આપણે ગયા અંકના લેખમાં આપણા સાંસ્કૃતિક વારસાનું અધ્યયન આપણે શા માટે કરવું જોઈએ અને એનું કેવી રીતે મૂલ્યાંકન કરવું જોઈએ, તેમ જ એમાં શી શી સાવચેતી રાખવી જોઈએ એ વિશે કેટલીક વાતો કરી.

હવે આપણા આજના સમાજને માટે એ અધ્યયન કઈ રીતે ઉપયોગી નીવડી શકે તે વિશે વિચાર કરીશું.

પહેલી નજરે વૈદિક સંસ્કૃતિના સંદર્ભમાં આજના સમાજની વાસ્તવિકતાને નિહાળીશું તો આપણે હતાશ થઈ જઈશું. આપણે આજની સામાજિક વાસ્તવિકતાની ટીકાઓ કરતાં ક્યારેક ઊકળી ઊઠીએ છીએ તો વળી ક્યારેક આપણે એ તરફ બેદરકાર પણ બની જઈએ છીએ. આપણો આ આક્રોશ સકારણ તો છે જ છતાં ચિંતન વગર કેવળ આક્રોશ, હતાશા કે બેદરકારીનો કશો અર્થ નથી. આપણે ભય કે શીઘ્ર પ્રતિક્રિયા દાખવ્યા વગર એ માટે ધૈર્યપૂર્વક ગંભીર અને રચનાત્મક વિચાર કરવો જોઈએ. આપણે વિચારવું જોઈએ કે અત્યારે આપણે એક સંક્રાંતિકાળમાંથી પસાર થઈ રહ્યા છીએ. એટલે આજે સમાજમાં જે પરિબળો કામ કરી રહ્યાં છે, એનું યોગ્ય વિશ્લેષણ કરીને જ કશોક વિધાનાત્મક પ્રતિભાવ આપી શકીશું.

આજની આપણી સામાજિક વાસ્તવિકતાને ઓળખવાની કઈ રીત છે? એ પિછાણની પદ્ધતિ ખૂબ અગત્યની છે. જુઓ : તમારી આગળ કેટલીક ઘટનાઓ છે. અને એની સાથે જ તમારા મનમાં કેટલાંક ‘ગૃહીત મંતવ્યો’ પણ પડ્યાં છે. હવે તમારી સામે બનતી ઘટનાઓને મૂલવવા માટે તમારી પાસે બે વિકલ્પો છે: કાં તો સામેની ઘટનાઓની વાસ્તવિકતાને યથાતથ સ્વીકારીને તમારાં પૂર્વગૃહીત માપદંડથી એને મૂલવીને અથવા તો તમારાં પૂર્વગૃહીત મંતવ્યો વગરના સાવ ખૂલા મનથી એને નિહાળીને. આજના સંક્રાંતિકાળમાં એ બંને વિકલ્પો તદ્દન સ્વતંત્ર રીતે સ્વીકારવાને બદલે બંનેનું એક બીજામાં સંક્રમણ કરીને એક સમન્વિત માનદંડ ઊભો કરવાની જરૂર છે. એટલે તમે ભલે ભારતીય સંસ્કૃતિના ગંભીર અનુયાયી હો, એના વારસાનું ગૌરવ કરનારા અને કેટલાક નિશ્ચિત આદર્શોના પુરસ્કર્તા હો, છતાં પણ પ્રવર્તમાન ઘટનાઓ જોતાં વેંત જ તમારાં ગૃહીતોથી એને માપવા ન માંડશો. આજના સમાજની વાસ્તવિકતાનું વિશ્લેષણ કરતી વખતે પહેલાં તો એ બધાંને થોડાક સમય પૂરતો એક કોરાણે મૂકી દો. અને ખૂલા દિલે શું ચાલી રહ્યું છે તેનું નિરીક્ષણ કરો.

આ રીતે જોતાં કેટલાક નિરીક્ષકોની પહેલી અભિવ્યક્તિ એવી નીકળવાનો સંભવ છે કે આ વિષમતાભરી વાસ્તવિકતા સંસ્થાનવાદ પછીની છે. તેમની આ અભિવ્યક્તિ પાછળનો ઈરાદો એ છે કે આજના સમાજમાં દેખાતી બધી જ ખરાબીઓ સંસ્થાનવાદને જ આભારી છે. જાણે કે એ સંસ્થાનવાદ આવ્યા પહેલાં આપણે સર્વવાતે સુખી હતા! આપણા ઉપર પડેલા સંસ્થાનવાદના પ્રહારોની કળ હજુયે વળી નથી. હજુએ આપણે લથડિયાં ખાતાં ખાતાં સંસ્થાનવાદના ઘાવોને રુઝવવાની ઔષધિઓ શોધી રહ્યા છીએ! આપણી વર્તમાન નબળાઈઓનું આવું સમાધાન કરી નાખવું, તો સાવ સહેલી વાત છે એ સાચું છે કે આપણાં આજનાં ઘણાં સામાજિક દૂષણો સંસ્થાનવાદને આભારી છે. છતાં બધાં જ કંઈ એનાથી નીપજ્યાં નથી. આપણે હકીકતોને તટસ્થ રીતે અવલોકીને આપણી જવાબદારીઓ પણ સ્વીકારવી જ જોઈએ. દેશમાંથી સંસ્થાનવાદનો અસ્ત થયાને પાંચ દાયકા કરતાંય વધારે તો વીતી ચૂક્યા છે અને આપણે પોતે જ સરકાર ચલાવી રહ્યા છીએ; એ બધું પણ ઝીણવટથી તપાસવું જોઈએ. એટલે આ પાંચ દાયકામાં શું થયું છે અને શું નથી થયું, તે ચોક્સાઈપૂર્વક જોવું જોઈએ. તે સમય દરમિયાન આપણા સમાજમાં થયેલી ઉન્નતિ અને ઊણપોને બરાબર તાગવી જોઈએ. એ સરવૈયું કાઢ્યા પછી જ આપણે યોગ્ય રચનાત્મક નિર્ણય ઉપર આવી શકીએ. આ પદ્ધતિ આપણી વર્તમાન સામાજિક વાસ્તવિકતાને ઓળખવામાં સહાયક થશે.

આમ વિચારતાં, પહેલી વાત તો એ નજરે ચડે છે કે હજુ સુધી આપણે આપણી કોઈ ‘આગવી અસ્મિતા’ ઊભી કરી શક્યા નથી. અંગ્રેજો આપણને વેરવિખેર અસમાન ભાગોમાં વહેંચીને ચાલ્યા ગયા અને તે પછીનાં પચાસ વરસ કરતાંયે વધુ સમયે આપણે જાણે કે કોઈ એક જ ભારત દેશમાં વસતા હોઈએ, એવો અનુભવ થતો નથી. આપણે બધા ભારતમાં રહીએ છીએ, છતાંય જાણે કે એ એક ભારત છે, એવું લાગતું નથી. આપણી પ્રાચીન સિદ્ધ કરેલી ઐક્યભાવનાથી જાણે આપણે ખૂબ દૂર હડસેલાઈ ગયા હોઈએ, એમ લાગે છે. આપણા પૂર્વજોએ હાંસલ કરેલી મોટી સિદ્ધિ એ હતી કે સેતુબંધથી હિમાલય સુધીના વિશાળ ભૂભાગમાં વસતી ‘ભારતી સંતતિ’ વિવિધ માનવસમૂહોના મિશ્રણથી ઓતપ્રોત થઈને પોતપોતાની અલગ ઓળખ રાખવાની કશી ખેવના વગર એકાકાર થઈને રહેતી હતી. કશા નોખા વળગણ વગર ‘ભારતી સંતતિ’ સ્વરૂપે સહકાર સાધીને રહેતી હતી. પણ પછી જ્યારે અન્ય ભૂભાગમાં વસતા લોકોમાં સાંસ્કૃતિક પ્રયોગો થવા લાગ્યા, એના સંદર્ભમાં સાપેક્ષ રીતે જ ભારતની સંસ્કૃતિની એક નવી જ અવધારણા ઊભી થવા પામી. એ નવી ઓળખને આધારે દિસપુરથી દ્વારકા અને કન્યાકુમારીથી કાશ્મીર સુધીના પ્રદેશમાં વસતા લોકો વચ્ચે સ્પષ્ટ રીતે જ ઐક્ય અનુભવાવા લાગ્યું. આ ઐક્ય કોઈ રાજકીય સત્તાએ પ્રસ્થાપિત કરી દીધેલું ન હતું. આ ઐક્ય તો સાંસ્કૃતિક સંવાદિતામાંથી સહજ રીતે નીપજ્યું હતું. વિવિધ લોકોની વિવિધ સભ્યતાઓના સ્રોતોએમાં ભળ્યા હતા. એમાંથી જ ભારતની ભાતીગળ અને ભવ્ય સભ્યતા ધીરે ધીરે જન્મી હતી અને એણે ‘ભારત એક છે’ની વિભાવના ઊભી કરી હતી. આપણા પ્રાચીન સાંસ્કૃતિક વારસાની સંજીવની આ ‘એક હૃદયી ભારત’ની ભાવનામાં છે. આ ભાવના ગુપ્તકાળ સુધી અકબંધ રહી હતી. પણ હર્ષવર્ધનના કાળ પછી એ ક્ષીણ થવા લાગી અને આજે તો આપણે એ આદર્શથી ઘણા દૂર ફેંકાયેલા છીએ. પહેલાં કે આજે રાજકીય કે વહીવટી રીતે એ એકતાના પુન: સ્થાપનના ગમે તેટલા પ્રયત્નો કરવામાં આવ્યા હોય છતાં પણ પેલી ગુપ્તકાલીન ભાવાત્મક એકતા આપણામાં રહી નથી અને આપણે જાણે કે ‘ઘણા ભારત’માં રહીએ છીએ. એવું વર્તન કરીએ છીએ.

બીજી વાત : આપણે ત્યાં આજે છાપેલ કાટલાં જેવા થઈ બેઠેલા ગુરુઓનો રાફડો ફાટ્યો છે. આ ગુરુઓમાં હું આપણા સાચા સંતો, ઋષિમુનિઓ, મહાત્માઓ કે પૂજનીય પુરુષોની વાત કરતો નથી પણ પોતાને પરાણે ગુરુ તરીકે ઠોકી બેસાડતા લોકોની વાત કરું છું. ગુણાત્મક રીતે આવા ડોળી લોકો સાચા સંતોથી અત્યંત અળગા પડી જાય છે. આપણા પ્રાચીન ઋષિસંતો પાસે તો એક ઉમદા જીવનકાર્ય હતું. તેમનામાં ઉપદેશની સાથે આચરણનું મિલન થયું હતું. પોતાને લાધેલા ભૌતિક અને આધ્યાત્મિક સત્યને તેઓ પોતાના દેહ અને આત્મામાં પ્રયોગ કરતા અને ત્યાર પછી લોકોને તેનું શિક્ષણ આપતા. તેઓ તપોવનમાં જ રહેતા કારણ કે પ્રસ્થાપિત સમાજના આકર્ષણ કે વિકર્ષણથી દૂર તપોવનમાં તેઓ ધ્યાન કરવા માગતા હતા. અને એ ચિંતનમાંથી પ્રાપ્ત થયેલ સત્યનું તેઓ લોકોમાં વિતરણ કરતા. પ્રાચીન ઋષિઓના આ કઠિનકાર્યને કારણે જ લોકો તેમને આદર આપતા. આજે એવા ગુરુ જવલ્લે જ ક્યાંક દેખાતા હશે કે જે આપણને સમસ્યામુક્ત જીવન જીવતાં શીખવે. કોઈક વ્યવસાયનું આજીવિકા માટેનું માહિતીપ્રસૂર જ્ઞાન આપનારા ગુરુઓ તો મળે છે, પણ તેટલાથી જ કંઈ કોઈ સાચો ગુરુ ગણાઈ જતો નથી. આજે આપણને પૂર્ણ માનવ બનાવનાર ગુરુ મળવા મુશ્કેલ છે.

ત્રીજી વાત : બૌદ્ધિક ક્ષેત્રમાં આપણી વધુ ચિંતા એ છે કે આપણે ત્યાં બૌદ્ધિકોનો એક એવો વર્ગ છે કે જે પોતાના દેશના હિતની કશી જ ખેવના કર્યા વગર વિદેશ અને સ્વદેશ વચ્ચે બૌદ્ધિક સોદાબાજી કરીને ગમે તે ભોગે પોતે લાભ ખાટી જવાની બુર્ઝ્‌વાગીરી કરતો રહે છે. આવા લોકો વિદેશી વિકૃત વિચારોને સામાન્ય લોકો થોડુંઘણું સમજી શકે એવા જનક્ષેત્રમાં લઈ જવા માટે ધોરિયાનું કામ કરી રહ્યા છે. સ્વદેશની સભ્યતાની વિશિષ્ટ તાસીરની એમને કશી પડી હોતી નથી. અને એ રીતે તેઓ આપણી પાસેની આપણી પોતિકી વિચાર પદ્ધતિનો દ્રોહ કરી રહ્યા છે. આપણી નિજી પરંપરાગત તેમજ આધુનિક મૌલિક વિચાર પદ્ધતિ હોવા છતાં આવા લોકો ધીરે ધીરે અને ન દેખાય એ રીતે પોતાની વગ વધારતા રહે છે. અને એવા વિચારોને આપણા દિમાગમાં ઘૂસાડ્યા કરે છે. આમ કહીને હું એવા આગન્તુક વિચારોને બંધ કરી દેવાનું બિલકુલ કહેતો નથી. હું કહેવા એ માગું છું કે એવા વિચારોનું પૂરતું નિરીક્ષણ-પરીક્ષણ કરીને જ – એટલે કે આપણા સાંસ્કૃતિક વારસાના માપદંડે સુયોગ્ય અને દૂરંદર્શી રીતે માપ્યા પછી જ એના સ્વીકાર-અસ્વીકારનો નિર્ણય કરવો જોઈએ.

ચોથી વાત એ છે કે આપણા દેશમાં જ નહિ, આપણા સમાજમાં પણ બધે વિચ્છિન્નતા વરતાય છે. અને એ સ્થિતિમાં ઘણી વખત આપણને પેલા બૌદ્ધિક સોદાગરોનો ભેટો થઈ જતો હોય છે. અને ત્યારે એ આપણને લગભગ પ્રગતિશીલતાની વાતનું ઓઠું આગળ ધરીને આપણી તળપદી જીવનશૈલી, આપણા મૂળભૂત જીવન આદર્શો, મૂલ્યો વગેરે ઉપર અનિવાર્ય રીતે આરોપો અને આક્ષેપોની આંગળી ચીંધ્યા વગર રહેતો નથી. કેટલીક વખત તે ભારતની જ્ઞાતિપ્રથાને પારસ્પરિક દ્વેષમાંથી જન્મેલી ગણાવે છે! જો આ જ એનો ઇતિહાસ હોત તો તો હજારો વરસોથી માંડીને હજુએ ચાલી રહેલી આ પ્રથાનો શો ખુલાશો છે? પશ્ચિમ પાસેથી આપણે રહેણીકરણી, વલણો વગેરે ઘણું ઘણું અપનાવ્યું હોવા છતાં જ્ઞાતિપ્રથા હજુ પ્રમાણમાં ઠીક રીતે ટકી રહી છે એટલે એનાં કારણો અને મૂળ હેતુઓ, ઇતિહાસ ઘણું સંશોધન માગી લે છે કે શું ખરેખર એ એકબીજાના દ્વેષમાંથી જન્મી છે? જ્ઞાતિપ્રથાએ સમાજમાં ઉત્પન્ન કરેલાં આપણાં જાણીતાં દૂષણોની વાત એક બાજુ મૂકી દઈએ (એ વાત પછી કરીશું). અને પૂછીએ કે ભલા આવી હાનિકર જ્ઞાતિપ્રથા શા કારણે સ્થપાઈ? જવાબમાં તમે એના સ્થાપક-શોધક તમારા પૂર્વજોને દ્વેષી, શોષક, હૃદયહીન ઠેરવી શકો તેમ તો નથી જ. ઘણો ઉમદા વારસો આપી જનારા તમારા પૂર્વજોએ કોઈ દુષ્ટ હેતુસર આવું કર્યું હોય એવું બને ખરું? પેલા બૌદ્ધિક સોદાગરોની આવી વાતો માની લેવી એ સાચું વલણ નથી.

‘જાતિ’ વિશેનું સ્વામી વિવેકાનંદનું વલણ, તેમણે એક પત્રમાં આમ રજૂ કર્યું છે : ‘… જાતિનો સાચો અર્થ શો છે? જાતિ એટલે સમાન ગુણધર્મવાળી વસ્તુઓનો એક વિશિષ્ટ નમૂનો, એક પ્રકાર તમારામાં એક ‘પરસામાન્ય’ – genus હોય છે. અને એમાં એ ‘જાતિ’ – species રહે છે. ઉદાહરણ તરીકે ‘સજીવત્વ’ એ આ રીતે પરસામાન્ય છે અને એમાં માનવને એક ‘જાતિ’ ગણાય. અથવા તો બધાં જ સ્તન્ય પ્રાણીઓને પરસામાન્ય ગણો તો ગાય વગેરે પ્રાણીઓથી મનુષ્ય પર્યન્તનાં સઘળાં પ્રાણીઓ એની અપેક્ષાએ ‘જાતિ’ બની જશે.’ આથી સ્વામીજી એમ કહેવા માગતા હોય એમ લાગે છે કે આપણી જાતિ પણ એમાંની એક species સમાનગુણધર્મી સામાન્યત્વ જ છે. એટલે પરસામાન્ય પદાર્થની ભીતરનો અપરસામાન્ય પદાર્થ જ છે. અર્થાત્‌ એક જ પદાર્થની ભીતરની વિવિધતા છે. આ એક સ્વરૂપગત ગતિશીલ વૈવિધ્ય છે. સ્વામીજીના મતે એ અટકી જાય, તો સૃષ્ટિ જ અટકી જાય. આધુનિક વૈજ્ઞાનિકો આ સ્વરૂપગત ગતિશીલ વૈવિધ્યને જતનથી જાળવવા ઇચ્છે છે કારણ કે કોઈપણ વૈવિધ્ય એની પ્રતિકૃતિ બતાવતું અટકી જાય, તો પેલી ‘જાતિઓ’ species નષ્ટ થઈ જવાની! સમાજમાં પણ એ ‘જાતિ’નો મૂળ વિચાર, વ્યક્તિસ્વાતંત્ર્ય દ્વારા માનવ સ્વભાવનું વૈવિધ્ય અભિવ્યક્ત કરવાનો હતો. એટલે વ્યક્તિને પોતાની ખાસિયત દર્શાવવાની તક પૂરી પાડવાનો હતો. બીજા શબ્દોમાં કહીએ તો મનુષ્યે પોતાની ભીતર રહેલી વિશિષ્ટ શક્તિઓને અભિવ્યક્ત કરવાનો એમાં અવસર અપાયો હતો. દરેક મનુષ્ય પોતાની અમુક વિશિષ્ટ શક્તિઓ સાથે જ જન્મ્યો હોય છે. પણ એકની શક્તિ બીજાની શક્તિ જેવી જ નથી હોતી. અને એ શક્તિઓ ઊંચી કે નીચી હોવાનું જરૂરી નથી. તમારી શક્તિ તમારી નિજી છે અને મારી શક્તિ મારી પોતીકી છે. બંને શક્તિઓને અભિવ્યક્ત થવાનો મોકો મળવો જોઈએ. એ સ્વાતંત્ર્યની માગ છે એનું નામ જ જાતિઓની વિવિધતા છે. જાતિપ્રથા પાછળનો મૂળ વિચાર તો આ હતો. કોઈ વંશીય સામાજિક રચનાની સ્થાપના સાથે એને કશી જ લેવા દેવા ન હતી. સ્વામીજી પોતે જ આંતરજ્ઞાતીય લગ્નોના હિમાયતી હતા. એટલે સ્વામીજીના મતે આજની વંશીય જ્ઞાતિપ્રથા એ સાચી જાતિવ્યવસ્થા નથી. ઊલટું એ તે જાતિના મૂળ વિચારને ટકાવવા માટે અડચણરૂપ છે. કારણ કે આજની જ્ઞાતિપ્રથાએ તો વ્યક્તિઓના મુક્ત વ્યવહારને બાંધી જ રાખ્યો છે. અને જ્યારે તમે તમારી શક્તિઓની વિવિધતાની અભિવ્યક્તિ કરવાનો આગ્રહ સેવો છો, ત્યારે તમે કંઈ બીજાઓની અશક્તિ જાહેર નથી કરતા કે નથી તો કોઈ ઉપર અન્યાય કરતા કે વળી નથી તો તમારા એવા કોઈ ખાસ હકનો દાવો કરતા! એવા ભેદભાવોને અને અધિકારવંચિત લોકોની પીડાઓ પહોંચાડનારાઓને સખ્ત રીતે વખોડી કાઢવામાં આવ્યા છે. આ બાબતમાં સ્વામીજી પોતે ઘણા સંવેદનશીલ હતા. એક ‘દૃષ્ટા’ તરીકે એમણે જાતિપ્રથાના મૂળ હેતુની થતી વિકૃતિને પિછાણી લીધી હતી. મૂળ હેતુ તો લોકોની સુષુપ્ત શક્તિને બહાર લાવવાની તકો પૂરી પાડવાનો અને એમનું સ્વાતંત્ર્ય રક્ષવાનો હતો. આજની જ્ઞાતિપ્રથાએ તો એ બંનેને કારાવાસ જ કરાવી દીધો છે! અકસ્માતે દુર્ભાગ્યે વંશીય ઓળખ આ મૂળ જાતિની વિભાવના સાથે ખોટી રીતે સેળભેળ થઈ ગઈ જ્ઞાતિનું વંશીય જૂથ તો મૂળ જાતિ કરતાં જૂદું એવું સમાન વાતાવરણમાં, સમાન રીતરિવાજોમાં, સમાન પરંપરામાં ઉછરેલા લોકોનું પોતાના અમુક પરસ્પરના રોટી-બેટી જેવા વ્યવહારોને ટકાવી રાખવા માગતા કેટલાક માણસોનું ‘જ્ઞાતિ’ તરીકે ઓળખાતું એક જૂથ માત્ર જ છે. એમાં ગુણ કર્મનું કોઈ સામ્ય નથી હોતું અલબત્ત, મનુષ્યને જૂથો કરવા કે રક્ષવાનો અધિકાર તો છે જ; પણ જો એ આવા જૂથોને ચુસ્ત રીતે વળગી જ રહે તો એ જૂથો એકબીજાથી સાવ નોખાં નિરાળાં અને સંકુચિત નહિ બની જાય? તે વંશીય જૂથો-જ્ઞાતિઓ રહે તો ભલે પણ એ સ્થિતિસ્થાપક હોવી જોઈએ, પારસ્પરિક સાંસ્કૃતિક અસરો ઝીલવા તત્પર હોવી જોઈએ, સમાજના વિશાળ હિતને પોષક હોવી જોઈએ. બંધિયાર જળ કરતાં વહેતી ગતિશીલ હોવી જોઈએ. એમ થાય તો એનું પરિણામ સર્વજ્ઞાતિઓ માટે સુખદ નીવડી શકે. એવું આદાનપ્રદાન ઇચ્છનીય છે.

કેટલીકવાર સમાજના બૌદ્ધિકો કહે છે કે આવી પારસ્પરિક અસરો ઝીલવાની છૂટને લીધે સભ્યતામાં વધુ વર્ચસ્‌વાળું વંશીય જૂથ-(જ્ઞાતિ) સભ્યતામાં નબળા જૂથોનું (નિમ્ન સભ્યતાવાળી જ્ઞાતિઓનું) વિવિધ હકદાવે શોષણ કરશે. ઘણા વિદ્વાનો, ઇતિહાસવિદો અને સમાજશાસ્ત્રીઓ પણ આવું માને છે. પણ મુદ્દો એ છે કે માનવસમાજમાં આ વધુ-ઓછા સાંસ્કૃતિક વર્ચસ્‌નો ખ્યાલ તો અમુક પ્રકારની રાજકીય વ્યવસ્થાએ ઊભો કર્યો છે. હું મારા પાડોશી કરતાં રાજકીય, આર્થિક કે કોઈ બીજી રીતે વધુ સત્તાવાન હોઉં તો જ તેના ઉપર વર્ચસ્‌ ધરાવું ને! એટલે કોઈ એક જ વંશીય જૂથ-જ્ઞાતિ-ને અન્ય કરતાં વધુ મોટું રાજકીય કે એવી બીજી કોઈ સત્તા આપી દેવી એ તો રાજકીય સમાજરચનાની રીત થઈ! એ માનવજાતનો કોઈ મોટો આદર્શ ન થયો! છતાં આ એક ઐતિહાસિક નીપજ છે. એની ના પાડી શકાય તેમ નથી. પણ આ અસમાન સત્તા વહેંચણીને જોઈને આપણા સમાનતાના આદર્શને આપણી પ્રાચીન સાંસ્કૃતિક પરંપરાને, આપણી સ્વતંત્રતાને, આપણા વારસાને શું આપણે નિંદવા માંડશું? વૈદિકકાળ પછીના મહાકાવ્યોના વધુ અટપટા સમયમાં ઉદાહરણો જુઓ : વનમાં ધૂમતા વધુ સભ્ય-સંસ્કૃત શ્રીરામે ઓછી સભ્યતાવાળા ગણાતા અનેક વનવાસીઓ પ્રત્યે ક્યારેય પોતાનું ઊંચાપણું બતાવ્યું હતું ખરું? વળી, રામ કોઈ ચક્રવર્તી સમ્રાટ તો ન હતા. તેઓ તો સાવ નાનકડા રજવાડાંના દયાળુ અને ઉમદા રાજા હતા. છતાં સર્વવંશીય જનસમૂહો સર્વત્ર તેમને આદર અને સહાનુભૂતિ આપતા હતા. જ્યારે અનાર્ય ગણાતા – અસંસ્કૃત ગણાતા – લોકો પણ જો આર્ય રામ ઉપર અનન્ય પ્રેમ વરસાવતા હોય ત્યારે આપણે સમજી લેવું જોઈએ કે વિરોધી જણાતા વિભિન્ન વંશીઓમાં પણ પૂર્વોક્ત સાંસ્કૃતિક વર્ચસ્‌ની વિષમતાના ભયનાં કશાં જ એંધાણ વરતાંતાં નથી. કેટલાકને મતે આર્યો આક્રમક હતા. 

(ક્રમશ:)

Total Views: 86

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.