(સ્વામી હર્ષાનંદજી મહારાજે લખેલ ‘એનસાઈક્લોપિડિયા ઑન હિંદુઈઝમ’નું વિમોચન કરીને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સન્માનનીય ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે રામકૃષ્ણ મઠ, બેંગલોરમાં ૩૧ મે, ૨૦૦૮ના રોજ આપેલ વક્તવ્યનો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.)

‘એનસાઈક્લોપિડિયા ઓન હિંદુઈઝમ’ને વાચકો સમક્ષ મૂકવાના કાર્યક્રમમાં સહભાગી બનીને મને ઘણી પ્રેરણા મળી છે. અહીં ઉપસ્થિત સંન્યાસીઓને મારા પ્રણામ અને અગ્રણી અતિથિઓને મારા નમસ્કાર. ‘એ કોન્સાઈઝ એનસાઈક્લોપિડિયા ઓફ હિંદુઈઝમ’ના ત્રણ ગ્રંથોમાં થયેલ હિંદુધર્મનું મૂલ્યાંકન સ્વામી હર્ષાનંદજીએ પોતાના સુદીર્ઘ જીવનકાળમાં આપેલ ખરેખર અત્યંત ઉલ્લેખનીય પ્રદાન છે. ભૂતકાળ વર્તમાનને મળે છે અને આ એનસાઈક્લોપિડિયા દ્વારા ભવિષ્ય ઘડે છે એ વિચારના સંકેતસમું છે.

હિંદુધર્મની ઉત્ક્રાંતિ ૭૦૦૦ વર્ષથી વધુ વર્ષો પહેલાં થઈ છે. એમાંય ચાર વેદોએ દર્શન, ધર્મ, નીતિશાસ્ત્ર, સંસ્કૃતિ, કલા, વિજ્ઞાન અને સાહિત્ય જેવાં માનવજીવનનાં બધાં પાસાંને સતત સમૃદ્ધ બનાવ્યાં છે. મને ખાતરી છે કે વિદ્વાનો, માટે હિંદુધર્મનો આ વિશેષ વિશ્વકોષ એક પ્રમાણભૂત ગ્રંથ અને સંદર્ભસાહિત્ય બની રહેશે. અભ્યાસુઓ, પોતાના જીવનમાં સાચા ધર્મતત્ત્વને જીવી બતાવનાર, સમાજને વધુ સમૃદ્ધ બનાવનાર હિંદુધર્મ વિશેની વધુ સમજણ કેળવી શકશે.

ઈશ્વર : ન્યાય, પ્રેમ અને કરુણાની પ્રતિમૂર્તિ

‘ગોડ-ઈશ્વર’ એ શીર્ષકવાળા આ વિશ્વકોષનો હું પ્રથમ ભાગ વાંચતો હતો. એમાં લેખક કહે છે ‘ઈશ્વરના ગુણોનું વર્ણન કરતી વખતે હિંદુશાસ્ત્રો વધારે વાક્‌ચાતુર્ય ધરાવે છે. તે સર્વજ્ઞ અને સર્વશક્તિમાન છે. તેઓ ન્યાય, પ્રેમ અને સૌંદર્યનું મૂર્તિમંત રૂપ છે. વાસ્તવિક રીતે માણસ ક્યારેય ધારણ ન કરી શકે એવા બધા ઉત્તમ ગુણોનું મૂર્તિમંત રૂપ છે. ઈશ્વર પોતાનાં બધાં સર્જન પર પોતાની કૃપા, કરુણા અને આશીર્વાદ વરસાવવા હંમેશાં તત્પર રહે છે. વાસ્તવિક રીતે કહીએ તો આ વિશ્વના સર્જન પાછળનો એમનો હેતુ બધા જીવો પર પોતાની અમીવૃષ્ટિ કરવાનો, અને ક્રમશ: બધા જીવોને પ્રમાણમાં ઓછી પૂર્ણ અવસ્થામાંથી વધુ ઉચ્ચતર પૂર્ણ અવસ્થા તરફ દોરી જવાનો છે. પોતાના ભક્તોનાં શરણાગતભાવ અને પ્રાર્થનાઓથી તે સરળતાથી પ્રસન્ન થાય છે. અલબત્ત, પ્રાર્થનાઓનો એમનો પ્રતિભાવ ચોક્કસ સિદ્ધાંતો અનુસાર મળે છે. તે પ્રાર્થના વિશ્વના સર્વસામાન્ય કલ્યાણના વૈશ્વિક નિયમની વિરુદ્ધ ન હોવી જોઈએ અને વ્યક્તિ વિશેષના કલ્યાણને સ્પર્શતા કર્મયોગની વિરુદ્ધ ન હોવું જોઈએ.’ સ્વામીજીએ જે રીતે ઈશ્વરનું મૂર્તિમંત રૂપ વર્ણવ્યું છે તે અનન્ય છે. મને યાદ આવે છે કે હું મારી દરરોજની નમાજમાં ‘અલ્લાહ’ના ઉચ્ચારણથી પ્રારંભ કરું છું. અલ્લાહ એટલે સૌથી વધારે કલ્યાણકારી દયાળુ અને દેદીપ્યમાન.

ધર્મ

જ્યારે મેં હિંદુધર્મની વ્યાખ્યા જોઈ ત્યારે મને જાણવા મળ્યું કે ધર્મ એટલે આ સર્જન કરેલ બ્રહ્માંડને ધારણ કરે છે તે. તે તેને સંરક્ષે છે અને જાળવે પણ છે, એ સિવાય તો આ બ્રહ્માંડ ટકી ન શકે. જીવનના દરેક તબક્કે ધર્મ ભિન્ન ભિન્ન પ્રકારનાં કાર્યો કરવાનું કહે છે. જ્યારે હું ધર્મ વિશે વિચારું છું ત્યારે મને ધર્માનુરક્તિ વિશેના આ દિવ્ય સૂત્રની યાદ આવે છે :

ધર્માનુરક્તિ:

‘જ્યાં હૃદયમાં ધર્માનુરક્તિ રહે છે ત્યાં વસે છે ચારિત્ર્યની સુંદરતા. જ્યાં ચારિત્ર્યની સુંદરતા છે તે ઘરમાં સંવાદિતા વસે છે. જે ઘરમાં સંવાદિતા છે તે રાષ્ટ્રમાં સુવ્યવસ્થા રહે છે. જે રાષ્ટ્રમાં સુવ્યવસ્થા છે તે વિશ્વમાં શાંતિ છે જ.’

હૃદય, ચારિત્ર્ય, રાષ્ટ્ર અને વિશ્વની સંલગ્નતા ખરેખર સુંદર છે. સમાજનાં બધાં અંગો સાથે આપણે આ ધર્માનુરક્તિ રચવાની છે. સમગ્ર સમાજ ધર્માનુરક્ત બને તે માટે કુટુંબમાં, કેળવણીમાં, સેવામાં, કારકિર્દીમાં, વ્યાપાર-ઉદ્યોગમાં, વહીવટી તંત્રમાં, રાજનીતિમાં, સરકારમાં, કાયદા, વ્યવસ્થા અને ન્યાયમાં આ સાચી ધર્માનુરક્તિને ઊભી કરવાની આવશ્યકતા છે. આ સંદર્ભમાં મેરઠમાં સર્વત્ર આનંદ અને સ્મિત વેરતા સંયુક્ત કુટુંબના દિવ્ય વાતાવરણના સંગાથમાં થયેલ એક અનુભૂતિની વાત કરવાની ઇચ્છા થાય છે.

પ્રભુની સેવામાં

મેરઠમાં ૬૦ થી ૭૦ સભ્યોવાળા આદર્શ ગૃહસ્થાશ્રમની પ્રણાલીએ જીવતા એક કુટુંબ વિશે મને માહિતી મળી. ઈશ્વરનું પ્રત્યક્ષ રૂપ માનીને દરેકને માન આદર આપવાં, ઈશ્વરની કૃપામાં સંપૂર્ણ શ્રદ્ધા, એમના નામની રટણા કરવામાં અટલ વિશ્વાસ, આ ત્રણ મહત્ત્વના સિદ્ધાંતો આ પ્રણાલીમાં રહેલા છે. મેરઠના આ અધ્યાત્મ ભાવનાવાળા કુટુંબ વિશે આટલો અભ્યાસ કર્યા પછી હમણાના પ્રવાસ દરમિયાન મેરઠમાં મેં એ કુટુંબની મુલાકાત લીધી. આ કુટુંબમાં દાદા દાદીમા, પૌત્રપૌત્રીઓ છે. મેરઠના જુદા જુદા વિભાગોમાંથી આવતા યુવાન અને અનુભવવૃદ્ધ સભ્યો આ કુટુંબમાં છે. આ કુટુંબના સંપર્કમાં આવ્યા પછી એમના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું તે એમણે સમજાવ્યું. જ્યારે એમને મેં ભજન ગાતાં સાંભળ્યા ત્યારે તેઓ બધા ભજનની દરેકેદરેક પંક્તિને આનંદથી માણી રહ્યા હતા અને ઉત્કટ ભાવથી એ ભજન ગાતાં હતાં એ મેં જોયું. ટૂંકમાં કહું તો પ્રાર્થનાના એ સમયમાં આખું કુટુંબ એક નવા આનંદભાવમાં હતું. મેં જ્યારે કુટુંબના સભ્યો સાથે ચર્ચા શરૂ કરી ત્યારે તેમની અભિવ્યક્તિ આવી હતી : તેઓ જે કંઈ કરે છે તે બધું ઈશ્વરની ખાતર જ કરે છે. તેમનું કાર્ય દિવ્ય ભાવના સાથે ઉચ્ચતરભાવે સંલગ્ન રહે છે. દા.ત. બગીચાનો માળી બગીચાનું કામ કરતી વખતે એવું માને છે કે તે બગીચાની રખેવાળી ઈશ્વરપૂજા માટેનાં પુષ્પો મેળવવા માટે કરે છે. દિવ્યપૂજાઘરને શણગારનાર કોઈ દિવ્ય સ્થળને વધુ સુંદર બનાવવાના ભાવથી કાર્ય કરે છે. સંયુક્ત કુટુંબનું કીર્તનકારનું વૃંદ દિવ્ય વાતાવરણને શોભાવે એવી રીતે કંઠ્ય સંગીત રચે છે અને વિવિધ વાદ્યોનો ઉપયોગ કરે છે. કુટુંબના વડિલ માટે ત્યાં રહેલા બધા કુટુંબના સભ્યો ઈશ્વરનું જ રૂપ છે. કુટુંબના સભ્યોના ધંધા કે દરેક સભ્યની કેળવણી કે કારકિર્દી માટે દરેકેદરેક સભ્ય એમ માને છે કે કુટુંબનું આ દિવ્ય વાતાવરણ પોતપોતાની દરેક પ્રવૃત્તિની કાર્યક્ષમતામાં વૃદ્ધિ કરે છે અને તેમને હંમેશાં સુખી અને સંતુષ્ટ રાખે છે.

સંયુક્ત કુટુંબનું આવું પ્રભુમય દિવ્ય વાતાવરણ આ દેશના ઘણાં સ્થળે, ઘણા ધર્મભાવે અસ્તિત્વમાં હશે, ઘરમાં રહેલી આવી સંવાદિતા રાષ્ટ્રમાં સુશાસન સુવ્યવસ્થા લાવે છે અને એના દ્વારા સમગ્ર વિશ્વમાં શાંતિ આવે છે.

મિત્રો, મારે રામકૃષ્ણ મિશન સાથે વિશેષ સંબંધ છે. મેં રામકૃષ્ણ મિશનની અનેક સંસ્થાઓનાં કેન્દ્રો જેવાં કે અધ્યાત્મ કેન્દ્રો, શાળા, હોસ્પિટલો, અનાથાશ્રમોની મુલાકાત લીધી છે. સ્વામી વિવેકાનંદના જન્મદિન નિમિત્તે અનેક સ્થળે અને અનેક વખત એ સંસ્થાઓમાં યુવદિન નિમિત્તે દેશના જુદા જુદા ભાગોમાં ગયો છું. રામકૃષ્ણ મિશન વિવિધ ધર્મભાવનાના સંશોધન માટે ઉપયોગી પ્રકાશનો પ્રસિદ્ધ કરવા સુખ્યાત સંસ્થા બની છે. શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદના અધ્યાત્મભાવ ભર્યા ઉદ્‌ગારોથી હું હંમેશાં પ્રેરાયો છું. શ્રીરામકૃષ્ણદેવ કહે છે  કે દરિયામાં ઊંડે મોતી તો છે, પણ એ બધાને શોધવા કોઈકે મરજીવા બનવું પડે. એક વખત આવી ડૂબકી મારવાથી તમને મોતી ન મળે તો તમારે એમ ન માની લેવું કે દરિયામાં મોતી જ નથી. એટલે વારંવાર ડૂબકી મારતા રહો. અંતે તમને બદલો મળવાનો જ. આ દુનિયામાં ઈશ્વરને મેળવવાનું પણ આવું જ છે. જો તમારો પહેલો પ્રયાસ નિષ્ફળ જાય તો હતાશ ન થવું. તમે તમારા પ્રયાસ સતત ચાલુ જ રાખો, અંતે તમને એની અનુભૂતિ થશે જ. માનવજાતે પોતાના કાર્યોમાં જેની પાછળ સતત લાગી જવું જોઈએ એ માટેનો કેવો મજાનો સંદેશ! સ્વામી વિવેકાનંદનો સંદેશ તો અનન્ય છે અને આ દુનિયાને એની જરૂર છે. તેઓ કહે છે : ‘મારા નામને મહત્ત્વ ન મળવું જોઈએ, મારા વિચારો જ અનુભવાય એમ હું ઇચ્છું છું.’ દેશમાં અને વિદેશમાં રામકૃષ્ણ મિશનના શાખા કેન્દ્રો આ ભવ્ય સંદેશને ખરેખર સર્વત્ર પ્રસરાવી રહ્યા છે.

આ પવિત્ર વાતાવરણમાં આવ્યો છું એટલે મારી આ શાંતિપ્રાર્થના આપને સંભળાવું છું.

મારી શાંતિપ્રાર્થના

હે સર્વશક્તિમાન પ્રભુ, મારા રાષ્ટ્રના પ્રજાજનો એક મને રહે, જીવે તેવાં વિચાર અને કર્મ તેમના મનમાં ઉદ્‌ભવે એવું કરો.

હે સર્વશક્તિમાન પ્રભુ, મારા દેશબંધુઓને ધર્માનુરક્તિનો પથ બતાવજે. કારણ કે ધર્માનુરક્તિ ચારિત્ર્યને પ્રબળ તાકાત બક્ષે છે.

હે પ્રભુ, મારા દેશના પ્રજાજનો દેશ અને સમાજને વિભાજિત કરનારાં પરિબળોનો સામનો કરી શકે એવી શક્તિ તેમને આપવા દેશના ધર્મના અગ્રણીઓને સહાય કરજે.

હે નાથ, ભિન્ન ભિન્ન વિચારશ્રેણીઓ માટે પોતાના મનની બારી ઉઘાડી રાખે એવું વલણ અપનાવવા મારા દેશજનોને પથ ચીંધજે. સાથે ને સાથે વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર વચ્ચેના વૈરભાવને પરસ્પરની મૈત્રી અને સંવાદિતામાં પલટાવી નાખે એવું કરજે.

હે પ્રભુ, ત્રાસવાદ તો માનવજાત પરનો મહા અભિશાપ છે. નિર્દોષનાં જીવન હણનારા ખરેખર પાગલ કે અવિચારી છે. નિદોર્ષનાં દુ:ખદર્દ એ નિર્દયોનાં મનહૃદયને ગાળી કે ઓગાળી નાખે એવું કર.

રાષ્ટ્રને શાંતિપ્રિય અને સમૃદ્ધ બનાવે એવાં કાર્યો લોકો ખંત અને ઉત્કટતાથી કરતાં રહે એવી અમીદૃષ્ટિ એમના પર કરજે.

આ શબ્દો સાથે હું વિરમું છે. સ્વામી હર્ષાનંદજી રચિત ‘એનસાઈક્લોપિડિયા ઓફ હિંદુઈઝમ’ની પ્રથમ પ્રત મેળવીને હું આનંદ અનુભવું છું. આધ્યાત્મિકતાના માધ્યમથી સર્વનાં મનની એકતા રચવામાં રામકૃષ્ણ મિશન સફળ રહે એવી મારી શુભેચ્છાઓ.

Total Views: 42

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.