મથુરાનાથ વિશ્વાસના દેહાવસાન પછી શ્રીરામકૃષ્ણદેવ પાસે આવતા ભક્તોને શ્રી મથુરબાબુના અદ્‌ભુત સદ્‌ભાગ્ય વિશે વાત કરતાં કહેતા: ‘મથુરની જન્મકુંડળીમાં એવું લખ્યું હતું કે તેમના પર ઈષ્ટદેવતાની હંમેશાં કૃપા રહેશે. એટલું જ નહિ પણ તેઓ જ્યાં જ્યાં જશે ત્યાં માનવનું રૂપ ધારીને એમની સાથે જશે અને એમનું રક્ષણ પણ કરશે.’ (સ્વામી શારદાનંદ કૃત ‘રામકૃષ્ણ ધ ગ્રેટ માસ્ટર’ ભાગ. ૧, પૃ.૪૯૭)

એક દિવસ દક્ષિણેશ્વરના પોતાના ઓરડાની ઉત્તરપૂર્વ તરફની ઓસરીમાં શ્રીઠાકુર આમતેમ ફરી રહ્યા હતા. તેઓ અધ્યાત્મભાવમાં હતા અને આજુબાજુનું પ્રત્યક્ષ બધું અદૃશ્ય થઈ ગયું હતું. નોબતખાનાની નજીક કોઠી(બંગલો)ના એક ઓરડામાં મથુરબાબુ એ વખતે એકલા બેઠા હતા, તેઓ બારીમાંથી જોતા હતા. એકાએક તેઓ પોતાના ઓરડામાંથી બહાર આવ્યા અને શ્રીરામકૃષ્ણના ચરણોમાં પડ્યા અને અત્યંત આક્રંદ કરવા લાગ્યા. શ્રીરામકૃષ્ણે તેમને ચેતવણીના સૂરે કહ્યું: ‘તમે ભદ્ર સમાજના છો, મોટાબાબુ છો અને રાણી રાસમણિના જમાઈ છો. તમે આવું કરશો તો લોકો શું કહેશે? શાંત-સ્થિર થાઓ, ઊભા થાઓ!’

મથુરાબાબુએ ધીમે ધીમે પોતાની જાત ઉપર સંયમ લાવીને કહ્યું: ‘બાપજી, (શ્રીરામકૃષ્ણને તેઓ આવું સંબોધન કરતા) તમે હમણાં આમ તેમ ચાલતા હતા એ મેં જોયું હતું, એ મેં સ્પષ્ટપણે જોયું હતું; જેવા તમે મારા તરફ ચાલવા લાગ્યા કે તમે તમે ન રહ્યા; તમે તો શ્રી મંદિરમાંના શ્રીમા કાલી હતા! પછી જેવા તમે પાછા વળ્યા અને વિરુદ્ધ દિશામાં ચાલવા લાગ્યા કે તમે ભગવાન શિવ બની ગયા! સૌ પ્રથમ તો મને એવું થયું કે કદાચ આ મારી નજરની ભ્રાંતિ હશે. મેં મારી આંખો ઘસી અને વળી પાછું જોયું, પરંતુ મને એ જ દર્શન થયું. અને મેં તો એ દર્શનને બને તેટલીવાર જોઈ પણ નાખ્યું!’ પછી શ્રીરામકૃષ્ણે કહ્યું: ‘મને તો એની કાંઈ ખબર નથી.’

મથુરબાબુ વળી પાછા ભાવવિભોર બની ગયા અને રડવા લાગ્યા. એનાથી શ્રીરામકૃષ્ણ વિહ્‌વળ બની ગયા. તેમણે મનમાં વિચાર્યું કે જો રાણી રાસમણિ આ વિશે સાંભળશે તો તેઓ એનો ખોટો અર્થ કાઢશે અને એમ વિચારશે કે મેં મથુર પર કંઈક મંતરજંતર કર્યું છે. અંતે તેઓ મથુરને સમાશ્વાસન આપી શક્યા અને એમને શાંત કર્યા. (સ્વામી શારદાનંદ કૃત ‘રામકૃષ્ણ ધ ગ્રેટ માસ્ટર’ ભાગ. ૧, પૃ.૪૯૬-૯૭)

મથુરબાબુના પૂર્વજીવનની માહિતી બહુ અલ્પપ્રમાણમાં મળે છે. એમનો જન્મ ૧૮૧૭માં થયો હતો. એમનું પૈતૃક નિવાસસ્થાન પૂર્વ બંગાળના ખુલના જિલ્લામાં (હાલ બાંગ્લાદેશ) હતું. તેમણે હિંદુ કોલેજમાં મહાકવિ રવીન્દ્રનાથ ટાગોરના પિતા દેવેન્દ્રનાથ ટાગોર સાથે અભ્યાસ કર્યો હતો. રાણી રાસમણિ અને તેમના પતિ રાજચંદ્રે મથુરબાબુની યુક્તિકુશળતા અને બુદ્ધિપ્રતિભાનું નિરીક્ષણ કરીને તેમની ક્ષમતાને ઓળખી લીધી હતી એટલે જ એમણે પોતાની ત્રીજી પુત્રી કરુણામયી સાથે લગ્ન કરવા તેમને કહ્યું હતું. મથુરબાબુને એક પુત્ર સંતાન આપીને કરુણામયી ૧૮૩૩માં મૃત્યુ પામ્યાં. મથુરબાબુને પોતાના કુટુંબમાં જાળવી રાખવા રાણી રાસમણિએ પોતાની ચોથી પુત્રી જગદંબાના તેમની સાથે લગ્ન કર્યાં. ૧૮૩૬માં રાજચંદ્રના અવસાન પછી મથુરબાબુ રાણી રાસમણિની વિશાળ માલમિલકતના કારભારી બન્યા.

રાણી રાસમણિએ બંધાવેલ દક્ષિણેશ્વર મંદિર-સંકુલનો સમર્પણવિધિ ૩૧ મે ૧૮૫૫ના રોજ થયો હતો. શ્રીરામકૃષ્ણના મોટા ભાઈ રામકુમાર કાલીમંદિરના પૂજારી તરીકે નિમાયા. જો કે શ્રીરામકૃષ્ણ આ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ વખતે ઉપસ્થિત હતા અને ગંગાના કિનારે આવેલા સુંદર મંદિર અને ઉદ્યાનથી તેઓ ખૂબ આકર્ષાયા હતા પણ ઘણા દિવસો સુધી તેમણે ત્યાં કાયમી રીતે રહેવાનું નક્કી ન કર્યું હતું. મથુરબાબુ શ્રીરામકૃષ્ણને મળ્યા અને એમના વિનમ્ર, નિર્મળ, પવિત્ર અને સહજ-સરળ સ્વભાવને જોયો-જાણ્યો. તેમના પર શ્રીરામકૃષ્ણનો તત્કાળ પ્રભાવ પડ્યો. એ વખતે શ્રીરામકૃષ્ણ માત્ર ૧૯ વર્ષના હતા. મથુરબાબુએ રામકુમારને એમને મંદિરના કાલીમાતાની મૂર્તિને શણગાર કરવા જેવા કોઈક કામ માટે રાખવા કહ્યું. પરંતુ રામકુમારે કહ્યું કે તેનો નાનો ભાઈ આવું કાર્ય સ્વીકારવા ઇચ્છુક નથી. બરાબર એ જ સમયે શ્રીરામકૃષ્ણનો ભાણેજ હૃદયરામ કામધંધાની શોધ માટે દક્ષિણેશ્વર આવ્યો.

એક વખત શ્રીરામકૃષ્ણે નદી કાંઠાની માટી માંથી શિવજીની મૂર્તિ બનાવી અને તેની પૂજા કરી. ત્યાંથી પસાર થતાં મથુરબાબુએ આ મૂર્તિ જોઈ અને પૂજા પૂરી થઈ ગયા પછી હૃદયને એ મૂર્તિ એમને આપવા કહ્યું. પછી મથુરબાબુ એ મૂર્તિને રાણી રાસમણિ પાસે લઈ ગયા. બંને શ્રીરામકૃષ્ણની પ્રતિભા અને ભક્તિનિષ્ઠાથી મુગ્ધ થઈ ગયાં. આ ઘટના પછી થોડા સમયમાં જ મથુરબાબુ શ્રીરામકૃષ્ણને મળ્યા અને એમને પોતાના મોટાભાઈને શ્રી જગદંબાની મૂર્તિના શણગાર કરવામાં મદદ કરવા વિનંતી કરી. શ્રીરામકૃષ્ણ સહમત થયા અને હૃદય શ્રીમાના અલંકારોની જવાબદારી સ્વીકારે એવી શરત રાખી.

દક્ષિણેશ્વરના મંદિરના પ્રતિષ્ઠામહોત્સવના ત્રણ મહિના પછી શ્રી રાધાકાંતના મંદિરની ભગવાન કૃષ્ણની મૂર્તિ ખંડિત થઈ અને એ મંદિરના પૂજારીને દૂર કરવામાં આવ્યો. શ્રીરામકૃષ્ણને એ સ્થાને નીમવામાં આવ્યા. પરંતુ એક જ વર્ષમાં એમને તેમના મોટાભાઈની જગ્યાએ મા કાલીના પૂજારી તરીકે જોડાવા કહ્યું. આ સાથે જ એમની આધ્યાત્મિક સાધના શરૂ થઈ. પછીના ૧૪ વર્ષ સુધી શ્રીરામકૃષ્ણના જીવનમાં મથુરબાબુએ ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. પછીથી શ્રીરામકૃષ્ણે કહ્યું હતું : ‘એ દિવ્ય ભાવોન્માદ અવસ્થામાં હું ઔપચારિક પૂજાવિધિ પણ ન કરી શકતો. હું કહેતો – ‘હે મા, મારું કોણ ધ્યાન રાખશે? હું તો મારી જાતનેય સંભાળી શકવાની શક્તિ ધરાવતો નથી. હું તો તમારી જ વાતો સાંભળવા ઇચ્છું છું. તારા ભક્તોને ખવડાવવા ઇચ્છું છું. મને જે કોઈ મળે તેને હું થોડીઘણી સહાય કરવા ઇચ્છું છું. હે મા, આ બધું કેવી રીતે શક્ય બનશે? મારી સારસંભાળ રાખવા મને કોઈ સમૃદ્ધ માનવ આપજે, મા. એટલે જ મથુરબાબુએ મારી સેવા કરવા આટલું બધું કર્યું છે.’ (સ્વામી નિખિલાનંદ કૃત ‘ધ ગોસ્પેલ ઑફ રામકૃષ્ણ’ પૃ.૩૩૨)

શ્રીરામકૃષ્ણની સેવાપૂજાનાં વિચિત્ર વર્તન-રીતભાત મંદિરના બીજા પદાધિકારીઓની નજરે પડ્યાં. તેઓ શ્રીમાના સિંહાસન પર ચડી જતા અને શ્રી જગદંબાને આલિંગવા માંડતા; ક્યારેક તેઓ ગાતા, હસતા તો મજાક-મશ્કરી કરતા અને મા સાથે વાતો પણ કરતા. ક્યારેક તો વળી શ્રીમાને ભોજન નૈવેદ્ય ધર્યાં પહેલાં એ આરોગી જતા કે વળી ક્યારેક બીલાડીને એ બધું આપી દેતા! દેવની કેવી અવહેલના કરનારી પ્રવૃત્તિ! 

જ્યારે પદાધિકારીઓએ મથુરબાબુને શ્રીરામકૃષ્ણની વિરુદ્ધ ફરિયાદ કરી ત્યારે શ્રીરામકૃષ્ણના કાર્યોમાં કોઈપણ રીતે દખલ ન કરવા તે બધાને જણાવ્યું. તે પોતે જ પોતાની જાતે પરિસ્થિતિ નિરીક્ષણ કરવા ઇચ્છતા હતા. એક દિવસ મથુરબાબુએ પૂર્વ સૂચના વિના દક્ષિણેશ્વરની મુલાકાત લીધી અને એમણે શ્રીરામકૃષ્ણને છૂપી રીતે જોયા. એમણે જે કંઈ જોયું એના ઉપરથી એમને પૂરી ખાતરી થઈ કે શ્રીરામકૃષ્ણ પાગલ ન હતા. પરંતુ એમની એવી પૂજા તો શ્રીજગદંબા પ્રત્યેના હૃદયના ભક્તિભાવને લીધે જ હતી. મથુરબાબુને પોતાને વાસ્તવિક રીતે એવું લાગ્યું કે મંદિર ગહન દિવ્યતાના આવિર્ભાવથી ભર્યું ભર્યું હતું. એમણે તરત જ રાણી રાસમણિને કહ્યું કે એમને એક ઉત્તમ પૂજારી મળી ગયો છે. સાથે ને સાથે એમણે મંદિરના અધિકારીઓને શ્રીરામકૃષ્ણ પોતે જે રીતે ઇચ્છે તે રીતે પૂજાવિધિ કરવા દેવા પણ કહ્યું.

પરંતુ હજુએ શ્રીરામકૃષ્ણની સલામતી માટે એમને ચિંતા થતી હતી. જેમ જેમ દિવસે દિવસે શ્રીઠાકુર પ્રત્યેનો પ્રેમ અને શ્રદ્ધા, ભક્તિભાવ વૃદ્ધિ પામ્યા તેમ તેમ શ્રીઠાકુર માટેની એમની ચિંતા વધતી ગઈ. એક દિવસ શ્રીરામકૃષ્ણ શિવના એક મંદિરમાં પ્રવેશીને શિવમહિમ્ન સ્રોતમાંથી શિવની સ્તુતિ કરવા લાગ્યા : ‘હે મહાદેવ પ્રભુ! શ્યામ પર્વતની શાહી કરીને, મહાસાગરને ખડિયો બનાવીને, કલ્પવૃક્ષની ડાળીની કલમ રચીને ધરતી રૂપી કાગળ પર સ્વયં સરસ્વતી સદૈવ તમારો મહિમા લખવા માંડે તો પણ એ મહિમાનો અંત ક્યારેય ન આવે.’ (‘શિવ મહિમ્ન સ્તોત્ર’ શ્લોક. ૩૨)

જેવી આ સૂક્તિ શ્રીરામકૃષ્ણે ઉચ્ચારી કે પોતે તરત જ ભાવાવસ્થામાં આવી ગયા. એમની આંખોમાંથી આંસું વહેવાં માંડ્યાં અને મોટેથી બોલી ઊઠ્યા: ‘હે પ્રભુ! હું તમારા એ અનંત મહિમાને કેવી રીતે વર્ણવી શકું?’ મંદિરના સેવકો પદાધિકારીઓ એમની આસપાસ વીંટળાઈ વળ્યા. ઠેકડી ઉડાડતા હોય તેમ આવા શબ્દો કહેવા લાગ્યા: ‘આજે તો તે બીજા સામાન્ય દિવસો કરતાંય વધારે પાગલ બની ગયા છે.’ અને ‘શું એ શિવલિંગ પર ચડી બેસવાનો છે? મંદિરમાંથી એને બહાર કાઢવાનો સમય આવી ગયો છે.’ એ દરમિયાન મથુરબાબુ આવ્યા. અધિકારીઓમાંના એકે એમને ગંભીર સૂચન કરતાં કહ્યું કે રામકૃષ્ણને બાવડું ઝાલીને મંદિરમાંથી બહાર હાંકી કાઢવા જોઈએ, કારણ કે તેઓ આ રીતે દેવની મૂર્તિથી ધર્મ્ય અંતર રાખ્યા વગર નજીક જાય છે. મથુરબાબુએ ઉગ્રતાથી કહ્યું: ‘તમને તમારા માથાની ન પડી હોય તો એને સ્પર્શી જુઓ.’ થોડા સમય પછી શ્રીરામકૃષ્ણ બાહ્યભાનમાં આવ્યા. મથુરબાબુ અને બીજા લોકોને પોતાની આસપાસ ઊભેલા જોઈને તેઓ જાણે કે એક ભયવ્યાકુળ બાળક બની ગયા અને પૂછ્યું: ‘હેં ભાઈ, મેં કંઈ અજુગતું તો નથી કરી નાખ્યું ને?’ આ સાંભળીને મથુરબાબુએ કહ્યું: ‘અરે! ના, ના. તમે તો સ્તોત્રોચ્ચાર કરતા હતા. કોઈ તમને ખલેલ તો પહોંચાડતા નથી ને એ જોવા હું અહીં આવ્યો હતો.’ (સ્વામી શારદાનંદ કૃત ‘રામકૃષ્ણ ધ ગ્રેટ માસ્ટર’ ભાગ. ૧, પૃ.૪૯૪-૯૫)

પરંતુ મા કાલીના મંદિરમાં બેસીને પોતાની કોર્ટ-કચેરીની બાબત વિશે વિચાર કરતાં રાણી રાસમણિને જ્યારે શ્રીરામકૃષ્ણે લાફો ચોડી દીધો હતો ત્યારે મથુરબાબુને શ્રીઠાકુરના માનસિક સંતુલન વિશે શંકા તો ઉપજી હતી ખરી. પરંતુ શ્રીરામકૃષ્ણનું આ અસામાન્ય વર્તન એમની માનસિક ઉદ્વિગ્નતાને લીધે હતું કે દિવ્યભાવને લીધે હતું એ વિશે મથુરબાબુને પૂરી ખાતરી ન થઈ. એટલે રાણી રાસમણિની સહમતિથી તેમણે સુપ્રસિદ્ધ આરોગ્ય ચિકિત્સક ગંગાપ્રસાદ સેનને શ્રીઠાકુરની પૂરતી સ્વાસ્થ્ય ચકાસણી અને આવશ્યક દવા માટે નિમ્યા. શ્રીઠાકુરની પરિસ્થિતિને સર્વસામાન્ય બનાવવાની ઇચ્છાથી મથુરબાબુએ એમને માટે વિશેષ ભોજન અને ઠંડાઈની વ્યવસ્થા પણ કરી આપી હતી. મથુર અને રાણી રાસમણિ આટલેથી ન અટક્યાં. શ્રીરામકૃષ્ણે પાછળથી પોતાના ભક્તોને આ વિશે આમ કહ્યું હતું : ‘‘મારી કસોટી કરવા અને મારા ગાંડપણને દૂર કરવા એક દિવસ તેઓ એક વારાંગનાને મારા ખંડમાં લાવ્યાં. વળી ઉમેરતાં કહ્યું : ‘દેખાવમાં તે ઘણી સુંદર હતી, તેની આંખો મજાની હતી. હું બોલી ઊઠ્યો : ‘હે મા! હે મા! અને હું ઓરડાની બહાર નીકળી ગયો. હું હલધારી પાસે દોડી ગયો અને તેને કહ્યું : ‘ભાઈ, આવીને જોતો ખરો કે મારા ઓરડામાં કોણ ઘૂસી ગયું છે!’ મેં હલધારી અને બીજા દરેકને એ સ્ત્રી વિશે વાત કરી.’’(સ્વામી નિખિલાનંદ કૃત ‘ધ ગોસ્પેલ ઑફ રામકૃષ્ણ’ પૃ.૮૯૪-૯૫)

મથુરબાબુની શંકાઓ તો હજી એમને એમ રહી. એમની વધુ કસોટી કરવાના વિચારથી એક દિવસ શ્રીઠાકુરને કહ્યું : ‘અરે! ભગવાન પણ પોતાના નિયમોનું પાલન કરે છે. જો પ્રભુ કોઈ નિયમ પ્રસ્થાપિત કરે તો તે પોતે પણ એનો ભંગ કે એની અવગણના કરી શકતા નથી.’ શ્રીરામકૃષ્ણે આના પ્રત્યુત્તરમાં કહ્યું : ‘તમે શું કહેવા માગો છો? જે નિયમો બનાવે તે પોતે ઇચ્છે તો એને નાબૂદ પણ કરી શકે અથવા તેને બદલે કોઈ બીજો નિયમ પણ લાવી શકે.’ મથુરબાબુએ શ્રીઠાકુરના આ અભિપ્રાયને ન સ્વીકારતા કહ્યું. ઈશ્વરે જ એવો નિયમ બનાવ્યો છે કે લાલ ફૂલછોડમાં લાલ ફૂલ આવે, અને તે ક્યારેય સફેદ ફૂલ ન આપે.’ શ્રીરામકૃષ્ણે આત્મશ્રદ્ધાથી ઉત્તર આપતાં કહ્યું : ‘હા, તે બધું કરી શકે છે, અને લાલ ફૂલછોડમાં સફેદ ફૂલ પણ કરી શકે છે.’

બીજે દિવસે ઝાઉતલા જતા રસ્તામાં શ્રીરામકૃષ્ણે બે ફૂલ જોયાં. એક લાલ અને બીજું ઝાંખા સફેદ રંગનું; તે પણ એક જ લાલ જાસૂદની ડાળીએ જ! તેમણે તો તરત જ એ ડાળીને તોડી લીધી અને મથુરબાબુ પાસે લઈ ગયા. સ્વાભાવિક રીતે મથુરબાબુ આશ્ચર્યમાં પડી ગયા અને તેમણે શ્રીરામકૃષ્ણને કહ્યું : ‘હા, બાબા, હવે હું હારી ગયો છું.’ (સ્વામી શારદાનંદ કૃત ‘રામકૃષ્ણ ધ ગ્રેટ માસ્ટર’ ભાગ. ૧, પૃ.૪૯૩)

૧૮૬૧માં રાણી રાસમણિ અવસાન પામ્યાં. પછી તરત જ તાંત્રિક સાધિકા ભૈરવી બ્રાહ્મણી દક્ષિણેશ્વરમાં આવ્યાં. તેમણે તરત જ શ્રીરામકૃષ્ણની આધ્યાત્મિક અવસ્થાને ઓળખી લીધી અને એમને અવતાર જાહેર કર્યા. મથુરબાબુએ આનો વિરોધ કર્યો અને શાસ્ત્રોનું સમર્થન કરીને કહ્યું દસથી વધારે અવતાર ન હોઈ શકે. પરંતુ ભૈરવી બ્રાહ્મણીએ પ્રત્યુત્તરમાં કહ્યું કે શ્રીમદ્‌ ભાગવતમાં ચોવીસ અવતારોનું વર્ણન આવે છે અને એણે તો બીજા અસંખ્ય અવતારોની શક્યતાની વાત પણ કરી છે. ભૈરવી બ્રાહ્મણી શાસ્ત્ર નિષ્ણાંત હતાં. એટલે મથુરબાબુએ એમની સાથે વધુ દલીલ ન કરી. ભૈરવી બ્રાહ્મણીએ મથુરબાબુને શાસ્ત્રજ્ઞ પંડિતોની એક સભા બોલાવવા કહ્યું. શ્રીરામકૃષ્ણ એક અવતાર છે એવા પોતાના દૃષ્ટિબિંદુને એમની સમક્ષ તેઓ ચર્ચા કરવા ઇચ્છતા હતા. શ્રદ્ધા અને શંકાના ત્રાજવામાં જૂલતા મથુરબાબુ તો મૂંઝાઈ ગયા. છતાં પણ તેમને આ પ્રશ્નનો ઉકેલ લાવવા અને પોતાની જિજ્ઞાસાને સંતોષવા નિષ્ણાંત પંડિતોને આમંત્રણ આપવા સહમત થયા.

આ ચર્ચા સભામાં ભાગ લેવા માટે વૈષ્ણવચરણ અને ગૌરી પંડિત ને પણ બોલાવવા એવું નક્કી થયું. વૈષ્ણવચરણ સુખ્યાત આધ્યાત્મિક નેતા અને વૈષ્ણવ સંપ્રદાયના મહાન પંડિત હતા. ગૌરી પંડિત તંત્રના નિષ્ણાંત અને ગૂઢશક્તિઓના માનવ તરીકે જાણીતા હતા. ગૌરી પંડિત દક્ષિણેશ્વર તત્કાળ ન આવી શક્યા એટલે ભૈરવી બ્રાહ્મણીએ સર્વપ્રથમ પોતાની વાત વૈષ્ણવચરણ અને બીજા પંડિતો સમક્ષ મૂકી. તેમણે શ્રીઠાકુરની આધ્યાત્મિક અનુભૂતિઓને વિગતે વર્ણવી અને શાસ્ત્રોનું સમર્થન કરીને, તેમજ દિવ્યચૈતન્ય પ્રાપ્ત કરનારા બીજા મહામાનવોની અનુભૂતિઓ સાથે સરખાવીને એમને પ્રમાણભૂત કરી. વૈષ્ણવચરણે ભૈરવી બ્રાહ્મણીનાં ઉપર્યુક્ત તારણોને સ્વીકાર્યા અને તેને પોતાનાં જ્ઞાનસમજણથી પુરસ્કૃત કરીને ઉદ્‌ઘોષણા કરી કે શ્રીરામકૃષ્ણે મહાભાવની પૂર્ણપણે અનુભૂતિ કરી છે, તેનું પ્રગટીકરણ કર્યું છે. આ ઉદ્‌ઘોષણાથી ભૈરવી બ્રાહ્મણી આનંદોન્મિત થઈ ગયાં અને લોકોમાં એક વિક્ષોભ જાગ્યો. મથુરબાબુ તો અવાક્‌ બની ગયા. શ્રીરામકૃષ્ણે આ બાબતને બહુ ઠંડે મને સાંભળી. નાના બાળકની જેમ તેમણે મથુરને કહ્યું : ‘એટલે એ ખરેખર એમ વિચારે છે! સારું, હવે મને કાંઈ રોગબોગ નથી એ જાણીને હું ખુશ છું.’ (ક્રિસ્ટોફર ઈશરવુડ કૃત ‘રામકૃષ્ણ એન્ડ હીઝ ડિસાય્‌પલ્સ ભાગ. ૧, પૃ. ૯૬)

થોડા દિવસો પછી કોઈપણ જાતની પૂર્વસૂચના વિના પંડિત ગૌરી પણ દક્ષિણેશ્વર આવ્યા અને કાલીમંદિરમાં પ્રવેશીને મોટેથી સ્તોત્રપાઠ કરવા લાગ્યા. આ એમની એક અસાધારણ શક્તિ હતી કે જેને લીધે તેઓ તર્કચર્ચામાં અજેય રહેતા. પરંતુ ગૌરી પંડિતની આ શક્તિથી અજાણ હોવા છતાં શ્રીરામકૃષ્ણ તો એમના કરતાં પણ મોટા અવાજે સ્તોત્રપાઠ કરવા લાગ્યા. એકબીજા વચ્ચેના આવા વધુને વધુ ઉચ્ચ અવાજે થતા સ્તોત્રપાઠમાં શ્રીરામકૃષ્ણનો વિજય થયો અને ગૌરી પંડિતની એ અગમ્યશક્તિને શોષી લીધી. પછી તરત જ ગૌરી પંડિતને શ્રીરામકૃષ્ણની મહાનતાનો સ્પષ્ટ ખ્યાલ આવી ગયો. પછીથી જ્યારે તેમણે સાંભળ્યું કે, વૈષ્ણવચરણે શ્રીઠાકુરને ઈશ્વરના અવતાર રૂપે ઘોષિત કર્યા છે ત્યારે તેમણે કહ્યું : ‘હું એને થોડું અપૂર્ણ વિધાન ગણું છું! હું દૃઢપણે માનું છું કે તમે એ છો કે જે પોતાની શક્તિના એક અંશથી અવતારોને મોકલો છો અને એમનું જીવનકાર્ય પૂરું કરાવો છો.’ (ક્રિસ્ટોફર ઈશરવુડ કૃત ‘રામકૃષ્ણ એન્ડ હીઝ ડિસાય્‌પલ્સ ભાગ. ૧, પૃ. ૯૮)

લગભગ આ સમયગાળા દરમિયાન શ્રીરામકૃષ્ણે ખરેખર વાસનાને જીતી લીધી છે કે કેમ એ જોવા મથુરબાબુએ એક વધુ કસોટી કરી. કોલકાતાની એક સુખ્યાત ગણિકા લક્ષ્મીબાઈને શ્રીરામકૃષ્ણને આકર્ષવા માટે મૂકી. એક દિવસ મથુરબાબુએ શ્રીરામકૃષ્ણ અને હૃદયને પોતાની ગાડીમાં એક આનંદયાત્રા માટે સાથે લીધા. એમ કરવાને બદલે મથુરબાબુ તો એમને કોલકાત્તાના મેચુઆબાઝારના લક્ષ્મીબાઈના નિવાસસ્થાને લઈ ગયા. યોજના પ્રમાણે મથુરબાબુ અને હૃદય બેઠકખંડમાં પ્રવેશ્યા અને આ ષડ્‌યંત્રથી સાવ અજ્ઞાત શ્રીરામકૃષ્ણને એકલા લક્ષ્મીબાઈના ઓરડામાં મોકલ્યા. લક્ષ્મીબાઈ એમને આવકારવા રાહ જોતી હતી. જેવી શ્રીઠાકુરની નજર લક્ષ્મીબાઈ પર પડી કે તરત જ તેમણે એમને ‘કૃપામયી મા’, ‘આનંદમયી મા’ એવું સંબોધન કર્યું અને એમને પ્રણામ કર્યા; તરત જ તેઓ સમાધિભાવમાં લીન થઈ ગયા. લક્ષ્મીબાઈએ આવા માણસને ક્યારેય જોયો ન હતો. બીજી સ્ત્રીને બોલાવીને તેણે કહ્યું : ‘જુઓ, આ માનવ વાસનાથી સંપૂર્ણ મુક્ત છે.’

એમાંની એક સ્ત્રીએ કહ્યું : ‘જાણે કે તે પ્રભુના માણસ હોય એવું મને લાગે છે.’ વળી બીજી સ્ત્રીએ કહ્યું : ‘ભલે આપણો ધંધો પાપપૂર્ણ હોય પણ આપણાં તે કેવાં સદ્‌ભાગ્ય કે આપણે આવા મહાત્માનાં દર્શન કર્યાં! વળી બીજી એક સ્ત્રીએ ઉમેર્યું : ‘અરે બહેન! આવા પવિત્ર માનવને લાલસામાં નાખવાનો પ્રયત્ન કરીને આપણે ખરેખર નરકને નિમંત્રણ આપ્યું છે! આ અક્ષમ્ય પાપ છે.’

લક્ષ્મીબાઈ અને બીજી સ્ત્રીઓએ શ્રીરામકૃષ્ણને પ્રણામ કર્યા અને એમના ચરણની રજ લીધી. બરાબર એ જ સમયે મથુરબાબુ અને હૃદયનાથ ઓરડામાં આવી પહોંચ્યા. આવા પ્રભુના માણસને લાલસામાં નાખવાના કાર્યમાં, અરે એમના જીવનને જીવતું નરક બનાવી દેતા કાર્યમાં કામ કરવા રોકવા માટે સ્ત્રીઓએ મથુરબાબુને ખૂબ ઠપકાર્યા. શ્રીરામકૃષ્ણ ધીમે ધીમે બાહ્ય ભાનમાં આવ્યા અને મથુરબાબુ એમને દક્ષિણેશ્વર લઈ ગયા. (ઉદ્‌બોધન વૉ. ૯, પૃ. ૧૭-૧૮)

પોતાના જીવનકાળ દરમિયાન રાણી રાસમણિએ મથુરબાબુને દક્ષિણેશ્વર મંદિરના રખેવાળ બનાવ્યા હતા. એમના મૃત્યુ પછી આ વિશાળ સંપત્તિના તેઓ પૂર્ણ સત્તાવાહક બન્યા. સ્વાભાવિક રીતે જ આને લીધે એના શિરે ઘણી મોટી જવાબદારી આવી અને તેઓ એ જવાબદારીઓનું ગંભીરતાથી વહન કરતા. એક દિવસ એક ચોર શ્રીરાધાકાંતના મંદિરમાંથી શ્રીકૃષ્ણની મૂર્તિ પરથી અલંકારો ચોરી ગયા. જ્યારે મથુરબાબુને એની ખબર પડી ત્યારે તેઓ મંદિરમાં ગયા અને શ્રીરાધાકાંતને પ્રાર્થના કરી: ‘કેવું શરમજનક! હે પ્રભુ તમે તમારા અલંકારોની રક્ષા ન કરી શક્યા!’ એ વખતે શ્રીરામકૃષ્ણ પણ ત્યાં હતા તેમણે આ શબ્દો કહીને મથુરબાબુને ઠપકો આપ્યો : ‘કેવો ક્ષુદ્ર વિચાર! જેમને લક્ષ્મી જેવી પત્ની સેવિકા હોય એને વળી કઈ ભવ્યતાની ખોટ રહે? પેલાં ઘરેણાંના હીરાઝવેરાત તમારી દૃષ્ટિએ ઘણાં કિંમતી હશે, પણ ઈશ્વરને માટે તો એ રજકણથી યે વધારે કિંમતી નથી. શરમ હજો! આવું હલકું વચન તમારે બોલવું ન જોઈએ. પ્રભુની ભવ્યતામાં વૃદ્ધિ કરનારી કઈ સંપત્તિ તમે આપી શકો છો?’ (શ્રીરામકૃષ્ણ કથામૃત પૃ. ૧૫૨)

જો કે મથુરબાબુ સામાન્ય રીતે થોડા વધુ કરકસરીયા હતા. પરંતુ તેઓ જ્યારે પૈસા ખર્ચવા શ્રીરામકૃષ્ણ પાસેથી આજ્ઞા કે આદેશ મેળવતા ત્યારે તેઓ અસીમ ખર્ચ કરી નાખતા. દક્ષિણેશ્વરમાં આવતા સાધુ-સંતોને અન્ન-વસ્ત્ર આપવામાં તેઓ જરાય ખચકાટ ન અનુભવતા. ક્યારેક ક્યારેક તો ધાબળા અને જલપાત્ર જેવી વસ્તુઓ શ્રીઠાકુરની આજ્ઞાથી સાધુ-સંતોને ઉદાર હાથે ભેટ આપતા.

Total Views: 54

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.