(ગતાંકથી આગળ)

જ્યારે જ્યારે શ્રીરામકૃષ્ણ યાત્રાએ જતા ત્યારે તેમને એક સાથીની જરૂર પડતી. એનું કારણ એ હતું કે શ્રીઠાકુર સુદ્ધાં પણ ક્યારે સમાધિભાવમાં આવી જાય એ શ્રીઠાકુર પોતે અને બીજા કોઈ જાણતા ન હતા. એ સમયે કોઈકે એમને પકડી રાખવા માટે તૈયાર રહેવું પડતું અને જરૂર પડે તો એમને પડતા પણ રોકવા તત્પર રહેવું પડતું. ૧૮૭૫ના માર્ચમાં શ્રીરામકૃષ્ણ અને હૃદય સુખ્યાત બ્રાહ્મોસમાજના નેતા શ્રી કેશવચંદ્ર સેનને મળવા બેલઘરિયામાંના એમના નિવાસસ્થાને ગયા. ત્યાં આધ્યાત્મિક શિબિર હતી. તેઓ બંને ઘોડાગાડીમાં ગયા અને બપોર પછી ત્યાં પહોંચ્યા. હૃદયરામ કેશવચંદ્ર સેનને કહેવા એકલા ગયા અને પછી તેના મામાની ઓળખાણ કરાવતાં કહ્યું : ‘મારા મામા પણ મહાન પ્રભુ પ્રેમી છે. તેમને પ્રભુ વિશેની વાત અને પ્રભુનાં ગીતો સાંભળવા ગમે છે. જ્યારે તેઓ એ સાંભળે છે ત્યારે તે સમાધિભાવમાં આવી જાય છે. તેમણે સાંભળ્યું છે કે તમે ઘણા મોટા પ્રભુભક્ત છો. એટલે તેઓ તમારી ઈશ્વર અને તેના મહિમા વિશેની વાતો સાંભળવા અહીં આવ્યા છે. આપની પરવાનગી સાથે હું એમને આપની પાસે લાવું છું.’ અલબત્ત, કેશવચંદ્ર સેને સંમતિ આપી અને હૃદયરામ શ્રીઠાકુરને કેશવનો સમૂહ જ્યાં બેઠો હતો ત્યાં લઈ આવ્યા. પ્રથમ દૃષ્ટિએ કેશવ અને તેના નિરીશ્વરવાદી બ્રાહ્મોસમાજીઓએ શ્રીરામકૃષ્ણમાંસામાન્ય સિવાય બીજું કાંઈ ન જોયું.

શ્રીરામકૃષ્ણે વિનમ્ર્રતાથી પૂછ્યું : ‘મહાશય, આપને ઈશ્વરદર્શન થયા છે એ વાત સાચી છે? એ દર્શન કેના જેવાં હોય છે. એ વિશે હું બધું જાણવા ઇચ્છું છું. એટલે જ હું તમને અહીં મળવા આવ્યો છું.’ પછી શ્રીઠાકુરે રામપ્રસાદનું ભજન-ગીત ગાયું : ‘કાલી કોણ છે એ કોણ જાણે રે? ષડ્‌દર્શનો પણ ન એને વર્ણવી શકે રે.’ ગીત ગાયા પછી શ્રીઠાકુર સમાધિભાવમાં સરી પડ્યા. (ક્રિસ્ટોફર ઈશરવૂડ કૃત ‘રામકૃષ્ણ એન્ડ હીઝ ડિસાય્‌પલ્સ’, પૃ. ૧૫૯-૧૬૦)

બ્રાહ્મોસમાજની પાસે સમાધિની સંકલ્પના ન હતી. એટલે એમણે તો આ કોઈ માનસિક માંદગી છે કે શ્રીરામકૃષ્ણની એમના પર પ્રભાવ પાડવાની યુક્તિ-પ્રયુક્તિ છે એમ માની લીધું. શ્રીઠાકુરને સામાન્ય બાહ્યદેહભાનમાં લાવવા માટે હૃદયરામ એમના કાનમાં ૐ મંત્રનું રટણ કરવા લાગ્યા. ધીમે ધીમે શ્રીઠાકુરનો ચહેરો આનંદથી ઝળકી ઊઠ્યો અને ભાવાવસ્થામાં તેમને કેટલીક બોધકથાઓ કહીને કેશવ અને એમના શિષ્યોને મુગ્ધ બનાવી દીધા. ૨૧ સપ્ટેબર, ૧૮૭૯ના રોજ શ્રીરામકૃષ્ણે કેશવચંદ્ર સેનના કોલકાતાના નિવાસસ્થાને એમની ફરીથી મુલાકાત લીધી. અહીં શ્રીરામકૃષ્ણ કીર્તન ગાતી વખતે ઊભા થયા અને સમાધિભાવમાં આવી ગયા. હૃદયરામે તરત એમને પકડી લીધા. જ્યારે શ્રીઠાકુર આવી રીતે સમાધિભાવમાં હતા અને હૃદયરામે એને પકડી રાખ્યા તે વખતે એ બંનેની તસવીર ખેંચવા માટે કેશવચંદ્ર સેન પાસે એક તસવીરકાર હતા. તેમણે એક તસવીર લીધી. શ્રીઠાકુરની આ પ્રથમ તસવીર છે.

એક વખત હૃદયરામ સાથે શ્રીરામકૃષ્ણ દક્ષિણ કોલકાતાના કાલીઘાટમાં મા કાલીનાં દર્શન કરવા ગયા. મંદિરની નજીકના તળાવની ઉત્તરે કચ્ચુ નામના વૃક્ષનાં ઝાડીઝાંખરાં હતાં. એ ઝાડીઝાંખરાંમાં શ્રીરામકૃષ્ણે લાલ કિનારનું વસ્ત્ર પહેરેલ બાલિકાના રૂપે શ્રીમા જગદંબાને જોયાં. તેઓ કેટલીક સખીઓ સાથે રમતાં હતાં, તીડડાં પકડતાં હતાં. એમને જોઈને શ્રીઠાકુર બોલી ઊઠ્યા : ‘મા, એ મા!’ અને થોડીવારમાં જ એમણે બધું બાહ્યભાન ગુમાવી દીધું. સામાન્ય ભાનમાં આવતા તેઓ મંદિરમાં પ્રવેશ્યા અને પેલાં ઝાડીઝાંખરાંમાં રમતી વખતે પહેરેલ કપડાંમાં શણગારેલ શ્રીમા કાલીની મૂર્તિનાં દર્શન કર્યાં. શ્રીઠાકુરની આ વાત સાંભળીને હૃદયરામે પૂછ્યું : ‘મામા, તો પછી તમે મને ત્યાં તે વખતે શા માટે ન કહ્યું. હું ત્યાં દોડી જાત અને એમને પકડી લાવત.’ શ્રીરામકૃષ્ણ હસ્યા અને કહ્યું : ‘એ શું એટલું બધું સરળ છે? જો મા જગદંબા પોતે પકડાવા ન ઇચ્છતા હોય તો કોની તાકાત છે કે એમને કોઈ પકડી શકે? એમની કૃપા વિના કોઈ એમને નજરે ન નીરખી શકે.’ (શરદચંદ્ર ચક્રવર્તી કૃત ‘સાધુ નાગમહાશય’ ઉદ્‌બોધન, પૃ. ૩૭)

એક વખત કોલકાતામાં એક મોટું પ્રદર્શન ભરાયું હતું. આ પ્રદર્શનમાં ઘણા મહારાજાઓએ સોનાનાં શંખ, અલંકારો જેવી કિંમતી વસ્તુઓ મોકલી હતી. કેટલાક ભક્તોએ એ વિશે શ્રીઠાકુરને વાત કરી. શ્રીરામકૃષ્ણ માનવ મનોવિજ્ઞાનને બરાબર જાણતા હતા. જેઓ ધનની આકાંક્ષા સેવતા હોય તેઓ ધનની જ વાત કરે. તેમણે હસતાં હસતાં ભક્તોને કહ્યું : ‘એવી વસ્તુઓના પ્રદર્શન જોઈને તમે ઘણું મેળવી શકો. પરંતુ મહારાજાએ મોકલેલી સોનાની વસ્તુઓ અને બીજા પદાર્થો ક્ષુદ્ર છે એવી અનુભૂતિ તમને થાય તો એક મોટી પ્રાપ્તિ ગણાય. જ્યારે હું હૃદયરામ સાથે કોલકાતામાં જતો ત્યારે વાઈસરોયનો મહેલ બતાવીને મને કહેતો : ‘જુઓ, મામા! મોટા મોટા સ્તંભવાળો આ વાઈસરોયનો મહેલ છે.’ શ્રીમાએ તો મને દેખાડ્યું છે કે એ બધા એક ઉપર બીજી ચણેલી માટીની ઈંટો જ છે. ઈશ્વર અને તેમની માયાનો જ ભપકો છે. ઈશ્વર જ સત્ય છે; અને આ માયાનો ભપકો તો બે દિવસના ખેલ જેવો છે. (શ્રીરામકૃષ્ણ કથામૃત ‘ગોસ્પેલ’  પૃ. ૪૦૦)

૧૮૮૦માં હૃદયરામ સાથે શ્રીરામકૃષ્ણે કામારપુકુરની છેલ્લી મુલાકાત લીધી. એ પ્રસંગે તેઓ શિહડ અને શિહડથી થોડા માઈલ દૂર આવેલ ફુલુઈ શ્યામબાજાર વૈષ્ણવોના એક ઉત્સવમાં ગયા. ચોતરફથી લોકો ત્યાં આવતા અને દિવસ-રાત રોકાતા. અહીં શ્રીઠાકુરે યોગમાયાના આકર્ષણનું પ્રગટીકરણ કર્યું હતું. જ્યારે ઈશ્વર પોતે જ આ ધરતી પર અવતારરૂપે અવતરે છે ત્યારે તેઓ પોતાની આ શક્તિથી લોકોને આકર્ષે છે અને એમને મંત્રમુગ્ધ બનાવી દે છે. શ્રીઠાકુરે પાછળથી એનું વર્ણન કરતા કહ્યું હતું : ‘એવી સર્વત્ર અફવા ફેલાઈ ગઈ કે સાત વખત મૃત્યુ પામેલ (એમની સમાધિનો ઉલ્લેખ કરીને) એક માણસ ફરી પાછો સજીવ બન્યો છે. હૃદયરામ મને એ ટોળામાંથી ડાંગરનાં ખેતરો તરફ ઢસડી ગયો, કારણ કે એને એવો ભય હતો કે આ લોકોની મહાભીડની ગરમીને કારણે હું મૂર્છિત ન થઈ જાઉં. હારબંધ કીડીની જેમ લોકો પણ અમારી પાછળ પાછળ આવ્યા. વળી પાછા ઝાંઝ-કાસા અને પખવાજ નગારાના ‘તાકુટી! તાકુટી!’ જેવા સતત વહેતા અવાજ. હૃદયરામે એ બધાને ઠપકો આપતાં કહ્યું : ‘તમે બધા આવી રીતે અમને શા માટે કનડો છો? શું અમે ક્યારેય કીર્તન નથી સાંભળ્યાં?’ (શ્રીરામકૃષ્ણ કથામૃત ‘ગોસ્પેલ’ પૃ. ૪૦૦)

જ્યારે જ્યારે શ્રીરામકૃષ્ણ કામારપુકુરની મુલાકાતે આવતા ત્યારે પોતાના ગામનાં સ્ત્રી-પુરુષો, દૂર દૂરનાં નરનારીઓ એમની આસપાસ દિવસ-રાત ટોળે વળતાં. બહેનો વિવિધ પ્રકારની મીઠાઈઓ, ફળ અને રાંધેલું ભોજન લાવતી. હાલદારપુકુરમાં સ્નાન કરવા જતી વેળા રસ્તામાં શ્રીઠાકુર સાથે થોડા વધારે સમય સુધી વાતચીત કરી શકે એટલા માટે કેટલીક બહેનો પોતપોતાનાં ઘરકામ વહેલાં પૂરાં કરી લેતી. બહેનો પોતાનું બપોરનું ભોજન રાંધવા ઘરે જાય ત્યાર પછી સામાન્ય રીતે પુરુષો આવતા. આમ શ્રીઠાકુરને આરામનો સમય ઘણો ઓછો મળતો. તેઓ તો એ બધાને હસી-મજાક કરીને, ગીતો ગાઈને, બોધકથાઓ કહીને ખુશખુશાલ બનાવી દેતા. જ્યારે મથુરબાબુ જીવતા હતા ત્યારે શ્રીઠાકુરના વ્યક્તિગત ખર્ચ માટે હૃદયરામને તેઓ પૈસા આપતા રહેતા. પરંતુ શ્રીરામકૃષ્ણ તો હંમેશા એનો કેટલોક ભાગ ગરીબ ગ્રામ્યજનોમાં વહેંચી દેતા.

એક પ્રસંગે શ્રીરામકૃષ્ણ પોતાના સાસરાના ગામ જયરામવાટી જવા ઇચ્છતા હતા. જયરામવાટી કામારપુકુરથી ત્રણ માઈલ દૂર હતું. શ્રીઠાકુરનું શરીર એટલું નાજુક હતું કે તેઓ આટલું લાંબું અંતર ચાલી શકે એમ ન હતા. એટલે હૃદયરામે એમને લઈ જવા માટે પાલખીની વ્યવસ્થા કરી.

કસુંબી રંગનું વસ્ત્ર પહેર્યું હતું અને હાથે સોનાનું માદળિયું હતું. એમના હોઠ પાન ખાવાને લીધે લાલ હતા. જેવા તેઓ પાલખીમાં બેસવા જતા હતા કે એમનું ધ્યાન ત્યાં મળેલ લોકોના મોટા ટોળા તરફ ગયું. એમણે હૃદયરામને આ માટેનું કારણ પૂછતાં હૃદયરામે શ્રીઠાકુરને કહ્યું: ‘વારુ, તમે અહીંથી ચાલ્યા જાઓ છો અને એ લોકો તમને કેટલાક દિવસો સુધી નહિ જોઈ શકે. એટલે તેઓ અહીં તમને વિદાય થતાં જોવા મળ્યા છે.’ શ્રીઠાકુરે કહ્યું: ‘પણ એ લોકો તો મને દરરોજ જુએ છે. આટલી મોટી સંખ્યામાં એ લોકોને તો પછી આજે એવા કયા તત્ત્વે કે લક્ષણે આકર્ષ્યાં છે? આ સાંભળીને હૃદયરામે કહ્યું: ‘વાત એમ છે કે તમે આ કસુંબી રંગનાં વસ્ત્રમાં ઘણા ખૂબસૂરત લાગો છો અને તમારા હોઠ લાલ-લાલ થઈને શોભે છે. એટલે જ એ લોકો તમને જોવા અહીં આવ્યા છે.’ ભીતર રહેલા પ્રભુનાં દર્શન કરવાની ઝંખનાને બદલે પોતાના બાહ્ય અને ક્ષણભંગુર શારીરિક સૌંદર્યથી લોકો આકર્ષાયા હતા તેથી તેમને દુ:ખ થયું. તેઓ બોલી ઊઠ્યા: ‘અરે આ શું! લોકો તો એક માનવને જોવા ટોળે વળ્યા છે. હું જઈશ નહિ. જ્યાં જ્યાં હું જઉં ત્યાં લોકો આ જ રીતે ટોળે વળવાના!’ શ્રીઠાકુર પોતાના ખંડમાં પાછા ફર્યા અને સૂગ અને ઘૃણા સાથે તેમણે પોતાનું રેશમી વસ્ત્ર કાઢી નાખ્યું. હૃદયરામ અને બીજાની વિનવણી છતાં પણ તેઓ તે દિવસે બહાર ન ગયા. (સ્વામી સારદાનંદ કૃત ‘શ્રીરામકૃષ્ણ, ધ માસ્ટર’, પૃ. ૫૧૧) ત્યાર પછી તેઓ દક્ષિણેશ્વર પાછા ફર્યા.

હૃદયરામ ૧૮૫૫માં શ્રીરામકૃષ્ણના અંગત સેવક બન્યા. તેમણે પ્રેમ અને વફાદારીપૂર્વક પોતાના મામાની સેવા કરવાનું કામ પ્રૌઢાવસ્થા સુધી કર્યું. યુવાન હૃદયરામમાં મુર્ખામી અને લાગણીવેડા જેવા કેટલાક દોષો તો હતા, પણ શ્રીઠાકુર એને નજરઅંદાજ કરી નાખતા. આમ છતાં ૪૦ વર્ષની ઉંમરથી હૃદયરામનું વ્યક્તિત્વ બદલાઈ ગયું. ધીમે ધીમે તેઓ ઈર્ષ્યાળુ, નિર્દય, આપખુદ બની ગયા. તેઓ જેલરની જેમ વર્તતા. જે કોઈ પણ શ્રીરામકૃષ્ણદેવને મળવા ઇચ્છતા તેણે પહેલાં હૃદયરામ પાસે જવું પડતું અને થોડા પૈસા આપવા પડતા; નહિ તો હૃદયરામ એ વ્યક્તિને પોતાના મામાને મળવા ન દેતા. જ્યારે શ્રીઠાકુરને આ બધાનો ખ્યાલ આવ્યો ત્યારે તેમણે હૃદયરામને ઠપકો આપ્યો. આમ છતાં પણ હૃદયરામે એના પર કંઈ ધ્યાન ન આપ્યું અને એણે તો પોતાની રીતે વર્તવાનું ચાલુ રાખ્યું અને દરેકેદરેકને સ્પષ્ટપણે કહ્યું હતું કે એમના મામા (શ્રીઠાકુર) એમના પર જ આધારિત છે. બીજા સમક્ષ તેઓ શ્રીઠાકુર સાથે ઉદ્ધતાઈભર્યા શબ્દો બોલતા અને એમના ગયા પછી એમની પીઠ પાછળ હસતા પણ ખરા. ક્યારેક ક્યારેક હૃદયરામ શ્રીરામકૃષ્ણે પોતાના સમાધિભાવમાં કરેલા સંકેત કે હાવભાવનું અનુકરણ કરીને લોકોને આકર્ષવાનો પ્રયત્ન કરતા. અને ક્યારેક શ્રીઠાકુરની જેમ જ નાચવાનો અને ગીતો ગાવાનો પ્રયત્ન કરતા.

એક વખત શ્રીરામકૃષ્ણ તાવને લીધે પથારીમાં હતા. કોલકાતાથી કેટલાક ભક્તો શ્રીઠાકુર માટે ફૂલગોબી લઈને દર્શને આવ્યા હતા. શ્રીઠાકુર ખૂબ ખુશ થયા અને ઉતાવળે સાદે કહ્યું: ‘એને સંતાડી દો અને હૃદયને કહેતા નહિ, નહિ તો તે મને ભાંડશે.’ આમ હોવા છતાં પણ શ્રીઠાકુર હૃદયની ભૂતકાળની સેવાઓને પ્રશંસીને તેનો બચાવ પણ કરતાં કહેતા: ‘મા જગદંબાએ તેની વફાદારીને લીધે ઘણો બદલો વાળ્યો છે. પોતાને માટે એ થોડીઘણી જમીન પણ ખરીદી શક્યો છે. અને લોકોને પૈસાની ધીરધાર પણ કરી શકે છે. આ મંદિરમાં ઘણી મહત્ત્વની વ્યક્તિ છે અને માન-સન્માન મેળવે છે.’ હજુ તો શ્રીઠાકુરે પોતાનું કથન માંડ માંડ પૂરું કર્યું ત્યાં જ હૃદયરામ ઓરડામાં પ્રવેશ્યા અને એની નજર ફૂલગોબી પર ગઈ. શ્રીરામકૃષ્ણને ફાળ પડી અને એમણે હૃદયને કહ્યું: ‘જો ભાઈ, મેં એમને મારા માટે આ લાવવાનું કહ્યું નો’તું. તેઓ પોતાની મેળે લાવ્યા છે. એમને મેં ક્યારેય લાવવા કહ્યું નથી!’ પરંતુ હૃદયરામનો પિત્તો ગયો અને ક્રોધાવેશમાં શ્રીઠાકુરને કડક શબ્દોમાં ઠપકાર્યા. શ્રીરામકૃષ્ણે મા જગદંબાને કલ્પાંત સાથે વિનવણી કરી : ‘હે મા! તે મને આ સંસારનાં બધાં બંધનોથી મુક્ત કર્યો, છતાં હૃદયરામ આવી રીતે મારી અવમાનના કરે છે!’ પછી એકાએક એમનો ઉદ્વિગ્નતાભર્યો ભાવ બદલ્યો અને એમણે હાસ્ય સાથે કહ્યું : ‘હૃદય મને ખૂબ ચાહે છે એટલે જ મને ઠપકો આપે છે. એ તો હજી બાળક જ છે અને તે શું કરે છે એ જાણતો નથી. હે મા! તમારે એમના પર ગુસ્સે ન થવું જોઈએ.’ ત્યાર પછી શ્રીઠાકુર સમાધિભાવમાં આવી ગયા. (ક્રિસ્ટોફર ઈશરવૂડ કૃત ‘રામકૃષ્ણ એન્ડ હીઝ ડિસાય્‌પલ્સ’, પૃ. ૧૮૧-૧૮૨)

(ક્રમશ:)

Total Views: 47

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.