જ નિવેદિતા કાર્ય કરી રહ્યાં હતાં અને સફળ નૂતન કેળવણીકાર તરીકે લંડનમાં પ્રસિદ્ધિ મેળવી ચૂક્યાં હતાં. આથી જ સ્વામી વિવેકાનંદની આર્ષદૃષ્ટિએ માર્ગરેટ નોબલમાં ભારતની સ્ત્રીઓના સાચા ઉદ્ધારક લોકમાતા નિવેદિતાનાં દર્શન કર્યા અને એમને ભારત આવવા સંમતિ આપી.

ભારતમાં શિક્ષણકાર્ય માટેની ભૂમિકા

નિવેદિતા ભારત આવ્યા પછી બાલિકાઓના વિદ્યાલયની સ્થાપના કરવા ઉત્સુક હતા. પરંતુ સ્વામી વિવેકાનંદે તેમને ભારતના વાતાવરણમાં એકરૂપ થવા પૂરતો સમય આપ્યો. કેમકે સ્વામી વિવેકાનંદ દૃઢપણે માનતા હતા કે શિક્ષણ વિદ્યાર્થીઓની ચેતનાને અનુરૂપ જ હોવું જોઈએ. તેમની આંતરિક ઇચ્છાથી વિરુદ્ધ, બળજબરીથી કંઈ શીખવવામાં આવે તો તેના સારાં પરિણામો આવતાં નથી. આથી જો નવા આદર્શો સ્થાપવા હોય તો તેની સ્થાપના પણ જૂના આદર્શો દ્વારા જ થવો જોઈએ. પરિચિત પદ્ધતિ દ્વારા જ અપરિચિતતાએ પહોંચવું જોઈએ. આથી શિક્ષણ પદ્ધતિ બહારના પાશ્ચાત્ય જીવનને અનુરૂપ નહીં, પણ ભારતીય જીવનને અનુરૂપ હોવી જોઈએ. નિવેદિતા હિંદુજીવન પદ્ધતિમાં જ્યારે પૂરેપૂરાં ઓતપ્રોત બની ગયાં, ત્યારે જ સ્વામી વિવેકાનંદે એમને કન્યાશાળા શરૂ કરવા સંમતિ આપી.

બાલિકા વિદ્યાલયની સ્થાપના

૧૪મી નવેમ્બર ૧૮૯૮ સોમવાર કાલીપૂજાના દિવસે શ્રીમા શારદાદેવીના વરદહસ્તે નિવેદિતાની શાળાનું ઉદ્‌ઘાટન થયું. શ્રીમા શારદાદેવીએ પૂજા કરી આશીર્વાદ આપ્યા કે ‘આ શાળા પર મા કાલીના આશીર્વાદ ઊતરો અને અહીં બાળાઓને આદર્શ બાળાઓ બનવા માટેની તાલીમ આપો.’ શ્રીમા શારદાદેવી એ ઉદ્‌ઘાટિત કરેલી આ શાળાએ ભારતમાં સ્ત્રીઓના મૂલ્યનિષ્ઠ શિક્ષણ અંગેની સર્વપ્રથમ શાળા હતી કે જ્યાં લેખન, વાંચન ઉપરાંત હસ્તઉદ્યોગો, કલા, ચિત્રકામ, માટીકામ, સિવણ વગેરેનું શિક્ષણ પણ આપવામાં આવતું હતું. તે સમયે કન્યાકેળવણીની અન્ય સંસ્થાઓ દ્વારા બંગાળની ફક્ત સાડા છ ટકા જેટલી જ કન્યાઓને શિક્ષણનો લાભ મળતો હતો. મોટાભાગની સ્ત્રીઓ કેળવણીથી વંચિત હતી. આથી નિવેદિતા એવું ઇચ્છતાં હતાં કે સ્ત્રીઓના વ્યક્તિત્વના વિકાસ માટે, તેમના સામાજિક ન્યાય અને આર્થિક સ્વતંત્રતા માટે ભારતીય નારીને શિક્ષણની પૂરી તક મળવી જોઈએ. પરંતુ આ શિક્ષણ સરકાર તરફથી લદાયેલું હોવું ન જોઈએ પણ તે ભીતરમાંથી જ આપવું જોઈએ, આ અંગે તેમણે આલ્બર્ટ સ્ટર્ડીને ૧૯૦૭ ૨૭મી સપ્ટેમ્બરના રોજ લખેલા પત્રમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે ‘વાસ્તવિક હકીકત એ છે કે કેળવણી ભીતરમાંથી જ ઊગવી ને પાંગરવી જોઈએ. શિક્ષણ પણ ઉછેર ને વૃદ્ધિની પેઠે અંદરથી જ આવવું જોઈએ.’ પોતાના આ વિચારોને તેમણે પોતાની શાળામાં ચરિતાર્થ કર્યા. બાલિકાઓની ચેતનાને અનુરૂપ એમણે પોતાની શિક્ષણ પદ્ધતિ વિકસાવી હતી અને એટલે જ એમની શાળામાં રવિવારે રજાને દિવસે પણ બાલિકાઓ આવવા ઉત્સુક રહેતી. બાળાઓને ઘર કરતાં શાળામાં રહેવું વધારે ગમતું!

નિવેદિતાની શિક્ષણ પદ્ધતિ

શિક્ષણ માતૃભાષા દ્વારા જ અપાવું જોઈએ એમ તેઓ દૃઢપણે માનતા હતા. રવીન્દ્રનાથ ટાગોરે પોતાની પુત્રીને અંગ્રેજીમાં શિક્ષણ માટે જ્યારે એમને કહ્યું, ત્યારે નિવેદિતાએ એમને સ્પષ્ટપણે જણાવ્યું કે ‘બહારથી કોઈ શિક્ષણ ગળાવવાથી શો લાભ? જાતિગત નૈપુણ્ય અને વ્યક્તિગત વિશેષ શક્તિ સ્વરૂપે માણસમાં જે વસ્તુ રહેલી છે, તેને જાગૃત કરવી એને જ હું ખરું શિક્ષણ માનું છું. નિયમબદ્ધ વિદેશી શિક્ષણ વડે તેને દાબી દેવી એ મને ઠીક લાગતું નથી.’ માતૃભાષા દ્વારા અંતર્નિહિત શક્તિઓનો વિકાસ વધારે સારી રીતે થઈ શકે એની ભારપૂર્વક સમજ નિવેદિતાએ રવીન્દ્રનાથ ટાગોરને આપી અને ટાગોરે નિવેદિતાને જે રીતે શિક્ષણ આપવું હોય તે રીતે એમની પુત્રીને શિક્ષણ આપવા આગ્રહ કર્યો. પણ નિવેદિતાએ એમના આમંત્રણનો અસ્વીકાર કરતાં કહ્યું : ‘ના એ મારું કામ નથી.’ આ સંદર્ભમાં રવીન્દ્રનાથ ટાગોર લખે છે કે તેમણે તો બાગબજારની અમુક ગલીને (નિવેદિતાનું બાલિકા વિદ્યાલય) આત્મસમર્પણ કર્યું હતું ત્યાં તેઓ શિક્ષણ આપવાનાં નહોતાં, પણ શિક્ષણ જગાડવાનાં હતાં.’

બાળકોને ક્યા વિષયોનું શિક્ષણ આપવું જોઈએ? આ વિષે પણ તેમના સ્પષ્ટ ખ્યાલો હતા. તેમણે જણાવ્યું હતું કે બાળકોને આટલા વિષયો તો શીખવવા જ જોઈએ. માતૃભાષા અને તેનું સાહિત્ય, અંગ્રેજી ભાષા અને તેનું સાહિત્ય, ગણિત, વિજ્ઞાન અને હસ્તકલાઓ. પ્રાચીન ઉદ્યોગો અને હસ્તકલાઓના શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓ ઘરમાં રહીને, કામ કરતાં કરતાં પોતાનો ખર્ચ કાઢી શકે એવી વ્યવસ્થા શિક્ષણમાં હોવી જોઈએ. ગાંધીજીએ સ્વનિર્ભરતા માટે જે કંઈ તાલીમ અને બુનિયાદી શિક્ષણની હિમાયત કરી તે જ પ્રકારનું શિક્ષણ નિવેદિતાએ એક સૈકા પહેલાં પોતાના વિદ્યાલયમાં આપ્યું હતું!

નિવેદિતા ધાર્મિક શિક્ષણમાં ફક્ત ધર્મ ને નીતિને લગતાં શિક્ષણનો જ સમાવેશ કરતાં નથી, પણ તેઓ આ પ્રકારના શિક્ષણને ઘરસંસાર અને સામાજિક ઘડતરના સંપૂર્ણ શિક્ષણ તરીકે ગણાવે છે. તેઓ કહે છે; ઈશ્વરી શક્તિની અનુભૂતિને બૌદ્ધિક રીતે રજૂ કરવા મૂર્તિ એક પાયો છે, બાળાઓના વ્રતો, ગોપૂજા ને એવી સંખ્યાબંધ બાબતોમાં હિંદુત્વની વિચારસરણીનો સંપૂર્ણ નિખાર છે. સાચો રસ્તો ત્યાંથી જ આરંભ કરવાનો છે અને શક્ય હોય તો ત્યાંથી આગળ વધવાનો છે. શિક્ષણનો આરંભ આ રીતે મૂર્તિથી હોય અને તાલીમ ધ્યાન અને મનને એકાગ્ર કરવાની શક્તિમાં તેનો છેડો હોય, જેને ભારત સમજી શકે, યુરોપ નહીં.’ નિવેદિતાની દૃષ્ટિએ ધાર્મિક શિક્ષણ એ કંઈ પૂજા પાઠ કરવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ સમસ્ત જીવનને ઉત્તમ રીતે જીવતાં શીખવાડે એ સઘળી બાબતોનો સમાવેશ તેઓ ધાર્મિક શિક્ષણમાં કરે છે.

શિક્ષણનો મૂળ સ્ત્રોત છે ઘર

નિવેદિતા માનતાં હતાં કે સર્વાંગી શિક્ષણ માટે ઘર મહત્વનું છે. કેળવણી એટલે ફક્ત પાઠ્યપુસ્તકોનો અભ્યાસક્રમ જ નહીં, પણ ભારતીય કન્યાની સાચી કેળવણી તેને વધુ સારી ભારતીય નારી બનાવે તેવી હોવી જોઈએ. કૌટુંબિક પરંપરા, ધર્મ, કરકસર, સન્માન, રાષ્ટ્રીય વિભુતિઓ પ્રત્યે આદર, મહાકવિઓની પુરાણકથાઓનું ભાથું, આ બધી બાબતો કે જેના દ્વારા ભારત સર્જાયું છે, તેનું જ્ઞાન કન્યાઓને મળવું જ જોઈએ તો જ તે સાચી ભારતીય નારી બની શકે. આ બધી બાબતોનું જ્ઞાન કન્યાઓને ઘરમાંથી જ મળી શકે. આથી કેળવણીમાં ઘરની ઉપેક્ષા થઈ શકે નહીં. શાળાના માત્ર પાંચ કલાકોમાં જીવનઘડતરનું પર્યાપ્ત શિક્ષણ આપી શકાતું નથી. આથી ઘર અને શાળા બંને વચ્ચે સંવાદિતા હોવી જોઈએ અને ઘરમાં મળેલા સંસ્કારો, આદર્શો, શાળાના વાતાવરણમાં વધુ સુદૃઢ થવા જોઈએ. આથી જ નિવેદિતા પોતાની શાળામાં આવતી બાલિકાઓના ઘરે પણ અવારનવાર જતાં અને તેમની માતાઓના સંપર્કમાં પણ રહેતાં હતાં.

શિક્ષણ દ્વારા રાષ્ટ્રીય ચેતનાની જાગૃતિ

શિક્ષણ દ્વારા રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ જાગૃત થવો જોઈએ અને તેમાં સતત વૃદ્ધિ થવી જોઈએ. અને એથી જ નિવેદિતાએ પોતાની વિદ્યાર્થિનીઓને ‘ભારતને ચાહો’ એ મંત્ર આપ્યો હતો. વિદ્યાર્થિનીઓને ઉદ્‌બોધન કરતાં તેમણે કહ્યું હતું કે ‘આપણા ભારત દેશનું હિત એ જ તમારું સાચું લક્ષ્ય હોવું જોઈએ. વિચારો કે સમગ્ર દેશ તમારો છે, અને તમારા દેશને તમારી જરૂર છે. જ્ઞાનને માટે પ્રયત્ન કરો. શક્તિ માટે, આનંદ માટે, સમૃદ્ધિ માટે પ્રયત્ન કરો. આ બધું જીવનમાં તમારું લક્ષ્ય બનો અને જ્યારે યુદ્ધનો પોકાર ઊઠે તો કોઈપણ પરિસ્થિતિમાં નિદ્રાધીન ન રહો.’ પ્રવચનો દ્વારા, વાર્તાલાપો દ્વારા ઇતિહાસના શિક્ષણ દ્વારા તેમણે પોતાની વિદ્યાર્થિનીઓમાં ભારતમાતા પ્રત્યેની ભક્તિ જગાડી હતી. તેઓ દૃઢપણે માનતાં કે ઇતિહાસના અધ્યયન દ્વારા રાષ્ટ્રીય જાગૃતિ આવે છે. તેઓ પોતે ઇતિહાસ ભણાવતાં અને એવી રીતે ભણાવતાં કે ઇતિહાસ વર્ગ ખંડમાં જીવંત બની જાશો. ઇતિહાસના પાત્ર સાથે તેઓ એવાં તન્મય બની જતાં કે પોતે વર્ગખંડમાં ભણાવી રહ્યાં છે, એ પણ ભૂલી જતાં. એક વખત તેઓ ચિત્તોડ વિષે ભણાવી રહ્યાં હતાં. તે સમયે તેમણે પોતે ચિત્તોડ ગયાં હતાં, તે સમયની અનુભૂતિની વાત કરી કે, ‘હું એક ટેકરી પર ગઈ, ઘૂંટણ ટેકવીને ત્યાં બેઠી. મેં આંખો બંધ કરીને પદ્મિનીનો વિચાર કરવા માંડ્યો, તો મેં દેવી પદ્મિનીને ચિતા પાસે ઊભેલી જોઈ (મેં ચિતા પર ચડતી વખતે જીવનની અંતિમ ક્ષણે તેના મનમાં આવેલા વિચારો વિષે ચિંતન કર્યું) ‘વર્ગખંડમાં બધી બાલિકાઓની સમક્ષ જાણે કે પદ્મિની જીવંત બની ગઈ! આ રીતે ઇતિહાસના પાત્રોને તેઓ જીવંત બનાવી વર્ગખંડમાં એવું ભાવજગત ખડું કરી દેતાં કે વિદ્યાર્થિનીઓના ચિત્રમાં રાષ્ટ્ર પ્રેમની જુવાળ સર્જાઈ જાય. આ ઉપરાંત તેઓ પોતાના વિદ્યાલયમાં વંદેમાતરમ્‌ ગીત વારંવાર ગવડાવીને બાલિકાઓના આંતરમનમાં સશ્ય શ્યામલ ભારતમાતાનાં મહિમાને પ્રસ્થાપિત કરી દેતાં. પોતાની વિદ્યાર્થિનીઓને તેઓ બ્રાહ્મસમાજની કન્યાશાળામાં લઈ જતાં. તે એટલા માટે કે તેની બાજુના બગીચામાં દેશભક્તોના જે પ્રવચનો થતાં તે તેમની વિદ્યાર્થિનીઓ સાંભળી શકે અને તેમની દેશભક્તિ દૃઢ બને. આ ઉપરાંત વિદ્યાર્થિનીઓમાં સ્વદેશી વસ્તુઓનું મહત્વ વધે તે માટે તેઓ પોતે પરદેશી માલનો બહિષ્કાર કરવા આગળ આવ્યાં હતાં. અને જ્યારે કોલકાતામાં સ્વદેશી વસ્તુઓનું પ્રદર્શક ભરાયું ત્યારે પોતાના વિદ્યાલયમાં બાલિકાઓએ બનાવેલી વસ્તુઓને તેમણે પ્રદર્શનમાં મૂકી હતી. આ રીતે તેમણે પોતાના વિદ્યાલયની બાળાઓમાં જ નહીં, પણ બીજી અસંખ્ય યુવતીઓમાં રાષ્ટ્રચેતનાને જાગૃત કરી માતૃભૂમિની મુક્તિ માટે ફના થવાની પ્રેરણા આપી હતી. તેમણે શિક્ષણને રાષ્ટ્રીય ચેતનાને જાગૃત કરનાર સમર્થ સાધન તરીકે સ્વીકારીને, પોતાના વિદ્યાલયમાં એના દ્વારા રાષ્ટ્ર પ્રેમ જગાડ્યો હતો.

શિક્ષણ માત્ર વર્ગખંડો પૂરતું સીમિત હોઈ શકે નહીં

વર્ગની ચાર દીવાલો વચ્ચે પુસ્તક દ્વારા શીખવાના પાઠોની સાથે સાથે કુદરતના ખોળે અને મ્યુઝિયમ પ્રાણી સંગ્રહસ્થાન, મંદિરો, ઐતિહાસિક સ્થળોએ પણ જીવંત શિક્ષણના જે પાઠો વિદ્યાર્થીઓને શીખવા મળે છે; તે તેઓ કદી ભૂલી શકતા નથી, કેમકે આ જીવંત શિક્ષણ એમની ચેતનામાં એકરૂપ બની જાય છે. આથી નિવેદિતા પ્રવાસ અને પર્યટનોને વિશેષ મહત્ત્વ આપતાં હતાં. તેઓ બાલિકાઓને પૈસાના અભાવે દૂરના સ્થળોએ તો નહોતા લઈ જઈ શકતાં, પણ કોલકાતાનાં નજીકના સ્થળો, દક્ષિણેશ્વર, મ્યુઝિયમ, પ્રાણી સંગ્રહાલય વગેરે જોવા વારંવાર લઈ જતાં. આવા પ્રવાસો દ્વારા તેઓ બાલિકાઓને ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાનની સાથે સાથે હિંમત, સાહસ, શક્તિ, આત્મનિર્ભરતા જેવા ગુણો કેળવવાનું શિક્ષણ પણ આપતાં રહેતાં. એક વખત તેઓ ગંગાનદીમાં હોડીમાં બેસીને પોતાની વિદ્યાર્થિનીઓ સાથે જઈ રહ્યાં હતાં. નદીમાં એકાએક તોફાન આવ્યું. બાલિકાઓ ગભરાઈ ગઈ ત્યારે તેમણે બાલિકાઓમાં હિંમત જગાડતાં કહ્યું; ‘ડરો નહીં, મોટાં મોજાઓથી ડરો નહીં. સારો ખલાસી સુકાન પર દૃઢ રહે છે અને મોજાઓ ઉપરથી પણ સહીસલામત પાર ઉતારે છે. મુશ્કેલીઓમાં દૃઢ રહેતાં શીખીએ તો પછી જીવનમાં કશો ભય નથી, ક્યારેય નથી.’ પ્રકૃતિના મુક્ત વાતાવરણમાં શિક્ષક વિદ્યાર્થીઓનાં ચારિત્ર્યનું ઘડતર વધારે સારી રીતે કરી શકે છે, એમ તેઓ દૃઢપણે માનતાં હોવાથી તેમણે પોતાની શિક્ષણ પદ્ધતિમાં પ્રવાસ-પર્યટનોને વિશેષ મહત્ત્વ આપ્યું છે.

શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો આંતરિક સંબંધ

નિવેદિતા કહે છે કે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે આંતરિક સંબંધ હોવો જરૂરી છે. આવો સંબંધ હોય તો જ શિક્ષક વિદ્યાર્થીની ચેતનાને સ્પર્શ કરી શકે અને તેનામાં જ્ઞાનની ભૂખ જગાડી શકે. નિવેદિતા માનતાં હતાં કે બહારથી ભણાવેલા પાઠ દ્વારા કંઈ શીખવી શકાતું નથી. મનુષ્યમાં પ્રથમથી જ રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ એટલે કેળવણી, સ્વામી વિવેકાનંદના આ વિચારોને નિવેદિતાએ પચાવ્યા હતા. તેઓ સ્વામી વિવેકાનંદના કેળવણીના સિદ્ધાંતોને પોતાની શાળામાં મૂર્તિમંત કરી રહ્યાં હતાં. સ્વામી વિવેકાનંદે શિક્ષકની સરખામણી માળી સાથે કરી છે. જેમ માળી છોડની માવજત કરે છે, છોડનો સારી રીતે વિકાસ થાય એ માટે તેને વાતાવરણ પૂરું પાડે છે, એ જ રીતે શિક્ષકે વિદ્યાર્થીઓના વિકાસને અનુરૂપ વાતાવરણ પૂરું પાડવું જોઈએ અને તેના જ્ઞાનમાર્ગના અવરોધો અને સંજોગોની પ્રતિકૂળતાઓને દૂર કરીને વિદ્યાર્થીના વિકાસના સહાયક બનવાનું છે. નહીં કે ઘેટાંના ટોળાને હાંકનાર કે દોરનાર મહેતાજી. જ્યારે શિક્ષકો વિદ્યાર્થીઓના આત્માનો સ્પર્શ કરશે, ત્યારે શિક્ષણ સાચા અર્થમાં ઊગી નીકળશે. એ માટે શિક્ષકનું પોતાનું જીવન પણ એ આત્મસ્પર્શથી આલોક્તિ હોવું જોઈએ. નિવેદિતાએ શિક્ષણકાર્યને સાધના સ્વરૂપે સ્વીકાર્યું હતું. એથી જ તેઓ સ્વામી વિવેકાનંદના કેળવણી વિષેના આદર્શોને પોતાના જીવનમાં અને પોતાની શાળામાં ચરિતાર્થ કરી શક્યાં હતાં.

વિદ્યાર્થિનીઓ પ્રત્યેનો નિવેદિતાનો પ્રેમભર્યો સંબંધ

શાળામાં આવતી પ્રત્યેક વિદ્યાર્થિની સાથે એમને ગાઢ આત્મીય સંબંધ હતો. તેઓ શાળાના સમયે દરરોજ શાળાના મુખ્ય દ્વાર આગળ ઊભા રહેતાં અને દરેક બાલિકાને સ્મિતપૂર્વક આવકારતાં. આથી દરેક બાલિકા આનંદિત બની જતી. તેમની શાળાની પ્રત્યેક વિદ્યાર્થિનીની તેઓ નોંધ રાખતાં, એ માટે તેમણે એક પત્રક બનાવ્યું હતું. એમાંના એક-બે ઉદાહરણો જોતાં એ સ્પષ્ટ જણાય છે કે નિવેદિતા પોતાની પ્રત્યેક વિદ્યાર્થિનીના વિકાસમાં કેટલો ઊંડો રસ દાખવતાં હતાં! નામ છે, વિદ્યુતબાલા બોઝ : ૬૦માંથી ૪૫ દિવસ હાજર. મેં ભાગ્યે જ જોઈ હોય તેવી દૃઢ વ્યક્તિ, તેનામાં ઉત્સાહ અને નિશ્ચયબળ અદ્‌ભુત છે. તેનો શોખ ઊંચી કક્ષાનો છે. પહેલાં તે માથાના દુ:ખાવા જેવી ઉદંડ હતી. પણ પછી તેની સાથે શાંતિથી વાત કર્યા બાદ તેની સાથે કામ લેવામાં એક સ્મિત પૂરતું હતું. પછી તો તેની પાસેથી અનેક ઉત્તમ અને મધુર વસ્તુઓ મળતી રહી છે. તેનામાં એક આગ છે અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળે. તેનું સિવણ કાર્ય સુંદર છે.

એમ. એન :- સુંદર, મધુર, શાંત ૬૦માંથી ૩૯ દિવસ હાજર. હું જાણું છું, તે તમામ બહેનોમાં સૌથી મધુર, હોંશિયાર અને ઉત્તમ, ખૂબ એકાંતપ્રિય, સાલસ ને કામમાં ડૂબી રહેનાર.’

આ રીતે નિવેદિતા પ્રત્યેક વિદ્યાર્થિનીના સ્વભાવ, ટેવ, રુચિ, શોખ વગેરેની નોંધ નાખતાં. તેમની ખૂબીઓને ઉજાગર કરતાં અને ખામીઓને, તે બાલિકાઓને ખબર પણ ન પડે તે રીતે દૂર કરી દેતાં. તેઓ પોતાની વિદ્યાર્થિનીઓને ખૂબ ચાહતાં હતાં. એમની એક વિદ્યાર્થિની ગિરિબાલા બાળવિધવા, કાકાના ઘરે રહીને ભણવા આવતી હતી. પછી તે થોડો સમય શાળામાં ન આવી તો નિવેદિતાએ તેના ઘરે જાતે જઈને તપાસ કરી. ત્યારે તેના કાકાએ કહ્યું કે ‘એક તો વિધવા ને પાછી બધી છોકરીઓ કરતાં મોટી, તેથી તે નિશાળમાં આવે છે તો બધાં કેવી કેવી વાતો કરે છે! એટલે હવે હું તેને નહીં મોકલું!’ નિવેદિતાએ તેના કાકાને ખૂબ સમજાવ્યા તો ય ન માન્યા, ત્યારે નિવેદિતાએ પોતે ઓઢેલી શાલ (જે એકમાત્ર શાલ તેમની પાસે હતી) તેને ઓઢાડીને કહ્યું : ‘મારી દીકરી, આ શાલમાં ઢબૂરાઈને તું શાળામાં આવજે, તને કોઈ નહીં જોઈ શકે.’ અને આમ નિવેદિતાએ ગિરિબાલાનો અભ્યાસ ચાલુ રખાવ્યો.

બીજી વિદ્યાર્થિની મહામાયા ક્ષયના રોગથી ઘેરાઈ ગઈ ત્યારે પોતાને આર્થિક તંગી હતી, તો પણ દવા અને ફળ માટે તેઓ પૈસા આપતાં અને તેના છેલ્લા દિવસો શાંતિમાં વીતે એ માટે પોતાના ખર્ચે જગન્નાથપુરીમાં ભાડાનું મકાન રાખી દીધું! આમ તેઓ પોતાની વિદ્યાર્થિનીઓના દુ:ખમાં પણ ભાગીદાર બનતાં હતાં.

પ્રફુલ્લમુખી નામની બાળવિધવાનું તો તેઓ ખૂબ જ ધ્યાન રાખતાં હતાં. દર એકાદશીએ તેને માટે ફળાહાર ફરજિયાત મોકલાવતાં. તે સમયે બંગાળમાં વિધવાઓએ એકાદશીનો ઉપવાસ ફરજિયાત કરવો પડતો! એક એકાદશીના દિવસે તેઓ ડૉ. જગદીશચંદ્ર બોઝને ત્યાં જમવા ગયાં હતાં. ત્યાં તેમને યાદ આવ્યું કે પ્રફુલ્લમુખીને ફળાહાર મોકલાવતાં ભૂલી ગયાં છે. એટલે તેઓ તુરત જ પાછાં ફર્યા અને પ્રફુલ્લમુખીને બોલાવીને કહ્યું; ‘મારી દીકરી, આજે એકાદશી છે. એ હું સાવ ભૂલી જ ગઈ અને તને મૂકીને મેં ખાઈ લીધું! અરેરે, કેટલું અવિચારી કહેવાય!’ પછી તેમણે જ્યારે તેને મિઠાઈ અને ફળો ખવડાવ્યાં, ત્યારે તેમને નિરાંત થઈ.

આમ પોતાના અંતરના પ્રેમથી, પોતાની ચેતનાના સ્પર્શથી, તેમણે પોતાની વિદ્યાર્થિનીઓના દિલ એવાં તો જીતી લીધાં હતાં, વિદ્યાર્થિનીઓ માટે શાળા સ્વર્ગ સમી બની ગઈ હતી. એક રવિવારે તેઓ પોતાના ઓરડામાં કામ કરી રહ્યાં હતાં. ત્યારે તેમણે બહાર કોલાહલ સંભળાતા નોકરને જોવા મોકલ્યો. નોકરે આવીને કહ્યું, ‘બાળાઓને આજે ય તમારી પાસે ભણવું છે, તમારી પાસે રહેવું છે. એટલે તેઓ આજે રવિવારે પણ આવ્યાં છે!’ અને નિવેદિતા દોડીને દરવાજે આવી પહોંચ્યા અને મધુર સ્મિતથી દરેક બાલિકાને આવકારી! આ જ તો હતી એમની શિક્ષણ સાધનાની સિદ્ધિ! એમણે પોતાના ત્યાગ અને સમર્પિત જીવન દ્વારા વિદ્યાર્થિનીઓના અંતસ્તલને સ્પર્શીને શિક્ષણ જગાડવાનો કેળવણીનો જે સર્વોચ્ચ આદર્શ શિક્ષણ જગત સમક્ષ મૂક્યો છે. એ માટે શિક્ષણ જગત હંમેશા તેમનું ઋણી રહેશે.

Total Views: 57

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.