આવા બધા અર્થો છતાં મુદ્રાનો અર્થ ઘણું કરીને હાથ કે હાથોની આંગળીઓથી કરાતી વિશિષ્ટ સ્થિતિ પૂરતો જ થાય છે અને પૂજાવિધિ તેમજ ધ્યાનમાં એ પ્રયોજાય છે. આવી કેટલીક મુદ્રાઓ આ છે : (૧) પૂજા માટે દેવોને આમંત્રણ આપવા માટે કરાતી આવાહનમુદ્રા, (૨) દેવનું ધ્યાન ધરવામાં કરાતી કૂર્મમુદ્રા, (૩) દેવોને નૈવેદ્ય ધરતી વખતે કરાતી અવગુંઠનમુદ્રા અને મત્સ્યમુદ્રા વગેરે… એ સિવાય ધેનુમુદ્રા, ગોયોનિમુદ્રા, નારાચમુદ્રા આદિ કેટલીક સામાન્ય મુદ્રાઓ પણ તાંત્રિક પૂજાવિધિમાં વપરાય છે. મુદ્રાઓની કુલ સંખ્યામાં તંત્રો અને પુરાણો બન્ને વચ્ચે ૯ થી ૧૦૮ સુધીનો ફરક છે.

તંત્રો પ્રમાણે બ્રહ્મ અને શક્તિ એક જ સિક્કાની બે બાજુઓ છે. બાહ્ય જગતનું સર્જન બ્રહ્મસહિત શક્તિ દ્વારા થયું છે. માનવશરીરના ભીતરના ભાગમાં શક્તિ કુંડલિની સ્વરૂપે રહેલી છે. માનવના સમગ્ર અસ્તિત્વના પાયામાં આ કુંડલિની શક્તિ છે. ગૂંચળું વળેલા સાપ રૂપે એને ચિત્રાંકિત કરવામાં આવે છે. એ કરોડરજ્જુને છેડે આવેલ આધારચક્રમાં સ્થિત છે. (મૂલાધાર ચક્રે રહેલ છે). સમર્થ ગુરુના માર્ગદર્શન નીચે કરાતી યોગ્ય સાધનાથી એ જ્યારે જાગે છે ત્યારે સુષુમ્ણામાં રહેલી બ્રહ્મનાડીમાંથી પસાર થતી થતી આગળનાં બધાં ચક્રોને ભેદતી ભેદતી છેવટે સહસ્રારચક્રમાં આવીને શિવ સાથે એકાકાર થઈ જાય છે.

તંત્રોના કહેવા પ્રમાણે કરોડરજ્જુમાં પ્રાણશક્તિના પ્રવાહને વહેવા માટે ત્રણ નળાકાર નાડીઓ છે. કરોડરજ્જુની વચ્ચે ‘સુષુમ્ણા’, એને જમણે ‘પિંગલા’ અને ડાબે ‘ઈડા’ નામની નાડીઓ છે. એમાં ‘ઈડા’ અને ‘પિંગલા’ કરોડરજ્જુ પર પ્રભુત્વ ધરાવે છે, પણ સુષુમ્ણામાં એક વજ્રિની નાડી છે અને એમાંયે પાછી ચિત્રિણી અને બ્રહ્મનાડી સાવ અંદર આવેલી છે. સુષુપ્તાવસ્થામાં કુંડલિની મૂલાધારના પાયામાં હોય છે, ત્યારે એણે બ્રહ્મનાડીને પોતાના મુખમાં બંધ કરી મૂકી હોય છે.

શરીર ભીતરનાં આ ચક્રો ચક્રાકાર હોય છે. એ ખરેખર તો માનસિક ચેતનાનાં અને શક્તિનાં કેન્દ્રો છે અને એ સૂક્ષ્મ શરીરમાં આવેલાં છે. ભૌતિક શરીરના કેટલાક ભાગો સાથે એને નિસ્બત છે. ‘મૂલાધારચક્ર’, કરોડરજ્જુની નીચે, ગુદાની પાછળ છે; ‘સ્વાધિષ્ઠાન’ જનનેન્દ્રિયના મૂળમાં છે, ‘મણિપુર’ નાભિમાં છે, ‘અનાહત’ હૃદયદેશે છે, વિશુદ્ધ ગળામાં, ‘આજ્ઞા’ બે ભમ્મરો વચ્ચે અને ‘સહસ્રાર’ મસ્તકની વચ્ચે છે. આ ચક્રોનું સમૂહનામ ‘ષટ્‌ચક્ર’ છે. કુંડલિની એને ભેદે છે એને ‘ષટ્‌ચક્રભેદન’ કહેવામાં આવે છે. ‘સહસ્રાર (હજાર પાંખડીવાળું) તો સાતમું ચક્ર છે અને એ તો કુંડલિનીનું લક્ષ્યસ્થાન છે.

કુંડલિનીનું જાગરણ થતાં, ‘મૂલાધાર’ ખીલીને પાંખડીઓ ખોલે છે. અને કુંડલિની પસાર થઈ ગયા પછી પાછું પૂર્વવત્‌ થઈ જાય છે. આવું જ બધાં ચક્રોમાં થાય છે. આમ થતાં થતાં કુંડલિની સહસ્રારમાં પહોંચે છે અને પોતાના મૂળ અને લક્ષ્ય સ્થાનમાં પાછી ફરે છે. કુંડલિનીયોગની સતત સાધનાને પરિણામે બધાં જ ચક્રો આનંદામૃતના સાગરમાં હિલ્લોળા લેવા લાગે છે અને આમ અંતે મોક્ષપ્રાપ્તિ થાય છે.

તાંત્રિક સાહિત્ય તો કેટકેટલા વિષયો પોતામાં સમાવીને બેઠું છે! અતિ વિસ્તૃત સાગર સમું એ સાહિત્ય છે. એનાં મતમતાંતરો ફક્ત વિષયોના સાપેક્ષ મહત્ત્વની બાબત પૂરતો જ સીમિત નથી – વિષયો ખુદની બાબતમાં પણ એવા ભેદો છે – આવા કેટલાક ખાસ મુખ્ય ખ્યાલોની વાત કરીશું.

આ તંત્રગ્રંથો સાત પ્રકારના સાધનામાર્ગો દર્શાવે છે : (૧) વેદાચાર, (૨) વૈષ્ણવાચાર, (૩) શૈવાચાર, (૪) દક્ષિણાચાર, (૫) વામાચાર, (૬) સિદ્ધાંતાચાર અને (૭) કૌલાચાર. પણ આ સાતેયને સામાન્ય રીતે બે પ્રવાહોમાં વહેંચવામાં આવ્યા છે. એક છે દક્ષિણાચાર અને બીજો છે વામાચાર. અર્થાત્‌ અભીષ્ટ માર્ગ અને સ્ત્રી (વાળા) યુક્ત માર્ગ.

વેદાનુસારી પૂજા પદ્ધતિથી કરાતી દક્ષિણાકાલીની પૂજા અને સાધનાવાળો તેમજ વર્ણાશ્રમ પદ્ધતિમાં વિશ્વાસ રાખનારો તંત્રમાર્ગ ‘દક્ષિણાચાર’ કહેવાય છે, તે તો ઠીક છે, પણ ‘વામાચાર’ વિષે કેટલુંક વધુ કહેવાનું અને કેટલીક સમજૂતીઓ આપવાનું જરૂરી છે. આ વામાચારને ‘ચીનાચાર’ પણ કહે છે. કારણ કે (તત્કાલીન) વસિષ્ઠ મુનિએ ચીન દેશમાં (તિબેટમાં?) બુદ્ધ પાસેથી સાંભળીને એ અહીં  પ્રવર્તાવ્યો હતો. ચીનમાં તો એ વ્યાપક હતો. એને ‘કૌલાચાર’ કે ‘કૌલમાર્ગ’ પણ કહે છે. ‘કુલ’ એટલે ‘શક્તિ’, અને આ માર્ગમાં પ્રધાનતયા એની પૂજા થતી હોવાથી એવાં નામો પડ્યાં છે. ‘કૌલ’ અને ‘કૌલાચાર’ શબ્દની આવી બીજી ઘણી સમજૂતીઓ અપાય છે. આ માર્ગમાં મદ્ય, માંસ, મત્સ્ય, મુદ્રા અને મૈથુન – આ પાંચ મકારોનો મોટો મહિમા છે; સાધનાના અનિવાર્ય ભાગ તરીકે આ પંચતત્ત્વો પ્રસિદ્ધ છે. આ પાંચ તત્ત્વો વીર પ્રકારના સાધક માટે છે અને એ પણ સમર્થ ગુરુના કડક અનુશાસન નીચે રહીને કરવાનાં હોય છે. વીર સાધક પણ આધ્યાત્મિક વિકાસના ઉચ્ચતર સ્તરે પહોંચેલો અને પ્રખર આત્મસંયમી હોવો જોઈએ. પરંતુ, પશુ જેવા અત્યન્ત હીન કક્ષાના સાધકોએ આ પાંચ તત્ત્વોનો સ્થૂળ અને જુગુપ્સાભર્યો દુરુપયોગ કરીને આ આખા સંપ્રદાયને જ નહિ, પણ સમગ્ર તંત્રશાસ્ત્રને – આખાય આગમ સાહિત્યને ખૂબ ભારે બટ્ટો લગાડી દીધો છે. કેટલાકે આ પંચ મકારને સમાજસાધ્ય બનાવવા, મદ્યને બદલે નાળિયેરના પાણીનો અને માંસને બદલે લસણ અને મત્સ્યને બદલે રીંગણાંનો ઉપયોગ કરવા ઠરાવ્યું તો વળી કેટલાંક કુલાર્ણવતંત્ર, ગંધર્વતંત્ર, આગમસાર, વિજયતંત્ર, વગેરે ગ્રંથોએ આ સાધનાત્ર ‘આભ્યંતર અનુષ્ઠાન માનીને, મદ્ય = બ્રહ્મરન્દ્ય્રક્ષરિત સુધા, માંસ = પુણ્ય પાપ કા ભક્ષણ, મત્સ્ય = શ્વાસોચ્છ્‌વાસ, મુદ્રા = સત્સંગ અને મૈથુન = શિવશક્તિનું મિલન – આ પ્રકારના અર્થો કર્યા છે. ઉત્તરકાલીન લેખકોએ તો આ પંચમકારની સ્થુળતાની ભારે નિંદા કરીને એમાં પવિત્રતા લાવવાનો પ્રયાસ કર્યો છે.

તાંત્રિક સાધના માનવને પશુતામાંથી વીરત્વ અને વીરત્વમાંથી દિવ્યત્વ તરફ લઈ જાય છે. વીર સાધક ભારે પ્રયત્નથી દિવ્યભાવ પામે છે. વીરભાવમાંથી દિવ્યભાવમાં જવું સહજ-સરળ છે.

કૌલાચારમાં કુશળ પુરુષ પરમહંસપદને પામે છે. અને નિમ્નતમ સાધનાઓમાં વિહિત નીતિનિયમોને એ ઓળંગી જાય છે. કારણ કે તે સૌમાં દિવ્યશક્તિનાં દર્શન કરે છે.

આ કૌલાચાર પછી બીજો તંત્રોક્ત સુપ્રસિદ્ધ માર્ગ (સંપ્રદાય) સમયાચારનો છે. આ સમયાચાર દક્ષિણાચારથી વામાચારથી તેમજ કૌલાચારથી જુદો છે. આ સંપ્રદાયની દેવી ‘સમયા’ છે. અને તે સ્પષ્ટરૂપે વૈદિક પરંપરાની જ દેવીની આયાત કરેલી છે. એટલે સમયાચારના બધા વ્યવહાર હેતુઓ વૈદિક જેવા જ છે. તાંત્રિક સાત આચારો પૈકી આ વેદાચાર જ છે. આ સંપ્રદાયમાં શિવ અને શક્તિનું સમાન મહત્ત્વ છે અને ‘અંતર્યાગ’ ઉપર એમાં ભાર મુકાયો છે. ધ્યાનોપાસના દ્વારા કુંડલિનીનું ક્રમશ: જાગરણ નિરૂપાયું છે. શ્રીચક્ર કે શ્રીયંત્રની ઉપાસના આ સંપ્રદાયની વિશિષ્ટતા છે. આ શ્રીચક્ર, પાંચ અંદર વળતાં ત્રિકોણો, ચાર સીધા ત્રિકોણો, એમાં વળી વિવિધ કમળ પાંખડીઓની આકૃતિઓ, વચ્ચે બિન્દુ અને છેડે કેટલીક રેખાઓ કરી બનાવવામાં આવે છે. એ શિવસંયુક્ત દેવી અને વિશ્વના ક્રમિક વિકાસનું પ્રતિનિધિત્વ કરે છે.

જ્યારે આ શ્રીચક્ર ત્રિપરિમાણરૂપે રચાય છે, ત્યારે એ ‘મેરુ’ કહેવાય છે યંત્રની ઉપાસના કરતાં આ મેરુની ઉપાસનાનું અદકું મહત્ત્વ અંકાયું છે. શ્રીચક્રની ઉપાસના શ્રીવિદ્યા સાથે અનિવાર્ય રીતે જોડાયેલ છે. સમયાચારના સાધક માટે શ્રીવિદ્યાના દીક્ષિત થવું અનિવાર્ય છે. શ્રી વિદ્યા એટલે શ્રીચક્ર સાથે જોડાયેલો મંત્ર જ છે. એ પંચદશાક્ષરી’ (પંદર અક્ષરવાળો) કહેવાય છે ૫ + ૬ + ૪ એ એનાં એકમો છે. પહેલા એકમનો પહેલો અક્ષર ‘ક’ છે. એટલે સમયાચાર એને ‘કાદિ મંત્ર’ કહી એના જપ ઉપર ખૂબ ભાર મૂકે છે. આ સંપ્રદાયના સ્થાપક તરીકે અગસ્ત્ય મુનિ મનાય છે. આની સામે જ અગસ્ત્ય પત્ની લોપામુદ્રાનો હાદિ પંચાક્ષરી મંત્ર (હ. આદિ) પણ ઊભો થયો છે. પંચદશાક્ષરી મંત્રનાં આ બે પાઠાન્તરોમાં ‘અસરકારક વર્ણો’ની સંખ્યાનો જ ભેદ છે. તો વળી આ જ મંત્રમાં ‘શ્રીમ્‌’ ઉમેરી એક ષોડશાક્ષરી મંત્ર પણ ચાલુ થઈ ગયેલ છે.

સમયાચાર ‘અંતર્યોગ’ અને બહિર્યોગ’ શબ્દો પ્રયોજે છે. એમાં ‘બહિર્યોગ’, માં વૈદિક પરંપરાનુસાર શ્રીચક્રની ઉપાસના સામેલ છે અને અંતર્યોગમાં દેવી અને શ્રીચક્રની એકતાનું ધ્યાન આવે છે.

તંત્રોમાં એક અતિવિચિત્ર અને અતિઘૃણાસ્પદ એવી ‘શબસાધના’ છે એમાં તરતમાં મરેલા તંદુરસ્ત માણસના મડદાંને નવડાવી, સુવાસિત કરીને સાધક એના પર બેસી દેવીનું ધ્યાન ધરે છે. મધરાતે કે સુદિ બીજને દિવસે ધ્યાન કરાય છે. આ ભયાનક અનુભૂતિને પાર પામેલો સાધક જીવનનાં બધાં ક્ષેત્રે સિદ્ધિ મેળવે છે.

કેટલાક વિદ્વાનો આ સાધનાને આદિવાસીઓની કઢંગી માન્યતાઓના અવશેષ રૂપ જ માને છે. મરણ અને જીવન રક્ષણ વિષે આ વિચિત્ર અને ધિક્કારપાત્ર માન્યતાઓ પ્રવર્તી છે.

તાંત્રિક શક્તિપૂજા સાથે સંકળાયેલાં કેટલાંય તીર્થસ્થાનો ભારતમાં પથરાયેલાં છે. એ ‘શક્તિપીઠો’ તરીકે જાણીતાં છે. આ શક્તિપીઠોની યાત્રા ખૂબ પુણ્યકારી મનાય છે. આ શક્તિપીઠોની સંખ્યા ૪થી માંડીને ધીરે ધીરે વધીને ૫૧ કે ૧૦૮ થઈ. પણ સમય જતાં એ ૫૧ની સંખ્યામાં સ્થિર થઈ. શક્તિપીઠોની રચનામાં અનેકાનેક પૌરાણિક કિંવદન્તીઓ જોડાઈ છે. દક્ષપ્રજાપતિએ જમાઈ શિવ અને પુત્રી સતીનું અપમાન કર્યું, તેથી સતી દક્ષના યજ્ઞકુંડમાં બળી ગયાં. સતીનું શબ ઉપાડીને અશાંત થયેલા શિવજી વિશ્વની ચારે દિશાએ ઘૂમવા લાગ્યા. ત્યારે દેવો વતી વિષ્ણુએ પોતાના ચક્રથી શબના ટુકડા કરવા માંડ્યા કે જેથી મહાદેવ મોહથી મુક્ત થાય. એ ટુકડા જ્યાં પડ્યાં તે તીર્થ બની ગયું – શક્તિપીઠ થઈ ગયું.

એકાવનમાંની દરેક શક્તિપીઠ વર્ણમાલાના કોઈ ને કોઈ વર્ણ સાથે સંબદ્ધ છે. સતીદેહના અવયવ – દેવીના અંશ અને એને અનુરૂપ શિવના અંશનો એ પ્રતીક છે. ઉદાહરણાર્થ : અમરનાથની ગુફામાં આવેલ કાશ્મીરાપીઠ ‘ઉ’ વર્ણ સાથે સંકળાયેલ છે. એ સ્થળે દેવીનો ડાબો કાન કે ડોક પડ્યાં હતાં. ત્યાં દેવી તરીકે ‘મહામાયા’ છે અને ‘ત્રિસંધ્યેશ્વર’ તરીકે દેવ છે. ગમે તે મંત્રનો જપ કરવાથી અહીં એ મંત્રસિદ્ઘિ મળે છે.

પાકિસ્તાનમાં આવેલ હિંગળાજ, મહારાષ્ટ્રમાં કરવીર, ઉત્તરપ્રદેશમાં વારાણસી, પંજાબમાં જ્વાલામુખી, આસામમાં કામાખ્યા, મહારાષ્ટ્ર (નાસિક)માં જનસ્થાન, ગુજરાતમાં પ્રભાસ, હરિયાણામાં જાલન્ધર, કન્યાકુમારીના મંદિરમાં, મધ્યપ્રદેશમાં ઉજ્જયિની, તામીલનાડુમાં શિવકાંચી, પશ્ચિમ બંગાળમાં ત્રિસ્રોતા, અને કોલકાતાની કાલીપીઠ – આ મુખ્ય શક્તિપીઠો છે.

આ તંત્રોની ઉપેક્ષા થઈ છે અથવા તો એ વિશે ગેરસમજણ ઊભી થઈ છે. પણ આ તંત્રો હિન્દુશાસ્ત્રોની એક મોટી શાખા છે. આ તંત્રો વૈદિક ધર્મના જ એક ફણગા રૂપે ફૂટી નીકળ્યાં હોય કે પછી બ્રાહ્મણ પરંપરાના વિરોધમાં એની સમાન્તરે જ વિકસતાં ચાલ્યાં હોય અથવા તો ચીન કે તિબેટમાંથી ભારતમાં ઊતરી આવ્યાં હોય પણ એ તો નક્કી જ છે કે એણે હિન્દુધર્મને વધુ સમૃદ્ધ બનાવ્યો છે. અનેક કર્મકાંડનાં વિધિઓ અને આધ્યાત્મિક સાધનાઓ એણે આપ્યાં છે એટલે એનું વ્યવસ્થિત સંકલન-સંપાદન-પ્રકાશન કરવા સુયોગ્ય પ્રયત્નો કરવા જોઈએ. સંગ્રહાલયમાં કેટલીક પાંડુલિપિઓ એની રાહ જોઈ રહી છે.

આપણે અત્યારે જે ધાર્મિક વિધિઓ કરીએ છીએ તે બધીમાં જાણ્યે કે અજાણ્યે તાંત્રિક વિધિઓ ભળી જ ગયેલી છે. આપણી આજની ધાર્મિક વિધિઓમાં વૈદિક, પૌરાણિક અને તાંત્રિક – એમ ત્રણેય પરંપરાનું મિશ્રણ જોવા મળે છે જ. આપણને સૌને ખબર છે કે વૈદિકોત્તરકાળમાં હિન્દુઓના ધાર્મિક જીવન ઉપર તંત્રોની ઉપાસના પદ્ધતિ અને પૂજાવિધિએ કેવી ભારી પક્કડ જમાવી છે. આપણી પૂજાઓ અને ઉપાસનાઓમાં ઉપયુક્ત થતાં બીજમંત્રો, મુદ્રાઓ, ભૂતશુદ્ધિ, અંગન્યાસ, વગેરે કેટકેટલો તાંત્રિક સંભાર ભર્યો ભાદર્યો છે! આપણા પર આજે પડેલા એ તંત્ર પ્રભાવને નકારી શકાય તેમ નથી. હવે તો તંત્રો આપણી ધાર્મિક ક્રિયાઓ અને ઉપાસનાઓનો અંતરંગ ભાગ બની ગયાં છે. આપણને ગમે કે ન ગમે, આપણે ભ્રમથી, અજ્ઞાનથી ભલે તંત્રનું નામ સાંભળીને જ ભડકી જતા હોઈએ, શિક્ષિત કહેવાતા લોકો ભલે એની જાહેરમાં નિંદા કરતા હોય, છતાં હકીકતને નકારી ન શકાય.

એટલે તંત્રના બીભત્સ અંશોને તજીને સાત્ત્વિક અંશોને સ્વીકારવા એ જ તંત્રો પ્રત્યેની દૃષ્ટિ હોવી જોઈએ. અને એને વધાવી લેવાં જોઈએ.

Total Views: 47

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.