જટિલ સ્વભાવનાં માતપિતા

ધાકધમકી અને શારીરિક સજા તેમજ કટુકઠોર ભાષાનો ઉપયોગ કરવાથી ભૂલ કરનાર બાળકોને સુધારી શકાય છે – એમ કેટલાંક માતપિતાઓ ધારે છે. વળી કેટલાંક માતપિતા એવા પણ હોય છે કે જે પોતાનાં બાળકોની ઉચિત-અનુચિત દરેક માગને સંતોષીને એમને બગાડી મારે છે. મોટા ભાગનાં માબાપ તો એમ જ ધારે છે કે એકવાર છોકરાને નિશાળમાં દાખલ કરી દીધો એટલે એમની જવાબદારી પૂરી અને પોતાનાં બાળકોને આ રીતે એમના પોતાના નસીબના આધારે છોડી દે છે. કેટલાંક માતપિતા પોતાનાં બાળકો પ્રત્યે અણધાર્યું વર્તન કરે છે – ક્યારેક એમના ઉપર હેતપ્રેમના હાંડલા વરસાવી દે છે, માગે એટલું તત્કાળ આપી દે છે. વળી બીજી જ પળે ક્ષણિક ક્રોધના આવેશમાં આવી જઈને કોઈ પણ પ્રકારની મદદ કરવાનો ઈન્કાર કરીને બાળકો માટે એક સમસ્યારૂપ બની જાય છે. વળી કેટલાંક માબાપ પોતાનાં બાળકોને એના કરતાં વધારે બુદ્ધિમાન અને ચતુર સહપાઠીઓ સાથે સરખાવીને એમની ખામીઓ પ્રત્યે વ્યંગવિનોદ કરી લે છે. આ રીતે એ બાળકોના મન ઉપર એક આઘાત પહોંચાડે છે અને એમના આત્મવિશ્વાસને હણતા જાય છે. મોટા ભાગનાં માતપિતા એમનાં બાળકોની સામે જ પોતાનાથી મોટા સન્માનનીય વડીલો તથા શિક્ષકો વિશે મનફાવે તેમ બોલે છે અને સંભળાવે છે, એમની ખામીઓની નિંદા-ટીકા કરતા રહે છે. વળી કેટલાંક તો એવા પણ હોય છે કે પોતાનાં બાળકો પાસે અસાધારણ બુદ્ધિનું કાર્ય કરવાની અપેક્ષા રાખે છે અને એની સામાન્ય સિદ્ધિ જોઈને હતાશનિરાશ થઈ જાય છે. માતપિતાનાં મનમાં ઉદ્‌ભવતા અંધવિશ્વાસ, અપરમાનું ખરાબ વર્તન અને નીચ જાતિમાં જન્મેલામાં રહેલી હીનતાની ભાવના, અહંકાર, ઉદ્ધતતા, રાજનૈતિક સંઘર્ષ આ બધાં બાળકોના મન પર ભિન્ન ભિન્ન પ્રભાવ પાડતાં રહે છે.

ગાંધીજીએ કહ્યું છે : ‘એક ઉત્તમ ઘર જેવું કોઈ વિદ્યાલય નથી અને ચારિત્ર્યવાન અને સદ્‌ગુણી માતપિતા સમાં કોઈ શિક્ષક હોઈ ન શકે. આધુનિક વિદ્યાલયોનું ઉચ્ચ શિક્ષણ ગ્રામીણ બાળકો પર એક ભાર જેવું બની ગયું છે. આ બાળકો ક્યારેય એનો લાભ ઉઠાવી શકશે નહિ અને જો એને સારા કુટુંબની કેળવણી મળી રહે તો તેઓ આવી શાળાની કેળવણીનો અભાવ પણ નહિ અનુભવે.’

આપણી શાળાઓ આવા ઉત્તમ પરિવારોની ઊણપને મહદંશે પૂરી કરે એવી આપણી માતપિતા તરીકે સ્વાભાવિક ઇચ્છા હોય છે. આપણી સરકાર કેળવણી પર કરોડો રૂપિયા ખર્ચ કરે છે. રશિયાની શિક્ષણ સંસ્થાઓએ બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર વધારે ભાર દીધો છે, એ પ્રશંસનીય છે. રશિયાની સરકાર તૂટેલા પરિવારોમાંથી આવેલ બાળકોની માનસિક સમસ્યાઓનો ઉકેલ શોધવા પર વધારે ધ્યાન આપે છે. આને માટે શાળાઓમાં વિશેષ રૂપે નિયમિત કાર્યક્રમો પણ અપાય છે. પણ આપણા દેશમાં રોજગાર દેનારનો એક માત્ર ઉદ્દેશ્ય પૈસા કમાઈ લેવાનો છે. આ રીતે આવા વાતાવરણમાં બાળકોની સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કોણ કરવાનું? અને વળી કોઈ એવી સમસ્યાઓને સમજી લે તો એનો ઉકેલ શોધવામાં મદદ પણ કોણ કરે? ત્યાં સુધીમાં તો બાળકો આવી પડેલી વિરોધી સમસ્યાઓની પરંપરાઓ અને એના વાતાવરણમાં માનસિક તાણ સહન કરી ચૂક્યાં જ હોય. એમના માનસિક સ્વાસ્થ્યની રક્ષા કરવાના કાર્યની શરૂઆત પ્રાથમિક શાળાએથી જ થવી જોઈએ. સમાજના પછાત વર્ગનાં બાળકોના કલ્યાણ તરફ વિશેષ ધ્યાન અપાવું જોઈએ. બાલ-કલ્યાણમાં રુચિ રાખનારા શિક્ષણ પર વિશેષ ધ્યાન આપનારા, ધીરતાવાળા, કર્તવ્યપરાયણ અને સ્નેહ નિતરતા શિક્ષકોની આ કાર્યમાં મોટી આવશ્યકતા છે. આવા શિક્ષકો આપણને ક્યાંથી મળશે? જો ગુલામ જ કેળવણી આપે તો એ ગુલામોનાં ટોળાં જ ઊભાં કરે!

નવી ક્ષિતિજ

શું આ સ્થિતિમાં સુધારણા લાવવી સંભવ નથી? નિશ્ચય સંભવ છે જ.

સામાન્યત: બાલ્યકાળમાં સાચા પ્રેમથી વંચિત રહેનાર વ્યક્તિ માનસિક પીડા ભોગવે છે. દીર્ઘકાલીન ધૈર્ય અને પ્રેમનો નિર્મળ પ્રવાહ જ એની દિશામાં સુધારો લાવી શકે છે. ત્યારે એ વ્યક્તિનું જીવન આનંદનો સ્રોત બની જાય છે. એના જીવનમાં એક નવા યુગનો પ્રારંભ થઈ જાય છે, પણ પ્રેમ કંઈ બજારમાં વેચાતી મળતી ચીજ નથી. એ તો બહુમૂલ્ય છે. આમ છતાં પણ તે સર્વત્ર વિદ્યમાન રહેલ છે અને દરેકને એની આવશ્યકતા રહે છે. વિશુદ્ધ પ્રેમ બધા રોગોની રામબાણ દવા છે. આ પછીના પ્રકરણમાં આપણે કેવી રીતે પ્રેમની શક્તિ દ્વારા આ માંદલા જગતને સુખમય સ્વર્ગમાં બદલી શકાય છે – એ વિશે આલોચના-ચર્ચા કરીશું.

મનનું ચિત્ર

હેરોલ્ડ શર્મને કહ્યું છે : ‘પોતાના મનનાં ચિત્રો પાછળની ભાવનાઓની તીવ્રતાની માત્રા પ્રમાણે જ આપણને અનુભવ પ્રાપ્ત થાય છે, આપણે જીવનભર આ વાત પર ભાર દેવો જોઈએ.’

જો તમે નિરંતર દુર્ઘટનાના વિચારોમાં જ ડૂબ્યા રહો તો તમારા જીવનમાં દુર્ઘટનાઓનો આરંભ થઈ શકે છે. જો તમે સાપથી આતંકિત થઈ ઊઠતા હો તો તમારે સાપનો સામનો કરવો પડે. જો તમે બિમારીથી વધુ ને વધુ ડરી જતા હો તો કેટલાક રોગોને એની મેળે જ તમારા શરીરમાં આવવાનું આમંત્રણ મળી જાય છે. જો તમને કરજવાન થઈ જવાનો વિચાર સતાવતો હોય તો સંભવ છે કે તમે એવી પરિસ્થિતિમાં ફસાઈ જાઓ કે જેને લીધે તમારે કરજ લેવાની ફરજ પડે છે. જો તમે ભૂતપ્રેત તથા અલૌકિક જીવોથી ભયભીત રહેતા હો તો તમે વારંવાર એમનાં દર્શનથી હેરાન-પરેશાન થઈ શકો છો. જો તમે અપમાનિત થવાનો ભય સેવતા હો તો તમારે અપમાનિત થવું પડે એવા સંજોગો ઊભા થવાની સંભાવના છે. આવી દુર્ઘટનાઓમાંથી બચવાનો સર્વોત્તમ ઉપાય છે – આવા કાલ્પનિક ભયના ચિંતનથી પોતાની જાતને દૂર રાખવી. સાપના આક્રમણ સામે પોતાની રક્ષા કરવાનો ઉપાય વિચારવો અને સર્પદંશના ભયથી ભયભીત થવું એ બંને ભિન્ન ભિન્ન વાત છે.

રોગોથી બચવાનો ઉપાય કરવો અને રોગોના આક્રમણના ભયથી ચિંતિત રહેવું એ બંને અલગ વસ્તુ છે. ભૂતપ્રેતના દુષ્પ્રભાવોથી મુક્ત થવું અને ભૂતપ્રેત દ્વારા સંભવિત હાનિની કલ્પના કરતા રહેવું એ બંને જુદી જુદી પરિસ્થિતિ છે. વાસ્તવિક રીતે ભયભીત રહેવું એટલે ભયાનક વસ્તુથી બચવાનો કોઈ ઉપાય વિચાર્યા વિના જ એની નિરર્થક ચિંતામાં ડૂબ્યા રહેવું. પોતાનું રક્ષણ કરવાનો અર્થ છે – વિષમ પરિસ્થિતિથી બચવાનું કે એનો ઉપચાર શોધવા સજાગ પ્રયત્ન કરવો. જાગ્રત ભાવે આપણે જે કંઈ કરીએ છીએ તે આપણને માઠી પરિસ્થિતિમાંથી બચાવે છે અને કાલ્પનિક ભય આપણને ભયંકર કઠણાઈમાં ફસાવી દે છે.

Total Views: 33

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.