જ્યારે આપણે અધ્યાત્મ અનુભવની વાત કરીએ છીએ ત્યારે એ કંઈક દૂરના જગતની રહસ્યમય ગૂઢ વિદ્યા હોવાનો આપણા મનમાં વિચાર આવે છે. આ ખરેખર સાવ ખોટું છે. જીવનના કોઈ પણ ક્ષેત્રમાં પડેલા કોઈ પણ વ્યક્તિને આ અધ્યાત્મનો અનુભવ મળી શકે. વેદાંતનું તત્ત્વજ્ઞાન આપણને સ્પષ્ટપણે કહે છે કે દરેકેદરેક જીવમાં દિવ્ય જ્યોતિનો અંશ હોય છે. આપણે એના સંસ્પર્શમાં આવી શકીએ અને એનું પ્રગટીકરણ પન્ન કરી શકીએ. એ દિવ્ય જ્યોતિના સત્યપ્રકાશની મદદથી આપણે બીજા લોકો સાથે સુખશાંતિ અને આનંદથી વર્તી શકીએ. એટલે જ આવી આધ્યાત્મિક અનુભૂતિ આપણા દૈનંદિન કાર્ય સાથે અને આપણે જે માનવ સંબંધો રચીએ છીએ તેની સાથે સમાંતર રીતે ચાલી શકે. સ્વામી વિવેકાનંદ આને વ્યવહારુ વેદાંત કહે છે. જ્યારે લોકો સાચે સાચી રીતે આ આધ્યાત્મિક અનુભૂતિને સમજે ત્યારે ભૂતકાળમાં જે ગણ્યાગાંઠ્યા લોકોનો વિશેષાધિકાર હતો તે સમાજના દરેકેદરેક વ્યક્તિનો વિશેષાધિકાર બનશે. આ એક શાશ્વત સત્ય છે. પણ, દુર્ભાગ્યે આપણે એની અવગણના કરી છે. ભવિષ્યમાં આપણે આપણી આ બેદરકારીને પૂર્ણવિરામ આપવું જોઈએ. જ્યારે હું સમાજમાં કાર્ય કરું છું ત્યારે હું મારા અહંને લીધે કાર્ય કરી શકું છું અને એને લીધે બીજાની સાથે ઘર્ષણ ઊભાં થાય છે. એને બદલે હું મારા દિવ્ય સ્વરૂપને થોડા ઘણા પ્રમાણમાં પ્રગટ કરી શકું છું તો બીજા સાથે ઐક્ય અનુભવું છું. અહીં સમૂહમાં કાર્ય કરવાની ક્ષમતા વિકસે છે. આ છે સાચો અધ્યાત્મ વિકાસ અને અધ્યાત્મની ઉન્નતિ. સાથે ને સાથે આપણને જેની તાતી આવશ્યકતા છે એવો માનવીય વિકાસ પણ એ જ છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં એક ક્રીમતી શબ્દ છે, ‘રાજર્ષિ’; રાજા અને ઋષિ એકમાં જ. જીવનનાં બધાં ક્ષેત્રોમાં આપણને કર્તવ્યનિષ્ઠ અને અધિકારી માનવીઓ જોવા મળે છે. પણ શું એ બધા એ જ વખતે આધ્યાત્મિક બની શકે છે ખરા? જો તેઓ બધા પોતાની ભીતર રહેલી દિવ્યતાને પ્રગટાવે તો તેઓ પણ રાજર્ષિ બનશે . જ્યારે તમારા હાથ સત્તાધિકાર ભોગવે ત્યારે તમે રાજા છો, પણ જ્યારે તમારા હાથ સૌનાં ક્ષેમકલ્યાણ માટે કાર્ય કરે ત્યારે તમે ઋષિ બનો છો. આ અદ્ભુત સંયોજન આપણે આપણા વહીવટીતંત્રમાં, આપણા વ્યવસ્થાતંત્રમાં અને માનવીય સંબંધોનાં દરેક પાસાંમાં મજબૂત બનાવીએ એની તાતી જરૂર છે.

Total Views: 39

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.