(ગતાંકથી ચાલું)

યુગા હવે અગિયાર વર્ષની થતાં તેના પિતા તેના માટે યોગ્ય વરની શોધ કરવા લાગ્યા. સગાસંબંધીઓ હવે તેના જલ્દી લગ્ન કરી નાંખવાં જોઈએ તેમ કહેવા લાગ્યા. જ્યારે ગૌરીમાને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે તેના પિતાને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે ‘યુગાના લગ્ન તો ભગવાન જગન્નાથ સાથે તમે કરી દીધાં છે. તમે જ કન્યાદાન આપ્યું છે અને હવે તમે તેને ફરી પરણાવવાની વાત કરો છો! ખબરદાર જો તમે એના લગ્ન વિષે હવે વિચાર્યું છે તો!’ એના પિતા પર એના સગાસંબંધીઓનું ભારે દબાણ હતું. આથી તેમણે ત્યારે તો ગૌરીમાની વાત માની નહીં. એટલે ગૌરીમાને ભારે ચિંતા થવા લાગી. તેમણે યુગાને કહ્યું : ‘ચાલ અહીંથી બીજે ક્યાંક જતા રહીએ. આ લોકો તને સુખેથી રહેવા નહીં દે.’ જેમને જગન્નાથજી ઉપર પ્રેમ નથી, તેવાં તારાં સગાઓને તું કદી પ્રેમ કરતી નહીં, તેમનો કદી વિશ્વાસ પણ કરતી નહીં. તારાં સાચાં સગા મા શારદાદેવી છે. તું આ સંસારી સગાઓને છોડી દે.’ આ બાબતમાં હવે શું કરવું જોઈએ એ માટે એમણે સ્વામી શારદાનંદજીની સલાહ લીધી. ત્યારે શારદાનંદજીએ કહ્યું ‘તમે બચ્ચીને લઈને બંગાળ છોડીને દૂર જતાં રહો.’ આ માટે તેમણે ગૌરીમાને પૈસા પણ આપ્યા અને પશ્ચિમ ભારતના પોતાના એક ભક્તનું સરનામું પણ આપ્યું. કોલકાતાથી ગૌરીમા યુગાને લઈને મદ્રાસ આવ્યાં. ત્યાં સ્વામી રામકૃષ્ણાનંદને મળ્યાં. ત્યાંથી સોલાપુર, પંઢરપુર, મુંબઈ વગેરે સ્થળોએ ફરીને બસીરહાટ આવ્યાં. ત્યાં યુગાના પિતાને ફરી મળ્યાં અને તેમને સમજાવ્યા કે ‘યુગાની ઇચ્છા વિરુદ્ધ તમે કંઈ ન કરો. જો એમ કરશો તો તેમાં તેનું અને તમારું બંનેનું અહિત જ થશે.’ આખરે એના પિતા સમજ્યા તો ખરા. પણ તેમ છતાં ગૌરીમાને એમની વાત પર સંપૂર્ણ વિશ્વાસ બેઠો નહીં. આ રઝળપાટમાં ગૌરીમા સખત બિમાર પડી ગયાં. તે એટલે હદ સુધી કે ડોકટરોએ તેમના બચવાની આશા છોડી દીધી. ગૌરીમાને મૃત્યુનો ભય નહોતો. પણ તેમને ચિંતા હતી યુગાની. આથી એક દિવસ તેને પાસે બેસાડીને કહ્યું : ‘મારા મૃત્યુ પછી તું પાછી ઘરે જતી નહીં. મા શારદાદેવી પાસે જઈને રહેજે. સંસારમાં પાછી ન જતી. સંસારમાં તો તારું કોઈ નથી, જ્યારે અહીં તો ભવિષ્યમાં કેટલાંક શિષ્યો-સંતાનોની માતા બનીશ.’ યુગાએ તેમને ખાતરી આપી કે તે સંસારમાં ક્યારેય પાછી જવા ઇચ્છતી જ નથી. ત્યારે તેઓ નિશ્ચિંત બન્યાં. યુગાએ ગૌરીમાની રાતદિવસ સેવા કરી. ઈશ્વરકૃપાથી ગૌરીમા જીવલેણ બિમારીમાંથી સાજાં થઈ ગયાં. એ પછી તેઓ બંને લગભગ અઢી મહિના ઉદ્‌બોધનમાં શ્રીમા પાસે રહ્યાં. યુગાએ શ્રીમાની ખૂબ સેવા કરી. શ્રીમા પાસેથી તે બધી પૂજાવિધિ શીખી અને તેનો આંતરવિકાસ ઝડપથી થવા લાગ્યો.

એક દિવસ તે શ્રીમાની ચરણસેવા કરી રહી હતી. ત્યારે અચાનક બોલી ઊઠી : ‘મા, મને ભગવું વસ્ત્ર આપોને! મારે સંન્યાસિની થવું છે. તમે મને જે મંત્ર આપ્યો છે, તેનો જપ તો હું નિત્ય કરું જ છું. મંત્ર એ મનનું વસ્ત્ર છે. જ્યારે ભગવું એ શરીરનું વસ્ત્ર છે.’ આ સાંભળીને શ્રીમા તો એકદમ હસી પડ્યાં અને બોલ્યાં : ‘અરે, ગોલાપ, સાંભળતો ખરી, આ બચ્ચી શું કહે છે!’ પણ પછી આટલું બોલીને શ્રીમા આંખો બંધ કરીને ધ્યાનમાં ઊતરી ગયાં. થોડીવારે જાગૃત થઈને પછી બોલ્યા: ‘હા, બચ્ચી હું તને સંન્યાસદીક્ષા આપીશ. તું શરત્‌ મહારાજને કહીને શુભદિવસ નક્કી કરી લે.’

જ્યારે ગૌરીમાએ આ જાણ્યું ત્યારે કહ્યું : ‘યુગા કેટલી બધી સદ્‌નસીબ છે કે સ્વયં શ્રીમા તેને સંન્યાસ દીક્ષા આપશે! પણ પછી તેમણે વિચાર્યું કે આ બાબતમાં તો તેના પિતાની સંમતિ મેળવવી જરૂરી છે. આથી તેઓ યુગાને લઈને તેના પિતાને ત્યાં આવ્યાં.

યુગાએ જ્યારે પિતાને પોતે સંન્યાસ-ગ્રહણ કરવા ઇચ્છે છે, એવું જણાવ્યું, ત્યારે તેના પિતાએ ભારે વિરોધ કર્યો અને કહ્યું હું તને એ માટે રજા નહીં આપું! હવે જો પિતાની સંમતિ ન મળે તો સંન્યાસદીક્ષા પણ ન મળે. આથી યુગા ચિંતિત બની ગઈ. પછી તેણે પિતાને ખૂબ આજીજી કરી કહ્યું કે મને સંસારમાં બિલકુલ રસ નથી. મારે તો ભગવદ્‌ પ્રાપ્તિ કરવી છે. એ માટે તમે મને આશીર્વાદ સાથે સંમતિ આપો. પુત્રીની વારંવાર થતી વિનંતીથી આખરે પિતાનું હૃદય પીગળ્યું અને તેમણે કહ્યું હું તને સંમતિ આપું, પણ તારે મારી બે શરતોનું પાલન કરવું પડશે.

યુગાને મનમાં થયું કે વળી નહીં પાળી શકાય તેવી શરતો હશે તો શું થશે? એટલે ચિંતાતુર સ્વરે કહ્યું, ‘કઈ શરતો છે?’ ‘પહેલી શરત તો એ કે તું મારી સાથે એક થાળીમાં જમીશ.’ ‘પણ, હું તો બ્રહ્મચારિણી છું, તમારી સાથે એક જ થાળીમાં જમી શકું નહીં. હા, હું તમારી પાસે બેસીને મારી સ્વતંત્ર થાળીમાં ભોજન કરીશ. પણ એમાં ય હું અન્ન ગ્રહણ નહીં કરી શકું.’ પિતાએ પોતાની શરતમાં થોડી બાંધછોડ કરી કહ્યું: ‘ભલે તેમ તો તેમ. મારી બાજુમાં બેસીને ફળપ્રસાદ લેજે. પછી તેણે બીજી શરત વિષે પૂછ્યું ત્યારે તેના પિતાએ કહ્યું: ‘અત્યારે તું થાકી ગઈ છો. તું આરામ કર. સાંજે હું તને એક પ્રશ્ન પૂછીશ અને તેનો તારે સાચો જવાબ આપવો પડશે.’ આ સાંભળીને યુગા તો વિચારમાં પડી ગઈ કે એવો તે ક્યો પ્રશ્ન હશે અને હું તેનો સાચો જવાબ ન આપી શકું તો? એ તો ચિંતામાં પડી ગઈ. ત્યાં તો એની નજર સામે એક ઊંચી સશક્ત માનવ આકૃતિ પ્રગટ થઈ. આ રીતે એકાએક પ્રગટેલી આકૃતિને યુગા આશ્ચર્યથી જોવા લાગી, ત્યાં તો તે બોલવા લાગી; ‘બેટા, તું ડર નહીં. હું તારો દાદો છું. હું તને મદદ કરીશ. ને તું તારા પિતાના પ્રશ્નનો જવાબ જરૂર આપી શકીશ.’ અત્યારે તું ઘણી જ થાકેલી છો. તું શાંતિથી સૂઈ જા.’ આ સાંભળીને યુગાએ નિરાંત અનુભવી.

સાંજે તેના પિતાએ પ્રશ્ન પૂછ્યો : ‘સ્ત્રી માટે સંન્યાસ નિષિદ્ધ છે. તેનાથી વંશનું અકલ્યાણ થાય છે. શું તું સંન્યાસ લઈને આપણા વંશનું અકલ્યાણ કરવા ઇચ્છે છે?’ આ સાંભળીને તે થોડી વિક્ષિપ્ત થઈ ગઈ. આનો શો ઉત્તર આપવો તે અંગે તે વિમાસણમાં પડી ગઈ. ત્યાં તેના દાદા ફરી દેખાયા અને તેમણે ઈશારાથી તેને કશુંક સમજાવ્યું. તેથી તેનામાં હિંમત આવી ગઈ અને તેણે પિતાને જવાબ આપતાં કહ્યું : ‘પિતાજી, રામકૃષ્ણદેવના તાંત્રિક ગુરુ ભૈરવી બ્રાહ્મણી સંન્યાસિની હતાં. ગૌરીમાએ પણ સંન્યાસ લીધો છે. એથી એમના વંશનું તો કોઈ અકલ્યાણ થયું નથી. ઊલ્ટું એમના વંશની તો વૃદ્ધિ થઈ છે. મારા સંન્યાસથી તમારું અકલ્યાણ નહીં પણ કલ્યાણ થશે. એમ કહીને પ્રેમપૂર્વક સંન્યાસ ગ્રહણ કરવાની આજીજી કરી. આખરે પિતાનું હૃદય દ્રવ્યું ને તેમણે તેને સંમતિ આપી. યુગાએ ભૂમિષ્ટ થઈને પિતાને પ્રણામ કર્યાં અને પિતાએ આશીર્વાદ આપતાં હવે તેનો સંન્યાસનો માર્ગ સરળ થઈ ગયો.

સંન્યાસ દીક્ષા માટે રાધાષ્ટમીનો દિવસ નક્કી કરવામાં આવ્યો. યુગાએ પોતાના કર્ણકૂલ, કંગન અને અન્ય આભૂષણો, તેમજ કિંમતી વસ્ત્રો શ્રીમાની ભત્રીજી રાધુ અને અન્ય સેવિકાઓને વહેંચી દીધાં. સંન્યાસદીક્ષા માટેની પૂજા વિધિ બે દિવસ સુધી ચાલી. પ્રથમ દિવસે શ્રીમાએ શ્રીરામકૃષ્ણદેવની વિશેષ પૂજા કરાવી. પછી તેમણે પૂછ્યું કે ‘દીકરી, તને કોના ઉપર વિશેષ પ્રેમ છે?’

‘મા, જેમના ચરણકમળમાં મેં મારું સર્વસ્વ અર્પણ કર્યું છે, તેમનામાં.’

‘તું એના જ રૂપનું, એની જ મૂર્તિનું ધ્યાન કરજે.’ શ્રીમાએ કહ્યું.

પછી બીજે દિવસે યુગાએ શ્રીમાની સાથે ગંગાસ્નાન કર્યું ત્યારબાદ શ્રીમાએ બધી પૂજાવિધિ કરાવી. બાગબજારમાંથી મિઠાઈ, રસગુલ્લાં વગેરે મગાવ્યાં. ગૌરીમાએ હોમહવનનું આયોજન કર્યું. પછી શ્રીમાએ પોતાની જ એક નવી સાડી ભગવી રંગાવી હતી, તે તેને ઓઢાડી પણ તે ઓઢાડતાં પહેલાં શ્રીમાએ યોગાના હોઠે પોતાના હાથ અડાડ્યા, પછી તેના મસ્તક પર બંને હાથ મૂકી આશીર્વાદ આપ્યા અને કોઈ વિધિ કરી, તે વખતે યુગાના મનમાં અને શરીરમાં એક દિવ્યભાવ વ્યાપી ગયો. પછી જ્યારે શ્રીમાએ ગેરુઆ વસ્ત્ર ઓઢાડ્યું ત્યારે તો તેનું બાહ્યભાન ચાલ્યું ગયું હતું અને તે ઊંડા ભાવમાં નિમગ્ન બની ગઈ. શ્રીમાએ તેના કપાળમાં શ્વેતચંદન, રક્તચંદન, કુમકુમનું અર્ચન કર્યું અને તેના ગળામાં એક પુષ્પહાર પહેરાવી તેને જાગ્રત કરી. ત્યારબાદ યુગાએ ગુરુપૂજન અને ઈષ્ટપૂજન કર્યું ને શ્રીમાના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી. શ્રીમાએ તેના આખા શરીર પર હાથ ફેરવ્યો, જાણે હવે તેનો નવો જન્મ થયો ન હોય, અને તેને નવું નામ આપ્યું ‘મા દુર્ગાપુરી’.

મા દુર્ગાપુરી શ્રીમા શારદાદેવીના પ્રથમ અને અંતિમ સંન્યાસિની શિષ્યા હતાં. એ પછી શ્રીમાએ કોઈ સાધિકાને સંન્યાસની દીક્ષા નથી આપી. સંન્યાસ લેતી વખતે તેમની ઉંમર માત્ર તેર જ વર્ષની હતી! સંન્યાસ બાદ દુર્ગાપુરી ગૌરીમાના બારાકપુરમાં સ્થપાયેલા આશ્રમમાં રહેવા લાગ્યાં. આ આશ્રમમાં ૨૫ બાલિકાઓ, વિવાહિત સ્ત્રીઓ અને વિધવાઓ રહેતી હતી. હવે દુર્ગાપુરી ગૌરીમાને આશ્રમનાં સઘળાં કાર્યમાં સહાય કરવા લાગ્યાં. તેમનામાં શક્તિનો એવો અખૂટ સ્રોત હતો કે તેમના સંપર્કમાં આવનારાઓમાં પણ એ શક્તિનો સંચાર થતો રહેતો. આથી બાલિકાઓ અને આશ્રમની સાધિકાઓ એમનાં સાંન્નિધ્યમાં રહેવા ઝંખતી. ગૌરીમા પણ ધીમે ધીમે આશ્રમની સંચાલન વ્યવસ્થા અને વહીવટી કાર્યો અંગેનો ભાર તેમનાં ઉપર નાખવાં લાગ્યાં. આમ ગૌરીમા તેમના આંતરિક વિકાસની સાથે સાથે તેમનો બાહ્યવિકાસ પણ કરવા લાગ્યાં. ૧૯૧૧માં આશ્રમનું બરાકપુરથી કોલકાતામાં સ્થળાંતર કરવામાં આવ્યું. બરાકપુરનો આશ્રમ હવે એકાંત સાધનાનું સ્થળ બન્યો. જ્યારે ગૌરીમા અને દુર્ગામાને એકાંત સાધના કરવી હોય ત્યારે તેઓ ત્યાં જતાં. કોલકાતામાં શારદેશ્વરી આશ્રમની વ્યવસ્થા માટે શ્રીરામકૃષ્ણ ભક્તમંડળની સ્ત્રીઓમાંથી પસંદ કરીને એક કાર્યકારિણી સમિતિ સ્થાપવામાં આવી. તે વખતે આશ્રમની આર્થિક સ્થિતિ જરાપણ સારી ન હતી. શ્રીમા શારદાદેવી પણ આ પરિસ્થિતિથી વાકેફ હતા એટલે તો તેમણે એક વખત કોઈ ભક્તને કહ્યું હતું : ‘ગૌરીદાસીના આશ્રમ માટે જો કોઈ દીવો પણ પેટાવશે તો તેણે આખું વૈકુંઠ ખરીદી લીધું એમ સમજવું.’

મા શારદાદેવી સાથે ગૌરીમા અને દુર્ગામા વારાણસી પણ ગયાં હતાં. શ્રીમા સાથે જ તેમણે બાબા વિશ્વનાથ અને મા અન્નપૂર્ણાનાં દર્શન કર્યાં હતાં. વારાણસીમાં જ તેઓ સ્વામી બ્રહ્માનંદજીને મળ્યાં હતાં. દુર્ગામાને મળીને સ્વામી બ્રહ્માનંદજી ખૂબ ખુશ થયા હતા.

તે વખતે દુર્ગામાને સોળમું વર્ષ ચાલતું હતું, ત્યારે ગૌરીમાને મનમાં થયું કે મારે દુર્ગામાની ષોડશી પૂજા કરવી છે. તેમણે મહાલક્ષ્મીના મંદિરમાં રાત્રે મંદિર બંધ થાય તે પહેલાં આ પૂજા કરવાનું ગોઠવ્યું. ગૌરીમાએ જ્યારે પૂજા શરૂ કરી ત્યારે દુર્ગામા ત્યાં જ ઊભાં હતાં. તે સમયે તો તેમને બાહ્યભાન હતું એટલે તેઓ સઘળી પૂજા જોઈ રહ્યાં હતાં, પણ પછી ધીમે ધીમે તેમનું બાહ્યભાન લુપ્ત થવા લાગ્યું. અને તેઓ દેવીભાવમાં એકાકાર થઈ ગયાં અને ક્યારે પૂજામાં રાખેલાં દેવીના આસન પર બેસી ગયાં તેની તેમને ખબર જ ન પડી. સમગ્ર પૂજા દરમિયાન તેઓ ભાવમગ્ન જ હતાં. શું થઈ રહ્યું છે, તેની તેને ખબર જ નહોતી. પછી જ્યારે બાહ્યભાન આવ્યું ત્યારે તેઓ ઊભાં થઈને ગૌરીમાને પ્રણામ કરવા ગયાં ત્યારે ગૌરીમાએ તેમને તેમ કરતાં અટકાવીને કહ્યું; ‘મેં તો આજે તારી પૂજા કરી, હવે હું તારાં પ્રણામ નહીં સ્વીકારું.’ આમે ય ગૌરીમા દુર્ગાના પ્રણામ સ્વીકારવા અનિચ્છુક રહેતાં કેમકે તેઓ માનતાં હતાં કે દુર્ગા જગન્નાથની લક્ષ્મી છે. નારાયણની નારાયણી છે.’ તેઓ ઘણાંને કહેતાં પણ ખરાં કે લક્ષ્મીના અંશથી તેનો જન્મ થયો છે, આથી તેના ભાગ્યને લઈને આશ્રમમાં ખૂબ સંપત્તિ આવશે. અને ખરેખર પાછળથી આ વાત તદ્દન સાચી પડી.

દુર્ગામાને બંગાળી, સંસ્કૃત, ઈતિહાસ, ભૂગોળ, ગણિત અને અંગ્રેજીનું સામાન્ય જ્ઞાન હતું. તેમને શાળામાં નિયમિત રીતે અભ્યાસ કરવાની તક જ નહોતી મળી. હવે કોલકાતા આવ્યા પછી ગૌરીમાએ તેના અભ્યાસ માટે સગવડ કરાવી આપી. પરંતુ ગૌરીમા એવું માનતા હતા કે અંગ્રેજી ભાષા આપણું ચિત્ત બહિર્મુખ કરે છે જ્યારે સંસ્કૃત ભાષા આપણું ચિત્ત અંતર્મુખ કરે છે. દુર્ગાને તો સાધ્વીનું જ જીવન જીવવાનું હોવાથી સંસ્કૃતનો અભ્યાસ તેના માટે જરૂરી છે. અંગ્રેજી શીખવાની તેને જરૂર નથી. આથી તેને સંસ્કૃત શીખવા માટેની વ્યવસ્થા કરાવી આપી. શ્રીમા શારદાદેવીએ જ્યારે આ જાણ્યું ત્યારે તેમણે કહ્યું : ‘મારી બચ્ચી અંગ્રેજી પણ ભણશે.’ સ્વામી વિવેકાનંદની તો બચ્ચીને અંગ્રેજી ભણાવવાની ખૂબ ઇચ્છા હતી. ત્યારથી બચ્ચીએ પણ મનમાં અંગ્રેજી ભણવાનું નક્કી કર્યું હતું, પણ સંજોગો મળતાં ન હતાં. હવે ગૌરીમા ના પાડતાં હતાં, પણ શ્રીમા શાકદાદેવીના આદેશથી દુર્ગા માટે અંગ્રેજી ભણવાનું પણ સરળ બની ગયું. આમ તે સંસ્કૃત અને અંગ્રેજી બંનેની પરીક્ષા આપી શક્યાં.

તે સમયે શ્રીમા શારદાદેવીની તબિયત સારી રહેતી નહોતી. બધાંને હવે એવું લાગતું હતું કે શ્રીમા જાણે લીલાસંવરણની તૈયારી કરી રહ્યાં છે. એ દરમિયાન એક દિવસ શ્રીમાએ દુર્ગામાને મળવા બોલાવ્યાં. જ્યારે તેઓ શ્રીમાને મળવાં ગયાં ત્યારે શ્રીમાએ પ્રેમપૂર્વક સત્કાર કર્યો, ખબર અંતર પૂછ્યા. તેની ચિબુક પકડી વહાલ કર્યું અને પછી પોતાના ગળામાંની રૂદ્રાક્ષની માળા બતાવીને બોલ્યાં: ‘જો, આ તો ઠાકુરની જપમાળા છે. જ્યારે તેમણે ષોડશીપૂજા કરી ત્યારે તેમણે મને આ માળા આપી હતી. ત્યારથી મેં આ પવિત્ર માળાને મારા ગળામાં ધારણ કરી રાખી છે. આજે આ પવિત્ર માળા હું તને આપી રહી છું.’ એમ કહીને શ્રીમાએ પોતાના ગળામાંથી જપમાળા કાઢી. દુર્ગામા તો આ સાંભળીને આશ્ચર્યથી સ્તબ્ધ બની ગયાં. ‘ઠાકુરની જપમાળા? એ પણ ષોડશી પૂજા બાદ જેમનામાં જગદંબાનો સાક્ષાત્‌ આવિર્ભાવ થયો હતો, ત્યારે શ્રીમાના ચરણોમાં ઠાકુરે અર્પણ કરેલી જપમાળા? અહા કેટલી પવિત્ર અને મહાન વસ્તુ!’ ત્યાં તો શ્રીમાએ કહ્યું ‘લે’ તેમણે બે હાથની અંજલિ કરીને શ્રીમાને ધરી. શ્રીમાએ પોતાના સ્વહસ્તે તેની અંજલિમાં એ માળા મૂકી! તે વખતે જાણે એક વીજળીનો કરંટ તેની અંદર પસાર થતો હોય એવો તેને અનુભવ થયો. જાણે પ્રચંડ દિવ્યશક્તિ તેની અંદર ઊતરી આવી! પછી તો શ્રીમાએ એ જપમાળાને દુર્ગામાના પલ્લુમાં બાંધી દીધી કે જેથી આ અમૂલ્ય વસ્તુ પર કોઈની ય નજર ન પડે! દુર્ગામા આ અલભ્ય વસ્તુ મેળવી ધન્યતા અનુભવવા લાગ્યાં. ભૂમિષ્ઠ થઈને શ્રીમાને પ્રણામ કર્યાં. શ્રીમાએ પોતાના વરદ હસ્ત તેના મસ્તક પર મૂકીને આશીર્વાદ આપ્યા.

એ પછી થોડા જ દિવસોમાં ૨૦ જુલાઈ ૧૯૨૦ના રોજ શ્રીમાએ મહાસમાધિ લીધી. ત્યારે દુર્ગામાને સમજાયું કે પૃથ્વી ઉપરની ઐહિક લીલા સમાપ્ત કરતાં પહેલાં શ્રીમાએ એને કેવી અદ્‌ભુત દિવ્યભેટ આપી દીધી હતી અને જાણે શ્રીમાએ તે દ્વારા વિશિષ્ટ શક્તિઓ પણ તેને આપી દીધી હતી! આથી શ્રીમાની શક્તિ તેનામાં કાર્ય કરી રહી છે, એવું તેઓ અનુભવતાં રહ્યાં. એ પછી જ્યારે તેઓ ગૌરીમા સાથે શિલોંગ ગયાં ત્યારે તેમણે ગૌરીમાના ભક્તોને મંત્રદીક્ષા પણ આપી હતી! આમ શ્રીમાના લીલાસંવરણ બાદ દુર્ગામાનાં કાર્યનો વ્યાપ વિસ્તરવા લાગ્યો.

હવે ગૌરીમાએ પણ શારદેશ્વરી આશ્રમનું ટ્રસ્ટ બનાવી આશ્રમની અને વિદ્યાલયની સઘળી જવાબદારી દુર્ગામાને સોંપી દીધી. ૧૯૩૬માં શ્રીરામકૃષ્ણ જન્મ શતાબ્દિ મહોત્સવ ઉજવવામાં આવ્યો. ત્યારે રામકૃષ્ણ મિશનના પ્રયત્નોથી કોલકાતાના આલબર્ટ હોલમાં મહિલા સંમેલન યોજવામાં આવ્યું હતું. તેમાં દુર્ગામાને વ્યાખ્યાન આપવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમણે શ્રીરામકૃષ્ણદેવના ચરણમાં પોતાની શ્રદ્ધા નિવેદિત કરી ‘કામિની કાંચન ત્યાગ’ એ વિષય ઉપર દૃષ્ટાંતો સાથે એવું વ્યાખ્યાન આપ્યું કે શ્રોતાઓ મંત્રમુગ્ધ બની ગયા. એ ઉપરાંત તેમણે કરુણાવતાર શ્રીરામકૃષ્ણદેવ અને પવિત્રતારૂપિણી શ્રીમા શારદાદેવી, ભારતની નારીના લુપ્ત થયેલા ગૌરવને પુન: પ્રતિષ્ઠિત કરવા પૃથ્વી ઉપર આવ્યાં હતાં, એ વાત આ મહિલા સંમેલનમાં તેમણે ભારપૂર્વક સમજાવી.

પહેલી માર્ચ ૧૯૩૮ના રોજ રાત્રે ૮ ને ૧૫ મિનિટે શ્રીરામકૃષ્ણદેવની મૂર્તિના દર્શન કરતાં કરતાં ગૌરીમાએ મહાસમાધિ લીધી. અને બીજે દિવસે નામસંકીર્તન સાથે તેમના ભૌતિકદેહનો કાશીપુરના સ્મશાનમાં અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો.

હવે દુર્ગામા ઉપર શારદેશ્વરી આશ્રમની સંપૂર્ણ જવાબદારી આવી. તેમણે આશ્રમનો ઉત્તમ રીતે વહીવટ કર્યો એટલું જ નહીં, પણ આશ્રમની શાખાઓનો વિસ્તાર પણ કર્યો. ૧૯૪૬માં તેમણે બિહારમાં આશ્રમની સ્થાપના કરી. શ્રીમાના નામ ઉપરથી આ આશ્રમને માતૃનિકેતન નામ આપ્યું. એક વખત ગૌરીમાએ તેને સ્વપ્નમાં કહ્યું : ‘બેટા, વિષ્ણુધામની રચના કર.’ એ આદેશનું પાલન કરી તેમણે નવદ્વીપથી એક નારાયણશિલા મંગાવી. તેની અને મા શારદાદેવીની પ્રતિમા, તેમજ શ્રીજગન્નાથજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી, વિષ્ણુધામ રચ્યું. એ પછી ૧૯૪૭માં તેમણે નવદ્વીપમાં ગૌરીનિકેતન આશ્રમ સ્થાપ્યો. આ આશ્રમો દ્વારા તેમણે જનકલ્યાણનાં અનેક કાર્યો કર્યાં. ખાસ કરીને તેમણે સમાજના નીચલા વર્ગના લોકોના ઉદ્ધાર માટે, તેઓને ઈષ્ટમાર્ગે લાવવા માટે અનેક કાર્યો હાથ ધર્યાં હતાં. ગરીબો, મજૂરો, રીક્ષાવાળા, ટેક્સીવાળા વગેરે અનેક લોકોને દીક્ષા આપી ધર્મમાર્ગે વાળી એમને શાંતિ અને આનંદનો માર્ગ બતાવ્યો. સાધનામાં તેઓ જપને વિશેષ મહત્ત્વ આપતાં હતાં. જપાત્‌ સિદ્ધિનો શ્રીમાનો ઉપદેશ એમણે પોતાના જીવનમાં ચરિતાર્થ કર્યો હતો. દરેક પ્રકારની વિપત્તિઓ -રોગ-શોક-ભય બધામાં અધિક માત્રામાં જપ કરવાથી સઘળું દૂર થઈ જાય છે એમ તેઓ ભારપૂર્વક કહેતાં.

ખૂબ પરિશ્રમ કરવાથી એમની તબિયત લથડી. મધુપ્રમેહનો રોગ ઘર કરી ગયો અને પછી દમનો હુમલો થયો. ઘણી દવા કરી પણ રોગ દૂર થયો નહીં. દિવસો દિવસ શારીરિક સ્થિતિ નબળી થતી જતી હતી. પછી તો આશ્રમમાં કોઈ તકલીફ ઊભી થઈ હોય તો જ તેઓ ધ્યાન આપતાં. બાકી બધા આશ્રમોની વ્યવસ્થા તેમણે યોગ્ય સાધ્વીઓને સોંપી દીધી. ખૂબ નાદુરસ્ત તબિયત હોવા છતાં રીક્ષામાં બેસીને, સેવિકાને સાથે લઈને તેઓ ગંગાસ્નાન માટે જતાં. પણ પછી જ્યારે તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ. ત્યારે પછી ગંગાસ્નાન બંધ કરવું પડ્યું. પછી તો સ્નાન કરવામાં ય તકલીફ પડતી હતી.

૧૪મી નવેમ્બર ૧૯૬૩ – કૃષ્ણ ચતુર્દશીના દિવસે તેમણે સેવિકાને કહ્યું, ‘મારા સ્નાન માટેની જલદી તૈયારી કરો.’ એમને સ્નાન કરાવ્યું, પછી તેઓ પૂજાના આસન પર બેઠા. રાધા દામોદર લાલાજીને છાતી સરસા ચાંપીને પછી તેમણે તેમને સ્નાન કરાવ્યું. તેમની પૂજા કરી, આરતી કરી, ભોગ ધરાવ્યો, પ્રણામ કર્યાં. આ બધું તેમણે પોતે જાતે કર્યું. પછી નિત્યક્રમ પ્રમાણે ધર્મગ્રંથમાંથી વાંચન કરવા જતાં હતાં ત્યાં શ્વાસમાં તકલીફ જણાવા લાગી. તુરત જ તેમને પથારીમાં સૂવડાવી દીધાં. તેમનું આખું શરીર ઠંડુ પડવા લાગ્યું. અંગૂઠાનો આગળનો ભાગ કાળો થવા લાગ્યો, પણ તેઓ એકદમ મૃદુ સ્વરે બોલ્યાં; જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતું મે.’ પછી આખો દિવસ એમ જ પસાર થઈ ગયો. સાંજ પડી ગઈ. ત્યારે દુર્ગામાએ બધાંને બોલાવીને અભય મુદ્રામાં આશીર્વાદ આપતાં કહ્યું : ‘પુત્રીઓ, માતાઓ તમારા બધાંની સાથે મને ખૂબ આનંદ થયો છે. બધાંને મારા આશીર્વાદ છે. જે જે સંતાનોના માતૃગત પ્રાણ છે, તે બધાંને મારા આશીર્વાદ.’ પછી તેમણે ત્યાં હાજર રહેલાં બધાંને પ્રસાદ આપ્યો. તેમને પોતાને તો આખા દિવસનો ઉપવાસ હતો. રાત્રે થોડું દૂધ અને લાપસી ખાધાં. પણ તે રાત્રે તેમણે કોઈપણ જાતની દવા લેવાની ના પાડી. પછી સૂઈ ગયાં. થોડીવારમાં તેમની દૃષ્ટિ ઊર્ધ્વગામી બની. તેમણે મા શારદાદેવીની પ્રતિમાને હાથ જોડ્યા અને તેમના મુખમાંથી શબ્દો નીકળ્યાં. ‘મા ત્રિપુરાસુંદરી’. બસ આ એમના અંતિમ શબ્દો હતા! અને પછી તેઓ મહાસમાધિમાં લીન થઈ ગયાં. ત્યારે દિવ્ય તેજ એમના મુખ પર વિલસી રહ્યું. એમના પ્રાણ મહાપ્રાણમાં ભળી ગયા. ત્યાં હાજર રહેલી કન્યાઓ, સેવિકાઓ, સાધ્વીઓ સહુ માતૃનામ સંકીર્તન કરી રહ્યાં હતાં. ત્યારે ભગવાન જગન્નાથના આ વધૂ પોતાનું આ લોકનું કાર્ય સમાપ્ત કરી પોતાના પરમ સ્વામીને મળવા ક્યારના ય ચાલી નીકળ્યાં હતાં. ફક્ત તેનો સ્થૂલ દેહ જ ત્યાં પડ્યો હતો!

આ સ્થૂલ દેહ પણ અત્યંત પવિત્ર હતો. એ પવિત્ર દેહને ગેરુઆ વસ્ત્રથી આચ્છાદિત કર્યો. લલાટે કુમકુમ ચંદન લગાવ્યાં. ચરણોને અળતાથી રક્તવર્ણા બનાવ્યાં. પછી ભગવાન જગન્નાથનાં વસ્ત્ર અને અલંકાર ચઢાવ્યા. બધાં સંકીર્તન કરતાં કરતાં એ પાર્થિવ શરીરને કાશીપુરના સ્મશાને લઈ આવ્યા. ત્યાં ગૌરીમાના સમાધિમંદિરની બાજુમાં જ દુર્ગામાના ભૌતિકદેહને અગ્નિને સમર્પિત કરવામાં આવ્યો. ત્યાં જ પછી તેમનું સમાધિમંદિર રચવામાં આવ્યું.

ભક્તિની પરાકાષ્ટા, કર્મનો ઉચ્ચ આદર્શ, જ્ઞાનની ભવ્યતાની સાથે સાથે ભગવાનને સંપૂર્ણ સમર્પિત જીવન કેવું હોય એનું પ્રત્યક્ષ દૃષ્ટાંત આપતું શ્રીમા શારદાદેવીની આ સંન્યાસિની પુત્રીનું અજોડ જીવન ભારતની નારીઓને સમર્પણ, ત્યાગ, સેવા અને સાધનાની નિરંતર પ્રેરણા આપી રહ્યું છે.

****************

Total Views: 48

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.