ભૂજ કેન્દ્રમાં વહેતું ભાવધારાનું ઝરણું

૧૮૯૧-૯૨માં પરિવ્રાજક સ્વામી વિવેકાનંદ જૂનાગઢથી ભૂજ ગયા. ત્યાંના દીવાન સાહેબના ઘેર અતિથિ બન્યા. એમની સાથે ધર્મચર્ચા, દેશના ઔદ્યોગિક, કૃષિવિષયક અને આર્થિક પ્રશ્નોની ચર્ચા થઈ હતી. સામાન્ય પ્રજાજનોમાં કેળવણીના પ્રસાર-પ્રચાર પર એમણે વિશેષ ભાર દીધો હતો. દીવાનજીએ કચ્છના મહારાજનો પરિચય કરાવ્યો. મહારાજ ખેંગારજી સાથેની સ્વામીજીની લાંબી ચર્ચાથી મહારાજ ઘણા પ્રભાવિત થયા હતા. પછી વેરાવળમાં જ્યારે બીજીવાર ખેંગારજી સ્વામીજીને મળ્યા ત્યારે તેમણે સ્વામીજીને ફરી કચ્છની મુલાકાત લેવા વિનંતી કરી. ત્યારે સ્વામીજી કચ્છનાં સુખ્યાત ધર્મસ્થાનો જેવાં કે નારાયણ સરોવર, જાડેજા રજપૂતના કુળદેવી આશાપુરાનાં દર્શને પણ ગયા હતા. અહીં આવેલા અન્ય યાત્રા ધામોની મુલાકાત સ્વામીજીએ લીધી હતી.

આ રીતે સ્વામીજીની પદરજથી પાવન થયેલ કચ્છના પાટનગર ભૂજમાં ૧૯૬૯માં શ્રી ટી. ટી. કંસારા સાહેબે શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા સારદામણિદેવી અને સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો વાંચ્યાં. આ પુસ્તકો પોતાનાં પરિચિત મિત્ર વર્તુળોમાં પણ વંચાવ્યાં. પરિણામે રામકૃષ્ણ-વિવેકાનંદનાં ભાવચિંતનથી ભૂજમાં રામકૃષ્ણ યુવકમંડળ અસ્તિત્વમાં આવ્યું.

આ કેન્દ્રનો ભાવદીપ પ્રગટતાં એનો પ્રકાશપુંજ ચોતરફ ફેલાવા માંડ્યો. પાંચ વર્ષ સુધી એક નાની ઓરડીમાં, ૨૫ વર્ષ સુધી નાના બે ઓરડામાં સેવાકાર્યો થતાં રહ્યાં. ૧૯૯૯થી રામકૃષ્ણ પ્રાર્થના મંદિર, પુસ્તકાલય, દવાખાનું અને વિવેકાનંદ સાહિત્ય વિતરણ માટે કેન્દ્રમાં મકાનો બંધાયાં. સેવક ભક્તો માટે તેમજ અહીં અવારનવાર વ્યાખ્યાન કે પ્રવાસે આવતા રામકૃષ્ણ સંઘના સંન્યાસી બ્રહ્મચારીઓ માટે સાધુનિવાસનું નિર્માણ થયું. 

પ્રારંભનાં વર્ષોમાં શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ અને અન્ય સંન્યાસીઓ રાજકોટથી ભૂજ આવતા. રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાની સામયિક ઉન્નતિમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ; રામકૃષ્ણ મિશન, લીંબડી; વડોદરા; પોરબંદરના સંન્યાસીઓ તેમજ અન્ય વરિષ્ઠ સંન્યાસીઓએ પ્રાણ પૂર્યા છે.

હાલના રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજે અને ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે ભાવધારાના આ ખાનગી કેન્દ્રના પ્રાર્થનામંદિરમાં અનેક ભક્તોને આધ્યાત્મિક માર્ગદર્શન આપીને એમની આત્મજ્ઞાન પીપાસા છીપાવી છે. રામકૃષ્ણ સંઘના ૧૩મા પરમાધ્યક્ષ બ્રહ્મીલીન શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજે પણ પોતાનાં પાવન પગલાંથી આ ભૂમિને દિવ્ય બનાવી છે. એમનું પ્રવચન પ્રબુદ્ધ નાગરિકોનાં હૃદયમાં આજે પણ અમીટ રહ્યું છે.

રામકૃષ્ણ મિશન – વિવેકાનંદ આશ્રમ, રાયપુરના તત્કાલીન અધ્યક્ષ અને રામાયણના સુખ્યાત પંડિત બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી આત્માનંદજી મહારાજે આ કેન્દ્રમાં એક સપ્તાહ સુધી ‘રામચરિત માનસ અને રામકૃષ્ણ ભાવધારાની અપૂર્વતા’ પર આપેલાં વ્યાખ્યાનો કચ્છના ભાવિકોના અંતરપટમાં આજે પણ સચવાઈ રહ્યાં છે. 

હાલના રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ અને તત્કાલીન જનરલ સેક્રેટરી શ્રીમત્‌ સ્વામી સ્મરણાનંદજી મહારાજની ભૂજની મુલાકાતો અને માર્ગદર્શનથી કેન્દ્રને સતત આગળ લઈ જવા માટે પ્રેરણા મળતી રહી છે.

રામકૃષ્ણ મઠ-મિશનનાં ભારતભરનાં વિવિધ કેન્દ્રોના બહુશ્રુત સંન્યાસીઓએ આ કેન્દ્રને પોતાનાં વ્યાખ્યાનોનો લાભ આપ્યો છે અને કેન્દ્રની ઉન્નતિ માટે સતત પ્રેરણા અને આશીર્વાદ આપ્યાં છે. 

ધાણેટી કેન્દ્રમાં વહેતું ભાવધારાનું ઝરણું

કચ્છની ભૂમિ એટલે કુદરતી આપદાની ભૂમિ. દુષ્કાળ, વાવાઝોડાં, ભૂકંપ, જેવી આપત્તિઓ કચ્છને ધમરોળતી રહે છે. શિવનું રૌદ્ર સ્વરૂપ કચ્છમાં અવાર-નવાર જોવા મળે છે. આવી આપત્તિના ૧૯૬૯, ૧૯૭૪-૭૫માં કચ્છની પ્રજાએ પોતાનું નૈતિક ખમીર જાળવી રાખ્યું હતું. કચ્છની પ્રજાના અને ધાણેટીના આ ખમીરને ઓળખીને જ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના તત્કાલીન અધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે ધાણેટીમાં દુષ્કાળ પીડિત લોકો માટે રોટલા-રાહતકાર્ય અને અન્ય રાહતસેવાકાર્ય શરૂ કર્યાં.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સંન્યાસીઓની નિશ્રામાં રહીને ધાણેટીના ભાવિકજનોએ પછીનાં સારાં વર્ષોમાં પણ પોતાનો નાતો નિભાવ્યો અને આધ્યાત્મિક માર્ગદર્શન મેળવતાં રહ્યાં.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ધાણેટીમાં આજુબાજુના વિસ્તારનાં વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે શિક્ષણના પરબ રૂપે વિવેકાનંદ વિદ્યાલયનું મકાન બાંધી આપ્યું. બહારના વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરી શકે એ માટે અલગ છાત્રાલય પણ બાંધી આપ્યું. રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાના આ કેળવણી ઝરણાના મીઠાં જળ આજુબાજુની ઊગતી પેઢી પીએ છે. ભૂકંપ વખતે ધાણેટીના લોકો માટે ‘રામકૃષ્ણનગર’ની સાથે ‘રામકૃષ્ણ મંદિર’ અને બે પ્રાથમિક શાળાઓ પણ બંધાવી આપી.

હવે શ્રીમાના નામનું તાલીમ સંકુલ થાય એવી લોકોની અભિલાષા છે. અહીં રામકૃષ્ણ સંઘના કોઈ સંન્યાસી આવે તો એનું ઢોલ-શરણાઈથી સામૈયું થાય અને મોટા કાર્યક્રમો પણ યોજાય. આવા વખતે પ્રસાદ વિતરણ તો સૌને માટે હોય જ. યાત્રાળુ હોય કે ભાવિકજનો હોય, ભક્તજનો હોય કે સાધુ-બ્રહ્મચારી હોય, એકવાર ધાણેટીનું આતિથ્ય માણ્યા પછી અને ત્યાંના પ્રજાજનોનાં હૃદયના ભાવને અનુભવ્યા પછી એને ક્યારેય ભૂલી ન શકે; એવી ખમીરવંતી પ્રજા છે, આ ભૂમિની.

કચ્છમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનાં વિવિધ રૂપે થતાં દર્શન :

નારાયણ સરોવર, કોટેશ્વરમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમા સ્થાપીને એમનું સ્મારક બનાવવાની યોજના કરી શકાય.

મમુઆરામાં ગ્રામજનોએ સ્વખર્ચે સ્વામી વિવેકાનંદની આરસપ્રતિમા બનાવી હતી. તેનું અનાવરણ રામકૃષ્ણ મઠ, ઉદ્‌બોધનના અધ્યક્ષ અને રામકૃષ્ણ મઠ-મિશનના ટ્રસ્ટી શ્રીમત્‌ સ્વામી મુમુક્ષાનંદજી મહારાજના વરદ્‌ હસ્તે થયું હતું.

માંડવી કચ્છમાં સ્વ. શ્રી નાનાલાલ વોરા (નાના કાકા)એ રામકૃષ્ણ હાઈસ્કૂલ ઘણાં વર્ષો પહેલાં શરૂ કરી હતી, આજે પણ ચાલુ છે. અંજાર, નખત્રાણા અને મુંદ્રામાં પણ રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્રો શરૂ થવાની આશા છે. આદિપુર, કચ્છમાં ‘રામકૃષ્ણ સેવાકેન્દ્ર’ આ ભાવધારાના રંગે રંગાઈને આગેકદમ માંડી રહ્યું છે. અંજાર, ભૂજમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમા છે. માંડવી, કચ્છના કાઠડા ગામે શ્રીવરજાંગ ભગતે શ્રીરામકૃષ્ણ કુટિર સ્થાપી છે અને એનું કાર્ય હજીયે ચાલે છે. રતનપર (ખડીર)માં રામકૃષ્ણ વિદ્યાસંકુલ બન્યું છે અને એમાં રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સંન્યાસીઓ અવારનવાર જાય છે. માંડવીમાં વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ચાલે છે. માંડવીમાં સિસ્ટર નિવેદિતા મંડળ સેવાપ્રવૃત્તિઓ ચલાવે છે.

Total Views: 53

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.