(ગતાંકથી આગળ)

ખલિલ જિબ્રાનનું એક વાક્ય યાદ આવે છે : ‘તમારાં સંતાનો તમારા દ્વારા જરૂર આવે છે, પણ તે ‘તમારાં’ હોતાં નથી.’ અર્થાત્‌ તમારાં સંતાનોનો વર્ણ તમારા વર્ણ કરતાં જુદો હોય છે. એમના મનની ધાતુ જુદી હોય છે, વલણો જુદાં હોય છે; કૌશલ જુદાં હોય છે, રસરુચિ વિભિન્ન હોય છે. પ્રાચીન વૈદિક વર્ણવ્યવસ્થામાં આ સત્યનો સ્વીકાર અને અમલ હતાં.

આ કામ રાજ્યનું – શાસનનું છે. દરેક વ્યક્તિને એના ‘વર્ણ’ પ્રમાણેના અધિકાર અને કર્તવ્ય મળે છે કે નહિ? મનોવલણ પ્રમાણે કર્તવ્ય બજાવતી વ્યક્તિ ભૂખે તો નથી મરતી ને? વર્ણવ્યવસ્થાના ‘શ્રમવિભાજન’નો અર્થ અધિકારવિભાજન પણ છે એ રાજ્યે જોવું જોઈએ. અધિકારની ખેંચાખેંચીમાં આ વિભાજન ખોવાઈ ન જવું જોઈએ એ મહત્ત્વની વાત છે. જૂના કાળના ગ્રીસના દાર્શનિક પ્લેટોએ આદર્શ સમાજ વિશે પોતાના ‘રિપબ્લિક’માં આ સંદર્ભમાં જે છે તે વાંચવા અને સરખાવવા જેવું છે.

વર્ણવ્યવસ્થાના રૂપમાં ભારતીય સંસ્કૃતિએ સમાજના વિકાસ માટે એક મહાન સિદ્ધાંતનો આવિષ્કાર કર્યો હશે. પણ આજે જેેને ‘વર્ણવ્યવસ્થા’ને નામે ખોટી રીતે ઓળખવામાં આવે છે તે તો સમાજનો એક સડો જ છે, એક વિકૃતિ જ છે. ભારતીય સંસ્કૃતિએ નિર્માણ કરેલું પેલું ભવ્ય ભવન એ નથી જ. અત્યારે કહેવાતી ‘વર્ણવ્યવસ્થા’ તો એક ખંડેર છે. ભારતીય સંસ્કૃતિની વર્ણવ્યવસ્થા કોઈ સંસ્થા માટે પણ સિદ્ધાંત છે અને એ સિદ્ધાંતે ભારતીય હિંદુ સમાજને આજ સુધી પ્રભાવિત કર્યે રાખ્યો છે.

આપણે જોયું કે ગુણકર્મપ્રધાન પ્રાચીન વર્ણવ્યવસ્થામાંથી જન્મપ્રધાન વિકૃતિ રૂપે જાતિ-વ્યવસ્થા જન્મી. પહેલાં એ જાતિ પણ વર્ણ પ્રમાણે ચાર નામવાળી જ હતી. આ જાતિ પ્રથા ભારતની આગવી નીપજ છે. એનો આધાર જન્મ છે, કર્મની ઉપેક્ષા છે. કોઈક આ જાતિપ્રથાના મૂળમાં અમીરી-ગરીબી જુએ છે. મૂળ તો ‘જન્‌’ જન્મવું એ ધાતુ પરથી એ શબ્દ બન્યો છે. એટલે જન્માધારિત જ છે. પ્રજનનિક (Genetic) આધાર પર સમાજની રચના થઈ અને ત્યારથી ભેદની ભીંતો સમાજમાં ચણાવા લાગી.

વર્ણવ્યવસ્થા વેદોની ઉપજ છે, તો જાતિપ્રથા બ્રાહ્મણગ્રંથો અને કાળ ક્રમે રચાતી આવતી સ્મૃતિઓની નીપજ છે. જન્મપ્રધાન આ જાતિ પ્રથાએ સમાજમાં ઉચ્ચનીચના ભેદો ઊભા કર્યા, રોટી-બેટી વ્યવહારનાં બંધનો લાદ્યાં; અનુલોમ લગ્નની છૂટ આપીને સ્થાપિત હિતો પોષ્યાં, અસ્પૃશ્યતાને જન્મ આપ્યો, જ્ઞાતિ બહાર મૂકવાનો ભય ઊભો કર્યો, અમુક વ્યવસાય કરવાનો પ્રતિબંધ અમૂક જ્ઞાતિઓમાં મૂકાયો, વગેરે કેટલાંય દૂષણો સમાજમાં પ્રવેશ્યાં. આ જાતિ એટલે જ જ્ઞાતિ.

આ જાતિવ્યવસ્થા વ્યક્તિને માનસિક નિરાંત આપે છે, નિશ્ચિત વ્યવસાય હોય તો આર્થિક નિશ્ચિંતતા પણ વ્યક્તિને મળે છે; એનાથી એક પ્રકારની સામાજિક સુરક્ષા પણ પ્રાપ્ત થાય છે, તે તે જાતિના લોકોનું સંગઠન પણ વધે છે, જુદાં જુદાં એકમોનાં સંગઠનો રચાય છે. આ બધું થાય છે – થતું હશે. પરંતુ એનાથી અરાષ્ટ્રિયતા વધે છે એનું શું? શોષણ વધે છે એનું શું? પ્રગતિ અટકી જાય છે એનું શું? ઊર્ધ્વગામિતા સ્થગિત થઈ જાય છે. એનું શું? આ જાતિપ્રથા એક અપ્રજાતાંત્રિક સમાજરચના છે એમ સૌ કોઈ કહી શકશે.

છતાં પણ શરીર રચનાનો ભેદ, સમાજિક ડર, પરંપરાપ્રેમ, ભૌગોલિક અલગપણું અને સૌથી વધારે તો સ્થાપિત હિતો અધિકારો, ઓછી યોગ્યતાએ જ્ઞાતિ (જાતિ)માં મોટપ મેળવવાની સુવિધા, વગેરે પરિબળો જાતિ-જ્ઞાતિને ટકાવી રાખનારાં પરિબળો છે તો ખરાં.

એક જમાનો જરૂર એવો હતો કે જ્યારે આ જાતિ-જ્ઞાતિપ્રથાએ સમાજરક્ષામાં પોતાનો ફાળો નોંધાવ્યો હતો. મધ્યકાળમાં મુસલમાનોથી હિંદુધર્મની રક્ષા એણે જરૂર કરી છે, એણે વિદેશીઓને અમુક અમુક જાતિઓ આપીને બધાને હિંદુસમાજમાં સમાવી લીધા; વ્યવસાયોમાં સ્થિરતા લાવવાનો પ્રયાસ પણ જ્ઞાતિપ્રથાએ એ કાળમાં કર્યો હતો. પણ આજે એવી કોઈ ઐતિહાસિક આવશ્યકતા રહી નથી. કે જેથી મનોવૈજ્ઞાનિક વાસ્તવિકતાને અવગણીને એને જીવતી રાખવી પડે. આજે તો વકરેલા જ્ઞાતિવાદને નાથવાની જરૂર છે, એ કૂપમંડૂકતામાંથી બહાર નીકળવાની જરૂર છે. ઔદ્યોગીકરણ, નગરીકરણ, આજીવિકાની પસંદગી અને એનો વ્યાપ, વગેરેના વિકાસ સાથે જ્ઞાતિ (જાતિ) વાદનો ક્યાંય મેળ બેસતો નથી.

છતાંયે આજે દેશમાં વધી કે વધારાઈ રહેલો જાતિવાદ રાષ્ટ્રિયતા અને લોકતંત્રની ભાવનાથી વિપરીત જ છે. એનાથી અયોગ્ય લોકોના હાથમાં શાસન આવી પડે છે. સમાજમાં જાતિવ્યવસ્થા કદાચ રહે તો એનો તો એટલો વાંધો નથી પણ આ ‘જાતિવાદ’ તો ખત્મ થઈ જ જવો જોઈએ. કારણ કે ખરી વાત તો એ છે કે ‘જાતિવાદ’નું ફરજંદ જ જાતિવ્યવસ્થા છે. કાનૂન દ્વારા જાતિવાદને સમાપ્ત કરી દેવો જોઈએ. આંતર્જાતીય વિવાહો થાય, જાતિવિમુક્ત સમૂહોનું નિર્માણ થાય, વૈદિક ‘એકવર્ણતા’ રચાય, લોકોમાં શિક્ષણ વધે, સમજદારી વધે, સ્થાપિત હિતો ધાર્મિક અને મૂલ્યનિષ્ઠ દૃષ્ટિથી દૂર કરવામાં આવે તો જ સમાજ સ્વસ્થ, ગતિશીલ બને પણ એવો દિવસ ક્યારે આવશે?

એવો દિવસ જલદી આવે એટલા માટે આપણે પ્રાર્થના કરીએ કે

‘ધ્વજ પ્રકાશશે ઝળળ કસૂંબી પ્રેમશૌર્યઅંકિત
તું ભણવ ભણવ નિજ સંસ્કૃતિ સૌને પ્રેમભક્તિની રીત,

ઊંચ તુજ સુંદર જાત,
જય જય મુજ ભારત માત.’

Total Views: 49

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.