(ગતાંકથી આગળ)

તો શું આક્રન્ત અનાર્યો આર્યોને આવું સન્માન આપે ખરા? આપણે અંગ્રેજોને ક્યારેક હૃદયપૂર્વક પ્રેમ કર્યો હતો ખરો? એટલે આપણી ભારતીય સામાજિક પદ્ધતિમાં તો પરસ્પર પ્રભાવની બાબતમાં વંશીય શોષણની વાત સ્વીકારતાં પહેલાં ખૂબ કાળજીપૂર્વકનો વિચાર કરવો જોઈએ. વાસ્તવમાં થયું છે એવું કે પાછળથી આર્થિક પદ્ધતિના રૂપાંતર દરમિયાન સમાજ વધુને વધુ સંકુલ બનતો ચાલ્યો અને એનીં સમાંતરે જ વિશેષાધિકાર-ઉચ્ચનીચ-સત્તાની આડઅસર ઊગી નીકળી અને બ્રાહ્મણવર્ણે-બૌદ્ધિકવર્ગે – એને ટેકો આપ્યો. પરિણામે જાતિવ્યવસ્થા સંકુચિત થઈને વર્ચસ્‌ની સાઠમારીની અવનતિમાં સરકી પડી! મહાભારતમાં દ્રોણાચાર્યે પણ કુશળ બાણાવળી કર્ણને પણ માત્ર ‘અધિકૃત જાતિ’માં જન્મ્યો ન હોવાને કારણે જ ભણાવવાની ના પાડી દીધી હતી, તે આપણે જાણીએ છીએ. એ ખરેખર જાતિવાદના પશ્ચાદ્‌વર્તી સંકુચિત અને ખોટા ખ્યાલનો ખેદજનક પુરાવો છે. છતાં એની એક બીજી બાજુ પણ છે. કથા છે કે યુધિષ્ઠિર જ્યારે દ્રૌપદી સાથે એકાંતવાસમાં હતા, ત્યારે શરતભંગ કરીને અર્જુન એમના ઓરડામાં પ્રવેશ્યો હતો. અને તેથી બાંધેલા નિયમાનુસાર એને લાંબા સમય સુધી પાંડવોથી વિખૂટા રહેવાની સજા ભોગવવી પડી. આ દીર્ઘકાળ દરમિયાન કૃષ્ણની સલાહથી એણે સમગ્ર ભારતની યાત્રા કરી. કૃષ્ણે અર્જુનને એક બાજુ બોલાવીને એને વિશાળ ભારતની સાંસ્કૃતિક વિભાવના સમજાવી હતી. એટલે આ ભારતયાત્રામાં અર્જુને વિવિધ અજાણી જાતિઓ સાથે સંપર્ક સાધ્યો, સાંસ્કૃતિક આદાનપ્રદાન થયું, મૈત્રી-સહકારનાં દ્વારો ખુલ્યાં અને સંસ્કૃતિસરિતાનો પટ વધુ પહોળો બન્યો. વિશાળ ભારતની વૈવિધ્યમાં એકતાવાળી આપણી જ પ્રાચીનતમ સંસ્કૃતિવૃક્ષનાં એ ફરી વાવેલાં બીજ હતાં. આપણને આજે વધારેમાં વધારે અનિવાર્ય આવશ્યકતા આ ભાવાત્મક ઐક્યની પુન: સ્થાપનાની છે. પરંતુ અફસોસની વાત છે કે એ વાત સહેલી જણાતી નથી! ઉત્તરપૂર્વનાં સાત બહેનો જેવાં ગણાતાં સાત ટચુકલાં રાજ્યો પણ અંદરોઅંદર ઝઘડી રહ્યાં છે! ઉત્તર-દક્ષિણ ભારતનાં રાજ્યો એકબીજાંથી એટલાં તો દૂર ચાલ્યાં ગયાં છે કે વિચારોના આદાનપ્રદાન માટે ભાષાનાયે વાંધા પડ્યા છે! એટલે હું એ કહેવા માગું છું કે મહાભારતકાલીન વિશાળ ભારતવર્ષની સાંસ્કૃતિક સંકલ્પના આજે લુપ્ત થઈ ગઈ છે. એને પુન: જગાડવા આપણે શું કરીએ છીએ? મને લાગે છે કે એ માટે આપણે સૌ પહેલાં તો ધાર્મિક, શૈક્ષણિક અને આર્થિક ક્ષેત્રોમાં આજે પ્રવર્તી રહેલી વૈચારિક કાવતરાખોરી સામે મોરચા માંડી લડી લેવું જોઈએ. અને આમ કરવામાં આપણને આપણા પ્રાચીનોની સૂઝ ઘણી જ મદદગાર નીવડશે.

આજે ધર્મનો દુરુપયોગ, લોકો પાસેથી રાજકીય મતો મેળવવા થઈ રહ્યો છે! આજે મત મેળવવા રાજકારણીઓ એક જાતિના લોકોને બીજી જાતિના લોકો પ્રત્યે દ્વેષની લાગણીઓ ભડકાવે છે! પણ ભારતમાં તો ધર્મવૈવિધ્યના મૂળમાં આવો ખ્યાલ છે જ નહિ. સ્વામીજી તો આ વૈવિધ્યપૂર્ણ ધર્મને જ આદર્શ વિશ્વધર્મ કહેતા અને ટાગોર એને માનવધર્મ કહેતા. ભારતમાં ઉચ્ચતમ ધર્મની અવધારણા તો આ જ રહી છે.

સ્વામીજી કહે છે : ‘એક જ વસ્તુ, સેંકડો વિવિધ દૃષ્ટિકોણથી નિહાળી શકાય છે. અને છતાંય એ વસ્તુ તો પોતે જે છે તે જ રહે છે.’ આ વાતને સમજાવવા સ્વામીજી દૂરથી અને નજીકથી જુદા જુદા ખૂણેથી લીધેલા સૂર્યના ફોટાઓના વૈવિધ્યનો દાખલો આપે છે. આપણી શ્રુતિ પણ એમ જ કહે છે : ‘એકં સત્‌ વિપ્રા: બહુધા વદન્તિ’.

હવે આ બાબતમાં સ્વામીજી એ સલાહ આપે છે કે ધર્મના વૈવિધ્યનો સ્વીકાર કરવો જોઈએ. દરેક ધર્મનું લક્ષ્ય ચેતનાની સર્વોચ્ચ ભૂમિકાએ પહોંચવાનું જ હોય છે. ધર્મસાધનાની સફળતાના પ્રમાણમાં દરેક વ્યક્તિ ઈશ્વરની નજીક જ જઈ રહી છે. સ્વામીજી અહીં એક અગત્યની વાત એ કરે છે કે બધા ધર્મોનો કૃત્રિમ શંભુમેળો કરવાનો પ્રયત્ન નકામો છે. મહાન અકબરે ઉમદા ઈરાદાથી સ્થાપેલા ‘દીને ઈલાહી’નો જ દાખલો લો, ધર્મ સંપ્રદાયોને લીધે વિભાજિત થયેલા ભારતીય સમાજ માટે એ સહેલો ઉપાય હતો; છતાં એનાં મૂળ ઊંડાં ન ગયાં. અકબર તો હાડસાચો જ હતો. પણ એ ધર્મ કૃત્રિમ, યાંત્રિક અને અસ્વાભાવિક હોવાથી ન ટકી શક્યો. દરેકેદરેકે પોતાની આધ્યાત્મિક તાસીર પ્રમાણેની કોઈ ધર્મ સાધનાનું વ્યક્તિગત રીતે એક એવું મનોમંદિર રચવું જોઈએ કે જેનાં ચારેય દિશામાં બારણાં તો સર્વ ધર્મોના પ્રવેશ માટે ખૂલાં હોય, પણ એનાં ઉપર કોઈનું આક્રમણ કે હુમલો ન થાય એની સાવચેતી પણ રાખવી જોઈએ. આજે આ બાબતમાં ઊલટી ગંગા વહેતી માલૂમ પડે છે. આજે તો ધર્મને જ અફીણ માનીને ધરાશાયી કરવાના વિભંજક સુધારાની વાતો થાય છે! અહીં સ્વામીજી કહે છે : ‘કશું ઉખેડી ન નાખો, પણ એના ઊગવામાં શક્ય સહાય કરો. સહાય શક્ય ન હોય તો હાથ ઊંચા કરી તટસ્થ ભાવે ચાલે છે તે જોયા કરો.’ સ્વધર્મમાં નિષ્ઠા રાખી અન્ય ધર્મો પ્રત્યે મૈત્રી કે તટસ્થ ભાવે રહેવું જોઈએ. ભારતનો જગતને આ જ અમર સંદેશ છે. આ જ ભારતની સાચી સાંસ્કૃતિક પરંપરા છે, આ જ એનો વારસો છે. આપણા આજના રાજકારણીઓને આનાથી વધુ તે વળી કઈ બિનસાંપ્રદાયિકતા ખપે છે! અને એ આપણને વધુ કઈ બિનસાંપ્રદાયિકતા શીખવાનો દાવો કરતા હશે?

છતાંય એને મુખ્ય મુદ્દો બનાવીને તેઓ લોકોની લાગણીઓ બહેકાવી મૂકે છે! તેઓ પોતે તો એવું માનતા કે આચરતા હોતા નથી. આ દુ:ખદ વાસ્તવિકતા છે. એટલે આપણે બિનસાંપ્રદાયિકતા એવા રાજકારણીઓ પાસેથી નહિ, પણ આપણા જાત અનુભવથી જ શીખવી જોઈએ. શું આપણા મુસ્લિમ પાડોશી સાથે આપણે પરસ્પર નિષ્કારણ ઝઘડો કરવો જ જોઈએ! નહિ જ. એકબીજાની લાગણી દુભાય નહિ એટલું જ ધ્યાન રાખવું જોઈએ. કોઈકવાર આપણા કુશળ રાજકારણીઓ કોઈ સામયિક તણાવનો પણ ગેરલાભ ઉઠાવે છે.

દશવાર્ષિક જનગણનાની માથાંગણતરીની યાંત્રિક પદ્ધતિ દ્વારા જ લોકોને બહુમતિ-લઘુમતિનું ભાન થાય છે. નહિતર તો આપણે સૌ સરખાં સુખ-દુ:ખો ભોગવતા સામાન્ય જનો જ નથી શું? એટલે આપણે આપણા રાજકારણી મિત્રોના હાથનાં રમકડાં જ બની રહીએ, એ ભારે ઘાતક વાત છે.

છેલ્લી દુ:ખદ વાત એ કે આપણે અસ્તવ્યસ્ત છીએ અને આપણને સુસજ્જ થવાનો કોઈ ઉપાય દેખાતો નથી. પણ આપણું પરંપરાગત શાણપણ આપણને શીખવે છે કે આવા ઉપપ્લવ વખતે શાસન-સરકાર-પર આધાર રાખવો નહિ. ભારતની પ્રાચીન રાજનીતિએ માનવજીવનમાં બે પાસાં જણાવ્યાં છે. એક રાજકીય અને બીજું સામાજિક. અને એ બંનેથી ઉચ્ચતર એક આધ્યાત્મિક પાસું છે. એ પાસાનું અનુકરણ કરવું કે નહિ, એ માણસની મરજીની વાત છે પણ પેલા સામાજિક-રાજકીય બંને પાસાં કોઈથી ઉવેખી ન શકાય. કારણ કે એ બંને વચ્ચે જ તમે નાગરિક તરીકે જન્મ્યા છો, એ સિવાય તમારી કોઈ હસ્તી નથી. પણ એની સાથે એ પણ સાચું છે કે આપણે એ બેમાંથી પણ સમાજના વધુ હિસ્સેદાર છીએ. રાજનીતિના હિસ્સેદાર તો પ્રસંગોપાત આંશિક રીતે જ છીએ. મુસીબતની પરિસ્થિતિમાં આપણે રાજ્ય પર પૂરેપૂરો આધાર રાખતા નથી. કારણ કે રાજ્ય ઉચ્ચતર શાણપણનું પ્રતિનિધિત્વ કરતું નથી. આપણી કટોકટીની ક્ષણોમાં આપણે આપણા નાગરિક સમાજ ઉપર જ વધુ આધાર રાખીએ છીએ. કારણ કે માનવને ટકાવી રાખનારાં ભૌતિક અને ભાવાત્મક સામાજિક મૂલ્યોને એ સાચવે છે. આ જીવન મૂલ્યોમાંનાં કેટલાંક તો અનુભવથી વારંવાર ચકાસાઈને સ્થાયી મૂલ્યો બની રહે છે. અલબત્ત, એમાંના કેટલાંક પરિવર્તન પણ પામે છે. દાખલા તરીકે પ્રાચીન ગુરુકુળની પ્રથા આજે ઘણી જ ઓછી કામ લાગી શકે છે. પણ જીવનના કેટલાક પાયાના નિયમો તો છે જ. અને એ આપણાં અને આપણી સંતતિ માટે પેઢી દર પેઢી અનુસરાવાં જોઈએ.

આજના ભયંકર યુગમાં જ્યાં ત્યાં દોરવાઈ જઈને યુવાની વેડફી ન નાખે, એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. આપણા જમાનાના વડીલોની આમન્યા, વિચ્છિન્ન યુવાનોમાં દેખાતી નથી. પેઢી-અંતર પહોળું થઈ ગયું છે એને માટે આપણે ધૈર્યપૂર્વક કામ લેવું પડશે. તેઓ તો પ્રાચીન પરંપરાની પ્રસંશાને અવગણશે છતાં વધારે ધીરજ દાખવીને રૂઢિગત નીતિવાદના વળગણ વગર એમને વિશ્વાસમાં લઈને, ખૂબ શાંતિથી એમને એમની સમસ્યાના ઉકેલમાં સહાય કરવી જોઈશે. પોતાના અને આજના સમાજની અલગ પરિસ્થિતિનો ખ્યાલ આપીને પછી કોઈ સમસ્યાનો ઉકેલ યુવાનની વિવેકબુદ્ધિને કરવા દેવો, પોતાનો વડીલશાહી નિર્ણય પહેલાં કદી જ ન આપવો. ગાંભીર્ય પૂરતું રાખીને યુવાન પોતે જ વિવેક પુર:સર નિર્ણય લે, એવું વાતાવરણ સર્જવું જરૂરી છે. એ માટે યુવાનો સાથે આત્મીયતા કેળવીને પોતાનું પ્રભુત્વ છોડી દેવું જોઈએ. પછી એના એ નિર્ણયમાં સુધારોવધારો કરવા માટે યુવાન જ તમને વિનવશે. આ રીતે જ એ આજની વિષમ પરિસ્થિતિમાંથી બચી શકશે. કારણ કે આજની સંસ્કૃતિ માનવકેન્દ્રિત રહી નથી, એવું દેખાય છે.

માનવકેન્દ્રિત સંસ્કૃતિ જ આદર્શ સંસ્કૃતિ છે. પણ આજે જાણે એ આદર્શ ખોવાઈ ગયો હોય એમ લાગે છે. માનવકલ્યાણને નહિ આચરતી આ દેખાતી સંસ્કૃતિએ આપણા માટે કયો ખજાનો સંઘર્યો છે? એની ખબર પડતી નથી. થોડા લોકોની વધુમાં વધુ સુખ-સગવડો અને છલકાતી ધનસમૃદ્ધિથી બહુસંખ્યક લોકોની વધુમાં વધુ થતી પીડાઓ, અને એવી એકત્રિત સંપત્તિથી જન્મતી ગાંડી હરિફાઈઓ, સંઘર્ષો, વિક્રમ તોડવાની ઘેલછાઓ, આપણને તદ્દન સ્વકેન્દ્રિત જ બનાવી મૂકતી બુદ્ધિ – આ બધું જ માનવજીવનને સતત તાણવાળું બનાવી દે છે આજની દેખાતી સંસ્કૃતિમાં ઉછરેલ બાળક કોઈ સાથે સાચુકલી સંવેદના દાખવી શકતો નથી. આવી પરિસ્થિતિમાં એને અતડા જ રહેવાની આધુનિક શીખ અપાય જ નહિ. એને તો વધુમાં વધુ લોકો સાથે હળવા મળવાનું શીખવવું જોઈએ કે ખૂલા, નિખાલસ અને મૈત્રીપૂર્ણ બનો. આપણા અને આવતી પેઢીઓના મંગલ માટે થોડાક શાણપણનો વિનિયોગ કરવાનો સમય હવે પાકી ગયો છે. ચાલો, આપણે સૌ આપણાથી જ આ બધા પરિષ્કાર કરવાનો પ્રારંભ કરીએ.

કો’કે તો કરવું પડશે ભાઈ!
કશુંય ના કરવાની કેવી તામસ આ હરિફાઈ!
કો’કે તો કરવું પડશે ભાઈ!

Total Views: 108

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.