કૃષ્ણ રૂપે શ્રીરામકૃષ્ણ

પોતાના પિતા નવગોપાલ ઘોષે ઠાકુરમાં શ્રીકૃષ્ણ કેવા દેખાયા હતા તે સ્વામી અંબિકાનંદે વર્ણવ્યું છે; અમારું ઘર કોલકાતામાં બાદુરબાગાનમાં હતું. આ ગાળા દરમિયાન, ભક્તો પોતાને ઘેર ઉત્સવો ઉજવતા અને શ્રીરામકૃષ્ણને તથા બીજા ભક્તોને નોતરતા. ઠાકુરના આનંદ માટે તેઓ કોઈ ગવૈયાને નોતરતા અને સારાં ખાનપાન પીરસતા. ગિરીશ, રામ અને કાલીપદ વ્યવસ્થા કરનારાઓ હતા. એકવાર મારા પિતાએ અમારા પૂજાઘરમાં આવો ઉત્સવ ગોઠવ્યો અને ઠાકુરને તથા તેમના ભક્તોને નોતર્યા. ભાગવત પાઠ માટે એક પંડિતને બોલાવ્યા હતા. ઠાકુર પૂજાઘરમાં બેઠા હતા ત્યાંથી અચાનક ઊઠ્યા અને ફળિયામાં ગાનાર પાસે જઈ બંસીધર કૃષ્ણની જેમ ઊભા રહી ગયા. અદ્‌ભુત કીર્તન કરવા લાગ્યા. મારા પિતા મોટી પુષ્પમાળા લાવ્યા અને એમણે એ ઠાકુરને પહેરાવી. કીર્તન પૂરું થયે ઠાકુર પોતાના સ્થાને બેઠા અને ધીમે ધીમે સમાધિભાવમાંથી બહાર આવવા લાગ્યા. ઠાકુરના મુખ પર મારા પિતાને તેજદાર જ્યોતિ જોવા મળી. પહેલાં એમને લાગ્યું કે આ નજર છેતરી રહી છે એટલે તેઓ પોતાની આંખે પાણી છાંટવા ગયા, પણ ફરી એ જ જ્યોતિપુંજ દેખાયો. અચરજ પામીને એમણે પોતાના ભાઈ જયગોપાલને પૂછ્યું કે, ‘ઠાકુરમાં તમને કંઈ અસામાન્ય દેખાય છે?’ ‘નહીં રે, એ તો રોજના જેવા જ દેખાય છે’, એમણે ઉત્તર આપ્યો. અંતે, મારા પિતા સમજી શક્યા કે, પોતાની પ્રત્યે કરુણાથી પ્રેરાઈને ઠાકુરે પોતાનું જ્યોતિર્મય રૂપ દાખવ્યું હતું.

નવગોપાલની પત્ની નિસ્તારિણીદેવીએ સ્મરણ કરી જણાવ્યું છે કે : ‘ઠાકુર એકવાર અમારે ત્યાં પધાર્યા હતા. એમનાં દર્શન માટે સંખ્યાબંધ ભક્તો આવ્યા હતા. તેઓ આવ્યા ત્યારે સીધા ઉપર આવ્યા અને થોડીવાર મારી સાથે વાતો કરતા રહ્યા. એ સમયે મારા પૂજાઘરમાં શ્રીકૃષ્ણની એક છબી હતી અને શ્રીકૃષ્ણની ઝાંખી કરવાનું મારું મન છે એમ હું બોલી. બધા ભક્તો નીચે કીર્તન કરતા હતા ત્યાં તેઓ ગયા. ઠેઠ પગ સુધી પહોંચતી વજનદાર ફૂલમાળા એ સૌએ ઠાકુરને પહેરાવી. તરત જ કૃષ્ણની ભંગિ કરીને તેઓ ઊભા રહ્યા. મને સંતોષ થયો છે કે નહીં એમ તેમણે પછી મને પૂછ્યું : ‘મારે તો કૃષ્ણની બાજુમાં રાધાનું પણ દર્શન કરવું છે,’ એમ હું બોલી. ‘તારે એ માટે થોડી રાહ જોવી પડશે,’ એમ તેઓ હસીને બોલ્યા.

સ્વામી વિજ્ઞાનાનંદને ઠાકુરે એકવાર કહ્યું હતું કે: ‘કૃષ્ણાવતારમાં મેં વૃંદાવનમાં ગોપગોપીઓ સાથે ક્રીડા કરી હતી.’

સ્વામી વિજ્ઞાનાનંદે પોતાનાં સંસ્મરણમાં કહ્યું છે: હું ત્યારે કોલેજનો વિદ્યાર્થી હતો અને ઠાકુર કહેતા હતા તેને માની ન શક્યો. મારી શંકા જોઈને ઠાકુર ગોપીઓના શ્રીકૃષ્ણ પ્રેમનું વર્ણન કરવા લાગ્યા. ‘ગોપીઓનો પ્રેમ ખરે જ દિવ્ય પ્રેમ હતો. કૃષ્ણ પાછળ તેઓ પાગલ હતી. કૃષ્ણની વાંસળી સાંભળીને પોતાના પતિઓને છોડીને તેઓ શ્રીકૃષ્ણ પાસે દોડી જતી. કૃષ્ણ સમૃદ્ધ ન હતા છતાં, પોતાની જાત કરતાં તેઓ કૃષ્ણને વધારે પ્રેમ કરતી. પોતાના દેહ, પોતાનાં મન, પોતાનું સર્વસ્વ તેઓ શ્રીકૃષ્ણને અર્પણ કરતી. શરદ પૂનમની રાતે કૃષ્ણ ગોપીઓ સાથે ખેલતા એમ ભાગવતમાં લખ્યું છે. રાસલીલાને સમયે કૃષ્ણ સમાધિમાં મસ્ત હતા અને ગોપીઓ પણ ભાવમય દશામાં હતી.’

આટલું બોલતામાં ઠાકુરનું બાહ્ય ભાન જતું રહ્યું અને સમાધિમાં સરી પડ્યા. ગોપીઓ સાથેની શ્રીકૃષ્ણની લીલાના વિચારમાં હું પણ દિવ્ય ભાવમાં સરી પડ્યો. એ સમયે, ઠાકુરની અસર હેઠળના ક્ષેત્રમાં હોવું રાસલીલા થતી હોય ત્યાં હોવા જેવું હતું. હું એ ક્ષેત્રમાં હતો ત્યારે, રાસલીલાની મારી સમજણ પરનું અજ્ઞાનનું આવરણ જતું રહ્યું. મને રાસલીલા વિશે એક અદ્‌ભુત અનુભવ થયો. સમાધિ દશામાંથી બહાર આવીને, મારી સામે જોઈ ઠાકુર મલક્યા. હું આશ્ચર્યચક્તિ બની ગયો.

એક દહાડો દક્ષિણેશ્વરમાં ઠાકુરે પોતાના ભત્રીજા રામલાલને કહ્યું કે : ‘શ્રીકૃષ્ણની જેમ મારે પીળું પીતાંબર પહેરવું છે.’ એક નવું કપડું લઈ રામલાલે તેને હળદરના પાણીમાં પલાળ્યું. એ સુકાયું ત્યારે, ઠાકુરે એ પહેર્યું અને ગળામાં ફૂલમાળા પહેરી. એ વસ્ત્ર અને માળા સામે ચીંધી તેઓ બોલ્યા : ‘ઓ પીતાંબરધારી, વનમાળી,’ કૃષ્ણનાં આ નામો ફરી ફરી લઈને તેઓ ભાવમય બની ગયા અને ભોંયે આળોટવા લાગ્યા. એમને શરીરેથી વસ્ત્ર સરી પડ્યું અને માળા તૂટી ગઈ. પછી રામલાલે ઠાકુરને શ્વેત વસ્ત્ર પહેરાવ્યું અને કૃષ્ણનું ગુણકીર્તન તેઓ કરવા લાગ્યા. ઠાકુર ત્યાં સ્થિર બેઠા રહ્યા.

રાધાભાવે શ્રીરામકૃષ્ણ

‘ઠાકુર મધુર ભાવે આરાધના કરવા લાગ્યા ત્યારે, સ્ત્રીનાં વસ્ત્ર અને અલંકારો પહેરવા આતુર બની ગયા.’ સ્વામી શારદાનંદે લખ્યું છે, ‘ઠાકુરની ઇચ્છા જાણીને, ભક્ત મથુરે સુંદર ને મોંઘી બનારસી સાડી આણી આપી, ઘાઘરો, પોલકું અને દુપટ્ટો પણ આપ્યાં. પરિવર્તન પૂર્ણ કરવા માટે મથુરે વાંકડિયા વાળની વિગ આણી આપી અને સુવર્ણાલંકારો પણ આણ્યા… આ નારીવેશની અસર હેઠળ એમનામાંનાં સ્ત્રીલક્ષણો જોર કરી આવે તેની નવાઈ નથી. પરંતુ, એ ભાવમાં નિમગ્ન રહેવાથી એમનાં હલનચલન, હાસ્ય, હાવભાવ અને બીજાં કૃત્યો તેમજ, એમના વિચારો પણ સ્ત્રીરૂપ થશે તેની કલ્પના કોઈ કરી શકે નહીં.’

હૃદયે જણાવ્યું છે કે : ‘એ કાળે, દક્ષિણેશ્વરમાં સવારે ઊઠીને ટોપલી લઈને તેઓ બાગમાં ફૂલ ચૂંટવા જતા. સ્ત્રીની માફક ત્યારે તેઓ પહેલાં ડાબો પગ જ ઉપાડતા તે અમે જોતા.’ ‘એને હું ફૂલ વીણતાં જોતી ત્યારે એને રાધા માની લેતી,’ એમ બ્રાહ્મણીએ કહ્યું છે. ફૂલ ચૂંટ્યા પછી રોજ તેઓ સુંદર હાર બનાવતા અને રાધાકૃષ્ણની મૂર્તિઓને પહેરાવતા. કોઈવાર તેઓ મા કાલીને શણગારતા અને દેવી કાત્યાયની પાસે ગોપીઓ ચાહતી તેમ તેઓ એની પાસે આર્જવપૂર્વક યાચતા કે, ‘મને કૃષ્ણ જેવો આધ્યાત્મિક પતિ મળો.’

‘રાધાની કૃપા વિના શ્રીકૃષ્ણનું દર્શન શક્ય નથી એ જાણી ઠાકુર એક ચિત્તે રાધાની ઉપાસના કરવા લાગ્યા,’ એમ સ્વામી શારદાનંદે આગળ જણાવ્યું છે. ‘રાધાના પ્રેમસ્વરૂપના ધ્યાનમાં તેઓ મગ્ન રહેતા અને આતુર હૈયે તેને પ્રાર્થના કરતા. પરિણામે રાધાનાં દર્શનની કૃપા એમના પર થઈ. પૂર્વે જે દેવદેવીઓનાં દર્શન એમને થયાં હતાં અને એ રૂપો એમનામાં ભળી ગયાં હતાં તેમ રાધાનું સ્વરૂપ પણ એમનામાં ભળી ગયું. ઠાકુર કહેતા કે, ‘કૃષ્ણ માટેના પોતાના અદમ્ય પ્રેમથી રાધાએ સર્વસ્વનો ત્યાગ કર્યો હતો. તેના વિશુદ્ધ, અતુલ, સ્વર્ગીય સ્વરૂપનું વર્ણન કરવું અશક્ય છે. નાગકેસરના તંતુઓ જેવો રાધાનો વર્ણ આછો પીળો હતો.’

‘એ દર્શન પછી કેટલાક સમય સુધી, પોતે રાધા છે એમ, ઠાકુરને લાગતું. રાધનાં રૂપ અને ચારિત્ર્ય પર ઊંડા ધ્યાનને કારણે આ બન્યું હતું. પોતાના સ્વતંત્ર અસ્તિત્વનું ભાન જ તેઓ ભૂલી ગયા હતા.’

વૃંદાવનનાં ગંગામાતાએ પણ શ્રીરામકૃષ્ણમાં રાધાનું દર્શન કર્યું હતું. સ્વામી શારદાનંદે લખ્યું છે કે : ‘ગંગામાતાને ત્યારે આશરે સાઠ વર્ષ થયાં હશે. ગંગામાતાનાં રાધા અને કૃષ્ણ પરનો અપાર પ્રેમ જોઈને, સ્થાનિક લોકો એને લલિતાનો અવતાર માનતા; લલિતા રાધાની ખાસ સખી હતી અને લોકોને દિવ્ય પ્રેમના પાઠ શિખવવા તેઓ અવતર્યાં હતાં. ગંગામાતાએ ઠાકુરને પહેલીવાર જોયા કે તરત જ તેને ઠાકુરમાં રાધાના મહાભાવનાં દર્શન થયાં હતાં. ઠાકુરને તેઓ રાધાનો જ અવતાર માનતાં અને તેમને ‘દુલાલી’ કહી બોલાવતાં. આ દુલાલીને મળવા બદલ ગંગામાતા પોતાની જાતને ધન્ય માનતાં અને માનતાં કે પ્રભુની પોતાની જીવનભરની સેવા અને એમની પ્રત્યેના પ્રેમનું આ સાફલ્ય છે.’

‘સ્વામી વિવેકાનંદ જીવન ચરિત્ર’માં જણાવ્યા પ્રમાણે, સ્વામીજીને પણ ઠાકુરમાં રાધાનું દર્શન થયું હતું. ‘એક રાતે એમને સ્વપ્ન આવ્યું કે પોતાને ઠાકુર કહે છે : ‘ચાલ, તને ગોપી રાધા બતાવું.’ નરેન્દ્ર (સ્વામી વિવેકાનંદ) એમની પાછળ ગયા. થોડું ચાલ્યા પછી ઠાકુરે એમને પૂછ્યું : ‘તારે બીજે ક્યાં જવું છે?’ આમ બોલીને, ઠાકુરે પોતાને રાધાના સુંદર વ્યક્તિત્વમાં અને અનન્ય રૂપમાં જાતને પરિવર્તિત કરી નાખી. નરેન્દ્રના સંપ્રજ્ઞાત ચિત્ત પર આની એવી તો અસર થઈ કે, અગાઉ તેઓ બ્રાહ્મસમાજના નિર્ગુણ બ્રહ્મનાં ભજનો ગાતા તેને બદલે હવેથી તેઓ રાધાનાં ગીતો પણ ગાવા લાગ્યા. પોતાના ગુરુભાઈઓને તેમણે આ સ્વપ્નની વાત કરી તેથી તેઓ અચરજ પામી ગયા. એકે પૂછ્યું : ‘આનો અર્થ તમે સમજો છો?’ ‘હા, ચોક્કસ,’ નરેન્દ્રે જવાબ આપ્યો.

સ્વામી વિવેકાનંદનાં રાધાનાં દર્શન પાછળ મોટું રહસ્ય છુપાયેલું છે. વૈકુંઠનાથ સન્યાલે લખ્યું છે કે :

માણસ મહાન સાધુ કે પંડિત ભલે હોય પણ એના સંસ્કારોને એ અવગણી શકે નહીં. ઈશ્વરની ઇચ્છા અનુસાર એ પ્રગટ અને વિલીન થાય છે. આ સંસ્કારો, નીતિનિયમો કે પાશ્ચાત્ય શિક્ષણ હેઠળ, ઈશ્વરનાં સુંદર, કલ્યાણકારી રૂપને નરેન્દ્ર અવગણતા. મૂર્તિમંત પ્રેમસ્વરૂપ રાધાનો સ્વીકાર નરેન્દ્ર નહીં કરે તો, જીવનનાં મધુર અને આનંદમય રૂપની અનુભૂતિથી તેઓ સદા વંચિત રહી જશે એમ ઠાકુર માનતા હતા. વળી, એ જો પ્રેમહીન રહ્યા તો, પોતે (ઠાકુર) જે સંઘની સ્થાપના કરવા માગતા હતા તેને માર્ગદર્શન આપવાનું તેને (નરેન્દ્રને) માટે શક્ય નહીં બને. અગાઉ, કેવળ ઇચ્છા વડે જ ઠાકુરે નરેન્દ્રને નિર્વિકલ્પ સમાધિમાં સ્થાપિત કર્યા હતા. એટલે હવે, નરેન્દ્રને ભક્તિસભર કરવા માટે ઠાકુરે પથારી પર પોતાની આંગળીથી લખ્યું કે : ‘શ્રીમતી રાધે! નરેન્દ્ર કે દયા કરો’ ‘હે રાધા, નરેન્દ્ર પર દયા કરો.) તરત જ જાણે કે જાદુથી અથવા કોઈ મહાશક્તિની અસરથી, નરેન્દ્ર રાધાના ભાવમાં ડૂબી ગયા અને પ્રાર્થવા લાગ્યા કે : ‘મૂર્તિમંત પ્રેમસ્વરૂપ ઓ રાધા! તું ક્યાં છો?’ આ રીતે ત્રણ દિવસ સાધના કર્યા પછી, શુષ્ક ફિલસુફ નરેન્દ્ર મૃદુ હૃદયના બની ગયા અને પોકારી ઊઠ્યા કે : ‘ઠાકુરની કૃપાથી મને નવીન જ્યોતનું દર્શન થયું છે. આ પ્રેમનો અનુભવ મને ના થયો હોત તો મારું જીવન શુષ્ક અને કંટાળાભર્યું હોત.’

સુરેશચંદ્ર દત્તે જણાવ્યું છે કે : ‘એકવાર દોલ (હોળી-ધૂળેટી) ઉત્સવ દરમિયાન, દક્ષિણેશ્વરના રાધાકાંત મંદિરમાં ઠાકુર ગયા. ત્યારે તેઓ રાધાભાવમાં હતા. શ્રીકૃષ્ણની મૂર્તિ ઉપર તેઓ ગુલાલ છાંટવા લાગ્યા અને ગાવા લાગ્યા કે : ‘આજે રંગની લડાઈમાં કોણ જીતે છે, હું કે તું – તે મને જોવા દે.’

રાધાકૃષ્ણના સંયુક્ત રૂપે શ્રીરામકૃષ્ણ

સ્વામી શારદાનંદે લખ્યું છે કે : ‘નરનારીના બંને ભાવોનું સહઅસ્તિત્વ થોડેઘણે ભાગે ઠાકુરના દરેક ભક્તે એમનામાં નિહાળ્યું છે. આ અનુભવીને ગિરીશે એકવાર હિંમતપૂર્વક તેમને પૂછ્યું હતું કે : ‘મહાશય, આપ નર છો કે નારી?’ ઠાકુરે હસીને જવાબ આપ્યો હતો કે : ‘હું એ જાણતો નથી.’

પોતાની મધુર ભાવની સાધના સમયે ઠાકુર સ્ત્રીનો વેશ પહેરતા હૃદય કહેતો કે : ‘ઠાકુર સ્ત્રીઓથી ઘેરાયેલા હોય ત્યારે એમનાં નિકટતમ સંબંધીઓ પણ એમને ઓળખવામાં મુશ્કેલી અનુભવતાં. એ કાળ દરમિયાન એક દિવસ મથુરબાબુ મને પોતાના જાનબજારના ઘરના અંત:પુરમાં લઈ ગયા અને એમણે મને પૂછ્યું : ‘આમાં તારા મામા કોણ છે એ કહી બતાવ?’ ને હું ઠાકુર સાથે આટલાં વરસોથી રહેતો હતો અને રોજ એમની સેવા કરતો હતો તે છતાં, એમને તરત જ ઓળખી શક્યો નહીં.’

મહેન્દ્ર દત્તે લખ્યું છે કે : ‘એકવાર કેટલીક અભિનેત્રીઓ ઠાકુર પાસે દક્ષિણેશ્વર ગઈ. સીતા અને સાવિત્રીનો અભિનય કરીને એમણે ઠાકુરને આનંદ આપ્યો. રાધા અને કૃષ્ણ વચ્ચેની દૂતીના સ્ત્રીપાઠમાં કીર્તન ગાઈ ઠાકુરે તેમને પણ આનંદ આપ્યો હતો. ઠાકુરે ગાનારીઓની નકલ કરી તેઓ પોતાની નથ કેવી રીતે ઊંચી કરે, પાન ખાઈને કેવી રીતે થૂંકે, પોતાનાં હાથ, ડોક અને માથું કેવી રીતે હલાવે તેની નકલ કરી હતી. આશ્ચર્ય પામી એ નટીઓ બોલી ઊઠી હતી : ‘સાધુ હોવા છતાં આ બધાં સ્ત્રીઓનાં નખરાં તેઓ કેવાં તો જાણે છે!’

પછીથી, પુરુષ અને પ્રકૃતિના પોતાના અનુભવ વિશે ઠાકુરે ભક્તોને વાત કરી હતી : ‘રે, હું તે કેવી દશામાંથી પસાર થયો હતો. કેટલાક દહાડા હું શિવ અને દુર્ગાના ધ્યાનમાં મગ્ન રહેતો, કેટલાક દિવસ રાધાકૃષ્ણમાં મગ્ન રહેતો અને કેટલાક દિવસ સીતારામમાં મગ્ન રહેતો. રાધાભાવે હું કૃષ્ણને પોકારતો અને સીતાભાવે રામને પોકારતો.’ ‘હું અહોરાત્ર રામસીતાનું ધ્યાન કરતો. એ કાળે મને સતત સીતા અને રામનાં રૂપો દેખાતાં. તેમજ, રાધાકૃષ્ણના ભાવમાં – પુરુષ અને પ્રકૃતિની સંવાદિતાના ભાવમાં હું નિમગ્ન રહેતો.’

શ્રીરામકૃષ્ણમાં અતુલચંદ્ર ઘોષને રાધાકૃષ્ણના સંયુક્ત સ્વરૂપનું દર્શન થયું હતું. ‘શ્રીરામકૃષ્ણ પુંથી’ નામના પોતાના પુસ્તકમાં અક્ષયકુમાર સેને આ પ્રસંગ વર્ણવ્યો છે. પોતાની આત્મકથામાં સ્વામી અભેદાનંદે લખ્યું છે કે : ગિરીશનો ભાઈ અતુલ ઠાકુરના મોટા ભક્ત હતા. દર્દીની નાડ જોઈને તેની સ્થિતિ તેઓ જાણી શકતા. એ કારણે ઠાકુર કોઈ કોઈવાર તેને બોલાવતા. એકવાર રાતે ૧૦-૦૦ વાગ્યે અતુલ બાગ બજારથી આવ્યા પણ એમણે જોયું કે કાશીપુરના મકાનનો દરવાજો બંધ હતો. એણે દરવાજો ખૂબ ખખડાવ્યો પણ કશો ઉત્તર મળ્યો નહીં. છતાં એણે ખખડાવવાનું ચાલુ જ રાખ્યું. આખરે ગોપાલદાદાએ એ અવાજ સાંભળી દરવાજો ખોલ્યો. ઠાકુરને જોવા અતુલ ઉપર ગયા. ત્યાં એણે જોયું તો શશી ઠાકુરને વીંઝણો નાખી રહ્યા હતા અને ઓરડાની બીજી કોર લાટુ સૂતા હતા. અતુલને જોઈને શશીએ વીંઝણો એમને આપ્યો અને પોતે નીચે આરામ કરવા ગયા. ઠાકુર ત્યારે શાલ ઓઢીને સૂતા હતા.

થોડી વેળા પછી અતુલને અદ્‌ભુત દર્શન થયું; ઠાકુરના દેહના જમણા ભાગમાં એમને કૃષ્ણ દેખાયા અને વામાંગમાં રાધા. ઠાકુરમાં આ સંયુક્ત સ્વરૂપ જોઈને અતુલને લાગ્યું કે આ દૃષ્ટિભ્રમ છે. એવામાં ઠાકુરની સેવા માટે શરત ત્યાં આવ્યા. પછી અતુલ ભણી ફરીને ઠાકુરે પૂછ્યું : ‘અરે! તમે અહીં ક્યારથી આવ્યા છો? નીચે જઈને તમે આરામ કરો. શરત મારી પાસે રહેશે.’ આશ્ચર્ય પામીને અતુલ નીચે ગયા. ઠાકુરમાં એમને દેખાયેલું સંયુક્ત સ્વરૂપ તેઓ કદી ભૂલી ન શક્યા.

ગોપાલ તરીકે શ્રીરામકૃષ્ણ

ઈશ્વરનાં દર્શન વિશે ઠાકુર કહેતા કે, ‘જેટલા તમે ઈશ્વર તરફ આગળ વધો તેટલા તમે એના ઐશ્વર્યને અને એની મહત્તાને ઓછી જોતા થાઓ. સાધકને પ્રથમ દસ હાથવાળી દુર્ગાનું દર્શન થાય. મૂર્તિમાં શક્તિનું મોટું પ્રદર્શન છે. પછીનાં દર્શનમાં દ્વિહસ્ત રૂપ દેખાય; વિવિધ શસ્ત્રો ધારણ કરતા દસ હાથ પછી ન હોય.’ પછી સાધકને ગોપાલનું દર્શન થાય. એમાં શક્તિનો અંશ પણ ન હોય. એ સૌમ્ય બાળસ્વરૂપ છે.

પોતાના કેટલાયે ભક્તોને શ્રીરામકૃષ્ણ ગોપાલના વિશુદ્ધ પ્રેમરૂપે દેખાયા હતા. સ્વામી શારદાનંદે લખ્યું છે કે : વૈષ્ણવ સાધનાને અનુસરીને, સખ્ય અને વાત્સલ્ય ભાવમાંથી જન્મતા આનંદમાં બ્રાહ્મણી કોઈ કોઈવાર મગ્ન રહેતાં. દક્ષિણેશ્વરમાં તેઓ દેવમંડળ ઘાટે રહેતાં હતાં ત્યારે, તેઓ વાત્સલ્યભાવમાં ડૂબી જતાં. ઠાકુર માટે આંસુ સારતાં, હાથમાં માખણ લઈ તેઓ પોકારતાં; ‘ગોપાલ.’ દરમિયાનમાં દક્ષિણેશ્વરમાં બ્રાહ્મણીને જોવા ઠાકુર ખૂબ આતુર રહેતા. પોતાની માને ઝૂરતા બાળકની જેમ તેઓ એક માઈલ દોડી જતા, એની કાંખમાં બેસતા અને માખણ આરોગતા. કોઈવાર લાલ રેશમી, બનારસી સાડીમાં સજીધજી અને પાડોશીઓ પાસેથી માગેલાં ઘરેણાં પહેરી, કેટલીક ગ્રામનારીઓ સાથે ઠાકુરને મળવા જતાં. ઠાકુર માટે તેઓ વિવિધ સુંદર વાનગીઓ લઈ જતાં અને માર્ગમાં ગોપાલનાં ગીતો ગાતાં; ઠાકુરને ખવરાવીને તેઓ પાછાં જતાં. અસ્તવ્યસ્ત કેશ સાથે અને આધ્યાત્મિક ભાવથી અભિભૂત થઈ બ્રાહ્મણી આવતાં ત્યારે યશોદાના વિરહભાવમાં હતાં.

Total Views: 163

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.