‘પુરાણ’ શબ્દનો વાચ્યાર્થ તો ‘જૂનું’ એવો થાય છે. પરંતુ એને વાઙ્‌મયના પરિઘમાં જોઈએ, તો એનો અર્થ ‘જૂની પરંપરાથી ચાલતી આવેલી લોકવાર્તાઓ કે કિંવદન્તી’ એવો થાય છે. અથર્વવેદ, શતપથ બ્રાહ્મણ, ગોપથબ્રાહ્મણ વગેરે પ્રાચીન વાઙમયમાં, તેના પછી ઉપનિષદોમાં અને બૌદ્ધ સાહિત્યમાં પણ ‘પુરાણ’ શબ્દ વપરાયેલો જોવા મળે છે. ક્યાંક પુરાણ શબ્દ ‘ઇતિહાસ’ના અર્થમાં વપરાયેલો જોવા મળે છે. અને ખરી રીતે જોઈએ તો આજે મળતાં પુરાણો અને ઉપપુરાણોમાં કેટલાક રાજાઓની વાતો વધારે પડતી જગ્યા રોકે છે. રાજાઓની વંશાવળીઓ, એનાં કથાનકો, દેવો, ગાંધર્વો વગેરેની કથાઓ પુરાણોમાં મુખ્ય વિષય તરીકે જણાય છે. મહાભારત ખરેખર જ કુરુવંશનો ઇતિહાસ હોવા છતાંયે કેટલીકવાર એનોય પુરાણ તરીકે ઉલ્લેખ કરાય છે.

જરા ઊંડા ઊતરીને તપાસીએ તો પુરાણો આપણા વૈદિક આદર્શોને સામાન્યજનો સમજી, માણી, આચરી શકે કે આચરવાની પ્રેરણા લે એવી વારતાઓનો સંગ્રહ છે એટલે જ કહ્યું છે કે ‘ઇતિહાસ પુરાણાભ્યાં વેદં સમુપબૃહયેત્‌’ એટલે કે ‘ઇતિહાસ અને પુરાણગ્રંથો દ્વારા વૈદિક આદર્શોમાં વૃદ્ધિ કરવી જોઈએ.’ કહેવાય છે કે ભગવાન વ્યાસે પ્રથમવાર પરંપરાથી ચાલી આવતી મૂલ્યપોષક લોકકથાઓનું આકલન કરીને એને સાહિત્યિક સ્વરૂપ આપ્યું હતું.

આ પુરાણો નિ:શંક રીતે ભારતના ઐતિહાસિક દસ્તાવેજો જ છે. પરંતુ કંઠોકંઠે પહેલાં પ્રસારિત થયેલી એ કથાઓમાં કલ્પનાઓના એવા રંગો ઘૂંટાયા કે એમાંથી શુદ્ધ ઇતિહાસ તારવવો એ ખૂબ મુશ્કેલ થઈ પડ્યું. એમાંયે વળી અંગ્રેજોની આત્મપ્રભુત્વની ભાવનાએ ભારતના સત્ત્વશીલ સાહિત્યને પણ વગોવ્યું તો પછી લોકપરંપરાથી ચાલી આવેલી અને માનવસહજ કલ્પનાઓથી રસાયેલી પુરાણવાણીની ઉપેક્ષા થાય, એમાં ગલ્પસંગ્રહ જેવું જ બધું અંગ્રેજોને લાગે એમાં નવાઈ શી? લોર્ડ મેકોલેએ તો પુરાણોની ક્ષીરોદધિ જેવી વાતોને ક્રૂરતાથી હસી કાઢી – જો કે આમ છતાં ઇલિયેડ અને ઓડીસી જેવાં – આપણાં પુરાણોનાં જ સહોદર જેવાં મહાકાવ્યો અને મિલ્ટનનાં મહાકાવ્યો પ્રત્યે આદર ધરાવતો હતો, એટલું જ નહિ પણ એના કેટલાક અંશો એને કંઠસ્થ હતા, એ કેવી નવાઈભરી વાત છે?

પણ છેવટે ડો. ટેસીટરી જેવા અંગ્રેજ વિદ્વાને સહાનુભૂતિપૂર્વક પુરાણો જોયાં અને એમાંથી એને ઇતિહાસના મહત્ત્વના અંશો સાંપડ્યા. અલબત્ત એ પણ પરિતોષજનક ન હતા. પણ એના પછી પુરાણોમાંથી ઇતિહાસ ખોળવાનો માર્ગ પછીના વિદ્વાનોને મળી ગયો. આપણા ગુજરાતના જ વિદ્વાન શ્રીડોલરરાય માંકડે પૌરાણિક વંશાનુક્રમ તારવી બતાવ્યો. એના પછી પણ ગુજરાતમાં તેમજ ભારતના અન્ય પ્રદેશોમાંયે સંશોધનનું આ કામ ચાલવા લાગ્યું. એની સૂચિ ઘણી મોટી છે પણ એટલું અહીં કહીશું કે એ પ્રક્રિયા હજુ ચાલુ છે.

વાઙ્‌મયના કોઈ પણ પ્રકારનું પહેલાં સર્જન થાય છે અને પછી જ એનું લક્ષણ બંધાય છે. પણ બને છે એવું કે પેલી સર્જનની પ્રક્રિયા તો ગતિશીલ હોય છે અને લક્ષણ એને સીમિત બનાવવાનો પ્રયાસ છે એટલે લક્ષણ બાંધ્યા છતાં એ સાહિત્ય પ્રકારનું ગતિશીલ પ્રક્રિયા સાતત્ય ઘણાં લક્ષણને અતિક્રમી જાય છે. છતાં મુખ્ય પુરાણોનાં લક્ષણો આ પ્રમાણે બાંધવામાં આવ્યાં છે :

સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશા મન્વન્તરાસ્તથા ।
વંશાનુચરિતં ચૈવ પુરાણં પંચલક્ષણમ્‌ ॥

સામાન્ય રીતે પુરાણોમાં પાંચ વાતોનો સમાવેશ થાય છે. (૧) સર્ગ : સૃષ્ટિ રચના, (૨) પ્રતિસર્ગ : સૃષ્ટિનો પ્રલય, (સામયિક પ્રલય અને પુનર્નિર્માણ), (૩) વંશ : ઋષિઓ અને દેવોની વંશપરંપરા, (૪) મન્વન્તર : મનુનું શાસન પરિવર્તન અને (૫) સૂર્યવંશી અને ચંદ્રવંશી પરંપરાનું બયાન.

આટલું લક્ષણ બાંધ્યા છતાં પુરાણોમાં પૂર્વોક્ત કારણે બીજી ઘણી ઘણી વાતો ઉમેરાયેલી નજરે પડે છે. એવાં ઉમેરણો ભૌતિક અને ધાર્મિક બંને પ્રકારનાં કરવામાં આવ્યાં છે. અને એ સહજ પણ છે કારણ કે લોકો દ્વારા ચાલી આવતી કિંવદંતીઓ કંઈ એક જ વિષયને અવલંબતી હોય એવું બને નહિ. સામાન્ય રીતે કહીએ તો આ પુરાણો વર્ણ અને આશ્રમના મનુષ્યે બજાવવાનાં કર્તવ્યો, એની ફરજો વગેરેનું બયાન કરે છે, એની વિધિઓ બતાવે છે. ભારતમાં ગમે તે કારણે પ્રવેશેલા અધિકારભેદને કારણે જે મનુષ્યો અને સ્ત્રીઓને વેદો ભણવાનો અધિકાર અપાયો ન હતો, તેવા લોકોને આ પુરાણોએ જ વેદરૂપ બનીને તેમનો ધર્મ શીખવ્યો છે. અને એવાં એ મનુષ્યો અને સ્ત્રીઓએ પુરાણોને જ પોતાનો માર્ગદર્શક માનીને જીવનનાં મૂલ્યો ઘડ્યાં છે. અને આ સંખ્યા વેદાધિકારીઓ કરતાં ભારતમાં ઘણી જ વધારે હતી. એથી કહેવું હોય તો જરાય અતિશયોક્તિ વગર કહી શકાય કે સમગ્ર ભારતના જનજીવન માટે પુરાણકથિત આદર્શો જ માર્ગદર્શક બની રહ્યા છે. પુરાણકથિત અનેકાનેક ઋષિઓ અને રાજાઓએ કરેલાં ઉમદા કાર્યોની કથાઓ જનસાધારણને આજે પણ કુમાર્ગેથી પાછો વાળીને સન્માર્ગે વળવાની પ્રેરણા આપી રહી છે.

પરંપરાગત અનેકાનેક કિંવદંતીઓનું સંકલન કરીને વ્યાસે અઢાર પુરાણોમાં એનું સંપાદન કર્યું એમ કહેવાય છે. એના પછી અઢાર ઉપપુરાણોનું પણ સંકલન થયું. આ અઢાર મહાપુરાણો તેમજ અઢાર ઉપપુરાણોની ભારતમાં પરંપરાએ સ્વીકારેલી આ વાત છે. પણ એના પછી તો એકસોથી વધારે પુરાણોની પાંડુલિપિઓ મળી આવી છે, એટલે એ સાહિત્ય લોકસાગરની પેઠે સાહિત્ય સાગર જ બની ગયું છે.

મહાપુરાણોમાં બ્રહ્મ, પદ્મ, શિવ, બ્રહ્મવૈવર્ત, ભાગવત, નારદીય, અગ્નિ,માર્કંડેય, ભવિષ્ય, બ્રહ્માંડ, લિંગ, વરાહ, સ્કંદ, વામન, કૂર્મ, મત્સ્ય, ગરુડ અને વિષ્ણુ પુરાણ છે. જ્યારે ઉપપુરાણોમાં – સનત્કુમાર, વાયુ, નરસિંહ, શૈવધર્મ, આશ્ચર્ય, નારદ, નંદીકેશ્વર (બૃહત્‌ નંદીકેશ્વર), ઉશનસ, કપિલ, વરુણ, શામ્બ, કાલિકા, કલ્કિ, મહેશ્વર, દેવી, પારાશર, મરીચિ અને સૌર (અથવા ભાસ્કર) પુરાણનો સમાવેશ થાય છે.

આ ઉપપુરાણો પેલાં મહાપુરાણો કે પ્રાચીન પુરાણોની નકલો કરી હોય, એવાં લાગે છે. પરંતુ આ ઉપપુરાણોમાં પણ જે કંઈ વાતો થઈ છે, તે પેલાં જૂનાં પુરાણો-મહાપુરાણોની વાતો કરતાં કોઈ પણ રીતે જરાય ઓછા મહત્ત્વની નથી.

એવું કહેવાય છે કે પહેલાં તો એક જ મહાપુરાણ હતું અને પાછળથી વ્યાસ સંપાદિત વિભાગવાર પુરાણોમાં એ મહાપુરાણમાં મૂકેલાં સામાન્ય લક્ષણો જાળવીને જ સંપાદન કરવામાં આવ્યું છે.

ઉપર્યુક્ત મહાપુરાણોનું પ્રકૃતિના ત્રણ ગુણો – સત્ત્વ, રજસ્‌ અને તમસ્‌ – પ્રમાણે પુન: વર્ગીકરણ પણ કરાયું છે. એ ત્રણ ગુણો ક્રમશ: વિષ્ણુ, બ્રહ્મા અને શિવરૂપે અભિવ્યક્ત થયા છે. આ રીતે વિષ્ણુ, ભાગવત, નારદીય, ગરુડ, પદ્મ, અને વરાહ – આ છ મહાપુરાણો સાત્ત્વિક ગણાય છે. બ્રહ્મ, બ્રહ્માંડ, ભવિષ્ય, બ્રહ્મવૈવર્ત, માર્કંડેય અને વામન – આ છ મહાપુરાણો રાજસિક ગણાય છે. શિવ, લિંગ, સ્કંદ, અગ્નિ, મત્સ્ય અને કૂર્મ – આ છ મહાપુરાણો તામસિક ગણાયાં છે.

આ પુરાણો ક્યારથી શરૂ થયાં હશે? આગળ કહ્યા પ્રમાણે એ લોકોની કંઠોપકંઠ ઊતરી આવેલી કિંવદંતીઓ છે. મૂળ કોઈક સત્યઘટનાની આસપાસ પરંપરા દ્વારા અલંકારો, રૂપકો, કલ્પનાઓ, કહેણીની છટાઓ વગેરે ઉમેરાતાં ગયાં. એમ પુરાણોની રચના થઈ પણ એ ક્યારથી થયું એ કહેવું માનવજાતિની ઉત્પત્તિની ખોજ જેટલું અઘરું કામ છે. ઇતિહાસરસિકો કહે છે કે વાઙમયની દૃષ્ટિએ તો મૂળ એક મહાપુરાણમાંથી પ્રેરણા લઈ બીજાં પુરાણો થયાં. અથર્વવેદ અને કેટલાક બ્રાહ્મણ ગ્રંથોમાં ‘પુરાણ’ શબ્દ આવે છે. મહાભારતમાં અને હરિવંશમાં પણ ‘પુરાણ’ શબ્દ ઉલ્લેખાયેલો છે, ઘણાં પુરાણોમાં કેટલાક રાજવંશોની વંશાવળીઓ પણ આપવામાં આવી છે. એમાંના કેટલાક રાજવંશો અને રાજાઓનો સમય ઈશુના જન્મ પહેલાં પણ હતો અને કેટલાકનો પછીથી પણ હતો! પુરાણોમાં બૌદ્ધધર્મના શાસ્ત્રગ્રંથોનો પણ ઉલ્લેખ મળે છે. પુરાણોની વિગતો ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે વૈદિક ધર્મને જ (સનાતન ધર્મને જ) સુદૃઢ કરવા માટે પુરાણોનો પ્રચાર અને પ્રસાર જનસમૂહમાં કરવામાં આવ્યો હતો. બૌદ્ધધર્મ વૈદિક વિધિવિધાનોને અને કર્મકાંડની સંકુલતાને સ્વીકારતો ન હતો. એ સંદર્ભમાં પુરાણોને વૈદિક યાજ્ઞિક સંસ્કૃતિના સંરક્ષક સંત્રી તરીકે લેખી શકાય. આ બધામાંથી પુરાણોના કાલનિર્ણયનું એવું તારણ કાઢી શકાય કે મુખ્ય પુરાણો ઈ.પૂ. ૨૦૦ થી માંડીને ઈ.સ. ૪૦૦ની વચ્ચે લખાયેલાં હશે, કે જ્યારે બૌદ્ધધર્મનું વર્ચસ્‌ ફેલાયેલું હશે અને પછીનાં ગૌણ પુરાણો એના પછીની ઘણી સદીઓ દરમિયાન લખાયાં હશે.

વિષ્ણુ પુરાણમાં મૌર્યવંશનું વર્ણન છે, મત્સ્ય પુરાણમાં આંધ્રવંશનું વર્ણન છે અને વાયુપુરાણમાં ચંદ્રગુપ્ત પહેલાના શાસનનું વર્ણન અપાયેલું છે. આ બધાં પુરાણો ઉપરથી આપણને તે તે પુરાણોના કાલનિર્ણયનો સ્પષ્ટ ખ્યાલ આવી શકે છે. અહીં એ વાત પણ નોંધીએ કે એ કાળમાં રાજાઓ તરફથી પુરાણધર્મને પોષણ અને રક્ષણ અપાતાં હતાં.

વૈદિક ધર્માવલંબીઓ પુરાણોનો ‘શાસ્ત્રો’ તરીકે સ્વીકાર કરે છે. તેમને મન પુરાણો એ ધાર્મિક અને નૈતિક માર્ગદર્શકો છે. ‘કાનૂન’ના સ્રોતસમાં છે, તેમજ ભારતના સામાજિક અને રાજકીય ઇતિહાસના દસ્તાવેજો છે. પુરાણોમાં ભારતીય તત્ત્વજ્ઞાનની સાંખ્ય અને યોગ જેવી શાખાઓ ચર્ચાઈ છે. વિવિધ દેવોની વિવિધ પ્રકારની મૂર્તિઓ અને એની પૂજાઓની વિભાવનાઓ એ પુરાણોનું એક બીજુંયે મહત્ત્વનું પ્રદાન છે. તદુપરાંત, આપણાં કલા, શિલ્પ, સંગીત, નૃત્ય, સાહિત્ય વગેરે સાંસ્કૃતિક અંગો પણ પરોક્ષ યા પ્રત્યક્ષ રીતે પુરાણોથી પ્રભાવિત થયેલાં જ છે.

શાક્ત, શૈવ, સૌર, વૈષ્ણવ આદિ ધર્મસંપ્રદાયોનાં પોતપોતાનાં પુરાણો રચાયાં છે. તે તે સંપ્રદાયના અનુયાયીના ધાર્મિક અને ભૌતિક જીવનને તેઓ દોરવણી આપે છે. સંપ્રદાયાનુસારી ધોરણે એમનાં જીવનમૂલ્યો હોય છે.

આ બધાં પુરાણોમાં સર્વથી અધિક મહિમાવંતું પુરાણ ભાગવત મહાપુરાણ છે. એનો મહિમા સર્વ-સંપ્રદાયોએ સ્વીકારેલો છે અને વૈષ્ણવોમાં તો એનું અદકું મહત્ત્વ છે. તેઓ તો એને ‘પાંચમો વેદ’ ગણે છે. બાર સ્કંધોમાં વહેંચાયેલા અઢાર હજાર શ્લોકોની આ મહાપુરાણના દસમા સ્કંધમાં ભગવાન શ્રીકૃષ્ણના વૃંદાવનની ગોપીઓ સાથેના દિવ્ય પ્રેમનું સુંદર આલેખન છે. શ્રીકૃષ્ણની અન્ય દિવ્ય લીલાઓ પણ આ સ્કંધમાં છે.

એક બીજું પ્રસિદ્ધ પુરાણ ‘દેવીપુરાણ’ અથવા ‘દેવી માહાત્મ્ય’ને ગણવામાં આવે છે. લોકમુખે એ ‘ચંડી’ તરીકે વધુ જાણીતું છે. એને પણ ભારતના બધા ધર્મ-સંપ્રદાયો આદરથી જુએ છે. એમાં ચંડીને આદ્યાશક્તિ કહી છે. આ આદ્યાશક્તિને જ જગતની ઉત્પત્તિ અને લયનું મુખ્ય કારણ માને છે. બંગાળની દુર્ગાપૂજા અને દક્ષિણ ભારતના નવરાત્રી ઉત્સવ દરમિયાન સપ્તશતી ચંડીનો પાઠ કરવામાં આવે છે. (૭૦૦ શ્લોકો). ભાગવત અને સપ્તશતીના પાઠને મંગલકારી અને સર્વવિઘ્નનાશક માનવામાં આવે છે.

ભૌતિક અને આધ્યાત્મિક ઘણી ઘણી બાબતો વિશે ચર્ચા કરતું અગ્નિપુરાણ પણ અહીં ઉલ્લેખનીય છે.

પુરાણ સાહિત્ય વિચારની દૃષ્ટિએ સાગરસમું વિશાળ છે અને લોકશિક્ષણ માટે અત્યંત મૂલ્યવાન ઉપકરણ છે. પુરાણો ભારતની સંસ્કૃતિના વિશ્વકોશો છે. એમાં ભારતીય જીવનનાં સઘળાં પાસાં સમાવિષ્ટ છે.

આ મહાપુરાણોની જ પરંપરા પાછળનાં અઢાર ઉપપુરાણો અને અન્ય ‘પુરાણ’ તરીકે ઓળખાતા એકસોથી વધારે ગ્રંથોમાં ઓછીવત્તી ઊતરી આવી છે. આ લેખની શરૂઆતમાં ગણાવેલાં ઉપપુરાણોનાં નામ અને સંખ્યામાં ઘણું વૈવિધ્ય જોવા મળે છે. તારણ એ નીકળે છે કે સેંકડો ઉપપુરાણોમાંથી કેટલાંક બચ્યાં, કેટલાંક નાશાવશેષ રહ્યાં, કેટલાંક અપ્રકાશિત રહ્યાં અને કેટલાંક ખોવાયાં છે.

ઉપપુરાણોમાંનો ‘ઉપ’- (ગૌણ) ઉપસર્ગ, મહાપુરાણો કરતાં ભલે ઉપપુરાણોનું મહત્ત્વ ઓછું આંકતો હોય, પણ અભ્યાસીને ઉપપુરાણોનું મહત્ત્વ લેશમાત્ર ઓછું કે ગૌણ લાગશે નહિ. ઉપપુરાણો શા માટે ‘ઉપ’ કહેવાયાં, એ સંશોધનનો વિષય છે.

અંત:સાક્ષ્ય અને બાહ્યસાક્ષ્યને આધારે વિદ્વાનો માને છે કે આ ઉપપુરાણો ઈ.સ. ૬૫૦ થી ઈ.સ. ૮૦૦ સુધીના સમયગાળામાં રચાયાં હશે. કેટલાકને મતે ઉપપુરાણો ગુપ્તશાસન દરમિયાન લખાયાં, પણ પરંપરાગત મત તો ઉપપુરાણોને એથીય પૂર્વકાળમાં રચાયાનું માને છે. ગમે તેમ પણ ઉપપુરાણો મહાપુરાણો કરતાં તો નવાં જ છે. કેટલાંક ઉપપુરાણો તો મહાપુરાણોનાં ખિલ-પરિશિષ્ટો-જ છે.

ઉપપુરાણો મુખ્યત્વે કોઈક ધાર્મિક સંપ્રદાય સાથે સંકળાયેલાં હોય છે. સમય જતાં કોઈક નાનકડા મુદ્દા પર આ સંપ્રદાયોમાં તિરાડ પડી અને થોડાક જ વાંધાવચકાને કારણે બંને જૂથોએ પોતાનો અલગ ચોકો કરી અને પોતાનું નવું પુરાણ બનાવી દીધું. આમ ઉપપુરાણોની સંખ્યા વધતી ચાલી. પરંતુ પુરાણોની અને ઉપપુરાણોની જે મૂળ ‘અઢાર’ની સંખ્યાની સ્થિતિ હતી એને તો બધા ચુસ્તપણે વળગી જ રહ્યા અને સાથોસાથ નવાં બનાવેલાં પુરાણોની પ્રમાણભૂતતા પણ સ્વીકારવી જ પડી! આમ, સાંપ્રદાયિક અનેક ફાંટાઓને કારણે ઉપપુરાણોની સંખ્યા વધતી જ ગઈ! કેટલાંક ઉપપુરાણો તો મહાપુરાણની પરિશિષ્ટ રૂપ જ બની રહ્યાં, જેમ હરિવંશ મહાભારતનું પરિશિષ્ટ બન્યું તેમ જ!

સૌરપુરાણ કહે છે કે ઉપપુરાણનું વિષયવસ્તુ પણ મહાપુરાણના જેવું જ હોવું જોઈએ. કારણ કે ઉપપુરાણો મહાપુરાણોના ખિલ-પરિશિષ્ટો-સિવાય બીજું કશું જ નથી. પરંતુ સાચી વાત તો એ છે કે મહાપુરાણોએ જે પૂર્વોક્ત પાંચ લક્ષણો સખ્તાઈથી પાળ્યાં છે, તે પાંચ લક્ષણો ભાગ્યે જ કોઈ ઉપપુરાણે પાળ્યાં હશે! ઉપપુરાણોએ એ સર્ગ-પ્રતિસર્ગ આદિ પાંચ બાબતોને બદલે જુદા જુદા પોતપોતાના ધાર્મિક સંપ્રદાયની આવશ્યકતાઓને પહોંચી વળવા માટે અને સ્થાનિક વ્યવહારને બંધ બેસે એવા રીતરિવાજો અને સંપ્રદાય અનુકૂળ હેતુઓને જ વધારે સ્વીકાર્યા છે અને વર્ણવ્યા છે. ઉદાહરણ તરીકે આ ઉપપુરાણોએ ઋષિઓ કે રાજાઓની વંશાવળીની જરા પણ પરવા કરી નથી. કેટલાંક ઉપપુરાણોએ સૂર્યવંશ અને ચંદ્રવંશનાં વર્ણનો આપ્યાં છે ખરાં, પણ એ તો પોતાની પ્રાચીનતા બતાવવા માટેનાં દેખાવ પૂરતાં બહાનાં જેવાં જ છે! એમણે કલિયુગના વંશો વિશે તો કશું જ કહ્યું નથી.

આ ઉપપુરાણો એમના મૂળ રૂઢિવાદી વિચારોવાળાં હોવા છતાં પણ સામાન્ય જનસમાજના ખ્યાલો અને પ્રાદેશિક મનોવલણોની વધારે નજીક હતાં અને એટલા જ માટે એ બધાં બહોળા જનસમૂહ દ્વારા આદરણીય અને લોકપ્રિય બની શક્યાં હતાં.

વિવિધ ધાર્મિક માન્યતાઓ અને વિવિધ દેવોની પૂજા-પ્રાર્થનાના આધારે આ ઉપપુરાણોના છ વિભાગો કરી શકાય. જેમ કે – વૈષ્ણવ, શાક્ત, શૈવ, સૌર, ગાણપત્ય અને બિનસાંપ્રદાયિક. આમાં જે પાંચ દેવોના નામે ઉપપુરાણો ચડ્યાં છે એ પાંચ દેવોની પૂજા ભારતમાં વેદોના જમાનાથી લોકો કરતા આવ્યા છે. સમયે સમયે આ દેવોની પૂજાનો પ્રકાર અને એની વિભાવનાઓ બદલતાં રહ્યાં છે. સમય જતાં દરેક સંપ્રદાયનું રૂપાંતર થતું રહ્યું છે અને એ રૂપાંતરમાંથી નવાં ઉપપુરાણો નીપજતાં રહ્યાં છે. એક જ દેવ, એના જુદા જુદા પ્રકારના અનુયાયીઓ દ્વારા, એમની પોતપોતાની આગવી પદ્ધતિએ પૂજાવા લાગ્યા! આ બધા ઉપસંપ્રદાયોનો સ્વમત-પ્રચારાર્થે અને પોતાના દેવની આગવી પૂજા પદ્ધતિ માટે અલગ ગ્રંથ હતો. આમ શતાવધિ ઉપપુરાણો ઉત્પન્ન થઈ ગયાં.

વૈષ્ણવ ઉપપુરાણોમાં – વિષ્ણુધર્મ, નૃસિંહ, વિષ્ણુ ધર્મોત્તર, બૃહન્નારદીય ને ક્રિયાયોગસાર – સાંપ્રદાયિક ઉપપુરાણો થયાં. શાક્ત ઉપપુરાણોમાં – દેવી, કાલિકા, દેવી ભાગવત, ભગવતી, ચંડી, સતી, વગેરે નીપજ્યાં છે. આ શાક્ત ઉપપુરાણો બહુધા તાંત્રિક પ્રભાવવાળાં છે. બંગાળ, ઓરિસ્સા, આસામ અને થોડા નેપાળમાં લોકપ્રિય છે. શૈવ ઉપપુરાણોનું પણ એવું જ છે. શિવશક્તિની સહોપાસના અને શિવોપાસના તો સમગ્ર ભારતમાં વ્યાપક રૂપે પ્રચલિત છે. સૌર ઉપપુરાણોમાંની સૂર્ય ઉપાસના પણ ભારતમાં અતિપ્રાચીન છે. વેદોમાં સૂર્યનાં વિવિધ સ્વરૂપો પ્રશંસીયા છે. શુમ્બ ઉપપુરાણમાં તો કથા દ્વારા સૂર્ય સંપ્રદાય નિર્દેશાયો છે. અન્ય પુરાણોમાંય સૂર્યોપાસના છે. સૌર ઉપપુરાણ સૂર્ય ઉપાસના સિવાયના અન્ય વિષયો – સૃષ્ટિ, સૂર્યપદ્ધતિ, ગ્રહણ, ભૂગોળ, સૂર્યવર્ણન, યોગસાધના, વર્તન, રિવાજો, વિધિવિધાનો – વગેરે પણ વર્ણવે છે. સૌરપુરાણનો રચનાકાળ ઈ.સ. ૫૦૦ થી ૮૦૦ દરમિયાનનો વિદ્વાનોએ નક્કી કર્યો છે. ગાણપત્ય ઉપપુરાણોમાં તો મુદ્‌ગલપુરાણ અને ગણેશપુરાણ એમ બે જ ઉપપુરાણો મળે છે કારણ કે ગણેશપૂજા ભારતમાં મોડી અને ખૂબ થોડા જ પ્રદેશમાં શરૂ થઈ હતી. મુદ્‌ગલ ઉપપુરાણમાં ગણેશના નવ અવતારો કહ્યા છે. તાંત્રિક પ્રભાવ હેઠળ આવીને એમાં ગણેશનાં બત્રીસ રૂપો કલ્પ્યાં છે. ગણેશપુરાણમાં ગણેશનાં પચાસ નામ આપ્યાં છે. મહારાષ્ટ્રમાં આ પુરાણ ખૂબ પ્રચલિત છે અને એ ઈ.સ. ૧૧૦૦ થી ૧૪૦૦ની વચ્ચે લખાયેલું છે. ઉપર પાંચ સાંપ્રદાયિક ઉપપુરાણોની વાત કર્યા પછી હવે બિનસાંપ્રદાયિક ઉપપુરાણોની થોડી વાત કરી લઈએ.

ભવિષ્યોત્તર પુરાણ અને બૃહદ્ધર્મપુરાણ – એ બિનસાંપ્રદાયિક ઉપપુરાણો છે. એને કોઈ ઈષ્ટદેવ કે ધાર્મિક સંપ્રદાય નથી. સાથોસાથ પેલાં મહાપુરાણમાં દર્શાવેલાં સર્ગ, પ્રતિસર્ગાદિ પાંચ લક્ષણોમાંનું કોઈ લક્ષણ પણ એમાં નથી. ભવિષ્યોત્તર પુરાણમાં કેટલાંક વ્રતો, ઉત્સવો અને દાનોનું વર્ણન છે ખરું. એની રચના ઈ.સ. ૭૦૦ થી ઈ.સ. ૮૦૦ની વચ્ચે થઈ.

બૃહદ્ધર્મપુરાણ બંગાળમાં તેરમી સદીના ઉત્તરાર્ધમાં લખાયું. એમાં જ્ઞાતિઓ, વિધિવિધાનો, ઉત્સવો વર્ણવાયાં છે. આ પુરાણમાં તત્કાલીન બંગાળના ધાર્મિક અને સામાજિક ઇતિહાસની મૂલ્યવાન સામગ્રી પ્રાપ્ત થઈ શકે છે.

આ ઉપરાંત કેટલાંક પ્રકીર્ણ પુરાણોય છે. આ ઉપપુરાણો પ્રાય: પાંડુલિપિમાં હજુ તો છે, છપાયાં નથી. તેમાંના કેટલાંક – આત્મ, ભાગોલ, બ્રહ્મવૈવર્ત, બ્રહ્મનારદ, જૈમિનીય, કન્યકા, કપિલ, કેન્દર, માનવ, મારીચ, નીલમત વગેરે છે. આ પ્રકારનાં ઉપપુરાણો આપણને ભારતના ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક ઇતિહાસનો પરિચય કરાવે છે. આમાંનાં કેટલાંક ઉપપુરાણોનાં તો નામ જ અવશેષ રહ્યાં છે. ગ્રંથ તો લુપ્ત થઈ ગયા છે.

તો આવાં ઉપપુરાણો પણ મહાપુરાણોની પેઠે જ આપણી ધાર્મિક પ્રેરણાના સ્રોત બનેલાં છે, આપણા સામાજિક અને રાજકીય ઇતિહાસના દસ્તાવેજ રૂપ બનેલાં છે, માનવીય જ્ઞાનશાખાઓના ખજાનારૂપી બની રહેલા છે, અને કવિતાની કલ્પનાની અભિવ્યક્તિઓ બની રહેલ છે. આ ગ્રંથો ભારતના સાંસ્કૃતિક વારસાનું પ્રતિનિધિત્વ કરનારા છે.

Total Views: 93

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.