હિંદુધર્મમાં જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં ‘ધર્મ અને નીતિ’ની વિભાવના અને એનો વિનિયોગ પાયાનું મહત્ત્વ ધરાવે છે. આ નીતિધર્મનો ખ્યાલ કાળાન્તરે કેટલાંય પરિવર્તનો પામતો રહ્યો છે. ‘ધૃ’ – ધારણ કરવું, આધાર આપવો, એ ધાતુ પરથી ધર્મનો સાધારણ અર્થ ‘આધાર’, ‘જતન’ વગેરે થાય છે. ધીરે ધીરે એ ખ્યાલે વિવિધ અર્થચ્છાયાઓ અપનાવી અને ‘કાનૂન’, ‘નિયમ’, ‘ફરજ’, ‘હક’, ‘ન્યાય’, ‘નીતિ, ‘ગુણ, ‘ધર્મસંપ્રદાય’, ‘પુણ્યકાર્ય’, ‘લક્ષણ’ વગેરે અર્થમાં પણ એ વપરાવા લાગ્યો. આમ છતાં પણ મુખ્ય અર્થ તરીકે આ ‘કેટલાક પાયાના નૈતિક સદ્‌ગુણો પર આધારિત ફરજ અને જવાબદારી’ના અર્થમાં જ લગભગ બધે સર્વસ્વીકૃત બની ગયો છે અને આપણે એ જ અર્થમાં એને વિશે થોડી મહત્ત્વની વાતો કરવાના છીએ.

હિંદુઓનાં પ્રાચીનતમ શાસ્ત્ર વેદો સહજ રીતે જ ધર્મવ્યાખ્યાની ગંગોત્રી છે. પણ માનવસમાજના વિકાસ સાથે ઉત્પન્ન થયેલી વિવિધ સમસ્યાઓનો મુકાબલો કરવા માટે ધર્મનો અર્થવિસ્તાર કરવાની આવશ્યકતા ઊભી થઈ એનો ઊંડો અને વ્યાપક અર્થ કરવાની જરૂર પડી કે જે લગભગ સર્વસ્વીકૃત જ હોય.

હિંદુઓનું પ્રાચીનતમ સાહિત્ય વેદો જ હોવાથી સ્વાભાવિક રીતે જ તે ધર્મના ઉગમસ્થાનનું અને એની વ્યાખ્યા કરવાના મૂળ સ્રોત હોવાનું ગૌરવ લઈ શકે તેમ છે. પરંતુ જેમ જેમ સમાજનો વિકાસ થતો ગયો તેમ તેમ પરિણામે સમાજમાં સમસ્યાઓનો સામનો કરવાનું પણ સમાજ માથે આવી પડ્યું. એટલે એ નીતિધર્મને વિસ્તારવાની અને એની વ્યાપકતા વધારીને વધારે ઊંડાણ અને સમજદારીપૂર્વકની વિભાવના રજૂ કરવાની જરૂર પડી. નીતિધર્મના આવા ખ્યાલને પરિણામે પછીથી લખાયેલા આ વિષયના સાહિત્યનું જે સર્જન થયું એને જ વ્યાપક પરિભાષામાં ‘ધર્મશાસ્ત્રો’ એવું નામ આપવામાં આવે છે.

નીતિધર્મની આ બધી કૃતિઓ પ્રમાણે ધર્મશાસ્ત્રના મૂળ સ્રોતો આ પ્રમાણે છે : વેદો, સ્મૃતિઓ, શાસ્ત્રજ્ઞ મહાપુરુષોનાં સુવાક્યો અને એમનાં વર્તનો, અને નિષ્કલંક ચારિત્ર્ય સંપન્ન મનુષ્યનો આત્માનો અવાજ આમ પાંચેક ગણાવી શકાય.

વેદોમાં જો કે નીતિધર્મ વિષયક કોઈ વિધાનાત્મક ઉપદેશ મળતો નથી. છતાં પણ એમાં ધર્મશાસ્ત્ર સંબંધી પછીથી રચાયેલા સાહિત્ય પ્રમાણેની જ વ્યાખ્યા અને સમજણ પ્રમાણેની જ વ્યક્તિગત જીવનરીતિ અને સામાજિક નિયમાનુસાર વર્તનનાં અનેકાનેક ઉદાહરણો તો મળે જ છે. એમાં નીતિધર્મનાં વિવિધ પાસાં બતાવી જાય છે. વેદોમાં ઓછામાં ઓછા એવા પચાસ સંદર્ભો તો જરૂર છે જ કે જેના ફકરાઓમાંથી વિવાહપ્રથાના પ્રકારો, પુત્રોના વિવિધ પ્રકારો, પુત્રને દત્તક લેવા વિશેની તથા સ્ત્રીધન વિશેની થોકબંધ જાણકારી મળે છે. વળી એમાં ભાગીદારી, શ્રાદ્ધ, વારસો વગેરેની પ્રથાઓ પણ છે. આ જ બધા વિષયોને પાછળથી લખાયેલી નીતિધર્મની રચનાઓએ વિસ્તારથી વર્ણવી છે.

આ ધર્મશાસ્ત્ર અથવા નીતિધર્મની ઉત્ક્રાંતિનું પહેલું પગથિયું ‘કલ્પ’ નામના વેદાંગમાં દેખાય છે. વેદાંગ એ વેદોનાં જ અવયવો છે. આ ‘કલ્પ’ કે ‘કલ્પસૂત્રો’નો અર્થ ‘કરવાની રીત’ એવો થાય છે. કલ્પસૂત્રો ચાર પ્રકારનાં છે: (૧) શ્રૌતસૂત્રો (૨) ગૃહ્યસૂત્રો (૩) ધર્મસૂત્ર અને (૪) શુલ્વસૂત્રો. આમાંનો પહેલો અને છેલ્લો પ્રકાર તો માત્ર વૈદિક યજ્ઞો સાથે જ સંબંધ ધરાવે છે. પરંતુ ગૃહ્યસૂત્રો ગૃહસ્થે ઘરે રહીને કરવાના ઉત્સવો અને વિધિઓની વાત કરે છે. ધર્મશાસ્ત્ર કે નીતિધર્મનો મુખ્ય વિષય જ સર્વસાધારણ સામાજિક નીતિધર્મનાં પાસાઓને, માનવપ્રાણીના જીવનની રીતભાતને, સમાજ કે જ્ઞાતિ વગેરેના સભ્ય તરીકે વર્ણન કરવાની રીતને, બતાવવાનો છે. આમ છતાં ધ્યાન રાખવાની વાત એ છે કે વ્યક્તિ અને સમાજ બંનેની હસ્તી અલગ હોવા છતાં એ બંને પરસ્પર સંબદ્ઘ છે એટલું જ નહિ પણ પરસ્પર આધારિત પણ છે જ.

આ ગૃહ્યસૂત્રો અને ધર્મસૂત્રોની ભાષા ઘણી પ્રાચીન છે અને વિષયની રજૂઆત પણ પદ્ધતિસરની નથી. એટલે પછી એ ઊણપને દૂર કરવા માટે અને વિકસતા જતા સમાજની માંગને પૂરી કરવા માટે વળી આગળ નીતિધર્મના ગ્રંથો રચાવા માંડ્યા એ ત્રીજા પગથિયાંને આપણે ‘સ્મૃતિઓ’ નામના સુવિખ્યાત નામે ઓળખીએ છીએ. સ્મૃતિઓની ભાષા સુગમ પદ્યમય છે, એટલે કંઠસ્થ કરવામાં પણ સહેલી છે. જો કે જમાનો બદલાયો હોવાને કારણે એમાંની થોડીક સ્મૃતિઓ હવે તો છાપેલી મળે છે એટલે કંઠસ્થ કરવાપણું ઓછું છે. વેદ, ધર્મસૂત્રો, ગૃહ્યસૂત્રો અને સ્મૃતિઓ – આમ ભારતીય નીતિધર્મના વિકાસનો મંડપ ઊભો થયો છે.

ધર્મનીતિનાં આ સૂત્રમય શાસ્ત્રો સહુને લાગુ પડે છે, પ્રાચીન પણ છે અને પદ્યમય સ્મૃતિઓની પહેલાંનાં છે. વિદ્વાનો એવું માનવા લલચાયા છે કે આજે મળતી ‘મનુસ્મૃતિ’ નામની પદ્યકૃતિ કોઈક જુદા ગદ્યના રૂપમાં એની પહેલાંની કે તેનાથી જૂની કૃતિઓની પહેલાંની પણ હોય એ શક્ય છે, અને એ ગ્રંથમાં આજની મનુસ્મૃતિનું સારતત્ત્વ હશે.

હવે વિકાસશીલ સમાજમાં મનુસ્મૃતિમાં આ વર્તનનિયમોના પાલન સંબંધે પારસ્પરિક મતમતાન્તરો અને બીજી કેટલીક સમસ્યાઓ ઊભી થવી એ તો સહજ વાત જ છે. એટલે એના સમાધાનાર્થે એ એ સ્મૃતિગ્રંથો ઉપર વળી ટીકાઓ – વિવેચનો લખાવાં શરૂ થયાં આ ટીકાઓએ સ્મૃતિવાક્યોનો અર્થ વિસ્તાર કર્યો, સંભવિત શંકાઓ દૂર કરી અને કેટલીક વિસંગતતાઓને ઉકેલી આપી. આ ટીકાકારો પણ વર્તનનિયમોના અચ્છા જ્ઞાતાઓ, વિદ્વાનો હતા એમણે ખરેખર જ ભારતીય ધર્મશાસ્ત્રને – ભારતના નીતિધર્મને સમૃદ્ધ બનાવ્યો છે એમ કહેવું ખોટું નથી. જેમ જેમ સ્મૃતિ ઉપરના આવા ટીકાગ્રંથો વધતા ગયા તેમ તેમ એ વિષયની બધી ઉપલભ્ય સામગ્રી, એની આલોચનાઓ, સર્વેક્ષણો અને સ્મૃતિમાં દેખાતાં અસ્પષ્ટ કથનોની સ્પષ્ટતા કરનારા તૈયાર સંદર્ભોની માગ પણ આવશ્યક રીતે વધી પડે એમાં નવાઈ નથી. આ બધી વાતોએ વળી નીતિધર્મોમાં એક બીજા પ્રકારના સાહિત્યસર્જનને મોકો આપ્યો. એને વળી ‘નિબંધ’ એવું નામ આપવામાં આવ્યું. આ છઠ્ઠું પગથિયું થયું.

સમાજાભિમુખ કોઈ પણ ‘શિવેતર ક્ષતિ’ કરવાના હેતુવાળી સાહિત્યકૃતિમાં ધર્મનીતિ આવ્યા વગર રહી જ ન શકે. આપણાં રામાયણ અને મહાભારત બે રાષ્ટ્રિય કાવ્યો એનાં અપવાદ હોઈ જ ન શકે. લોકાભિમુખી પુરાણોમાં પણ આ સ્મૃતિધર્મ આલેખાયો છે. આ બે મહાકાવ્યો અને પુરાણોમાં સ્મૃતિધર્મની – નીતિધર્મની થોકબંધ માહિતી મળે છે. મહાભારત-રામાયણ અને પુરાણોમાંનાં નીતિવચનોનો ઉદાહરણાર્થે ઉપયોગ, ધર્મશાસ્ત્રના ‘નિબંધો’માં એને સમુચિત સ્થળે કરવામાં આવ્યો છે. એટલા માટે ધર્મશાસ્ત્રના ધોરણસરના ખ્યાલ માટે ઉપરની બધી જ પ્રસ્તાવિત સામગ્રીનો સથવારો લેવો જોઈએ.

હવે જોઈએ કે આ ધર્મશાસ્ત્રમાં કયા કયા વિષયોના વર્તનનિયમો – ધર્મો -વર્ણવાયા છે. ધર્મશાસ્ત્રના વિષયો ઘણું કરીને સામાન્ય રીતે બધાને લાગુ પડે છે. એને મુખ્યતયા ત્રણ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે : (૧) આચાર (સામાન્ય વર્તન), (૨) વ્યવહાર (સામાજિક રીત રિવાજો, કાનૂન અને વ્યવસ્થાના નિયમો) (૩) પ્રાયશ્ચિત્ત (કોઈ નિયમના ભંગ બદલ કરવું પડતું કાર્ય).

આ ત્રણમાં આપણી જીવનરીતિ સંબંધી સઘળી બાબતોનો સમાવેશ થાય છે અને પૂર્વોક્ત વેદકથાઓ, ધર્મસૂત્રો, ગૃહ્યસૂત્રો, સ્મૃતિઓ અને શીલવંતોની અનુભવવાણીઓ અને નિબંધો (ધર્મસિંધુ જેવા ગ્રંથો)માં એવી જ વિશદ્‌ મીમાંસા અને છણાવટ કરવામાં આવી છે.

મન:શરીર સંકુલ જ્યાં સુધી સ્વચ્છ અને નિર્મલ રાખવામાં ન આવે, ત્યાં સુધી એટલે કે શારીરિક સુદૃઢતા અને સ્વસ્થતા કે પ્રસન્નતા વગર મનુષ્યની ભૌતિક ઉન્નતિ અભ્યુદય કે અધ્યાત્મિક ઉન્નતિ – નિ:શ્રેયસ પ્રાપ્ત કરી શકતો નથી. અને આ અભ્યુદય અને નિ:શ્રેયસ તો ધર્મનાં બે પાસાં છે. આ વાત વ્યક્તિ અને સમાજને બંનેને લાગુ પડે છે. એટલે આ બંનેની પ્રાપ્તિ તો સખ્તાઈથી આચારનું પાલન કર્યેથી જ થઈ શકે. આ આચારો, આ જીવનરીતિનું પાલન મનુષ્યે પોતાના વ્યક્તિગત જીવનમાં પણ ચીવટથી કરવાનું છે. વેદો અને કલ્પસૂત્રોમાં દર્શાવેલી માનવ-જીવનની આ ઢબછબને જ પછીથી સ્મૃતિઓએ અને શાણાઓની અનુભવવાણીએ વિસ્તારી છે, વિવેચી છે, તર્કપૂત કરી છે, અને મઠારી છે અને મહાત્માઓએ પોતાના જીવન દ્વારા એનું ઉજ્જ્વલ નિદર્શન પણ પૂરું પાડ્યું છે. વેદો દ્વારા પ્રેરિત અને સૂત્રિત, સ્મૃતિઓ દ્વારા વર્ણિત, નિબંધો દ્વારા સંકલિત અને મહાપુરુષો દ્વારા આચરિત એવી જીવનરીતિનું આચરણ વ્યક્તિએ કરવું જ જોઈએ. એમાં ઉદાસીનતા, પ્રમાદ કે ક્ષતિ આવવા દેવી ન જોઈએ. એટલે જ તો સદાચાર દીર્ઘાયુ બક્ષે છે, ઇચ્છાપૂર્તિ કરે છે, સંપત્તિ પ્રાપ્ત કરાવે છે. એવી એવી પ્રશંસા કરીને ડાહ્યા જનોએ ‘આચાર: પ્રથમો ધર્મ:’ એવું સૂત્ર આપ્યું હશે ને? દુરાચાર દુર્ગતિ, દુ:ખો અને રોગો તેમજ અલ્પ આવરદામાં પરિણમે છે, અપયશ દુરાચારનું જ સંતાન છે.

સદાચારનો સીધો સંબંધ ભારતની જીવનરીતિમાં ષટ્‌ (છ) કર્મો સાથે છે. જે સૌએ સર્વદા અનિવાર્ય રીતે કરવાનાં હોય છે.એ છે: (૧) સ્નાન અને સંધ્યા (૨) જપ (વેદમંત્રોનું પુનરાવર્તન) (૩) હોમ પવિત્ર અગ્નિમાં આહુતિઓ આપવી (૪) સ્વાધ્યાય અને દેવપૂજા – શાસ્ત્ર પરિશીલન અને ઈશ્વરપૂજન (૫) આતિથ્ય – અતિથિસત્કાર અને (૬) વૈશ્વદેવ – બધા દેવોને રાંધેલા અનાજની આહુતિઓ આપવી. ઉચિત મંત્રોચ્ચારણ સાથે દેવોને ઋષિઓને અને પિતૃઓને તર્પણ કરવાનું પણ દૈનિક કાર્યક્રમમાં હતું.

ઉપરનાં કાર્યોમાંનાં સ્નાન, કુળદેવતાની પૂજા, જપ અને અતિથિસત્કાર તો દરેકેદરેક વર્ણ માટે કશા જ ભેદભાવ વગર અનિવાર્ય રીતે લાગુ પડતાં જ હતાં અને હજુ પણ બહુધા લાગુ પડે જ છે.

આ આચારકાંડમાં સોળ સંસ્કારો ઘણું મહત્ત્વ ધરાવે છે. એમાં પણ ઉપનયન સંસ્કાર – ગાયત્રીમંત્રની દીક્ષા, વિવાહસંસ્કાર અને અંત્યેષ્ટિ – મરણોત્તર ક્રિયા અદકું મહત્ત્વ ધરાવે છે. આજે અન્ય સંસ્કારવિધિઓ ઘસાઈ ગઈ હોવા છતાં આ પણ જીવંત છે.

હિંદુધર્મના કૂવાથંભ જેવી હિંદુ જીવન પદ્ધતિનું એક મુખ્ય પાસું એના વર્ણાશ્રમધર્મો ગણાવાયા છે. હિંદુઓના પ્રાચીન ધર્મશાસ્ત્રોમાં આચારકાંડમાં તો એને પ્રાથમિકતા આપવામાં આવી છે.

ભારતના નાગરિક જીવનને લગતી વાત ધર્મશાસ્ત્રના વ્યવહારપક્ષમાં આવે છે. એ સામાજિક નિયમનો ભંગ કરનારને દંડની વ્યવસ્થા પણ ધર્મશાસ્ત્રના આ બીજા વિભાગમાં કરવામાં આવી છે. આ વ્યવહારકાંડમાં અઢાર વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઋણ, ભાગીદારી, કરાર, કરારભંગ, ખરીદી, વેચાણ, નોકર અને માલિકના વિવાદો, સરહદના વિવાદો, સખ્તદંડ, વાણીનો દુરુપયોગ, ચોરી તસ્કરી, સ્ત્રીનું હરણ, પતિપત્નીના સંબંધો – વગેરે અનેક વિષયોનો ધર્મશાસ્ત્રના આ વ્યવહારકાંડમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

એ વખતે રાજાનો દરબાર જ ન્યાયલય લેખાતું. રાજા ન્યાય તોળતી વખતે નીતિધર્મવિદોની સહાય લેતો. એ સલાહકારો શાણપણ અને ચારિત્ર્યમાં તેમજ ન્યાય તોળવામાં પારંગત હતા અને રાજા વતી ન્યાય તોળતા. તેમણે તોળેલા ન્યાયનો અમલ કરવા માટે યોગ્ય માણસોને નીમવામાં આવતા.

ભારતના પ્રાચીન નીતિધર્મનું અગત્યનું પાસું એનો ‘પ્રાયશ્ચિત્તકાંડ’ પણ છે. માણસમાત્ર ભૂલને પાત્ર છે. માણસ ઘણીવાર ન કરવા લાયક કામ કરે છે અને આવશ્યક કરવા યોગ્ય કામ કરતો નથી. માણસને પોતાની ભૂલોનું અને દોષોનું ભાન ન થાય, જાણ ન થાય અને પોતે એમાંથી કશો ધડો ન લે. એણે એ કર્યા કારવ્યાંનાં કપરાં ફળો ભોગવવાં જ પડે. માનવવર્તનમાં એનો સુધારો બે તબક્કે થાય છે. એમાંનો એક છે પસ્તાવો – પ્રાયશ્ચિત્ત અને બીજો તબક્કો છે. ફરીથી એવી ભૂલ ન કરવાનો દૃઢ નિશ્ચય! જે નિષિદ્ધ કે ખરાબ કામ કરાઈ ચૂક્યું છે. એને ધોવા માટે કરાતું કર્મ એ પ્રાયશ્ચિત્ત છે. ભૂલોને નીતિધર્મની પરિભાષામાં ‘પાતક’ કહેવામાં આવે છે અને પસ્તાવા તરીકે એને ધોઈ નાખવા માટે કરાતા કાર્યને ‘પ્રાયશ્ચિત’ કહેવામાં આવે છે.

ભારતના પ્રાચીન નીતિધર્મનો – ધર્મશાસ્ત્રનો આ ‘પ્રાયશ્ચિતકાંડ’ ‘પાતકો’ના ઘણા પ્રકારો વર્ણવે છે, એનું વર્ગીકરણ મહાપાતકો અને ઉપપાતકોમાં કરે છે. અને એ દરેક માટે આવશ્યક પ્રાયશ્ચિત સૂચવે છે.

બ્રહ્મહત્યા, સૂરાપાન અને નજીકનાં સંબંધીઓ સાથે સંભોગ વગેરેને મહાપાતક ગણવામાં આવ્યાં છે. અને અગ્નિહોત્રનો ત્યાગ, ગુરુનો અપરાધ, સામાન્ય ચોરી, કરજ ન ચૂકવવું, નિષિદ્ધ વસ્તુઓ વહેંચવી, ઝાડ કાપવાં, નિર્દોષ પ્રાણીઓની હિંસા કરવી, વગેરે વગેરે પાતકોને ઉપપાતકોમાં સમાવવામાં આવે છે.

આ ઉપપાતકોને ધોવા માટેનાં પ્રાયશ્ચિતો ઘણા જુદા જુદા પ્રકારનાં તે તે ઉપપાતક માટે નક્કી કરાયાં છે. એમાં ઉપવાસ, જપ, દાન, યાત્રાથી માંડીને ઠેઠ આત્મવિલોપન સુધીનાં કાર્યોનો સમાવેશ થાય છે.

આ નીતિધર્મો કેવળ કંઈ વેદશાસ્ત્ર વિહિત કાનૂન-આદેશ-માત્ર જ નથી. પણ મનુષ્યના રોજબરોજના વ્યવહારના સ્તરમાં એનો વધુ સારી રીતે ફેલાવો થાય એ એનો ઈરાદો છે. એક વાત ચોક્કસ છે કે આ બધા સામાજિક, આર્થિક, રાજકીય નીતિનિયમોની દોરવણી સામાજિક સ્વાસ્થ્ય માટે આવશ્યક હોવા છતાં એ ધર્મશાસ્ત્રના કર્તાઓ એ ભૂલ્યા તો ન જ હતા કે માનવનું અંતિમ શ્રેષ્ઠ ધ્યેય તો ઈશ્વર સાક્ષાત્કાર જ છે. એને જુદાં જુદાં નામ ભલે અપાયાં હોય, પણ એ સર્વસ્વીકૃત છે.

ધર્મશાસ્ત્ર – ધર્મનીતિની એક વખાણવા લાયક વાત એ છે કે એણે ભૌતિક શરીરને એનું ઉચિત મહત્ત્વ આપ્યું છે. ‘શરીરમાદ્યં ખલુ ધર્મસાધનમ્‌’ શરીરની શક્તિ, એનું સ્વાસ્થ્ય, એનું રક્ષણ, એની ક્ષમતા, ભયનો સામનો કે આપત્તિમાં રક્ષણ કરવા – ટકી રહેવા માટે અથવા તો અમુક સિદ્ધિ હાંસલ કરવા માટે આ પાયાની વાતો ધર્મશાસ્ત્ર સ્વીકારે છે. સિદ્ધિ ભૌતિક હોય કે આધ્યાત્મિક – બંને માટે શારીરિક ક્ષમતા કેળવવાનો ધર્મશાસ્ત્રોનો આદેશ છે.

આ આદેશ પર ભાર મૂક્યા છતાં ય ધર્મશાસ્ત્રો શારીરિક કેળવણીને કેવળ પહેલું જ પગથિયું ગણે છે. નૈતિક મૂલ્યોની કેળવણીને એના જેટલું જ મહત્ત્વ ધર્મશાસ્ત્રોની દૃષ્ટિએ માનવજીવનમાં ગણાવ્યું છે. કોઈ પણ અપવાદ વગર બધાં જ ધર્મશાસ્ત્રો એકી અવાજે આ સર્વ સામાન્ય માનવધર્મોને, આ વિશ્વ સ્વીકૃત માનવતાના સત્ય ધર્મને – આ આત્મસંયમ, શિષ્ય અને શીલવંત વર્તનને, સ્ત્રી દાક્ષિણ્યને, પ્રામાણિક આજીવિકાને, સત્ય અને પ્રામાણિકતાને, કર્તવ્યપાલનને, કુટુંબ અને સમાજ પ્રત્યેની જવાબદારીઓ વહન કરવાને, અન્યને હાનિ ન પહોંચાડવાને, વ્યક્તિગત અને પર્યાવરણીય સ્વચ્છતા જાળવવાને, શાસ્ત્રાધ્યાયન – સામાન્યતમ – ભક્તિ વગેરેને ખૂબ ભારપૂર્વક આદેશે છે અને માનવજીવન માટે અનિવાર્ય જ ગણે છે.

આપણે આગળ જોઈ ગયા કે પ્રાચીન ભારતમાં નીતિધર્મનો વિકાસ વેદ, સૂત્રગ્રંથો (શ્રૌતસૂત્ર, ગૃહ્યસૂત્ર), સ્મૃતિ અને નિબંધ – એમ ચાર તબક્કે થયો છે. હવે એમાંની કેટલીક મહત્ત્વપૂર્ણ રચનાઓ ઉપર જરા નજર નાખીશું. આમ તો પ્રાચીન ભારતનું ધર્મશાસ્ત્રનું સાહિત્ય ખૂબ જ વિશાળ છે. ઉપર બતાવેલા તબક્કાની તદ્‌વિષયક કૃતિઓની વાત એક બાજુ રાખીએ તો પણ એ વિશાળતાનો ખ્યાલ આપવા માટે આપણાં બે મહાકાવ્યો – રામાયણ અને મહાભારત, આપણાં પુરાણો વગેરેમાં અનેકાનેક શ્લોકોમાં આ ધર્મશાસ્ત્રની વાતો પથરાયેલી પડી છે. એના અમુક ભાગો – વિદુરનીતિ જેવાં અનેક સ્વતંત્ર પ્રકરણો તરીકે તારવી શકાય તેવા ધર્મશાસ્ત્ર વિષયનાં જ છે. એ તો એક સાગર જેવડો મોટો વિષય છે.

છતાં આપણે અહીં કેટલાંક વધુ પ્રાચીન અને મહત્ત્વનાં ધર્મશાસ્ત્રના ગ્રંથોનો ટૂંક પરિચય મેળવવાનો પ્રયત્ન કરીશું.

સૂત્ર ગ્રંથોમાં (૧) આપસ્તંબ ધર્મસૂત્રો, (૨) ઔશનસ ધર્મસૂત્રો, (૩) બોધાયન ધર્મસૂત્રો (૪) ગૌતમ ધર્મસૂત્રો, (૫) હારિત ધર્મસૂત્રો (૬) હિરણ્યાક્ષી ધર્મસૂત્રો (૭) વૈખાનસ ધર્મસૂત્રો (૮) વશિષ્ઠ ધર્મસૂત્રો (૯) અને વિષ્ણુ ધર્મ શાસ્ત્રો – એમ નવેક સૂત્ર ગ્રંથો જાણીતા છે. આપણે એ સૂત્ર ગ્રંથોનો અછડતો પરિચય મેળવીએ :

આપસ્તંબ ધર્મસૂત્રો એ મૂળ આપસ્તંબ કલ્પસૂત્રો નામના મોટા સૂત્ર ગ્રંથનો ૨૬ અને ૨૯ પ્રકરણોનો તારવેલો ભાગ છે. એનો કૃષ્ણ યજુર્વેદ સાથે સંબંધ છે. આપસ્તંબ ગૃહ્યસૂત્રો સાથે સરખાવતાં કેટલાંક સૂત્રો એમનાં એમ ઉતર્યાં છે અને વિષયવસ્તુ પણ સરખું છે. એનો રચનાકાળ ઈ.પૂ.૪૫૦-૩૫૦ ગણાય છે. એમાં પુરાણી ભાષા અને સંક્ષેપ વધારે છે. આમાં ધર્મશાસ્ત્રનું વિશાળ વિષયફલક સમાવાયું છે. ‘પ્રાયશ્ચિતકાંડ’ વધુ વર્ણવ્યો છે. પૂર્વમીમાંસાના સિદ્ધાંતોના પારિભાષિક શબ્દો આની ખાસિયત છે.

બીજું ઔશનસ ધર્મશાસ્ત્ર હાલમાં ગદ્યરૂપે કટકે કટકે જ મળે છે. એમાં જન્મમરણ સમયનાં સૂતક વિશે, ચાર વર્ણો અને કેટલીક સંકર જાતિઓ વિશે પ્રાયશ્ચિત્ત અને શ્રાદ્ધ વિશે કહેવાયું છે. આ ઔશનસ ધર્મશાસ્ત્રના કેટલાક ભાગો મનુસ્મૃતિ સાથે સામ્ય ધરાવે છે. કેટલાક લેખકો આ ગ્રંથ મળે છે એના કરતાં વધુ મોટો હશે એમ માને છે. એમાં ધર્મ શાસ્ત્રનાં ત્રણેય અંગો – આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત્ત વિશદ રીતે વર્ણવ્યાં હશે એમ કહે છે.

હમણાં હમણાંમાં એક બીજું ઔશનસ ધર્મશાસ્ત્ર અને ઔશનસ સ્મૃતિ પણ મળ્યાં છે, એ છાપેલાં અને પાંડુલિપિમાં પણ મળે છે. છાપેલી આવૃત્તિમાં ૫૧ શ્લોકો છે અને એમાં સૂતજાતિ અને માગધજાતિ જેવી સંકર જાતિઓ વિશે લખાયું છે. પાંડુલિપિવાળી આવૃત્તિમાં ૬૦૦ શ્લોકો અને નવ પ્રકરણો છે. ઉપનયન અને શ્રાદ્ધના વિષયો વર્ણવ્યા છે.

બોધાયન ધર્મસૂત્રોના પ્રણેતા ઘણું કરીને ઈ.પૂ. ૬૦૦-૪૦૦નાં છે. એમાં ૨૫ પ્રકરણો છે. એમાં વિવિધ વર્ણોના ઉપનયન, ચાર આશ્રમો, ચાર વર્ણોનો ઉદ્‌ભવ, સંસ્કારો, રાજાનાં કર્તવ્યો, અપરાધોના દંડો, સ્ત્રીઓનાં કર્તવ્યો, પ્રાયશ્ચિત્તો, મિલ્કતની ભાગીદારી, અને એવા બીજા કેટલાક વિષયો વિશદ્‌ રીતે વર્ણવાયા છે.

હારિતનાં ધર્મસૂત્રો તો વશિષ્ઠ અને બોધાયન અને આપસ્તંબ ધર્મસૂત્રોમાં પણ ઉલ્લેખાયેલાં છે. એટલે એનાં સૂત્રો તો ઘણાં પ્રાચીન છે. એ ત્રીસ પ્રકરણોમાં મળે છે. એમાં આઠ પ્રકારના વિવાહ ગણાવ્યા છે. એમાં ‘ક્ષત્ર’ અને ‘માનુષ’ એને બદલે ‘આર્ષ’ અને ‘પ્રાજાપત્ય’ નામો મળે છે. વળી એમાં બ્રહ્મવાદિની અને સદ્યોવધૂ એવા સ્ત્રીઓના બે પ્રકારો પણ ગણાવ્યા છે. અ ગ્રંથ ઈ.પૂ. ૬૦૦ થી ૩૦૦ વચ્ચેનો ગણવામાં આવ્યો છે.

હિરણ્યાકેશી લખેલાં કલ્પસૂત્રોના ૨૬ અને ૨૭ પ્રશ્નો – પ્રકરણોને તારવીને એક હિરણ્યકેશી ધર્મસૂત્ર નામનો ધર્મશાસ્ત્રસૂત્રો ગ્રંથ રચાયો છે.

હાલમાં એક વૈખાનસ ધર્મસૂત્ર નામનો ગ્રંથ પણ મળી આવ્યો છે. એ એક નાનકડો ગ્રંથ છે. એને ‘વૈખાનસ ધર્મપ્રશ્ન’ એવું નામ પણ આપવામાં આવ્યું છે એ ઉપરનાં ધર્મસૂત્રો કરતાં થોડી મોડી રચના હોય, એમ જણાય છે. કદાચ એ ઈ.સ. ૩૦૦ થી ૪૦૦ વચ્ચેની કૃતિ હશે. નારાયણના કોઈક ભક્તે આ સૂત્રો લખ્યાં છે. એ પૂર્વ કૃતિઓની નાની નકલ જેવું જણાય છે. એણે બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસીના ચાર ચાર પ્રકારો ગણાવ્યા છે. સુવર્ણ અને અન્ય ધાતુઓની શુદ્ધિ અને એવી કેટલીક ઉપયોગી વસ્તુઓની આમાં આપેલી હકીકતો રસપ્રદ છે.

વશિષ્ઠ ધર્મસૂત્રનો રચનાકાળ ઈ.પૂ. ૩૦૦ થી ૧૦૦નો લેખાય છે. એ કોઈ કલ્પસૂત્રમાંથી તારવેલો ધર્મસૂત્રોનો ભાગ નથી. પણ બોધાયન અને ગૌતમનાં ધર્મસૂત્રો જેવો જ સ્વતંત્ર ગ્રંથ છે. એમાં પણ બીજાં ધર્મસૂત્રોની પેઠે જ વ્યવહાર, આચાર, પ્રાયશ્ચિત વગેરે વિષયો આપેલા છે. વિવાહના છ પ્રકારો આપ્યા છે. તે ‘નિયોગપ્રથા’ને સ્વીકારે છે. અને બાળ વિધવાના પુનર્વિવાહને પણ અનુમતિ આપે છે. રાજાના ન્યાયવહીવટ વિશેની ચર્ચા એનું આકર્ષક પાસું છે. અને મહત્ત્વનો વિષય પણ છે.

‘વિષ્ણુ ધર્મસૂત્રો’ નામનાં નીતિધર્મનાં સૂત્રો વિષ્ણુના વારાહ અવતાર દ્વારા ઉદ્‌ઘાટિત થયેલાં મનાય છે. એવું કહેવાય છે કે આ ધર્મસૂત્રનો સંબંધ કૃષ્ણ યજુર્વેદની કઠ શાખા સાથે છે. એનાં ગદ્યપદ્ય મિશ્રિત સો પ્રકરણો છે. આના કેટલાક ભાગો તો કાશ્મીરમાં વ્યાપકપણે પ્રચલિત એવા ‘કાઠક ગૃહ્યસૂત્ર’નાં પ્રકરણો જેવાં જ અક્ષરશ: છે. એમાં આપેલા વસ્તુ-વિષયની મનુસ્મૃતિ સાથે ઘણી સમાનતા છે. રાજધર્મ, દંડનીતિ, અપરાધ, બાર પ્રકારના પુત્રો, મિશ્ર-સંકર-જાતિઓ, મરણવિધિ, મરણોત્તર વિધિ, વગેરે જેવા વિષયો એમાં ચર્ચ્યા છે. આ ગ્રંથના પૂર્વ ભાગનો સમય ઈ.પૂ. ૩૦૦-૧૦૦નો ઠરાવાયો છે.

આ રીતે સૂત્રયુગમાં રચાયેલ નીતિધર્મ સૂત્રો નવેકની સંખ્યામાં મળે છે. સૂત્રયુગ પૂરો થયા પછી પણ નીતિધર્મ ગ્રંથોની રચના અટકી નથી. સૂત્રો પછી ધર્મશાસ્ત્રમાં સ્મૃતિઓનો યુગ આવે છે.

ધર્મશાસ્ત્રોની રચનાનું આ સાતત્ય સ્વાભાવિક જ છે. કારણ કે ધર્મશાસ્ત્ર વ્યવહાર અને વ્યવહારનું જ શાસ્ત્ર છે અને પરિવર્તનશીલ સમાજમાં આચાર અને વ્યવહાર બદલતા જ રહે છે. સ્થિતિસ્થાપકતા અને પરિવર્તન જેવી રીતે સમાજનાં પણ આવશ્યક લક્ષણો છે તેમ ધર્મશાસ્ત્રનાં પણ એ જ લક્ષણ હોવાનાં જ!

Total Views: 50

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.