જીવનમાં સાચુકલી ઝંખનાનું બીજ ક્યાંક હૃદયને ખૂણે પડ્યું હોય તો એ ક્યારેક પણ અવશ્ય પાંગરે જ છે. એટલે રાજકોટ આવ્યા પહેલાં શ્રીરામકૃષ્ણ – વિવેકાનંદ વિશે જે કંઈ વાંચ્યું – વિચાર્યું – કલ્પ્યું હતું, એના અંકુર ૧૯૫૪ની શરૂઆતમાં હું જ્યારે રાજકોટની તે વખતની ગૌરવવંતી વિરાણી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયો, ત્યારથી ફૂટવા માંડ્યાં હતાં અને ઉત્તરોત્તર ઘટનાઓ પણ એવી સાનુકૂળ બનતી ચાલી કે જેથી આશ્રમ સાથે સંબંધ ગાઢ બનતો ચાલ્યો.

તે વખતની રાજકોટની વિરાણી હાઈસ્કૂલ રાષ્ટ્રીય કેળવણીની છાપવાળી, ગુજરાતની એક નામી સંસ્થા હતી. મુ. ઢેબરભાઈ, દરબારશ્રી ગોપાલદાસ વગેરે પીઢ નેતાઓએ એક વિશિષ્ટ આદર્શ રાખીને એ ઊભી કરી હતી. આશ્રમના તત્કાલીન અધ્યક્ષ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ શાળાની કારોબારી સભ્ય હતા, આશ્રમના છાત્રાલયના બધા છાત્રો વિરાણી હાઈસ્કૂલમાં જ ભણતા. બંને સંસ્થાઓ વચ્ચે ગાઢ સંબંધ હતો એટલે મને વિચારવિનિમય અને તુલનાત્મક અધ્યયનની ઇચ્છિત તકો મળતી રહી અને મેં રામકૃષ્ણ – વિવેકાનંદ ભાવધારાનો અભ્યાસ આગળ વધાર્યો.

એ સમયે રામકૃષ્ણ આશ્રમમાં શ્રી ડો. રાધાકૃષ્ણના હાથે એક વિશાળ પુસ્તકાલય ખુલ્લું મૂકાયું. પૂ. સ્વામી ભૂતેશાનંદજી મહારાજની આગવી સૂઝને કારણે પુસ્તકાલયના વેદાન્ત વિભાગના સંદર્ભ ગ્રંથોનો દુર્લભ સંગ્રહ એમાં મેં જોયો અને જાણે કીડીને ગોળનું ગાડું મળી ગયું હોય એવો ભાવ થયો. તરત જ સભ્ય બની ગયો અને અધ્યયનની તક ઝડપી લીધી. સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલય, વારાણસીમાંથી તાજો જ ‘આચાર્ય’ થઈને આવ્યો હતો. એમાં વળી આ ખજાનો મળી ગયો એટલે ભવિષ્યનો કશો વિચાર કર્યા વગર અધ્યયન કરવા લાગ્યા. મારા આ અધ્યયનમાં મને પુસ્તકાલયના ત્યારના ઈનચાર્જ મહારાજે ઘણી સહાયતા કરી. નિયમોમાંથી પણ કેટલીક મોકળાશ કરી આપી, પરિણામે મારું અધ્યયન અને અધ્યાપન બન્ને સમાન્તરે જ ચાલવા લાગ્યાં.

બરાબર એ જ વખતે એવું બન્યું કે અલિયાબાડાની ગંગાજળા વિદ્યાપીઠના અધ્યક્ષ મુ. ડોલરરાય માંકડ સાહેબે મને તે વરસે ત્રણ વરસ સુધી મેટ્રિકમાં ચાલનારા ‘સંસ્કૃત ગદ્યપદ્ય સંગ્રહ’ની રચનાનું કામ સોંપ્યું. (૧૯૫૬-૫૮) પુસ્તકાલય અને સંદર્ભગ્રંથો તો તૈયાર જ હતા. મેં એ કામ સંઘર્ષ સ્વીકાર્યું. મને એ માટે આશ્રમમાં એક ખાસ ઓરડો આપવામાં આવ્યો. ગમે ત્યારે ગમે તે પુસ્તકનો ઉપયોગ કરવાની છૂટ આપી આ રીતે આશ્રમ સાથે ધીરે ધીરે વધુને વધુ સંપર્કમાં આવતો ગયો.

રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનું પરિશીલન કરવાની વધુ એક તક મને આશ્રમે જ પૂરી પાડી. આ અરસામાં સ્વામી વિવેકાનંદનાં ‘કમ્પલીટ વર્ક્સ ઓફ સ્વામી વિવેકાનંદ’નું ગુજરાતી રૂપાંતર કરવાનો એક અનન્ય મહાયજ્ઞ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે શરૂ કર્યો એમાં મારી સાથે પ્રો. જનાર્દનરાય રૂગનાથરાય વૈદ્ય મુખ્ય હતા. પૂ. મહારાજના આદેશાનુસાર એમનાં લખાણોનો અક્ષરે અક્ષર મારે વાંચી જવાનો હતો અને ત્યાર પછી જ એ પ્રેસમાં જાય એવી વ્યવસ્થા હતી. આ રીતે જાણે ઈશ્વર જ મને રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યના પરિશીલનમાં જાદુઈ મદદ કરી રહ્યા હતા. ગ્રંથમાળાના દસ ભાગો ઉપરાંત શ્રી વૈદ્યસાહેબે સંકલન કરીને શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદનાં સ્વતંત્ર જીવનચરિત્રો પણ લખ્યાં એ બધાંનું નિરીક્ષણ પરીક્ષણ થતું રહ્યું અને છેવટે એનું શુભ પરિણામ એ આવ્યું કે શ્રીરામકૃષ્ણના જીવનને તે વર્ષના શ્રેષ્ઠ જીવનચરિત્રના ગ્રંથ તરીકે ગુજરાત સરકાર તરફથી પારિતોષિક પણ મળ્યું. આ દરમિયાન આશ્રમના છાત્રાલયના વિદ્યાર્થીઓને સંસ્કૃત ભણાવવાનું મેં ચાલુ રાખ્યું હતું. એટલે રોજ અમુક કલાક તો આશ્રમમાં ગાળવા જ પડતા હતા. 

પછી વિવેકાનંદ ગ્રંથમાળાનું ભગીરથ કાર્ય પૂરું થયે સ્વામી ભૂતેશાનંદ મહારાજની બદલી બેલુર મઠમાં થઈ એ વખતે એમને મળેલું નાગરિક સન્માન અદ્‌ભુત, અનન્ય અને અવિસ્મરણીય છે. તેમની જગ્યાએ આશ્રમના અધ્યક્ષ તરીકે સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ આવ્યા. અત્યંત ગતિશીલ અને શિસ્તપ્રિય આ મહારાજે એક નવો પ્રકલ્પ હાથમાં લીધો અને તે હતું નૂતન મંદિરનું નિર્માણ! મારી તો અભ્યાસુ વૃત્તિ રહી! તેથી આ કામોમાં સહાનુભૂતિ સિવાય હું શું યોગદાન આપી શકું? છતાં એક પ્રસંગે સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સાથે પરિચય થયો. શ્રીરામકૃષ્ણ કથામૃતના સ્વામી ચૈતન્યાનંદે કરેલા ગુજરાતી અનુવાદના મુખપૃષ્ઠ ઉપર ભાગવતના ગોપીગીતાનો પ્રથમ શ્લોક ટાંકવામાં આવ્યો છે એની વાંચવામાં સ્વામી આત્મસ્થાનંદજી મહારાજને કશીક ક્ષતિ લાગી અને તેથી આ વિશે મને પૂછવામાં આવ્યું. એટલે બીજે દિવસે હું આશ્રમમાં ગયો અને પુસ્તકાલયમાંથી સાત ટીકાવાળા ભાગવતમાંથી સ્વામી ભૂતેશાનંદજીની જ વાચના (પાઠાન્તર) ખરી છે, એવી તારવણી કરી. આ રીતે સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સાથે મારો પ્રથમ પરિચય થયો. તે સિવાય છાત્રાલયના વિદ્યાર્થીઓને ભાષાશિક્ષણ આપવા માટે મને રોકવામાં આવ્યાં એમ સાધારણ પરિચય થયો.

ત્યાર પછી એક મહત્ત્વનો પ્રસંગ બન્યો. આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે રાજકોટના આશ્રમને એક અદ્‌ભુત મંદિર આપવાનો પ્રકલ્પ આદર્યો હતો. એના શિલારોપણનો પ્રસંગ આવ્યો. એમાં કોતરવાના છએક શ્લોક મેં લખી આપ્યા. અને એ શ્લોકોવાળી શિલાનો ન્યાસ કરવામાં આવ્યો.

આમ ત્રણેક વખત સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના પ્રત્યક્ષ સંપર્કમાં આવવાનું થયું હોવા છતાં અમારો એ સંબંધ ઔપચારિક ઓળખાણ કરતાં આગળ વધી ન શક્યો. મંદિર નિર્માણના કાર્યમાં જ એમનું મન ડૂબ્યું રહેતું અને મને કોઈ યોગ્ય પ્રવૃત્તિ સોંપી શકાય શકાય એવી પરિસ્થિતિ ન હતી. જૂનાં પુસ્તકો ખૂટી જતાં એની નવી આવૃત્તિ બનાવતી વખતે અહીંતહીં ફેરફાર કરવા માટે હું અને પ્રો. જે. આર. વૈદ્ય જોઈ જતા એટલું જ.

મંદિરનું કાર્ય અધૂરું હતું ત્યાં જ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજની બદલી બેલુરના ટ્રસ્ટી મંડળના આસિ. સેક્રેટરી તરીકે થઈ. અને તેમને સ્થાને આવેલા અધ્યક્ષના માથે પણ મંદિરના અધૂરા કાર્યને પૂરું કરવાની મોટી જવાબદારી હતી જ એમાં વળી અધૂરામાં પૂરું મોરબીની જળ હોનારત થઈ એનું રાહતકાર્ય હિમાલય જેવડું મોટું હતું. આખો રાજકોટ આશ્રમ રાહતકાર્યથી જ ધમધમવા લાગ્યો. જોનાર છક થઈ જાય એવાં એ દૃશ્યો હતાં! મારા અંતર્મુખી વિદ્યાવ્યાસંગ અને શોધકાર્યને સ્વાભાવિક રીતે જ અહીં આ સમયે કશો અવકાશ રહ્યો નહિ.

મોરબીના જળપ્રલય પહેલાં થોડા વખતે ‘શ્રીરામકૃષ્ણ કર્ણામૃત’ નામના પોણા ચારસો શ્લોકોના લાંબા છંદવાળા આ પુસ્તકનું સમશ્લોકી ગુજરાતી રૂપાન્તર કરવાનું મને કામ સોંપાયું અને તે મેં સફળતાપૂર્વક પૂરું કર્યું હતું પણ ત્યાર પછી આશ્રમમાં ઘણા કાળ સુધી આવી અભિવ્યક્તિ કરવાનો કોઈ મોકો મને મળવાનો ન હતો. એમ મારા મનમાં નક્કી થઈ ગયું હતું.

એ વખતે પણ હું આશ્રમમાં આવતો જતો રહેતો જ. ઉત્સવો વખતે મને નિમંત્રણો પણ મળતાં રહેતાં. એકાદ વખત મંચ પરથી ભાષણ પણ આપેલું. પરંતુ પેલી અભિવ્યક્તિનો મોકો તો સ્વાભાવિક રીતે જ મળી શકે તેમ નહતો. પણ મનમાં એવી શ્રદ્ધા અવશ્ય હતી કે એ મોકો અવશ્ય જ એક વખત સારી રીતે સાંપડશે.

એક વખતે મારી અભિવ્યક્તિના વલણને મેં અન્ય દિશામાં વાળ્યું અને એ દરમિયાન માધ્યમિક શાળાને લગતાં છાત્રોપયોગી પાંત્રીસેક નાનાંમોટાં પુસ્તકો લખાયાં જેમાં એક સરકારે મંજૂર કરેલ સાતમા ધોરણનું ગુજરાતીનું પાઠ્યપુસ્તક પણ હતું. વળી, દુર્લભજીભાઈ વિરાણીના સાધુ થઈ ગયેલા પુત્ર વિનોદમુનિનું હિન્દી જીવન ચરિત્ર પણ આ જ વખતે લખાયું, સાથોસાથ સોમનાથ મહાદેવનો સંસ્કૃત શ્લોકોમાં લખાયેલો ઇતિહાસ હિન્દી સમશ્લોકીમાં આ વખતે રૂપાન્તરિત થયો જે આજેય મહાદેવનાં દર્શન કરતી વખતે ડાબી જમણી દીવાલો પર કોતરેલો નજરે પડે છે.

આ બધાથી રિક્તતા અવકાશ તો ભરાયો પણ તૃપ્તિ થઈ હોય એવું જણાયું નહિ. એ ખોરાક પોષણક્ષમ લાગ્યો નહિ. એની શોધમાં મેં જુદા જુદા ધર્મ સંપ્રદાયોના જિજ્ઞાસુ સાધકોને તે તે સંપ્રદાયનું તત્ત્વજ્ઞાન ભણાવવું શરૂ કર્યું. હવેલીના (પુષ્ટિસંપ્રદાયના) આચાર્યો, સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ, જૈન મુનિઓ વગેરેને તેમના માન્ય ગ્રંથોનું અધ્યાપન શરૂ કર્યું. એનાથી મારું પરિશીલન વધ્યું, વ્યુત્પત્તિ વધી, વિચારો વધારે પરિષ્કૃત થયા, સાથો સાથ એવા વિચારકોના ગ્રંથો પણ વંચાતા રહ્યા. મારો દૃષ્ટિકોણ વિશાળ થતો ચાલ્યો એવું મને ચોખ્ખું ભાન થવા લાગ્યું.

આ સમય દરમિયાન પણ આશ્રમમાં નિયમિત એકાદવાર મંદિરમાં મારી અવરજવર ચાલુ જ હતી. જાણે અગોચર રહીને મને કોઈ આધ્યાત્મિક તાલીમ આપી રહ્યું હોય એવો ભાસ થવા લાગ્યો. અન્ય વાચનની સાથે આ જ અરસામાં મને વિશ્વના સમર્થ ઇતિહાસકાર એ. એલ. બાશામનો ભારતનો સાંસ્કૃતિક ઇતિહાસ અને એવાં બીજાં બે ત્રણ ગ્રંથરત્નો મળ્યાં વાંચીને તરબોળ થયો. દિનકરનો સંસ્કૃતિ કે ચાર અધ્યાયો તો એની પાસે વામણું લાગે એવો એ ગ્રંથ! વાંચીને તૃપ્તિનો ઓડકાર ખાધો.

એટલામાં મારી આગળ ગુજરાત દિવ્યજીવન સંઘના પ્રમુખ અને આંખોના સુવિખ્યાત સર્જન વીરનગરવાળા ડો. શિવાનંદ અધ્વર્યુએ શિવાનંદ શતાબ્દિ પ્રકાશનના એક ભાગ તરીકે સ્વામી કૃષ્ણાનંદજી કૃત ગીતા વિવેચનનો ગુજરાતી અનુવાદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. અઘરો પ્રસ્તાવ હોવા છતાં મેં એ સ્વીકાર્યો, સફળતા માટે શ્રી ઠાકુરને વારેવારે પ્રાર્થના કરી હું શિવાનંદ શતાબ્દિ પ્રકાશન સમિતિનો એક સભ્ય પણ બન્યો અને ભગવદ્‌ગીતાના વિવેચન ઉપરાંત રમણ મહિર્ષનાં બે જીવન ચરિત્રો (નાનું અને મોટું) તેમજ માતૃવાણી (મા આનંદમયીના ઉપદેશો) નામના અન્ય ત્રણ ગ્રંથો પણ એમના કહેવાથી લખી આપ્યા. એમના કહેવાથી વીસેક દિવસ ઋષિકેશ પણ જઈ આવ્યો.

રોજ મંદિરમાં જતો અને ઠાકુરને પૂછતો : ‘આ બધી શેની તાલીમ છે? આશ્રમમાં મારા માટે અત્યારે તો એવી કશી પ્રવૃત્તિ છે નહિ. તો આ બધું શા હેતુથી થઈ રહ્યું છે?’ પણ મને કશો ઉત્તર મળતો નહિ; પણ એટલું તો ચોક્કસ અનુભવી રહ્યો હતો કે આ બધાનો મારા સ્વતંત્ર વિચાર સાથે કશો સંબંધ નથી, આ બધું જાણે કે પરચાલિત જ થઈ રહ્યું હતું. આવો ‘પરચાલન’નો અનુભવ છેલ્લાં પાંચેક વરસ પહેલાં ક્યારેય થયો ન હતો. આ અરસામાં મારું મૂંગું મન કોઈક પ્રવાહના મધવહેણમાં જાણે કે તણાતું જતું હતું! ૧૯૭૯થી આવી માનસિક સ્થિતિ થઈ હતી. છેવટે નવા મંદિરના નિર્માણનું કામ પૂરું થયું ભવ્યાતિભવ્ય ઉત્સવ ઉજવાયો હજુયે એ મનમાં તાજો છે. એનાં ઉત્સાહદૃશ્યો અવિસ્મરણીય છે. આઠેક દિવસ ઉત્સવ ચાલ્યો હશે. આજે પણ એ બધું જાણે તાજું જ છે.

મંદિર પૂરું થયે થોડા વખત પછી તત્કાલીન અધ્યક્ષની બદલી થવાથી એમને સ્થાને નવા અધ્યક્ષ આવ્યા. તત્કાલીન અધ્યક્ષના શાસ્ત્રીય પાંડિત્યને પરિણામે મારો તેમની સાથે સારો મેળ બેઠો અને તેમણે શાસ્ત્રીય ગ્રંથોના અધ્યાપનના વર્ગો શરૂ કરાવ્યા. પહેલો ગ્રંથ ‘પંચદશી’ હતો. એનું અધ્યાપનકાર્ય મને સોંપવામાં આવ્યું. મને તો આ કાર્ય મીઠું – મધ લાગ્યું. સંન્યાસીજનો બધા એ વર્ગોમાં બેસતા અને એક પ્રકારનો શાસ્ત્રીય માહોલ રચાઈ ગયો! એ વાતાવરણ ખરેખર અદ્‌ભુત હતું. આશ્રમ વિદ્યાલયમાં એટલા સમય પૂરતો ફેરવાઈ જતો અને જાણે શાસ્ત્ર સંરક્ષણનું એક કેન્દ્ર બની જતો.

આ ક્રમ ઘણાં વરસો ચાલ્યો. અને એમાં પંચદશી, વેદાન્ત પરિભાષા, બ્રહ્મસૂત્ર ચતુ:સૂત્રી, ભગવદ્‌ગીતા શાંકરભાષ્ય, મુખ્ય બધાં ઉપનિષદો, વગેરે અનેકાનેક શાસ્ત્રીય ગ્રંથો એક કરતાં વધારે વખત ભણાવાયા. તદુપરાંત પ્રારંભિક સંસ્કૃત પણ નવાગંતુકોને શીખવવામાં આવતું. આ અરસામાં અધ્યક્ષ મહારાજ પોતે ગુજરાતી વાંચતાં લખતાં શીખ્યા.

એ સમયે રામકૃષ્ણ-વિવેકાનંદની વિચારધારાના પ્રકાશન કાર્યમાં સેવા આપવાનો મને મોકો મળ્યો અને ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ નામના ગુજરાતી માસિકનો પ્રારંભ થયો. ગુજરાતી ભાષામાં એકમાત્ર અને સર્વપ્રથમ માસિકની શરૂઆત થઈ. એ વિશે પણ થોડી વધુ વાતો જાણવા જેવી છે.

આશ્રમનાં કાર્યોથી મારા મનમાં થયું કે શ્રીઠાકુર મારે માટે જ જાણે કે સ્થિર થવાની ભૂમિકા તૈયાર કરી રહ્યા છે! રખડતા ઢોરને ખીલે બાંધવાની વ્યવસ્થા કરી રહ્યા છે. અધ્યયન-અધ્યાપનનો જ હું જીવ રહ્યો અને એવી ભૂમિકા જ અહીં બંધાવા લાગી! જો આ ભૂમિકા ન રચાઈ હોત તો તો મારી સ્થિતિ, ‘બી.એ. હુએ, નૌકરી મિલી, પૈંશન મિલી ઔર મર ગએ’ – જેવી – કશી ખાસિયત વગરની જ ખતમ થઈ ગઈ હોત!

આનાં ઘણાં વરસો પહેલાં સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે પ્રો. જે. આર. વૈદ્યને રામકૃષ્ણભાવધારાની એક પત્રિકા ગુજરાતીમાં શરૂ કરવાનું સૂચન કરેલું અને વૈદ્ય સાહેબે મારે કાને એ વાત નાખેલી પણ ખરી, પણ ગમે તે કારણે એ વાત એ વખત ફળિભૂત નહોતી થઈ. આ વખતે પણ પત્રિકા માસિક કે ત્રૈમાસિક કાઢવી, એ વિશે મતાંતર ઊભું થયેલું પણ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના દૃઢ વલણને કારણે પત્રિકા ‘માસિક’ થઈને જ રહી અને એનું નામ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ પણ એમની જ સૂચનાથી રાખવામાં આવ્યું. 

માસિક ‘જ્યોત’ અને ‘શાસ્ત્રીય અધ્યાપન’ની શ્રીઠાકુરે કરી આપેલી કાર્યભૂમિકામાં હું નિષ્ઠાથી કામ કરવા લાગ્યો. મને તૃપ્તિના ઓડકાર આવવા લાગ્યા. બંને ક્ષેત્રે પરિતોષજનક કામ થવા લાગ્યું છેલ્લી જિંદગીમાં પણ પરિતૃપ્તિ મળે એ સદ્‌ભાગ્યની નિશાની છે. એવું મને લાગવા માંડ્યું, જીવનની કશીક વિશેષતાનો અનુભવ કરવા લાગ્યો. કેટલાંક વરસો સુધી ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નું કામ કરવાનો મને ખૂબ આનંદ આવ્યો છે.

તે જ આરસામાં આશ્રમના તત્કાલીન અધ્યક્ષની બદલી થઈ ગઈ પણ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નું કામકાજ ખૂબ ધમધોકાર ચાલ્યું. ભાતીગળ, વિચારપ્રેરક અનેક લેખો લખાયા, અનેક મહત્ત્વના અનુવાદો થયા એ અરસામાં મને લાગે છે કે મેં દોઢસોએક લેખો લખ્યા અને ૧૫-૨૦ મહત્ત્વના વિવિધ વિષયોનાં પુસ્તકોના અનુવાદો કર્યા. મેં એ દસ વરસ દરમિયાન ખરેખર સંતોષજનક કાર્ય કર્યું.

પણ પછી અચાનક મારા જીવનમાં વિષમકાળ શરૂ થયો! લોકો ચમત્કારમાં માને કે ન માને પણ મારા જીવનમાં તો ખરેખર ચમત્કાર જ સર્જાયો અને એક પછી એક એમ રોગો સતત ઘર કરવા ઇચ્છતું હતું, તો બીજું પરિબળ મને બચાવવા મથી રહ્યું હતું. મારા જીવન સાથેનો આ બંને પરિબળોનો ખેલ લગભગ છ-સાત વરસ ચાલ્યો. પહેલાં તો ગોલ્ડ બ્લેડરની પીડા શરૂ થઈ એ નિવારવા ઓપરેશન કરીને પિત્તાશય કાઢી લીધું પ્રોસ્ટેટે ઉપાડો લીધો! એનુંય ઓપરેશન કર્યું. જ્યાં એ થયું કે કોણ જાણે ક્યાંથી તીવ્ર હાર્ટએટેક – હૃદયરોગનો હુમલો થયો! એમાંથી માંડ ઊગર્યો, ત્યાં વળી ફેફસાંમાં પાણી ભરાયું! એ કઢાવ્યું ત્યાં આંખનો મોતિયો ઊભો થયો – વાંચવું બંધ થયું. ઓપરેશન કરાવી એક માસ પછી પાછું વાંચવાનું શરૂ કર્યું; ત્યાં ગાલ અને મોઢે હરપીસ થઈ પડ્યો! કાળી બળતરા! માંડ માંડ મટી ત્યાં હેડકી શરૂ થઈ સતત એવી ચાલું રહી કે સૂવા ન દીએ! એની કોઈ દવા નહિ! એની સાથે હરસની પીડા પણ થઈ! લોહીનું દબાણ વધી પડ્યું. ત્યાં વળી પગમાં હાડકાંનું કંઈક એવું થઈ ગયું કે પગ લંગડાતો થઈ ગયો! ત્યારબાદ વળી આંતરડામાં મસો થવાથી ઓપરેશન કરાવવું પડ્યુ. આ રોગની હારમાળા દરમિયાન બધાં લખવા-વાંચવાનાં કામો છૂટી ગયાં નવરોધૂપ થઈ બેસી રહ્યો! ‘જ્યોત’ વગેરેનાં કામો અન્ય ભાઈઓએ સંભાળ્યાં! દેખીતી રીતે જ કશું કામ કરવામાં અશક્ત થઈ ગયો. સ્વજનોને પણ એમ જ લાગ્યું અને તેઓ જાણે મારી છેલ્લી વિદાય લેતા હોય, તેવી રીતે ઘરે કે હોસ્પિટલમાં મળી પણ ગયા!

પણ ભગવાનની ઇચ્છાને, એના ચમત્કારને, એના હેતુને કોણ સમજી શકે છે? હું ચમત્કારિક રીતે એ તેર-ચૌદ વ્યાધિઓમાંથી બેઠો થઈ ગયો, લાગે છે કે ચમત્કારો આજેય બને છે! ઠાકુરની લીલા જ ન્યારી છે. સૌને મારા પુન: સ્વાસ્થ્ય લાભની જાણ થઈ. ઓચિંતો જ એક વિચાર આશ્રમના સંન્યાસીઓએ મારી સમક્ષ મૂક્યો. સંભવ છે કે એ વિચાર એમના મનમાં ઘણા વખતથી ઘોળાતો રહ્યો હોય! તેમણે સવારસાંજ આવી રામકૃષ્ણપૂંથિને મઠારવાનું મને કહ્યું. મેં હા તો પાડી પણ એ કામ ખાલી મઠારવાનું જ ન નીકળ્યું! એમાં તો ઘણા ભાગની રચના કરવાનું પણ નીકળી પડ્યું! પહાડ જેવું મોટું કામ! અસ્વસ્થ તબિયતમાંથી હમણાં જ ઊભા થયેલા મેં ભગવાન પર ભરોસો રાખીને કપરાં ચઢાણ ચડવા શરૂ કર્યાં. આશ્રમના સંન્યાસીઓની સાથે સતત કામ ચાલ્યું અને સમગ્ર જોનારાઓના આશ્ચર્ય વચ્ચે ૫૦૦૦ પંક્તિઓ નવી ઉમેરાઈ અને પહેલા ભાગનું વિમોચન પણ થઈ ગયું! બીજો ભાગ પણ ટૂંક સમયમાં પ્રકાશિત થવાની તૈયારીમાં છે. શ્રીઠાકુરની ઇચ્છા અને ચમત્કાર વગર આ બધું થાય ખરું કે!

હજુ તબિયત સારી છે. ક્યારેક ચડાવ ઉતાર આવ્યા કરે છે પણ એકંદરે કામ થાય છે, શાસ્ત્રીય વર્ગો ચલાવાય છે, લેખો ક્વચિત્‌ લખાય છે, અનુવાદો થાય છે. પણ એમાં કોઈ આસક્તિ રહી નથી, આસક્તિ એટલી ખરી કે લોકો વાંચે તો સારું. બાકી કશી ખેવના નથી. વળી આ પણ એક ભગવદ્‌ભક્તિનો પ્રકાર છે એમ માનું છું એટલે મારા દૈનિક વાચન-મનન સાથે આ લેખનનો પણ ઠીક મેળ બેસી ગયો છે. સમય કેમ પસાર કરશું, એનો પ્રશ્ન રહેતો નથી. ‘આશ્રમગમન’ એ જ સમયયાપનનો પર્યાય બની ગયો છે અને એમાં હું રાજી છું; ઘરનાં સૌ રાજી છે, ઠાકુરેય રાજી હશે. અને આ સહજ વાનપ્રસ્થ લાગે છે. બાકી તો –

ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સ્હેજે;
ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે.

એ જ મુદ્રાલેખ!

Total Views: 56

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.