ભારતની પ્રાચીન સંસ્કૃતિ નવી શોધો થયા પછી વિશ્વની સૌથી પ્રાચીન, સૌથી વિશાળ અને સૌથી ભવ્ય સાબિત થઈ છે. છતાં પણ ગ્રીક સંસ્કૃતિની આગવી ઓળખ દર્શાવતો ‘હેલીનીઝમ’ જેવો કોઈપણ શબ્દ એની નિજી ઓળખ માટે હજી સુધી પ્રચલિત નથી, એ એક દુર્ભાગ્યની વાત છે. એટલું જ નહિ, પણ સમગ્ર એશિયાની સંસ્કૃતિમાં રહેલાં ભારતીય સંસ્કૃતિનાં મૂળ વિશે અથવા તો એ સંસ્કૃતિનાં તરત જ નજરે ચડતાં પાસાંઓનું વ્યવસ્થિત એક સંકલન થયું હોય, એવું પણ જોવા મળતું નથી. પશ્ચિમમાં જેટલી સ્વસંસ્કૃતિની સભાનતા છે, તેટલી આપણા સુશિક્ષિત જનસમાજમાં પણ જણાતી નથી, એ ખેદની વાત છે.

પરંતુ, સદ્‌ભાગ્યે, વીસમી સદીની લગભગ પહેલી પચ્ચીસીથી માંડીને આજ સુધી ભારતે વિદેશી વિદ્વાનોને પોતાની તરફ આકર્ષ્યા કર્યા છે. વીલ ડ્યુરાં, એચ.સી. રેવીન્સન, ડી.એ.એલ બાશામ, જી.ટી. ગોરાટ્ટ, બ્રિગેટ અને રેમન્ડ એલ્ચીન વગેરે જેવા અનેક પશ્ચિમી વિદ્વાનોએ ભારત વિશે સતત લખ્યા કર્યું છે. એમાં ભારતનો વારસો, એની ભાવના, એની અનન્યતા વગેરે ઘણું ઘણું એકત્રિત લખાણ રૂપે રજૂ થયું.

પશ્ચિમી વિદ્વાનોએ વીસમી સદીના લગભગ ત્રીજા દાયકાથી આરંભેલ ભારતીય સંસ્કૃતિ વિષયક આ લખાણોના મૂળમાં તો પશ્ચિમમાં ઠેઠ અઢારમી સદીથી શરૂ થયેલ ભારતનો તત્ત્વજ્ઞાન વિષયક અભ્યાસ પડેલો છે. એ અભ્યાસના ફળરૂપે વિલિયમ જોન્સ અને ચાર્લ્સ બિલ્કિન્સ જેવા વિદ્વાનોએ તે વિશે લખ્યું એના પછી એ જોઈને પશ્ચિમના સંસ્કૃતિવિદો આકર્ષાયા અને તેમણે પોતાનું પ્રદાન કર્યું.

ઓગણીસમી સદીમાં વિદેશી વિદ્વાનોએ કરેલાં બે ઐતિહાસિક વિધાનોએ ભારતીય સંસ્કૃતિ વિશે સમગ્ર વિશ્વના સંસ્કૃતિ – અભ્યાસીઓમાં રસ ઊભો કરી દીધો, એમાંનું એક વિધાન વિલિયમ જેમ્સનું છે. એ ખરેખર ખૂબ જ મહત્ત્વનું વિધાન છે. તે કહે છે : ‘સંસ્કૃત ભાષાની રચના શૈલી અદ્‌ભુત છે, એ ગ્રીક ભાષા કરતાં વધુ સંપૂર્ણ છે, અને લેટીન ભાષા કરતાં વધુ શુદ્ધ છે અને ગ્રીકભાષા કરતાં એ સ્પષ્ટ રીતે નોખી તરી આવે (એટલી પરિષ્કૃત છે).’

બીજું વિધાન આર્થર શોપનહોરનું છે. ઉપનિષદો વિશે બોલતાં તેણે કહ્યું : ‘સંસ્કૃત ભાષા એટલી તો વિશિષ્ટ રીતે સુંદર છે કે તે સુંદર, ભવ્ય અને ગહન વિચારોની વાહક બનવી જ જોઈએ.’

ભારતની સંસ્કૃતિ વિશે વિશ્વના વિદ્વાનોના પ્રતિભાવોનો વિચાર કરતાં આપણને ઉપરનાં બે વિધાનોની યાદ સ્વાભાવિક રીતે જ આવી જાય છે. એમાંનું પહેલું વિધાન સંસ્કૃત ભાષાની ગુણવત્તા સૂચવે છે અને બીજું એ ભાષામાં અભિવ્યક્ત થયેલી વૈચારિક ગુણવત્તા દર્શાવે છે.

પરંતુ આ વૈચારિક ગુણવત્તાનું અત્યારે આપણે ત્યાં બહુ ખાસ મૂલ્ય અંકાતું જોવામાં આવતું નથી. સમગ્ર માનવજાતના મૂલ્યવાન વિચારનિધિ સમા આપણા પૂર્વજોના આ અનન્ય શાણપણને એના સમુચિત આસને બેસાડવામાં આપણે નિષ્ફળ નીવડ્યા છીએ. આપણા પૂર્વજોની આ પ્રજ્ઞાનું સાચું મૂલ્યાંકન તો આપણા આજના જીવનમાં એમણે આપેલા યોગદાનનો ગંભીરતાથી વિચાર કરીને જ થઈ શકે.

ડો. સુનીતિકુમાર ચેટરજીએ આશરે પાંચેક હજાર વર્ષ પુરાણી આપણી સંસ્કૃતિઓ- એની સમગ્રતાનો સળંગ વિચાર કરીને એની આગવી – નિજી – ઓળખ આપવા માટે પૂર્વોક્ત ‘હેલીનીઝમ્‌’ જેવા બે શબ્દો ઘડી આપ્યા છે. એક છે ‘Indianism’ અને બીજો છે. ‘Indian Symitheois’ ભારતીય ભાષામાં એ બંને શબ્દોનું રૂપાંતર અનુક્રમે ‘ભારતત્વ’ અને ‘ભારતીય સંવાદિતા’ એવું કરી શકીએ. પણ આ બે શબ્દો ભારતમાં કે વિદેશમાં ક્યાંય પણ પ્રસાર પામી શક્યા નહિ. કારણ એ લાગે છે કે પ્રવર્તમાન ભારતીય જનજીવનમાં એવી કોઈ વિભાવના ક્યાંય નજરે પડતી નથી.

ભારતની પ્રાચીન સંસ્કૃતિ એટલે છેક વૈદિક સંસ્કૃતિની પહેલાંના સમયથી માંડીને જ્યાં સુધી તે સંસ્કૃતિ પૂર્ણ થઈ ત્યાં સુધીનો કાલખંડ. આપણે જેને આજે ‘ભારત’ તરીકે ઓળખીએ છીએ, તે નામ વૈદિકપૂર્વકાળમાં કે વૈદિકયુગમાં જાણીતું ન હતું. પુરાણોમાં આપણા ભૂમિભાગને ‘ભારતવર્ષ’ એવું નામ આપવામાં આવ્યું. બૌદ્ધકાળમાં એ ‘જમ્બુદ્વિપ’ કહેવાયો. પશ્ચિમે યોજેલો ‘ઈન્ડિયા’ શબ્દ, નિ:સંદેહ સંસ્કૃતના સાગર વાચક ‘સિંધુ’ શબ્દ પરથી ઊતરી આવ્યો છે; પછીથી એ પશ્ચિમી નદીવાચક થયો. હજુએ સિંધુનો તટપ્રદેશ ‘સિંધ’ કહેવાય છે, પછી પર્શીયનોની ઉચ્ચારણ ખામીથી ‘સિંધુ’નું રૂપ ‘હિન્દુ’ થઈ ગયું. અને એ જ શબ્દ વ્યાપકપણે પ્રચાર પામ્યો. કેવળ સિંધુ તટ પૂરતો જ નહિ, પણ ઠેઠ ગંગા – યમુનાનાં મેદાનો અને દક્ષિણની ભૂશિર સુધી ફેલાયો. આ આખું ભારત થયું અને એની સંસ્કૃતિ એટલે એમાં વસનારાઓની કલાઓ, બૌદ્ધિક સિદ્ધિઓ એના તન-મન-હૃદયનો વિકાસ અને ખાસિયતો વગેરે. કેટલાક લોકો સંસ્કૃતિ અને સભ્યતા વચ્ચે સૂક્ષ્મ ભેદ જુએ છે. સુનીતિકુમાર ચેટરજીએ કહ્યું છે કે, ‘સભ્યતાના વૃક્ષનું સંસ્કૃતિ એ પુષ્પ છે.’

‘વૈદિક’ શબ્દનો સામાન્ય અર્થ તો ‘ચાર વેદો સંબંધી’ એવો થાય પણ એના વ્યાપક અર્થમાં તો – બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો અને ઉપનિષદો પણ આવી જાય એટલે એ બધું મળીને જ ભારતની પ્રાચીન સંસ્કૃતિ બને છે.

ભારતની પ્રાચીન સંસ્કૃતિના સગડ સિંધુખીણની સંસ્કૃતિમાં કોઈ ને કોઈ રૂપે દેખા દે છે. સર જ્હોન માર્શલ કહે છે : ‘શિવપૂજા, દેવીપૂજા અને સર્વમાં ચૈતન્ય હોવાના હિન્દુ ધર્મનાં પાસાંઓથી સિંધુ ખીણના લોકોના ધર્મને છૂટો પાડી શકાય તેમ નથી.’

પશ્ચિમી ઇતિહાસકારોએ એવી સ્વાર્થમય કશા ઐતિહાસિક પુરાવા વગરની કલ્પના કરી છે કે વૈદિક આર્યો (ઈન્ડો આર્યન)એ ભારત પર આક્રમણ કરીને ઈ.પૂ. ૧૫૦૦માં વિજય મેળવ્યો. પછી ત્યાંના મૂળ નિવાસીઓને કાં તો પોતાના આશ્રિત બનાવ્યા કે પછી એમની સાથે મેળ કર્યો. આ ‘આર્ય’ શબ્દ મૂળ અંગ્રેજી ‘Aryan’ (- સગાંસંબંધી) ઉપરથી ઊતરી આવ્યો છે. એમ કેટલાકનું માનવું છે. પછીથી એ શબ્દ અસંસ્કારી લોકોથી પોતાને અલગ પાડવા ‘સંસ્કારી જાતિ’ના અર્થમાં વપરાવા લાગ્યો. પણ આની સાથે વૈદિક મંત્રોને કશો સંબંધ જણાતો નથી. કારણ કે ઋગ્વેદમાં જેટલી વખત આ શબ્દ આવે છે તેટલી વખત ‘ઉમદા’ અર્થમાં જ આ શબ્દ વપરાયો છે એમાં ક્યાંય જાતિવાચકતા દેખાતી નથી. પછીના કાળે ઋગ્વેદ (મંત્ર) સંહિતાના રૂપે રચાયો. પશ્ચિમના વિદ્વાનોએ એનો સમય ઈ.પૂ. ૧૨૦૦નો ઠેરવ્યો છે. આ સમય ભારે વિવાદગ્રસ્ત છે. આ દસ મંડળની ઋગ્વેદસંહિતા વિશ્વનો જૂનામાં જૂનો ગ્રંથ છે; એમાં મંત્રદૃષ્ટા પ્રમુખ ઋષિઓના મંત્રો છે. આ વેદ અપૌરુષેય ગણાય છે એટલે કે આ મંત્રોના ઋષિઓ તો માત્ર મંત્રોના દૃષ્ટા હતા, એના નિર્માતા નહિ. ઋષિઓએ તો એ દિવ્યમંત્રોને સાંભળીને કંઠે સાચવી રાખ્યા હતા. ઋગ્વેદાદિ વેદો અને ઉપનિષદો માનવીય સર્જનો નથી. એટલા જ માટે વૈદિક સાહિત્યને ‘શ્રુતિ’ (સાંભળેલું) એવું નામ આપવામાં આવ્યું છે. એને આપણે ‘રહસ્યસ્ફોટ’ એવું અન્ય નામ આપી શકીએ. અર્થાત્‌ ‘પરમાત્માએ આવિર્ભાવ કરેલા’ એમ કહી શકીએ. આજનું બુદ્ધિવાદી માનસ વેદોની આ દિવ્ય રચનાને કદાચ નહિ સ્વીકારે છતાં બુદ્ધિને પણ એક સીમા છે. એની પેલી પારનાં રહસ્યો બુદ્ધિથી ન મપાય એટલે એ મંત્રો દિવ્ય પ્રેરણાના રૂપ છે એમ માનવું રહ્યું. પ્લેટો તો કવિતાને દિવ્યપ્રેરણા માને જ છે ને!

આ વિશે શ્રી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનું બુદ્ધિવાદી કથન યાદ આવે છે તેઓ કહે છે કે ‘વૈદિક મંત્રો માનવનિર્મિત છે; સમાજ વિકાસના વિવિધ સ્તરો દરમ્યાન એ રચાયા છે અને તત્ત્વજ્ઞાન સંબંધી કે સામાન્ય, આધ્યાત્મિક કે ભૌતિક – ગમે તે વિષય ઉપર પ્રબળ ધાર્મિક તેમજ મેધાવી માનવો દ્વારા રચવામાં આવ્યા છે.’

ઋગ્વેદનાં સૂક્તો કોને સંબોધીને લખાયાં છે? દેવો અને દેવીઓને ઉદ્દેશીને એ લખાયાં છે પરંતુ એ દેવો અને દેવીઓ લગભગ પ્રાકૃતિક બળોનું જ દૈવીકરણ છે, કુદરતનાં પરિબળોનું જ ચેતનીકરણ છે. પહેલાં મંડળનું પહેલું સૂક્ત ‘અગ્નિસૂક્ત’ છે. બીજું સૂક્ત વાયુનું આવાહન કરે છે. એ રીતે ઋગ્વેદ એ બહુદેવવાદી સૂક્તોનો સંગ્રહ છે. અનેક દેવો અને દેવીઓનાં ટૂંકા સ્તવનોનું એક સંચયન જ છે અને એ સ્તવનો પણ કેવળ ભૌતિક સમૃદ્ધિ, લાંબી આવરદા, બહોળું પશુધન મેળવવા માટે તેમજ શત્રુઓના નાશને માટે કરવામાં આવેલાં છે. ભલે આ બધાં સૂક્તો આપણી પ્રાચીન સંસ્કૃતિના એક દસ્તાવેજી પુરાવા તરીકે બહુ મૂલ્ય ધરાવતાં હોય, છતાં પણ તમે એને એક કવિતા તરીકે માણી શકો, એવું તો મારા માન્યામાં આવતું નથી. કોઈક ભારતીય જનને તો એક પવિત્ર પુસ્તક તરીકે વેદો તરફ માન-સન્માન હોય ખરું. પણ એની પવિત્રતા સાથે જેને કશી લેવાદેવા ન હોય એવા યુરોપિયન વાચકોને તો એમાં કવિતા જેવું પણ કશું દેખાતું નથી. ગ્રીફીથ કહે છે : ‘આ ગીતો અને સૂક્તોમાં કવિતાની અપેક્ષા ન રાખવા મારા યુરોપિયન મિત્રોને હું વિનવું છું.’ હોરેસ વિલ્સન કહે છે : ‘થોડાંક વેદસૂક્તોના લયને બાદ કરીએ, તો બાકીના સાવ ગદ્યાળવાં છે અને એનું મૂલ્ય કલ્પના કરતાં હકીકતોમાં અને ધાર્મિક કરતાં સામાજિક વધુ જણાય છે.’ તો વળી, ઈ.બી. કોવેલ કહે છે : ‘સંસ્કૃતિની પ્રારંભિક અવસ્થાનાં ગીતોમાં સ્વાભાવિક રીતે આપણે અપેક્ષા રાખીએ તેવી ઊંચાઈ, સહજ સંવેદના અને સરળતાની ઋગ્વેદનાં સૂક્તોમાં ખામી વરતાય છે.’

સામાન્ય રીતે આ બાબતોની સાથે હું સહમત થાઉં છું. પરંતુ, ઋગ્વેદમાં એવી કેટલીય વસ્તુઓ છે કે જે આદરપૂર્વક આપણું ધ્યાન ખેંચે છે. બચપણમાં મેં ઋગ્વેદનો એક મંત્ર સાંભળ્યો હતો. એટલી નાની ઉંમરમાંયે મારા કાનને એ મધુર લાગ્યો હતો : ‘मधु वाता ऋतायते मधॉ क्षरन्ति सिन्धवः’ કુદરતમાંથી જાણે આધ્યાત્મિકતા ટપકતી હોય, એમ એ શબ્દો મારા હૃદયમાં જડાઈ ગયા; ‘સમીરણ સુમધુર વહો – સિન્ધુ જલ મધુર વહો.’ મેકડોનલ જેવા મહાન વૈદિક વિદ્વાને ઋગ્વેદની સાહિત્યિક ગુણવત્તાના જે વખાણ કર્યા છે, તે ખરેખર દાદ માગી લે તેવાં છે. મેકડોનલ કહે છે: ‘(ઋગ્વેદના મંત્રોનું) સામાન્ય સાહિત્યિક ગુણવત્તાનું સ્તર વિશિષ્ટ રીતે ઊંચું ગણાય તેવું છે. ઉષાને ઉદ્દેશીને લખાયેલાં સૂક્તો તો ખૂબ જ કાવ્યમય છે. એ સૂક્તો કદાચ બીજાં કોઈપણ ધાર્મિક ઊર્મિકાવ્યોની સુંદરતાને ટપી જાય એવાં છે. ઈંદ્રવિષયક કેટલાંક સૂક્તો વૃત્ર સાથેના એના સંઘર્ષનું વર્ણન કરતાં એના બળનું હૂબહુ બ્યાન કરે છે. મરુતોનાં (પવનોનાં-ઝંઝાવાતનાં) સૂક્તો ગર્જનાઓ અને વીજળીના કડાકાભડાકાનું ભયંકર તાદૃશ ચિત્રણ કરે છે. ચંદ્રના મનોહર ઉદયનું વર્ણન આબેહુબ છે.’ કવિત્વની દૃષ્ટિથી જેઓ હિબ્રુ ભાષાના ‘ઓલ્ડ ટેસ્ટામેન્ટ’ને ઋગ્વેદની ઉપર મૂકે છે, તેઓ પણ વૈદિક ઋષિઓની તેનીયે પહેલાંની સમૃદ્ધ કવિત્વશક્તિનો ઉલ્લેખ કર્યા વગર રહેતા નથી અને હિબ્રુ કવિઓ પણ એ વાતમાં બેધ્યાન નથી. ફ્રાન્સ બેકન કહે છે : ‘સમૃદ્ધિ જૂના કરારની કૃતાર્થતા છે અને એથી ઊલટી વાત એ નવા કરારની કૃતાર્થતા છે.’

વળી, ઋગ્વેદ કંઈ તદ્દન બહુદેવવાદી જ છે એવું પણ નથી જ. ડૉ. રાધાકૃષ્ણનનો મત તે વિશેના લખાણ પરથી ફલિત થાય છે કે દેખીતી રીતે બહુદેવવાદી જણાતા ઋગ્વેદમાં એકેશ્વરવાદનાં અપેક્ષિત વલણો દેખાય છે. જ્યારે આપણે કાળજીપૂર્વક કોઈ સૂક્ત વાંચીએ, ત્યારે જાણે કે એના બહુદેવોનાં ટોળાંમાંથી કોઈ એક પરમતત્ત્વ ડોકિયું કરતું હોય, એવો અનુભવ આપણને થાય છે. રાધાકૃષ્ણન્‌ કહે છે : ‘એ ઘણા દેવોને એક જ વૈશ્વિક ચેતનાનાં વિવિધ સ્વરૂપો તરીકે ઓળખવામાં આવતા. એક પરમસત્તાના આધિપત્ય નીચે તેઓ પોતપોતાના ક્ષેત્રમાં શાસન ચલાવતા. એટલું જ નહિ, આગળ ઉપર પણ તેઓ કહે છે : ‘ઋગ્વેદના ઋષિઓમાં કોઈપણ વાતમાં પ્રશ્નો ઊભા કરવાનું વલણ હતું. તેઓ પૂછતા: ‘कस्मै देवाय हविषा विधेय?’ (અમે ક્યા દેવને બલિ આપીએ?) એ ઋષિઓને એવી પ્રતીતિ થઈ ચૂકી હતી કે કોઈક એવી પરમ સત્તા અવશ્ય છે અને અગ્નિ, ઈંદ્ર, વરુણ વગેરે તો એનાં માત્ર જુદાં નામ – રૂપો છે.’ એટલે જ ઋષિએ કહ્યું : ‘एकं सद् विप्रा बहुधा वदन्ति’ – ‘સત્‌ તત્ત્વ એક જ છે, એને વિદ્વાનો ઘણી રીતે કહે છે.’ એકેશ્વરવાદમાંથી સર્વેશ્વરવાદમાં પ્રવેશ માટે એક જ પગથિયું હોય છે. તમે ‘સત્તા’ને એક માનો એટલે આવશ્યક રીતે એની એકની – સર્વવ્યાપકતા આવી જશે. ‘पुरुष एवेदं सर्वं, यद्भूतं यच्च भाव्यम्’ (ऋ. ११६८)                                                                    – ‘જે થયું ને જે થવાનું છે, તે બધું પુરુષ જ છે.’

ઋગ્વેદના દૃષ્ટા ઋષિઓ પોતાની ખોજમાં પૂરી લગનવાળા હતા. વિશ્વનું સ્વરૂપ, એની ઉત્પત્તિ, અને એનું ભાવિ એમની ખોજના વિષયો હતા. એમના એવા મંત્રોમાં ઉપનિષદના પેલા તત્ત્વજ્ઞાનનું સત્ત્વ દેખાય છે કે, ‘सोऽकामयत। एकोऽहं बहु स्याम् प्रजायेय’ – ‘એ એકમાં ઇચ્છા જન્મી કે હું એકમાંથી બહુ થાઉં.’ મેક્‌ડુગલ આ પૂર્વોદાહૃત મંત્રવાળા સૂક્તને ‘સર્જનનું સૂક્ત’ કહે છે. સર્જનબીજની આ પ્રાચીનતમ વિચારણા છે; દૃષ્ટાઓના હૃદયની આ સંવિત્‌જન્ય ખોજ છે; અવ્યક્તમાંથી વ્યક્ત થવાનું કંપન છે; અંધકારમાંથી પ્રકાશમાં લઈ જતી દીવાદાંડી છે.

ઉપર ‘पुरुष एवेदं सर्वं’ વાળો જે મંત્ર ટાંક્યો છે, તે મંત્રવાળા સૂક્તને પુરુષસૂક્ત કહે છે. મોનિયર વિલિયમ્સ આ સૂક્તમાં હિન્દુ એકેશ્વરવાદને બહુદેવવાદ તરફ સરકતો જુએ છે. પણ આ બહુદેવવાદમાં જ માર્મિક અદ્વૈતવાદ છે. આજે વૈદિક વિદ્વતાની ઘણી કઠિન જવાબદારીઓ પૈકીની એક એ છે કે ઋગ્વેદમાંથી ‘અદ્વૈત’નો અપેક્ષિત વિચાર દર્શાવી આપવો. અત્યાર સુધી તો એ માત્ર સૂચિત અવસ્થામાં જ છે. આપણે જાણીએ છીએ કે ડો. રાધાકૃષ્ણને ઋગ્વેદમાંથી એકેશ્વરવાદ અને સર્વેશ્વરવાદનાં તત્ત્વો ખોળી કાઢ્યાં છે. એના પછી બે વરસે એ જ વિષયમાં કીથે લખેલ પુસ્તકો છપાયાં. એમાં કીથ કહે છે કે ‘આત્મા-બ્રહ્મ-ના સિદ્ધાંત પાછળ તો લાંબો મૂલ્યવાન ઇતિહાસ પડ્યો છે અને એનો તાર્કિક વિકાસ – અદ્વૈતરૂપે – ઋગ્વેદમાં છે.’ હરમાન ઓલ્ડનબર્ગ જેવા વિદ્વાનો ઋગ્વેદમાં કેવળ યજ્ઞયાગાદિ વિધિવિધાનો જ જુએ છે અને આધ્યાત્મિક વિચારોને નથી જોઈ શકતા, એ ખરેખર ખેદની વાત છે. ડો. એચ. ડી. ગ્રીસવોલ્ડ જેવા વિખ્યાત વૈદિક વિદ્વાને તો નિ:સંકોચપણે ઘોષણા કરી દીધી કે : ‘ઋગ્વેદના ઉત્તરકાળમાં ઐક્ય-વિચારની ચળવળ એકધારી ચાલુ હતી. આ ચળવળે બે રૂપ પકડ્યાં. એક રૂપ એકેશ્વરવાદનું અને બીજું રૂપ સર્વેશ્વરવાદનું હતું.’

આપણા વૈદિકકાળ અને ઉપનિષદકાળની ચોકસાઈ વિશે ઘણા મતમતાંતરો છે અને છેલ્લી પુરાતત્ત્વીય શોધો અને ખગોળ વિદ્યાની ગણતરીઓ એને પ્રવર્તમાન પ્રચારમાં ગમે તે રીતે લવાયેલા સમય કરતાં ખૂબ પ્રાચીન કાળમાં લઈ જાય છે. એટલા પ્રાચીન કાળમાં આવી વૈચારિક ભવ્યતા હોવાનું ગૌરવ અવશ્ય જ ભારતવર્ષને મળે છે.

‘ઉપનિષદ’ શબ્દનો અર્થ ‘ગુરુ પાસે બેસીને જીવનનાં સત્યો શીખવાનું વિદ્યાર્થી – સત્ર’ એવો થાય છે. આમ તો ઉપનિષદો ૧૦૮ ગણાય છે, પણ એ બધાં જ ઉપનિષદની પૂર્વોક્ત વ્યાખ્યામાં બંધબેસતાં નથી. એમાં પણ મુખ્ય તો દસ જ ઉપનિષદો છે. આ ઉપનિષદો ઈશ, કેન, કઠ, પ્રશ્ન, મુંડક, માંડૂક્ય, તૈત્તરીય, ઐતરીય, બૃહદારણ્યક અને છાંદોગ્ય છે. સામાન્ય જિજ્ઞાસુઓએ આ ઉપનિષદના સાર રૂપે સ્વામી હર્ષાનંદજીએ લખેલ ઉપનિષદ વિષયક પુસ્તિકાઓ વાંચી જવા યોગ્ય છે. કારણ કે ઉપનિષદો વેદાંતની ગંગોત્રીઓ સમાં છે. પછીથી મધ્યકાળમાં આ ગહન વિશાળ પ્રાથમિક પુસ્તિકાઓ ઉપર મોટી મોટી વ્યાખ્યાઓ થઈ.

ઉપનિષદો આત્મા અને બ્રહ્મના સંબંધનું એક જ તત્ત્વજ્ઞાન કહેતાં હોવા છતાં એ વિષયમાં ઘણા ઘણા અભિપ્રાયોનું પ્રતિનિધિત્વ કરતાં હોય એમ જણાય છે. ઉપનિષદોની આ વિચાર વિભિન્નતા જોઈને બાદરાયણે બ્રહ્મસૂત્રો (વેદાંતસૂત્રો) લખ્યાં અને દર્શાવ્યું કે ઉપનિષદોના વિચારમાં વિભિન્નતા નહિ પણ એકતા જ છે. ઉપનિષદોના આ વિચાર-ઐક્યને ડો. રાધાકૃષ્ણન આ રીતે બતાવે છે : ‘વેદોના કવિઓ જ્યારે આપણને પરમતત્ત્વનું ઓજસ્‌ જેમનામાં પ્રસ્ફુટિત થયું છે એવા ઘણાની વાત કરે છે, ત્યારે ઉપનિષદો આપણને વિશ્વની પરિવર્તનશીલ ગતિની પેલી પારની તેમજ એના પાયાની વાસ્તવિકતાને દર્શાવે છે.’ પણ આ ફિલસૂફી તો આપણા ધાર્મિક વિચારો અને જીવનમાં ક્રાન્તિ સર્જનારી છે; ક્રિયાકાંડને એ ગણકારતી નથી, એ તો તમને તમારામાં જ પરમ સત્‌નો આત્મા – બ્રહ્મનો સાક્ષાત્કાર કરવાનું કહે છે. ‘तत् त्वम् असि’ (તે તું છે) આ ઉપનિષદોના ઉપદેશોનો અર્ક છે. તમારી આત્મતૃપ્તિ માટે યજ્ઞો કરવાની જરૂર નથી, પુરોહિતો પાસે જવાની જરૂર નથી, તમારા આત્મામાં જ ઈશ્વર વસે છે, એ તમારા હૃદયમાં જ છે. આરુણીએ શ્વેતકેતુને સમજાવેલું આ સત્ય ઉપનિષદોનું સારતત્ત્વ છે. ઉપનિષદનું આ શાશ્વત સ્વયંપ્રકાશ બ્રહ્મતેજ જ માનવજીવનનું લક્ષ્ય છે. અહીં એ પ્રશ્ન ઊભો થાય છે કે પારમાર્થિક સત્‌ તત્ત્વ જો કેવળ એક બ્રહ્મ જ હોય તો માનવોની આ બહુરંગી જિંદગી પણ શું સાવ ‘અસત્‌’ છે? પરમાત્માના સર્જનમાં પરમાત્માના જ તેજમાં કલંક, કેવી રીતે હોઈ શકે? શાશ્વતતાનો શુભ પ્રકાશ શું સમગ્ર જીવને અજવાળતો નથી? ‘तत्त्वमसि’ ની વાતમાં આસ્થા રાખતા કોઈ વેદાંતીને આ પ્રશ્ન ઊઠશે નહિ. કારણ કે એ આ જિંદગીના બહુરંગીપણાને મનની આધ્યાત્મિક સ્તરની ઊંચાઈવાળું માનતો જ નથી. એનો બ્રહ્મ સાક્ષાત્કાર એને અનન્ત શાંતિ અર્પે છે. ઉપનિષદોની તાત્ત્વિક સમસ્યા તો આ પાયાના પ્રશ્નમાં જ છે કે બ્રહ્મસાક્ષાત્કારનો અર્થ શું આપણા ‘વ્યાવહારિક જીવનનો પરિત્યાગ’ એવો થાય છે? વેદાંતના રૂપમાં ઉપનિષદોના વિચારો જ્યારથી મહાન આચાર્યોની વ્યાખ્યાઓના રૂપમાં રજૂ થવા લાગ્યા, ત્યારથી તેમણે સૌએ આ પ્રશ્ન ઉપર જ પોતાનું મન કેન્દ્રિત કર્યું હતું.

જ્યારે ઋગ્વેદમાં એકેશ્વરવાદનાં તત્ત્વો દેખાય છે, ત્યારે એમાંથી જ મજબૂત આસ્તિક્તાનો વિકાસ થવો જોઈતો હતો; પણ એ ન થયો. ઉપનિષદોએ તો કેવળ આત્માની જ પારમાર્થિકતા રજૂ કરી અને આત્માની ખોજને જ ધર્મ ગણાવ્યો. શ્રી એસ. એન. દાસગુપ્તા લખે છે : ‘અહીં ઉપાસ્ય-ઉપાસકતા ભેદ નથી; કોઈને પ્રાર્થના કરાતી નથી, અહીં તો સમગ્ર પરમ સત્‌ અને માનવ આત્મા સંબંધી હોય છે અને માનવ આત્માની સાચી ઓળખ, પારમાર્થિક સત્તા તરીકે જોવાઈ છે?’ પોલ ડ્યુસન કહે છે : ‘ઉપનિષદોની માયાની વિભાવના, પરમેનીડ્‌સ, પ્લેટો, કાન્ટ અને શોપનહોરની ફિલસૂફીઓ સાથે ગજબનું સત્ય ધરાવે છે.’ અને ઉપનિષદો તો દેખાતા જગતની નિરર્થકતા જ બતાવે છે. ઉપનિષદના તત્ત્વજ્ઞાનમાં આત્મા અને બ્રહ્મ- એ બે વિશે વિચારાયું છે અને માનવજીવનનું પરમ લક્ષ્ય એ બંનેનું અદ્વૈત સાધવામાં છે.

(ક્રમશ:)

Total Views: 174

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.