(રામકૃષ્ણ મઠ, દિલ્હીના ભૂતપૂર્વ અધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી બુધાનંદજીએ જુલાઈ-ઓગસ્ટ ૧૯૭૬ના ‘પ્રબુદ્ધ ભારત’માં લખેલ મૂળ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.)

બૌદ્ધધર્મ શાસ્ત્ર ‘કૌસંબીયસૂત્ત’માં આવું કથન આવે છે : ‘એક વખત જ્યારે ભગવાન બુદ્ધ કૌસાંબીની મુલાકાતે ગયા ત્યારે તેમને જાણવા મળ્યું કે ત્યાંના સ્થાનિક ભિખ્ખુઓમાં એક ઝઘડો ચાલી રહ્યો છે. એમણે આવી રીતે લડતાઝઘડતા ભિખ્ખુઓને પોતાની સમક્ષ બોલાવ્યા અને એમને આ શબ્દો કહ્યા: ‘હે ભિખ્ખુઓ, તમે અંદરોઅંદર ઝઘડી રહ્યા છો અને એકબીજાને મેણાંટોણાં મારી રહ્યા છો. એનું કારણ એ છે કે તમને સંવાદિતા અને શાંતિ તરફ દોરી જતી સાચી ચૈતન્ય અવસ્થાનું જ્ઞાન નથી.

હે ભિખ્ખુઓ, ચૈતન્યની છ અવસ્થાઓ છે અને તે એકતા અને સંવાદિતા લાવે છે અને તે અહીં દર્શાવેલાં કાર્યો કરવાથી અભિવ્યક્ત થાય છે :

(૧) પોતાના સહસાથીઓ કે દેશભાંડુઓ માટેનાં સદ્‌ભાવનાભર્યાં કાર્યો.

(૨) નિષ્ઠાપૂર્વક ઉચ્ચારાયેલ સદિચ્છા માટેની વાણી.

(૩) નિષ્ઠાપૂર્વક મનહૃદયમાં સ્થાન પામેલ સદિચ્છાના વિચારો.

(૪) તમારી પાસે જે કંઈ હોય, અરે! રોટલાના છેલ્લા બટકામાં પણ બીજાને ભાગીદાર બનાવવા.

(૫) ક્ષતિવિહોણા સદ્‌ગુણોથી ભરેલા તમારા ઉચ્ચતર જીવનમાં બીજાને સહભાગી બનાવવા.

(૬) પ્રેમના મૌલિક ભાવને ઉમદાપણાથી જાળવી રાખીને તમારી આસપાસ રહેલાં બધાં અનિષ્ટોને દૂર કરો.

આ છે ચૈતન્યની છ અવસ્થાઓ. તે પોતે સુહૃદતા અને માન-આદરથી પૂર્ણ છે તેમજ સુમેળ, સદ્‌ભાવ અને પ્રેમ તરફ આપણને દોરી જાય છે.

ભિખ્ખુઓ સાંભળો! આ છ ચૈતન્ય અવસ્થાઓ પરમ જ્ઞાન તરફ દોરી જાય છે. છયે-છ એક પછી એક સોપાન રૂપે સફળતા તરફ આપણને દોરી જાય છે. તદુપરાંત કંઈક વધારાનું આપણે કરવું પડે છે અને તે છે તમારા આગેકદમમાં ક્યાંય પીછેહઠ ન થાય એ.’

આપણા સૌના વ્યક્તિગત, સામાજિક કે આંતરરાષ્ટ્રિય સંદર્ભમાં બુદ્ધના આ ઉપદેશો આપણા સૌ માટે તાકીદનો સંદેશ બની રહે છે. વિશ્વમાં વિવિધ ક્ષેત્રે બદ-ઈરાદાઓ, વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે, જાતિ-જાતિ વચ્ચે તથા સમૂહ-સમૂહની વચ્ચે લડાઈ-ઝઘડા જેવા ઘણા મોટા વિખવાદ જોવા મળે છે. અને એ બધાંની પાછળ પ્રચુર માત્રામાં માનવઊર્જા અને ભૌતિક સંસાધનો વેડફાતાં રહે છે. પાછળ વધે છે માત્ર વૃદ્ધિ પામતી પીડા અને મૂંઝવણો જ. પણ બધું આવું જ હોય એવું પણ નથી.

આપણે દુનિયાની જે પરિસ્થિતિમાં જીવીએ છીએ તે બધી આપણા વ્યક્તિગત જીવન પર ઘેરો પ્રભાવ પાડે છે. દુનિયામાં કોઈ પણ સ્થળે યુદ્ધ થાય તો આપણા સવારના ચા-કોફીના કપ પર તેની અવળી અસર થાય છે, પછી ભલે તમે પોતે એ યુદ્ધ સાથે જરાય સંકળાયેલા ન હો. વળી જે ચૈતન્ય અવસ્થાઓમાં આપણે વ્યક્તિગત રીતે જીવીએ છીએ અને કાર્ય કરીએ છીએ, તેમાં આપણે જે દુનિયામાં રહીએ છીએ એને ઘડવાનો અને સારો આકાર આપવાનો પણ એકાદ અંશ હોય છે.

ખરેખર તો આપણામાંના મોટા ભાગના લોકોને દુનિયાની દશા-અવદશાની ચિંતા કરવાનું ગમતું નથી. એ લોકો એમ માને છે કે એમાં આપણા જેવા નાના માણસનું શું કામ? ‘અરે! આ વિશ્વનો ભાંગીને ભુક્કો થઈ જાય તો એના માટે હું કાંઈ ન કરી શકું!’ આવો હોય છે મોટા ભાગના માણસનાં સામાન્ય અભિપ્રાય કે વલણ.

વળી, આપણામાંથી કેટલાકમાં બીજાના માટે વિચારવાની કે એમને માટે લાગણી અનુભવવાની વિશાળ વિચારસરણી કે દીર્ઘદૃષ્ટિ નથી હોતી. આપણામાંથી આવા કેટલાક લોકો તો એવું વિચારે છે કે આ દુનિયા આપણા માટે જ અસ્તિત્વ ધરાવે છે અને આપણે આ દુનિયા માટે નહિ.

કોઈ પણ બાબતમાં આપણું મન ભલે ગમે તે પ્રકારનું હોય પણ આપણે સૌ કેટલીક સમાન ઇચ્છા-મહેચ્છાઓ ધરાવીએ છીએ. આપણે બધા જીવવા ઇચ્છીએ છીએ, જીવનમાં પ્રગતિ કરવા ઇચ્છીએ છીએ અને આપણી સમજણ પ્રમાણે સ્વપૂર્તિ કરવાની ઇચ્છા પણ ધરાવીએ છીએ. જ્યાં સુધી આખા જગતમાં અલ્પમાત્રામાં પણ એકતા અને સંવાદિતા ન હોય ત્યાં સુધી સમગ્ર માનવજાતની આ સામાન્ય ઇચ્છાઓની પૂર્ણ રીતે પૂર્તિ થઈ ન શકે.

હવે જો આપણા ઘર, પડોશીઓ, બીજા માનવબંધુઓ, બીજા વિવિધ ધર્મો, જાતિ કે રાજનૈતિક માન્યતાઓની વચ્ચે એકતા, સંવાદિતા કે કોઈ પણ પ્રકારની શાંતિ ન હોય તો આ વિશ્વમાં એની શક્યતા કેવી રીતે સંભવી શકે? એટલે જ વાસ્તવિક રીતે એવી રીતે જીવવું અને એવાં કાર્યો કરવાં કે જે એકતા શાંતિ અને સંવાદિતા માટે સહાયક બને. તે બધી દરેકેદરેક સામાન્ય માનવની વ્યક્તિગત જવાબદારી છે.

અલબત્ત, કેટલીક વ્યક્તિઓમાં આવી જાગૃતિ જરાય હોતી નથી કે ઓછી માત્રામાં પણ કેટલાક લોકો એકતા, શાંતિ અને સંવાદિતા માટે કામ કરવાની અગત્યતતાને અનુભવતા નથી. આમ હોવા છતાં પણ બહુ ઓછી સંખ્યામાં એવા પણ માણસો હોય છે કે જે વત્તાઓછા પ્રમાણમાં ઉદ્દેશ્ય સિદ્ધિ માટે સારી અને સાચી પદ્ધતિઓનો આશરો લે છે.

અવારનવાર આપણી શાંતિ અને સંવાદિતાના પ્રયત્નોમાં પણ છૂપી રીતે વિખવાદનાં બીજ રહેલાં હોય છે. મોટા ભાગના આપણે બધા આપણી માન્યતા પ્રમાણે શાંતિ શોધીએ છીએ, પણ શાંતિ માટે શાંતિ નહિ, એને બદલે આપણા પોતાના સ્વાર્થ માટે શાંતિ ઝંખીએ છીએ. સ્વાર્થભાવનાથી પ્રેરાઈને શાંતિ કે સંવાદિતાની આપણી શોધમાં વિખવાદ અને કુસંપનાં બીજ છૂપી રીતે વાવેલાં જ હોય છે. અરે! શાંતિની આશાનું કિરણ પણ આથમી જાય એવી રીતે આપણે શાંતિ શોધીએ છીએ. એનો અર્થ એવો નથી કે આપણે શાંતિની ઇચ્છા ધરાવતા નથી પણ એ શાંતિને પ્રાપ્ત કરવા માટે શું જોઈએ એની આપણને ખબર નથી. એટલે જ શાંતિ માટે કામ કરવા વાસ્તવિક રીતે શું શું જરૂરી છે એ બધું જાણનાર પાસેથી આપણે વિનમ્રભાવે શીખવું જોઈએ.

એટલે જ એકતા અને સંવાદિતા માટે કેવી રીતે કાર્ય કરવું એ માટેના ભગવાન બુદ્ધના ઉપદેશો મૂળભૂત આધારભૂમિકાવાળા અને નક્કર છે. આ ઉપદેશો સૌ પ્રથમવાર વૈશ્વિક રીતે અનુસરણીય સિદ્ધાંતો રૂપે માનવ જાત સમક્ષ મૂક્યા હોય એવું લાગે છે. આજે પણ આનાથી વધારે સારી રીતે શાંતિ અને સંવાદિતા માટેની પદ્ધતિઓ આ પહેલાં ક્યારેય કોઈએ શીખવી હોય એવું લાગતું નથી. આ ઉપદેશો સહજ-સરળ અને મનોવૈજ્ઞાનિક ભૂમિકાવાળા છે. એ બધાં સત્યો સર્વ કોઈ દ્વારા સમજી શકાય તેવાં છે અને એને અનુસરી પણ શકાય તેવાં છે.

આ પ્રણાલીઓની સહજસરળતામાં ગાંભીર્ય અને દૂરગામિતાના મહત્ત્વ પ્રત્યેનો સ્પષ્ટ વળાંક છુપાયેલો જોવા મળે છે.

ભગવાન બુદ્ધની દૃષ્ટિએ શાંતિ, સંવાદિતા આપણે અપનાવેલાં સાધનોની ઉપજ નથી, પરંતુ એ એક એવી ચૈતન્ય અવસ્થા છે કે જેની સાથે આપણે આ વિશ્વમાં કાર્યો કરીએ છીએ.

ભગવાન બુદ્ધ શીખવે છે કે ચૈતન્યની આ છ અવસ્થાઓ છે અને તે એકતા અને સંવાદિતાને નિપજાવવામાં સહાયક બને છે. આપણે પોતે જ મૈત્રી અને સન્માન સ્વરૂપ બની જઈએ તો જ આ અવસ્થાઓ પ્રેમ અને સુલેહસંપ તરફ દોરી જાય છે.

આપણે ભગવાન બુદ્ધે પ્રબોધેલ ચૈતન્યની આ છ અવસ્થાઓનો વિગતવાર અભ્યાસ કરીશું. સાથે ને સાથે શાંતિ અને સંવાદિતા માટેના એના સૂચિતાર્થોનું પણ અન્વેષણ કરીશું. જે શાસ્ત્રગ્રંથમાંથી આ ઉપદેશો ઉદ્ધૃત કરવામાં આવ્યા છે તે ખામી કે અશુદ્ધિવાળા ન હોય તો કોઈ પણ વ્યક્તિએ આટલી સ્પષ્ટ ધારણા કરી લેવી જોઈએ કે ‘ચૈતન્યની છ અવસ્થાઓ’ને વિગતવાર અને ક્રમશ: રજૂ કરવા માટે ભગવાન બુદ્ધ પાસે કંઈક કારણો હોવાં જોઈએ. પરંતુ સમજણ અને તેના સ્પષ્ટીકરણ માટે આપણી સગવડતા પ્રમાણે ‘ચૈતન્યની છ અવસ્થાઓ’ને આ ક્રમમાં ગોઠવીએ – ૩-૨-૧-૪-૫-૬.

એ પ્રમાણે સર્વ પ્રથમ આપણે ‘નિષ્ઠાપૂર્વક મનહૃદયમાં સ્થાન પામેલ સદિચ્છાના વિચારો’ની ચૈતન્ય અવસ્થાને સમજવાનો પ્રયત્ન કરીશું.

જો માનવીઓનાં મનમાં જ યુદ્ધનો પ્રારંભ થાય છે એ વાત સાચી છે તો એ જ માનવીઓનાં મનમાં સર્વપ્રથમ શાંતિ પણ ઉદ્‌ભવે છે, એ વાત પણ સાચી જ છે. વિચારો કાર્ય તરફ દોરી જાય છે. જો તમારા મનમાં દુશ્મનોનો વિનાશ કરવાનો વિચાર હોય તો તમારે તમારા શસ્ત્રાગારને વિનાશક મિસાઈલથી ભરી દેવું જોઈએ. જો તમારામાં માનવ બંધુઓ માટે નિ:સ્વાર્થ પ્રેમ, નિષ્ઠાપૂર્વકની સંવેદના અને વિચારો હોય તો તમે બીજાને માટે તમારું આત્મસમર્પણ કરવા તૈયાર રહો છો. પ્રથમ રીતનું આચરણ તમને માનવજાતને હણનારા બનાવે છે અને બીજું આચરણ તમને ત્યાગી અને સમર્પિત બનાવે છે.

એટલે જ એકતા અને સંવાદિતા માટે સૌથી વધારે પાયાનું કાર્ય તો વ્યક્તિની પોતાની વિચારપ્રક્રિયાઓમાં જ કરવાનું છે. શું ખરેખર આપણે શાંતિ ચાહીએ છીએ? જો આપણે ઘરમાં શાંતિ ઇચ્છતા હોઈએ અને વિશ્વમાં સંપસુલેહ અને સંવાદિતા ઇચ્છતા હોઈએ તો સર્વપ્રથમ તો આપણે આપણી જાતમાં શાંતિના વિચારોને સ્થાન આપવું જોઈએ. આપણે દરેકનું ક્ષેમકલ્યાણ વાંછવું જોઈએ. સદ્‌ભાવનાના આ વિચારોને નિષ્ઠાપૂર્વક આપણા મનમાં બેસાડી દેવા જોઈએ. એટલે કે એ વિચારોનું ખંતપૂર્વક સેવન કરવું જોઈએ.

પરંતુ સર્વકલ્યાણના આ વિચારો વૈશ્વિક સદ્‌ભાવનાને વરેલા હોય ત્યારે જ ખરેખર પ્રભાવક બની શકે. નહિ તો એ બધા ગુણવત્તાવાળા વિચારો વારંવાર અનિષ્ટ ઇચ્છાના વિચારોથી શૂન્ય બની જાય છે.

નિ:શંકપણે આપણા બધામાં કેટલાક સદ્‌ભાવનાના વિચારો હોય છે. પરંતુ આપણે પોતાના અંગત આપણા મિત્રો, આપણા મતાભિપ્રાયના ભાગીદાર અને આપણાં રસરુચિની માવજત રાખનાર ગણીએ છીએ, એમને માટે જ આ સદ્‌ભાવનાભર્યા વિચારો હોય છે. આવા સદ્‌ભાવનાભર્યા વિચારો સાથે આપણો વિરોધ કરનાર પ્રત્યે અને આપણા દુશ્મનો માટે પુષ્કળ માત્રામાં આપણી ભીતર અનિષ્ટકારી ઇચ્છાઓ પણ હોય છે.

અરે! અત્યંત નિર્દય અને કઠોર તર્ક સાથે આપણે એમને નર્કાધિકારી બનાવવામાંય અચકાતા નથી!

જ્યારે આપણામાં આપણા મિત્રો માટે સદ્‌ભાવના હોય અને દુશ્મનો માટે અનિષ્ટભાવ હોય તો મહદંશે કે ક્યારેક સંપૂર્ણપણે તે એકબીજાને નેસ્તનાબૂદ કરી દેશે. અને અંતે આપણા મિત્રો માટેની સદ્‌ભાવનાભર્યા વિચારો પણ નિષ્ફળ જાય છે. જો ઈશુખ્રિસ્તે માત્ર પોતાના શિષ્યો પર જ પ્રેમ ઢોળ્યો હોત અને પોતાના પર ત્રાસ ગુજારનારા પર ન ઢોળ્યો હોય તો તેઓ સ્પષ્ટ લક્ષણ વિહોણા ગણ્યાગાંઠ્યા ગેલેલિયોવાસીઓના નેતા જ રહ્યા હોત.

જ્યારે આપણા મનમાં વિશ્વમાં કોઈના માટે પણ એક અનિષ્ટ ઇચ્છા શોધી ન મળે અને આપણે આપણા દુ:ખદર્દોને વિસારીએ ત્યારે જ સદ્‌ભાવનાના વિચારો વધારે પ્રભાવક રીતે આપણા મનમાં સેવી શકીએ અને ધારી શકીએ.

આ દુનિયામાં ન્યાયી ઠેરવી શકાય તેવી કોઈ દુષ્ટ ઇચ્છા હોતી નથી એટલું આપણે સમજી લેવું જોઈએ. અલબત્ત આપણે સૌ ‘આ ભાઈએ મારું ઘણું ખરાબ કર્યું છે, એ ધિક્કારને પાત્ર જ છે’ આવી લાગણી અવારનવાર અનુભવીએ છીએ. આ સર્વસામાન્ય લાગણી છે પણ એ નુકસાનકારક વિચાર છે. આવી તિરસ્કારની ભાવના કે દુષ્ટ ઇચ્છાનું સેવન કરવા ગમે તે કારણ હોઈ શકે છે પણ જ્યારે આપણે ઘૃણાને કે દુરિચ્છાને સેવીએ છીએ ત્યારે તે આપણને દુ:ખ અને પીડા આપવાના જ. એનું કારણ એ છે કે આ તિરસ્કારવૃત્તિ જ ઘૃણા કરનારમાં રહેલ શુભ ગુણોનો વિનાશ કરે છે. સાથે ને સાથે આપણે આધ્યાત્મિક રીતે પણ ઘવાઈ જઈએ છીએ.

આપણે દુરિચ્છા કે ઘૃણાના સેવનનું કોઈ કારણ કલ્પતા હોઈએ તો તેને લીધે શું થવાનું છે એ પૂર્ણપણે જાણીને આપણે એ દુરિચ્છા કે ઘૃણાને મૂળમાંથી કાઢી નાખવી જોઈએ.

જો આપણે કોઈ દુષ્ટ વિચારને સેવીએ કે દુરિચ્છા અને ઘૃણાથી કંઈક બોલીએ ત્યારે શું થાય એનો સ્પષ્ટ નિર્દેશ સુખ્યાત બૌદ્ધ ગ્રંથ ‘ધમ્મપદ’ કરે છે. સાથે ને સાથે એવી બાબતોને રોકવાથી કેવો પ્રભાવ પડે છે એની વાત પણ એમાં કરવામાં આવી છે. એમાં આવો નિર્દેશ છે : ‘આપણે જે કંઈ પણ છીએ તે આપણા વિચારોનું પરિણામ છે. તે આપણા વિચારોની પીઠિકા પર રહેલું છે તે વિચારોથી ઘડાયું છે. જો કોઈ પણ માણસ દુર્ભાવનાથી બોલે કે કાર્ય કરે તો જેમ બળદના પગલાની પાછળ પાછળ ગાડાનું પૈડું ચાલતું રહે તેમ દુ:ખપીડા એમની પાછળ પાછળ આવતાં રહે.

એટલે આપણે જે કંઈ છીએ તે આપણામાં રહેલા વિચારોનું જ ફળ-પરિણામ છે. એ બધું આપણા વિચારોની આધારભૂમિકા પર રહેલું છે, આપણા વિચારોથી ઘડાયું છે. એટલે જો કોઈ પણ માણસ શુદ્ધ વિચાર સાથે વાણી ઉચ્ચારે કે કર્મ કરે તો કદીયે ન છોડનાર છાયડાંની જેમ સુખ એમની સાથે રહેવાનું. (ધમ્મપદ, ૧-૨)

આપણે દુ:ખને દૂર કરવા માગતા હોય તો, સુખી થવા ઇચ્છતા હોય તો આપણે બે શાશ્વત સત્યને હંમેશાં યાદ રાખવાં જોઈએ. અને સૌથી વધારે પાયાનું કાર્ય બધાં દુર્વિચારો તથા ઘૃણાને મનમાંથી જ હાંકી કાઢવાનું છે. એનો માર્ગ પણ ભગવાન બુદ્ધે પોતાના ઉપદેશમાં આ રીતે આપ્યો છે: ‘તેણે મને ભાંડ્યો છે, મને ફટકાર્યો છે, મને હરાવ્યો છે, મને લૂંટી લીધો છે’ જે લોકો આવા વિચારો સેવે છે તેમના મનમાં ઘૃણા ક્યારેય મરવાની નથી.’

‘તેમણે મને ન કહેવાનું કહ્યું, મને માર્યો પણ ખરો, મને પરાજિત કર્યો અને લૂંટીયે લીધો’ આવા વિચારો જેમના મનમાં સેવાતા નથી ત્યાં ઘૃણા મરી જાય છે.

એટલે જ ઘૃણાથી ઘૃણા અટકતી નથી. ઘૃણા તો શમે છે પ્રેમથી. આ સનાતન નિયમ કે સત્ય છે. (ધમ્મપદ, ૩-૫)

જેટલે અંશે આપણું મન આ ઘૃણામાંથી મુક્ત થાય તેટલે અંશે સદ્‌ભાવનાના વિચારોને નિષ્ઠાપૂર્વક સેવવાની તક આપણને સાંપડે.

પણ ઘૃણાનો અભાવની મેળવેલ મોટી સિદ્ધિ શાંતિ અને સંવાદિતા માટેના રચનાત્મક કાર્ય માટે પૂરતી નથી. બધાં વિરોધી બળો સામે ઊભા રહી શકે અને પોતાની ઉન્નતિ થાય તેવા સમગ્ર વિશ્વ માટે સદ્‌ભાવનાની પ્રબળ અને ભાવાત્મક વિચારશક્તિને આપણા મનમાં ઊભી કરવી જોઈએ.

આ કેવી રીતે શક્ય બને? ભગવાન બુદ્ધના સુખ્યાત ‘સૂત્તનિપાત’ નામના ધર્મગ્રંથમાં ‘મેત્તસૂત્ત’ના નામે એમણે ઉપદેશ આપ્યો છે. ભગવાન બુદ્ધે એમાં વૈશ્વિક સદ્‌ભાવના અને મૈત્રી કેળવવાની જે પદ્ધતિ આપી છે તે વિશેષ રીતે પ્રસ્તુત છે. એમણે આમ કહ્યું છે: ‘સર્વ જીવો સુખી થાઓ અને સુરક્ષા પ્રાપ્ત કરો. તેઓ આનંદી મનવાળાં બનો.’

નિર્બળ કે સબળ, લાંબા અને મહાન, મધ્યમ કદના, વામણા, નાના કે વિરાટ, જોઈ શકાય તેવા કે ન જોઈ શકાય તેવા, નજીકમાં રહેતા કે દૂર રહેતા, જન્મી ચૂકેલા કે જન્મનારા – આવા કોઈ પણ કક્ષાના જીવો, બધાં પ્રાણીઓ આનંદીમનવાળા બનો.

કોઈ કોઈને છેતરે નહિ, કોઈ કોઈને ક્યાંય ધિક્કારની નજરે ન જુએ, રોષ-ક્રોધથી કોઈ કોઈને હાનિ ન કરે.

જેમ એક માતા પોતાના જીવનના જોખમે પણ પોતાના એકના એક સંતાન પર નજર રાખે છે તેમ દરેકેદરેક વ્યક્તિ બધા જીવો પ્રત્યે અસીમ મૈત્રીભાવના કેળવતો બને.

દરેકેદરેક માનવી સમગ્ર વિશ્વ પ્રત્યે સદ્‌ભાવના કેળવતો બને; કોઈ પણ જાતના ખચકાટ વિના, ઘૃણા વિના અને દુશ્મનાવટ વિના ઉપર-નીચે, અત્રતત્ર સર્વત્ર મનમાં અસીમ મૈત્રીભાવ કેળવતો બને.

ઊભતાં, ચાલતાં, બેસતાં કે સૂતાં, જ્યાં સુધી તે જાગ્રત રહે ત્યાં સુધી પોતાના મનને મૈત્રીભાવનામાં લગાડી દે. તેઓ કહે છે કે જીવન જીવવાની આ રીત દુનિયામાં સર્વોત્તમ રીત છે. નિષ્ઠાપૂર્વક સર્જનાત્મક રીતે સદ્‌ભાવનાના વિચારોને કેળવવા અને મનમાં સ્થાયી બનાવવા, એ એમનો કહેવાનો સૂચિતાર્થ છે.

પરંતુ આધ્યાત્મિક જીવનની ઝંખના સેવતા આપણા જેવા માટે અહીં નીચે આપેલી બે પ્રાર્થનાઓના પુન: પઠન કે ગાન કે તેના પરના વિચારપૂર્વકનાં ચિંતન-મનનને લીધે આપણી વિચારપ્રક્રિયા વધુ પ્રબળ બને છે. પ્રથમ વૈદિક પ્રાર્થના ગાયત્રીમંત્રના નામે પ્રસિદ્ધ છે – ‘ૐ ભૂર્ભુવ: સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ, ધિયોયોન: પ્રચોદયાત્ । બીજી પ્રાર્થના વૈશ્વિક સદ્‌ભાવનાના સુખ્યાત શ્લોક રૂપે છે. એનો ભાવાર્થ આવો છે :

‘સૌ કોઈ ભયમુક્ત બનો. સૌ કોઈ શુભની અનુભૂતિ કરો, સૌ કોઈ ઉમદા વિચારોથી પ્રેરાઓ, સૌને સર્વત્ર આનંદપ્રાપ્ત થાઓ.’

‘બધાં સુખી થાઓ, બધાં નિરામય બનો, બધાંને શુભની અનુભૂતિ થાઓ, કોઈને દુ:ખ પ્રાપ્તિ ન થાઓ.’

‘દુષ્ટ સદ્‌ગુણી બને, સદ્‌ગુણી પરમશાંતિ પ્રાપ્ત કરે, પરમશાંતિ પામનાર બંધનોથી મુક્ત બને, વિમુક્ત બનેલો બીજાને વિમુક્ત બનાવે.’

‘બધા લોકો પર શુભકલ્યાણ ઊતરો, સત્યના પથે ચાલીને સર્વોત્કૃષ્ટ આ ધરતી પર રાજ્ય કરે. જે કંઈ શુભશ્રેય છે તેને સૌ જીવો પ્રાપ્ત કરે, બધાં વિશ્વો સમૃદ્ધ અને સુખી બનો.’

‘વાદળ યોગ્ય સમયે વરસાદ વરસાવતાં રહે, ધરતી પર પાકની અમીવૃષ્ટિ થતી રહે, આપણો આ દેશ આપત્તિમુક્ત બને, સજ્જન-સંત નિર્ભય જીવન જીવે.’

જો આપણી પોતાની બુદ્ધિને દિવ્ય શક્તિનું માર્ગદર્શન મળતું રહેતું હોય, જો આપણે બધા લોકો માટે સર્વ પ્રકારના શુભની નિષ્ઠાપૂર્વક ઇચ્છા સેવી શકતા હોઈએ તો આપણા મન પર તેનો એક ઉપચારાત્મક પ્રભાવ પડશે. સાથે ને સાથે શાંતિ અને સંવાદિતા સમૃદ્ધ બને તેવું વાતાવરણ ઊભું કરવામાં તેનાથી સહાય મળશે.

જ્યારે આવા સદ્‌ભાવનાના વિચારો આપણા નિયમિત અભ્યાસથી આપણા મનનું ફરજિયાત ભાવ-આંદોલન બની જાય ત્યારે આપણી ભીતર ભલાઈની શક્તિના વિકાસને અનુભવી શકીએ છીએ. આ ભલમનસાઈની વિકસતી શક્તિ એક બાજુએ આપણને ભીતરથી શાંતિ અને શીતળતા અર્પે છે તો બીજી બાજુએ આપણા સંપર્ક-સંસ્પર્શમાં આવતા સૌ કોઈને પણ શાંતિ અને શીતળતા અર્પે છે. ત્યારે જ આપણે સૌ શાંતિની પરમ શક્તિ બની શકીએ.

(ક્રમશ:)

Total Views: 49

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.