(બ્રહ્મલીન સ્વામી બુધાનંદજી મહારાજના ‘વેદાંત કેસરી’ ડિસેમ્બર ૨૦૦૫માં પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અત્રે પ્રસ્તુત છે. – સં.)

યુવાનોની વિપરીત અવસ્થા

માનવજાતના ભાવિને સતત અને સુદીર્ઘકાળ સુધીના ઘડતરના કાર્યમાં સહાયભૂત થનાર અનેક પાસાંમાં સૌથી વધારે પ્રબળ પાસું છે, વિશ્વના યુવાનો.

યુવાનોની આ વિલક્ષણતા બે બાજુઓ આપણી સમક્ષ મૂકે છે : એક અલ્પજીવી અને બીજી શાશ્વત. પોતાના વૈયક્તિક પાસાની દૃષ્ટિએ યુવાન ગલના ફૂલ જેવો નાશવંત અને અલ્પજીવી છે. વ્યક્તિગત રીતે આ યુવાન ઉંમર પોતે પોતાની ચોક્કસ સંક્રમણની બાબતોને જાણી લે તે પહેલાં બેસી જાય છે. અને થોડા જ વખતમાં તે વૃદ્ધ પણ બની જાય અને એક દિવસ તેણે આ દુનિયાને ‘રામ-રામ’ પણ કરવાના રહે. આ ખુલ્લી અને વાસ્તવિક હકીકત હોવા છતાં પણ વિશ્વમાં યુવાનની શાશ્વત વાસ્તવિકતાને કે હકીકતને કશી અસર કરી શકતી નથી. કોઈ પણ વ્યક્તિ સુદીર્ઘકાળ સુધી યુવાન રહેતો નથી. પરંતુ માનવજાતનો સારી એવી ગણતરીમાં લઈ શકાય એવો ભાગ હંમેશાં યુવાન જ રહ્યો છે.

યુવાનોની સૌથી મહાન વાસ્તવિક હકીકત એટલે તેની ભીતરી અંતર્શક્તિ. યુવાન પોતે પ્રભુતા કે આધિપત્ય નથી પણ પોતાની અંતર્શક્તિના પ્રવાહને લીધે તેમાં પ્રભુતા પ્રગટી ઊઠવાની. યુવાનની સ્વાભાવિક ચંચળતા કે અધીરતાને લીધે તેમાં ક્યારેક અશિસ્ત પણ જોવા મળે ખરી. પણ એનો અર્થ એવો નથી કે તે એટલે કે યુવાન અશિસ્તનો સમાનાર્થી છે. વળી યુવાવસ્થામાં કોઈ પણ વ્યક્તિ પોતાને બીજી કોઈ પણ અવસ્થા કરતાં વધારે પૂર્ણ રીતે શિસ્તબદ્ધ બનાવી શકે છે. યુવાની એટલે શાણપણનો ખજાનો એવું નથી, પણ તે નાદાની કે ગાંડપણથી ભરેલ પણ નથી. ભૂતકાળમાં યુવાનીમાંથી જ સર્વોત્કૃષ્ટ શાણપણનાં પુષ્પો ખીલી ઊઠ્યાં છે. ઇતિહાસની આ એક હકીકત છે. ઈશુખ્રિસ્ત, શંકરાચાર્ય, સ્વામી વિવેકાનંદ જેવી મહાન વ્યક્તિઓ સમગ્ર જગતને હચમચાવી મૂકનાર મહાન જીવનકાર્યો પોતાની ચાલીસી પૂરી કરે તે પહેલાં પૂરાં કરનાર – યુવાનોની આ અનન્ય વિલક્ષણતાની સાથે પનારો પાડનાર કોઈ પણ વડીલ વ્યક્તિ ક્યારેય ભૂલી ન શકે. આમ જોઈએ તો એમને કોઈ ઉંમર ન હતી, શાશ્વત યુવાનો હતા; સાથે ને સાથે એ બધી મહા વિભૂતિઓ પણ સર્વોત્કૃષ્ટ રીતે યુવાનોની જ એક અભિવ્યક્તિ બની ગઈ છે.

એટલે જ જગત્રાતા અને મહાન પયગંબરો વિશિષ્ટ રીતે વિશ્વના યુવબળની જ અભિવ્યક્તિ છે એ વાતને આપણે ભૂલવી ન જોઈએ. વિશ્વના યુવાનો આ મહાન વિભૂતિઓને પોતાના યુવાજગતના માનવી ગણી શકે પણ ખરા. તેથી યુવાન એટલે અપરિપક્વ કે બેજવાબદાર એમ આપણે કહી ન શકીએ. આપણે એવો પણ દાવો ન કરી શકીએ કે વરિષ્ઠ લોકો જે રીતે આ અપરિપક્વતા અને બેજવાબદારીને સંયમિત કરી શકે તે રીતે યુવાનો ન કરી શકે. વાસ્તવિક રીતે યુવાનોનું આ રીતે વિશ્લેષણ કરવું કે તેનું વર્ગીકરણ કરવું ઘણું કઠિન કાર્ય છે.

જો કે આ બાબત કે હકીકત આપણને સૌને ઘણી વિચિત્ર લાગશે અને તે હકીકત એ છે કે યુવાનોના વિશ્વનો એક ધ્રુવ છે વિશ્વના મહાન પયગંબરો, જગત્રાતાઓ કે વિભૂતિઓ; જ્યારે એના બીજા છેડે છે સમાજના નગણ્ય ગણાતા હિપ્પી જેવા યુવાનો. પૃથ્વીના આ બે છેડાની સાથે પોતાની બધી બહુલતા સાથે વિશ્વના યુવાનો રહ્યા છે. શું જગત્રાતા અને આ હિપ્પી- યુવાનોની આ બે આવિષ્કૃતિઓની વચ્ચે કોઈ કડી છે ખરી? એવો પ્રશ્ન પૂછી શકાય. આ પ્રશ્નનો ઉત્તર પરોક્ષ રીતે આપવો હોય તો આવો હોઈ શકે. જો આજે ઈશુખ્રિસ્ત વિશ્વની શેરીઓમાં પગે ચાલતાં નીકળે તો લગભગ હિપ્પી જ એમને સૌથી વધુ ચાહનારા અને ખંતીલા અનુયાયીઓ હોઈ શકે. અને જો આજે વિવેકાનંદ જીવતા હોત તો આ તેજી તોખાર યુવાનો એમની પાસે માર્ગદર્શન અને પ્રેરણા માટે દોડી જતાં હોત, એમાં કોઈ આશ્ચર્યની વાત ન હોત. વાસ્તવિક રીતે સ્વામી વિવેકાનંદ કોઈ પૂર્વ કે પશ્ચિમના, વામ કે દક્ષિણના ન હતા. પરંતુ તેઓ તો સર્વવ્યાપી અને સર્વશક્તિમાન ઈંદ્રિયાતીત એવા શાશ્વત પરમ સત્યમાં અધિષ્ઠિત થયા હતા.

યુવાનોની આવશ્યકતા

ભાવાત્મક કે રચનાત્મક ઉત્ક્રાંતિ માટે ચારિત્ર્ય, સામર્થ્ય, કરુણા અને શાણપણની આધારભૂમિકા આવશ્યક છે. જો મશાલને અંધારાને દૂર કરવા ઊંચે ધરવાની હોય તો તેણે પોતે બળવું જ રહ્યું. વિશ્વના ગાઢ અંધકારમાં જે લોકો આવા મશાલચી બનતા નથી તેઓ વાસ્તવિક રીતે વિશ્વમાં અજવાળું પાથરનારા બનવાને બદલે સૌને રાખ કરનારા બની જાય છે. પરિવર્તનશીલ વિશ્વમાં પોતાનું પરિવર્તન ન કરવું એ એક એવી ફસામણી છે કે જેમાં કેટલાંય કહેવાતા ક્રાંતિકારીઓ કૂદી પડે છે અને પછી એમાંથી છૂટી શકતા નથી. એટલે જ આપણે આપણી નજર સમક્ષ આજની ઉત્ક્રાંતિઓને દુ:ખદ રીતે કોઈકના આવતીકાલના સ્વાર્થભર્યા હિતની ઉત્ક્રાંતિ બની જતી જોઈએ છીએ. એટલે જ સાચી વાત તો એ છે કે હંમેશાં આપણે સત્યના શોધક બનવું જોઈએ.

આપણને એવું જોવા મળે છે કે યુવાનો નૈતિક વર્તન, સદ્‌વર્તનના નિયમોનો સહજ સ્વીકાર કરવાનો ઈન્કાર કરતા હોય છે. તેઓ પ્રસ્થાપિત રીતિરિવાજ કે નિયમોને પડકારે છે. જે નિયમ કે રીતિરિવાજનું સૌથી વધારે પાલન થયું હોય, સૌથી વધારે જેનાથી ભય સેવાતો હોય કે જેનો પરિત્યાગ થયેલો હોય એવી બાબતોમાં વિશ્વના યુવાનો હંમેશાં વિરુદ્ધમાં રહ્યા છે. જ્યારે વડીલોને એવું લાગે કે યુવાનો તેમની જ વિરુદ્ધ કાર્ય કરી રહ્યા છે, એમને પોતાને જ અત્યંત નુકશાનકારક બની રહે તેવી રીતે ચાલી રહ્યા છે કે વિચાર-વર્તન કરી રહ્યા છે તેમજ પોતાના આંતર અને બાહ્ય જીવનમાં સૌથી વધારે ઉપયોગી નીવડનાર વસ્તુઓનો વિનાશ સર્જે છે ત્યારે એમણે ચિંતા સેવવી જોઈએ.

આપણે એટલું યાદ રાખવું સારું રહેશે કે યુવાનો વિશે આ ગુણવત્તાવિહોણી બાબતો પણ નથી. જેમ કડાકા-ધડાકા સાથે વીજળી ચમકી જાય છે અને ઝંઝાવાત કે તોફાન સાથે તે શમી જાય છે એવી વિશેષ શક્તિ યુવાનોમાં રહેલી છે.

યુવાનો : પ્રતિબદ્ધતા અને વિશેષાધિકારો

યુવાનોમાં બધું જંગલી કે ગાંડું નથી. એ કંઈ જીવનનો નિયમ નથી. વળી યુવાની એટલે ઉત્કટ આવેશ પણ નથી. યુવાનની જેમ કોણ મુક્તમને હસી શકે? યુવાન કંઈ અગ્નિ અને ગંધકના ખડક જેવો નથી. અરે! કોમળ ઊર્મિઓમાં યુવાનની જેમ કોણ કંપન અનુભવી શકે છે? મહદંશે યુવાનો અસત્યના ગુલામ નથી રહેતા. જો તમે કોઈ પણ વસ્તુને અસત્ય સાબિત કરી શકો તો યુવાનો તેનું અનુસરણ કરવાના નથી કે એને માટે કાર્ય પણ કરવાના નથી. કોઈને કોઈ વર્તન એમનાં પોતાનાં માન-આદરના નિયમોનું ઉલ્લંઘન કરે છે એ વાત જો તમે એમને ગળે ઊતારી શકો તો તેઓ તેવાં વર્તનમાંથી ચોક્કસપણે અટકી જવાના.

આટલી પણ ખાતરી રાખવી જોઈએ, યાદ રાખવું જોઈએ કે જ્યાં અને જ્યારે પોતાનું જીવન વધારે મહાન કારણ માટે અર્પણ કરી દેવાનો અવસર આવે અને જેમાં પોતાને કંઈ વળતરલાભ ન મળે એવા મહત્તર કલ્યાણ માટેનો ઉચ્ચતર આદેશ આવે ત્યારે કોઈ પણ જાતની શરતો મૂક્યા વિના યુવાનો પોતાનું જીવન સમર્પણ કરી દેવા તૈયાર રહેતા હોય છે. જ્યારે દેશ ખતરામાં હોય, ન્યાયનાં ઝરણાં સૂકાતાં જતાં હોય અને શોષકો સામે કામ પાર પાડવાનું હોય ત્યારે યુવાનો કોઈ પણ જાતની ગણતરી કર્યા વિના નિર્ભયતાપૂર્વક ખાબકવાના જ. આગલી જૂની પેઢીની જેમ વિશ્વના યુવાનોએ જ ભયસંકટો પાર કર્યા છે, શહીદી અને આત્મબલિદાનથી પરદેશીઓની ધુરામાંથી પોતાના દેશને બાહ્ય અને આંતરિક રીતે સ્વતંત્ર કર્યો છે. આ યુવાનો સામર્થ્ય પ્રાપ્તિ તેમજ પ્રકૃતિનાં પરિબળો પર પ્રભુત્વ મેળવવા અને માનવજ્ઞાનની ક્ષિતિજોને વધુ ને વધુ વિસ્તૃત કરવા પોતાનાં હાડકાંને ઓગાળી દેતી મુસીબતોમાંથી પસાર થયા છે. વિશ્વના લોકોના ધ્યાનમાં જે વાત સૌથી ઓછી આવી છે એવી આજની વાત એ પણ છે કે યુવાનો જ ઘર છોડીને, વૈરાગી બનીને ઈશ્વરની શોધના કે આરાધનામાં – પરમ સત્યની પ્રાપ્તિ કરવામાં પોતાનું સર્વસ્વ હોમી દે છે અને વળતામાં પોતાની બધી અનુભૂતિઓ અને પરમસત્યો આ સમગ્ર વિશ્વને ધરી દે છે. સર્વસામાન્ય વિદિત ન હોય એવી વાત એ છે કે દર વર્ષે વિવિધ દેશોનાં સેંકડો યુવાનો અને યુવતીઓ ઉચ્ચતર આહ્‌વાનને પ્રતિસાદ આપવા શિસ્તબદ્ધ રીતે જીવનનાં સર્વોત્કૃષ્ટ મૂલ્યોની પાછળ સાહસ અને ઉત્કટતા સાથે મંડી પડે છે.

યુવાનો અને માનવ સભ્યતાની ઉન્નતિ

આપણે સૌ યુવાન સ્ત્રીપુરુષોની હિંસા અને બેજવાબદારીને લીધે સમાજમાં સર્જાતી મુશ્કેલીઓ, ચીજવસ્તુ કે મકાન-મિલકતની ભાંગફોડ તેમજ તેમને બાળી નાખવા જેવી પ્રવૃત્તિઓ, અવમાનના, માનસિક, શારીરિક હાનિ, પોતાની માગને માટે લોકોને જવાબદાર ગણી લેવા જેવી ઘટનાઓને લીધે બધા યુવાનોને સમગ્ર યુવજાતિની સાથે અભાવાત્મક રીતે સાંકળી લેવા વાજબી નથી. ખરેખર તો આ યુવા શક્તિની એક અભિવ્યક્તિ પણ ગણી શકાય. પરંતુ આ અભિવ્યક્તિને એકલી પાડીને – અંશત: કે સાર્વત્રિક રીતે, સભ્યતાના માનવજાત વિરોધી પાસા રૂપે જોવી કે મૂલવવી જોઈએ નહિ. તેને તો આપણે માનવીય સભ્યતાની ઉન્નતિના પ્રશ્નાર્થ ચિહ્‌નરૂપે જોવી જોઈએ.

આજે સમગ્ર વિશ્વ જે પોતાનું વિચિત્ર અને વિશાળ પરિરૂપ જુએ છે તે એ છે કે અ,બ,ક,ની નિષ્પત્તિ એટલે અ,બ,ક,નું દેખીતું બાહ્ય વિસ્તૃતિકરણ. જો માતપિતા ભિન્ન ભિન્ન હોય તો બાળકો પણ ભિન્ન ભિન્ન હોવાનાં જ. કોઈપણ સંત સામાન્ય રીતે પરિવ્રાજક રૂપે જન્મતો નથી, જો એ વાસ્તવિકતા હોય તો વરિષ્ઠોએ આ દુનિયામાં છે એવા યુવાનો સામે અતિ ફરિયાદો ન કરવી જોઈએ. વડીલોએ યુવાનોની સમસ્યાને નજીવી, રિસાળવી કે પોતાના મનની સત્યતાની દૃષ્ટિએ જોવી ન જોઈએ, એની પાછળ ઘણાં મોટાં કારણો છે. દરિયાની ભરતી ક્યારેય સારીનરસી હોતી નથી. તે તો એક પ્રાકૃતિક પરિબળ છે. તેનું કેવી રીતે શક્તિ પરિવર્તન થઈ શકે, તે માણસ પર આધારિત છે. વિનાશ નોતરતી નદીને નાથીને કુશળતાપૂર્વક ઊર્જાના પ્રકલ્પો રચીને આપણે સૌ ઊર્જા અને પ્રકાશ મેળવી શકીએ. યુવાનો પણ એવું જ એક પ્રાકૃતિક બળ છે.

આજના જગતમાં સર્વત્ર વડીલો યુવાનો વિશે ફરિયાદ કરતાં એવું કહે છે કે એમના જમાનામાં યુવાન રૂપે તેઓ વધારે સારા હતા. આજના યુવાનોમાં જણાતા દોષદુર્ગુણો વિશે એમને જાણ પણ ન હતી. જો વિશ્વમાં અંધાધૂંધી કે અવ્યવસ્થા હોય તો તે જેટલા પ્રમાણમાં વરિષ્ઠોના હાથે થયું છે તેટલું યુવાનોના હાથે સર્જાયું નથી; લાગણી કે ઊર્મિઓથી વેગળા રહીને આ પરિસ્થિતિનું કરેલું વિશ્લેષણ આવી બાબત પ્રગટ કરે છે. જે પ્રકારની સંસ્કૃતિ આજના યુવાનો શોધી રહ્યા છે તે ઉન્નત થયેલ આધુનિક મૂલ્ય આપણી સાંસ્કૃતિક અને વિરાસતના સમન્વયથી જ નીપજ થવી જોઈએ. જ્યારે તેઓ જુએ છે કે સંસ્કૃતિનાં મૂલ્યોના આચરણ પ્રત્યે બેવફાદારી છે ત્યારે તેમાંથી માનવની પ્રગતિશીલ આવશ્યકતાઓ ઉદ્‌ભવે છે. મૂલ્યોને પ્રયત્ન કર્યા વિના હસ્તગત કરી લેવાં એ વૃત્તિ કે કાર્ય તો માત્ર સંસ્કૃતિને સતતપણે વળગી રહેવા જેવું જ છે. માનવની આવશ્યકતાઓનું સામર્થ્ય જ હંમેશાં માનવીય સંસ્કૃતિની ઊર્જાઓને ઓળંગી ગયું છે.

વડીલોએ દંભને પ્રસ્થાપિત સંસ્થા જેવો બનાવી દીધો છે, જ્યારે યુવાનો આવી ફરિયાદ કરે ત્યારે એનો ઇન્કાર કરવો એ પણ એક મોટો દંભ બની રહેશે. રાષ્ટ્રીય ગૌરવ ગરિમા, સલામતી કે સંગઠનનાં નામે આપણા સમાજના વડીલોએ પોતાનાં રાષ્ટ્રોને ઘણી વખત જંગલી કે નિષ્ઠુર કે અસંસ્કારી બનાવી દીધાં છે. સંસ્કૃતિનાં નામે કેટલાક દેશોમાં તો વડીલોએ આ ભાવાત્મકતાને અસરકારક સામાજિકતા અર્પી દીધી છે. જે માનવને ભ્રષ્ટાચારી બનાવનાર કે એનું અધ:પતન લાવનાર, એક રાષ્ટ્રને બીજા રાષ્ટ્ર સામે ઊભું કરી દેનાર, એક સમૂહને બીજા સમૂહનો વિરોધી બનાવી દેનાર, વ્યક્તિને વ્યક્તિ સામે લડાવી મારનાર, એવાં વિશ્વમાંના દરેકેદરેક તરકટ-છલકપટ આ વડીલો દ્વારા જ ચલાવાયાં છે. વડીલો બેશરમ બનીને ધનવાન બનવા કે પૈસો રળવા આ યુવજાતિનું શોષણ કરે છે. આ બાબતની ખાતરી કરવા માટે કોઈએ પણ આજના ઉદ્યોગજગતની જાહેરાતો તરફ એક નજર નાખી લેવી જોઈએ.

આવી રીતે ખંતથી વવાયેલ વિષનાં બીજમાંથી કયા આરોગ્યકારક પાકની અપેક્ષા કરી શકાય? વાસ્તવિક રીતે કમળનાં ફૂલ બાવળની કાંટમાં ખીલતાં નથી. આમ છતાં પણ આપણે એમ ન કહી શકીએ કે સમાજના વડીલોએ કોઈ પણ વિચાર કે બાબતને ઉન્નત બનાવવા પોતાની બુદ્ધિ કે જીવનનું આચરણ કરવા મથામણ ન કરી હોય. એવા વડીલોનાં કાર્યની અસરકારકતા હંમેશાં સ્પષ્ટ રીતે જોવા મળી નથી. તેનું કારણ એ છે કે મોટા ભાગના લોકો હંમેશાં એનાથી ઊલટું જ આચરણ કરતા હોય છે.

યુવાનોની સમસ્યાનો ઉકેલ અને વડીલોની જવાબદારી

ઉપર્યુક્ત પરિપ્રેક્ષ્યમાં યુવાનોની સમસ્યાનો અભ્યાસ કરવો જોઈએ. વાસ્તવિક રીતે જો આપણે ભાવાત્મક રીતે યુવાનોની સમસ્યાને સમજવા-જાણવા અને તેનું નિરાકરણ શોધવા ઇચ્છતા હોઈએ તો આપણા માટે એ સારી અને સાચી સલાહ બની રહેશે કે એને એક સમસ્યા રૂપે ન જોતાં અકલ્પ્ય શક્યતાઓ અને અસીમ દિશાઓવાળી વિલક્ષણતાના વિકાસ રૂપે જોવી જોઈએ. યુવાનોની સમસ્યા આપણા આ સમયનો એક વિશેષ અભિશાપ છે, આવું વિચારવું પણ તાર્કિક કે બૌદ્ધિક નથી. ‘આપણા યુવાનોમાં શું થઈ રહ્યું છે, તેઓ પોતાના વડીલોનો અનાદર કરે છે, એમનાં માબાપનું માનતા નથી. તેઓ નિયમો કે કાયદા સામે આંખ-મીંચામણા કરે છે. હિંસક અને જંગલિયાત ભરેલ વિચાર કે ખ્યાલોથી શેરીઓમાં ઠેક-ઠેકાણે હુલ્લડો સળગી ઊઠે છે. એમની નૈતિકતાનાં પુષ્પો સૂકાઈ ગયાં છે. અરે! એમનું થશે શું?’ – જેવા બળાપાભર્યા ઉદ્‌ગારો કાઢવાનું વલણ આજના વડીલોમાં ઘર કરી ગયું છે.

ખરેખર તો આજથી ૨૩૦૦ વર્ષ પહેલાં પ્લેટોએ ઉપર્યુક્ત શબ્દો નોંધ્યા છે. એમ જોઈએ તો આજના આપણા જમાનાના યુવાનોની સમસ્યાઓ એ કોઈ નવી વિલક્ષણતા નથી. એને એક અભિશાપ રૂપે પણ જોવી ન જોઈએ.

જો વડીલો યુવાનોનાં આવાં વિચિત્ર વર્તનની ચિંતા સેવતા હોય તો આટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે યુવાનો હંમેશાં અત્યંત બેહૂદી કે મૂર્ખામીભરેલી વાતો કરવા ટેવાયેલા છે, એવું નથી. ક્યારેક ક્યારેક તો તેઓ બુદ્ધિ-તર્કમાં ઊતરે એવી સાચી વાતો કરે છે અને સત્યનું ઉચ્ચારણ પણ કરે છે. વડીલોને ઉતારી પાડવા યુવાનોએ જૂઠાણાનો આશરો લેવો પડે તેમ નથી. એમણે તો કેટલીક વાસ્તવિક નગ્ન સત્ય જેવી હકીકતો તરફ અંગુલિનિર્દેશ કરવાનો છે. આજે અત્રતત્રસર્વત્ર જોવા મળતી ભ્રષ્ટાચારની બાબત વિશે શું કહીશું? યુવાનો તો એમાં જરાય ભાગીદાર નથી. આમ હોવા છતાં પણ તેઓ જ એના મહદંશે ભોગ બને છે. જે અનાજથી યુવાનોનું પોષણ થાય છે, તેમાં ભેળસેળ કરવાનું અનિષ્ટ કર્તવ્ય પણ વડીલો જ બજાવે છે! ઉપનિષદમાં કહ્યું છે તે પ્રમાણે અશુદ્ધ આહાર મનને અવળે માર્ગે દોરી જાય છે. શું આ બધાની સામે વિરોધ પ્રગટ કરવાનો અધિકાર યુવાનોને નથી? શું તેઓ આ અન્નને તંદુરસ્ત અને શુદ્ધ બનાવવા બંધાયેલા નથી? જો આપણી શિક્ષણ-પ્રણાલી જ એવી હોય કે જેથી ભણેલો ગણેલો યુવાન પગભર થવા માટે ક્યાંય સ્થાન મેળવી ન શકે; જો ઘડેલા કાયદાઓ પોતે જ જેમની સાથે વાસ્તવિક રીતે કોઈ દુશ્મનાવટ નથી એવા બીજા દેશના નિર્દોષ લોકોને નિષ્ઠુર બનીને મારી નાખવા પ્રેરે; જો બધું આવું જ હોય તો યુવાનોને એનો પ્રતિરોધ ન કરવા કહેવું એ કોઈ બૌદ્ધિક સ્વાસ્થ્ય ગણાય ખરું? કાર્ય-ધંધો-વાણી અને આચરણ વચ્ચેની ભિન્નતાને, નૈતિક મૂલ્યો અને એનાં આચરણની વચ્ચેના ભેદને જોઈને જો યુવાનો પોતાની સ્પષ્ટ નારાજગી વ્યક્ત કરે તો એમાં તેઓ અવળે માર્ગે ચાલે છે એવું કેવી રીતે માની શકાય? જો યુવાનો જાતિ, રંગ, ધર્મ, રાજકારણની દીવાલોને દૂર કરીને ભાઈચારાને ઝંખતા હોય; જો આ જ યુવાનો કોઈ પણ દેશની વ્યક્તિપૂજા કરવાનો ઇન્કાર કરતા હોય તો આ બધાં બહાના હેઠળ યુવાનોમાં દોષ જોવા એ કઈ બુદ્ધિની વાત છે? અનાદર કે અવમાનનાભર્યા યુવાનોના અવાજને શાંતિ અને સન્માન સાથે સાંભળીએ તો તે એમની આ અધીરતા કે અશાંતિ પાછળ રહેલ રહસ્યમય તત્ત્વ કે દર્શનને શોધવામાં આપણને સહાય મળશે.

યુવાનોને સમજવાની આવશ્યકતા

સર્વ પહેલાં તો યુવાનોને સમજવાની આવશ્યકતા છે કે કોઈ પણ યુગમાં યુવાનોનું મન વારસામાં મળેલાં વલણો, સાહજિક વૃત્તિઓ, સમય સમયનો જુસ્સો અને એમનાં સ્વપ્ન-આકાંક્ષાઓની એક જટિલ નીપજ છે. પોતાની સાહજિક વૃત્તિને લીધે યુવાનો સ્વકીય અભિવ્યક્તિ ઇચ્છે છે. આ અભિવ્યક્તિઓ એમના મન સાથે પૂરેપૂરી બંધ બેસવી જોઈએ. તેઓ પોતે જીવનમાં આનંદ માણવા ઇચ્છે છે. તેઓ જીવનમાં પ્રગતિ કરવા ઇચ્છે છે અને પોતાના સ્વપ્નને પોતે સાકાર કરવા ઇચ્છે છે. જે કંઈ આ સ્વાભાવિક પ્રક્રિયામાં આડે આવે તેનાથી એમનો ગુસ્સો ઉદ્‌ભવે છે.

યુવાનોમાં સમયનો જુસ્સો કે સમયપાલન માટે સ્વાભાવિકપણે આદર હોય છે. સમયકાળે એમની સામે મૂકેલાં મૂલ્યોને તેઓ સામાન્ય રીતે ઉત્સાહથી સ્વીકારે છે. આજનો સમયકાળનો જુસ્સો વૈજ્ઞાનિક ભૌતિકવાદ, સામાજિકતા માટેની ઉત્ક્રાંતિ અને જીવનનાં વ્યવહારુ દર્શન પર આધારિત છે.

સામાન્ય માન્યતાઓથી વિરુદ્ધ યુવાનોમાં નૈતિક શક્તિની ભાવના તીવ્રપણે હોય છે. વળી યુવાનોમાં સહજ રીતે એને આદર આપવાનો અભિગમ પણ હોય છે. તેમના ગળે આ વાત બરાબર ઊતરી જાય પછી એમાં ક્યાંય બાહ્ય ચળકાટ કે આકર્ષણની જરૂર રહેતી નથી. પરંતુ ક્યારેક પ્રમાણવિહીનતા સાથે યુવાનો દંભની સામે તત્કાલ અને તીવ્ર પ્રતિભાવો આપે છે. તેમનામાં બુદ્ધિ કે તર્ક, નિ:સ્વાર્થભાવ, સત્ય, નિષ્ઠા અને હેતુ પ્રત્યે જબરો આદર હોય છે. ઘેટાના ધણની જેમ રીતભાતોને અનુકૂળ થવાની તેમનામાં એક ભયંકર નિર્બળતા પણ છે. યુવાનોને શક્તિ, નિપુણતા અને નિર્ભયતા અત્યંત પસંદ છે. તેઓ ત્વરિતતા, શક્તિ અને ગતિશીલતાથી ખૂબ ઉત્સાહ અનુભવે છે. હલનચલન, જીવનયાપન, ઉછેર તેમજ કોઈ પણ વાતનો વિરોધ કરવાની બાબતમાં યુવાનોને પોતાની આગવી લાક્ષણિકતા હોય એવું ઇચ્છે છે. વિરોધ ક્યારેક કરવા ખાતર જ ભલે કર્યો હોય છતાં પણ કોઈ પણ વાતનો પ્રતિરોધ કરવાની આગવી ઢબમાં જ યુવાનોને સૌથી વધારે આનંદ આવે છે. સાંપ્રત હકીકતો એવો સ્પષ્ટ નિર્દેશ કરે છે કે જે વિચાર-વલણમાં યુવાનો સરળતાથી સંપૂર્ણપણે આવી જાય છે, તેમાં તણાવાની એક ઘાતક નિર્બળતા પણ એમનામાં હોય છે. પછી તો તેઓ સત્ય અને સ્વતંત્રતાને આશ્ચર્યજનક ભોળપણ સાથે ઉલાળી પણ દે છે અને પોતે માનેલા વ્યક્તિવિચારની અત્યંત શરમજનક તેમજ હલકી રીતની વાનરનકલ પણ કરે છે. તેઓ પોતાના મનથી જ આવી વિચારસરણીના ગુલામ બની જાય છે અને એને વિશે તાર્કિક કે બૌદ્ધિક રીતે વિચારવાનું કે પ્રાસંગિક પ્રશ્ન પૂછવાની ક્ષમતા પણ ગુમાવી બેસે છે. પછી તો તેઓ બીજાની આંગળીએ નાચતી કઠપૂતળી જેવા બનીને અતિ ઉત્સાહમાં આવી જાય છે. સાથેને સાથે તેઓ વિચાર મતભેદને જાણે કે પોતાની શક્તિનું મૂળ મુદ્દલ હોય તેમ તેવી અસહિષ્ણુતાથી જુએ છે.

(ક્રમશ:)

Total Views: 66

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.