ગ્રામ પ્રદેશમાં એક ખેડૂત રહેતો હતો. એ સાચો જ્ઞાની હતો. એ ખેતી કરીને ગુજરાન ચલાવતો. એ પરણેલો હતો અને ઘણાં વર્ષો પછી એને ત્યાં એક દીકરો જનમ્યો હતો. એનું નામ હુરુ પડ્યું હતું. માતા-પિતા પુત્રને અત્યંત ચાહતાં હતાં. હુરુ કુટુંબનું અમૂલ્ય રત્ન હોઈ એ સ્વભાવિક હતું. ખેડૂતના ધાર્મિક સ્વભાવને લઈને ગ્રામવાસીઓ એને ચાહતા હતા. એક દિવસ એ ખેતરે કામ કરતો હતો ત્યારે એક પડોશીએ જઈ એને કહ્યું કે હુરુને કોલેરાનો હૂમલો આવ્યો છે. ખેડૂત તરત જ ઘેર ગયો અને પુત્રની સારવારની તજવીજ કરી. પણ હુરુ અવસાન પામ્યો. કુટુંબનાં બીજાં સભ્યો શોકગ્રસ્ત થઈ ગયાં પરંતુ, આ ખેડૂતને તો જાણે કશું ન બન્યું હોય તેમ એ વર્તવા લાગ્યો. પોતાના કુટુંબીજનોને આશ્વાસન આપતાં એણે કહ્યું કે શોક કરવો વૃથા છે, એ તો પાછો ખેતરે ગયો. પાછા ઘેર આવતાં એણે જોયું કે એની પત્ની ઠૂઠવો મૂકીને રડી રહી હતી. એણે પતિને કહ્યું : ‘તમે તે કેવા કઠોર છો! દીકરા માટે આંસુનું એક ટીપું પાડ્યું નથી.’ ખેડૂતે ટાઢકથી જવાબ આપ્યો : ‘શા માટે નથી રડ્યો એ તને કહું? ગઈ રાતના મને એક જોરદાર સ્વપ્ન આવ્યું હતું. સપનામાં હું રાજા હતો; મને આઠ દીકરા હતા અને હું એમની સાથે સુખચેનથી રહેતો હતો. પછી હું જાગી ગયો. હવે હું મૂંઝાઈ ગયો છું. પેલા આઠ પુત્રોને હું રોઉં કે આ એક હુરુને?’

ખેડૂત જ્ઞાની હતો. એટલે એ જાણતો હતો કે, જાગ્રત અવસ્થા પણ સ્વપ્નાવસ્થા જેવી જ જૂઠી છે, સનાતન પદાર્થ એક જ છે અને તે છે આત્મા.

Total Views: 23

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.