પ્રાચીન ભારતના ઇતિહાસની ઊડીને આંખે વળગે એવી ખાસિયત એ છે કે એનું આલેખન કરનારાઓ ભારતીયો ન હતા અને ઇતિહાસકારો પણ ન હતા. યુરોપના સંસ્થાનવાદીઓ એના વફાદાર અમલદારો અને પરદેશી ભાષાવિદોએ એનું આલેખન કર્યું છે, એની વિસમતા તો એ છે કે ફક્ત સ્વતંત્રતા પૂર્વેના સાંસ્થાનિક ભારતની શાળાઓમાં જ નહિ, સ્વતંત્રતા મળ્યા પછી પણ એવા જ શિક્ષાવિદો અને એવા જ ઇતિહાસકારોના લખેલા પહેલાંના જ સાંસ્થાનિક હિત ધરાવતા અને ખ્રિસ્તી મિશનરીઓના પૂર્વગ્રહોવાળા ઇતિહાસને ભણાવાઈ રહ્યો છે!

આવા સ્થાપિત હિતોવાળા ઇતિહાસને કેટલાંક એવાં તત્ત્વો સમર્થન આપતાં રહ્યાં કે જેને ભારતના ઇતિહાસ સાથે સ્નાનસૂતકનો પણ સંબંધ ન હતો. એમાંનું એક તત્ત્વ હતું યુરોપની રાષ્ટ્રવાદી ચળવળો. એણે પેલાં વિદેશી સ્થાપિત હિતો સાથે ભળીને સાંસ્થાનિક વફાદારો પાસે એવો ઇતિહાસ લખાવડાવ્યો કે જેનું તારણ ભારતની મૂળ અકિંચનતામાં આવ્યું. આ કાવતરાબાજ ઇતિહાસનો નિષ્કર્ષ એ હતો કે ભારતે હાંસલ કરેલી દેખાતી બધી જ સિદ્ઘિઓ એના ઉપર થયેલાં આક્રમણોને જ આભારી છે. આક્રમકોએ જ ભારતને સભ્યતા-સંસ્કાર-સંપત્તિ-સુખ આપ્યાં છે! વળી આ કાવતરાબાજ ઈતિહાસમાં દર્શાવ્યું છે કે ભારત પર સર્વપ્રથમ આક્રમણ આર્યોનું થયું અને એમણે ભારતને જગતનો પ્રાચીનતમ ગ્રંથ-ઋગ્વેદ અને સંસ્કૃત ભાષા આપ્યાં!

આ નકલી ઇતિહાસના ષડ્‌યંત્રનું દુષ્પરિણામ કેવળ ભારત માટે જ નહિ પણ આખા જગતના ઇતિહાસ માટે પણ દુર્ભાગ્યપૂર્ણ છે. એણે ફક્ત ભારતના સમૃદ્ધ વારસાને સમૂળો ભૂંસી નાખવાનું દુષ્કૃત્ય નથી કર્યું પણ સમગ્ર ઇન્ડોયુરોપીય એટલે કે ભારતના વૈદિક આર્યોથી માંડીને ઠેઠ આયર્લેન્ડના કેલ્ટીક ડ્રુઈડ જાતિ સુધીના વારસાને પણ સાવ ખતમ કરી દીધો છે.

પરંતુ હવે સદ્‌ભાગ્યે પ્રાચીન ભારતના લેખો – અભિલેખો વગેરે ઐતિહાસિક સામગ્રીનું વૈજ્ઞાનિક ઢબે અને પૂર્વગ્રહમુક્ત અધ્યયન કરવામાં આવતાં અંતે ઇજિપ્ત, મેસેપોટેમિયા અને સિંધુ ખીણની પ્રાચીન સંસ્કૃતિના ઉદય પહેલાંની દુનિયાની ઝાંખી મેળવવાનું શક્ય બન્યું છે. એ દુનિયાનો આદિકાળ હતો. અને એ દુનિયા ઇન્ડોયુરોપીય ભાષા બોલતા પરિવારોનું ઉદ્‌ભવસ્થાન હતું.

આવશ્યક ઐતિહાસિક પરિપ્રેક્ષ્યથી વિહંગાવલોકન કરતાં હવે એવી પ્રતીતિ થાય છે કે બ્રિટિશરોએ પોતાનું શાસન ભારતીય લોકોને સારું અને સુખરૂપ લાગે એટલા માટે ભારતની બધી સિદ્ધિ-સમૃદ્ધિને (પોતા સહિત) બહારથી આવેલા આક્રમકોએ જ આપેલી ગણાવી દીધી અને એમ બહારથી પોતાના ભારતમાંના આગમનનો ખોટા ન્યાયે બચાવ કરી દીધો. અને આખાયે ભારતના ઇતિહાસમાં સૌ પ્રથમ આર્યોના આક્રમણથી માંડીને બ્રિટિશરોના આગમન-શાસનકાળ સુધી એ જ પરંપરા એકધારી બનતી આવી છે. એવો દાવો રાખી ઇતિહાસ લખાવ્યો અને એ રીતે પોતાના શાસનને ભારતહિતૈષી અને વ્યાજબી ગણાવી દીધું.

પરિણામ એ આવ્યું કે ભારતનો ખરો પ્રાચીન ઇતિહાસ ઢંકાઈ ગયો. અથવા તો એની ઇતિહાસયાત્રા સ્થગિત થઈ ગઈ. બ્રિટિશરોના આવા ખ્યાલ પ્રમાણે તો ભારતનો પ્રાચીનતમ ગ્રંથ ઋગ્વેદ પણ મધ્ય એશિયા કે યુરોપમાંથી આવેલા અને પોતાને ‘આર્ય’ તરીકે ઓળખાવતા બહારના આક્રમકોએ જ ભારતને આપ્યો, એવો જ અર્થ થાય ને? આમ, ભારતની સિદ્ધિઓનો યશ પહેલા આક્રમક સાથે અંગ્રેજોને પણ મળી જ ગયો.

એમણે આર્યોના એ પ્રથમ આક્રમણને ઈ.પૂ. ૧૫૦૦ની આસપાસ થયાનું ઠરાવ્યું. અને એવો દાવો કરવામાં આવ્યો કે એ આક્રમક આર્યોએ પ્રાચીન વિશ્વની સૌથી વિશાળ સિંધુખીણની સંસ્કૃતિને નષ્ટ કરી અને ત્યાંના રહેવાસીઓને મારી નાખ્યા.

આપણે હમણાં જ એ જોઈ ગયા કે આધુનિક યુરોપિયનોએ ખડા કરેલા આ આક્રમણના ખેલને ભારતના કોઈ પણ દસ્તાવેજનો – કોઈ પણ ઐતિહાસિક સાધનસામગ્રીનો કે પુરાતત્ત્વનો લેશમાત્ર પણ આધાર નથી જ.

પરંતુ, આ વાતનું પ્રતીતિજનક અવલોકન કરતાં પહેલાં આપણે છેલ્લાં સોએક વરસથી ભણાવાતા ઇતિહાસનાં પુસ્તકોમાં જે રીતે સિફતથી ઇતિહાસ રજૂ કરવામાં આવેલો છે, તે જરા જોઈ લઈએ.

આજે ભારતીય ઇતિહાસની કોઈ પણ ચોપડી હાથમાં લેતાંવેંત પહેલાં જ સિંધુખીણની સંસ્કૃતિ-હડપ્પા અને મોહન જો દડોની – થયેલી શોધો અને એની વિકસિત સંસ્કૃતિનું વિસ્તૃત વર્ણન નજરે પડે છે. અને પછી ઈ.સ.પૂર્વે ૧૫૦૦ની આસપાસ એના થયેલા પતન અને નાશનું બયાન કરવામાં આવે છે. ત્યાર પછી એના નાશના મુખ્ય કારણ રૂપે મધ્ય એશિયા કે એવે બીજે ઠેકાણેથી આવેલા અને પોતાને આર્ય તરીકે ઓળખાવતા ભટકતી જાતિના લોકોએ ભારતના ઉત્તર પશ્ચિમના ઘાટોમાંથી ઘૂસી જઈને આક્રમણ કર્યું એવું દર્શાવવામાં આવે છે. આ આક્રમણે આર્યોએ સિંધુખીણના મૂળ વતનીઓને હરાવ્યા અને પોતે ઉત્તર ભારતના વિશાળ વિસ્તારમાં વર્ચસ્‌ સ્થાપી સ્થિર થયા. ભારતમાં એમણે પોતાનું ઋગ્વેદાદિ મહત્ત્વનું સાહિત્ય રચ્યું. આવી માન્યતાઓ એ ઇતિહાસ લેખકોએ ઊભી કરી છે – જે હજુયે ચાલુ છે! આના પછીનો ભારતીય ઇતિહાસ તો અહેવાલો અને ઐતિહાસિક પ્રમાણો લઈને ગંભીરતાથી લખાયો છે.

આ બધા ઉપરથી તો વિદ્યાર્થીના મનમાં એવું જ ઠસી જવાનો સંભવ રહે છે કે હડપ્પા અને મોહન જો દડો વગેરેનાં સંશોધનો જ આર્યોએ કરેલા આક્રમણનો પુરાવો છે! પણ આ મત તદ્દન જ ભ્રામક છે. કારણ કે હડપ્પા-મોહન જો દડોની પુરાતત્ત્વીય શોધની પહેલાંનાં બસ્સો વરસો કરતાંયે વધારે પહેલાં શાસકોએ આર્યોના આક્રમણની કલ્પના કરી મૂકી હતી. એનાં મૂળ ઊંડાં છે.

એમાં સત્ય હકીકત તો એ છે કે અઢારમી અને ઓગણીસમી સદીના યુરોપમાં ફેલાયેલી ધાર્મિક અને રાજનૈતિક માન્યતાઓ – ખાસ કરીને જર્મન રાષ્ટ્રવાદમાં- એનાં મૂળ છે. ત્યાર પછીના સમયમાં એ માન્યતાઓ સાથે ભાષાકીય સંશોધનો પણ ભળ્યાં. ભાષાકીય સંશોધનોએ પેલી જર્મન રાષ્ટ્રવાદની વંશીય માન્યતાને અકબંધ સ્વીકારી લીધી. અને એને વધુ વળ ચડાવ્યો. એમાં સૌથી પ્રભાવી વ્યક્તિ સંસ્કૃતના વિખ્યાત વિદ્વાન પણ વિજ્ઞાનના સાવ અબૂધ એવા જર્મન ફ્રેડરિક મેક્સમૂલર હતા. તેઓ વિજ્ઞાનમાં તો એટલા બધા અજ્ઞાની હતા કે બાઈબલમાં લખાયેલી, ઈ.પૂ. ૪૦૦૪ના ઓક્ટોબરની ૨૩મી તારીખે સવારના નવ વાગે સૃષ્ટિની ઉત્પત્તિની વહેમી વાતમાં યે વિશ્વાસ ધરાવતા હતા!

ભારતની શાળાઓમાં હજુએ ભણાવાતો પ્રાચીન ઇતિહાસ આવી કેટલીયે અવૈજ્ઞાનિક હાસ્યાસ્પદ વાતોથી ભરેલો છે. મેક્સમૂલરના અને એના જેવા બીજાના વારસાની કેટલીય મનઘડંત વાતોથી એ ભરેલો છે. આવી કાલ્પનિક વાતોના ઘડતરમાં વંશીય, રાજનૈતિક અને ભાષાકીય – એ ત્રણે કારણોયે ભાગ ભજવ્યો છે. એમાંથી આપણે પહેલાં ભાષાકીય પરિબળને અને એનાં પરિણામને તપાસીશું.

ભારતીય અને યુરોપીય ભાષાઓ વચ્ચેની સમાનતાને આધારે યુરોપીય ભાષાવિદોએ પેલી આગળ જણાવેલી રાજનૈતિક અને વંશીય કલ્પનાને સાથ આપ્યો. ૧૭૮૪માં બંગાળના તત્કાલીન જસ્ટીસ વિલિયમ જેમ્સે સર્વપ્રથમ સંસ્કૃત અને યુરોપીય ભાષાઓ વચ્ચે ઘણી સમાનતા જોઈ. તે પહેલાં ફિલિપો સાસેટી (Phillippo Sasseti) નામના વેપારીએ (૧૫૮૩ થી ૧૫૮૮) ગોવામાં પાંચ વરસના વસવાટ દરમિયાન એવું તારવ્યું હતું કે સંસ્કૃત અને યુરોપીય ભાષાઓ વચ્ચે ચોક્કસ જ કોઈક સંબંધ હોવો જોઈએ.

એટલે આ સમાનતા જોનાર પહેલા ન હોવા છતાં એ સમાનતાનો સર્વપ્રથમ પદ્ધતિસરનો તુલનાત્મક અભ્યાસ કરવાનું શ્રેય તો તેમને જ જાય છે. દાખલા તરીકે સંસ્કૃતનો ‘દેવ’ શબ્દ, લેટીનના ‘દેઉસ’, ઇટાલીઅનના ‘દીઓ’, ફ્રેંચના ‘દીયુ’ અને ગ્રીકના ‘દેઉ’ના રૂપમાં પરિવર્તિત થયો છે, એવી જ રીતે સંસ્કૃતનો ‘અગ્નિ’ શબ્દ, લેટીનના ‘ઇગ્નીસ’, એમાંથી જ નીકળેલ આજની અંગ્રેજીના ‘ઇગ્નાઈટ’ અને ‘ઇગ્નેશન’ શબ્દો વગેરે સાથે નિકટનું સામ્ય ધરાવે છે. અને એવા તો અસંખ્ય શબ્દો ઉચ્ચારણ સામ્ય અને અર્થ સામ્ય ધરાવે છે. આવા ભાષાકીય સામ્યને લક્ષમાં લઈને યુરોપીય ભાષાવિદોએ એ સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો કે આ વિદ્યમાન સામ્યવાળી વિવિધ ભાષા બોલનારા લોકોના પૂર્વજો કોઈક કાળમાં એક જ ભૂમિપ્રદેશમાં રહેતા હતા. એમણે એવા લોકોને ‘ઇન્ડોઆર્યન્‌’ એવું નામ આપ્યું. એશિયા અને યુરોપમાં વિવિધ સ્થળોએ તેઓ પછીના સમયે જ ગયા હતા.

ઇન્ડોઆર્યન્‌ તરીકે ઓળખાવાયેલા એ લોકોના દેશાંતરવાસ કે અન્ય પ્રદેશ પર હુમલા કરીને તે સ્થળે વસવાની આ માન્યતા કંઈ ભાષાવિદો પહેલ વહેલા જ કરી રહ્યા ન હતા. મૂળે તો એમણે એ માન્યતા યુરોયીય રાષ્ટ્રવાદ પાસેથી ઊછીની લીધી હતી અને પોતાના સંશોધનથી એને કેવળ વધારે પુરસ્કૃત-દૃઢ કરી રહ્યા હતા. એ નવી બોટલમાં જૂના દારુ જેવી વાત હતી. એટલે ભાષાવિદોનાં સંશોધનોએ જ આર્યોના આક્રમણની માન્યતા સર્જી, એમ કહેવું હવે ખોટું ઠરે છે.

આ આક્રમક કહેવાતા આર્યોનું મૂળ સ્થાન ક્યાંક મધ્ય એશિયામાં અથવા તો યુરોપમાં પણ ગણાવવામાં આવ્યું છે. ભારત ઉપર આક્રમણ કરનારા ગણાવાતા આ આર્યો ઇન્ડોઆર્યનોની એક શાખા હતી. મેક્સમૂલર આર્યોના આ આક્રમણને ઈ.પૂ. ૧૫૦૦ની આસપાસનું ઠેરવે છે. અને એને ભાષાકીય અને સાહિત્યિક ટેકો હોવાનું જણાવે છે. પણ ખરી વાત તો એ છે કે ચુસ્ત ખ્રિસ્તી હોવાથી એણે પેલા બાઈબલના વહેમી લખાણ સાથે સુમેળ સાધવા માટે જ આવું સમયછલ રચ્યું છે! ઈ.પૂ. ૨૪૪૮માં પૂર આવ્યાનું બાઈબલમાં લખ્યું છે. અને ચુસ્ત બાઈબલવિશ્વાસી ખ્રિસ્તીઓ બાઈબલ પ્રમાણે સૃષ્ટિ રચના ઈ.પૂ. ૪૦૦૪માં થયેલી ગણે છે. મેક્સમૂલર પણ આવો સખત રૂઢિવાદી વહેમી હોવાથી એણે આર્યોના કહેવાતા આક્રમણને ઈ.પૂ. ૧૫૦૦ અને ઋગ્વેદની રચનાને ઈ.પૂ. ૧૨૦૦માં મૂકેલ છે. એ આમ ન કરે તો બાઈબલના વહેમી કથન સાથે તાલમેલ ન મળે અને મેક્સમૂલરની રૂઢિવાદી અંધ માન્યતાને ભારે ધક્કો લાગે તેમ હતું.

ખરા ઇતિહાસને શોધવા માટેનું અનિવાર્ય ઉપકરણ પુરાતત્ત્વ તો અપેક્ષાકૃત રીતે ઘણું પાછળથી આવ્યું. સિંધુ નદીની એક શાખા રૂપ રાવી નદી પરના હડપ્પાના અવશેષો તો કેટલાય વખતથી જાણીતા પડ્યા હતા. પણ એનું ઐતિહાસિક મહત્ત્વ તો ૧૯૨૧માં દયારામ સહાનીના અભિપ્રાય પછી જ સમજાયું. એમણે અભિપ્રાય આપ્યો કે એ અવશેષો મૌર્યકાળ પહેલાંના છે. ત્યાર પછીના વરસે એસ.ડી. બેનર્જીએ મોહન જો દડો પાસે, દક્ષિણપશ્ચિમ દિશામાં, એક ખીણ શોધીને સૂચવ્યું કે એ બંને સ્થળો એક જ પ્રાચીન સંસ્કૃતિના ભાગો છે. ૧૯૨૨માં ‘ઇલસ્ટ્રેટેડ લંડન ન્યૂઝ’માં જ્હોન માર્શલના લેખથી આખા વિશ્વનું ધ્યાન આ સંશોધનો પ્રત્યે દોરાયું.

આ સંશોધનો પછી તો સંસ્કૃતિ વિશે ઘણો ઘણો અભ્યાસ અને પરિશીલનો થયાં અને હવે આપણે જાણીએ છીએ કે આ સિંધુખીણની કહેવાતી સંસ્કૃતિ લાખો – કરોડો ચોરસ માઈલના ભૂભાગમાં પથરાયેલી અને પ્રાચીન વિશ્વમાં સહુથી વધારે વિસ્તૃત હતી. હવે આપણે એ પણ જાણીએ છીએ કે સિંધુખીણના લોકો મેસોપોટેમિયામાં સુમેરિયન જેવા લોકો સાથે વેપાર કરતા હતા. સિંધુખીણની સંસ્કૃતિમાં જેવી મુદ્રાઓ અને બીજાં સાધનો મળ્યાં છે, તેવી જ મુદ્રાઓ અને બીજાં સાધનો હમણાં હમણાંમાં પૂર્વના સોવિયેટ રશિયામાં અને હવેના મધ્ય એશિયાના તુર્કેમેનિસ્તાન જેવા સ્વતંત્ર થયેલ રાજ્યોમાં પ્રાપ્ત થયેલ છે. લોથલના બંદરે, વહાણવટાના સુવિખ્યાત પુરાતત્ત્વવિદ ડૉ. એસ. કે. રાવનાં સાહસી દરિયાઈ સંશોધનો પણ આ જ વાતને ટેકો આપે છે.

જ્યારે આ પુરાતત્ત્વીય શોધોની શરૂઆતની અવસ્થા જ હતી ત્યારે પેલી આર્યોના આક્રમણવાળી માન્યતા તો એની સો વરસ પહેલાં ભાષાવિદોમાં સ્થાપિત થઈ ચૂકી હતી. એટલે જેવાં આ સંશોધનો તેમણે જોયાં કે તરત જ તેઓ પોતાનો કક્કો ખરો હોવાનો દાવો કરવા માંડ્યા અને એ અવશેષોને આર્યોના આક્રમણનો એક વધુ પુરાવો માનવા લાગ્યા! બિચારો ઇન્દ્ર આરોપી બન્યો! એના નેતૃત્વમાં આર્યોએ હડપ્પન સંસ્કૃતિનો સર્વનાશ કર્યો! એમ મોર્ટિમર વ્હીલરે દર્શાવ્યું. આ વ્હીલર નાટ્યાત્મક વ્યક્તિત્વ ધરાવતો હતો. અભિનયપૂર્વક એણે કરેલાં ઐતિહાસિક વિધાનો જુવાનિયાઓને આકર્ષતાં એનાં કૃત્રિમ વિધાનો અજ્ઞાનીઓએ સાચાં ગંભીર માની લીધાં! પછી તો એણે પોતે પણ એ અભિનયમાત્ર જ હોવાનું કબૂલ્યું હતું! પણ આવી વાતોયે ઇતિહાસ પર કેટલી બધી અવળી અસરો પાડી જાય છે?

એવોય દાવો કરાયો કે શોધેલી સંસ્કૃતિના મૂળ વતનીઓ દ્રાવિડો હતા. આક્રમક આર્યોએ એમને હાંકી કાઢ્યા. પણ હડપ્પાના અવશેષોમાંથી મળેલી, ઉપર અક્ષરો લખેલી કેટલીક મુદ્રાઓ પરના અક્ષરો તામીલ જેવી કોઈ જ દ્રાવિડિયન ભાષાની મદદથી ઉકેલાઈ શક્યા નથી. એ માટેના ફાધર હેરાસ જેવાના અથાક પ્રયત્નો પણ સદંતર નિષ્ફળ નીવડ્યા છે. આમ ભાષાવિદોના દાવા છતાંય સિંદુખીણના લોકોની ભાષા દ્રાવિડીઅન હોવાને લેશમાત્ર પુરાવો મળ્યો નથી. વળી બીજી હકીકત એ પણ ધ્યાનાર્દ છે કે ભાષાઓનું ‘આર્ય’ અને દ્રાવિડ – એવું વર્ગીકરણ તો એકદમ અર્વાચીન સૈદ્ધાંતિક ખ્યાલમાત્ર છે. હજારો વરસ જૂના ઇતિહાસ સાથે એનો મેળ ખાય પણ ખરો અને ન પણ ખાય! એવી કહેવાતી દ્રાવિડિયન ભાષાનો તો બે હજાર પૂર્વ કાળ સુધી પતો લાગતો નથી. અને એ મુદ્રાઓ તો ચાર હજાર વરસ જૂની છે! આમ બંને વચ્ચે બે હજાર વરસનો ગાળો પડી જાય છે! વળી એકેએક ભારતીય જાણે છે કે બધી ભારતીય ભાષાઓ સંસ્કૃતના જબરા પ્રભાવવાળી છે. અને વાસ્તવમાં એમાંથી જ નીપજી છે. આટલાં પ્રમાણો હોવા છતાં ‘સિંધુખીણની સંસ્કૃતિનો વિનાશ આક્રમક આર્યોએ કર્યો’ એવું ઘણાં ઇતિહાસ પુસ્તકોમાં આજેય જોવા મળે છે.

હવે, ભારતમાં એસ. કે. રાવ અને અમેરિકામાં સુભાષ કાક તેમજ અન્યોએ કરેલાં કાર્યોને આધારે સિંધુખીણની એ મુદ્રાઓની ભાષા સંસ્કૃતને મળતી હતી એવું વધુ વધુ પ્રતીત થતું જાય છે. તાજેતરમાં એસ. કે. રાવ અને એન. એસ. રાજારામના એક લેખમાં દર્શાવવામાં આવ્યું છે કે હડપ્પાની એ મુદ્રાઓને વૈદિક સંસ્કૃત અને એની સભ્યતાનો આધાર લઈને ઉકેલવાનું શક્ય છે. હડપ્પન સંસ્કૃતિ વૈદિક યુગના સૂત્રકાળની સંસ્કૃતિ છે. એવું હવે તો સ્વતંત્ર પુરાતત્ત્વીય પુરાવાઓથી સાબિત થયું છે. એનો અર્થ એ છે કે વૈદિક અને હડપ્પન એ બંને સંસ્કૃતિ વૈદિક યુગના અંત સાથે અસ્ત પામી. અને એ બંને એક જ સંસ્કૃતિના બે ભાગો હતા.

આપણે આગળ જોઈશું કે એ બંને સંસ્કૃતિઓનો અંત ઈ.પૂ. ૨૦૦૦ પછી તરત કોઈક વિશ્વવ્યાપી ગ્રહાદિની અથડામણ કે એવી કોઈ આપત્તિથી થયો.

હવે આપણે પ્રવર્તમાન ઇતિહાસની બાબત તરફ પાછા વળીએ : આર્યોના આક્રમણની માન્યતાનું સૌથી મહત્ત્વનું પરિણામ એ છે કે સિંધુખીણની સંસ્કૃતિના અંત પછી જ વૈદિક સાહિત્યનું – ખાસ કરીને ઋગ્વેદનું – નિર્માણ થયું. એવી એમાં અપેક્ષા રહે છે. આર્યોના આક્રમણને સ્વીકારનાર કોઈને પણ એવું માનવું જ પડે છે. તાજેતરનાં વર્ષોમાં પુરાતત્ત્વ, પ્રાચીન ગણિતશાસ્ત્ર, કમ્પ્યુટર વિજ્ઞાન અને ખગોળશાસ્ત્રના પ્રશિક્ષણની વિશાળ હારમાળા દ્વારા વિદ્વાનોએ કરેલા સંશોધનને પરિણામે, આર્યોના આક્રમણ વિશે, અને ખરી રીતે તો સિંધુખીણની સંસ્કૃતિના વૈદિકપૂર્વકાળમાં હોવા વિશેના અનેક ગંભીર પ્રશ્નો શરૂઆતથી જ ઊભા થવા લાગ્યા છે. આપણે હવે એમાંથી કેટલીક પુરાતત્ત્વીય કસોટીઓ અને ઋગ્વેદને શરૂઆતમાં આ બાબતો માટે અવલોકીએ કે એ બંને સરસ્વતી નદી વિશે શું કહે છે? આવી તપાસ એકદમ જ નાટ્યાત્મક રીતે આર્યોના આક્રમણના કલ્પનામહેલને કડડભૂસ કરતો ખતમ કરી દેશે.

આપણે આજે ગંગાને પવિત્ર નદી માનવા ટેવાયેલા છીએ. પણ વૈદિક કાળમાં પવિત્રતમ નદી સરસ્વતી હતી. તે આજના પંજાબની પૂર્વમાં અને ગંગાની અને યમુનાની પશ્ચિમ દિશાએ વહેતી હતી. ઋગ્વેદ સરસ્વતીને ‘માતા’ કહીને પ્રશંસે છે તે કહે છે: ‘સરસ્વતી શ્રેષ્ઠમાતા, શ્રેષ્ઠ નદી અને શ્રેષ્ઠ દેવી છે.’ (ઋ.૧૧.૪૧.૧૬)

આવી આવી તો કેટલીય પ્રશંસાઓ ઋગ્વેદમાં પથરાયેલી પડી છે. તાજેતરનાં સઘન પુરાતત્ત્વીય સંશોધનોએ બતાવી આપ્યું છે કે સિંધુખીણની સંસ્કૃતિનું કેન્દ્રબિંદુ સિંધુનદી નહિ, પણ એ બિંદુ અત્યારે સુકાઈ ગયેલી સરસ્વતી પર જ હોવું જોઈએ. છેલ્લી ગણતરી પ્રમાણે હજારથી પણ વધારે વસાહતો સરસ્વતીતીરે હતી અને એ ત્યાંની વૈદિક સંસ્કૃતિના પુરાવા રૂપ છે. સ્વ. ડૉ. વી.એસ. વાકેંકરે વિવિધ જ્ઞાનશાખાઓના પ્રશિક્ષિતોની એક ટીમ સાથે રાખીને વર્ષો સુધી સંશોધન કરીને તારવ્યું છે કે સરસ્વતીએ પોતાનાં વહેણો બદલ્યા જ કર્યાં છે અને છેવટે ઈ.પૂ. ૧૯૦૦ની આસપાસ સુકાઈ ગઈ. એનું મુખ્ય કારણ એણે પોતાની બે મુખ્ય શાખા – યમુના અને સતલજ ગુમાવી તે છે. પહેલી શાખા (યમુના) ગંગામાં ભળી અને બીજી (સતલજ) સિંધુમાં ભળી ગઈ. આર્યસંસ્કૃતિનું કેન્દ્ર આમ પછી પૂર્વમાંથી ગંગા તરફ વળ્યું અને ગંગા ભારતની પવિત્રતમ નદી બની ગઈ! રાજકીય સર્વોપરિતા પણ સરસ્વતીના ભરતવંશમાંથી પૂર્વના મગધવંશમાં ગઈ.

આ દર્શાવે છે કે અતિપ્રશસ્ત અને અતિપૂજિત આ પવિત્રતમ સરસ્વતી ઈ.પૂ. ૧૯૦૦ની આસપાસ સાવ સૂકાઈ ગઈ. આ ઘટના આર્યોના આક્રમણની માન્યતા સામે બે મહત્ત્વના પ્રશ્નો ખડા કરે છે: પહેલો તો એ કે જો સરસ્વતી ઈ.પૂ. ૧૯૦૦ની આસપાસ સુકાઈ જ ગઈ હોય, તો એના સુકાયા પછીના પાંચસો વરસે ભારતમાં આવેલા ઋગ્વેદના રચનારા આર્યો એની હસ્તીની ભરપેટ સ્તુતિ કેવી રીતે કરી શકે? એનાથી પણ વધારે મુંઝવતો પ્રશ્ન એ છે કે એવી સુકાયેલી સરસ્વતી ઉપર એમણે વધારેમાં વધારે વસાહતો કેમ ઊભી કરી? અને એ પણ વળી છ મોટી નદીઓ (એક સિંધુ અને પાંચ એની શાખાઓ) હોવા છતાંય ત્યાં કેમ વસ્યા? એટલે પુરાતત્ત્વનો આ ચુકાદો એકદમ સ્પષ્ટ છે કે સુકાયા પહેલાં જ્યારે સરસ્વતી પ્રબળ રીતે પ્રવાહિત હતી, સંજીવની શક્તિ રૂપ હતી, ત્યારના ભારતનું જ ઋગ્વેદમાં વર્ણન છે. હજારો ચોરસમાઈલમાં ફેલાયેલી વિશાળ સંસ્કૃતિને જે ‘સિંધુખીણની સંસ્કૃતિ’ એવું નામ આપવામાં આવ્યું છે, તે ખરી રીતે વૈદિક આર્ય સંસ્કૃતિ જ છે. એટલે ‘આર્યોનું આક્રમણ’ અને ‘આર્ય-દ્રાવિડ સંઘર્ષ’ – એ બંને વાતો કેવળ કપોળકલ્પિત-કોરી કલ્પનાઓ જ છે. આખી વાત એક બનાવટ જ છે. 

આ સરસ્વતીના પુરાવા ઉપરાંત બીજા પુરાવા પણ છે. હડપ્પા અને મોહન જો દડો – જેવા સિંધુખીણનાં સ્થળો જ એવી સાક્ષી પૂરે છે કે તે સ્થળો પણ આર્યવિસ્તારનાં જ હતાં. દાખલા તરીકે ઈરાનની સીમમાંથી ઉત્તરપ્રદેશના પૂર્વભાગના સિંધુખીણની સંસ્કૃતિના ગણાયેલા પ્રદેશમાંથી યજ્ઞશાળાઓ મળી આવી છે. આ ત્યાંના લોકો વૈદિક યજ્ઞધર્મના અનુયાયીઓ હતા તેવું સૂચવે છે. આ યજ્ઞશાળાઓની રચના અને સ્વરૂપ, ‘શુલ્વસૂત્ર’ તરીકે જાણીતા વૈદિક ગ્રંથો પ્રમાણેની જ છે. વૈદિક યજ્ઞવેદીઓ અને યજ્ઞશાળાઓનું ખૂબ વિસ્તૃત માર્ગદર્શન આપતા આ ગ્રંથો વિશ્વના સૌથી પ્રાચીન વૈદિક ગાણિતિક ગ્રંથો છે. આર્યોના આક્રમણની માન્યતાવાળાઓએ તો એવુંય ઠોકી બેસાડ્યું છે કે હડપ્પાની સંસ્કૃતિના મૂળ વતનીઓએ – આર્યેત્તરોએ – યજ્ઞશાળાઓની રચના કરી! વાહ, તો તો એવું બન્યું કે રચનાઓ પહેલાં થઈ ગઈ અને રચના માટેનું માર્ગદર્શન આક્રમક આર્યો દ્વારા પછીથી મળ્યું! આ તો ભારે હાસ્યાસ્પદ તારણ છે! આપણી આજની ઇતિહાસની ચોપડીઓમાં દેખાતી આવી સાવ બુદ્ધિહીન અસંગતતાની સમજૂતી કે સ્વીકૃતિ વિજ્ઞાન ન જ કરી શકે.

‘વસિષ્ઠના મસ્તક’ તરીકે જાણીતા એક ધાતુના અવશેષની પ્રખ્યાત શોધ હમણાં થઈ છે. ૧૯૫૮માં હેરી હિક્સ નામના સાન્ફ્રાંસિસકોમાંના યુવાન ક્લેટરે ભારતની યાત્રા દરમિયાન દીલ્હી નજીકથી ભંગારમાંથી એક સુંદર રીતે કંડારેલી વૈદિક આર્યના મસ્તકની ધાતુમૂર્તિ, કોઈ એને ઓગાળી નાખે તે પહેલાં ગોતી લીધી છે. પછીનાં ત્રીસ વરસો સુધી હિકો અને અમેરિકન ભૌતિકવિજ્ઞાની ડૉ. રોબર્ટ એન્ડરસને એનાં અમેરિકા અને સ્વિટઝરલેન્ડની નાભિકીય પ્રયોગશાળાઓમાં અનેકાનેક પરીક્ષણો કર્યા. અને એનો સમય નિશ્ચિત કરવાના પ્રયત્નો કર્યા. એમના આશ્ચર્ય વચ્ચે એ સમય આશરે ઈ.પૂ. ૩૭૦૦નો જણાયો! એટલે આર્યોએ ભારત પર આક્રમણ કર્યાના મનાયેલા સમય કરતાં ૨૦૦૦ વર્ષ પહેલાંનો સમય નોંધાયો! વધારે રસપ્રદ વાત એ છે કે ઋગ્વેદમાં આપેલાં સુવિખ્યાત ઋષિ વસિષ્ઠનાં વર્ણનનો એમાં પડઘો પડે છે!

ઋગ્વેદના સાતમા મંડળના સુવિખ્યાત દૃષ્ટાઓ પૈકીના વશિષ્ઠ એક મહાન ઋષિ છે. વૈદિક રાજા સુદાસના એ રાજપુરોહિત અને સલાહકાર હતા. ઋગ્વેદમાં વર્ણિત ‘દાશરાજ્ઞયુદ્ધ’ નામે ઓળખાતા યુદ્ધમાં દસ રાજાઓના સમવાયને સુદાસે હરાવ્યો હતો. સાહિત્યિક, ઐતિહાસિક, ધાતુશાસ્ત્રીય અને ખગોળશાસ્ત્રીય પ્રમાણોને આધારે આ યુદ્ધનો સમય ઈ.પૂ. ૩૭૩૦ નક્કી કરી શકાય છે. એ પણ વૈજ્ઞાનિક રીતે આ મૂર્તિનિર્માણના નિશ્ચિત સમય સાથે બંધબેસતો થાય છે. કોઈ કદાચ એને વસિષ્ઠની કેવળ આબેહૂબ પ્રતિકૃતિ તરીકેની જ ઓળખ આપીને વિરોધ કરે, તો પણ યુરોપ અને અમેરિકાની સારામાં સારી પ્રયોગશાળાઓમાં, છેલ્લામાં છેલ્લી ઢબની પ્રૌદ્યોગિકી દ્વારા નક્કી કરેલ એનો પ્રાચીન સમય તો નિર્વિશેષ જ રહેને! એ મૂર્તિનું અસ્તિત્વ જ એ પૂર્ણ સાબિત કરી આપે છે કે વૈદિક આર્યો ઈ.પૂ. ૪૦૦૦ કરતાં મોડા તો ભારતમાં નહિ જ વસ્યા હોય. કહેવાતી સિંધુખીણની સંસ્કૃતિની પહેલાંના સમયે જ તેઓ ત્યાં હતા. ભારતમાં વૈદિક આર્યોની હાજરી વૈદિક સાહિત્યનાં ખગોળશાસ્ત્રીય વિધાનોથી પણ વધુ દૃઢ બને છે.

આમ, પુરાતત્ત્વીય, ગાણિતિક, ખગોળશાસ્ત્રીય અને ધાતુશાસ્ત્રીય સબળ પુરાવાઓથી હવે તો એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે ઈ.પૂ. ૪૦૦૦ સુધીમાં આર્યો ભારતમાં સંપૂર્ણ રીતે પોતાને સ્થાપિત કરી ચૂક્યા હશે જ. અને તે સમય દરમિયાન તેઓની સંસ્કૃતિ ઘણી જ વિકસિત થઈ ચૂકી હશે. અને સિંધુખીણની સંસ્કૃતિ વૈદિક સંસ્કૃતિ પછીથી આવેલી છે. ખરી રીતે તો એ સતત વહેતી વૈદિક સંસ્કૃતિના જ એક આધ્યાત્મિક રીતે નિમ્નકોટિના પ્રવાહ રૂપ છે. એટલે દ્રાવિડો તો વૈદિક સભ્યતાના એક ભાગ રૂપ જ હતા અને આર્યો – દ્રાવિડોના સંઘર્ષની વાત ઊપજાવી કાઢેલ અનૈતિહાસિક ગપ્પા છે. એણે જ ભાગલા પડાવવાનું ભયંકર કામ કર્યું છે પણ વિશ્વના ઇતિહાસમાં ખૂબ મહત્ત્વની રીતે ઉપરનાં તારણો બતાવી આપે છે કે પ્રાચીન ઇજિપ્ત મેસેપોટેમિયા અને સિંધુખીણની સંસ્કૃતિ કરતાં વૈદિક સંસ્કૃતિ – ઋગ્વેદકાલીન સંસ્કૃતિ – પહેલાંના સમયમાં હતી.

આમ સ્થિતિ છે, છતાં આપણે શા માટે સો કરતાં યે વધારે વરસથી ચાલ્યા આવતા પેલો આર્યોના આક્રમણ પર આધારિત ઇતિહાસ જ લક્ષમાં લેવાતો રહ્યો છે? એનું પહેલું કારણ તો એ છે કે ઓગણીસમી સદીના મેક્સમૂલર પેઠે જ યુરોપિયનોના મોટા ભાગને વિજ્ઞાનનું કશું જ્ઞાન ન હતું. તેઓ બાઈબલમાં વહેમી લખાણોમાં અંધવિશ્વાસ ધરાવતા હતા. એ તો જાણે ઠીક, પણ એમાં પાયાની સૌથી મોટી વાત તો એ હતી કે સંસ્થાનવાદી શાસકોનો, પ્રાચીન ઇતિહાસનું સત્ય પ્રગટ થાય એવો કોઈ જ – સહેજ પણ – ઈરાદો ન હતો! એણે નીમેલા ઇતિહાસલેખકો કંઈ ભૂતકાળના સત્યને શોધવા માટે પગાર લેતા ન હતા! શાસકોનો સ્વાર્થ તો એવાઓનો ઉપયોગ કરીને પોતાના રાજકીય વેપારસંબંધી અને મિશનરી હિતોને સાધવાનો જ હતો! એમાં પાછો વળી જર્મન રાષ્ટ્રવાદ ભળ્યો અને વંશીય તિરસ્કારનું તત્ત્વ ઉમેરાયું. પરિણામે, યુરોપના રાજનૈતિક અને આર્થિક હિતોનો જ એના ઉપર ખૂબ જ પ્રભાવ પડવા માંડ્યો અને જે કોઈ વૈજ્ઞાનિક આધારો હતા, ભારત પાસે જે કોઈ દસ્તાવેજી પુરાવા હતા એ બધા પર જાણી જોઈને લક્ષ્ય ન અપાયું. આ વિચિત્ર ઘટનાઓ કેવી રીતે બની, તે હવે આપણે જોઈશું.

સ્વામી વિવેકાનંદે આ સંશોધનો થયા પહેલાં જ ભાખ્યું હતું: ‘અને તમે યુરોપિયન પંડિતો એમ કહો છો કે આર્યોએ કોઈક અન્ય પ્રદેશમાંથી આવીને આક્રમણ કરીને અહીંના મૂળવતનીઓને હાંકી મૂક્યા, એમની જમીનો પડાવી લીધી… આ કેટલી અક્કલવગરની મૂર્ખ વાતો છે! અને ભારતના વિદ્વાનો એની આગળ મૌનધરી દે એ કેટલું વિચિત્ર છે!’

(ક્રમશ:)

Total Views: 77

One Comment

  1. Maithili July 29, 2023 at 4:29 am - Reply

    Khub upyogi jankari👌🏻

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.