(ગતાંકથી આગળ)

જ્યારે આપણે આપણા મનમાં આત્માનો વિચાર કરીએ છીએ, ત્યારે આત્મવિષયક, ધૂંધળો ખ્યાલ આપણને હોય છે અને એ પણ સાચો આત્મા હોતો નથી. એ તો સાધનાથી જ મળે છે; અને મળે છે ત્યારે આપણો આત્મા અને બ્રહ્મ એક થઈ જાય છે પરંતુ, આ તો ઉપનિષદનું શંકરાચાર્યના કેવલાદ્વૈત પ્રમાણેનું વ્યાખ્યાન છે. એ પ્રમાણે તો બ્રહ્મ જ સત્ય છે અને જગત મિથ્યા (ભ્રમ) છે. ઉપનિષદના ઘણા પરિચ્છેદો આ મતને પુષ્ટિ આપે છે પરંતુ, ઉપનિષદમાં તો એવા ય પરિચ્છેદો છે કે જે આ મતને અનુકૂળ નથી. ઈશાવાસ્યોપનિષદનો પહેલો જ મંત્ર જુઓ : ‘इशावाियमिदं सर्वं’ વગેરે- (આ હાલતું ચાલતું જે કંઈ જગતમાં છે, તે ઈશ્વરથી વ્યાપ્ત છે) તો ઈશ્વરથી વ્યાપ્ત થયેલા આ હાલતા ચાલતા જગતને માત્ર ભ્રમ કહીને, આપણે ‘અસત્‌’ કેવી રીતે ઠરાવી શકીએ? શંકરના નિર્ગુણ બ્રહ્મને સ્થાને સગુણ ઈશ્વરને માનતા રામાનુજ જગતને ભ્રમ નહિ પણ સત્ય માને છે. શંકર અને રામાનુજ – આ બંને વૈદિક કાળમાં જન્મ્યા ન હતા. એટલે એમની ચર્ચા અહીં નહિ કરીએ. એમનો ઉલ્લેખ અહીં માત્ર ઉપનિષદના વિચારોથી સર્વતોમુખી દૃષ્ટિ બતાવવા માટે જ કર્યો છે. ભારતીય બુદ્ધિપ્રતિભાનાં ઉપનિષદો અર્ક સમાન છે અને ઉપનિષદો જીવનવિમુખ કે વિશ્વવિમુખ નથી જ એટલું કહેવા માટે ઉપરની વાત કહી છે : રાધાકૃષ્ણન્‌ કહે છે : ‘એકના જ્ઞાનથી બધાનું જ્ઞાન થાય છે – એમ ઉપદેશતાં ઉપનિષદો એ એક – આત્મામાંથી જ ઉત્પન્ન થયેલી સૃષ્ટિની સત્યતાને બાકાત રાખી શકે નહિ.’ જ્યારે ઐતરેય ઉપનિષદ જગતને આત્મા પર અધિષ્ઠિત થયેલું અને એના દ્વારા જ પ્રેરાતું કહે છે, ત્યારે એને જગતની સત્યતા જ અભિપ્રેત છે. મિથ્યાત્વ નહિ. એકની ઝંખના એ અનેકનો અસ્વીકાર નથી. જગત ભલે બ્રહ્મનું ઘટક નહોય, પણ એનાં ફળ તો બ્રહ્મમાં જ છે. જગત સાથે બ્રહ્મનું ઐક્ય નથી તો એની સાથે સાવ અલગપણુંયે નથી. એ તો એક અને અનેકનો અવિરોધ છે. રવીન્દ્રનાથ એક કાવ્યમાં કહે છે : ‘આકાશે ય તું છે અને માળો યે તું છે, હે પરમસુંદર! માળામાં જડાયેલો તારો પ્રેમ આત્માને વિવિધ રંગોમાં, કલરવોમાં અને સૌરભોમાં બાંધે છે.’ આપણને ખબર નથી પડતી કે હજુયે ઋગ્વેદ હિન્દુ ધર્મમાં કેમ ટકી રહ્યો છે! હજુએ ઋગ્વેદનો ગાયત્રી મંત્ર આપણને પ્રેરણા આપી રહ્યો છે! એવી તે કઈ સંજીવની ઋગ્વેદમાં છે કે જે સદાતન-સનાતન રહી છે? ડો. બાશમ કહે છે : ‘આ મંત્ર પવિત્રતમ્‌ શાસ્ત્રનો પવિત્રતમ મંત્ર લેખાય છે, સર્વધર્મવિધિઓમાં અને ઉત્સવોમાં એનો જય થાય છે. ખ્ર્રિસ્તીઓની પ્રભુ પ્રાર્થના જેટલું હિન્દુઓમાં એનું મહત્ત્વ છે.’

ઋગ્વેદના દસમા મંડલનાં કેટલાંક સૂક્તોમાં ધાર્મિક કલ્પનાઓની ઋષિઓની શક્તિ આપણને આભા કરી દે છે. પ્રાકૃતિક તત્ત્વોમાં પ્રોજ્જવલ દિવ્યતાનું દર્શન અદ્‌ભુત છે. એમાં ભૌતિક ભોગો અને વ્યવસ્થાની વાત પણ છે. એમને મન ભૌતિક-આધ્યાત્મિકનો કશો ભેદ ન હતો. ભૌતિક ભોગોને તેઓ ધર્મનો જ એક ભાગ ગણતા. ભૌતિક પદાર્થો માટેની દેવપ્રાર્થનાઓ ઉપરાંત શત્રુઓને પરાસ્ત કરવાની દેવપ્રાર્થનાઓ પણ એમાં છે. એ સૂક્તોમાં તત્કાલીન પ્રજાની વીર્યશાલિતા, પ્રકૃષ્ટ ધર્મભાવના અને ઉત્કટ નૈતિકતા દેખા દે છે. (ઋ. ૧/૨૪/૯). કેટલાંકમાં ઉપનિષદના તત્ત્વજ્ઞાનની પૂર્વ આભા સ્પષ્ટ વરતાય છે. (ઋ. ૧૦/૮૨/૭).

આપણા ધાર્મિક તત્ત્વજ્ઞાનના વિકાસમાં ઉપનિષદો સાથે વૈદિક સાહિત્યના એક ઘટક તરીકે ઋગ્વેદને આપણે ગણવો જોઈએ. ઋગ્વેદ અને ઉપનિષદોના મિલન વિશે કોઈએ કહ્યું છે : ‘અહીં અગ્નિપૂજક અને બ્રહ્મજ્ઞ ભેગા મળ્યા છે, અહીં વેદોનો પૂર્ણચંદ્ર ઉપનિષદોની ઉષાની આભામાં ઓગળી ગયો છે.’

ભારતીયોના વૈદિકકાળના ધાર્મિક વિચારો એ કાળની સંસ્કૃતિમાં તો મહત્ત્વના હતા જ અને એની છાપ એની તત્કાલીન સમાજવ્યવસ્થામાં પણ પડી હતી. એમણે ગુણ અને કર્મ પ્રમાણે વ્યાવસાયિક ધોરણે સમાજને ચાર વર્ગોમાં વહેંચ્યો હતો. વિદ્યાવ્યાસંગી, અધ્યયન-અધ્યાપકના વલણવાળો વર્ગ બ્રાહ્મણ કહેવાયો; સમાજ સંરક્ષણ માટે યુદ્ધવીરો બનનારા લોકોનો વર્ગ ક્ષત્રિય કહેવાયો; ખેતી અને વેપારવણજમાં પ્રવીણ વર્ગ વૈશ્ય કહેવાયો અને એ સર્વની સામાન્ય સેવા કરનાર મજૂર વર્ગ શૂદ્ર કહેવાયો- આ રીતે ચાર વર્ણ સમાજમાં હતા. આ વર્ણોમાં ક્યાંય વંશીયતા કે ચુસ્તતા ક્યારેય ન હતી. પણ પાછળથી વર્ણવ્યવસ્થાના વિકારરૂપે જ્ઞાતિવ્યવસ્થા ઊભી થઈ અને એમાં વંશીયતા અને ચુસ્તતાનાં દૂષણો આવ્યાં એના જવાબદાર બ્રાહ્મણો હતા. બ્રાહ્મણોએ પોતાનાં સ્થાપિત હિતોને પોષવા અને પોતાની વગ વધારવા પાછળના કાળે આ દૂષણો ઘુસાડ્યાં હતાં. ધનુષ-બાણ, ભાલા અને પરશુઓ વેદકાલીન ભારતીયોનાં શસ્ત્રાસ્ત્રો હતાં.વીન્સન્ટ સ્મીથને મતે વૈદિક લોકોને લોઢું હજુ જડ્યું ન હતું. કાંસા-ત્રાંબાથી તેઓ પરિચિત હતા; સુવર્ણાલંકારોના તેઓ શોખીન હતા. માંસ, દૂધ, શાકભાજી અને ફળો તેમનો ખોરાક હતો, સોમ અને સુરા તેમનાં પીણાં હતાં, સંગીત-નૃત્ય-દ્યુત વગેરે તેમનાં મનોરંજન હતાં, હારેલા જુગારીનો પસ્તાવો ઋગ્વેદના ૧૦/૧૪માં જોવા મળે છે. જો કે વિન્સન્ટ સ્મીથને મતે આ સામાજિક ચિત્ર પણ તદ્દન અછડતું જ છે.

પરંતુ આપણે એટલું તો ચોક્કસ કલ્પી શકીએ તેમ છીએ કે ઋગ્વેદના રચના કાળથી જ આપણો પ્રાચીન ભારતનો ઇતિહાસ સંવાદિતા, સુમેળ અને સમન્વય ભર્યો છે. પ્રાચીન ભારતમાં પણ મતમતાંતરો હતા. ક્રમે ક્રમે વિવિધ વંશો પણ એમાં આવી ભળ્યા હતા. અનેક રીતરિવાજો પણ જન્મ્યા હતા. છતાં, એ બધા એક ‘ભારતીય સંતતિ’ થઈને રહેતા. દ્રાવિડો, કિરાતો, હૂણો, આન્ધ્રો, પુલિન્દો, પુલ્કસો, આભીરો, કેકો, ખસ, પણિ વગેરે એવાં અનેક નામો મળે છે. એમાંના વૈદિકો મુખ્ય જણાય છે. ભારતીય સંસ્કૃતિના વિકાસનું આ માનસ ભારતીય ઇતિહાસનું કેન્દ્ર બિન્દુ છે. રવીન્દ્રનાથે મુખ્યતયા દ્રાવિડો સાથેના સમન્વયની વાત કરતાં કહ્યું છે કે : ‘હકીકતમાં દ્રાવિડ પ્રજાની સંસ્કૃતિ સાથેનું ભારતવાસીઓનું મિલન કોઈપણ રીતે ઉપેક્ષિત કરી ન શકાય. એણે ભારતની સંસ્કૃતિને વધુ સમૃદ્ધ બનાવી છે. દ્રાવિડિયન સમન્વયથી ભારતની સંસ્કૃતિ વધુ ગહન બની છે.’ આ સમન્વય દૃષ્ટિ ભારતની સંસ્કૃતિની જુગજૂની અને સાતત્યપૂર્ણ બાબત છે. શ્રી અરવિંદ કહે છે : ‘હું આ કહેવાતા આર્યો અને દ્રવિડોને એકવંશીય પ્રજા જ માનું છું.’ અને સાથે જ તેઓ ઉમેરે છે કે ‘કેવળ ઉપનિષદો જ નહિ, પણ તે પછીનાં સાહિત્ય સ્વરૂપો પણ વૈદિક ધર્મમાંથી જ વિકાસ પામ્યાં છે, એની સામે બળવો કરીને તો નહિ જ.’

શ્રી અરવિંદનાં આ બંને વિધાનો ધ્યાનમાં રાખવાં આવશ્યક છે. એને મનમાં રાખીને આપણે પણ એના સમર્થનમાં કહીએ કે ‘એક હૃદય હો ભારત જનની!’

Total Views: 54

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.