(ગતાંકથી ચાલું)

હવે પુરાતત્ત્વે આપેલ ચૂકાદો એટલો તો સ્પષ્ટ અને ખામી વગરનો છે કે એમાં કોઈ હવે મીન-મેખ થઈ શકે તેમ નથી. એનો નિષ્કર્ષ એ છે કે ઋગ્વેદમાં વર્ણવેલ ભારતનું રૂપ, જ્યારે સરસ્વતી નદી સુકાઈ ગઈ ન હતી, એ જ્યારે પુરબહારમાં વહેતી હતી, અને શક્તિદાત્રી હતી, ત્યારનું જ છે અને તે વખતે હજ્જારો લાખો ચોરસ કિલોમીટરમાં ફેલાયેલી વિશાળ સંસ્કૃતિ વૈદિક આર્યસંસ્કૃતિ જ હતી અને એના જ જળવાઈ રહેલ તથા આજે શોધાયેલા ભાગને ‘સિંધુખીણની સંસ્કૃતિ’ એવું નામ આપવામાં આવ્યું છે. દક્ષિણ એશિયાઈ અધ્યયનના પ્રતિવર્ષ લખાતા અહેવાલમાં, અમેરિકન પુરાતત્ત્વવિદ શ્રી જિમ શેફરે પુરાતત્ત્વીય દૃશ્યનો બરાબર રીતે પોતાના આ પ્રસિદ્ધ વિધાનથી નિષ્કર્ષ કાઢ્યો છે :

‘પ્રવર્તમાન પુરાતત્ત્વની વિગતો કોઈ ‘ઈન્ડો આર્યન’ જેવી જાતિના અસ્તિત્વનો કે યુરોપિયનોએ દક્ષિણ એશિયા પર પ્રાગૈતિહાસિક કે ઐતિહાસિક- કોઈપણ કાળે કરેલા આક્રમણનો કોઈ જ પુરાવો આપતી નથી. એને બદલે પ્રાગૈતિહાસિક કાળથી માંડીને ઐતિહાસિક કાળ સુધીના પુરાતત્ત્વીય દસ્તાવેજી પુરાવા તો એ દર્શાવી જાય છે કે તળપદાં-સ્થાનીય સાંસ્કૃતિક વિકાસથી સાંસ્કૃતિક પરિવર્તનો થોકબંધ થતાં રહ્યાં છે.’

આ સંશોધનો, મહાભારતના યુદ્ધને ઈ.પૂ. ૩૧૦૨ની આસપાસ મૂકવા જેવા કેટલાક ભારતીય પરંપરાના મુંઝવતા ખ્યાલોને પુષ્ટિ આપે છે. આ માંહેનાં કેટલાંક સંશોધનો અવશ્ય એવા ય છે કે અત્યારની ઇતિહાસની ચોપડીઓ લખનારા એનાથી અજાણ હોઈ શકે. નવી શોધોથી એ વાકેફ ન પણ હોય! પણ દુર્ભાગ્ય તો એ છે કે ભારતીય ઇતિહાસના પૂર્વગ્રહપીડિત લેખકો, શિક્ષણકારો હજુ એનું એ જ જૂનું ગાણું ગાઈને બધાં સંશોધનોની સામે ઊભા છે! અને આર્યોના આક્રમણની આ વંશીય તિરસ્કાર નીપજાવતી માન્યતાને પકડી રહ્યા છે! હા, પાછળથી વળી આર્યોના આક્રમણની માન્યતાને વંશીય ધોરણને બદલે કેટલાંક મહત્ત્વનાં કારણોસર નવીન ભાષાકીય ધોરણે માપવાનું શરૂ થયું પણ એણે વળી સાપને ઘેર પરોણા સાપ જેવી આર્યો-દ્રવિડોના સંઘર્ષની નવી જૂઠી માન્યતા ઊભી કરી! પણ એ બંનેનાં મૂળ તો નિશ્ચિત રૂપે વંશીયતામાં જ હતાં એ હવે આપણે જોઈશું. એમ કહી દેવું તો સહેલું છે કે જર્મનોએ વંશીયતા જન્માવી અને બ્રિટિશરોએ એનો ઉપયોગ કર્યો! પણ એ ઘણી રીતે સાચું નથી. એનાં ઊંડાં કારણો તો હવે ખૂબ જાણીતાં છે : ત્યારે ભારતના શૈક્ષણિક શાસકોએ અને કહેવાતા શિક્ષણવિદોએ અત્યારે તો કોઈનાય ગળે ન ઊતરે તેવી આ પરીકથાનો પ્રચાર ચાલુ રાખ્યો કે જેથી લોકોમાં ભાગલા પડ્યા અને માનવીય સ્તર નીચું ગયું. આ પરીકથાને કોઈ જ વૈજ્ઞાનિક આધાર ન હતો કે કોઈ ભારતીય દસ્તાવેજી પુરાવો પણ ન હતો.

‘આર્ય’ શબ્દનો શો અર્થ થાય છે, તે વિષે જરા આપણે જોઈશું. હિટલર અને નાઝીઓના આતંક પછી ઘણા લોકો- ખાસ કરીને યુરોપિયનો- આ ‘આર્ય’ શબ્દને જાણીબૂઝીને યાદ કરવામાં ખચકાટ અનુભવતા જણાય છે. પણ એ શબ્દનો એ રીતે અર્થ ઊભો કરવાનો અપરાધ તો યુરોપિયનોનો જ છે! ભારતીય લોકોને એની સાથે કશી લેવાદેવા જ ન હતી. સાચા આર્યો તો હજારો વરસોથી ભારતમાં કોઈ જાતનો એવો જાતિગત અર્થ સ્વીકાર્યા વગર જ પહેલેથી રહેતા આવ્યા હતા. આપણે આગળ જોઈ ગયા એ રીતે પરદેશથી આવીને ભારત પર આક્રમણ કરનારા અને ત્યાંથી સિંધુખીણની સંસ્કૃતિનો નાશ કરનારા ગણવાની કથા તો હાલના યુરોપિયનોએ નવું આધાર વગરનું કહેવાતું સંશોધન કર્યું, કે જેનો કશો જ પુરાવો ક્યાંય પણ સાંપડતો નથી- એટલું જ નહિ, એક જાતિ તરીકે ‘આર્ય’ શબ્દ વપરાતો હોવાનો પણ ક્યાંય ભારતના સાહિત્ય કે પરંપરામાંથી કશો પુરાવો મળતો નથી. ‘આર્ય’ એ સંસ્કૃત શબ્દનો અર્થ તો ‘ઉમદા’, ‘ઉદાત્ત’- એવો જ થાય છે. અને ક્યારેય તેનો ‘જાતિ’ એવો અર્થ થતો જ નથી. અમરકોશ નામનો પ્રામાણિક અને સુવિખ્યાત સંસ્કૃત શબ્દકોશ, ‘આર્ય’ની આમ વ્યાખ્યા આપે છે :

‘આર્ય એ છે કે જે ઉમદા પરિવારમાં જન્મ્યો હોય, જેનું વર્તન નમ્ર્રતાભર્યું હોય, સારો સ્વભાવ હોય અને સારું ચારિત્ર્ય હોય.’ (महाकुलकुलीनार्यसभ्य-सज्जनसाधवः)

મહાકાવ્ય રામાયણમાં રામને ‘આર્ય’ કહ્યા છે કારણ કે તેઓ સર્વજનપ્રિય અને સમાનદૃષ્ટિવાળા સર્વહિતકારી હતા. ઋગ્વેદમાં આ ‘આર્ય’ શબ્દ છત્રીસવાર વપરાયો છે. પણ ક્યાંય પણ એ જાતિવાચકરૂપે નથી. એટલે ભારતીયોએ તો એ ‘આર્ય’ શબ્દથી કશું શરમાવાપણું છે જ નહિ! એ તો માત્ર મહાન સંસ્કૃતિ સર્જક લોકોના સાંસ્કૃતિકનામનો નિર્દેશક જ છે. એ શબ્દથી જો યુરોપિયનો ડરતા હોય તો એ એમની પોતાની સમસ્યા છે, કે જે સમસ્યા તેમના જ આતંકવાદે ઊભી કરી છે.’

‘આર્ય’ શબ્દના યુરોપિયનોએ કરેલા વંશવાચક દુરુપયોગને અને તેમણે આર્યોના ભારતના આક્રમણની ઊભી કરેલી બનાવટી વાતોને સમજવા માટે આપણે અઢારમી અને ઓગણીસમી સદીના યુરોપ સુધી, ખાસ કરીને જર્મની સુધી જવું પડશે.

આ આખીય વસ્તુ યુરોપિયનોના સેમિટિક વિરોધી વલણમાંથી જન્મી છે. પોલિએકોવ, શેફર અને એમના જેવા અન્ય વિદ્વાનોનાં તાજાં સંશોધનોએ બતાવી આપ્યું છે કે આર્ય નામની જાતિના આક્રમણના વિચારનો મૂળ ઠેઠ અઢારમી અને ઓગણીસમી સદીના ખ્ર્રિસ્તીઓ અને યુરોપિયનોની મહત્ત્વાકાંક્ષાઓમાં પડેલાં દેખાય છે. આ યુરોપિયનો-ખ્ર્રિસ્તીઓ પોતાની જાતને નિમ્નકોટિના યહૂદીઓથી સાવ અલગ-ઊંચી જાત તરીકે ઓળખાવવા ઝંખી રહ્યા હતા. બાઈબલમાં જૂનો કરાર અને નવો કરાર એવા બે ભાગ જાણીતા છે. એમાંના જૂના કરારમાં માનવજાતિની પરંપરાનો ઇતિહાસ વર્ણવ્યો છે. એ અવશ્ય જ યહૂદીઓની રચના છે. આ યહૂદીધર્મ વગર તો ખ્ર્રિસ્તીધર્મ સંભવ જ ન થાત. આમ છતાં પણ હજુ સુધી ખ્ર્રિસ્તીધર્મ સેમેટિકવિરોધી (યહૂદીઓ સેમિટિક ગણાય છે) જ રહ્યો છે. ભલેને યહૂદીધર્મમાંથી થયેલી પોતાની ઉત્પત્તિને નકારી ન શકતો હોય!

તો આ યહૂદીધર્મના વારસામાંથી પોતાને મુક્ત કરી દેવા માટે યુરોપિયન – બૌદ્ધિક ખ્ર્રિસ્તીઓએ પૂર્વ તરફ – એશિયા તરફ- મીટ માંડીને ત્યાંની ભારત અને ચીનની બે મહાન સંસ્કૃતિઓ નિહાળી. એ બેમાંથી એમણે ચીન કરતાં ભારતીયોને (આર્યોને) પોતાના પૂર્વજો તરીકે પસંદ કરીને પોતાને ‘આર્ય’ ગણાવ્યા પણ આ આર્યમાં પૂરેપૂરી માનવજાતિ ન હતી, એમાં તો એટલાંનો જ સમાવેશ થતો હતો કે જે ગોરા લોકો એશિયાઈ પર્વતોમાંથી નીચે આવી, પરિણામે ખ્ર્રિસ્તી થયા હોય અને પછી સાંસ્થાનિક યુરોપિયનો થયા હોય! વોલ્ટો જેવા બુદ્ધિમાને પણ એવો દાવો કર્યો હતો કે, ‘મને ખાતરી થઈ છે કે અમે ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર પ્રમાણશાસ્ત્ર આદિ જે કંઈ મેળવ્યું છે, તે ગંગાને કાંઠેથી જ મેળવ્યું છે.’

અઢારમી અને ઓગણીસમી સદીના યુરોપની આ ઉત્કટ બનેલી વંશીય માન્યતાઓના જબરદસ્ત પ્રભાવને આજનો વિદ્યાર્થી અત્યારે તો ભાગ્યે જ સમજી શકશે. આ વંશીયતાના સિદ્ધાંતને પરિણામે કેટલાય સુશિક્ષિતજનો ખરેખર એવું માનવા લાગ્યા કે માનવીય ગુણો, એની આંખ, નાક, વર્ણ, લંબાઈ વગેરે શારીરિક વિશેષતાઓના માપદંડોથી ભાખી શકાય છે! આવું નિર્વિરોધ ચાલવા લાગ્યું. આવી એક માન્યતાની વસ્તુએ સિદ્ધાંતનું રૂપ પકડી લીધું! આ એક વૈજ્ઞાનિક્તાના આભાસવાળી માન્યતા માક્‌ર્સના અર્થશાસ્ત્રીય સિદ્ધાંતો જેવી નિરર્થક-નિષ્ફળ સાબિત થઈ છે. આજે આણ્વિક પ્રજોત્પત્તિશાસ્ત્રના ઉદય સાથે જ એ માન્યતા એકી ધડાકે કડડડભૂસ થઈ ગઈ છે.

આર્યોની આવી દંતકથા સર્જીને તત્કાલીન બૌદ્ધિક યુરોપિયનો પોતાને યહૂદીઓના વારસામાંથી મુક્ત કરવા ઝંખી રહ્યા હતા. અહીં એ નોંધવું રસપ્રદ થશે કે આર્યોના આક્રમણની અને સંસ્થાનવાદની આ જ માન્યતા પાછળથી ભારતને જ લાગુ પાડવામાં આવી! ખરી રીતે તો અતિપ્રાચીન સમય ઉપર, ૧૯ અને ૨૦મી સદીના યુરોપિયનોના એશિયા અને આફ્રિકામાંના સાંસ્થાનિક અનુભવોનું પ્રક્ષેપણ સિવાય એ બીજું કશું નથી. જાણે કે પોતાને પ્રાચીન તથાકથિત આક્રમણ આર્યો તરીકે અને એશિયા અને આફ્રિકાને જાણે કે દ્રવિડો તરીકે ગણી લેવાનો નિજી હિતનો નવો ખેલ એમણે રચ્યો! આ રીતે પ્રાચીન આર્યોને આજના સંસ્થાનવાદી યુરોપિયનોની આબેહૂબ પ્રતિકૃતિ સમા જ બનાવી દીધા! આ રીતે જોતાં આ માન્યતા લેશમાત્ર પણ મૂલગામી નથી.

આ કલ્પનાકથાની જર્મનો પર અતિ ભારે અસર થઈ! ઓગણીસમી સદીની સૌથી શક્તિશાળી રાજકીય હલચલ યુરોપમાં જર્મન રાષ્ટ્રવાદના ઉદયની છે. ‘આર્ય’ના જાતિ તરીકેના વંશીય વિચારે જર્મન રાષ્ટ્રવાદી ચળવળમાં ખૂબ મહત્ત્વનું યોગદાન આપ્યું. અત્યારે તો જર્મનીને આપણે એક સમૃદ્ધ અને શક્તિશાળી સંસ્થાન તરીકે માનવા ટેવાયેલા છીએ; પણ ઓગણીસમી સદીની શરૂઆતમાં તે જર્મન લોકો દુર્બળ અને વિભિન્ન છૂટાછવાયા હતા. એ વખતે જર્મન રાષ્ટ્ર જેવી કોઈ હસ્તી ન હતી. ત્યારે યુરોપનો નકશો નાનાં નાનાં અસંખ્ય જર્મન જમીનદારો અને ખંડિયા ડયુકોનાં રજવાડીઓનાં ટપકાંવાળો હતો. એ બધાંયે પાડોસનાં સમર્થ ઓસ્ટ્રિયા કે ફ્રાન્સના સત્તાધારી રાજ્યોની દયા પર નભવું પડતું. ત્રીસ વરસના યુદ્ધથી માંડીને નેપોલિયનના વિજયો સુધીનાં બસો કરતાંય વધુ વરસો સુધી આ ટચુકડાં જર્મન રાજ્યોમાં, ત્યાંના લોકો પર જરાય માણસાઈ દાખવ્યા વગર કે તેમના જમીનદારોની પરવા કર્યા વગર મોટી સત્તાઓએ તેમનાં લશ્કરોની ઘૂસણખોરી ચાલુ રાખ્યા કરી – જર્મનોના ભાગલા ચાલુ રહે એ ફ્રાન્સના હિતમાં હતું. એ ફ્રાન્સની ‘ભાગલા પાડીને રાજ કરો’ની નીતિ જ પાછળથી બ્રિટિશો એ ભારતને લાગુ પાડી હતી.

એ વખતે દરેક જર્મન એમ માનતો હતો કે તે અને તેના શાસકો પૂર્વોક્ત મહાસત્તાઓની અદેખાઈમાં, કોઈ ગીરવી મૂકેલ જણસ કરતા જરાય વધારે મહત્ત્વ ધરાવતા નથી. આવી પ્રતિકૂળ અને નામર્દાઈભરી પરિસ્થિતિમાં જર્મન બૌદ્ધિકોએ ભારત જેવી પ્રાચીન પરદેશી ભૂમિની સભ્યતા પાસેથી આશ્વાસન ઝંખ્યું હોવાનું જરાય અસંભવિત નથી. આ બાબતમાં આપણે એ વાતનું સ્મરણ કરી શકીએ કે જ્યારે વિયેટનામનું ઠંડું યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે અમેરિકનો પૂર્વના ધર્મો અને પૂર્વના તત્ત્વજ્ઞાન વિશે ભારે રસ ધરાવતા થઈ ગયા હતા! આપણે એ સારી રીતે જાણીએ છીએ. એ રીતે જ એ પરિસ્થિતિમાં જર્મનોની સ્થિતિ પણ એવી જ હતી. તેઓ પણ પોતાની પેઠે જ પરાધીન ભારતીય લોકો પ્રત્યે અત્યંત પોતાપણું અનુભવવા લાગ્યા. એને પરિણામે તે યુગના હમ્બોલ્ટ, ફ્રેડરીક વિલિયમ શ્લેગલ, શોપનહોર અને એવા બીજા કેટલાયે અતિ મહાન જર્મન બૌદ્ધિકો ભારતીય સાહિત્યના અને તત્ત્વજ્ઞાનના અભ્યાસીઓ થયા. એ યુગનો સૌથી મહાન ત્યાંનો તત્ત્વજ્ઞાની હેગલ, જે ‘જર્મન રાષ્ટ્રવાદ’થી ખૂબ રંગાયેલો હતો, તે પણ બોલી ઊઠ્યો હતો કે, ‘ફિલસૂફી અને સાહિત્યની બાબતમાં જર્મનો ભારતીય ઋષિઓના વિદ્યાર્થીઓ જેવા છે’ હમ્બોલ્ટે તો ૧૮૨૭માં ત્યાં સુધી કહી દીધું હતું કે ‘જગતની પાસે દર્શાવવા જેવી ‘ભગવદ્‌ગીતા’ એ કદાચ સૌથી સમૃદ્ધ અને ગહનતમ ચીજ છે.’ જ્યારે જર્મની રાષ્ટ્રવાદની ભરતીનાં સ્પષ્ટ એંધાણ જોઈ રહ્યું હતું, ત્યારની આ તેની આબોહવા હતી.

જર્મનોની ભારતીય બાબતોમાં સામેલગીરી તો ભાવનાત્મક અને અદ્‌ભુત હતી. પણ અંગ્રેજોની એમાં થયેલી સંડોવણી, પોતાના સંસ્થાનવાદને ધક્કો ન પહોંચે એવી સ્પષ્ટ રીતે ચતુરાઈભરી હતી. જો કે અંગ્રેજોમાં પણ જોન્સ, કોલબ્રૂક જેવા વિદ્વાનો હતા. તેઓ પણ સંસ્કૃત સાહિત્યના પ્રશંસક હતા. ૧૮૫૭ના બળવા પહેલાં જ એવું પ્રતીત થઈ ગયું હતું કે ભારતના વિશાળ જનસમુદાયની સહાયતા વગર ભારતમાં અંગ્રેજી રાજ્ય ટકી શકશે નહિ. આ વાસ્તવિકતા પારખીને તત્કાલીન એજ્યુકેશન બોર્ડના ચેરમેન થોમસ બેબીંગ્ટન મેકોલે જેવા લાંબી વગવાળા માણસોએ અંગ્રેજી ઢબની એક નમૂનેદાર શૈક્ષણિક રૂપરેખા નિશ્ચિત કરવાનું ઠરાવ્યું. એ રૂપરેખા હિન્દુ પરંપરાનું અવમૂલ્યન કરનાર પણ નીવડે એવું નથી કર્યું. મિશનરી ન હોવા છતાં મેકોલે પોતે એક ચુસ્ત પ્રોટેસ્ટંટ હતો. એના પિતા પ્રોસ્બેટેરિયન મિનિસ્ટર હતા. અને માતા ‘ક્‌વેડર’ હતી. એ માનતો હતો કે હિન્દુઓનું ખ્ર્રિસ્તીઓમાં ધર્માન્તરણ કરવું એ જ માત્ર ભારતમાં શાસન કરવામાં આડી આવતી બધી અડચણોનો ઉકેલ છે. ભારતમાં અંગ્રેજી શિક્ષિત બૌદ્ધિકોનો એક એવો સમૂહ ઉત્પન્ન કરવાની એની ઝંખના હતી કે જે પોતાની મૂળ પરંપરાને સમૂળી દૂર કરી દે અને પોતે અંગ્રેજોના મદદગાર બની જાય. ભારતમાં સને ૧૮૩૬માં એજ્યુકેશન બોર્ડ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષપદે તે જ્યારે કામ કરતો હતો ત્યારે એણે ઉત્સાહમાં આવી જઈને એના પિતાને લખ્યું હતું કે ‘આપણી અંગ્રેજી શાળાઓ આશ્ચર્યકારક રીતે ફાલીફૂલી રહી છે. આ શિક્ષણની હિન્દુઓ પર જબરદસ્ત અસર પડી છે… મને લાગે છે કે આપણી શિક્ષણ યોજનાને બધા અનુસરશે. આજથી ત્રીસ વરસ પછી બંગાળનો કોઈ જ સુશિક્ષિત શિષ્ટ વર્ગનો માણસ મૂર્તિપૂજક નહિ હોય. અને આ બધું પણ ધર્માન્તરણના કોઈ પ્રયાસ વગર જ અને એમની ધાર્મિક સ્વતંત્રતામાં જરાય ડખલગીરી કર્યા વગર જ જ્ઞાનના ઉપયોગથી અને એમની પોતાની સમજણથી એની મેળે જ થઈ જશે. હું આ યોજનાને હૃદયથી માણું છું.’

આમ, એક બાજુ ધર્માન્તરની પ્રવૃત્તિ અને બીજી બાજુ સંસ્થાનવાદ – બંને સમાંતરે એક સાથે ગતિશીલ થયાં! અહીં મુખ્ય મુદ્દો મેકોલેની એ માન્યતા હતી કે આ પદ્ધતિથી હિન્દુઓનાં – ખાસ કરીને બ્રાહ્મણોનાં – જ્ઞાન અને સમજણ જ એ પ્રકારનાં થઈ જશે કે જે તેમની પોતાની સદીઓ જૂની શ્રદ્ધાને છોડી દેવાની અને ખ્ર્રિસ્તી ધર્મ તરફ ઢળવાની ફરજ પાડી દે! અને એને હિસાબે એ યોજના તો એવી જ થઈ કે હિન્દુ બૌદ્ધિકોને તેમના પોતાના જ વિરોધમાં, એમની પોતાની જ બુદ્ધિ તથા વિદ્વત્તાનો ઉપયોગ કરીને, એમની પોતાની જ પરંપરાનો સમૂળગો નાશ કરવાની કામગીરી કરવી પડે! એટલે કે પોતાને જ પોતાની ઘોર ખોદવી પડે. અને એ પણ જવાબદારી સ્વીકારીને!!

એની આ કુત્સિત યોજના હિન્દુઓને શિક્ષિત બનાવીને ખ્ર્રિસ્તીઓ બનાવી દેવાની અને તેમને પોતાના મદદગાર બનાવી દેવાની હતી. પણ મેકોલેની આ બાબતની ગંભીરતાને એક મોટી મર્યાદા એ નડી કે એ આ તરંગી વિચાર માટે માત્ર પંદર વર્ષ સુધી જ કામ કરી શક્યો કારણ કે ત્યાં સુધી જ એ માટે ધનની અને યોગ્ય માણસની જોગવાઈ એને મળી શકી હતી.

પોતાના હેતુને સિદ્ધ કરવા તે એવા માણસની શોધમાં પડ્યો કે જે ભારતીય ધર્મગ્રંથોનો, ખાસ કરીને વેદોનો અનુવાદ અને એની વ્યાખ્યા એવી રીતે કરી બતાવે કે જેથી એની નવી રીતે શિક્ષિત બનેલા ભારતીય બૌદ્ધિકો પોતાનાં શાસ્ત્રો અને બાઈબલની વચ્ચેનો ફરક સમજી શકે અને બાઈબલને જ પસંદ કરી લે! તે જ્યારે ઈંગ્લેન્ડ પાછો ફર્યો ત્યારે ઘણા પ્રયત્ને એને ફ્રેડરિક મેક્સમૂલર નામનો એક જુવાન જર્મન અને ગરીબ વૈદિક વિદ્વાન મળી ગયો. આ ભગીરથ કામ માથે લેવાનું એણે સ્વીકાર્યું. મેકોલેએ મેક્સમૂલર પાસે ઋગ્વેદનું ભાષાન્તર કરાવવા એના પગાર વગેરે માટેનું ધન, ઈસ્ટ ઈન્ડિયા કંપની પાસેથી પોતાની લાગવગનો ઉપયોગ કરી મેળવ્યું. મેક્સમૂલર આમ તો ચુસ્ત જર્મન રાષ્ટ્રવાદી હતો. છતાં એણે ખ્ર્રિસ્તીધર્મ માટે ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું આ કામ સ્વીકાર્યું. એ કામ ખરેખર તો ભારત પર શાસન કરતી અંગ્રેજ સરકારનું જ હતું. વળી મેક્સમૂલરને પોતાની મહત્ત્વાકાંક્ષી યોજનાઓ માટે પણ નાણાંકીય સહાયની જરૂર હતી અને છેવટે એણે એ મેળવી પણ ખરી જ! ‘સેક્રેડ બૂક્સ ઓફ ઈસ્ટ’ના સંપાદનકાર્યના એના જબરા સાહસ માટેની માત્ર શરૂઆત જ હતી. પણ ભારતના લોકોનું ખ્ર્રિસ્તીધર્મમાં ધર્માન્તર કરી દેવાની મેક્સમૂલરની મેલી દાનતમાં તો કોઈ જ શંકાને સ્થાન નથી! ૧૮૬૬માં પોતાની પત્નીને પત્ર લખતાં એણે પોતાનું મંતવ્ય દર્શાવ્યું હતું કે –

‘તે (ઋગ્વેદ) તેમના ધર્મનું મૂળ છે. અને તેમને એ મૂળ શું છે, તે બતાવી આપવું, તે મને અવશ્ય લાગે છે કે છેલ્લાં ત્રણ હજાર વર્ષ દરમિયાન તેમાંથી જે કંઈ નીપજ્યું છે એને ધરમૂળથી ઊખેડી નાખવાનો એકમાત્ર ઉપાય છે.’

ત્યાર પછી બે વરસે એણે તત્કાલીન સ્ટેટ ફોર ઈન્ડિયાના સેક્રેટરી એંગ્વિલના ડયુકને પણ લખ્યું હતું કે ‘ભારતનો પ્રાચીન ધર્મ તો નાશ પામ્યો છે અને જો ખ્ર્રિસ્તીધર્મ એનું સ્થાન ન લઈ શકે તો એમાં વાંક કોનો ગણાશે?’

એટલે હવે એ હકીકત તો નક્કર પાયે ચોખ્ખીચટ્ટ તરી આવે છે કે એરેબિયાના લોરેન્સની પેઠે આ દેશમાં મેક્સમૂલર- ભલેને વિદ્વાન રહ્યો તો પણ – અંગ્રેજ સરકારનો એજન્ટ જ હતો. અંગ્રેજ સરકારનો સાંસ્થાનિક હિતોને પોષવા એનો પગારદાર જ બની રહ્યો હતો. એ ખરું પણ એની એક ખાસ બાબત જાણવી જરૂરી છે કે તે ભલે લાચારીથી ઈંગ્લેન્ડમાં આજીવિકા મેળવવા કામ કરતો હોય છતાં એ એકદમ ચુસ્ત જર્મન રાષ્ટ્રવાદી છેવટ સુધી રહ્યો હતો તેથી આર્યોના એક રાષ્ટ્ર તરીકેના તથા આર્યોના એક વંશ તરીકેના વિચારને આગળ કરવા માટે એણે શા માટે પોતાની પ્રમાણિક સંસ્કૃત વૈદિક વિદ્વત્તાના મોભાનો ઉપયોગ કર્યો, એનો કંઈક ખુલાસો મળી આવશે. આ ‘આર્યજાતિ’ અને ‘આર્યરાષ્ટ્ર’ – એ બંને જર્મન રાષ્ટ્રવાદીઓનાં ખૂબ પ્રિય સૂત્ર છે. જો કે હિટલરના ઉદયકાળમાં આ સૂત્રો એની ચરમસીમાએ પહોંચવાનાં હતાં અને આપણી જ સદીમાં એના નાઝીઓના ભયંકર આતંકો સર્જાવાના હતા. પરંતુ એ બાબત માટે તો જોકે મેક્સમૂલરને અપરાધી ઠરાવવો એ એક મૂર્ખતા જ છે. આમ છતાં પણ વેદોના અને સંસ્કૃતના એક સુવિખ્યાત વિદ્વાન તરીકે, તે વખતની ત્યાંની જનતાની લાગણીઓને ઉશ્કેરવા માટે ‘આર્ય’ શબ્દની અવળી અને ખોટી વંશવાચી વ્યાખ્યા એણે હેતુપૂર્વક જ કરી છે એની જબરી જવાબદારીમાંથી એ કદાપિ છટકી ન જ શકે. એણે પોતાના સમય કે કોઈપણ સમયના ભયંકર જાતીય દ્વેષ-તિરસ્કારને ધર્મશાસ્ત્રીય સમર્થન દર્શાવવાનો અક્ષમ્ય અપરાધ અવશ્ય કર્યો છે. એ તો ‘ખ્ર્રિસ્તી’ શબ્દનો અર્થ, નાઝીઓના ‘સેમિટિઝમવિરોધી’ એ પ્રમાણે જ કરવા જેવું જ થયું! અને નવાઈની વાત તો એ છે ‘આર્ય’નો આવો વંશવાચી અર્થ કરવાના અપરાધી કંઈ બધા જ જર્મન રાષ્ટ્રવાદીઓ નથી! વિલિયમ શ્લેગલ જેવો જર્મન રાષ્ટ્રવાદી હંમેશા ‘આર્ય’ શબ્દનો અર્થ ‘ઉદાત્ત’ એવો જ કરે છે, એક પણ વખત એનો વંશવાચી અર્થ એણે નથી કર્યો! મેક્સમૂલરે ઈરાદાપૂર્વક કરેલો ‘આર્ય’ શબ્દનો અવળો અર્થ, જો એ અજ્ઞાની હોત તો ક્ષમ્ય ગણાત. પણ સુવિખ્યાત વિદ્વાન તરીકે એ મોટો અપરાધી છે.

છેવટે મેક્સમૂલરે આર્યોની આ વંશવાચી માન્યતા પડતી મૂકી હોવાનું સુવિદિત છે. અને એણે એને ભાષાકીય રૂપે ફેરવી તોળી. પણ એણે તો વળી યુરોપના રાજકીય હવામાનમાં વિજ્ઞાન કરતાંય વધારે અસર કરી દીધી! અંગ્રેજો જર્મનીમાં વધતા જતા રાષ્ટ્રવાદનું ચિંતાપૂર્વક નિરીક્ષણ કરી રહ્યા હતા. ૧૮૫૧ની ફ્રાન્સ-પ્રશિયાની લડાઈમાં જ્યારે પ્રશિયાએ ફ્રાન્સને કચડી નાખ્યું ત્યારે કેટલાંક વર્તુળોમાં એક પ્રકારનો ચિત્તક્ષોભ ઊભરાઈ ઊઠ્યો અને એ જ પછીથી એને પ્રશિયાના નેજા તળે ‘જર્મની એક્તા’ તરફ દોરી ગયો. અને એકાએક જર્મની યુરોપનો એક બહુસંખ્યક અને સત્તાધારી દેશ બની ગયો. અને બ્રિટિશ સત્તા માટે એ પડકારરૂપ બની ગયો! ભારતના બ્રિટિશ સત્તાધારીઓમાં આ માન્યતા વ્યાપકરૂપે પ્રવર્તતી હતી કે આ જર્મનીની એકતામાં એણે (જર્મન વિદ્વાનોએ) કરેલા ભારત અને સંસ્કૃતના અધ્યયનનો મોટો ફાળો છે. કોલકાતા યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઈસ ચાન્સેલર અને વાઈસરોયના સલાહકાર સર હેનરી માઈને ઘણા અંગ્રેજોની લાગણીનો પડઘો આ વિધાનમાં પાડ્યો છે કે ‘આ આખું ય રાષ્ટ્ર (જર્મની) સંસ્કૃતના અભ્યાસમાંથી ઊભું થયું છે.’

દેખીતી રીતે જ આ એક અતિશયોક્તિ છે. પણ બ્રિટિશ સરકાર ૧૮૫૭ના બળવાની અસરોથી હજુ તો લથડિયાં ખાઈ રહી હતી ત્યાં જ આ જર્મનીની એક્તાનું ભૂત વળી પાછું ફરીથી ક્યાંક ભારતમાં ય ધૂણવા મંડશે એવો બ્રિટિશ સરકારનો ભય સાચો હતો. ગમે તેમ પણ મેક્સમૂલરે આ વખતે પોતાને એક ખૂબ જ તંગ અને લાંછિત પરિસ્થિતિમાં મુકાયેલો જોયો. પોતે જર્મન હોવા છતાં અત્યારે એ ઈંગ્લેન્ડમાં સુખચેનથી સ્થિર થયો હતો. અને વેદો તેમજ ‘સેક્રેડ બૂક્સ ઓફ એશિયા’ ઉપરના તેના જીવનકાર્યની વચ્ચે એ હતો. જર્મન રાષ્ટ્રવાદ સાથેની તેની નખરાંબાજ પ્રણય ચેષ્ટાઓ અને આર્યોના વંશવાદની એની માન્યતા આવી પરિસ્થિતિમાં એને ખૂબ ભારે પડી જાય તેમ હતાં. એની આવી કફોડી સ્થિતિમાં એક જર્મન રાષ્ટ્રવાદી તરીકે તે ફક્ત એટલું જ કરી શકે તેમ હતો કે તે પોતાને વિક્‌ટોરિયાના ઈંગ્લેન્ડમાં રહીને પણ જર્મન વિચારધારાના પુરસ્કર્તા તરીકે પોતાનું પ્રદર્શન કરે. એટલે ઈંગ્લેન્ડમાં પોતાને ટકાવી રાખવા માટે ફક્ત પોતાની આગળની વંશીય વિચારધારાઓને છોડી દીધા સિવાય એનો કોઈ છૂટકો ન હતો હવે એ પોતાને જર્મન રાષ્ટ્રવાદી વિચારધારા અને સિદ્ધાંતોથી દૂર ખસેડવા માટે કંઈક ઉપાય શોધી રહ્યો હતો.

આ મુસીબતમાંથી છૂટકારો મેળવવા માટે એણે જે કૂટ ઉપાય શોધ્યો તે એ કે એણે પોતાના પહેલા માનેલો આર્યવંશીય સિદ્ધાંતના વિરોધમાં એકાએક જ નવો ‘ભાષાકીય સિદ્ધાંત રજૂ કરીને એને ધોરણે જ આર્યોના આક્રમણની માન્યતા વ્યાજબી ઠરાવી દીધી! એટલે જ ૧૮૭૧માં – જર્મનીની એક્તાના વર્ષમાં – જર્મન રાષ્ટ્રવાદીઓના સૈકા જૂના સ્વપ્નની પરાકાષ્ઠામાં – ફ્રેડરીક મેક્સમૂલર જર્મન તાબાના ફ્રાન્સની એક યુનિવર્સિટીમાં એકદમ ધસી ગયા અને નાટકીય રીતે જર્મનોના આર્યવંશીય સિદ્ધાંતને જાહેરમાં ધૂત્કારી કાઢ્યો! જે આર્યવંશીય સિદ્ધાંતને પોતાની કારકિર્દીનાં પહેલાં વીસ વર્ષો સુધી અપનાવ્યો હતો એ જ સિદ્ધાંતનો ભયંકર વિરોધ મેક્સમૂલરે પોતાના જીવનનાં છેલ્લાં ત્રીસ વર્ષ સુધી કર્યે રાખ્યો! જેઓ પૂરા ઇતિહાસને જાણે છે, તે લોકો સિવાયના બીજા લોકો તો આજે મેક્સમૂલરને આ બીજા તબક્કો ભજવનાર ભાષાકીય સિદ્ધાંતવાળા તરીકે જ પિછાણે છે!

હવે આપણે મેક્સમૂલરનો આ બીજો પ્રસિદ્ધ ભાષાકીય સિદ્ધાંત શો છે કે જેના દ્વારા તેણે આર્યોનું આક્રમણ સિદ્ધ કર્યું, તે જોઈએ. મૂળે તો આર્યોના આક્રમણનો એ સિદ્ધાંત યુરોપિયનોએ કલ્પ્યો હતો. તેઓ એમ કરીને પોતાને યહૂદીઓની ખ્ર્રિસ્તીધર્મમાં રહેલી વારસદારીમાંથી મુક્ત કરવા માગતા હતા. પછી ધીરે ધીરે એ જ વકરીને હિટલર અને નાઝીવાદી સુધી પહોંચી ગયો! ત્યાર પછી આ સિદ્ધાંત ભારતમાં લવાયો. અને ભારતમાં એનું સંસ્કૃત તેમજ અન્ય યુરોપીય ભાષાઓના અધ્યયન સાથે મિશ્રણ થયું. અત્યારે ‘ઈન્ડો આર્યન્‌’ તરીકે ઓળખાતા યુરોપિયનો, જાણે કે આક્રમક આર્યો બન્યા અને એની પહેલાં ભારતમાં વસનારાઓ જાણે કે દ્રવિડિયનો બની ગયા! ઇતિહાસની જ પુનરાવૃત્તિ થઈ ને? ખરો તાલમેલ થઈ ગયો! બ્રિટિશ શાસન સહજ ઘટના બની ગયું આ મનઘડત માન્યતાને સમર્થન આપવા માટે પુરાતત્ત્વીય કે દસ્તાવેજી ઐતિહાસિક આધારને બદલે આ ભાષાસિદ્ધાંતનો આધાર લાગુ કરવા માટે, વેદોને નિમ્નકોટિનું સાહિત્ય સાબિત કરવા માટે, અને શિક્ષિત હિન્દુઓને ખ્ર્રિસ્તીઓના સહાયરૂપમાં ફેરવવા માટે બ્રિટિશ સરકારે મેક્સમૂલરને પગારદાર તરીકે ભાડે રાખ્યો. મેક્સમૂલરે પોતાના આ સ્થાનનો ઉપયોગ, પોતે વૈદિક વિદ્વાન હોવાને નાતે, જર્મનોની આર્યવંશીય વિચારધારાને ધર્મશાસ્ત્રીય મંજૂરીની મહોર મારી આપીને જર્મન રાષ્ટ્રવાદને બહેકાવ્યો. જર્મનીના એકીકરણ પછી બ્રિટિશ પ્રજા અને રાજનીતિજ્ઞો જર્મન વિરોધી થઈ ગયા અને તેનાથી ડરવા લાગ્યા. આ વખતે મેક્સમૂલર પોતાની ઈંગ્લેન્ડની આરામદાયી જિંદગીનું જોખમ ભાળી ગયા અને સાવ ઢીલાઢફ્‌ થઈ ગયા! આ આવી પડેલી ભારી વિપત્તિને એમણે પોતાની પહેલાં અપનાવેલી આર્યવંશીય માન્યતાનો એકાએક જ દિલગીરીપૂર્વક ત્યાગ કરીને દૂર કરી દીધી અને ભાષાકીય માન્યતામાં જ ભળી ગયા. આ બધામાં કોઈને પણ જાણવાની ઇચ્છા થાય કે કોઈ ઐતિહાસિક સામગ્રી, વિજ્ઞાન-પુરાતત્ત્વવિજ્ઞાન અને એને મદદ કરનાર અન્ય વિજ્ઞાનો ક્યાંય દેખાય છે ખરાં કે? એ ક્યાં ગયાં?

વાસ્તવમાં એવું બન્યું હોય કે યુરોપિયનોએ આ વાત ઉપજાવી જ કાઢી હોય અને આ ખોટી વાતનું વારંવાર વિધાન કરવામાં આવતાં એ એક માન્યતા (સચ્ચાઈ) બની ગઈ હોય એમ થવું કંઈ નવાઈ પામવા જેવું નથી. એ તો સમજાય તેવી વાત છે કે યુરોપિયનો એ વખતે એમના સંપર્કમાં આવેલા અને તેમને ઓળખવા માગતા લોકોમાં પોતાની સાંસ્કૃતિક ઓળખ આપવા મથી રહ્યા હતા. અને એ માટે બ્રિટિશરોને આ ઇતિહાસ કલ્પના પસંદ પડે, એ પણ સમજાય તેવું છે. મૂળ આર્યો પણ સંસ્થાનવાદી હતા એમ ઠરાવીને ભારતમાં પોતે ભજવેલી ભૂમિકાને પણ વ્યાજબી ઠરાવી દેવાનું તેમને ભારે અનુકૂળ જ હતું. પરંતુ, આ જે કેવળ કલ્પના છે, કેવળ પ્રચાર જ છે, જેમાં ઇતિહાસ જેવું કશું જ નથી એવી ‘સ્થાપના’ ઉપર ભારતીય ઇતિહાસકારોનો આવો સખત પ્રેમ ઊભરાઈ પડ્યો એને આપણે શું સમજવું? ભારતના આ સંસ્થાવાદી મિશનરી ઇતિહાસ સ્વરૂપનું પુન:પરિક્ષણ કરીને ઇતિહાસના પ્રમાણશુદ્ધ વધારે વાસ્તવિક સ્વરૂપને રજૂ કરવાની સ્વતંત્ર વિચારશક્તિ દાખવવામાં તેઓ તદ્દન નિષ્ફળ નીવડ્યા છે, એ તેમનું મોટું ઉધારપાસું છે.

પરંતુ, એક વખત જો આપણે બાઈબલ આધારિત આ વહેમને, યુરોપિયન રાજકારણને તેમજ મેક્સમૂલર જેવી કારકિર્દીલક્ષી વ્યક્તિઓને દૂર કરી દઈએ. અને પછી પ્રમાણશુદ્ધ પુન:પરીક્ષણથી આપણે જે કંઈ પ્રાપ્ત કરીશું, તે કેવળ ભારતના ઇતિહાસનું જ સાચું આલેખન નહિ બની રહે, પણ સમગ્ર વિશ્વના ઇતિહાસની બારી બની જશે. સંસ્કૃતિનું પ્રભાત ઊગ્યા પહેલાંના વિશ્વની એ બારી હશે ઓગણીસમી સદીના મિથ્યા પૂર્વગ્રહોથી મુક્ત થઈને પ્રાચીન ભારતીય દસ્તાવેજોને નવી વૈજ્ઞાનિક પદ્ધતિઓની મદદથી અવલોકતો તે પ્રાચીન સંસ્કૃતિના સાચા સ્થાનને સ્પષ્ટ ખુલ્લું કરી બતાવે છે, એક આકર્ષક વિશ્વ ઉદ્‌ઘાટિત કરે દે છે : અને એ વિશ્વ છે સિંધુથી ગંગા સુધીની વૈદિક સંસ્કૃતિનો ભૂમિભાગ! એ લાંબા કાળથી અનુત્તર રહેલા ઐતિહાસિક મહાપ્રશ્નનો ઉત્તર પણ આપી જાય છે કે ભારતથી અને શ્રીલંકાથી માંડીને ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડના લોકોની યુગો જૂની બોલાતી ભાષા એમાં શા માટે એકબીજી સાથે સામ્ય વરતાય છે! આ બાબત હવે આપણે જોઈશું.

(ક્રમશ:)

Total Views: 60

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.