ઇતિહાસના વિદ્વાનો કહે છે કે કથા સાહિત્યનો સર્વપ્રથમ ઉદય ભારતમાં થયો હતો અને ભારતે જ એને સાહિત્યિક ગૌરવ અપાવ્યું છે. ભારતનું આ કથાસાહિત્ય સમગ્ર વિશ્વમાં ભ્રમણ કરી ચૂક્યું છે. ભારતમાં આ કથાના માધ્યમથી ધર્મપ્રચાર પણ થયો છે. એમાં બૌદ્ધધર્મનું કાર્ય ઊડીને આંખે વળગે તેવું છે. બુદ્ધ ધર્મની જાતકકથાઓમાંથી બે ત્રણ મોતીઓ ઉપર જરા આપણે નજર નાખીશું.

દરેક ભારતીય ધર્મ-દર્શન પુનર્જન્મમાં માને છે અને વર્તમાન જન્મને પૂર્વજન્મમાં કરેલાં કર્મોના ફળના રૂપમાં સ્વીકારે છે. બુદ્ધને પોતાના પૂર્વ જન્મોનું જ્ઞાન બોધિ-પ્રાપ્તિ પછી થયું હતું. આ જ્ઞાનને ‘પૂર્વનિવાસાનુસ્મૃતિ’ એવું નામ આપવામાં આવ્યું છે. ‘આપણો વર્તમાન જન્મ આગળના જન્મોમાં કરેલાં કર્મોના ફળરૂપ છે’ – એ સિદ્ધાંતે તથા ‘બુદ્ધને પોતાના પૂર્વજન્મોનું જ્ઞાન હતું’ – એવી માન્યતાએ બુદ્ધના પૂર્વજન્મની કથાઓને એટલે ‘જાતકકથાઓ’ને જન્મ આપ્યો. આ ‘જાતકકથાઓ’ના ઘડતરમાં પ્રચલિત લોકકથાઓની સહાય લેવામાં આવી છે. અનેક જાતક કથાઓનો સમાવેશ ચાર આગમોમાં અને વિનયપિટકની, એમના પરિનિર્વાણ પછીની પહેલી સદીમાં થયો છે. બોધિસત્ત્વ પહેલાંની બુદ્ધની અવસ્થાના સામાન્ય અર્થમાં આ બધા જન્મોના બુદ્ધના જીવને ‘બોધિસત્ત્વ’ એવું નામ આપી શકાય. પણ ઈ.પૂ.ની બીજી સદી પહેલાંની સ્થવિરધારામાં છ કે દસ વારમિતાના સાધકના ખાસ દર્શનમાં આવા અર્થના બોધિસત્ત્વ દેખાતા નથી. ફક્ત ઈ.પૂ. બીજી સદીની રચનાઓ ગણાય, એવા થેરવાદી ગ્રંથો – ચારિયાપિટક અને બુદ્ધવંશ -માં જ એ જોવા મળે છે.

પૂર્વજન્મોના ભગવાન બુદ્ધ – ‘બોધિસત્ત્વ’ની આ ‘જાતક કથાઓ’ તરીકે ઓળખાતી જન્મકથાઓમાં બોધિસત્ત્વ જ નાયક અથવા ગૌણપાત્ર રૂપે હોય છે. (બોધિ = જ્ઞાન અને સત્ત્વ = સ્વરૂપ). આ વાર્તાઓમાં આત્મવિકાસ માટે બોધિસત્ત્વ અનેક અવતારો ધારણ કરે છે.

બૌદ્ધ ધર્મશાસ્ત્રો આ જાતકકથાઓને બુદ્ધે સ્વમુખે કહેલી માને છે. બૌદ્ધશાસ્ત્રો ભગવાન બુદ્ધના પૂર્વજન્મ જ્ઞાનને પ્રમાણે છે. એમના નિર્વાણ પછી સાડા પાંચસો જેટલી જાતકકથાઓ સંગ્રહવામાં આવી; એના પર ટિપ્પણોયે થયાં અને ઈ.પૂ. આશરે બીજી સદીમાં ટીકાટિપ્પણ સાથે પાલીભાષામાં લખાઈ પણ ગઈ. અશોકપુત્ર મહેન્દ્ર એને ધર્મપ્રચારાર્થે લંકા લઈ ગયો, ત્યાં સિંહાલીભાષામાં અનુવાદ કરાયો અને આસાઈ બુદ્ધ ઘોષે પાંચમી સદીમાં એનું પાલીમાં પાછું ભાષાંતર કર્યું. આમ આપણને જાતકકથાઓ મળી. પ્રાચીન જાતકકથાઓએ આમ યાત્રાવર્તુળ પૂરું કર્યું.

સુવિખ્યાત પંચતંત્રની કેટલીક વાર્તાઓનાં મૂળ જાતકકથાઓમાં મળે છે. એવું જ પ્રખ્યાત કથાપુસ્તક હિતોપદેશનુંયે છે. અરે, ઈસપની વાર્તાઓનાં મૂળ પણ આમાં મળે છે. પ્રાચીનતા, સંખ્યા, બોધકતા વગેરે જોતાં જાતકકથાઓનો જોટો વાર્તાસાહિત્યમાં દુર્લભ જ છે.

બધી જ જાતકકથાઓમાં લગભગ ‘કાશીમાં બ્રહ્મદત્ત રાજા રાજ્ય કરતો હતો’ એવું આરંભ વાક્ય હોય છે.

બૌદ્ધ ધર્મીઓમાં ધર્મ કથાઓ તરીકે લેખાતી આ જાતકકથાઓ બૌદ્ધ મંદિરોમાં બધે ઠેકાણે ચિત્રો રૂપે કે શિલ્પ રૂપે નજરે પડે છે. બરહુન, સાંચી, અમરાવતી, અજંતાની ગુફાઓ, બોરોબુદર (જાવા), પેગાન (બ્રહ્મદેશ) અને સુખોદય (સિયામ) એનાં ઉદાહરણો છે. આ જાતકકથાઓના બે ત્રણ નમૂનાઓ આપણે જોઈએ.

પહેલી કથાનું શીર્ષક છે ‘મોતના લાડુ’. આ કથામાં શ્વેતવર્ણ બળદ તરીકે અવતરેલા બોધિસત્ત્વને એક કૃષ્ણવર્ણ ભાઈ હોય છે. એ બંને બળદોના સમૃદ્ધ માલિકની છોકરીને પરણાવવાની તજવીજમાં ઘેર એક સૂવરને પાળીને એને ખવડાવી પીવરાવીને પુષ્ટ કરીને જાનૈયાઓના ભોજન માટે તૈયાર રાખવામાં આવે છે. સૂવરની સચવાતી સુખસગવડથી નાનો કાળિયો ભાઈ અસહિષ્ણુ થયો અને ધોળિયાને – બોધિસત્ત્વને એણે ફરિયાદ કરી કે આપણે લીધે જ આબાદ થયેલ આ માલિક આપણને ઘાસ અને સુવરને સારું સારું ખવરાવે એમ કેમ પોસાય? સમજુ ધોળિયાએ કાળિયાને દ્વેષ ન કરવા સમજાવ્યો અને સૂવરના ભાવિની પોતાની સૂઝ એને કહી. થોડા દિવસો બાદ જાન આવી. અને ધોળિયાએ ભાખેલું બધું સાચું પડ્યું. ત્યારે કાળિયો કબૂલ કરવા લાગ્યો કે ધોળિયાની વાત સાચી હતી.

આ નાનકડી કથામાં – કથા રૂપી ગાગરમાં બોધકતાનો જાણે કે સાગર ભરી દીધો છે. કાળિયા-ધોળિયા બળદ – પશુના માધ્યમથી માનવને પ્રબોધવામાં આવેલ છે. આ કથામાં કેટલાક સ્પષ્ટ બોધો છે તો કેટલાક બોધસંકેતો છે.

અહીં ધોળિયો – શ્વેતવર્ણો બળદ સત્ત્વગુણ, સ્વચ્છતા, નિર્મળતા, નિખાલસતા અને સાત્ત્વિક વલણોનું સૂચન કરે છે. જ્યારે કૃષ્ણવર્ણો – કાળિયો બળદ તમોગુણ, અજ્ઞાન, મનોવિકાર, મલિનતા અને દ્વેષ વગેરે દોષોનું સૂચન કરે છે. અને આ વાર્તા દ્વારા પરખાય પણ છે. સહજ સ્વભાવ પ્રમાણે ઉતાવળિયા કાળિયાને સાત્ત્વિક ધોળિયો જાણે મહાકવિ ભારવિના શબ્દોમાં શીખામણ દેતો હોય એમ લાગે છે કે ભાઈ!

સહસા વિદધીત ન ક્રિયામવિવેક: પરમાપદાં પદમ્‌।
વૃણતે હિ વિમૃશ્યકારિણં ગુણલુબ્ધા: સ્વયમેવ સંપદ: ॥

કોઈ કામનો નિર્ણય ઉતાવળે ન લેવો, સમજ્યા વગરનું કામ ઘણી આફતો નોતરે છે અને વિચાર કરીને કામ કરનારને સંપત્તિઓ પોતે જ એના ગુણોથી લોભાઈને વરે છે, પસંદ કરે છે. ભાઈ કાળિયા! ઉતાવળા સો બ્હવરા ને ધીરા સો ગંભીર!

ધોળિયો સત્ત્વગુણી અને અદ્વેષ્ટા છે, જ્યારે કાળિયો ખારીલો અને અદેખો છે. આપણા સંસારમાં પણ આવા બંને જાતના માણસો હોય છે. અને એ રીતે વાસ્તવિકતાનું વાર્તામાં બ્યાન કર્યું છે. ધોળિયો કાળિયાને સાત્ત્વિકતાની, સહિષ્ણુતાની, અદ્વેષ્ટાપણાની, તિતિક્ષાની શીખ આપે છે. એ બધાં માનવીય મૂલ્યો કેટલાં સંગ્રહણીય છે તે આ વાર્તાની ફલશ્રુતિ કહી આપે છે. તિતિક્ષાનું પણ માનવજીવનમાં મહત્ત્વનું મૂલ્ય છે જ. અને સૌથી વધુ તો એ કે ‘સંતોષ એવ પુરુષસ્ય પરં નિધાનમ્‌’ સંતોષ એ માનવનો મોટામાં મોટો ખજાનો છે, એ શીખામણ છે. કહે છે ને કે ‘કભી ઘી ઘના, કભી મૂઠી ચના, કભી વો ભી મના, આદમી હૈ વહી જો હર હાલ મેં ખુશ રહતા હૈ’. ધોળિયો કાળિયાને પોતાને મળતા ઘાસપૂળામાં જ પરિતોષ માનવાનો બોધ આપે છે.

એક વધુ બોધ; સાંસારિક લોકોના સ્નેહસંબંધો, સાંસારિક સ્નેહ કેટલો સ્વાર્થી છે, તેનું નિર્દેશન પેલા પાળેલા સૂવરને અપાતી સુખસગવડોમાં છે. ધોળિયામાં એ સમજવાની સૂઝ છે પણ સ્વાભાવિક રીતે જ કાળિયામાં નથી કારણ કે એ તમોગુણનું પ્રતિનિધિત્વ કરે છે. બંને બળદોનો સમૃદ્ધ સ્વામી સૂવરને સુવિધાઓ એટલા માટે આપે છે કે એનું માંસ જાનૈયાઓને જમાડવું છે. જાણે ઉપનિષદ કહેતું હોય તેવો કથામાંથી ઉદ્‌ઘોષ ઊઠે છે કે ‘ન વા અરે સર્વસ્ય કામાય સર્વં પ્રિયં ભવતિ’ – ‘સર્વ: સ્વાર્થ-સમીહતે’ – બધાં જ સ્વાર્થનાં સગાં છે!

આત્મમંથન કરીને જોઈશું તો આપણામાં યે કેટલાંક કાળિયા જેવાં વલણો દેખાશે. કાળિયો કહે છે ને કે – ‘આ કુટુંબની આબાદી આપણે લીધે છે!’ કેટલું એ અભિમાન મિથ્યાભિમાન સેવે છે? પણ ધોળિયાને ખબર છે કે ‘હું કરું – હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે!’

આમ તો આ કથાનું શીર્ષક પણ ઘણું કહી જાય છે. મોતના લાડુ ખાવા, એ ગીતાની દૃષ્ટિથી તામસી સુખનું લક્ષણ છે. ગીતા કહે છે કે જે સુખ પહેલાં ઘણું મીઠું લાગે પણ પરિણામે અતિકષ્ટદાયક હોય તે તામસી સુખ કહેવાય. જેમ સૂવરને શરૂઆતની સુખસગવડો સારી લાગી પણ એનો અંત તો મોતમાં જ આવ્યો ને? આને પ્રેય કહેવાય. આ શ્રેય નથી.

બીજી કથાનું શીર્ષક ‘પ્રામાણિક વિદ્યાર્થી’ છે. એમાં એક ઉચ્ચ બ્રાહ્મણ કુળમાં જન્મેલ બોધિસત્ત્વ કાશીના મોટા પંડિત પાસે ભણવા જાય છે. એ પંડિતજી પોતાની ઉંમરલાયક પુત્રી માટે વર પોતાના શિષ્યોમાંથી જ પસંદ કરવાની ઇચ્છા રાખે છે. એમણે શિષ્યો સમક્ષ એ પ્રસ્તાવ મૂક્યો: ‘હે પ્રિય શિષ્યો! મારી પરણાવવા લાયક પુત્રી માટે વરની પસંદગી તમારામાંથી જ કરવાનું મેં વિચાર્યું છે પણ શરત એ છે કે જે જે છાત્ર ચોરી છૂપીથી ઘરેણાં લાવશે, તેને જ હું મારી પુત્રી પરણાવીશ.’ સૌએ શરતનો સ્વીકાર કર્યો અને ગુરુએ કહેલી રીતે તેઓ ઘરેણાં લાવવા લાગ્યા. ગુરુ સૌના ઘરેણાં અલગ અલગ મૂકવા લાગ્યા. બધા જ છાત્રો આ પરણવાની હરિફાઈમાં હતા. પણ પેલો ખાનદાન કુળનો બ્રાહ્મણકુમાર (બોધિસત્ત્વ) એમાં ભળ્યો જ નહિ.

આચાર્યે એ ખાનદાન બ્રાહ્મણપુત્રને બોલાવીને પૂછ્યું કે ‘તું કેમ કશું ન લાવ્યો?’ ત્યારે તેણે કહ્યું: ‘બધા પેઠે હું પણ વસ્ત્રાલંકાર લાવી શકત. મારે કોઈ ખોટ નથી. પણ પેલી ચોરીછૂપીની શરત મને ભારે પડી! મને એવી કોઈ છાની જગ્યા ન મળી કે જ્યાં હું ચોરીનું પાપ આચરી શકું. જ્યાં કોઈ ન હોય, ત્યાં હું પોતે તો હાજર હોઉં જ ને?’ ગુરુજીની આ પ્રામાણિક શિષ્ય પરની પ્રસન્નતાનો પાર ન રહ્યો! પીઠ થાબડી બોલ્યા – ‘બેટા, ભણવાના વિષયોની નહિ સદાચારની પરીક્ષા લેવાની મારી ઇચ્છા હતી. તેમાં તું પહેલે નંબરે પાસ થઈને મારી પુત્રીને પરણવાનો અધિકારી બન્યો છે. અને પંડિતજીએ એ સાચા બ્રાહ્મણકુમારને પોતાની પુત્રી પરણાવી. સૌ સૌનાં ઘરેણાંગાઠાં સૌ સૌને પાછાં આપી દીધાં.

પહેલી કથાની પેઠે આ કથાના બિંદુમાં પણ સિંધુ જેટલી બોધકતા ભરી છે. ગુરુજીના શિષ્યોમાં બ્રાહ્મણો તો ઘણા હશે પણ આ બ્રાહ્મણકુમારને અહીં સાચો બ્રાહ્મણ કહ્યો છે. આ સાચું બ્રાહ્મણત્વ કોઈ વંશીય વાત નથી, પણ બધા સાત્ત્વિક ગુણો ધરાવે તે જ બ્રાહ્મણ છે. એવું ગંભીર અને મોટું સૂચન વાર્તામાં વપરાયેલો ‘સાચો’ જેવો નાનકડો શબ્દ કરી જાય છે.

ગુરુના પ્રશ્નના જવાબમાં બ્રાહ્મણપુત્રે જે ઉત્તર આપ્યો તેમાં નિર્દોષતા, નિખાલતા, નિર્દંશતા અને પારદર્શિતાના ગુણો પરખાય છે અને શિશુસહજ ગુણોય છે અને સાચા બ્રાહ્મણનાં લક્ષણો પણ છે.

ગુરુએ કરેલી કસોટી એ સાચા શિક્ષણની ગુરુની વિભાવના રજૂ કરે છે. વિષયોનું શિક્ષણ સાચું શિક્ષણ નથી, પણ મૂલ્યોનું શિક્ષણ, માણસાઈનું શિક્ષણ જ સાચું શિક્ષણ છે એમ આ કસોટી કહી જાય છે.

‘સમાજમાં સામાન્યજનોની આહાર-નિદ્રા-ભય-મૈથુનમાં રચ્યાપચ્યા લોકોની સંખ્યા જ વધારે હોય છે. અને મૂલ્યનિષ્ઠ માનવી તો કોઈ વિરલો જ હોય છે’- એવી કઠોર અને કડવી વાસ્તવિકતા, બધા વિદ્યાર્થીઓના ગુરુપુત્રી પરણવાના અભરખામાં આચરેલા ચોરીના પાપમાં પ્રગટ થઈ જાય છે. કાંચન-કામિનીનો ત્યાગ ખરેખર જ કપરો છે’ – એ બોધ અહીં મળે છે.

કાલિદાસે ધીર પુરુષનું લક્ષણ બતાવતાં કહ્યું છે કે ‘વિકારહેતૌ સતિ વિક્રિયન્તે યેષાં ન ચેતાંસિ ત એવ ધીરા:’ – અર્થાત્‌ વિકારની બધી સામગ્રી સુલભ – સામે- હોવા છતાં પણ જે લોકોના મનમાં વિકારની વૃત્તિ જ ન જન્મે એનું નામ ધીર પુરુષ છે’ આ વાત એ બ્રાહ્મણકુમારને બરાબર લાગુ પડે છે. એના પોતાના જ કહેવા પ્રમાણે એ ધારત તો બીજા બધા વિદ્યાર્થીઓ કરતાં ઘણું વધારે ધન ચોરી લાવી શક્યો હોત છતાં એ ન લાવ્યો એ એની ધીરતા કે એની ઉદાત્તતા છે અને એની વિરલતા પણ છે.

અને ગુરુની શરત ન પાળવાનું બ્રાહ્મણપુત્રે બતાવેલું કારણ પણ કેટલું આકર્ષક લાગે છે!

કથા શીર્ષક દાદ એટલા માટે માગી લે તેવું છે કે આ બ્રાહ્મણપુત્રમાં તો ઘણા ઘણા ઉપર્યુક્ત ગુણો હતા છતાં એ બધા ગુણોનો ઉલ્લેખ કર્યા વગર કેવળ એની પ્રામાણિકતાના ગુણને જ શીર્ષકને જ મહત્ત્વ આપ્યું છે એનો અર્થ એ છે કે આજે આપણે સર્વ પ્રથમ એ પ્રામાણિકતાનો ગુણ કેળવવાની જ તાતી જરૂર છે. શીર્ષકમાંથી એ રીતે ધડો લેવા જેવું છે.

હવે આપણે ત્રીજી કથા ઉપર આવીએ એનું શીર્ષક ‘બે બાળકો’ છે. એમાં બે બાળકોની કથા તો છે પણ એ બંને માનવબાળ નથી. એક પક્ષીબાળ અને એક માનવબાળ છે. એ બંને વચ્ચેની સંવાદિતા જ વૈશ્વિક પ્રેમતત્ત્વનો મહિમા સૂચવી જાય છે. ખેર, એક બાળક ગીધનું બચ્ચું છે એ ગીધના બચ્ચા રૂપે બોધિસત્ત્વનો એ વખતે જન્મ થયો હતો. એટલે પ્રેમની અને સંવેદનાની લોકોત્તરતા એમની નસોમાં વહેતી જ હોય! પણ આપણને તો એ પ્રાણીપ્રેમ શીખવી જાય છે એ તો નક્કી! માણસ જો પક્ષીનું માનવીકરણ કરીને એને નિહાળે તો! પણ એ રીતે પંખીને નિહાળવાનું કામ નિર્દોષ-નિર્દંશ બાળક સિવાય – પ્રભુના એ પયગંબર સિવાય કોણ કરી શકે? એટલે જ અહીં ગીધના ગુણિયલ બચ્ચા સાથે માનવના બાળનો સંવાદ સધાયો છે. પોતાના ઘરડાં માબાપની સેવાસુશ્રૂષા કરતો એ ગીધબાળ માનવકૃત જાળમાં ફસાય છે. ભલે એ પક્ષી રહ્યો – ગીધબાળ રહ્યો પણ એની મૂલ્યનિષ્ઠા તો જુઓ! એ કહે છે: ‘માવતર, હવે હું મોટો થયો, તમારી આંખો ગઈ! દીકરો વૃદ્ધ માબાપની લાકડી કહેવાય!’ કેવી ફરજનિષ્ઠા! કેવો સદાચારનો આદર્શ!

તો પણ એકવાર એ પારધિની જાળમાં સપડાયું. એણે છૂટવાની કરેલ ભારે મથામણ પણ કામ ન લાગી. નિરાશા અને ચિંતામાં એ ડૂબ્યો પણ એ પક્ષી બાળ કંઈ પોતાની ચિંતા કરતો નથી, પણ અંધ અને વૃદ્ધ માતાપિતાની, એમના ખાવાપીવાની, એમના પુત્રવિરહની વ્યથાની ચિંતા કરે છે. પરદુ:ખે દુ:ખી થાય છે. એને પોતાનું દુ:ખ તો હતું જ! જાણે પિતૃ-માતૃ-વત્સલ શ્રવણ ગીધબાળ થઈને જન્મ્યો ન હોય! માબાપને સંભારીને એણે આદ્રેલો વિલાપ દાદ માગે તેવો છે. એ ગીધશિશુના મર્માન્તક વિલાપો ત્યાં રખોપું કરતા પારધીના નાનકડા પુત્રે સાંભળ્યા. દીકરો ભલે પારધિનો હતો પણ એનું દિલ દયાળુ હતું. ગીધશિશુનું રુદન સાંભળી એનું હૃદય દ્રવી ગયું. પારધિપુત્રે પરાઈ પીડાને પોતાની ગણી લીધી! ભલે બધાં પક્ષીઓ માનવભાષામાં ન બોલી શકતાં હોય પણ માનવીય સંવેદનાઓ તો બધાં પ્રાણીઓમાં છે ને! માનવબાળે ગીધબાળ સાથે સમસંવેદન સાધ્યું, માબાપની વહાલપ એને વ્યાપક દેખાઈ! પોતે અને ગીધશિશુ બંને એને સમાનશીલ લાગ્યા! અને નિખાલસ-નિર્મળને સૌ સમાન જ લાગે. ગીધબાળને દુ:ખે માનવબાળ દુ:ખી થઈ ગયો. છેવટે એણે ગીધશિશુને મુક્ત કરી દીધું. પણ માનવબાળમાં હૃદયની સાથે બુદ્ધિ પણ થોડી હતી એટલે એણે એને પૂછ્યું કે ‘ભાઈ, દૂર નજરની બક્ષીસ પામેલ અને દૂર દૂરથી માંસની ગંધ પારખનાર તું આ જાળમાં કેમ ફસાઈ ગયો?’ ગીધબાળે જવાબ આપ્યો કે ‘વિનાશકાળે વિપરીત બુદ્ધિ.’

માનવબાળનો પ્રશ્ન વેધક છે. આમ તો એણે ગીધની ભૌતિક ગંધપારખુ અને ભૌતિક દૂરદર્શનની શક્તિ વિશે પૂછ્યું છે પણ એ માનવની ભીતરની શક્તિઓનું સૂચન કરીને એને પડકારે છે કે માણસ ગમે તેટલો વિચારક હોય, ગમે તેટલી દૂરની આંતરિક સૂઝવાળો હોય, વાતની ગંધ ઉપરથી આખી વાતને પામી જવાની ક્ષમતાવાળો હોય અને છતાં પણ એક એવી ઘડી એને માટે આવે છે કે હાથે કરીને પોતાનો નાશ નોતરે છે! એવું કેમ થતું હશે! પ્રારબ્ધ? નસીબ? દૈન? હજુ સુધી માનવજાત માટે એ કોયડો અણ ઉકેલ જ રહ્યો છે! ગીતા કહે છે કે ‘દૈવં ચ પંચમમ્‌’.

આપણે જોયું કે આગલી બે કથાઓની પેઠે આ કથાકણમાં પણ મણમણના બોધ સભરભર્યા છે. ગીધબાળ અને માનવબાળના માધ્યમથી મોટા મોટા માનવીઓને પણ માર્ગદર્શન આપવાનું સામર્થ્ય આ કથા ધરાવે છે. માબાપની સેવાચાકરીનું માનવીય મૂલ્ય, આજનાં સંતાનોને – પોતાનાં માતાપિતાને ઘરડાંઘરમાં વસાવતાં સંતાનોને ધડો લેવા જેવું છે.

બીજી વાત માણસ જો નજર માંડીને નીરખે તો પંખી જેવા પ્રાણીઓ પાસેથી પણ પ્રેરણા લઈ શકે છે. આ પ્રસંગે દત્તાત્રેયે કરેલા ચોવીસ ગુરુઓનું સ્મરણ થઈ આવે છે. ઝીલતાં આવડે તો ગમે ત્યાંથી અમૃત મળી શકે છે, નજરની જરૂર છે.

પારકે દુ:ખે દુ:ખી થનારા પરાઈ પીડ જાણનારા સંવેદનશીલ જનોનો આદર્શ અને એની દુર્લભતાનું સૂચન આ બંને બાળકો કરી જાય છે, પણ એ બાળકો છે, નિર્દોષ છે, નિર્મળ છે, નિર્દંશ છે, નિખાલસ છે. આપણે બાળકો ક્યારે બનીશું? વળી એક વધુ શીખ આ કથા આપી જાય છે. તે છે – ‘આત્મન: પ્રતિકૂલાનિ પરેષાં ન સમાચરેત્‌’ – પોતાને વણગમતું બીજાને માટે ન કરવું. એટલે જ માનવબાળે ગીધબાળને મુક્ત કરી દીધું.

આ રીતે આ ત્રણેય બુદ્ધકથાઓ થોડામાં ઘણું કહી જાય છે. આ વાર્તાઓનું એકેક વાક્ય સારગર્ભ છે.

આવી તો લગભગ ૨૫૦ જેટલી બુદ્ધકથાઓ ‘જાતક કથાઓ’ નામના ગ્રંથમાં સંગ્રહવામાં આવી છે અને દરેકમાં આવા બોધો સભર ભર્યા જ છે. અહીં તો કેવળ નમૂનાનાં ત્રણ રત્નો જ આપીને એનો મહિમા બતાવવાનો પ્રયાસ થયો છે. આપણે આ કથાઓ વાંચી પ્રાર્થના કરીએ કે ‘પૃથ્વી ઉછંગે ઉછરેલ માનવી, હું માનવી માનવી થાઉં તો ઘણું!’

જાતકકથાઓની કથા

મોતના લાડુ

અતિ પ્રાચીનકાળમાં વારાણસીમાં બ્રહ્મદત્ત રાજા રાજ્ય કરતો હતો. બોધિસત્ત્વ એક ગામમાં એક ખેડૂતને ઘેર બળદરૂપે જન્મ્યા હતા. સફેદ દૂધ જેવો એમનો રંગ હોવાથી એ ‘ધોળિયા’ નામે ઓળખાતા હતા. એમનો એક નાનો ભાઈ પણ હતો. રંગે શ્યામ હોવાથી એનું નામ પડ્યું હતું ‘કાળિયો’. આ કાળિયા ધોળિયાની જોડને લીધે જ એ ખેડૂતના કુટુંબની આબાદી હતી.

એ કુટુંબમાં એક છોકરી પણ હતી. એક નગરવાસીએ એ છોકરીને પોતાના પુત્ર માટે પસંદ કરી. છોકરીનાં માબાપ એક સૂવરને સારું સારું ખવડાવી પિવડાવી પાળવા લાગ્યાં. એ ઈરાદાથી કે આ દીકરીના લગ્ન પ્રસંગે આવેલા જાનૈયાઓના ભોજન માટે એ ખપ લાગશે.

સૂવરની આવી સુખસગવડ અધીરિયા કાળિયાથી વધુ સમય સહન ન થઈ. એણે પોતાના ભાઈ ધોળિયાને કહ્યું: ‘આ કુટુંબની આબાદી આપણે લીધે છે. આપણે જ આ કુટુંબમાં સમૃદ્ધિ ખેંચી લાવ્યા છીએ. પરંતુ ઘરવાળાએ આપણને ઘાસપૂળો ખાવા આપે છે, જ્યારે સૂવરને તો સારું સારું ખવડાવે! સૂવરને આમ બેઠાં બેઠાં સરસ ખાવાનું શા માટે મળે છે?’

ધોળિયો થોડો સમજુ હતો. જવાબમાં એણે કહ્યું: ‘ભાઈ કાળિયા, તું એના ભોજનની અદેખાઈ ન કર. નાહક નિસાસા નાખ્યા વગર તું તારે ઘાસપૂળો ખા. સૂવર તો એના મોતના લાડુ ખાઈ રહ્યું છે, એટલી ખબર નથી પડતી? દીકરીના લગ્ન વખતે આવનાર જાનૈયા માટે એના માંસનું ભોજન રાંધવાનું છે. એટલા માટે ઘરવાળાં એની આટલી સંભાળ રાખે છે. અને થોડા જ દિવસોમાં જાન આવવાની છે. ત્યારે તું જોઈશ કે આ લોકો સૂવરને પગથી ઘસડીને એના રહેઠાણની બહાર કાઢશે. પછી એને મારી નાખીને જાનૈયાઓ માટે એના માંસનો સેરવો બનાવવામાં આવશે.’

થોડા દિવસો બાદ જાન આવી પહોંચી. સૂવરને હલાલ કરીને ભાતભાતના માંસના સેરવાઓ બનાવવામાં આવ્યા. એ વખતે ધોળિયાએ કાળિયાને ધીરે રહીને કહ્યું: ‘કાળિયા, તેં સૂવરના હાલહવાલ જોયા ને?’

કાનની બૂટ પકડતાં કાળિયાએ કહ્યું: ‘ખરું ભાઈ, સૂવરના હાલહવાલ જોઈ લીધા! એને સારું સારું ખાવાનું કેમ આપવામાં આવતું’તું, તે પણ સમજમાં આવી ગયું. એને મળેલા ભોજનનું ફળ જોઈ લીધું. એના ભોજન કરતાં તો આપણો ઘાસપૂળો લાખ દરજ્જે સારો! એ આપણા લાંબા આયુષ્યની નિશાની રૂપ છે.’

પ્રમાણિક વિદ્યાર્થી

પ્રાચીન કાળમાં કાશીમાં રાજા બ્રહ્મદત્ત રાજ્ય કરે. એ સમયે બોધિસત્ત્વે એક ઉચ્ચ બ્રાહ્મણ કુટુંબમાં જન્મ લીધો હતો. મોટો થઈને આ બ્રાહ્મણકુમાર કાશીના એક મોટા પંડિતને ત્યાં ભણવા ગયો. એ પંડિતની પાઠશાળામાં બીજા પાંચસો વિદ્યાર્થીઓ ભણતા હતા.

પંડિતજીને એક ઉંમરલાયક દીકરી હતી. એમણે વિચાર્યું: ‘દીકરી પરણાવવા લાયક થઈ છે. એને બીજા કોઈને દઉં એ કરતાં મારા શિષ્યોમાંથી કોઈ પાત્રને આપું એ શું ખોટું?’

શિષ્યોને બોલાવીને એમણે કહ્યું: ‘મારા વહાલા વિદ્યાર્થીઓ, મારી દીકરી પરણાવવા લાયક થઈ છે એ તો તમે સૌ જાણો છો. મારો વિચાર તમારામાંથી જ કોઈ પાત્ર વિદ્યાર્થી સાથે એને પરણાવવાનો છે. પણ હા, જુઓ એક વાત છે. જે પોતાનાં કુટુંબીજનોથી છાની રીતે આ કન્યા માટે વસ્ત્રો ને ઘરેણાં લાવશે તેની સાથે મારી દીકરી પરણશે. વળી કન્યા માટે જે વસ્ત્રો-ઘરેણાં તમે લાવો તે કોઈની પણ નજરે ન પડેલાં હોવાં જોઈએ.’

બધા વિદ્યાર્થીઓએ આચાર્યની આ શરતનો એકી અવાજે સ્વીકાર કર્યો. તેઓ વારાફરતી પોતાના કુટુંબીઓથી છાનાં, ચોરી-છૂપીથી વસ્ત્રઘરેણાં લાવવા માંડ્યા. બધા વિદ્યાર્થીઓની આવી રીતે લાવેલી ચીજવસ્તુઓ આચાર્ય અલગ અલગ મૂકવા લાગ્યા. લગભગ બધા વિદ્યાર્થીઓ આવી રીતે ચોરીછૂપીથી કન્યા માટે વસ્ત્રાલંકાર લાવ્યા; માત્ર બાકી રહ્યો પેલો ખાનદાન કુળનો બ્રાહ્મણકુમાર.

આચાર્યે એને બોલાવીને પૂછ્યું: ‘કેમ ભાઈ, તું કશું લાવ્યો નથી?’

બ્રાહ્મણકુમારે શાંત સ્વરે જવાબ આપ્યો: ‘ગુરુજી, બધાની માફક વસ્ત્રાલંકાર હું પણ લાવત. મારા ઘરમાં એ પૂરતા પ્રમાણમાં છે પણ ખરાં! પરંતુ આપની પેલી શરત મને નડી. તે એ કે જે લાવો તે કોઈની નજરે પડેલું ન હોવું જોઈએ. ગુરુજી, એવી કોઈ છાની જગ્યા મને ન જડી, જ્યાં હું ચોરી કે પાપ કરી શકું. કોઈ ના હોય એવી જગાએ મારી પોતાની તો હાજરી હોય જ ને ગુરુજી!’

પંડિતજી પોતાના આ પ્રમાણિક વિદ્યાર્થી પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા. તેઓ એની પીઠ થાબડતા બોલ્યા: ‘બેટા, પ્રભુ કૃપાએ મારા ઘરમાં પણ વસ્ત્ર અને અલંકારની કમી નથી. આ તો વિદ્યાર્થીઓના સદાચારની પરીક્ષા લેવાની મારી ઇચ્છા હતી. એ પરીક્ષામાં માત્ર તું જ પાસ થયો છે. મારી દીકરી માટે યોગ્ય વર તું જ છે.’

આચાર્યે સારો એવો કરિયાવર આપી એ સાચા બ્રાહ્મણકુમારને પોતાની કન્યાનું દાન દીધું. બીજા વિદ્યાર્થીઓને સૌ સૌના વસ્ત્રાલંકાર પાછા આપી દીધા.

બે બાળકો

પ્રાચીન કાળમાં રાજા બ્રહ્મદત્ત રાજ્ય કરે. એ સમયે બોધિસત્ત્વ એક ગીધના બચ્ચા તરીકે અવતર્યા હતા.

ગીધનું બચ્ચું જોતજોતામાં મોટું થયું. મોટું થતાં એણે કાળે કરીને ઘરડાં ને આંધળાં બનેલાં પોતાનાં માતા-પિતાની સેવાચાકરી ઉપાડી લીધી. અંધ માતા-પિતા ખોરાક માટે માળામાંથી બહાર નીકળે ત્યારે એમનો આ ગુણિયલ દીકરો કહેતો: ‘માવતર, હવે તો હું મોટો થયો છું. વધુમાં તમારી આંખો પણ હવે ગઈ છે. દીકરો તો માબાપની ઘડપણની લાકડી કહેવાય અને હું તમારી લાકડી બનીને જ રહેવા માગું છું. એ મારી ફરજ પણ છે. તમે તમારે માળામાં બેસી રહો. હું ચારો ચરવા જઈશ, ત્યારે તમારા માટે પણ ખાવાનું લેતો આવીશ.’

એ વેળાથી માતાપિતા પોતાના માળામાં રહેવા લાગ્યાં. તેઓ પોતાના આવા સદ્‌ગુણી દીકરાને અંતરના આશીર્વાદ આપવા લાગ્યાં. રોજ ગીધનું બચ્ચું પોતાનો ચારો ચરવા વારાણસીના સ્મશાનમાં જાય, ત્યારે પોતાનાં ઘરડાં માબાપ માટે માંસ વગરે ખાવાનું લેતું આવે.

આ ગીધના બચ્ચાનો એક દિવસ ખરાબ ઊગ્યો. એક પારધીએ આખાયે સ્મશાનમાં ગીધોને પકડવા માટે મજબૂત જાળ બિછાવી દીધી હતી. એ જ ઘડીએ શિકારની શોધમાં ગીધનું બચ્ચું ત્યાં જઈ પહોંચ્યું. તરત જ જાળમાં એના પગ ફસાઈ ગયા. ઘણી મથામણ કરવા છતાં એ જાળમાંથી ન છૂટી શક્યું એટલે એ બહુ નિરાશ થઈને ચિંતા કરવા લાગ્યું. એને પોતાની જાતની ચિંતા થતી નહોતી. પરંતુ પોતાનાં ઘરડાં ને અંધ માબાપ પોતાના વગર હવે શું ખાશેપીશે તેની ચિંતા એને વધુ થતી હતી. લાચાર દશામાં પોતાના ઘરડાં માબાપને સંભારી સંભારીને એ માનવીની વાણીમાં રોવા લાગ્યું: ‘હાય! હાય! પહાડમાં માળો બાંધીને રહેનાર મારાં ઘરડાં ને આંધળાં માબાપ હવે શું કરશે? એમને કોણ ખવડાવશે, કોણ પિવડાવશે? બિચારાં એમનું હવે કોણ રણીધણી? હે ભગવાન! આ પારધીની જાળમાંથી હું છૂટું તો સારું.’

જ્યારે ગીધનું બચ્ચું આવો કારમો વિલાપ કરી રહ્યું હતું, તે વખતે પારધી એના છોકરાને રખવાળી સોંપી ઘેર ખાવા ગયો હતો. પારધીનો છોકરો પાઠશાળામાં ભણતો હતો અને એનું દિલ બહુ દયાળુ હતું. એના દિલમાં ભગવાન વસ્યા અને જાળમાં ફસાયેલા ગીધના બચ્ચાનું દયા ઉપજાવે એવું એવું સાંભળીને એણે પૂછ્યું: ‘હે ગીધના બચ્ચા! તું આવો કારમો વિલાપ શા માટે કરે છે? તારું રુદન સાંભળીને મારી આંખ પણ ભીની થઈ ગઈ. પાછું અમારા જેવી બોલીમાં બોલનાર પક્ષી આજે મેં પહેલવહેલું જોયું! બોલ, તારે શું દુ:ખ છે!’

ગીધનું બચ્ચું બોલ્યું: ‘ભાઈ, તારાં માબાપ તને જેટલાં વહાલાં છે, તેટલાં જ મારાં માબાપ મને વહાલાં છે. અધૂરામાં પૂરું મારાં માબાપ ઘરડાં ને આંધળાં છે. હું બહારથી કંઈક લઈ જઉં ત્યારે જ એ લોકો ખાવા ભેગાં થાય છે. હવે હું તો અહીં તારા બાપની જાળમાં સપડાઈ ગયું! મારાં માબાપનું હવે કોણ રણીધણી? એ વિચારે મારું હૃદય ઊભરાઈ આવ્યું છે.’ પારધીનો છોકરો ચાલાક હતો; આગળ ચાલતાં એણે પૂછ્યું: ‘ભાઈ, એક પ્રશ્ન પૂછું? ગીધપક્ષીઓને તો માંસની વાસ સો ગાઉએ પડ્યા હોય તોયે આવે છે, તો પછી સામે પડેલી જાળ એ લોકો કેમ નહિ જોઈ શકતાં હોય?’ ગીધનું બચ્ચું જ્ઞાની હતું; એ બોલ્યું: ‘ભાઈ, વિનાશકાળે વિપરીત બુદ્ધિ તે આનું નામ! જેનો વિનાશ નજીકમાં હોય છે તેને સામે પડેલું બંધન પણ દેખાતું નથી અને એ દેખતે ડોળે એમાં જઈને પડે છે! બીજું શું?’

આ જવાબથી પ્રસન્ન થતો પારધીનો દીકરો બોલ્યો: ‘હે ગીધના બચ્ચા! હું તારા પર પ્રસન્ન થયો છું. જેવાં મને મારાં માબાપ વહાલાં, તેવાં જ તને તારાં માબાપ વહાલાં. પાછાં તારાં માબાપ તો ઘરડાં ને આંધળાં છે અને તેં એમની સેવાચાકરી ઉઠાવી લીધી છે. તેં મને પણ મારાં માબાપની સેવાચાકરી કરવાની શિખામણ આપી છે. માટે ખુશ થઈ હું તને છોડી મૂકું છું.’

આટલું કહીને પારધીના છોકરાએ ગીધના બચ્ચાને હળવે રહીને છોડી મૂક્યું. ખુશ થતાં થતાં એ બે બાળકો – એક ગીધનું અને બીજું માનવીનું – છૂટાં પડ્યાં.

Total Views: 41

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.