ભલે પેલા ‘सर्वोपनिषदो गावो दोग्धा गोपालन्नदनः’ વાળા સુપ્રસિદ્ધ શ્લોકમાં કહેવાયું હોય કે ગીતા ઉપનિષદોનું સારતત્ત્વ છે. ભલે એને એક ઉપનિષદ ગણીને વેદાંતની પ્રસ્થાનત્રયીમાં સ્થાન પણ પ્રાપ્ત થયું હોય, છતાં એ બધાં કરતાં પણ ગીતાએ પોતાની કેટલીક એવી આગવી કુંજગલીઓ પણ કંડારી છે એની કોઈથી ના પાડી શકાય તેમ નથી. એ ગીતાપ્રયુક્ત કુંજો ભારતના તત્ત્વજ્ઞાનના સાહિત્યમાં ગીતાની પહેલાં કાં તો અજાણી હતી અથવા તો એની અભિવ્યક્તિ ક્યાંય થઈ ન હતી. ગીતાની આવી ત્રણ વીથિઓ આ રહી :

(૧) નિષ્કામ કર્મયોગ – અથવા લોકસંગ્રહાર્થ કે ઈશ્વરપ્રીત્યર્થ સ્વધર્માચરણ (૨) સાધના માટે સમન્વિત અને વ્યાપક સ્વરૂપનો યોગ, એક જીવનમાર્ગ – સાધના-અનુશાસન માર્ગ અને (૩) અવતારવાદ એટલે કે ઈશ્વરનું મનુષ્ય રૂપે ધરતી પર અવતરણ.

આ ત્રણે ઉપર પહેલાં થોડી વાત કરીએ.

(૧) નિષ્કામ કર્મયોગનો સિદ્ધાંત :

શ્રીકૃષ્ણના સમયમાં ભારતમાં મુખ્ય બે વિચારધારાઓ પ્રચલિત હતી. બંને વિચારધારાઓના અનુયાયીઓના માર્ગો પણ પરસ્પર જુદા અને એનું ધ્યેય પણ જુદું હતું – ફળેય જુદું હતું. એક બાજુ સાંસારિક અને પારલૌકિક સુખસમૃદ્ધિ મેળવવાનો અભ્યુદયમાર્ગ અને એના ઉપકરણ અર્થે વિવિધ યજ્ઞો અને યાગોની જાળ પાથરતી યજ્ઞસંસ્કૃતિની વિચારધારા હતી અને બીજી બાજુ એની પ્રતિક્રિયા રૂપે નિ:શ્રેયસમાર્ગ ઊભો થયો. અભ્યુદયમાર્ગ કરતાં એ વધારે કલ્યાણકારી માર્ગ લેખાયો. ઉપનિષદના ઋષિઓએ ચીંધેલો એ માર્ગ હતો. એ ઋષિઓએ જીવનજરૂરિયાતોનાં કેટલાંક કર્મો સિવાયનાં બધાં જ કર્મોનો ત્યાગ પ્રબોધ્યો. અને જીવનનિર્વાહ માટે ભિક્ષાવૃત્તિ સૂચવી. અવકાશની પૂર્તિ અર્થે આત્માનાં ચિંતન-મનન-ધ્યાનનું વિધાન કર્યું.

આ પ્રતિક્રિયા ઊભી થવાનું દેખીતું કારણ તો યજ્ઞસંસ્કૃતિના પુરોહિતોનાં સ્થાપિત હિતોની બળજબરી હતી, સાથોસાથ એની ગૂંચવણભરી-અટપટી અનેકવિધિઓ, એનાં અનુષ્ઠાનોમાં આપવો પડતો ઘણો સમય, એના ખર્ચ-ધનાદિ વ્યય, ધાર્યા કરતાં ઘણાં ઓછાં મળતાં એનાં ફળો વગેરે હતાં. વૈદિક યજ્ઞસંસ્કૃતિમાં એનો ગણગણાટ તો થયા જ કરતો હતો પણ ઉપનિષદોમાં એ ગણગણાટ બળવારૂપે ફાટી નીકળ્યો.

આ એક સમરાંગણ જ હતું અને એ સમરાંગણમાં જ નિષ્કામ કર્મયોગનું સંવાદી સંગીત ભગવાને છેડ્યું, ભગવાન કોઈ ગદ્યકાર પુરુષ ન હતા, એ તો કલાધર હતા. પરસ્પર વિરોધી સૂરોમાંથી જેમ એક રાગનું સંવાદી સંગીત નીકળે એવું આ પરસ્પર વિરોધી બે વિચારપ્રવાહોમાંથી નિષ્કામ કર્મયોગનું સંવાદી સંગીત નીપજ્યું.

ઉપર્યુક્ત બંને વિચારપ્રવાહો સ્વાભાવિક રીતે જ બ્રાહ્મણો અને ક્ષત્રિયો પૂરતા જ મર્યાદિત હતા. અન્ય વર્ણોમાં એ બંને પરસ્પર વિરોધી માર્ગની ખાસ કાળજી લેવાતી ન હતી. બ્રાહ્મણ-ક્ષત્રિયોમાં બેમાં જ એ વ્યાપક અને તીવ્રપણે પળાતા હતા. એટલે જનતાનો મોટો ભાગ એ બંનેમાંથી પાછળ જ ધકેલાઈ ગયો હતો. એ પાછળ ધકેલાયેલો વૈશ્ય-શૂદ્ર વર્ણનો જનસમુદાય આધ્યાત્મિક રીતે ઉચ્ચતર પ્રેરણાવાળો હોય, તો પણ એ પછાત જ ગણાતો અને ગણતરીમાં લેવાતો ન હતો. ભગવાન શ્રીકૃષ્ણનું ‘નિષ્કામ કર્મયોગનું સંગીત’ એવું વાગ્યું કે એની વાંસળીએ વેરાવંચા વગરનો આખોય જનસમુદાય નાચવા લાગ્યો! ‘અધમોદ્ધારણ’ની એ જ તો લીલા છે!

શ્રીકૃષ્ણ એક શાણા અને સમજુ લોકનેતા હતા. એટલે એમણે પોતાના સમયમાં યજ્ઞસંસ્કૃતિની જે કંઈ પરંપરાઓ ચાલુ રહી હતી એનો વિરોધ તો ન કર્યો, એને સ્વીકારીયે ખરી પણ એનું રૂપાંતર કરી નાખ્યું. એનો ખ્યાલ બદલાવીને એને વધુ વ્યાપક અને ઉચ્ચતર સ્તર પર મૂકી દીધી! ગાંધીજીના શબ્દોમાં કહીએ તો એ રિવાજોના કૂવામાં તર્યા તો ખરા પણ ડૂબ્યા નહિ. આવું કરીને તેમણે ભાવિ સમાજસુધારકોને બહુ મહત્ત્વની શીખ આપી છે. આમ કરવાથી સંસ્કૃતિનું સાતત્ય પણ એમણે આ રીતે કહીને સાચવ્યું કે ‘सहयज्ञाः प्रजाः सृष्ट्‌वा पुरोवाच प्रजापतिः। मनेन प्रसविष्यधवमेष वो स्त्विष्टकाम धुक्‌॥’ ‘પ્રજાપતિએ જ આ યજ્ઞપ્રણાલી દેવો અને માનવો વચ્ચેના સંબંધસેતુ રૂપે રચી છે. અને પરસ્પરના સાથસહકારથી બંનેની ઉન્નતિ કરવાનો એનો હેતુ છે.’ આમ કોઈ પણ પીઢ સમાજશાસ્ત્રીના જેવું પરંપરાના સાતત્યનું મહત્ત્વ ભગવાને બતાવ્યું છે.

પરંતુ એ સાતત્ય સ્થિર-સ્થગિત નથી. સાતત્ય સાથે સમાજની ગતિશીલતા પણ સમાજના સ્વાસ્થ્ય માટે જરૂરી છે, એ ભગવાન જાણતા હતા. એટલે એમણે એ પ્રાચીન ‘યજ્ઞ’નું સ્વરૂપ જ બદલી નાખ્યું. કૃષ્ણ પ્રેરિત એ ‘યજ્ઞ’ કંઈ યજ્ઞસંસ્કૃતિનો અગ્નિમાં હોમદ્રવ્ય નાખ્યા કરવાનો યજ્ઞ ન હતો. એ યજ્ઞ તો હતો સ્વાર્થનો હોમ! સ્વાર્થત્યાગનું વ્યક્તિનું કોઈ પણ કાર્ય! લોકસંગ્રહાર્થે – લોકકલ્યાણાર્થે થતું કોઈ પણ સ્વાર્થરહિત કાર્ય એ શ્રીકૃષ્ણનો યજ્ઞ હતો! યજ્ઞ નામ કાયમ રહ્યું પણ એનું રૂપ બદલાઈ ગયું. સાંસ્કૃતિક પરંપરા જળવાઈ પણ એમાં ગતિશીલતા, વ્યાપકતા, સામયિક પ્રસ્તુતતા અને સદ્‌ગુણની ઉચ્ચતરતા – આ બધાં પ્રવેશ્યાં. કૃષ્ણ મૂર્તિભંજક નહિ, મૂર્તિનું નવીનીકરણ કરનારા પીઢ સમાજવિજ્ઞાની હતા. એમણે આપણે માટે ગીતાના ચોથા અધ્યાયના શ્લોક ૨૫ થી ૩૦માં યજ્ઞોના અનેક પ્રકારો ગણાવીને ભાવિ પ્રજા માટે હજુયે વધારે પ્રકારો દ્વારા યજ્ઞોની વ્યાપકતા વધારવાનો માર્ગ મોકળો કરી આપ્યો.

કામ્યકર્મોના સ્વરૂપ ત્યાગરૂપ સંન્યાસની અને સર્વકર્મોનાં ફલના ત્યાગની ચર્ચા કર્યા પછી પણ શ્રીકૃષ્ણ યજ્ઞ, દાન અને તપને છોડવાનું તો કહેતા જ નથી. (અલબત્ત, આ યજ્ઞ વગેરે નવીકૃત સ્વરૂપનાં જ છે.) કારણ કે એ મનુષ્યના મનને પવિત્ર રાખે છે. (૧૮.૫) એમને કર્તવ્યરૂપે નિષ્કામભાવે આચરવાનું જ કહે છે.

કર્મ પોતે તો મનુષ્યને બંધનકર્તા છે જ નહિ. મનુષ્યને બાંધનાર તો સાચી રીતે એ કર્મનાં ફળ મેળવવાની સ્વાર્થી કામના જ છે. (૯.૨૦-૨૧) એટલે કોઈ પણ શરીરધારીને માટે કર્મ તો અનિવાર્ય જ છે. એટલે એ વાસ્તવિકતાને માનવજાતને શોભે એ રીતે સ્વીકારી લેવી જોઈએ અને મનને કાબૂમાં રાખી કર્મો આચરવાં એ જ વધારે સારી વાત છે. (૩.૭) અર્થાત્‌ એ બધાં કર્મોને ‘યજ્ઞસ્વરૂપે’ આચરવાં જોઈએ. (૩.૯) અને એનાં ફળોની કામના છોડવી જોઈએ. (૩.૧૯, ૧૨.૧૧) આવી રીતે કર્મ કરનાર જ ‘સંન્યાસી’ છે, અને ‘યોગી’ પણ છે. (૬.૧) અહીં એક મનોવૈજ્ઞાનિક શંકા થાય કે કોઈ પણ કર્મ કામના વગર તો થઈ જ ન શકે કશીક કામના તો દરેક કામ પાછળ હોય જ. તો એનો ઉત્તર એ છે કે એ કામના હોય તો એ ઈશ્વરસમર્પણની છે. અને એને ‘કામના’ કહેવા કરતાં ‘પ્રયોજન’ નામ આપવું વધારે સારું છે. કારણ કે કામનાની (સ્વાર્થીની) ગલી વ્યક્તિલક્ષી અને સાંકડી હોય છે અને પ્રયોજનનું ફલક મોટું હોય છે.

કર્મફલત્યાગ – નિષ્કામકર્માચરણ અને ઈશ્વરપ્રીત્યર્થ કર્માચરણ આ બંને વિકલ્પો ગીતા દર્શાવે છે. બીજા વિકલ્પનાં ઉદાહરણો ગીતામાં ૧૨/૬, ૧૦/૧૧, ૧૧/૩૫, ૫/૧૦-૧૨માંથી મળી રહે છે. એક ત્રીજો વિકલ્પ પણ ગીતામાં કર્મફલત્યાગનો બતાવ્યો છે. એ છે કે લોકસંગ્રહનો. લોકોને સન્માર્ગે વાળવા માટે માર્ગદર્શન કરવાનો – નમૂનો રજૂ કરવાનો માર્ગ. (૩/૧૦,૨૫) આ માર્ગ સમાજનું નેતૃત્વ કરનારાઓની અનિવાર્ય ફરજ રૂપ છે. નિષ્કામકર્માચરણના પ્રયોજનરૂપે આ ત્રણ વિકલ્પો દર્શાવીને ગીતાએ એક મનોવૈજ્ઞાનિક આવશ્યકતા પૂરી પાડી છે.

સાચી નિષ્ઠાથી પૂવોક્ત પ્રકારે થયેલું નિષ્કામાચરણ, મોક્ષપ્રાપ્તિ માટે જ્ઞાન કરતાં જરાપણ ઓછા પ્રભાવવાળું નથી. ભૂતકાળમાં જનક જેવા કેટકેટલાજનો કર્મથી જ મોક્ષસિદ્ધિ પામ્યા છે. એવું મૂળ ગીતા તો અતિસ્પષ્ટ રૂપે પ્રતિપાદન કરે છે. એનાં અનેક ચોખ્ખા ઉલ્લેખો ગીતામાં આપેલા છે. દાખલા તરીકે, ૩/૧૯-૨૦; ૪/૧૫, ૨૩, ૪૧; ૫/૫, ૬,૧૨; ૮/૭; ૯/૨૭, ૨૮; ૧૨/૧૨; ૧૮/૪૫-૪૬; વગેરે. એટલું જ નહિ, ખુદ શ્રીકૃષ્ણ જેવા અનેકાનેકોએ સમાજની વચ્ચે રહીને કર્મ કરતા રહેવાનું પસંદ કર્યું હતું અને અજ્ઞાનીઓને પૂર્ણતા તરફ વાળવા પ્રયત્ન કર્યો હતો. જ્ઞાનમાર્ગી શંકરાચાર્ય પણ એમાં અપવાદ નથી.

અર્જુન અધ્યાત્મજ્ઞાનનો ભલે એક સન્નિષ્ઠ જિજ્ઞાસુ હોય, ભલે એને સકામ કર્મોમાં જરાય રસ ન રહ્યો હોય આમ છતાં જ્ઞાનમાર્ગે પગલાં પાડવા માટેની પાત્રતા એણે કેળવી ન હતી. એ સાધનચતુષ્ટય સંપન્ન ન હતો. કારણ કે સાધનચતુષ્ટય સંપન્ન પુરુષનો વૈરાગ્ય એટલો તીવ્ર હોય છે કે એ તો પહેલેથી જ શમદમાદિવાળો હોઈને યુદ્ધની વાત પણ ન કરે અને સમિત્પાણી થઈને ગુરુની પાસે પહોંચી જાય. એ ભલા રણમેદાનમાં આવે જ શા માટે? સાધનચતુષ્ટયની પ્રાપ્તિ અધ્યાત્મમાર્ગની પ્રવેશપરીક્ષા છે. અર્જુને એ પસાર કરી નથી.

આમ હોવાથી જ શ્રીકૃષ્ણે અર્જુનને કેવળ કર્મમાર્ગના અધિકારી તરીકે જ ગણ્યો છે. અને એને સર્વકર્મોનો સ્વરૂપત: ત્યાગ કરવાને બદલે કર્મોને જારી રાખીને એનાં ફળનો ત્યાગ કરવાનું કહ્યું છે. આમ જો અર્જુન મધ્યમાધિકારી હતો તો આપણે બધા પણ એવા જ છીએ. એટલે અર્જુન માટે કહેવાયેલી ગીતા જેટલી અર્જુનને લાગુ પડે છે, એટલી જ આપણને સૌને – સમગ્ર જનસમાજને લાગુ પડે છે.

આ કર્મવિચારની સાથે ગાઢ રીતે સંકળાયેલો બીજો એક શબ્દ ‘સ્વધર્મ’ છે ‘ધર્મ’ એટલે કર્તવ્ય, ફરજ, જવાબદારી અને ‘સ્વ’ એટલે વ્યક્તિનો પોતાનો. ‘પોતાનો’ એટલે વ્યક્તિનાં સ્વભાવ, રસ, રુચિ, વલણ અને ઉછેર સાથે મેળ ખાય તેવો શાસ્ત્રથી અવિરુદ્ધ ધર્મ – એવું કર્તવ્ય! એ કહેવાની જરૂર નથી કે આ સ્વધર્મ ધારક – વિધારક – અને કલ્યાણકારી જ હોવો જોઈએ, શાસ્ત્ર-સમાજ-સમ્મત હોવો જોઈએ. આવો સ્વધર્મ કદીય છોડાય નહિ. એનું નિષ્કામ આચરણ કલ્યાણકારી હોય છે; એનો ત્યાગ વિપત્તિ નોતરે છે; એ સહજ સ્વભાવજન્ય ભલે અપૂર્ણ હોય, તો પણ અવાંછનીય પરધર્મના આચરણ કરવા કરતાં એ સ્વધર્મમાં મરવું સારું છે. (૨/૩૧-૩૩). કાગડાએ હંસની ચાલ કે હંસે કાગડાની ચાલ ન ચાલવી જોઈએ. નહિતર વિપત્તિ – નાશ આવી પડે! ‘પોતપોતાનો સ્વભાવિક કર્મોમાં રત રહેલ મનુષ્ય ઉચ્ચતમ સિદ્ધિ પામે છે.’ (૧૮/૪૫).

(૨) સાધના માટે સમન્વિત અને વ્યાપક સ્વરૂપનો યોગ :

આગળ કહ્યા પ્રમાણે પુષ્પિકામાં ગીતાને ‘યોગશાસ્ત્ર’ કહેવામાં આવેલ છે. ‘યોગ’ એક પારિભાષિક શબ્દ છે અને એનો અર્થ, ‘ઈશ્વર સાથે જોડાણ’ પણ થાય છે, અથવા ‘એવા જોડાણ તરફ લઈ જતી આધ્યાત્મિક સાધના’ – એવો પણ થાય છે.

આમ તો આ ‘યોગ’ એક જ છે. છતાં માણસના મનની ધાતુઓ મનની વૃત્તિઓ જુદી જુદી હોય છે. કોઈની મનોવૃત્તિ કર્મપ્રધાન, કોઈની જ્ઞાનપ્રધાન, કોઈની સંવેદનાપ્રધાન અને કોઈકની આત્મિક – આંતરિકતાપ્રધાન હોવાથી આ એક જ યોગ ક્રમશ: ચાર શાખાઓમાં વહેંચાઈ ગયો છે : કર્મમાર્ગ, જ્ઞાનમાર્ગ, ભક્તિમાર્ગ અને રાજયોગમાર્ગ. આ દરેક માર્ગ સત્યની અનંત ક્ષિતિજો ખોલે છે અને પરમના મિલનમાં પર્યવસિત થાય છે. ગીતા આ ચારેય માર્ગોનું અર્જુનને પ્રતીક શ્રોતા બનાવીને બયાન કરે છે.

શ્રીકૃષ્ણે ગીતામાં ‘યોગ’ શબ્દને અનેક અર્થમાં પ્રયોજ્યો છે. દા.ત. ૨/૪૮,૫૦માં અને ૩/૨માં એ કર્મયોગના અર્થમાં વપરાયો છે, તો વળી ૬/૧૨, ૧૫માં એ રાજયોગના અર્થમાં વપરાયો છે. ૫/૮માં ‘યુક્ત’ શબ્દ જ્ઞાનયોગી માટે વપરાયો છે. તેમજ ૮/૧૪માં ‘નિત્યયુક્ત’ શબ્દ ભક્તિયોગીને લાગુ પાડ્યો છે. એનું કારણ ચારેય યોગોની એકતા, સમાનતા સૂચવવાનું હોઈ શકે છે.

શ્રીકૃષ્ણે આ ચારેય યોગ એક જ વ્યક્તિને-અર્જુનને જ શીખવ્યા. અને એને આચરવાની પ્રેરણા આપી. એના ઉપરથી આ તારણ સહેલાઈથી નીકળી શકે કે ગીતાનો આ યોગ એક વ્યાપક, વિસ્તૃત, સર્વસંગ્રાહક આધ્યાત્મિક સાધના છે કે જે પોતામાં પૂર્વોક્ત ચારેય પાસાંને સમચિત્ત કરીને રહેલ છે. અને સૌ પોતપોતાની રુચિ અને વલણ પ્રમાણે, યોગ્યતા અને અધિકાર પ્રમાણે ચારમાંથી ગમે તે એક કે વધારે પાસાંને અપનાવીને એનું આચરણ કરી શકે છે. અર્જુનનો સહજસ્વભાવ કર્મયોગને અનુરૂપ હતો એટલે એની એમાં ફાવટ વધુ થઈ. કૃષ્ણે અર્જુનની માનસિકતાને પૂરેપૂરી પારખી હતી અને તેથી જ એને વારંવાર યુદ્ધ કરવા માટે પ્રેર્યા કર્યો હતો. આમ, ગીતા બહુ આયામવાળો ગ્રંથ છે.

જેવું વ્યક્તિના સંદર્ભમાં છે એવું જ સમગ્ર સમાજના સંદર્ભમાં પણ છે; શંકરના કાળમાં બૌદ્ધ સાધુઓ – વજ્રયાનીઓ વગેરેની હીનતામાંથી સમાજને બચાવવાની અને વૈદિક ત્યાગમાર્ગને સમાજ આગળ રજૂ કરી બૌદ્ધ ત્યાગમાર્ગને સ્થાપિત કરવાની ઐતિહાસિક આવશ્યકતાની પૂર્તિ માટે શંકરે જ્ઞાનમાર્ગ પ્રધાન ગણી ગીતાભાષ્ય લખ્યું, તો વિધર્મીઓના ત્રાસથી ત્રસ્ત પ્રજાને આશ્વાસન આપવાની ભક્તિમાર્ગની ઐતિહાસિક આવશ્યકતાની પૂર્તિ માટે રામાનુજ, મધ્વ આદિ આચાર્યોએ ભક્તિમાર્ગ પ્રબોધતાં ભાષ્યો લખ્યાં – અને વિદેશી ગુલામીમાંથી મુક્ત થવા વીરતાની હાકલ કરતું ભાષ્ય લોકમાન્યે આધુનિક કાળમાં લખ્યું. આમ વિવિધ દૃષ્ટિકોણથી ગીતામાં અસંખ્ય વિવરણો દેશી-વિદેશી ભાષામાં થયાં, એ એની સર્વસંગ્રાહકતા અને સર્વસમાવેશકતા દર્શાવે છે. ગીતા આમ સૌને સંતોષનારી છે એટલે, એક બાજુ અર્જુન કર્માધિકારી શ્રોતા તરીકે ગીતા સાંભળે છે, તો બીજી બાજુ કેવળ નિમિત્ત બનીને અન્ય યોગો સાંભળે છે. ભગવાન એને ફક્ત નિમિત્ત બનાવીને અન્ય જનો માટે સંભળાવે છે.. એ કરુણાવંત ભગવાન પૂછ્યા વગર પણ ઘણું ઘણું સંભળાવે છે.

ગીતાનો અવતારવાદ :

ધર્મમાં અને તત્ત્વજ્ઞાનમાં ગીતાના ‘મૌલિક પ્રદાન’ તરીકે એનો અવતારવાદનો સિદ્ધાંત ભારે મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ અવતારની વિભાવના કદાચ ઋગ્વેદ ૩/૫૩/૮ અને ૬/૪૭/૧૮માંથી મળી હશે! કેટલાક અવતારો પુરાણોની વિષ્ણુના દશાવતારની યાદીમાં મળે છે અને એનો શતપથ બ્રાહ્મણ ૧-૮-૧-૧-૬ તેમજ ૧-૨-૫-૬ સાથે મેળ ખાય છે. છતાં અહીં ગીતામાં તો આ અવતારની અવધારણા વધારે સ્પષ્ટ અને વધારે ચોક્કસ રીતે રજૂ થઈ છે.

શ્રીકૃષ્ણે અર્જુનને જ્યારે પોતે કર્મયોગનું પહેલું બોધન વિવસ્નાન (સૂર્ય)ને કર્યાનું કહ્યું અને સૂર્યે એ બોધ મનુને કર્યાનું કહ્યું, ત્યારે અર્જુનને સ્વાભાવિક જ એમાં અસંભવ દેખાયો કે પોતાના સમકાલીન કૃષ્ણે અતિ પ્રાચીનકાળના સૂર્ય અને મનુએ એ જ્ઞાન કેવી રીતે આપ્યું હશે? એટલે શ્રીકૃષ્ણે એ સત્ય સમજાવ્યું કે ‘હે અર્જુન! મારા અને તારા અનેક જન્મો થયા છે. એ બધા હું જાણું છું, પણ તું જાણતો નથી.’ પણ અર્જુનના અનેક જન્મો પ્રારબ્ધવશાત્‌ થયા હતા પણ શ્રીકૃષ્ણ તો ભગવાન હતા. એટલે એમણે તો સ્વેચ્છાએ કોઈક ઉચ્ચ હેતુ સિદ્ધ કરવા માટે જન્મ લીધો હતો.

એ સર્જનહારની આ સૃષ્ટિ સ્વાસ્થ્યપૂર્વક સરળતાથી ચાલે, એ માટેના નિયામક તત્ત્વને ‘ધર્મ’ કહેવામાં આવે છે. ત્રિગુણાત્મક સૃષ્ટિના સત્ત્વ, રજસ્‌ અને તમસ્‌ એ ત્રણે ગુણો સતત પરિવર્તનશીલ છે. એટલે દરેક ગુણ સમયાન્તરે પ્રબળ બને એ સ્વાભાવિક જ છે : જ્યારે સૃષ્ટિમાં સત્ત્વગુણ નિમ્ન સ્તરે હોય અને રજસ્‌ કે તમસ્‌ પ્રબળ બન્યા હોય, ત્યારે ધર્મ મુરઝાઈ જાય છે અને અધર્મ ખીલી ઊઠે છે. માનવજાતિના ઇતિહાસની આવી કટોકટીના સમયે સ્વયં ઈશ્વર ધરતી પર માનવરૂપે અવતારનો નિર્ણય કરે છે. અને સંતુલનનું પુન:સ્થાપન કરે છે. જો કે વાસ્તવમાં તો એ જન્મરહિત જ છે, શાશ્વત છે, સર્વેશ્વર છે; તો પણ પોતાની માયા-પ્રકૃતિ-સ્વભાવ-નો સહારો લઈને ધરતી પર અવતરે છે. અવતારનો પ્રાથમિક હેતુ તો ‘ધર્મસંસ્થાપન’નો હોય છે; પણ એ હાંસલ કરવામાં જો જરૂર પડે તો એ દુર્જનોનો નાશ કે એને દંડ પણ દે છે. અને સજ્જનોને રક્ષે છે.

આ મનુષ્યાકાર દિવ્યાવતાર આમ તો ગમે ત્યારે અને ગમે ત્યાં આવિર્ભાવ પામે છે. પણ એ એવો સમય હોવો જોઈએ કે જ્યારે ધર્મની ગ્લાનિ અને અધર્મનું અભ્યુત્થાન થતું રહેલું હોય! અને તે પણ એટલે સુધી કે સજ્જનો સાવ નિ:સહાય જ બની ગયા હોય અને એમને દુષ્ટોની દયા પર જીવવું પડતું હોય!

શ્રીકૃષ્ણે એક ખાતરી ઉચ્ચારી છે કે જો કોઈપણ એમના આ અવતાર રહસ્યને અને અવતાર કૃત્યને સમજે તો એને મોક્ષ મળી જાય છે.

ગીતામાં ઘણી જગ્યાએ ભગવાને અર્જુનને પોતાની – ઈશ્વરની – ભક્તિ કરવાનું અને ધ્યાન ધરવાનું કહ્યું જ છે અને સાથોસાથ ઈશ્વરનું કામ કરવાનું યે કહ્યું જ છે. (૯/૩૪, ૧૧/૫૫, ૧૮/૬૯) છતાં છેવટે તો સર્વ ધર્મોને છોડીને પોતાને શરણે આવવાનું જ કહ્યું અને એને સર્વ પાપોમાંથી મુક્તિ આપવાની બાંહેધરી પણ આપી.

ભગવદ્‌ગીતા સમગ્ર વિશ્વના ધાર્મિક પ્રશિષ્ટગ્રંથોના વિવિધ ભાષાઓમાં થયેલા અનુવાદોમાં મોખરે છે. એનું સૌંદર્ય, એની ગરિમા, એની સર્વકાલીન પ્રસ્તુતતા, માનવીય સર્વ સમસ્યાઓને ઉકેલવાનું એનું સામર્થ્ય, એનો વૈશ્વિક અભિગમ – આ બધું આપણને આ સમગ્ર વિશ્વને ‘एक नीडम्‌’- (એક માળારૂપે) જોવાની પ્રેરણા આપે છે. વિશ્વના વિદ્વાનો પણ એવી જ કોઈક પ્રેરણાથી એનું પોતપોતાની ભાષામાં રૂપાંતર કરવા પ્રેરાયા હશે.

ભલેને આ ભગવદ્‌ગીતા મહાભારતરૂપ મહાકાવ્યના એક ભાગ રૂપે જ હોય છતાં એક સ્વતંત્ર ગ્રંથ તરીકે પોતાના પગ ઉપર જ ઊભી રહેવાનો એને પૂરો અધિકાર છે. કુરુક્ષેત્રના સમરાંગણમાં અર્જુનને યુદ્ધ માટે પ્રેરિત કરવા માટે પ્રબોધાયેલી હોવા છતાંય એને રક્તપાત, યુદ્ધ કે લડાઈ ઝઘડા સાથે કશી લેવાદેવા નથી! એને તો પ્રત્યેકના જીવનમાં સ્વધર્મનું પાલન જ અભિપ્રેત છે, એ સ્વધર્મપાલન ગમે તેટલું કપરું હોય તો પણ એને ન છોડવાની એની શીખ છે. શ્રીકૃષ્ણે અર્જુનને પ્રબોધેલી આ ગીતા અતિ પ્રાચીન હોવા છતાં, ‘મને સ્મરીને યુદ્ધ કર’, (૮/૭) જેવાં વાક્યો આજેય ગમે તેને પ્રેરણા આપી શકે છે; જીવનની ગંભીર સમસ્યાઓમાં માર્ગદર્શન આપી શકે છે. ગીતામાં વરતાતું વિષય વૈવિધ્ય અંતરતમ દિવ્યતામાં એકરૂપ છે એનો ખ્યાલ વિશ્વરૂપ દર્શનના પ્રતીક દ્વારા કેવી સરસ રીતે સમજાવેલ છે? ૭/૭માં પણ એ નિર્દેશ છે. એમાં દર્શાવેલ વૈશ્વિક અભિગમ પણ ધ્યાનપાત્ર છે.

મહાભારતને જો હિન્દુ ધર્મનો અને સંસ્કૃતિનો વિશ્વકોશ માનીએ તો ભગવદ્‌ગીતાને ભારતીય ધર્મ અને સંસ્કૃતિનું સારતત્ત્વ માનવું જ પડે. એટલે જ હિન્દુ પરંપરા પાંચ હજાર વરસથી મહાભારતને પ્રકાશદીપ અને ભગવદ્‌ગીતાને એના પ્રકાશરૂપ માનતી આવી છે. ગીતા સાંભળીને અર્જુનનો સ્વધર્મ સંબંધી ભ્રમ ટળ્યો અને એ સ્વધર્મ સમજ્યો તેમ – ચાલો, આપણે પણ સ્વધર્મનું સમજીને આચરણ કરીએ.

Total Views: 60

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.