સ્વામીજીના સંગીત શિક્ષણ વિષે અમે ઉસ્તાદ વેણીગુપ્ત (વેણી વૈરાગી કે વેણી અધિકારી)ના નામનો ઉલ્લેખ કર્યો છે. તેઓ અહમદખાનના શિષ્ય હતા અને કંઠ્ય અને વાદ્ય બંને પ્રકારના સંગીતના નિષ્ણાત હતા. વિશ્વનાથ બાબુ ઇચ્છતા હતા કે તેમના પુત્રમાં સર્વપ્રકારના ગુણોનો વિકાસ થાય. આથી તેમણે નરેન્દ્ર માટે સંગીત શીખવાની વ્યવસ્થા કરી હતી અને નરેન્દ્ર ચાર – પાંચ વર્ષ સુધી આ ઉસ્તાદ પાસે કંઠ્ય અને વાદ્ય બંને સંગીત શીખ્યા હતા. પરંતુ કંઠ્ય સંગીતમાં તેઓ વિશેષ પારંગત બન્યા. એ સાથે સાથે સંગીત શાસ્ત્ર વિષે પણ એમણે પૂરતું જ્ઞાન મેળવી લીધું હતું. કોઈ કોઈના મત પ્રમાણે તો એમણે વેણી ઉસ્તાદ પાસેથી કેટલાંક વર્ષો સંગીતનું શિક્ષણ લીધા પછી ઉસ્તાદના ગુરુ અહમદખાન પાસેથી ધ્રુપદ, ખયાલ, ઠુમરી, ટપ્પા વગેરે પણ શીખ્યા હતા.

સંગીત શાસ્ત્રના વિવિધ પ્રકારોમાં નરેન્દ્રનાથે કેવી નિપૂણતા અને વિદ્વતા પ્રાપ્ત કરી હતી, એની સ્પષ્ટ જાણકારી આ બે ઘટનાઓ દ્વારા મળી શકે છે. તેઓ બી.એ. થયા એ પહેલાંનાં બે ત્રણ વર્ષ અગાઉની વાત છે, છતાં અમે તેનો ઉલ્લેખ અહીં કરીએ છીએ. સહુથી પહેલાં જોઈએ તો શ્રીરામકૃષ્ણે દેહ છોડયો (૧૮૮૬)એ પછી થોડા મહિના બાદ આવેલી શિવરાત્રીના ઉપલક્ષ્યમાં એમણે ‘તાથૈયા, તાથૈયા નાચે ભોલા’ વગેરે ગીતોની રચના કરી, એટલું જ નહીં પણ તેનું સ્વરાંકન પણ તેમણે પોતે જ કર્યું. એ પછી ધ્રુપદનાં ઘણાં ગીતો રચીને શ્રીરામકૃષ્ણ સંઘમાં તેનો સસ્વર પ્રચાર કર્યો. આ સંદર્ભમાં એક બીજું વધારે સચોટ પ્રમાણ છે – ‘સંગીત – કલ્પતરુ’. વર્તમાનમાં પ્રકાશિત (ઓકટોબર ૧૯૬૩) ‘સંગીત સાધનાય સ્વામી વિવેકાનંદ ઓ સંગીત – કલ્પતરુ’ (સંગીત સાધનામાં સ્વામી વિવેકાનંદ અને સંગીત કલ્પતરુ) નામના બંગાળી પુસ્તકની ભૂમિકામાં સ્વામી પ્રજ્ઞાનંદે લખ્યું છે, ‘સ્વામીજી ફક્ત ગીતકાર જ નહોતા, તેઓ સંગીતના તત્ત્વના જ્ઞાતા પણ હતા. ‘સંગીત કલ્પતરુ પુસ્તકની તર્કબદ્ધ સમીક્ષા જ એમના સંગીત – જ્ઞાનની પારંગતતાને પ્રમાણિત કરે છે.’ …

નરેન્દ્રનાથના સંગીત પ્રેમ વિષે એમના બાળમિત્ર શ્રી પ્રિયનાથસિંહની સ્મૃતિકથામાંથી એક પ્રસંગ ઉદ્ધૃત કરીએ છીએ.

‘એ દિવસોમાં નરેન્દ્ર પોતાના પિતાને ઘરે ફક્ત બે વાર જમવા માટે જ આવતા હતા. અને આખો દિવસ અને રાત પાસે જ આવેલી રામતનુ બોઝની ગલીમાં આવેલાં પોતાના નાનીના ઘરે રહેતાને વાંચ્યા કરતા. તેઓ ફક્ત વાંચવા માટે જ અહીંયા રહેતા હતા, એવું નથી, પરંતુ તેઓ એકલા રહેવાનું પસંદ કરતા હતા. તેમના પોતાના ઘરે તો અનેક લોકો હતા. ખૂબ શોર-બકોર થતો અને રાત્રે ધ્યાનમાં ખૂબ જ વિક્ષેપ પડતો. નાનીના ઘરે વધારે માણસો નહોતાં. જે એકાદ-બે વ્યક્તિઓ હતી, એનાથી નરેન્દ્રને કંઈ દખલ થતી નહીં. નાનાં બાળબચ્ચાં કે જેઓનો ઘોંઘાટ વધારે હોય, એવું અહીં કોઈ જ નહોતું.

જે ઓરડામાં નરેન્દ્ર રહેતા હતા તે બહારના ભાગે ઉપલા બીજા માળે હતો. ઘરની સામે જ ઉપર ચઢવાની સીડી હતી. એમના ભાઈબંધ-મિત્રોમાંથી જેઓની ઇચ્છા થાય ત્યારે તેઓ અહીં આવી પહોંચતા. નરેન્દ્રે પોતાના આ અપૂર્વ ઓરડાનું નામ રાખ્યું હતું – ટં. કોઈને સાથે લઈ જતા હોય ત્યારે કહેતા, ચાલો ‘ટં’માં જઈએ. ઓરડો ઘણો નાનો હતો. ચાર હાથ પહોળો અને લંબાઈમાં એનાથી લગભગ બમણો. સામાનમાં એક કેનવાસ (મજબૂત જાડું કપડું)નો ખાટલો, એના ઉપર મેલો એક નાનકડો તકિયો. જમીન ઉપર એક મોટી પણ ફાટેલી સાદડી બિછાવેલી. એક ખૂણામાં એક તાનપૂરો એની બાજુમાં એક સિતાર અને એક ઢોલકી. આ ઢોલકી ક્યારેક આ સાદડી પર હોય તો કયારેક ખાટલાની નીચે પડી હોય, તો વળી કયારેક ખાટલાની ઉપર હોય. ઓરડાના એક ખૂણામાં એક સાધારણ હુક્કો, એની પાસે તમાકુની એક ડબ્બી પડી રહેતી તથા રાખ કાઢવા માટે માટીનું શકોરું રાખેલું હતું. એની પાસે જ બાકસ રાખવા માટે એક માટીનું વાસણ રાખવામાં આવ્યું હતું. અને તાક ઉપર, ખાટલા ઉપર સાદડી ઉપર – બધે ય વાંચવાના પુસ્તકો જ જોવા મળતાં હતાં. એક ભીંતે દોરડાની વળગણી બાંધેલી હતી, એના ઉપર ધોતી, કૂરતો અને એક ચાદર લટકતાં હતાં. ઓરડામાં બે તૂટેલી શીશીઓ પણ રાખેલી હતી, જે તાજેતરમાં જ તેઓ બીમાર હતા, તેની સાબિતી આપતી હતી. નરેન્દ્ર ઇચ્છે તો ઓરડામાં સ્વચ્છ તકિયો, સરસ ચાદર, અને સારી વસ્તુઓથી તથા એકાદ બે ચિત્રો રાખીને ઓરડાને સરસ રીતે સજાવી શકે. પણ એવી સજાવટ ન કરવાનું એકમાત્ર કારણ એ હતું કે આ બધી વસ્તુઓ તરફ તેનું બિલકુલ ધ્યાન જ નહોતું. એટલે ઓરડામાં બધી જગ્યાએ ભાડુઆતનો ભાવ જોવા મળતો હતો. સાચી વાત તો એ છે કે તેમનામાં નાનપણથી જ ઉપભોગની કોઈ વસ્તુ પ્રત્યે સુખની ઇચ્છા જોવા મળતી નહોતી.

‘આજે નરેન્દ્ર એકાગ્રતાપૂર્વક અભ્યાસ કરી રહ્યા છે. એ વખતે કોઈ મિત્ર આવી પહોંચ્યો. લગભગ અગિયાર વાગ્યાનો સમય હતો. ભોજન કરીને નરેન્દ્ર વાચનમાં મગ્ન હતા. મિત્રે આવીને નરેન્દ્રને કહ્યું; ‘ભાઈ, રાત્રે વાંચજે. અત્યારે તો બે ગીત ગા.’ નરેન્દ્રે તુરત જ પુસ્તક બંધ કરીને બાજુ પર મૂકી દીધું. તાનપૂરાનો તાર છૂટી ગયો છે. તારને ફરી બાંધી, સુર મેળવીને ગીત શરૂ કરતાં પહેલાં નરેન્દ્રે મિત્રને કહ્યું; ‘તું ઢોલકી લે.’ મિત્રે કહ્યું; ‘ભાઈ હું તો વગાડવાનું જાણતો નથી. શાળામાં ટેબલ પર હથેળી પછાડીને તાલ આપું છું. શું એથી કંઈ તમારી સાથે તબલા – ઢોલકી વગાડી શકું? નરેન્દ્રે તુરત જ પોતે થોડું વગાડયું અને કહ્યું; ‘બરાબર જોઈ લે. જરૂર વગાડી શકીશ. કેમ નહીં વગાડી શકે? કંઈ અઘરું કામ નથી. આમ કરીને ફક્ત થાપી આપતો જા, બસ એટલે થઈ જશે.’ એ સાથે ગીતના શબ્દો પણ કહી દીધા. એકાદ-બે વાર પ્રયત્ન કરીને કોઈ રીતે મિત્રનું તાલ આપવાનું શરૂ થઈ ગયું અને ગીત ગવાવા લાગ્યું.

તાલ, લયમાં ઉન્મત્ત થઈને અને ઉન્મત્ત કરીને નરેન્દ્રનું હૃદયસ્પર્શી ગીત ગવાવા લાગ્યું. ટપ્પા-ખ્યાલ, ધ્રુપદ, બંગાળી, હિન્દી, સંસ્કૃત. નવા તાલ વખતે નરેન્દ્ર એવી જ સાહજિક રીતે બોલના ઠેકા પણ બતાવી દેતા હતા. એક જ દિવસમાં કવ્વાલી, એકતાલ, આડાઠેકા (સંગીતનો એક વિશેષ તાલ) મધ્યમાન, તે એટલે સુધી કે સુરફાંક – તાલ સુદ્ધાં એની પાસે વગાડાવ્યો. મિત્ર વચ્ચે વચ્ચે ચિલમ ભરીને નરેન્દ્રને પીવડાવે છે અને પોતે પણ પીએ છે. આ ફક્ત એટલા માટે કે તબલા વગાડવામાં થોડો વિરામ મળી જાય. જો આ વિરામ ન લેવાય તો હાથ ભાંગી જવાનો સંભવ હતો. પરંતુ નરેન્દ્રના ગાવામાં વિરામ નહોતો. જો ગીત હિન્દીમાં હોય તો નરેન્દ્ર તેનો અર્થ કહેતા અને એમાં રહેલા ભાવતરંગોની સાથે સુર લયનું અદ્‌ભુત સામંજસ્ય બતાવીને મિત્રને મુગ્ધ કરી દેતા હતા. દિવસ કેમ પસાર થઈ ગયો તેની ખબર જ ન પડી. સાંજ ઢળી ગઈ. ઘરનો નોકર એક દીવો મૂકી ગયો. છેક રાતના દસ વાગે બંને મિત્રોને ધીરે ધીરે ભાન આવ્યું. પછી એ દિવસોના નિયમ પ્રમાણે નરેન્દ્ર ભોજન લેવા માટે પોતાના પિતાના ઘરે ગયા. તેમના મિત્રે એના ઘર તરફ પ્રયાણ કર્યું. આ રીતે અભ્યાસ કરતી વખતે નરેન્દ્રને કેટલી મુશ્કેલીઓ પડતી એ કહી શકાતું નથી. એ વખતે નરેન્દ્રની સાથે જે કોઈની આત્મીયતા થઈ, તેઓએ આવા બનાવો પોતાની નજરે જોયા છે. પરંતુ ગમે તેટલી મુશ્કેલી કેમ ન હોય, નરેન્દ્ર અચલ રહેતા.’ (ઉદ્‌બોધન, ફાલ્ગુન ૧૩૧૭)

કોલેજના સહાધ્યાયીઓને એમના કંઠે ગીતો સાંભળવા ખૂબ ગમતાં. અને તેઓ બધા ‘ઈન્કોર પ્લીઝ’ – ગીત ચાલુ રાખો, ચાલુ રાખો, કહીને એમનો ઉત્સાહ વધારતા અને એમની પ્રશંસા કરતા. તેઓ પણ ભાવવિભોર બનીને, સમયને ભૂલીને ગાતા રહેતા. એક દિવસ એક અંગ્રેજ અધ્યાપકને આવવામાં ઘણો વિલંબ થતા વિદ્યાર્થીઓએ તેમને ઘેરી લીધા કે નરેન્દ્રે ગાવું પડશે. નરેન્દ્રે ગાવાનું શરૂ કર્યું. એ દરમિયાન અધ્યાપક દરવાજા સુધી આવી પહોચ્યા ને ગીત સાંભળતાં જ ત્યાં થંભી ગયા. ગીત પૂરું થયું પછી જ હસતાં હસતાં વર્ગમાં પ્રવેશ્યા અને ગાયકની ખૂબ જ પ્રશંસા કરવા લાગ્યા. પરંતુ વિદ્યાર્થીઓમાંથી કોઈએ પણ ગાયકનું નામ અધ્યાપકને કહ્યું નહીં.

કોઈ કોઈ દિવસ એવું પણ થતું કે સ્નાન કરીને ક્યાંય જવાના હોય, એટલે શરીરે તેલ લગાવી રહ્યા હોય અને જો ત્યારે ગાન શરૂ થયું તો તેઓ ગાવામાં એટલા તલ્લીન થઈ જાય કે સ્નાન ભોજન અને બહાર જવાની વાત ભૂલી જાય અને ફક્ત ગાવાનું જ ચાલતું રહે.

મિત્રમંડળીમાં જો નરેન્દ્ર હાજર ન હોય તો બધું બેસ્વાદ બની જતું. એવો પ્રશ્ન થવા લાગતો કે નરેન્દ્ર ક્યાં છે? નરેન્દ્ર ક્યાં છે? તેઓ જ્યાં જ્યાં જતા ત્યાં આનંદનાં મોજાંઓની ભરતી આવી જતી. પોતાના સમગ્ર કોલેજ જીવનમાં એઓ પોતાના સહાધ્યાયીઓના પ્રેમાળ મિત્ર હતા.

સ્વામીજીની વિનોદપ્રિયતા

આપણે સ્વામીજીને ધર્માચાર્ય, વક્તા, લેખક અને તત્ત્વચિંતક વગેરે રૂપોમાં જોયા. પરંતુ એમાં એક સામાન્ય માનવસહજ રૂપ પણ રહેલું હતું, એ વાત આપણે મોટેભાગે ભૂલી જઈએ છીએ. તેઓ એક ક્ષમાવાન્‌ ગુરુ હતા, સ્નેહાળ ભાઈ હતા, પ્રેમાળ મિત્ર હતા અને એમનું વ્યક્તિત્વ હતું આનંદથી પરિપૂર્ણ, એક બાળક જેવું સરળ. જ્યારે તેઓ ધાર્મિક કાર્યોમાં રત હોય તો તેનાં દ્વારા તેઓ બીજાંઓનાં કલ્યાણ માટે પોતાની આધ્યાત્મિક શક્તિને પૂરેપૂરી ખર્ચી નાખતા. હૃદયનું રક્ત આપીને પોતાનું વ્રત પૂર્ણ કરતા. તેના પરિણામે જ્યારે તેઓ થાકી જતા ત્યારે પોતાના મનને આરામ આપવા સામાન્ય મનુષ્યની જેમ જ ગમ્મત અને હાસ્ય-વિનોદ કરતા; એ વખતે તેઓ આડી-અવળી વાતો અને અસંબદ્ધ કાર્યોમાં જ રસ લેતા હતા. ત્યારે તેઓ હાસ્યરસનું કોઈ ‘પંચ’ કે અન્ય સામયિક કે એવા કોઈ લેખ લઈને વાંચવા બેસી જતા અને એટલું હસતા કે તેમની આંખોમાંથી પાણી નીકળવા લાગતાં. તેઓ જાણતા હતા કે એમના મનની સ્વાભાવિક ગતિ તો ગહન દર્શન અને ધર્મશાસ્ત્ર પ્રત્યેની છે. પરંતુ દેહધર્મને સ્વીકારીને વચ્ચે વચ્ચે તેઓ સહજ, નિર્મલ આનંદની શોધ કરતા રહેતા. જે લોકો એમને ઓળખતા હતા અને એમને પ્રેમ કરતા હતા, તેઓ પણ એમને બાળસહજ પ્રવૃત્તિમાં મગ્ન જોઈને આનંદ પામતા હતા. અમેરિકાના ભક્તોની સાથે એમની આ માનવીય લીલા જ અહીં આલેખનનો વિષય છે.

સરસ મજાની વાર્તા સાંભળીને તેઓ આનંદથી પ્રફુલ્લિત થઈ જતા. આવી વાર્તાઓને તેઓ ક્યારેય ભૂલતા નહીં. યોગ્ય સમયે તેઓ એને રજૂ કરીને લોકોને હસાવ્યા કરતા. કેમ્બ્રિજની શ્રીમતી બ્રીડ (જેમના પતિ ચામડાના ધંધામાં ખૂબ કમાયા હતા. ઈ.સ. ૧૮૯૪ના માર્ચમાં લીન શહેરમાં એમના ઘરે સ્વામીજી રહ્યા હતા અને ત્યાં વ્યાખ્યાનો પણ આપ્યાં હતાં… તેઓ કેમ્બ્રિજમાં પણ રહેતાં હતાં. શ્રીમતી બ્રીડે જ સ્વામીજીને પહેલીવાર બરફ ઉપર ચાલતી સ્લેજ ગાડીમાં બેસાડયા હતા) ઈ.સ. ૧૮૯૪નાં ઓગસ્ટમાં એનિસ્કવામમાં શ્રીમતી બાગલેને ત્યાં મહેમાન તરીકે રહેતાં હતાં. તે વખતે સ્વામીજી પણ ત્યાં હતા. તેથી બંને વચ્ચે આત્મીય સંબંધ સ્થપાયો હતો. પાછળથી શ્રીમતી બ્રીડે ભગિની નિવેદિતાને પત્રમાં લખ્યું હતું :

‘અમારી વચ્ચે ઝડપથી મિત્રતા સ્થપાઈ ગઈ. એનિસ્કવામમાં તેઓએ ફક્ત એક જ વ્યાખ્યાન આપ્યું છે.. એ દિવસોમાં તેઓ આરામ કરવા માટે આવ્યા હતા… એક દિવસ તેમણે મારા સામે જોઈને કહ્યું, ‘એક વાર્તા સંભળાવોને! મને યાદ આવે છે કે તેમને એક ચીનાની વાર્તા સાંભળીને ખૂબ જ આનંદ થયો હતો. તે ચીનો સૂવરનું માંસ ચોરતાં પકડાઈ ગયો હતો. ન્યાયાધીશે તેને કહ્યું કે તેઓ તો એવું માનતા હતા કે ચીની લોકો સૂવરનું માંસ ખાતા નથી. ત્યારે એ ચીનાએ પોતાની તૂટી-ફૂટી અંગ્રેજી ભાષામાં કહ્યું; ‘ઓહ, હવે તો હું મેલિકન (અમેરિકન) છું, મહાશય, હું બ્લાન્ડી ખાઉં છું, સૂવરનું માંસ ખાઉં છું, બધું જ ખાઉં છું (Me Meliken Sir, me eat blandy; me eat pork; me eat everything) મેં કેટલીયે વાર ગુપસુપ કરતા સાંભળ્યા છે. ‘હું મેલિકન છું.’ બીજા લોકો તો સ્વામીજીની સાથે એટલા ઘનિષ્ટ નથી એટલે એમને આ વાતો તુચ્છ જણાશે, પરંતુ હું ચોક્કસ રીતે જાણું છું કે એમના વિષેની એવી એક પણ વાત નથી કે તમારા માટે તુચ્છ કે કહેવા જેવી ન હોય.

‘હું કેનેડામાં રેડ ઈંડિયનો માટેના સંરક્ષિત સ્થળે ત્રણ વર્ષ રહી હતી. આ રેડ ઈંડિયનો વિષેની વાર્તાઓ સાંભળતા સ્વામીજી કદી ધરાતા નહીં. મને યાદ છે કે એક વાર્તા સાંભળીને તેમને ભારે મઝા પડી હતી. એક માણસની પત્ની મરી જતાં તે એના માટે કફન બનાવવા માટે થોડા ખીલા માગવા માટે પાદરીના ઘરે ગયો. ખીલા માટે પાદરીના ઘરની બહાર તે રાહ જોતો હતો. દરમિયાનમાં મારે ત્યાં આવીને મારી રસોયણને પૂછ્યું કે તે શું તેની સાથે લગ્ન કરશે? એ તો સ્વાભાવિક જ હતું કે રસોપણે આ વાત સાંભળીને ભારે નારાજગી વ્યક્ત કરી. રસોયણની આ દુ:ખદ અસ્વીકૃતિ જોઈને એ માણસે કહ્યું; ‘બે દિવસ પછી જોશું.’ બીજા રવિવારે તે આવ્યો અને અમારા દરવાજાના એક થાંભલા ઉપર બેઠો. અમારા મનમાં એને જોવા માટેનું ભારે કુતૂહલ જાગ્યું. અમે ત્યાં જઈને જોયું તો તેણે પોતાની ટોપીને વાંકી કરીને પહેરી હતી અને તેમાં એક પીંછુ ખોંસ્યું હતું અને વાળમાં એટલું બધું તેલ નાંખ્યું હતું કે તેના રગેડા ગાલ ઉપર ચાલતા હતા! સંજોગવશાત્‌ (જ્યારે મેં તેમને આ વાર્તા સંભળાવી) બરાબર આ જ દિવસોમાં સ્વામીજી પોતાનું એક તૈલચિત્ર બનાવડાવવા વચ્ચે વચ્ચે એક ચિત્રકારને ત્યાં જઈને બેસતા. એક દિવસ અમે બધા પણ આ ચિત્ર કેટલું થયું છે તે જોવા માટે ચિત્રકારના સ્ટુડિયોમાં ગયાં. ઓરડામાં પ્રવેશ કરતાં જ મેં જોયું કે ચિત્રમાંના ગાલ ઉપર થોડુંક તેલ વહી રહ્યું છે. અને એ જોતાં જ સ્વામીજી બોલી ઊઠ્યા : ‘આ તો રસોયણ સાથેના વિવાહની તૈયારી ચાલી રહી છે!’ … સ્વામીજીને તો તમે જાણો છો કે તેઓ કેવા અપૂર્વ હાસ્યરસિક હતા!’

સ્વામીજીને બે વાર્તાઓ સહુથી વધારે ગમતી હતી. જેમાંની એક હતી, નરભક્ષીઓના દેશમાં ખ્ર્રિસ્તી પાદરીનું આગમન અને બીજી હતી એક અશ્વેત પાદરીનાં સૃષ્ટિવિષયક ભાષણની. તેઓ જ્યારે આ બે વાર્તાઓ કહેતા ત્યારે લોકો હસી હસીને બેવડ વળી જતાં. પહેલી વાર્તા આ પ્રકારની છે; એક વખત દૂર સુદૂર આવેલા નરભક્ષીઓના બેટમાં એક નવો પાદરી આવ્યો. તે કબીલાના સરદારને મળવા ગયો અને પૂછ્યું; ‘અચ્છા, એ તો કહો કે, મારો પૂર્વવર્તી પાદરી આપને કેવો લાગ્યો?’ જવાબ મળ્યો : ‘અરે, ભારે સ્વાદિષ્ટ હતો!’ અને અશ્વેત પાદરીની વાર્તા આ પ્રમાણે છે;  – પ્રચારક જોરશોરથી કહી રહ્યા હતા. ‘જાણો છો? ભગવાન જ્યારે આદમને બનાવી રહ્યા હતા – અને તેઓ તેને માટીના લોંદાથી બનાવી રહ્યા હતા. ભગવાને જ્યારે એને બનાવી લીધો પછી એને એક વાડને આધારે સૂકવવા મૂક્યો અને… ‘પાદરી બોલ્યે જતા હતા ત્યાં શ્રોતાઓમાંથી એક બુદ્ધિશાળી માણસે બૂમ પાડી, ‘પાદરીજી જરા થોભો તો! આપે હમણાં જે એક વાડની વાત કરી (સૃષ્ટિની પહેલાં) તે ભલા ક્યાંથી આવી? કોણે તે બનાવી? પાદરીએ તેજ અવાજે જવાબ આપ્યો, ‘અરે સૈમ, જેન્સ, સાંભળો, સાંભળો! આવા ઊંધા ચત્તા પ્રશ્નો ન કરો, નહીંતર સમગ્ર ધર્મતત્ત્વ બરબાદ થઈ જશે.’

સામાન્ય લોકોની માન્યતા ભલે ગમે તે હોય, પણ સાચું તો એ છે કે મહાપુરુષો હંમેશા ગંભીર હોતા નથી. બુદ્ધિપ્રતિભા અને આધ્યાત્મિક અનુભૂતિઓ દ્વારા સ્વામીજીની શક્તિ પ્રગટ થતી હતી, એજ તેમના હાસ્ય-વિનોદ દ્વારા મનને હળવું કરવા માટે પણ પ્રગટ થતી હતી. એક ગુરુની આધ્યાત્મિક સિદ્ધિઓ જાણવા માટે આપણા મનમાં જેવી ઉત્સુકતા જાગે છે, એવી જ રીતે એમની વ્યક્તિગત રીત-ભાત, અભિરુચિ દૈનિક જીવનનો વ્યવહાર અને માનવીય પાસાંને જાણવા માટે પણ ઉત્સુકતા થાય છે. જે લોકો મહાપુરુષોના નિકટ સંપર્કમાં આવે છે, તેઓ તેમના માનવસુલભ છતાં ય અતિમાનવીય ગુણોને લઈને એમને પ્રેમ કરે છે. સ્વામી વિવેકાનંદના શિષ્યો તથા ભક્તોને માટે પણ આ જ વાત લાગુ પડે છે. તેઓ હંમેશા તેમના મનને આનંદમાં રાખવાનો પ્રયત્ન કરતા રહેતા અને જોતાં કે તેને પરિણામે તેમની ધર્મવાણી વધુ ને વધુ પ્રકાશિત બનતી જતી હતી. પશ્ચિમના એમના ઘનિષ્ટ મિત્રોમાં જેઓ સંપન્ન હતા તેઓ સ્વામીજીની આરામ અને મનની હળવાશની જરૂરિયાત જાણીને થોડા સમય માટે રજા ગાળવા પોતાના ઘરે લઈ જતા હતા. ત્યાં તેમને હરવા-ફરવાની પૂરી સ્વતંત્રતા રહેતી. તેઓ જ્યારે કંઈ કહેતા, તો બીજા બધા લોકો ચુપચાપ બેસી એકાગ્રતા પૂર્વક તે સાંભળતા. જો તેમને ભારતીય સંગીતનો અભ્યાસ કરવાની ઇચ્છા થાય તો તેઓ એ પણ નિ:સંકોચ કરી શકતા હતા. નીરવ ધ્યાનમાં તેઓ જ્યારે તદ્રુપ થઈ જાય ત્યારે એમના એકાંતમાં કોઈ વિક્ષેપ કરતું નહીં. એવું પણ બનતું કે દિવસો સુધી મૌન રહ્યા બાદ તેઓ એકાએક ઈશ્વરીય વાતો કહેવા માટે આતુર બની જતા : બાકીના સમયે એવી હળવી વાતો કરતા કે જેમાં વિચાર કરવાની બિલકુલ જરૂર જ પડતી નહીં. કેટલીયે વાર પોતાની આધ્યાત્મિકતાનાં સ્પંદનોથી સભર, ઉત્કૃષ્ટ ભાવોથી પરિપૂર્ણ, હૃદયસ્પર્શી વ્યાખ્યાન આપ્યા બાદ આનંદિત બની તેઓ બોલી ઊઠતા : ‘અરે, ભગવાને બચાવ્યો, ચાલો આ પૂરું થઈ ગયું.’ આ રીતે તેઓ ગગનભેદી પ્રજ્ઞાદૃષ્ટિની ઉચ્ચત્તમ ઉડાનને રોકીને અચાનક જ શિશુસહજ સરળતાની ભૂમિ ઉપર ઊતરી આવતા.

પશ્ચિમના આત્મીય મિત્રો સમક્ષ તેઓ કંઈ પણ છૂપાવ્યા વગર, પોતાના મનની વાતો ખુલ્લા દિલે કરતા. ઘણાંને તો તેઓ પોતાની ઇચ્છા મુજબના લાડકાં નામોથી બોલાવતા. શ્રી હેલ અને તેમનાં પત્ની એમના માટે હતા, ‘ફાધર પોપ અને મધર ચર્ચ’ કુમારી જોસેફાઈનને તેઓ યુમ કે જોજોના નામથી બોલાવતા શ્રી ફ્રાન્સિસ લેગેટ એમની શબ્દાવલીમાં હતા ફ્રૈંકિસેન્સ (લોબાન) વગેરે. મિત્રોએ કોઈ સુંદર વાનગી બનાવી હોય તો તેઓ આનંદથી નિહાળતા અને પછી દેશી ઢબે તે હાથમાં લઈને ખાતાં ખાતાં કહેતા, ‘આ રીતે ખાધા વગર કંઈ તૃપ્તિ થોડી મળે?’ આવી રીતભાતથી અપરિચિત એવા એમના પાશ્ચાત્ય મિત્રો શરૂ શરૂમાં તો સ્તબ્ધ બનીને જોઈ રહેતા. પણ પછી એનું તાત્પર્ય સમજ્યા બાદ તેઓને પણ એમાં વધારે આનંદ મળતો. જ્યારે તેઓ યજમાન મિત્રના ઘરમાં આવતા ત્યારે પોતાના ઘર જેવી જ સ્વતંત્રતાને અનુભવતા પોતાના ગળાનો કોલર ખોલી નાંખતા. પગમાંનાં જોડાં કાઢીને ઘરમાં પહેરવાના સ્લીપર પહેરી લેતા. તો યજમાન ખૂબ જ પ્રસન્ન થઈ જતા. ખમીસની બાંયોના કફ તો તેમને બિલકુલ ગમતાં નહીં, એમનું સહજ સંન્યાસી મન વચ્ચે વચ્ચે સમાજના કૃત્રિમ રીત રિવાજો અને રહેણી-કરણી સામે વિદ્રોહ કરી ઊઠતું. ધન પ્રત્યે તો સ્વભાવથી જ અનાસક્ત હતા. તેમના અમેરિકાના શિષ્યો વારંવાર જોતા કે મિત્રોએ એમને એમના અંગત ઉપયોગ માટે પૈસા આપ્યા હોય તો પણ તેઓ ચિડાઈ જતા અને કોઈ ભિખારી કે જરૂરિયાત વાળાને તેઓ આપી દેતા અથવા તો એ રકમમાંથી તેઓ પોતાના કોઈ શિષ્ય કે મિત્ર માટે, ભેટ ખરીદી લેતા. સહસ્ત્રદ્વીપોદ્યાનનું કાર્ય પૂરું થયા બાદ જ્યારે એમને ઘણી મોટી રકમ આપવામાં આવી તો તેની ગતિ પણ એ જ થઈ. એમની દૃષ્ટિમાં ધનનું નહીં પણ મનુષ્યનું મહત્ત્વ હતું.

સ્વામીજીના માનવીય ભાવનું એક દૃષ્ટાંત ડેટ્રોઈટમાં બનેલા એક પ્રસંગ પરથી જાણવા મળે છે. ત્યાં તેઓ એક દિવસ પોતાના અનુરાગી ભક્તને ત્યાં ગયા. ત્યાં જઈને તેમણે પોતાની સ્વાભાવિક સહજતા, સરળતા અને સ્વતંત્રતા સાથે કહ્યું કે તેઓ એક ભારતીય વાનગી બનાવવા ઇચ્છે છે. યજમાને તુરત જ આનંદપૂર્વક સંમતિ આપી. એ પછી તો બધાં એ જોઈને આશ્ચર્યચક્તિ થઈ ગયાં કે સ્વામીજી તો પોતાના ખિસ્સામાંથી ખૂબ બારીક ખાંડેલા મસાલાઓની નાની નાની પડીકીઓ બહાર કાઢી રહ્યા છે. તેમણે દૂર દૂરના ભારતમાંથી એ મંગાવેલી હતી. જ્યારે સ્વામીજી પોતાના પાશ્ચાત્ય શિષ્યોના ઘરે જઈને વાનગીઓ બનાવતા ત્યારે એ લોકોની પ્રસન્નતાનો પાર રહેતો નહીં. એમાં તેઓ એમને મદદ પણ કરતા અને આ રીતે થોડો સમય આત્મીયતાના સહજ આનંદમાં પસાર થતો. શાકમાં તેઓ ક્યારેક ક્યારેક એટલો ગરમ મસાલો નાંખી દેતા કે પશ્ચિમના લોકો માટે એ ખાવું મુશ્કેલ બની જતું. તો વળી ક્યારેક ક્યારેક ભોજન બનાવવામાં એટલો બધો સમય લાગતો કે એ લોકો ભૂખથી વ્યાકુળ બની જતા. પરંતુ ભોજન કરતાં જ જાણે આનંદનો સ્ત્રોત વહેવા લાગતો અને સ્વામીજી આતુરતા પૂર્વક જોતા કે ભારતીય મસાલા મોઢામાં પડતાં જ પશ્ચિમના લોકોનું મોઢું કેવું થઈ જાય છે! આવી વાનગીઓ કાર્યો કરીને થાકી ગયેલા એમના સ્નાયુઓ માટે તૃપ્તિદાયક હોવા છતાં પણ એમની પાચનક્રિયા માટે યોગ્ય નહોતી, તેમ છતાં પણ તેઓ કહેતા હતા કે એ એમના માટે ફાયદાકારક જ છે. એમનો આ બાળસહજ વ્યવહાર એમના પ્રત્યેના લોકોના પ્રેમભર્યા સંબંધને વધારે પુષ્ટ કરતો હતો.

(તાજેતરમાં ગુજરાતીમાં પ્રકાશિત થનાર યુગનાયક વિવેકાનંદ ભાગ-૧ અને ૨માંથી)

Total Views: 27

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.