(પુનમ પેટના અધ્યક્ષ સ્વામી જગદાત્માનંદજીએ મૂળ અંગ્રેજીમાં લખેલ પુસ્તક ‘લર્ન ટુ લીવ’ના અદ્વૈત આશ્રમ, માયાવતી દ્વારા પ્રસિદ્ધ થયેલ હિંદી અનુવાદ ‘જીને કી કલા’માંથી શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે – સં.)

વિજ્ઞાન અને પ્રોદ્યોગિકીના અતિ તીવ્ર વિકાસના આ યુગમાં આપણું જીવન જટિલ થઈ ગયું છે. સાથે ને સાથે માનસિક તનાવ એ આપણા જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. આપણે રાજનૈતિક વિવાદોના દલદલમાં ફસાઈ ગયા છીએ. જીવનનિર્વાહ અને આત્મરક્ષા માટે આપણે સર્વત્ર તીવ્ર પ્રતિસ્પર્ધા કરવી પડે છે. છૂપી રીતે કે ખૂલંખૂલા વિભિન્ન ધાર્મિક વર્ગો, જાતિઓ અને સમૂહોમાં વચ્ચે વચ્ચે હિંસાત્મક સંઘર્ષોએ આપણા મનનું સંતુલન બગાડી નાખ્યું છે. આ પરિસ્થિતિઓમાં આંતરિક શાંતિ અને માનસિક સંતુલન જાળવી રાખવાની પદ્ધતિનું જ્ઞાન ન હોય તો ચિંતા અને તનાવ આપણને અભિભૂત કરી નાખવાના જ. માનસિક વિક્ષોભોનો કોઈ પણ વ્યક્તિના શારીરિક સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ પ્રભાવ પડે છે. સમગ્ર વિશ્વના સ્નાયુરોગ ચિકિત્સકો આ વાતને સિદ્ધ કરી ચૂક્યા છે. ચિંતા માનસિક તનાવ અને ભય એકઠાં થાય અને અંતે ભયાવહ રોગોમાં એ પરિણત થાય એ પહેલાં એ બધાંને એની શરૂઆતની અવસ્થામાંથી ઉખેડી નાખવા એ સારું ગણાય.

જ્યારે આવી કોઈ બીમારી કોઈ પણ જાતની રોકટોક વિના આગળ વધવા માંડે ત્યારે આપણે અસહાય બનીને ચિકિત્સકો પાસે દોડતા જઈએ છીએ. પણ જો આપણે મૂલ્યો અને સિદ્ધાંતો પ્રમાણે પોતાનું જીવન વીતાવતાં શીખીએ તો આપણે ચિંતા અને તનાવનાં આ ગંભીર પરિણામોમાંથી બચી શકીએ ખરા. ઘરમાં આગ લાગે ત્યાર પછી કૂવો ખોદવા જવું એ કેટલું મૂર્ખતાપૂર્ણ કાર્ય છે? એટલે જ ચિંતાના આ મહાપ્રસારને રોકવા આપણે આજથી જ ઉપયોગી પગલાં લેવાં પડશે.

ચિંતાનો ફાંસલો

એક વાર બીમારીથી ઘેરાયેલ મારા મિત્રે એની વિચિત્ર બીમારીની વાત મને કરી. એ સમયે એકાએક ચક્કર આવવા લાગ્યા અને કેટલીયે ઊલટી પણ થઈ. પથારીમાંથી ઊઠવાનો પ્રયાસ કરતાં એણે ઘણું દુ:ખકષ્ટ અનુભવ્યું. દવાઓ કોઈ કામ કરતી ન હતી. વિચિત્રતાની વાત તો એ છે કે એ બીમારી કે જેને લીધે ચિકિત્સકો પણ ભ્રમણામાં પડી ગયા હતા. એ બીમારી ઘોડા વેગે આવી અને ઘોડાવેગે ચાલી ગઈ. પછીથી ખ્યાલ આવ્યો કે આ માંદગીનું કારણ અતિશય દુષ્ચિંતા હતી. જ્યારે એનો મિત્ર ગંભીર રૂપે અકસ્માતમાં આવીને હોસ્પિટલમાં દાખલ થાય છે ત્યારે તેને આ બીમારી લાગુ પડી. અને જેવો એનો મિત્ર એ અકસ્માતની બીમારીના ખતરામાંથી બહાર છે એવું સાંભળ્યું કે તરત જ એનો આ વિચિત્ર રોગ પણ ચાલ્યો ગયો.

આ ઘટનાની પાછળ કોઈ રહસ્ય હતું ખરું? એના મિત્રે એની જામીનગીરી પર બેંકમાંથી એક મોટી રકમ ઉધાર લીધી હતી એ વાતથી એની ચિંતા શરૂ થઈ. જો એનો મિત્ર મરી જાય તો એને એ વાતની ચિંતા હતી કે તે એ કરજ કેવી રીતે ચૂકવશે? પરંતુ એનો મિત્ર જેવો સાજોસારો થઈ ગયો કે તરત જ એ ચિંતામુક્ત બની ગયો અને એની બીમારીનાં બધાંય લક્ષણ ગાયબ. વાલ્મીકિ મુનિ કહે છે : ‘એક વિષધર સાપ બાળકને ડંખીને મારી નાખે છે પણ ચિંતા તો મનુષ્યને જકડી રાખીને એનો વિનાશ કરે છે. દુ:ખી, ચિંતિત અને હતાશ વ્યક્તિ ભલે ગમે તે કરે પણ અંતે તો તે પોતે જ પોતાની જાતને બરબાદ કરી નાખે છે.’

માનસિક તનાવનો બોજ

શ્રી અનંતરાવ એક મોટી કંપનીના ઉપ-પ્રબંધક હતા. એક દક્ષ અને જવાબદાર અધિકારીના રૂપે તેઓ જાણીતા હતા અને અંતે એમને એ કંપનીના મહા-પ્રબંધક બનાવવામાં આવ્યા. એમના આ કાર્યમાં સહાય કરવા કેટલાક લોકોની નિમણૂક થઈ હતી. આમ છતાં પણ મહાપ્રબંધક બન્યાના પંદર દિવસમાં જ એમના દિલના ધબકારા વધી ગયા અને ભયપીડિત થઈ ગયા. રાતે એમને સરખી ઊંઘેય ન આવતી. એમના કાર્યભારમાં અત્યંત વૃદ્ધિ થવાને કારણે આવું થયું છે એવું ચિકિત્સકોએ કહ્યું. જ્યારે જ્યારે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાનો હોય કે અસહયોગ કરતાં કર્મચારીનો સામનો કરવાનો હોય ત્યારે તેઓ હંમેશાં પોતાને થાકેલ અને પરિસ્થિતિઓ સાથે તાલમેલ ગોઠવવામાં અક્ષમ માનતા. આ એમની બીમારીનું મનોવૈજ્ઞાનિક લક્ષણ છે એનો એ સ્વીકાર ન કરી શક્યા. એમના ચિકિત્સકો દૃઢપણે માનતા હતા કે માનસિક તનાવ જ એની આ બીમારીનું એક માત્ર કારણ હતું. ચિકિત્સકોના પરામર્શ પર તેઓ રજા લઈને ચાલ્યા ગયા. એમની ગેરહાજરીમાં એક બીજા અધિકારીએ કુશળતાપૂર્વક એમનું કાર્ય સંભાળી લીધું. એમણે એ બધાં કાર્યો સુચારુ રૂપે પૂર્ણ કર્યા અને સમસ્યાઓનું સમાધાન પણ કરી દીધું. ત્યાર પછી રજાના દિવસો વીતાવીને પાછા ફરીને શ્રીરાવે પોતાના કાર્યસંચાલનમાં કોઈ મુશ્કેલી અનુભવી નહિ અને તેઓ સ્વસ્થ થઈ ગયા.

ડોક્ટર એલેક્સીસ કેરલે કહ્યું છે: ‘જે વ્યવસાયી ચિંતાનો સામનો કરવાનું નથી જાણતા તેઓ નાની ઉંમરમાં જ કાળનો કોળિયો થઈ જાય છે.’

મૌનવ્યથા

સુજાતા એક સારા કુટુંબની ઉચ્ચ શિક્ષણ મેળવેલી સદાચારી યુવતી હતી. એના પતિ પણ એને યોગ્ય સારા પદ પર કાર્ય કરતા હતા. લગ્ન પછી એને ખ્યાલ આવ્યો કે એના પતિ મદ્યપાન કરે છે. એનાથી એને દુ:ખ તો થયું પણ હતાશ ન થઈ. એણે પોતાના પતિની આ કુટેવને છોડાવવા હિંમત-સાહસ અને ધૈર્યપૂર્વક પ્રયત્ન કર્યા. બે વર્ષ સુધી લગની લગાડીને એ પોતાના પ્રયાસ કરતી રહી, પરંતુ પાડોશીઓના વ્યંગબાણને સહન કરવા એને માટે અસહ્ય બની ગયાં. એનો પતિ જ્યારે દારૂ પીને ઘરે આવતો અને એની સાથે દુર્વ્યવહાર કરતો ત્યારે તે દુ:ખથી તૂટી પડતી. ધીમે ધીમે નિરાશા અને દુ:ખનાં આ ઘાટાં વાદળાંએ એનાં મન અને જીવનને અંધકારમય બનાવી દીધાં. સુખદ ભવિષ્યનું એનું સ્વપ્ન ભાંગીને ભૂક્કો થઈ ગયું. ધીમે ધીમે શરીરની પીડા, અનિદ્રા અને થાકની બીમારી લાગુ પડી. આ બધી ચિંતાની દુ:ખદ ભેટ-સોગાદ છે. સંકટમાંથી મુક્તિ અને માનસિક શાંતિ જાળવી રાખવા ધૈર્ય અને સાહસનો આશરો લેવો જોઈએ. તો પછી એનો ઉપાય શું? આવા ઉત્કૃષ્ટ ગુણો આપણને ક્યાંથી મળે?

તનાવમાંથી સંકટ

રમેશ એક ઉત્સાહી કર્મચારી હતો. કાપડની એક દુકાનમાં તે સવારથી સાંજ સુધી નિષ્ઠાપૂર્વક કાર્ય કરતો. એક દિવસ ખોટી સૂચના અને શંકાને લીધે એનો માલિક એની સામે ક્રોધથી બરાડી ઊઠ્યો: ‘આવું મૂર્ખામીભર્યું કાર્ય તમે જ કર્યું છે!’ વાસ્તવિક રીતે રમેશની કોઈ ભૂલ ન હતી. તે સમજાવીને પોતાના વિશેની આ ભૂલ ભરેલી માન્યતા દૂર કરવા માગતો હતો. ત્યાં તો એનો માલિક ગર્જી ઊઠ્યો : ‘મૂગો મર! બહાના કાઢો છો તે! હું બધું જાણું છું.’ બધા ગ્રાહક અને સહકર્મચારીઓ સામે જ રમેશનું આવું અપમાન થયું. અપમાનનો આ કડવો ઘુંટડો ગમે તેમ ગળે તો ઉતારી દીધો પણ એનું મન ખળભળી ઊઠ્યું. ગમે તેમ કરીને એને ગ્રાહકોનો હિસાબ-કિતાબ પૂરો કરી લીધો પણ પછીથી ચક્કર આવવા લાગ્યા અને આંખોની સામે અંધારું આવવા લાગ્યું. તે બેસી જ ગયો. નહિ તો એ જમીન પર પડી જાત. આ એક માનસિક આઘાતની ઘટના છે.

વિચાર તથા ભાવનાઓ શરીર પર પોતાનાં ચિહ્ન અને સંસ્કાર છોડી જાય છે. માનસિક વૃત્તિઓ સારા સ્વાસ્થ્ય અને માંદગીનાં લક્ષણ છે. ખરાબ વિચાર અભાવાત્મક પરિવર્તન લાવે છે અને સારા વિચાર હિતકર પરિવર્તન કરે છે. કોઈ કલ્પિત કથા કે ઉપદેશકોની કોઈ સામાન્ય રૂઢ ઉક્તિ નથી પરંતુ આ વાત વૈજ્ઞાનિક રૂપે પ્રમાણિત થયેલું તથ્ય છે.

અલ્સર પણ ચિંતાનું પરિણામ છે

૧૯૫૬માં રશિયાના વૈજ્ઞાનિકોએ અનેક પ્રયોગો દ્વારા સિદ્ધ કરી દીધું છે કે ચિંતાને પરિણામે જ પેટનું અલ્સર એટલે કે પેટમાં ચાંદાં પડે છે. નિરંતર ભય, માનસિક તનાવ અને ચિંતાનો આપણા શરીર પર ભયંકર દુષ્પ્રભાવ પડે છે. એને લીધે રોગની સામે રક્ષણ કરનાર શ્વેત રક્તકણોનો ઠીક ઠીક પ્રમાણમાં હ્રાસ થાય છે. એનાથી ઊલટું ભાવાત્મક ચિંતન, પ્રસન્નતા, મનોબળ અને આનંદને લીધે શ્વેત રક્તકણોમાં આશ્ચર્યજનક વૃદ્ધિ થવા લાગે છે. અભાવાત્મક ભાવનાઓ આપણને આઘાત પહોંચાડે છે. ચિંતાઓ વધી જવાને કારણે પેટના અલ્સરમાંથી રક્તસ્રાવ પણ થઈ શકે છે. ડોક્ટર અલવારીસે મેયો ક્લિનિકમાં કરેલા પ્રયોગોથી આ વાત સિદ્ધ કરી છે.

ડોક્ટર અલવારીસે ભિન્ન ભિન્ન પ્રકારના પેટના રોગથી પીડાતા ૧૫૦૦૦ રોગીઓનું નિરીક્ષણ કર્યું. એમના પેટના દર્દનું કારણ શોધી કાઢ્યું. એમાં રોચક વાત તો એ છે કે લગભગ ૧૨૦૦૦ રોગીઓની પીડાનું મૂળ કારણ એમના શરીરમાં ન હતું, પરંતુ એનું કારણ હતું એના મનમાં. રોગીઓની સમસ્યાઓનું કારણ પ્રદુષિત પાણી અને વાતાવરણ વગેરે ન હતાં. ભય, ચિંતા, અસુરક્ષાની ભાવના, ઇર્ષ્યા અને બદલતી પરિસ્થિતિઓ સાથે તાલમેલ કરવાની અક્ષમતા આ બધાં સાથે મળીને એમના પેટમાં પીડા ઊભી કરે છે.

ડોક્ટર જ્હોન શિંડલરે આ ક્ષેત્રમાં ઉલ્લેખનીય કાર્ય કર્યું છે. ૨૦ વર્ષ સુધી એમણે હજારો રોગીઓનો ઉપચાર કર્યો. સાથે ને સાથે ચિંતા દુ:ખ અને માનસિક તનાવને કારણે એમને થયેલી શારીરિક ક્ષતિના આંકડા પણ એકત્રિત કર્યા. પોતાના લાંબા કાળના અનુભવની મદદથી એમણે અભાવાત્મક વિચારોમાંથી મુક્ત થવા રોગીઓને મદદ કરી. એમના મત પ્રમાણે આપણી અડધી બીમારીઓનું મૂળ તો આપણા મનમાં જ રહેલું છે. ડોક્ટર પીટર બ્લેથે પોતાના ‘સ્ટ્રેસ ડિઝિઝ : ધ ગ્રોઈંગ પ્લેગ – તનાવ સંબંધી રોગ : એક વધતી જતી મહામારી’ નામના પુસ્તકમાં એમણે તારણ કાઢ્યું છે કે લોહીનું ઓછું દબાણ, હૃદય હુમલો, મધુપ્રમેહ, દમ, ગાંઠિયો વા, આધાસીસી, મગજમાં લોહી ન પહોંચવું, એલર્જી, ભૂખ ન લાગવી, ચામડીની કેટલીક બીમારીઓ જેવી બીમારી મનોદૈહિક ગડબડને કારણે ઉદ્‌ભવે છે. સુખી, ઉપયોગી અને સાર્થક જીવન જીવવા આપણે ચિંતા અને ભયમાંથી મુક્તિ મેળવવી પડે.

મન અને દેહ બંને ખ્યાલ રાખવો

એક રોગી ચિકિત્સક પાસે જઈને પોતાની માંદગીનું વિગતવાર વર્ણન કરે છે એની કલ્પના કરો. ચિકિત્સકને પણ એવી ખાતરી થાય કે એ રોગીની સમસ્યાઓ દૈહિક નથી પણ મનોવૈજ્ઞાનિક છે; એમ હોવા છતાં પણ આ વાતને તે સ્પષ્ટરૂપે કહી શકતો નથી. ચિકિત્સક એને ચિંતા-ભય, ઈર્ષ્યા, ઓછાં કરવાનું અને થોડો શારીરિક વિરામ કરવાની સલાહ આપે તો આવો રોગી એ સહજ સ્વીકાર નહિ કરે. રોગીની તો આવી પ્રતિક્રિયા હોવાની – ‘આ ડોક્ટર તો મને દવા આપવાને બદલે સલાહ આપે છે, આ ડોક્ટર શા કામના?’ ચિકિત્સકે પોતાના રોગીઓનાં દૈહિક તથા માનસિક બંને પ્રકારના સ્વાસ્થ્ય માટે જાગ્રત રહેવું જોઈએ. સ્નેહ ને ઉષ્મા સાથે રોગીની સંભાળ લઈને ઈલાજ કરવાથી ચિકિત્સકોની સહાય અનેકગણી પ્રભાવશાળી બની જાય છે. વર્ષો પૂર્વે પ્લેટોએ સૂચવ્યું હતું કે ચિકિત્સકોએ પોતાના રોગીઓના દૈહિક તથા માનસિક એ બંને આયામો તરફ ધ્યાન દેવું જોઈએ.

ચિકિત્સક માટે રોગીની સામાજિક તથા આર્થિક પૂર્વભૂમિકા, એનો વિશ્વાસ તથા બાલ્યકાળના અનુભવ વગેરે બાબતોનું જ્ઞાન આવશ્યક છે. આ બધાનું મૂલ્યાંકન કર્યા પછી ચિકિત્સક પોતાના રોગીને એ અભાવાત્મક ભાવનાઓના હાનિકારણ પ્રભાવ વિશે સ્પષ્ટ રૂપે સમજાવી દે એ જરૂરી છે. એને લીધે રોગીનું મન અને શરીર અચેતન રૂપે આક્રાંત બન્યું હોય છે. એની સાથે ચિકિત્સકે ભાવાત્મક ભાવનાઓની મદદથી અભાવાત્મક ભાવનાઓને દૂર કરવાનો ઉપાય પણ બતાવવો જોઈએ. આ સંપૂર્ણ ઉપચાર છે અને એને એ મનોચિકિત્સાને નામે ઓળખાય છે, પરંતુ એમાં સારો એવો સમય લાગે છે. એક રોગીને આવા ઉપચાર માટે લગભગ ૨૦ કલાકની જરૂર પડે છે. અમેરિકા જેવા વિકસિત દેશમાં એક ચિકિત્સક એક દિવસમાં ૨૩ રોગીઓનો ઈલાજ કરે છે. આવી ચિકિત્સા બધાને માટે સુલભ નથી કારણ કે એમાં સમય અને સમર્પણનો ભાવ જરૂરી છે.

મનમાં ઉદ્ભવતી અભાવાત્મક ભાવના

ભય, ક્રોધ અને ચિંતા અનેક રોગનું પ્રત્યક્ષ કારણ છે. એને લીધે કયા રોગની કેટલી માત્રા હોય છે એ જોવા જેવું છે :

ગરદનનો રોગ – ૭૫%; ગળામાં સોજો – ૯૦%; પેપ્ટિક અલ્સર – ૫૦%; પિત્તાશયમાં પીડા – ૫૦%; ગેસ્ટ્રઈટિઝ-આંત્રશોથ – ૯૯%; ચક્કર આવવાં – ૮૦%; માથાનો દુ:ખાવો – ૮૦%; કબજીયાત – ૭૦%; થાક અને નિર્બળતા – ૯૦%.

અભાવાત્મક ભાવનાઓ શરીરમાં નુકશાનકારક રસાયણો ઉત્પન્ન કરે છે. મોટા ભાગના લોકો આનાથી અજ્ઞાત છે અને પોતાની ભાવનાઓને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરતા નથી, એટલે તેઓ વારંવાર માંદા પડે છે. ક્રોધે ભરાવાથી આપણાં ભવાં ખેંચાય છે, આંખો લાલચોળ થઈ જાય છે અને સ્વર કઠોર-કટુ થઈ જાય છે. આ લક્ષણો તો આપણે જોઈએ છીએ શરીર વિજ્ઞાનીઓ આ દૈહિક લક્ષણો શા માટે પ્રગટ થાય એ પણ બતાવે છે. લોહીનું દબાણ અને હૃદયના ધબકારાની ગતિ પણ વધી જાય છે. આપણે જ્યારે પાછા શાંત થઈ જઈએ ત્યારે બધું હતું એવું થઈ જાય છે. ક્રોધ આપણા શારીરિક સ્વાથ્યને હાનિ કરે છે. એને લીધે મગજની રક્તકોશિકાઓ ફાટી પણ જાય અને હૃદયની ગતિ અવરોધાય છે કે બંધ પણ પડી જાય. આ બંને અવસ્થાઓ ઘાતક બની શકે છે. કોઈ પણ વ્યક્તિ માટે લાંબા સમય સુધી ક્રોધિત કે દુ:ખી રહેવું સંભવ નથી. આ બંનેમાંથી કોઈ એક ભાવ લગાતાર ચાલુ રહે તો શરીરમાં ન પૂરી શકાય તેવી ક્ષતિઓ થાય છે. માનવ શરીર આ ભાવનાઓના હાનિકારક પ્રભાવને લાંબાસમય સુધી સહન કરી શકતું નથી. કેટલાક લોકો એવા પણ હોય છે કે જે ક્રોધ કે અપમાનના ભાવને જાહેરમાં પ્રગટ કરતા નથી અને હસતાં હસતાં સહન કરી લે છે. આમ છતાં પણ આ ભાવો એમના અચેતન મનને પ્રભાવિત કરે છે. આવા લોકોનાં અચેતન મનમાં અણગમતો આંચકો કે અપમાન કરનાર પ્રત્યે કટુતા ઉદ્ભવે છે. એ કટુતા પોષાતી રહે છે. ક્રોધ-દ્વેષ કે અપમાનની આ મૌન સ્વીકૃતિ પણ એટલી જ હાનિકારક છે.

પ્રત્યેક વ્યક્તિને પોતાના જીવનમાં થોડાઘણાં દુ:ખ-કષ્ટ અને માનસિક તણાવનો અનુભવ તો થાય જ છે. એક સામાન્ય વ્યક્તિ પાસે એનો સામનો કરવાની શક્તિ હોય છે. ઉન્નત વૈજ્ઞાનિક શોધોના આ યુગમાં પોતાના સમય અને શક્તિને બચાવવાના આપણી પાસે અનેક ઉપાય પણ છે. આ તીવ્ર ગતિએ પ્રગતિ કરતાં આ યુગમાં સેંકડો વર્ષ પૂર્વેના લોકોના જેવા જ ધૈર્ય અને મનની શાંતિની આશા રાખવી એ મુશ્કેલ છે. આમ છતાં પણ પૂર્વજોના ધૈર્ય અને એમણે ધારણ કરેલી મનની શાંતિને યાદ કરવી એ આપણા માટે ઉપયોગી પણ છે. એને સ્મરણમાં રાખવાથી આપણા જીવનમાં અતિ ઉતાવળ અને તનાવને સંયમમાં રાખવાનું કાર્ય સરળ બની જાય છે. દરેક માનવશરીરમાં પોતાના પર્યાવરણ સાથે તાલમેલ સાધવાની ક્ષમતા હાજરાહજૂર હોય છે. દા.ત. વિમાનમથકની નજીક રહેનારા લોકો શરૂ શરૂમાં તો વિમાન ઊડે કે ઊતરે ત્યારે જે ભયંકર અવાજ થાય તેનાથી ખળભળી ઊઠે છે. પરંતુ થોડા દિવસો પછી તેઓ એનાથી ટેવાઈ જાય છે અને એ બધા અવાજને એક બાજુએ મૂકીને ઊંઘ પણ ખેંચી લે છે. આમ છતાં પણ એમનામાં થોડુંઘણું ચીડિયાપણું આવી જાય છે. મોટાં શહેરોમાં બસ પકડવા માટે કલાકો સુધી ક્યારેક રાહ જોવી પડે છે. લાંબા સમય સુધી લાઈનમાં ઊભા ઊભા તેઓ અધીર પણ બની જતા હોય છે. સડકના કિનારે પગે ચાલનારાને જોઈને તેજ ગતિએ કાર ચલાવનાર ગુસ્સે પણ થાય છે. ક્યારેક ક્યારેક સહકર્મીઓ સાથે ગરમાગરમ વાદવિવાદ, તર્કવિતર્ક થતાં રહે છે અને વાતવાતમાં આપણી માનસિક શાંતિ હરાઈ જાય છે. પત્ની અને બાળકોની વચ્ચે થતા મતભેદ લગભગ ઘરગથ્થુ સંઘર્ષમાં ફેરવાઈ જાય છે. માનવશરીર યંત્ર નથી. આ દેહ ભાવનાઓ અને મનોભાવોથી સંપૂર્ણપણે મુક્ત ન રહી શકે. પરંતુ ક્રોધ અને ઘૃણાના હાનિકારક પ્રભાવનો ખ્યાલ આવતા મનુષ્ય સંયમનો અભ્યાસ કરવા લાગે છે અને એ પોતે જ પોતાની મેળે એના પર વિજય મેળવી લે તો સંસારની સાથે તે પોતાનો તાલમેલ સાધવાનું શીખી જાય છે. એ વખતે પોતાના આઘાતોને ભૂલી જવા એ પણ એક વરદાન બની જાય છે.

નરકનું દ્વાર

ભીમસિંહે વહેલી સવારથી બપોરના ધોમધખતા તાપમાં પોતાના ખેતરમાં કામ કર્યું. પછી સિંહની જેમ ભૂખથી પીડિત થઈને પોતાની પત્નીને પૂછ્યું: ‘ભોજન તૈયાર છે?’ પત્નીએ થોડા ઉદાસીનભાવે જવાબ આપ્યો: ‘અડધો કલાક રાહ જોવી પડશે.’ ભીમસિંહે તાડીને કહ્યું: ‘શું?’ અને પછી એણે પોતાના હાથમાં રહેલી કુહાડીથી પત્નીના માથા ઉપર ઘા માર્યો. પત્ની બોલી ઊઠી: ‘હું તો મરી ગઈ!’ એમ કહેતાં કહેતાં ચિત્કાર સાથે તત્કાળ મરણને શરણ થઈ ગઈ. ક્રોધ શાંત થતાં ભીમસિંહને પોતાના આ જંગલી કૃત્ય પર ઘોર પશ્ચાત્તાપ થયો.

શ્યામાપદ મુખર્જીના અધિકારીએ એમને કેટલીક કડક ભાષામાં વાતો કહી અને એટલે જ તેઓ નોકરીમાં રાજીનામું આપીને ઘરે પાછા આવ્યા. ક્રોધાવેશમાં શ્યામાપદે કહ્યું: ‘મેં તો મારું રાજીનામું ઓના મોઢા પણ ફેંકી દીધું. મારે કોઈની પડી નથી.’ ગુસ્સો શાંત થયો અને પછી મંડ્યા પશ્ચાત્તાપ કરવા. હવે પોતાની પત્ની અને બાલબચ્ચાનું ભરણપોષણ કેમ થશે એની ચિંતા થવા લાગી. ક્રોધમાં ને ક્રોધમાં એમણે એક મૂર્ખતાપૂર્ણ કાર્ય કરી નાખ્યું. એ વાતનો એમણે ખેદપૂર્વક મનમાં ને મનમાં સ્વીકાર પણ કરી લીધો.

ક્રોધનાં અસંખ્ય પરિણામ આવે છે. વિશ્વના બધા મહાપુરુષોએ મનુષ્યને ક્રોધથી અત્યંત જાગ્રત રહેવા કહ્યું છે. ગીતામાં ક્રોધને નરકનું એક દ્વાર બતાવાયું છે. ક્રોધનું પરિણામ છે – લડાઈ, ઝઘડા, જેવા સાથે તેવા અને હિંસાને બદલે હિંસા. ક્રોધી વ્યક્તિ દ્વારા થયેલ દુષ્કર્મ એને પોતાના વિનાશના પથે લઈ જાય છે એ વાત વિશે મહાભારત આપણને સાવધાન કરે છે.

શું આપે ક્યારેય ક્રોધથી ઉન્મત્ત બનેલ કોઈ વ્યક્તિનું વિચિત્ર આચરણ જોયું છે ખરું? એ આચરણ આપણને સૌને હાસ્યાપદ લાગે છે. મારા એક પરિચિત ક્રોધાવેશમાં શું કરતા એનું આપને વર્ણન કરું છું. એને ગુસ્સે કરનાર લોકોને તેઓ કહેતા: ‘હું તારું લોહી ચૂસી લઈશ.’ તેઓ પોતાના ક્રોધને ભિન્ન ભિન્ન રીતે પ્રગટ કરતાં આમ પણ કહેતા: ‘હું ચોક્કસ તારું માથું ફોડી નાખીશ! હું તમને ક્યારેય નહિ છોડું, ચોક્કસ હું તમને મારી નાખીશ, ભલે મને પછી ફાંસીની સજા થાય.’ તમે જો એને શાંત કરવાનો પ્રયાસ કરો તો તરત જ અસંબંધ પ્રલાપો કરવા લાગે : ‘હું બદમિજાજીને તો પગતળે ચાપું છું.’ આ ક્રોધીઓમાં એવા લોકો પણ હોય છે કે જે પોતાના શત્રુઓને કાપીને ટુકડેટુકડા કરી નાખે છે, એનો સર્વનાશ પણ કરી નાખે છે. કેટલાકનું ગળુ મરડી નાખે છે, ક્યારેક કટુવચન અને ગાળથી મેણાટોણાં પણ મારે છે. આવા ચિડિયા લોકોના વ્યવહારની ક્યારેય મશ્કરી કરવાનો પ્રયત્ન ન કરવો. એની મેળે એ ઠંડા ઠીકરા જેવા થઈ જશે. વળી કોઈ વ્યક્તિ પોતાના ક્રોધને પ્રયત્ક્ષ રૂપે વ્યક્ત ન કરી શકે તો એ બીજા સાથે ઝઘડી ઊઠે છે. ક્રોધિત થવું એ ભયંકર ટેવ છે. પ્લૂટાર્કે કહ્યું છે: ‘ક્રોધ તમારા મનમાં પ્રવેશતા પહેલાં જ તમારા વિવેકને છીનવી લે છે અને એ વિવેકને પાછા ફરવાના બધાંય બારણાં બંધ કરી દે છે.’ એક સંસ્કૃત સુભાષિતમાં આમ કહેવામાં આવ્યું છે: ‘શ્રેષ્ઠ લોકોનો ક્રોધ ક્ષણભર માટે જ હોય છે અને નિમ્નસ્તરના લોકોનો ક્રોધ બે-એક કલાક સુધી રહે છે. એનાથી ઊતરતા લોકો આખો દિવસ ક્રોધમાં જ રહે છે. પરંતુ દુષ્ટોનો ક્રોધ તો જીવનભર રહે છે.’ એટલે જ ક્રોધને આપણે લાંબા સમય સુધી આપણી ભીતર રહેવાની રજા ન આપવી જોઈએ.

Total Views: 48

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.